Atitrag - 8 books and stories free download online pdf in Gujarati

અતીતરાગ - 8

અતીતરાગ-૮

રીયલ લવ સ્ટોરીને પણ ટક્કર મારે તેવી એક રીલ લવ સ્ટોરી.

હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં રીલથી શરુ થયેલી પ્રેમ કહાની રીયલ લાઈફમાં તબદીલ થયાં બાદ અંગત અને સાર્વજનિક જિંદગીમાં કઈ હદ સુધી તેના સારા-નરસા પરિણામના આઘાત-પ્રત્યાઘાત પડે છે તે વિષય પર વાત કરીશું...
અને એ જગ મશહુર પ્રેમ કહાનીના પાત્રો છે..
ગુરુદત્ત અને વહીદા રહેમાન.

શરૂઆતમાં બંને જોડાયા એક વ્યવસાયિક મિત્રો તરીકે, અને અંત આવ્યો એક ક્લાસિક પ્રેમ કહાની દ્વારા.

એટલા ઘનિષ્ટ સંબંધો કે, તેમના ઊંડા અને ઊંધાં પ્રત્યાઘાત પડ્યા ગુરુદત્તના વૈવાહિક જીવન અને ગુરૂદત્તની અંગત જિંદગી પર પણ હંમેશ માટે પૂર્ણવિરામ મૂકાઈ ગયું..

આપણે વાત કરીશું વહીદા રહેમાન અને ગુરુદત્તની એ પહેલી મુલાકાત વિષે.

બન્ને ક્યાં, કયારે અને કઈ પરીસ્થીતીમાં મળ્યાં..મળ્યાં નહીં પણ ભટકાયા,એ વાત રજુ કરું.

ગુરુદત્ત અને વહીદા રહેમાનના મળવાના આકસ્મિક સંજોગો ઊભાં થયાં એક અકસ્માતના કારણે. હાં. અકસ્માત. અને તે પણ હૈદરાબાદ શહેરમાં.

એક એવો અકસ્માત જે ગુરુદત્ત અને વહીદા રહેમાનની ઝીંદગીનો ટર્નીંગ પોઈન્ટ સાબિત થયો.
જોગાનુજોગ એવાં સંજોગ સર્જાયા કે મુંબઈમાં રહેતાં ગુરુદત્તને ફિલ્મી કામાર્થે હૈદરાબાદ જવાનું થયું.

હૈદરાબાદ જવાનું મુખ્ય કારણ એ હતું કે ગુરુદત્તની ફિલ્મોના દક્ષિણ ભારત રાજ્યોમાં જે ડીસ્ટ્રીબ્યુટર હતાં, તે એક ફિલ્મથી ખુબ પ્રભાવિત થયેલાં.એ દક્ષિણ પ્રાંત ભાષાની ફિલ્મનું નામ હતું ‘મિસી અમ્મા’.

અને તે ડીસ્ટ્રીબ્યુટરનો એવો આગ્રહ હતો કે તે ફિલ્મ ’મિસી અમ્મા’ ને ગુરુદત્ત હિન્દી વર્ઝનમાં રૂપાંતરિત કરી પડદા પર લાવે.

તેમણે ગુરુદત્તને એમ કહ્યું કે, આ ફિલ્મ હૈદરાબાદમાં હાઉસફુલના પાટિયાં ઝુલાવી રહી છે, અને અનહદ લોકચાહના મેળવી રહી છે. એ વાત પરથી ગુરુદત્તે હૈદરાબાદ જવાનું નક્કી કર્યું.

ગુરુદત્તે કારમાં જવાનો પ્લાન ઘડ્યો. કારમાં તેની જોડે તેમના આસિસ્ટન્ટ અબ્રાર અલ્વી અને તેમના પ્રોડક્શન કન્ટ્રોલર ગુરુ સ્વામી પણ જોડાયા.

બીજા દિવસની સવારે તેઓ પહોચ્યાં હૈદરાબાદ.

આ ઘટના છે વર્ષ ૧૯૫૫ની. એ સમયે રાજમાર્ગોની હાલત પણ સારી નહતી અને આધુનિક કાર્સનો જમાનો પણ નહતો ત્યારે, કાર મારફતે પૂરી રાતની મુસાફરી કરી, હૈદરાબાદ જવાનું શુરાતન ગુરુદત્ત જેવાં કોઈ ફિલ્મી આશિકને જ ચડે.

આ પૂરી ઘટનાનો ખરો કાંડ હવે શરુ થયો.

રાતભર ડ્રાઈવીંગના થાકના કારણે કાર ચાલકને ઝોકું આવી જતાં હૈદરાબાદ શહેરના એક વિસ્તારમાં માર્ગ પર બેસેલી એક ભેંસ પર કાર ચડી ગઈ.
આ એ અકસ્માત હતો જે નિમિત્ત બન્યો ગુરુદત્ત અને વહીદા રહેમાનની પ્રથમ મુલકાત માટે.

આ અક્સ્માતમાં કારને ખાસ્સું નુકશાન થયું. એટલે કારની મરમ્મત માટે ત્રણ દિવસ એક મોટર ગેરેજમાં મુકવી પડી.
કારને ગેરેજમાં મૂકી ગુરુદત્તની ટોળકી આવી પહોંચી તેના ડીસ્ટ્રીબ્યુટરની ઓફીસ પર.
ગુરુદત્તને મળીને તેમના ડીસ્ટ્રીબ્યુટર આનંદિત થઇ ગયાં. અને થોડા સમય પછી સૌ રવાના થયાં એ ફિલ્મ ‘મિસી અમ્મા’ જોવા જેણે હૈદરાબાદના ફિલ્મી રસિકોને મંત્રમુગ્ધ કરી મુક્યા હતાં.

ડીસ્ટ્રીબ્યુટર સાથે ગુરુદત્ત,અબ્રાર અલ્વી અને ગુરુ સ્વામી એક એવાં સિનેમા હોલમાં આવી પહોચ્યાં જે થીએટર પ્રેક્ષકોથી ભરચ્ચક હતું.

સૌ એ ‘મિસી અમ્મા’ જોઈ. પણ ત્યારબાદ ગુરુદત્તનો મૂડ ઓફ થઇ ગયો.
ગુરુદત્તને ફિલ્મ સદંતર વાહિયાત લાગી અને તેના ડીસ્ટ્રીબ્યુટર પર ક્રોધિત થઇ ગયાં.

ડીસ્ટ્રીબ્યુટરની હાલત કફોડી થઇ ગઈ. માંડ માંડ ગુરુદત્તનો ગુસ્સો શાંત પાડી, સૌને તેમની ઓફીસ પર લઈને આવ્યાં.

ગુરુદત્ત હજુએ ધૂંધવાયેલા હતાં. એક કારણ એ હતું કે ‘મિસી અમ્મા’ ફિલ્મ તેમને સાવ બકવાસ લાગી, બીજું તેમનો કિંમતી સમય બરબાદ થયો અને નહાકમાં કારને નુકશાન થયું એ અલગ, અને ત્રણ દિવસ માટે તેઓ વગર કારણે હૈદરાબાદમાં ફસાઈ ગયાં.

આ બધું વિચારીને ગુરુદત્તનો મૂડ વધુને વધુ આઉટ ઓફ કંટ્રોલ થતો ગયો.
ગુરુદત્ત અતિશય અકળાઇ ચુક્યા હતાં.. અને ત્યાં એક ચમત્કાર થયો.

ઓફિસની બહાર ચીસાચીસ અને દેકારો શરુ થયો.
માજરો શું છે ? એ જાણવા સૌ ઓફિસની બહાર આવ્યાં.

ગુરુદત્તે દ્રશ્ય જોયું તો.. મોટી સંખ્યામાં યુવાવર્ગ એક કારને ઘેરી વળ્યા હતાં.
જેવી એ કારમાંથી એક ખુબસુરત કન્યા બહાર આવી, ત્યાં સૌ એ ફરી હર્ષોલ્લાસ સાથે ચીચ્યારીઓ પાડવાનું શરુ કર્યું. ભીડનો ઉત્સાહ અને ઉન્માદ બમણો થઇ ગયો.

આશ્ચર્ય સાથે ગુરુદત્તે તેમના ડીસ્ટ્રીબ્યુટર તરફ જોઇને પૂછ્યું
‘આ શું થઇ રહ્યું છે ?’
ડીસ્ટ્રીબ્યુટરે ઉત્તર આપ્યો કે,
આ એક નવોદિત અભિનેત્રી છે. જેણે એક દક્ષિણ ભાષાની ફિલ્મ ‘રોજલું મરઈ’માં એક અફલાતૂન ડાન્સ કર્યો છે, અને તે ફિલ્મ રજત જંયતી મનાવી ચુકી છે.તે ફિલ્મના એક ડાન્સના કારણે આ નવોદિત અભિનેત્રી રાતોરાત અત્યંત લોકપ્રિય બની ચુકી છે. અને તેનું નામ છે વહીદા રહેમાન.

આ અકલ્પનીય જોગાનુજોગ સર્જાયો હતો, કારણ કે તે દિવસોમાં વહીદા રહેમાનનું રહેણાંક હતું મદ્રાસમાં, જેને આજે આપણે સૌ ચેન્નાઈ નામથી ઓળખીયે છીએ. અને વહીદા રહેમાનને હૈદરાબાદ આવવાના સંજોગ એ કારણે બન્યા કે તેમની અભૂતપૂર્વ લોકચાહના અને ફિલ્મ રસિકોની માંગના કારણે સિનેમાઘરોના એસોસીએશને તેમને હૈદરાબાદ આવવાનું ખાસ આમંત્રણ પાઠવ્યું હતું.

મદ્રાસના વહીદા રહેમાન અને મુંબઈના ગુરુદત્ત બન્ને વચ્ચે હૈદરાબાદનું કોઈ કનેક્શન નહતું પણ આ જોડાણ આભારી હતું કિસ્મત કનેક્શનના કારણે.

ત્યારબાદ ગુરુદત્તે તેમના ડીસ્ટ્રીબ્યુટરને વહીદા રહેમાન સાથે એક ઔપચારિક મુલાકાત આયોજન કરવાનું કહ્યું.

વહીદા રહેમાન તેમની માતા સાથે ગુરુદત્તને મળવા આવ્યાં. અને તાજ્જુબની વાત એ હતી કે વહીદા રહેમાન જયારે પ્રથમ વખત મળ્યાં તે પહેલાં વહીદા રહેમાને ગુરુદત્તનું નામ સુદ્ધા નહતું સાંભળ્યું.

મુલાકાત દરમિયાન ગુરુદત્તે બે-ચાર સવાલો પૂછ્યા પણ દરેક પ્રશ્નના ઊત્તર વહીદા રહેમાને ‘હાં’ અથવા ‘ના’માં આપ્યાં.

બસ આટલી ટૂંકી વાર્તાલાપના અંતે ગુરુદત્તે મનોમન નક્કી કરી લીધું કે, તે તેમની આગામી ફિલ્મમાં વહીદા રહેમાનને કાસ્ટ કરશે.

હવે આ ટોટલી મેજિક મિરેકલ ઘટનામાં સર્જનહારના સુપર સસ્પેન્સની કમાલ જુઓ.

ફિલ્મ ‘રોજલું મરઈ"’ જેના કારણે વહીદા રહેમાનને હૈદરાબાદ આવવાનું થયું અને તે ફિલ્મના ડાન્સના કારણે લાખો ફિલ્મ ચાહકોના દિલ-ઓ-દિમાગ પર વહીદા રહેમાન છવાઈ ગયાં અને સાથે સાથે ગુરુદત્ત પર પણ.

એ ‘રોજલું મરઈ’ નો અર્થ થાય છે, ધ ડેઈઝ હેવ ચેન્જડ. અને વાસ્તવમાં વહીદા રહેમાનના દિવસો નહીં પણ સમુળગી જિંદગી જ બદલાઈ ગઈ.

એ પછી ગુરુદત્તે તેમની તેમની ફિલ્મ ‘સી.આઈ.ડી’ માં વહીદા રહેમાન પર એક ખુબ જ લોકપ્રિય ગીત ફિલ્માવ્યું... ‘કહીં પે નિગાહેં.. કહીં પે નિશાના..’

ફિલ્મની હિરોઈન હતી શકીલા પણ વહીદા રહેમાન નાનકડી ભૂમિકામાં પણ તેમના અભિનયનો જાદૂ પાથરીને વાહ વાહી લૂંટી ગયાં. ફિલ્મ ‘સી.આઈ.ડી.’ના નિર્માતા હતાં ગુરુદત્ત, દિગ્દર્શક હતાં રાજ ખોસલા અને નાયકની ભૂમિકામાં હતાં સદબહાર હરફન મૌલા દેવ આનંદ.

આગામી કડી..

બે નામનું જોડાણ કરીને એક નવું નામ બનાવવાની પ્રથા.
ઉદાહરણ તરીકે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ નામ આપ્યું ‘વિરુષ્કા’

આપને ખ્યાલ છે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં સૌ પ્રથમ આ પ્રથાની શરૂઆત કોણે કરી હતી ? કયારે કરી હતી ? અને કઈ મશહુર ફિલ્મ જોડીએ કરી હતી ?

એ વાતને આશરે પાંચ દાયકા વીતી ગયાં. જી હાં, પાંચસ વર્ષ પહેલાં આવું એક નામ આવ્યું હતું..

એ ઇન્ટરેસ્ટીંગ ઘટના વિષે વિગતવાર વાત કરીશું અતીતરાગ સીરીઝના
નેક્સ્ટ એપિસોડમાં.

વિજય રાવલ
૧૬/૦૮/૨૦૨૨