Street No.69 - 19 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -19

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -19

પ્રકરણ -19

સ્ટ્રીટ નંબર 69

 

સોહમ ઘરે આવ્યો અને એનાં માટે આશ્ચર્યનો પુલીંદો રાહ જોઈ રહેલો. સોહમની ઘરે આવવાની એની બહેનો રાહ જોઈ રહેલી. સોહમ હજી આશ્ચર્યનાં આઘાતમાંથી બહાર નીકળે પહેલાં એનાં બોસનો ફોન આવી ગયો કે આ ગીફ્ટ એમની કંપનીનાં ચીફ તરફથી મળી છે. સોહમ ત્યાંજ બેસી પડ્યો કે આ શું? આશ્ચર્ય છે ? મને તો સાવી ચેતવણી આપીને ગઈ હતી કે હવે એલર્ટ રહેજે. એણે વિચાર્યું હવે કંઈ આગળ વિચારવું નથી જે થવું હોય થવા દો... કશું મારાં કાબુમાં નથી. આમ પણ સાંજ પડી ગઈ સાવી અદ્રશ્યજ થઇ ગઈ પહેલાં પણ એ ઘરે આવેલી ત્યારે...

સોહમે બેલા અને સુનિતા સામે જોઈને કહ્યું “આ મારાં બોસે ગીફ્ટ મોકલી છે...હમણાં એમનોજ ફોન હતો...એન્જોય..” બેલા તો રીતસર સોહમને વળગી પડી... “દાદા શું વાત છે હમણાં થોડાં દિવસથી બધાં ચમત્કારજ થઇ રહ્યાં છે...આનું કારણ ક્યાંક તમારી ગર્લફ્રેન્ડ તો નથીને ? તમારાં બોસ તો કાયમ તમારી સાથે...” ત્યાં સુનિતાએ વચમાં આવું કીધું. અચાનક એમનામાં ફેરફાર ક્યાંથી આવ્યો ?”

ત્યાં આઈ આવીને બોલી...”સોહમ દીકરા આજે આ ટીવી આવ્યું...આટલું મોટું? એને લાયક તો આપણી પાસે રૂમ પણ નથી...દીકરા એકદમજ તારાં ગ્રહો ફરી ગયાં ? વચકડાં લેતો બોસ એકદમજ તારાં ઉપર વારી ગયો ? આનું સાચું કારણ શું છે ? આમ બધું જોઈને ખુશી થાય છે પણ ઊંડે ઊંડે ડર લાગે છે...”

“સોહમ... આપણે રહ્યાં સામાન્ય ઘરનાં માણસો આપણે આવું બધું ના પોષાય...આપણે આપણી જેટલી ચાદર છે એમાંજ રહેવું જોઈએ...સાચું કહેજે સોહમ તારો કોઈ કુંડાળામાં પગ તો નથી પડી ગયોને ?...”

સોહમે આઈને કહ્યું “આઈ... હું બધુંજ જાણું છું સમજું છું જે કંપનીમાં જોબ કરતો હતો ત્યાંજ કરું છું. હમણાંથી મારાં પ્રોજેક્ટ એવાં તૈયાર થાય છે કે એનાંથી કંપનીને ખુબ ફાયદો થાય છે અને એનો શિરપાવ મને મળે છે...મારો પગ કોઈ એવાં ખોટાં કુંડાળામાં નથી પડ્યો...”

“હાં એકવાત તને આજે સ્પષ્ટ કરી દઉં આ બધીજ સફળતાંમાં કોઈ બીજાનો હાથ હોય એવું લાગે છે કોઈની કૃપાશક્તિ છે જેનાંથી મને અત્યારે બધું મળી રહ્યું છે સાવી મારી મિત્ર છે એ પણ આપણાં જેવાં સામાન્ય ઘરમાંથીજ આવે છે એને બે બહેનો છે એનાં પેરેન્ટ્સ સાથે ગોરેગાંવ રહે છે..”. ત્યાં આઈ વચ્ચે બોલી “ એતો જાદુગરણી છે ને ? એનાંથી તને બધું તને મળી રહ્યું છે ને ? આપણને આવું ફોકટનું ના પોષાય આવું આવી રીતે અચાનક મળી જાય અને ક્યારે છીનવાઈ જશે ખબર નહીં પડે...તું એનાંથી દૂર રહે દીકરા...”

સોહમે કહ્યું “આઈ... તું આમ કાંઈ જાણ્યાં વિના કોઈનાં માટે મદાર ના બાંધી દે એ ખુબ સારી છોકરી છે એલોકો બેંગોલી બ્રાહ્મણ છે... માં એ જાદુગરણી નથી પણ અઘોર શાસ્ત્ર ભણી અઘોરણ બની છે એની પાસે ઘણી સિદ્ધિ શક્તિઓ છે પણ એ જ્યાં ત્યાં એનો ઉપયોગ નથી કરતી મારે એની સાથે ખાસ મિત્રતા છે એ અચાનક જ મને મારી ઓફીસ પાસે મળી ગઈ હતી... આઈ તું ચિંતા ના કર હું બધું સમજુ છું અને બહું જવાબદારી પૂર્વક જોઈ રહ્યોં છું.”

વંદના આઇએ કહ્યું “સોહમ હું જાણું છું તું ખુબ જવાબદાર છોકરો છે... તારે બે નાની બહેનો છે એમને પરણાવવાની છે એજ મોટી જવાબદારી તારાં માથે છે અમે પણ છીએ...પણ તારાં બાબા હવે થોડાં વર્ષોમાં રીટાયર્ડ થઇ જશે હું જે પાર્ટી માટે કામ કરું છું ત્યાં એટલાં પૈસા નથી મળતાં કે...”

સોહમે કહ્યું “આઈ બસ કર હવે હું બધું જાણું છું અને હું જે કરું છું બધું સમજીને કરું છું જે મળી રહ્યું છે એ કોઈ વિશેષ વરદાન નથી અધિક કંઈ નથી. કાલે ઓફીસ જઈશ..”.પછી આગળ બોલ્યો નહીં એનેજ ખબર નહોતી શું બોલે ? અચાનક ઘટતી ઘટનાઓથી અવાક બની ગયેલો. એને થયું સાવી વહેલી જતી રહી મારે ઘણી વાતો કરવી હતી...

વિચારોમાંથી નીકળી એ બાથ લેવા બાથરૂમમાં ઘુસ્યો...

સોહમ નાહીધોઈને બહાર આવ્યો એણે જોયું ડ્રોઈંગ રૂમમાં નાનાં ટીવીની જગ્યાએ મોટાં સ્ક્રીનનું ટીવી લાગી ગયું હતું...ઘરનાં બધાંજ આનંદથી ટીવી જોઈ રહ્યાં. બે સેકન્ડ એને પણ આનંદ થઇ ગયો...એણે ટીવી સિવાય ઘરમાં બીજે બધે નજર ફેરવી એને થયું ઘરની હાલત ખસ્તા છે અને રૂમમાં અત્યારે જલસા છે. એને ફરીથી વિચાર સળવળી ગયો એને થયું સાવી છોકરી થઈને બધી વિદ્યા શીખી ગઈ...અઘોરણ થઇ જે જોઈએ એ પામી ગઈ...પોતે તો પામી પણ મને કેટલું આપી ગઈ ? એ સાથે હોય ત્યારે મને કેટલું સારું લાગે છે...સુકુન અનુભવું છું...

એ પોતાનાં રૂમમાં આવ્યો...ત્યાં એને એક વિચાર ચમકી ગયો કે આટલાં રાત્રીમાં 9 વાગી ગયાં બાબા હજી ઘરે નથી આવ્યાં ? એણે પાછો વિચાર કર્યો કે એમનાં મિત્રો સાથે સ્ટેશન સામે બેઠાં હશે લાવ સાવીને ફોન કરવા દે...ટીવી અંગે પણ જણાવું.

એણે સાવીને ફોન કર્યો પણ બીઝી આવતો હતો...એને થયું થોડીવાર પછી કરું એમ વિચારી એણે નાઈટ શૂટ પહેર્યો અને એનાં રૂમમાંથી એને ટીવીનો અવાજ આવી રહેલો ઘરનાં બધાં ખુશ હતાં એનો એને આનંદ હતો...

એને આઈની વાતો યાદ આવી ગઈ બધીજ કે આપણે સામાન્ય ઘરનાં માણસો છે આપણી ચાદર હોય એટલાંજ પગ લાંબા કરવાં... તો શું મધ્યમવર્ગનાં માણસોને ઊંચા સ્વપ્ન જોવાનો અધિકારજ નથી ? આટલી કારમી મોંઘવારી... ડગલે ને પગલે હરિફાઇ બધાંને બધું મેળવી લેવાની મહેચ્છા કે ઘેલછા ? સીધાં રસ્તે ના મળે તો બીજા ટૂંકા રસ્તા અપનાવો ભલે એ રસ્તા..”. ત્યાં મોબાઈલમાં રીંગ આવી.

સાવીનો ફોન હતો... સોહમે કહ્યું “મેં કરેલો થયું તારી સાથે વાત કરું પણ તારો ફોન બીઝી હતો...ક્યાં વાત ચાલતી હતી ?” સાવીએ કહ્યું “તું શું વાત હતી એ કહેને ?” સોહમને ખબર નહીં શું થયું એણે...

 

વધુ આવતા અંકે પ્રકરણ 20