Atut Bandhan - 1 books and stories free download online pdf in Gujarati

અતૂટ બંધન - 1






પ્રેમ એક એવી લાગણી છે જેને શબ્દોમાં વ્યક્ત કરવું અશક્ય છે. જે વ્યક્તિ એવું કહે છે કે એને પ્રેમમાં વિશ્વાસ નથી એ પણ ક્યાંક ને ક્યાંક કોઈકને તો પ્રેમ કરતો જ હોય છે. પ્રેમમાં આવતાં ઉતારચઢાવ, એમાં મળતી નિષ્ફળતા કે સફળતા બધું જ વ્હાલું લાગે છે. પ્રેમમાં વિરહની વેદના પણ મિલન બાદ મધુરી લાગે છે.

જીવનમાં પ્રેમ નહીં હોય તો આ જીવન વ્યર્થ છે. મારી આ ધારાવાહિક એક એવી પ્રેમકથા છે જેમાં આપ સૌને પ્રેમ, નફરત, મિત્રતા, દુશ્મની, ખુશી, દુઃખ, વ્યથા, વિરહ, મિલન બધી જ લાગણીઓનો અનુભવ થશે.

તો ચાલો શરૂ કરીએ મારી ધારાવાહિક અતૂટ બંધન

********

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા
જાણે મૌસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યા
તમે યાદ આવ્યા
તમે યાદ આવ્યા
પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં...

ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં
ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં
જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ
એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં
તમે યાદ આવ્યાં
તમે યાદ આવ્યાં
પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા.....

રેડિયો પર હરિન્દ્ર દવેની આ પ્રખ્યાત ગઝલનાં સુર સોનાલી વાજપેયીનાં સ્વરમાં રેલાઈ રહ્યાં હતાં. સાંભળીને થાય કે બસ બેસીને આંખો બંધ કરી સાંભળ્યા જ કરીએ. અને કદાચ એટલે જ એકવીસ વર્ષની અંજલી સોફા પર આડી પડી પડી એનાં રેશમી ખુલ્લાં વાળને આંગળીઓ વડે સુલજાવી રહી હતી અને સાથે ગીતનાં શબ્દો ગણગણતી હતી.

સુંદર, મોટી અણિયાળી આંખો, લંબગોળાકાર ગોરો ચહેરો, લાંબા પાતળા હોઠ, હસતી વખતે બંને ગાલ પર પડતાં ખંજન, ખભા સુધીનાં રેશમી હાઈ લાઈટ કરેલા વાળ, ઘૂંટણ સુધીનું રેડ કલરનું વન પીસ પહેરેલ અંજલી કોઈ મોડર્ન અપ્સરાથી કમ નહતી લાગતી. એ વારંવાર ઘડિયાળ તરફ જોઈ રહી હતી.

"હજી હાર્દિકને આવવામાં એક કલાકની વાર છે મેડમ. ઘડિયાળ પરથી નજર હટાવો." દયાબેન, અંજલીનાં મમ્મીએ મીઠો ઠપકો આપ્યો અને હસતાં હસતાં ને ગીત ગાતાં ગાતાં કિચનમાં ગયા. અંજલીએ દીવાલ પર લાગેલ ઘડિયાળ તરફ ફરી નજર કરી અને ફરીથી ગઝલ ગણગણવા લાગી.

હાર્દિક સાથે સગાઈ થયાં પછી પહેલીવાર એ અને હાર્દિક સાથે એકલા બહાર જવાના હતા. આજ પહેલાં જ્યારે પણ મળવાનું થયું ત્યારે પરિવારની હાજરીમાં જ તેઓ એકબીજાને મળતાં હતાં પણ આજે એમને એકલા મળવાની પરવાનગી મળી હતી તેથી એ ખૂબ જ ઉત્સાહિત હતી અને ઉપરથી આજે વેલેન્ટાઈન દિવસ હતો તેથી એની ખુશી બમણી હતી. અને એમાં પણ રેડિયો પર વાગી રહેલ પ્રેમની અભિવ્યક્તિ કરતી ગઝલ...એનું મન ક્યારનું હાર્દિક પાસે જવા ઉડીને જવા માટે ઝંખી રહ્યું હતું પણ હજી એક કલાકની વાર હતી. એણે એના માથે ટપલી મારી અને હસી પડી.

સાંજનો સમય હોવાથી ગોવિંદભાઈ પણ એમની નોકરીએથી પાછા ફર્યા. ઘરમાં પ્રવેશ કરતાં જ એમણે ગઝલ સાંભળી અને એમણે એક નજર દયાબેન તરફ કરી ગીતની કડીઓ ગણગણતા એમનાં રૂમમાં ગયાં.

રેડિયો પર વાગી રહેલ ગઝલ સાથે ઘરનાં લોકોનો પણ સુર ઉમેરાયો અને વાતાવરણ આહ્લાદક બની ગયું. પણ આવા ખુશમય વાતાવરણ વચ્ચે ઘરનાં ખૂણામાં આવેલ એક રૂમમાં આ પ્રેમભરી ગઝલ સાંભળી પોતાના બંને હાથ કાન પર રાખી એ ગઝલનાં શબ્દો કાને ન પડે એવા વ્યર્થ પ્રયત્નો કરી રહેલ ત્રેવીસ ચોવીસ વર્ષની એક યુવતી પોતાના આંસુઓને રોકવાના વ્યર્થ પ્રયાસ રહી હતી. પણ કેમેય કરી એનાં આંસુ રોકાવાનું નામ જ નહતાં લઈ રહ્યાં.

લાંબા કાળા ભમ્મર વાળ, ગોરો વાન, પાતળા હોઠ, રડી રડીને સોજી ગયેલી આંખો અને આંખો ફરતે કાળા કુંડાળા, લાંબી ડોક, સાવ નંખાઈ ગયેલા શરીર પર એક પણ આભૂષણ નહીં અને સફેદ લીબાસ. જોઈને જ કહી શકાય કે એણે ખૂબ જ નાની ઉંમરમાં પોતાનો ભરથાર ગુમાવ્યો હશે.

"વૈદેહી દીદી, હું કેવી લાગુ છું ? હાર્દિકને આ ડ્રેસમાં હું પસંદ તો આવીશ ને ?" અંજલીએ આવી એની સામે પોતાનો લાલ ડ્રેસ પકડી ગોળ ગોળ ફરતાં પૂછ્યું.

એ જે ખૂણામાં બેસી આંસુ વહાવી રહી હતી એનું નામ વૈદેહી હતું. વૈદેહીએ એનાં આંસુ લૂછ્યા અને કહ્યું,

"તું એકદમ અપ્સરા જેવી દેખાઈ રહી છે."

"Thank you didi." આટલું કહી વૈદેહીને કેવું લાગશે ? એનાં મન પર શું વીતી રહી હશે ? એની પરવાહ કર્યા વિના અંજલી ત્યાંથી જતી રહી.

વૈદેહી એને જતાં જોઈ રહી. એની આંખોમાં ફરી આંસુ આવી ગયા. એણે ફરીથી એનાં કાને હાથ મૂકી દીધા.

બહાર વાગી રહેલ ગઝલનાં એક એક શબ્દ સાથે એ એનાં ભૂતકાળમાં ગરકાવ થઈ રહી હતી. એ ભૂતકાળ જેને ભૂલવો એનાં માટે અશક્ય હતો પણ એ ભૂતકાળની યાદોને હૃદયનાં કોઈ ખૂણામાં ધરબોડી દેવા મથતી વૈદેહીને આ ગઝલ અને આજનો દિવસ ફરી એનાં ભૂતકાળમાં લઈ જતો હતો.

એ ભૂતકાળ જ્યાં ખુશીઓ હતી, પ્રેમ હતો, લાગણીઓ હતી, જીવન હતું. એ જીવન જેને જીવવાની ઝંખના વૈદેહીને હંમેશાથી હતી. પણ આજે એને આ જીવન ભારરૂપ લાગી રહ્યું હતું. એણે એનું જીવન ટૂંકાવવાનો વિચાર પણ કર્યો હતો પરંતુ....

"તું જીવીશ. આ જીવનને ભરપૂર માણીશ. મારું સપનું પૂરું કરવા માટે તારે જીવવું પડશે." આ શબ્દો યાદ આવતાં જ એણે એનાં કદમ પાછા હટાવી લીધાં હતાં. એનાં શબ્દોને વાગોળી એ જીવી તો રહી હતી પણ જીવનને માણવાનું તો એ એનાં જતાં જ ભૂલી ગઈ હતી.

"જ્યારે તું મોટા ટેબલ પર બેસી આખા જિલ્લાની કમાન તારા હાથમાં લેશે ને ત્યારે હું તને જોઈને હરખાઈશ અને બધાને કહીશ કે જો એ ટેબલ સંભાળી રહી છે ને એ કલેકટરનો હું પતિ છું." એ કહેતો.

"જા ને હવે. એવું તો કોઈ કહેતું હોય ? હું તો એવું કહીશ કે જુઓ આ છે મારાં પતિ જેણે મને આ મુકામ પર પહોંચાડી છે. મારી પ્રેરણા, મારું મનોબળ, મારું જીવન..." વૈદેહી કહેતી.

"હવે આ શોક પૂરો થયો હોય તો કામે વળગી જાવ. મહારાણી ત્રણ મહિનાથી બસ ખૂણામાં બેસીને મફતનું ગળામાં થુસ્યા જ કરે છે. કંઈ અહીંયા ફેક્ટરી લાગેલી છે રૂપિયાની ? તારા માબાપ કંઈ ઘરમાં રૂપિયાનાં પેટાળ નથી ભરી ગ્યા તારા માટે." પોતાની મામી દયાબેનનાં આવા કડવા શબ્દો સાંભળી વૈદેહી વર્તમાનમાં પાછી ફરી. એની આંખમાંથી દડદડ આંસુ વહેવા લાગ્યા. એ જાણતી હતી કે એનાં આંસુઓની અહીંયા કોઈના પર કોઈ અસર નહીં થાય તેથી એણે એનાં આંસુ લૂછી નાંખ્યા અને માંડ ઉભી થઈ રસોડાં તરફ એનાં ડગ માંડ્યા.

રસોડામાં જઈને એણે જોયું તો બધું અસ્તવ્યસ્ત પડેલું હતું. વૈદેહીએ એની સાડીનો છેડો ખોસ્યો અને કામમાં લાગી ગઈ. એણે જલ્દી જલ્દી બધી વસ્તુઓ એનાં ઠેકાણે મૂકી અને પછી રસોઈ બનાવવા લાગી ગઈ. થોડીવારમાં હાર્દિક આવી પહોંચ્યો. હાર્દિકને જોઈ અંજલી ખુશ થઈ ગઈ.

"આવો આવો જમાઈરાજ, બેસો." ગોવિંદભાઈએ હાર્દિકને આવકારો આપતાં કહ્યું.

હાર્દિકે પગે લાગી એમનાં આશિર્વાદ લીધા અને અંજલીની બાજુમાં જઈને બેઠો.

"અરે હાર્દિકકુમાર, ક્યારે આવ્યા ?" દયાબેન બેઠકખંડમાં આવતાં બોલ્યાં.

"હજી આવ્યો જ છું મમ્મી." હાર્દિકે કહ્યું અને દયાબેનને પણ પગે લાગી આશિર્વાદ લીધા.

"વૈદેહી, હાર્દિકકુમાર માટે પાણી લઈ આવ તો." દયાબેને વૈદેહીને બૂમ પાડીને કહ્યું.

વૈદેહી તરત જ પાણી લઈને આવી. પાણી લેતાં લેતાં હાર્દિકે એનાં તરફ જોયું અને સહેજ હસ્યો પણ વૈદેહી ઈચ્છવા છતાં પણ હસી શકી નહીં અને રસોડામાં જતી રહી. હાર્દિક એને જતાં જોઈ રહ્યો.

######

કેવો હતો વૈદેહીનો ભૂતકાળ ? શું હશે એનાં ભવિષ્યમાં ? જાણવા માટે વાંચતા રહો અતૂટ બંધન