Atut Bandhan - 7 books and stories free download online pdf in Gujarati

અતૂટ બંધન - 7





(વૈદેહી ઘરે મોડી પહોંચે છે અને અંજલી એને સાર્થક સાથે વાત કરતાં જોઈ લે છે જેની જાણ એ દયાબેનને કરે છે. આ વાતથી ગુસ્સે થઈ દયાબેન વૈદેહી પર હાથ ઉપાડે છે. શિખા એને એ ઘર છોડી દેવા કહે છે પણ વૈદેહી ના કહે છે. બંને ઘરે જવા માટે કોલેજની બહાર નીકળે છે જ્યાં સાર્થક આવે છે. વૈદેહી એ જાણી આઘાત પામે છે કે સાર્થક શિખાનો ભાઈ છે. વૈદેહીની ઉદાસીનું કારણ સાર્થક શિખાને પૂછવાનું વિચારે છે. હવે આગળ)

સાર્થકનું ધ્યાન ગાડી ચલાવવામાં ઓછું અને વૈદેહીનાં વિચારમાં વધુ હતું. શિખાએ બે ત્રણવાર સાર્થકને કંઇક પૂછ્યું પણ સાર્થક એનાં વિચારોમાં એટલો ખોવાયેલો હતો કે એને શિખા શું કહી રહી હતી એ સંભળાયું જ નહીં.

"ભાઈ...ભાઈ !" શિખાએ સાર્થકની આંખો આગળ ચપટી વગાડી.

"હં....શું ?" સાર્થકે શિખા તરફ જોઈ કહ્યું.

"ભાઈ, હું કંઇક કહી રહી છું. તમારું ધ્યાન ક્યાં છે ?" શિખાએ કહ્યું.

"ક્યાંય નહીં. તું બોલ..શું કહેતી હતી ?"

"ભાઈ, એ હું એમ કહેતી હતી કે...."

"અં...શિખુ, તેં તારી ફ્રેન્ડને પાર્ટીમાં ઇન્વાઇટ કરી છે કે નહીં ?" સાર્થકે વૈદેહી વિશે જાણવા વાતની શરૂઆત કરતાં કહ્યું.

"ઈચ્છા તો મારી બહુ જ હતી એને બોલાવવાની પણ નથી બોલાવી શકતી." શિખાએ મોં નાનું કરી કહ્યું.

"કેમ ? શું થયું ? એ આવવાની ના પાડે છે કે પછી એનાં ઘરેથી કોઈ ના કહે છે ?"

"એનાં ઘરેથી ના કહ્યું હોત તો તો હું કંઈ પણ કરી એને મનાવી લેત પણ આ બધું એ સ્ટુપીડ નકલી એસીપીનાં કારણે થયું છે." શિખાએ દાંત કચકચાવીને કહ્યું.

'નકલી એસીપી ? આ તો મારી વાત કરે છે.' સાર્થકે વિચાર્યું અને શિખાને પૂછ્યું,

"નકલી એસીપી ? મતલબ ?"

"તો શું ? એક છોકરાએ પોતાને એસીપી કહી વૈદુની મદદ કરી હતી અને પછી ત્રણ ચાર વાર એની સાથે અનાયાસે મુલાકાત થઈ ગઈ. જો એ દિવસે થોડી હિંમત બતાવી હું જ એ વિક્રમ પાસે ગઈ હોત તો આ બધું થયું જ ન હોત."

"વિક્રમ પાસે તું શા માટે જતે ?" સાર્થકે આશ્ચર્ય સાથે પૂછ્યું.

સાર્થકનાં આ પ્રશ્નથી શિખાને ભાન થયું કે એ વૈદેહી વિશે કહેતાં કહેતાં વિક્રમ વિશે પણ બોલી ગઈ. એનાં તરફથી કોઈ જવાબ ન મળ્યો તેથી સાર્થકે ફરીથી પૂછ્યું,

"શિખુ, હું કંઇક પૂછી રહ્યો છું. વિક્રમ પાસે તું શા માટે જવાની હતી ?" સાર્થકે પૂછ્યું.

"વિ...વિક્રમ...વિક્રમ નહીં ભાઈ વિક્રમ સર, એ...એ અમારાં પ્રોફેસર છે...અને હું...હું..."

"શિખા, મારે ફક્ત સત્ય સાંભળવું છે." સાર્થકે કડકાઈથી પૂછ્યું.

શિખા રડવા જેવી થઈ ગઈ અને એણે સાર્થકને કઈ રીતે વિક્રમ એને હેરાન કરતો અને એની ધમકીથી માંડીને વેલેન્ટાઈન ડેના રોજ જે કંઈ પણ થયું એ અને ત્યાર પછી વૈદેહીને એ છોકરો ક્યાં ને કઈ રીતે મળ્યો એ બધું કહ્યું.

"ગઈકાલે એ નકલી એસીપી વૈદુને બજારમાં મળ્યો હતો અને એની સાથે વાત કરવા લાગ્યો હતો. વૈદુની મામાની દીકરી અંજલીએ આ જોયું અને ઘરે જઈને કહ્યું કે વૈદુ કોઈ છોકરાં સાથે બજારમાં હતી અને આ વાતને ઊંધી રીતે લઈ એની મામીએ એનાં પર હાથ ઉપાડ્યો. એટલું જ નહીં એનાં હાથ પર એમણે દામ પણ આપ્યો હતો." શિખાએ કહ્યું.

આ સાંભળી સાર્થક આઘાત પામ્યો. એને પોતાના પર ગુસ્સો આવવા લાગ્યો. એની આંખોના ખૂણા ભીના થઈ ગયા.

બીજી તરફ વૈદેહી એ જાણી આઘાતમાં હતી કે સાર્થક શિખાનો ભાઈ છે અને જો બીજીવાર એ વૈદેહી સામે આવશે કે પછી ક્યાંક એ મળી જશે તો પોતે એની સાથે કઈ રીતે બિહેવ કરશે ? જો એનાં મામા મામીને ખબર પડશે કે જેની સાથે અંજલીએ એને બજારમાં વાત કરતાં જોઈ હતી એ છોકરો શિખાનો ભાઈ છે તો તેઓ પોતાનું કોલેજ જવાનું જ બંધ કરાવી દેશે. આ વિચારે વૈદેહીને અંદરથી હચમચાવી મૂકી.

વૈદેહીએ આજે કૉલેજથી વહેલી નીકળી હોવાથી અને મન બેચેન હોવાથી શિવ મંદિરે જવાનું વિચાર્યું. એ રિક્ષામાંથી ઉતરી ચાલતી જ એમની સોસાયટીની નજીક આવેલા શિવ મંદિરે ગઈ. શિવજીનાં દર્શન કરી એ ત્યાં જ ઓટલા પર બેસી ગઈ. એનાં મનમાં ઘણાં પ્રશ્નો હતાં. એનાં હ્રદયમાં ઘણી વેદના હતી જે અત્યારે આંસુ રૂપે બહાર નીકળી રહી હતી. એણે એની આંખો બંધ કરી અને બે હાથ જોડયા.

'હું તમારી પાસે કોઈ ફરિયાદ લઈને નથી આવી શિવજી. મારે કોઈ ફરિયાદ કરવી પણ નથી. બસ હું તો તમને એક જ પ્રાર્થના કરવા આવી છું કે જે કંઈ દુઃખ દર્દ આપવું હોય એ મને આપો. કોઈ મારાં કારણે મારાં મૃત માતાપિતાનાં નામને કલંકિત કરે એવું હું નથી ઈચ્છતી. પ્લીઝ એટલું ધ્યાન રાખજો.' વૈદેહી મનમાં બોલી અને આંખો ખોલી.

"બેટા, શિવજી ક્યારેય એનાં ભક્તોને નિરાશ નથી કરતાં. તારી બધી મનોકામના પૂર્ણ થાય." મંદિરનાં પૂજારીએ વૈદેહીનાં માથે હાથ મૂકીને કહ્યું અને એને પ્રસાદ આપ્યો.

વૈદેહીએ પ્રસાદ લીધો અને થોડીવાર ત્યાં બેઠાં પછી એનાં ઘર તરફ ગઈ. રસ્તામાં એને કેટલાય વિચારો આવી ગયા. પહેલાં દયાબેન એને મહેણાં મારતાં અને એનાં પર ખીજાતા, એને ન બોલવાનું બોલી જતાં પણ વૈદેહી એ બધું અવગણી હસતાં મોંઢે ઘરે ફરતી પણ આજે એનાં મનમાં ડર હતો. એનાં પગ આગળ જતાં ધ્રુજી રહ્યાં હતાં. ગઈકાલે દયાબેનનાં અત્યાચારે વૈદેહીનાં મનમાં એવો ડર પેદા કર્યો હતો કે ચાલતાં ચાલતાં પણ એનાં હાથ પગ કંપી રહ્યાં હતાં.

જે ડર અને પીડા સાથે એ ઘર તરફ જઈ રહી હતી એ ડર અને પીડામાં ઘરે પહોંચતા જ વધારો થવાનો હતો એ વૈદેહી નહતી જાણતી.

એનાં ઘરની બહાર ભીડ જામેલી હતી. ભીડને ચીરતી એ ઘરમાં ગઈ. ઘરની અંદર બધું ફર્નિચર અસ્તવ્યસ્ત પડેલું હતું. દયાબેન એક ખૂણામાં ગભરાયેલી હાલતમાં બેઠેલા હતાં. અંજલી ક્યાંય દેખાતી નહતી જ્યારે ગોવિંદભાઈ એક ગુંડા મવાલી જેવા લાગતાં વ્યક્તિનાં પગ પકડીને રડી રહ્યાં હતાં. એમનાં ચહેરા પર ઘાવ જોઈ વૈદેહી સમજી ગઈ કે એ ગુંડાએ ગોવિંદભાઈને માર્યા હશે.

એ ગુંડાએ ગોવિંદભાઈની ચિબુક પકડી અને કહ્યું,

"જો ચૂકવવાની ત્રેવડ નહતી તો પછી ઉધાર લીધું જ શા માટે ? હવે જ્યારે પૈસા ચૂકવવાનો ટાઈમ થયો તો બહાના બનાવે છે." એ ગુંડાએ કહ્યું.

"ભાઈ...ભાઈ...હું તમારું બધું ઉધાર ચૂકવી દઈશ. મને...મને થોડો સમય આપો." ગોવિંદભાઈએ કહ્યું.

"ત્રીસ લાખ...તારે ત્રીસ લાખ રૂપિયા ચૂકવવાના છે. ક્યાંથી લાવીશ ? ચાલ નીકળ અહીંયાથી...જે દિવસે તારી પાસે ત્રીસ લાખ રૂપિયા આવી જાય એ દિવસે અહીંયા આવજે. ચલ હટ.." પેલાં ગુંડાએ ગોવિંદભાઈને લાત મારી.

"મામાજી..." વૈદેહીનાં મોંઢેથી ચીસ નીકળી ગઈ.

વૈદેહીની ચીસ સાંભળી પેલાં ગુંડાએ એની તરફ જોયું. એ ગુંડાની ક્રૂરતા એનાં ચહેરા પર જ દેખાતી હતી. વૈદેહી એને જોઈ ડરી ગઈ. એ ગુંડો વૈદેહીની નજીક આવ્યો અને એને ઉપરથી નીચે સુધી જોઈ. એણે પહેલાં ગોવિંદભાઈ તરફ જોયું અને પછી દયાબેન તરફ જોયું.

"એય કાલિયા, બધાને ભગાડ અહીંથી." પેલાં ગુંડાએ કહ્યું.

અને બીજો ગુંડો જેનું નામ કાલિયા હતું એણે બધાને ઘરની બહારથી ભગાડી દીધા. એમનાં જતાં જ પેલો મુખ્ય ગુંડો ગોવિંદભાઈ પાસે ગયો અને એમને ઉભા કર્યા.

"જો ગોવિંદ, હું વાયદાનો પાક્કો છું. જે કહું છું એ કરીને જ રહું છું. તેં મારી પાસેથી રૂપિયા લીધા ત્યારે જ મેં તને કહ્યું હતું કે જો મને મારા રૂપિયા વ્યાજ સહિત પાછા નહીં મળ્યા તો તારું ઘર મારું." પેલાં ગુંડાએ કહ્યું.

"સિ....સિરાજભાઈ...હું...તમને..."
Inવૈદેહીને પહેલીવાર જાણ થઈ કે એ ગુંડાનું નામ સિરાજ હતું. એ સિરાજે ફરીથી વૈદેહી તરફ જોયું અને ગોવિંદભાઈનાં ખભે હાથ મૂકીને કહ્યું,

"પણ આજે હું મારા દરેક નિયમો તોડવા જઈ રહ્યો છું. ચાલ, તારું બધું ઉધાર માફ. તારે મને એક રૂપિયો પણ આપવાનો નથી થતો. ખુશ..." સિરાજે કહ્યું.

આ સાંભળી ગોવિંદભાઈ અને દયાબેન આશ્ચર્ય પામ્યા અને સાથે સાથે ખુશ પણ થઈ ગયાં. પણ તેઓ એ વાતથી અજાણ હતા કે સિરાજનાં મનમાં શું શેતાની વિચારો દોડી રહ્યાં છે.

વધુ આવતાં ભાગમાં....