Maun Mansa in Gujarati Short Stories by Dr. Nilesh Thakor books and stories PDF | મૌન મનસા

મૌન મનસા

વિલાયેલું મોં, નિરાશ મન અને હતાશા પૂર્વક હાથ માં પ્રેમ થી સાચવી ને પકડેલા નાના સ્પાઇડર મેન ના રમકડાં સાથે 5 વર્ષ નો અવિ કાર માંથી ઉતર્યો. આ પહેલી વાર નહોતું, આદિ જોડે આવું ઘણીવાર બનતું કે પોતાના પપ્પા શનિ -રવિ સાથે રમવાનું પ્રોમિસ આપે ને પછી પોતે જ કામ માં વ્યસ્ત થઈ જાય. આજે શુકવાર ની સાંજે એના પપ્પા અમદાવાદ થી આશરે 25 કિમી દૂર એના દાદા ને ત્યાં લઈ ને આવ્યા હતા. આમ તો અવિ ને દાદા ને ત્યાં પણ બહુ ગમતું પરંતુ પપ્પા સાથે સમય વિતાવવો એ એના મન બહુ મોટી વાત હતી.

“ પપ્પા, લો અવિ ની કલરીંગ બૂક, આ કલર અને આ ટેબ્લેટ માં એની બધી જ ગેમ્સ ડાઉનલોડ કરી દીધી છે, આ બેગ માં એનો નાસ્તો પણ છે, હું રવિવાર સાંજે આવી ને અવિ ને લઈ જઈશ. “ હજુ કાર માથી પગ નીચે મૂક્યો ના મૂક્યો અવિ ના પપ્પા અયાંશ કાર માં ગોઠવાઈ ગયા.

“ બેટા, અયાંશ હજુ હાલ તો આવ્યો, થોડીવાર રોકાઈ ને જા ને, બેટા ચા મૂકી દઉં.” અયાંશ ની મમ્મી એ આજીજી કરી.
“ ના મમ્મી, હજુ મારે ઘરે જઈ ને મીટિંગ ની તૈયારી કરવાની છે, અવિ ને મૂકી ને જાઉં છું, મમ્મી રવિવારે આવીશ ને એટલે તારા હાથ નું જમી ને જઈશ બસ મમ્મી!” ને કાર સૌની આંખો સમક્ષ થી ઓઝલ થઈ ગઈ.
        લગ્ન પછી 6 વર્ષ થી અલગ રહેતો પોતાનો એક નો એક દીકરો આમ હવે કોઈક દિવસ આવે કે ના આવે નીકળી જતો. અયાંશ ના પપ્પા ને તો પોતાના દીકરા જોડે બેસી ને ઘણી વાતો કરવી હોય ને અયાંશ ની મમ્મી પોતાના દીકરા ને પોતાના હાથ નું બનાવી ને જમાડવા તત્પર હોય, પણ અયાંશ વ્યસ્ત જ એટલો રહેતો કે ભાગ્યેજ આમ પોતાના મમ્મી પપ્પા માટે સમય ફાળવી શકતો.

આજે આમ અયાંશ ના મમ્મી પપ્પા ને પોતાનો દીકરો આમ જલ્દી માં જતો રહ્યો એનું દુખ થયું પણ નાનકડો અવિ અહી 2 દિવસ રહેવાનો એ વાત થી બંને ના ચહેરા પર ખુશી ની ચમક છવાઈ ગઈ. અને નાનકડા અવિ પર દાદા દાદી નો  વ્હાલ અને પ્રેમ નો ધોધ વર્ષી પડ્યો. પોતાના પૌત્ર ને જે ભાવે એ રસોઈ બનાવવામાં અવિ ના દાદી વ્યસ્ત થઈ ગયાં.
“ કલરિંગ બૂક અને આ ટેબ્લેટ માં તો ગેમ રમી ને તો કંઈ મન ને આનંદ મળે ?” અવિ ના દાદા પોતાના નાનકડા પૌત્ર અવિ ની નાનકડી આંગળી પકડી લઈ ને નીકળી પડ્યાં,  જેવી રીતે અયાંશ નાનો હતો ત્યારે લઈ ને જતાં. પોતાના દીકરા ને જ્યારે આમ આંગળી પકડી ને લઈ ને આવતાં ત્યારે કાલ્પનિક પરી કથાઓ સંભળાવતા, બસ આજ રીતે અવિ ને પણ પરી કથાઓ સંભળાવતા સંભળાવતા તળાવ ની પાળે લઈ આવ્યાં. ત્યાં હિંચકો, લપસણી અને એક મંદિર હતું. આ બધુ અવિ માટે નવુંસવું હતું, દાદાની આંગળી છોડી ને અવિ તો રમવા માં મશગુલ થઈ ગયો, ભૂખ લાગે ત્યારે દાદા જોડે નાસ્તો કરવા આવે અને પછી પાણી પી ને ફરી પાછો રમવામાં મશગુલ. દિવસ ક્યાં અસ્ત થઈ ગયો ખબર જ ના પડી. અવિ ના દાદી તો જાણે અવિ માં પોતાનો નાનો અયાંશ જ દેખાતો એટલે એની પાછળ ફરી ફરી ને અયાંશ ને વ્હાલ કરી ને જમાડતાં. રાત્રે પણ દાદા-દાદી જોડે વાતો કરતો, પરી કથા સાંભળતો સાંભળતો અવિ ગાઢ નિદ્રા માં તરત જ પોઢી ગયો. પોતાની પડખે પોઢી રહેલા પોતાના પૌત્ર ના ચહેરા પર અનેરી ખુશી જોઈ ને અવિ ના દાદા દાદી ને હૈયે ટાઢક હતી.
        કલરિંગ બૂક ને ટેબ્લેટ એક ખૂણા માં એમ ના એમ હતાં, અવિ એ સ્પર્શ સુધ્ધાં પણ ના કર્યો. ક્યાંથી કરે! બસ દાદા ને દાદી જોડે થી સમય મળે તો ને ! આમ ને આમ 2 દિવસ વીતી ગયાં અવિ ને ખ્યાલ પણ ના આવ્યો અને અવિ ના પપ્પા અવિ ને લેવા આવી ગયાં.
દૂર થી જ પોતાના પપ્પા ને આવતાં જોઈ ને અવિ ભેટી પડ્યો, ને 2 દિવસ માં પોતે ક્યાં ક્યાં રમવા ગયો, શું શું કર્યું, શું શું પ્રવૃતિ બધુ જ હર્ષ પૂર્વક કહેવા લાગ્યો, પોતાના દીકરા ને આમ ખુશ જોઈ ને અયાંશ પણ ખુશ હતો.
“પપ્પા, ચાલો ને દાદા મને લઈ ગયાં હતાં એ જગ્યા બતાવું, પપ્પા તમને બહુ ગમશે, પપ્પા ચાલોને, હું લઈ જાઉં!” ને અવિ એ પોતાના પપ્પા ની આવતાં વેંત આંગળી પકડી ને તળાવ ના કિનારે લઈ ગયો.

એજ મંદિર, એ જ હિંચકો, એ જ લપસણી અને એ જ તળાવ. વર્ષો બાદ અયાંશ આ જગ્યા એ આવ્યો હતો, જાણે જિંદગી 20 વર્ષ રિવાઈન્ડ થઈ ગઈ. હીંચકા ને સ્પર્શ કર્યો ને એક ક્ષણ માટે જાણે પોતાના બાળપણ માં ખોવાઈ ગયો.
“ જુઓ પપ્પા, આ તળાવ માં પથ્થર નાખું, જુઓ પપ્પા કેટલો દૂર થાય છે અને તળાવ માં કેવા કુંડાળાં રચાય છે!” અયાંશ ની સમક્ષ નાનકડો અયાંશ અને એના પપ્પા ની યાદો તરવરી ઉઠી. અયાંશ નું મન બોલી ઉઠ્યું , “ પપ્પા..”

પોતાના પપ્પા સાથે નું સ્નેહબંધન અયાંશ ની આંખો ને સહેજ ભીની કરી ગયું. પોતાના પપ્પા તો અહી મંદિર રોજ આવતાં હશે, રોજ આ ક્ષણો એમને યાદ આવતી હશે, ને ક્યારેક એ કોલ પણ કરતાં હશે, પોતાના દીકરા જોડે 2 મિનિટ વાત કરવા, ને પોતે બસ “ પપ્પા, મીટિંગ માં છું, થોડીવાર રહી ને કોલ કરું” કહી ને તરત જ પોતાના પપ્પા નો કૉલ કટ કરી દેતો. ને એ “થોડીવાર” ની ક્ષણ પછી ક્યારેય ના આવતી.
કેટલીય વાર અયાંશ ની મમ્મી “ બેટા ખીર બનાવી ને રાખી છે, આવે તો લઈ જજે,” પોતાની મમ્મી ના આવા શબ્દો ના બદલા માં “ મમ્મી આ રવિવાર નહીં, આવતાં રવિવારે આવીશ.” પ્રત્યુત્તર આપી દેતો ને પછી એ “રવિવાર” નો સુરજ ક્યારેય ઊગતો નહીં. 
પૈસા કમાવવાની હોડ માં ને હોડ માં ને શહેર ની વ્યસ્ત જિંદગી માં પોતે એટલો તો ખોવાઈ ગયો કે પોતાના મમ્મી પપ્પા કે પોતાના દીકરા અવિ સાથે ક્યારેય આવો સમય જ નહોતો ફાળવ્યો. પોતાના પાસેથી પોતાના મમ્મી પપ્પા ને અવિ એનો સ્નેહ ઝંખે છે, એ વાત નો અયાંશ ને ખ્યાલ જ ના રહ્યો.
“ જુઓ પપ્પા, આ તળાવ માં પથ્થર નાખું, જુઓ પપ્પા કેટલો દૂર થાય છે અને તળાવ માં કેવા કુંડાળાં રચાય છે!” જોયું તો નાનકડો અવિ પોતાના પપ્પા ને આંગળી પકડી ને કહી રહ્યો હતો ને સાથે જ અયાંશ ની યાદો ની ને વિચારો ની શૃંખલા તૂટી.
એક ક્ષણ માટે અવિ સમક્ષ જોયું ને બીજી ક્ષણે અયાંશ એ શર્ટ માં થી ટાઈ કાઢી ને બાંયો ઊંચી કરી ને પોતાના દીકરા ને ઊંચકી લીધો.
બાપ દીકરો બંને પથ્થર નાખવામાં મશગુલ થઈ ગયાં, આજે એક નવો જ અયાંશ જન્મ્યો હતો.
ઘરે આવતાં જ પોતાના મમ્મી અને પપ્પા ને ભેટી પડ્યો. “સોરી મમ્મી, સોરી પપ્પા.” પોતાનો દીકરો આમ અચાનક સોરી કહે છે, એ વાત થી અયાંશ ના મમ્મી પપ્પા ને અચરજ થયું.

“ મમ્મી , ફટાફટ મારા માટે ખીર બનાવી દે.” વર્ષો પછી જાણે પોતાનો અયાંશ આમ એની મમ્મી જોડે હક થી ને પ્રેમ થી આદેશ આપી રહ્યો હતો.
“ પપ્પા, આપણે દાદા દાદી ને આપની જોડે લઈ જઈએ તો ?” મને બહુ મજા આવશે એમની સાથે, મમ્મી ને પણ ગમશે, આપણે સાથે રહીશું તો બહુ મજા પડી જશે.” અવિ નો હર્ષ અને જીદ મિશ્રિત સ્વર જાણે અયાંશ ની પણ મૌન મનસા ને પણ વાચા આપી રહ્યો હતો.
વ્યસ્ત જિંદગી માં અયાંશ એ કેટલીક અમૂલ્ય ક્ષણો ને ગુમાવી દીધી હતી, હવે વધારે નહોતી ગુમાવવી એટલે એને હવે પછી ની તમામ ક્ષણો ને સાચવી લીધી.
શું તમે તો ક્યાંક અમુલ્ય ક્ષણો ને ગુમાવી નથી રહ્યાં ને તમારી વ્યસ્ત જિંદગી માં ?

“નીલ”

ડૉ. નિલેષ ઠાકોર

Rate & Review

Kalpana Patel

Kalpana Patel 6 months ago

Pradip Trivedi

Pradip Trivedi 6 months ago

Sukesha Gamit

Sukesha Gamit 6 months ago

Sheetal

Sheetal Matrubharti Verified 6 months ago