Laganiyo nu Lockdown Falyu in Gujarati Short Stories by Ravi bhatt books and stories PDF | લાગણીઓનું લોકડાઉન ફળ્યું

લાગણીઓનું લોકડાઉન ફળ્યું

ગુજરાતી મીડિયા જગતમાં ટોચનું નામ ધરાવતા પરિતોષ પાઠકને કોરોના થયો. મહામારી શરૂ થયાની સાથે જ પરિતોષ આ મહામારીની ઝપેટમાં આવી ગયો. સાવચેતી માટે તે હોસ્પિટલમાં દાખલ થઈ ગયો.

કોરોના પોઝિટિવ હોવાથી દરેકને પંદર દિવસ તો હોસ્પિટલમાં રહેવાનું નક્કી જ હતું. મિનિમમ અઠવાડિયું અને મેક્સિમમ જ્યાં સુધી કોરોના નેગેટિવ ન આવી જવાય અથવા તો શારિરીક સમસ્યાઓનો ઉકેલ ન આવે ત્યાં સુધી દાખલ રહેવાનું હતું.

પરિતોષને 19 નંબરનો બેડ મળ્યો હતો. તેના માટે પણ તેને વોર્ડના મેટ્રન સાથે ચકમક ઝરી હતી. પરિતોષે કહ્યું કે, મારે તો મારી સામેની તરફ બારી જોઈશે. બાકી આવા બંધિયાર રૂમમાં મારાથી નહીં રહેવાય. પરિતોષના બેડની સામે વિશાળ બારી હતી. બારીને અડેલીને ત્રણ બેડ આવતા હતા.

22 નંબરના બેડ ઉપર એક યુવાન હતો જે મોટાભાગે મોબાઈલમાં જ વ્યસ્ત રહેતો હતો. 23 નંબરના બેડ ઉપર એક મહિલા હતી. 24 નંબરના બેડ ઉપર એક કાકા હતા જેમની ઉંમર અંદાજે 75થી વધારે જણાતી હતી.

એક વોર્ડમાં 40 લોકો હતા અને મોટભાગે દરેકને પોતાની આજુબાજુના કે સામેના દર્દીઓ સાથે ઘરોબો બંધાતો જતો હતો. દરેક લોકો શું કરે છે, કરતા હતા અને પરિવારમાં કોણ કોણ છે તેવી રોજિંદી વાતો થતી હતી. બધા મનોમન પંદર દિવસ પસાર કરવાની તૈયારી સાથે આવ્યા હતા. સવારે ચા-નાસ્તો કરવાથી માંડીને મોડી રાત્રે હળદરવાળું દૂધ પીવા સુધીમાં ઘણા લોકો એકબીજા સાથે વાતો કરવા લાગ્યા હતા.

બે-ત્રણ દિવસમાં તો વોર્ડનું વાતાવરણ સાવ પરિચિત થઈ ગયું હતું. ઘણા જમીને ચક્કર મારવા નીકળતા તો ઘણા બે-ત્રણ દર્દીઓ નજીક નજીકના બેડ ઉપર ટોળુંવળીને વાતો કરતા તો ક્યાંક મ્યૂઝિક વાગતું.

પરિતોષે જોયું કે 23 નંબરના બેડ ઉપર રહેલી મહિલા થોડી ઉદાસ જણાતી હતી. તેને સારવારમાં જાણે કે રસ જ નહોતો. તે ખરેખર જીવવા નહીં પણ મરવા માગતી હોય તેવી તેની વાતો જણાતી હતી. વાતોવાતોમાં પરિતોષ જાણી ગયો હતો કે આ મહિલાનું નામ ઝંકૃતિ હતું. તેને નવાઈ લાગી કે અંદાજે જીવનની ચાળીસી વટાવી ગયેલી આ મહિલાનું નામ ઝંકૃતિ હતું. તેણે એક દિવસ અનાયાસ કહ્યું કે, તમારા માતા-પિતાને અભિનંદન આપવા જોઈએ કે ચાર-સાડાચાર દાયકા પહેલાં તમારા માટે આધુનિક નામ શોધ્યું હતું. ઝંકૃતિએ માત્ર સ્મિત કર્યું પણ કોઈ જવાબ ન આપ્યો.

આ રીતે લગભગ ચાર-પાંચ દિવસ પસાર થઈ ગયા હતા. બધા એકબીજાથી ખૂબ જ પરિચિત થઈ ગયા હતા. એક દિવસ સાંજે ચા-નાસ્તો ચાલતો હતો ત્યારે પરિતોષે કહ્યું – ઝંકૃતિ તમને વાંધો ન હોય તો એક સવાલ પૂછું...

પરિતોષ તે ટ્રાફિક જોવામાં મશગુલ હતો ત્યાં તેના બરડા ઉપર શબ્દોના ટકોરા પડ્યા... કેમ પત્રકાર સાહેબ આજે ચુપચાપ છો... શબ્દોનું સુગર ઘટી ગયું કે, તમારા વિચારોને વાઈરસ આભડી ગયો...

પરિતોષે અવાજની દિશામાં મોઢું કર્યું તો ઝંકૃતિને જોઈને તેના ચહેરા ઉપર એકાએક હાસ્ય ફેલાઈ ગયું.

અરે એવું કશું જ નથી, આજે ખબર નહીં પણ કેમ આ બારી પાસે આવીને ઊભો રહી ગયો. નોકરીના કારણે ક્યારેય નદી કિનારે આવીને સાંજ પસાર કરવાનો સમય મળ્યો નથી. આ લોકો અહીંયા આવતા જતા હતા અને કેટલાક લોકો રિવરફ્રન્ટ ઉપર પોતાના મિત્રો, સ્વજનો કે પણ પરિચિતો સાથે ઉભેલા, ડ્રાઈવ કરતા જોવા મળ્યા એટલે થોડો વિચારોમાં અટવાઈ ગયો – પરિતોષે તૂટક તૂટક વાક્યોમાં જવાબ આપ્યો...

શબ્દોના ભાવજગતમાં જીવનારો માણસ જ્યારે જવાબો આપવા શબ્દો શોધે ત્યારે સમજી જવું જોઈએ કે લાગણીઓ ક્યાંક લાચારી અનુભવી રહી છે અથવા તો આઘાત એટલો મોટો છે કે, શબ્દો બનીને રજૂ થવા તૈયાર નથી. – ઝંકૃતિના શબ્દોમાં જાણે કે લાગણીઓની સ્યાહી ભળી હતી.

વોટ એ સરપ્રાઈઝ, એક અઠવાડિયા પહેલાં સાવ મુંગી અને નિસ્તેજ રહેતી અને સાવ અજાણી લાગતી સ્ત્રી આજે લાગણીઓને અને શબ્દોની તથા તેની રજૂઆતની વાતો કરે છે,... ખરેખર આશ્ચર્યજનક છે. તમારી પાસેથી આવા સવાલોની આશા નહોતી – પરિતોષ ફરી એક વખત પોઝ લઈને બોલ્યો.

તમને એક વાત કહું, જીવનની ચાલીસી વટાવી ગયેલો પુરુષ જ્યારે કોઈ ઢળતી સાંજે એકાએક ઉદાસ બનીને બેઠો હોય કે ઊભો હોય ત્યારે તેને જોનારને સમજાઈ જાય છે કે, આ વ્યક્તિ પોરો ખાવા ઊભો છે, જીવાયેલી જિંદગી અને આવનારી જિંદગી વચ્ચે ખોટકાયેલા સંતુલનને સાધવા માટે મનમાં ચાલતા ગજગ્રાહને અનુભવી શકાય છે. દરરોજ હજારો અને લાખો શબ્દોમાં જીવાતી જિંદગી સમી સાંજે ગમતા અર્થની સ્યાહી શોધવા મથતી હોય ત્યારે તેનો અણસાર આવી જ જતો હોય છે... – ઝંકૃતિ ખૂબ જ સાવચેતી સાથે પણ સચોટપણે બોલી પડી.

બંને આગળ વાતો કરવા જાય ત્યાં તો ફરી એક વખત કેન્ટિનની ગાડી આવી ગઈ અને જેને જેને સૂપ અથવા લિક્વિડ આપવાનું હતું તેનું નામ બોલાવા લાગ્યું. બધા પોતપોતાની જગ્યાએ જઈને ગોઠવાયા.

પરિતોષ બેડ ઉપર મોબાઈલમાં કંઈક જોઈ રહ્યો હતો અને ત્યાં જ ડોક્ટર અને તેમના આસિસ્ટન્ટ તેમની પાસે આવીને ઊભા રહ્યા. તો મી. જર્નાલિસ્ટ.. કેવું છે હવે...

જર્નાલિસ્ટ સાહેબ તમારા શ્વાસ પણ હવે સંક્રમણથી મુક્ત થઈ ગયા છે બસ બે દિવસ ઓબ્ઝર્વેશનમાં રહેવાનું છે પછી તમે છુટ્ટા... અને હા ઘરે થોડો આરામ કરજો... કાયદાનો પ્રોટોકોલ ન નડે તો કંઈ નહીં પણ લાગણીઓનું લોકડાઉન રાખીને પણ ઘરે રહેજો... સાચવશો તો સ્વસ્થ રહેશો નહીંતર ફરીથી ચેપ લાગી જશે.

બધા ફરી એક વખત હસી પડ્યા.

પરિતોષ બેડ ઉપર પલાઠીવાળીને બેસી ગયો અને ઝંકૃતિને બેસવા માટે ઈશારો કર્યો. ઝંકૃતિ બેડ ઉપર તો નહીં પણ તેની પાસે બનાવેલા પ્લેટફોર્મ જેવા ટેબલ ઉપર બેસી ગઈ.

ઝંકૃતિ સાચું કહેજો, લાગણીઓથી તરબોળ સંવેદનાઓ ધરાવતી તમારી મનની સરસ્વતી ક્યાં અંતર્ધ્યાન થઈ ગઈ છે – પરિતોષનો સીધો સવાલ ઝંકૃતિને ખરેખર ઝંકૃત કરી ગયો.

વાત જાણે એવી છે કે, અમારા લગ્નના ત્રણ વર્ષ બાદ મારા પતિ અમેરિકા જતા રહ્યા. એક દીકરો છે મારે. હું તેની માતા અને પિતા છું. આજે એક દાયકા ઉપર સમય થવા આવ્યો પણ તેઓ પરત આવ્યા નથી કે અમને ત્યાં બોલાવ્યા નથી. મહત્ત્વની વાત એ છે કે, આજે એ વાતને દાયકો થઈ ગયો. મારો દીકરો હવે સવાલ કરે છે પણ મારી પાસે જવાબ નથી. આ સ્થિતિમાં જીવતી કોઈપણ સ્ત્રી સમાજમાં ક્યાં સુધી પોતાને સાચવે. ડગલે અને પગલે મુશ્કેલીઓ આવતી હોય છે, લોકો કેવી કેવી નજરે જોતા હોય છે, તેને તો પહોંચી વળાય તેમ નથી પણ સૌથી મોટો પડકાર તો સાથ આપવાના નામે લાભ લેનારાથી હોય છે – ઝંકૃતિના અવાજમાં પીડા ભારોભાર ઠલવાયેલી હતી.

પરિતોષ કંઈ જ બોલી શક્યો નહીં. ઝંકૃતિ પણ કદાચ વધારે આવેગમાં આવી ગઈ હોય તેમ રડી પડી અને પોતાના હાથમાં રહેલા માસ્કથી જ મોઢું દબાવીને પોતાના બેડ તરફ જતી રહી.

આખી રાત અને બીજા દિવસ બપોર સુધી બધા કાગડોળે રિપોર્ટની રાહ જોતા હતા. સાંજે બધા ચાની ચૂસ્કી મારતા હતા ત્યારે મેટ્રન આવ્યા અને બોલ્યા, પરિતોષભાઈ, ઝંકૃતિબેન, શ્રદ્ધાબેન, કૌશિક કાકા, કમલેશભાઈ, તરુલતા બેન, પિનાક, અવંતિકા, અખિલેશભાઈ, કૌમુદીબેન તમને બધાને આવતીકાલે રજા આપવામાં આવશે. તમારા સગાને જાણ કરવી હોય તો કરી દેજો...

મેટ્રન એટલું બોલીને ચાલ્યા ગયા અને જેમના નામ બોલાયા હતા તેમના ચહેરા ઉપર ઉત્સાહ આવી ગયો હતો.

પરિતોષની જેમ બધાએ પોતાનો સામાન ભેગો કરી લીધો અને ત્યાં સુધીમાં તો ડોક્ટર્સની ટીમ પણ આવી ગઈ. ઔપચારિક આંકડા લેવાયા બાદ બધાને દવાઓની વિગતો સમજાવવામાં આવી. આગામી એક અઠવાડિયા સુધી ઘરમાં જ આઈસોલેશનમાં રહેવાની સલાહ આપવામાં આવી. બધી વાતો થયા પછી ડોક્ટર્સની ટીમ પણ જતી રહી. હવે ડિનરનો ટાઈમ થઈ ગયો હતો.

બધાએ ડિનર કરી લીધું અને ફરી વખત મહેફિલ ગોઠવવા ભેગા થયા. પરિતોષ હજી પણ પોતાની મસ્તીમાં હતો છતાં તેની આંખો ચકળવકળ ફર્યા કરતી હતી. તેણે ઘણું આમતેમ જોયું ત્યાં તેની નજર દૂર ખૂણામાં પડી.

વોર્ડ શરૂ થતો હતો ત્યાં એક બારી પાસે ઝંકૃતિ ઊભી હતી. પરિતોષ બધાને વાતો કરતા છોડીને ઊભો થયો અને ઝંકૃતિની બરોબર પાછળ જઈને ઊભો રહ્યો.

શું થયું... વિચારો વ્યથા આપી રહ્યા છે કે, વ્યથાના વિચારો ચાલી રહ્યા છે. આખી જિંદગી રેર વ્યૂ મિરરમાં જોઈને ડ્રાઈવિંગ ન કરી શકાય – પરિતોષે ધીમા પણ ગંભીર અવાજે કહ્યું.

ના.. એવું કંઈ નથી... આ તો આ તરફથી આવતી હતી તો નદીમાં તરતી હોડી અને તેમાં બેઠેલા બે લોકોને જોતી હતી. રિવરફ્રન્ટની પાળે ઊભા રહીને નદી જોવી અને હોસ્પિટલની બારીમાંથી નદી જોવી તેમાં જેટલું મોટું અંતર છે તેટલું જ વાસ્તવિક જીવન અને વિચારેલા જીવનમાં હોય છે, નહીં – ઝંકૃતિના અવાજમાં પણ ગંભીરતા જ હતી.

ખોટું ન લાગે તો એક વાત કહું – પરિતોષે પ્રશ્નસુચન નજરે ઝંકૃતિ સામે જોઈને લાગણી રજૂ કરી...

બોલોને... સલાહ સિવાય કંઈ ખાસ હોય તો આનંદ થશે... – ઝંકૃતિએ નિસ્તેજ જવાબ વાળ્યો...

આમ જોવા જઈએ તો સલાહ છે અને આમ જોવા જઈએ તો પ્રસ્તાવ છે... પરિતોષે એટલું બોલીને ઝંકૃતિનો હાથ પોતાના હાથમાં લઈ લીધો...

મારું તો માત્ર એટલું જ કહેવું છે કે, લાગણીઓથી ઉછાળા મારતી નદી જો બે કાંઠે થાય અને આગળ વધે તો તેને સંવેદનાથી ઘુઘવતો સમુદ્ર મળી જ જતો હોય છે. ઘણી વખત બંધનો જેવા બંધ નદીને અટકાવી દે છે પણ નદી જો જાતે નક્કી કરે કે બંધાવું નથી તો દરિયો હાથ ફેલાવીને તેના સ્વાગત માટે સજ્જ હોય છે. લાગણીઓનું લોકડાઉન ખોલી દઈએ અને પ્રેમને પેન્ડેમિક બનાવીને સંબંધને સંક્રમિત કરી દઈએ... તેવી જ રીતે અભાવોને એન્ડેમિક સુધી લઈ જઈએ... આખી જિંદગી બંધનના બુસ્ટર ડોઝ લેતા રહીશું અને આનંદ કરીશું... તમારો જવાબ આવતીકાલે આપણા એડ્રેસ નક્કી કરશે... – પરિતોષે વાત પૂરી કરવા સાથે ઝંકૃતિનો હાથ પણ છોડી દીધો...

પરિતોષ બધું બોલીને પોતાની જગ્યાએ આવી ગયો અને ઝંકૃતિ ક્યાંય સુધી ત્યાં ઊભી ઊભી પરિતોષને જોઈ રહી હતી. રાત્રે બધા ઉંઘી ગયા અને સવાર પડી ત્યાં ઘરે જવા માટે બધા સજ્જ થઈ ગયા. પરિતોષે નજર કરી તો ઝંકૃતિ જગ્યાએ નહોતી. તેણે આમતેમ જોયું તો ક્યાંય દેખાઈ નહીં... તે વોર્ડબોયની કેબિન પાસે પૂછવા આવ્યો ત્યાં જ બહારથી એક નર્સ આવી.. પરિતોષભાઈ ઝડપથી ચાલો તમારી ડિસ્ચાર્જ ફાઈલ નીચે આવી ગઈ છે. તમારે ઘરે જવાનું છે. પરિતોષ મુંઝવણમાં જ તેની પાછળ પાછળ ગયો અને નીચે ઉતરીને જોયું તો ઝંકૃતિ હોસ્લિટલની બહાર નીકળવાના દરવાજે ઊભી હતી...

પરિતોષે તેની સામે જોયું અને... ઝંકૃતિ બોલી...

ઝડપ કરજો... લાગણીઓથી તરબોળ નદી બંને કાંઠે વહીને આગળ વધી રહી છે, દરિયો તૈયાર નહીં હોય તો ચલાવી લેવાશે નહીં... હજી અમારે બંનેએ અમારા નવા ઘરે શિફ્ટ થવાનું છે... એના માટે તૈયારીઓ કરવી પડશે... તમારે પણ ઘરે જઈને બે લોકો આવી શકે તેની તૈયારીઓ કરવી પડશે...

બંનેની આંખોમાં આંસુ અને ચહેરા ઉપર સ્મિત દોડી આવ્યું હતું.

Rate & Review

Kalpana

Kalpana 6 months ago

Daksha Gala

Daksha Gala 6 months ago

Share