Dhup-Chhanv - 100 books and stories free download online pdf in Gujarati

ધૂપ-છાઁવ - 100

આજે ઘીમંત શેઠે ઘણાં વર્ષો બાદ પોતાને માટે અને અપેક્ષાને માટે મૂવીની બે ટિકિટ મંગાવીને રાખી હતી એટલે તે અપેક્ષા સાથે મૂવી જોવા માટે જવાના છે અને મૂવી જોયા બાદ બંને બહાર ડિનર પતાવીને પછી જ ઘરે જશે એવું અપેક્ષાએ પોતાની મોમ લક્ષ્મીને પણ ફોન કરીને જણાવી દીધું હતું....
હવે આગળ....
ઓફિસ ટાઈમ પૂરો થતાં જ એક પછી એક બધા જ કર્મચારી નીકળી ગયા એટલે અપેક્ષા અને ધીમંત શેઠ પણ પ્યૂનને ઓફિસને લોક મારવાનું કહીને નીકળી ગયા અને મૂવી જોવા જવા માટે ધીમંત શેઠની કારમાં ગોઠવાઈ ગયા.
રસ્તામાં અપેક્ષા ધીમંત શેઠને પૂછી રહી હતી કે, પણ સર તમે ટિકિટ કઈ મૂવીની મંગાવી છે તે તો મને કહો અને ધીમંત શેઠે પોતાના પોકેટમાંથી બે ટિકિટ કાઢીને અપેક્ષાના હાથમાં મૂકી. અપેક્ષા મૂવીનું નામ વાંચીને ખુશ થઈ ગઈ અને બોલી કે, "રામ લીલા" આ મૂવી તો ક્યારનું મારી થિયેટરમાં જોવાની ઈચ્છા હતી.
"એટલે જ તો મેં આ મૂવીની ટિકિટ મંગાવી." ધીમંત શેઠ અપેક્ષાની સામે જોઈને હસીને બોલ્યા.
"પણ, તમને ક્યાંથી ખબર પડી કે મારે આ મૂવી થિયેટરમાં જોવું છે"
"મને માણસોના મન વાંચતા આવડે છે."
"થેન્કયુ સર, આઈ એમ સરપ્રાઈઝ્ડ.."
બંને જણાં થિયેટર ઉપર પહોંચી ગયા એટલે ધીમંત શેઠે પોતાની કાર પાર્ક કરી દીધી અને બંને થિયેટરની અંદર પોત પોતાની સીટ ઉપર ગોઠવાઈ ગયા.
ધીમંત શેઠે પોપકોર્ન અને કોલ્ડ્રીંકનો ઓર્ડર આપ્યો અને બંને પોપકોર્ન અને કોલ્ડ્રીંક એકબીજાની સાથે શેર કરતાં કરતાં મૂવી જોવામાં મશગુલ થઈ ગયા.
બરાબર નવ વાગ્યે મૂવી પૂરું થઈ ગયું એટલે બંને થિયેટરની બહાર નીકળ્યા અને ધીમંત શેઠ અપેક્ષાને પૂછી રહ્યા હતા કે, "આજે તો તું લઈ જાય તે રેસ્ટોરન્ટમાં જમવા માટે જવું છે."
અને ધીમંત શેઠ પાર્કિંગમાંથી પોતાની કાર લઇને આવે ત્યાં સુધીમાં અપેક્ષા વિચારવા લાગી કે ધીમંત શેઠને લઈને ક્યાં જમવા જવું?"
ધીમંત શેઠ કાર લઈને આવ્યા એટલે અપેક્ષાએ પોતાને ગમતી 'મહેફિલ' રેસ્ટોરાં તરફ કાર લેવડાવી.
અપેક્ષાએ પંજાબી સબ્જી કાજુ કરી, દાલફ્રાય અને બટર નાનનો ઓર્ડર કર્યો. બંને ઓફિસના કામોની અને કર્મચારીઓ વિષે ચર્ચા કરતાં કરતાં જમ્યા અને જમીને ફિંગર બાઉલમાં હાથ ધોતાં ધોતાં ધીમંત શેઠે અપેક્ષાને આજનો દિવસ મારી સાથે મારા ઘરે સૂઈ જવા માટે ચાલ ને..તેવો પ્રસ્તાવ મૂક્યો.
અપેક્ષા બે મિનિટ મૌન રહી અને વિચારવા લાગી કે, શું કરું?
એટલામાં ધીમંત શેઠ ફરીથી બોલ્યા કે, "તારી ઈચ્છા હોય તો જ રોકાવા માટે આવજે.. હું તને જરાપણ ફોર્સ નથી કરવા માંગતો."
ધીમંત શેઠની આ વાતથી અપેક્ષાનું મન થોડું પલળી ગયું અને તે વિચારવા લાગી કે, સર એકલા પડી જતાં હશે માટે જ કહી રહ્યા છે અત્યાર સુધી મારી સાથે હતા તો કેટલા ખુશ હતા અને એણે હા પાડી અને પોતાની મોમને ફોન કરીને જણાવી દીધું કે, પોતે આજે ઘરે નથી આવવાની અને ધીમંત શેઠ સાથે તેમના ઘરે રોકાવા માટે જઈ રહી છે.
ધીમંત શેઠના ચહેરા ઉપર ખુશી છવાઈ ગઈ જે અપેક્ષા નોટિસ કરી રહી હતી બંને ઘરે પહોંચ્યા. ધીમંત શેઠે પોતાની કારનું હોર્ન વગાડ્યું એટલે લાલજીભાઈ દોડીને આવ્યા અને તેમણે બંગલાનો ગેટ ખોલ્યો. તે પણ અપેક્ષાને કારમાંથી નીચે ઉતરતાં જોઈને ખુશ થઈ ગયા અને બોલ્યા કે, "ઑહો, મેડમ આજે તમે અહીં રોકાવા માટે આવ્યા છો મને ખૂબ ગમ્યું."
અપેક્ષાએ પણ ધીમંત શેઠ તરફ પોતાનો હાથ બતાવ્યો અને તે બોલી કે, "આ તારા શેઠ સાહેબ મને અહીંયા લઈ આવ્યા છે."
"હા, આજે મારા શેઠ સાહેબે ઉત્તમ કામ કર્યું છે."
તે બોલતો ગયો અને કારમાંથી પોતાના શેઠની બેગ અને ટિફિન હાથમાં લઈને ચાલવા લાગ્યો.
ત્રણેય સાથે બંગલામાં પ્રવેશ્યા.
લાલજીભાઈએ ધીમંત શેઠને અને અપેક્ષાને બંનેને તેમને કાંઈ જોઈતું નથી ને તેમ પૂછી લીધું અને પછી પોતાના રૂમમાં ગયા.
આજે લાલજના ચહેરા ઉપર કંઈક અલગ જ પ્રકારનું સુકુન વર્તાઈ રહ્યું હતું.
હવે તેને આશા બંધાઈ હતી કે, અપેક્ષા મેડમને મારા શેઠ સાહેબ લગ્ન માટે હા પડાવીને જ રહેશે.
ધીમંત શેઠ પણ હાથ મોં ધોઈને ફ્રેશ થઈ ગયા અને અને અપેક્ષા પણ હાથ પગ મોં ધોઈને ફ્રેશ થઈ ગઈ અને તેને નાઈટમાં પહેરવા માટે ધીમંત શેઠે પોતાનું એક શર્ટ અને ટ્રેક બંને આપ્યા જેમાં અપેક્ષા ખૂબજ સુંદર લાગી રહી હતી.
ધીમંત શેઠે ન્યૂઝ જોવા માટે ટીવી ઓન કર્યું અને અપેક્ષા પણ ત્યાં જ ડ્રોઈંગ રૂમમાં સોફા ઉપર ગોઠવાઈ. થોડીવાર ટીવી જોયા પછી ધીમંત શેઠે અપેક્ષા સામે પોતાના લગ્નનો પ્રસ્તાવ મૂકતાં કહ્યું કે, "જો તને વાંધો ન હોય તો હું તને એક વાત કહેવા માંગુ છું."
"હા, બોલો ને સર"
"પહેલા તો તું મને સર સર કહેવાનું છોડી દે, હા આપણે ઓફિસમાં હોઈએ ત્યારની વાત અલગ છે બાકી તું મને ધીમંત કહી શકે છે અને બીજી વાત મારે તને એ કહેવાની છે કે હું હવે આ એકલતાથી કંટાળી ગયો છું, થાકી ગયો છું મને એક સાથીની ઉણપ સતત વર્તાય છે અને તે તું જ પૂરી કરી શકે તેમ છે મારા આ ઉજળા ખાનદાનને તું દીપાવી શકે તેમ છે. મારો ચારેય બાજુ આટલો બધો ફેલાવેલો બિઝનેસ અને મને બંનેને તું સંભાળી શકે તેમ છે અને તું મને ખૂબજ ગમે છે. કદાચ એવું કહી શકાય કે હું તારા પ્રેમમાં પડી ગયો છું. તું સાથે હોય ત્યારે આ જિંદગી જીવવા જેવી લાગે છે. તારા વગર બધું અધુરું છે. તું મારા માટે શું વિચારે છે તેની મને ખબર નથી પરંતુ હું તને અનહદ ચાહું છું.
રીમાના મારા જીવનમાંથી ચાલ્યા ગયા બાદ મને એમ હતું કે કદાચ આ જગ્યા કોઈ જ નહીં લઈ શકે પરંતુ તે એ ખોટું સાબિત કરીને બતાવ્યું.
મારે જે કહેવાનું હતું એ મેં કહી દીધું છે હવે આગળ તારે વિચારવાનું છે."
અને ધીમંત શેઠે આશાભરી નજરે અપેક્ષાની સામે જોયું.
અપેક્ષા થોડી નર્વસ થઈ ગઈ હતી કદાચ તેને તેનો ભૂતકાળ સતાવી રહ્યો હતો.. તેણે ધીમંત શેઠની સામે જોયું અને પોતાના મનની વાત જણાવી....
વધુ આગળના ભાગમાં....
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
8/5/23