Satya ae j Ishwar chhe - 17 in Gujarati Fiction Stories by Mahatma Gandhi books and stories PDF | સત્ય એ જ ઈશ્વર છે - 17

Featured Books
Share

સત્ય એ જ ઈશ્વર છે - 17

૧૭. આત્મશુદ્ધિ

પ્રેમ અને અહિંસાની અસર અનોખી છે, પણ તેમના પ્રયોગમાં ધાંધલ, દેખાવ, અવાજ કે જાહેરાતનાં પાટિયાં જોવાનાં મળતાં નથી. તેમના પ્રયોગ પહેલાં જોકે આત્મવિશ્વાસ હોવો જોઇએ અને તેનીયે પહેલા આત્મશુદ્ધિ હોવી જોઇએ. અનિશુદ્ધ નિષ્કલંક ચારિત્ર્યવાળા અમે આત્મશુદ્ધિવાળા પુરુષો સહેજે ભરોસો પાડશે અને જાણે કે આપોઆપ પોતાના આસપાસનું વાતાવરણ શુદ્ધ કરશે.

યંગ ઇન્ડિયા, ૬-૯-’૨૮

આત્મશુદ્ધિ વિના જીવમાત્રની સાથે ઐક્ય ન જ સધાય. આત્મશુદ્ધિ વિના અહિંસા ધર્મનું પાલન સર્વથા અસંભવિત છે. અશુદ્ધાત્મા પરમાત્માનાં દર્શન કરવા અસમર્થ છે, એટલે જીવનમાર્ગનાં બધાં ક્ષેત્રોમાં શુદ્ધિની આવશ્યકતા છે. એ શુદ્ધિ સાધ્ય છે, કેમ કે વ્યકિત અને સમષ્ટિની વચ્ચે એવો નિકટ સંબંધ છે કે એકની શુદ્ધિ અનેકની શુદ્ધિ બરાબર થઇ પડે છે. અને વ્યક્તિગત પ્રયત્ન કરવાની શક્તિ સત્યનારાયણે સહુને જન્મથી જ આપી છે.

આત્મકથા, પા. ૪૯૨

પણ આ શુદ્ધિનો માર્ગ વિકટ છે એમ હું તો પ્રતિક્ષણ અનુભવું છું. શુદ્ધ થવું એટલે મનથી, વચનથી ને કાયાથી નિર્વિકારતાને પહોંચવાને પ્રતિક્ષણ મથતાં છતાં હું પહોંચ્યો નથી, તેથી લોકોની સ્તુતિ મને ભોળવી શકતી નથી, એ સ્તુતિ ઘણી વેળી ડંખે છે. મનના વિકારોને જીતવા જગતને શસ્ત્રયુદ્ધથી જીતવા કરતાં મને કઠિન લાગે છે.

આત્મકથા, પા. ૪૦૨

પવિત્ર કાર્યમાં કદી હાર સ્વીકારશો મા અને હવેથી નિશ્ચય કરો કે આપણે શુદ્ધ રહીશું અને ઇશ્વર આપણને ઘટતો જવાબ આપશે જ આપશે. પરંતુ ઇશ્વર કદીયે બડાશ હાંકનારા અભિમાનીની પ્રાર્થનાનો કે તેની સાથે સોદો કરવાની વાત કરનારની પ્રાર્થનાનો જવાબ વાળતો નથી.... તેની સહાય તમારે જોઇતી હોય તો તમે જેવા છો તેવા તેની પાસે જાઓ, કોઇ પણ જાતની ચોરી રાખ્યા વગર તેને આજીજી કરો અને તમારા જેવા પતિત જીવને તે કેમ સહાય કરશે તે વાતનો ડર કે વહેમ રાખશો મા. પોતાની જીવને તે કેમ સહાય કરશે તે વાતનો ડર કે વહેમ રાખશો મા. પોતાની પાસે આવનારા કરોડોની જેણે બાંય પકડી છે તે તેમને છોડી જાય ખરો કે ? તે કદીયે અપવાદ કરતો નથી અને તમારી એકેએક પ્રાર્થનાનો જવાબ આપે છે એવો મને તેમને અનુભવ થશે. જે સૌથી અશુદ્ધ છે, વધારેમાં વધારે પાપી છે તેની પ્રાર્થનાને પણ જવાબ મળ્યા વગર રહેશે નહીં. આ બધી વાતો હું તમને મારા અંગત અનુભવમાંથી જણાવું છું. હું એ નરકમાંથી પસાર થયો છું. સૌથી પહેલાં ઇશ્વરના શાસનને ઓળખો અને બાકીનું બીજું તમને આવી મળ્યા વગર રહેશે નહીં.

યંગ ઇન્ડિયા, ૪-૪-’૨૯