Satya ae j Ishwar chhe - 16 in Gujarati Fiction Stories by Mahatma Gandhi books and stories PDF | સત્ય એ જ ઈશ્વર છે - 16

Featured Books
Categories
Share

સત્ય એ જ ઈશ્વર છે - 16

૧૬. નિરંતર ચાલી રહેલું દ્ધંદ્ધયુદ્ધ

પોતાની જૂની કુટેવોને બદલવાને, પોતાનામાં રહેલી ખરાબ વાસનાઓને જીતવાને, અને જે સત્‌ છે તેને તેનું યોગ્ય સ્થાન આપવાને મનુષ્ય સરજાયેલાં છે. ધર્મ જો આપણને આટલું ન શીખવતો હોય તો તે કાંઇ કામનો નથી. પણ આ પુરુષાર્થ સાધવાને સારુ કોઇ સીધોસટ માર્ગ આજ લગી જડ્યો નથી. આપણામાં નામર્દીએ કદાચ મોટામાં મોટો દોષ છે અને તેવડી જ મોટી તે હિંસા છે. ખુનામરકી ઇત્યાદિ જેને આપણે હિંસાને નામે ઓળખીએ છીએ તેના કરતાં નામર્દી એ મોટો દોષ છે. એ વિશે તો કાંઇ શંકા જ નથી. કેમ કે તેનું મૂળ આપણી ઇશ્વરને વિશે રહેલી અશ્રદ્ધામાં અને તેના ગુણોના અજ્ઞાનમાં છે..... હું મારો પુરાવો આપી શકું છું અને કહી શકું છું કે પોતાના દોષનું નિવારણ કરવાને સારુ મનુષ્યની પાસે મોટામાં મોટું શસ્ત્ર એ અંતરમાં ઊઠેલો આર્તનાદ અથવા તો પ્રાર્થના છે. જ્યાં સુધી આપણામાં ઇશ્વરને વિશે જીવતી ઉજ્જવળ શ્રદ્ધા ન હોય ત્યાં સુધી પ્રાર્થના એ કેવળ પ્રલાય છે.

જેને આપણે આસુરી અને દૈવી વૃત્તિઓનું દ્ધંદ્ધયુદ્ધ કહીએ છીએ તેને ખ્રિસ્તી ધર્મ અને ઇસ્લામ ખુદા અને સેતાન વચ્ચેના દ્ધંદ્ધને નામે વર્ણવે છે. જરથોસ્તી દાદા અહુરમઝ્‌દ અને અહરિમાનની વચ્ચે ચાલતું યુદ્ધ ગણાવે છે. આવા આ યુદ્ધમાં આપણે પસંદગી કરવાની રહેલી છે કે આપણે ક્યા પક્ષનો આશ્ચય લઇશું. એટલે પ્રાર્થનાનો અર્થ એ થયો કે આપણે રાવણના પંજામાંથી નીકળવાને સારુ રામની સાથે અતૂટ સંબંધ બાંધ્યો, તેને આપણે સર્વાપણું કર્યું. આવી પ્રાર્થનાએકાંઇ મોઢાનો બકવાદ નથી. એ તો આપણા હ્ય્દયના એવા ઊંડામાં ઊંડા ઉદ્‌ગાર છે, જે આપણા દરેક વચનમાં, દરેક વર્તનમાં અને દરેક વિચારમાં જોઇ શકાય. જ્યારે આપણી ઉપર એક પણ મલિન વિચાર સવાર થઇ બેસે ત્યારે આપણે અચુક સમજવું કે આપણે કરેલી પ્રાર્થના કેવળ જીભેથી કરેલું ઉચ્ચારણ જ હતું. અને જો પ્રત્યેક મલિન વિચારના વિજયને વિશે આપણે એમ કહી શકીએ તો વાચા અને વર્તન વિશે તો કહીએ જ શું ? અંતરની પ્રાર્થના એ આ ત્રિવિધ તાપના નિવારણનું રામબાણ ઔષદ છે. આવી પ્રાર્થનાના આરંભમાં જ આપણે સફળતાને જોઇ નથી શકતા, એમ છતાં શ્રદ્ધાપૂર્વક આપણે પ્રાર્થનારૂપી હોડીને વળગી રેહવાનું છે, પછી ભલે સફળતાનાં દર્શન કરતાં આપણને મહિનાઓ જાય કે વર્ષો જાય. એનું નામ જ શ્રદ્ધા છે. અને આપણાં વર્ષો તે ઇશ્વરની એક પળ બરાબર છે. તેથી જો આપણે પ્રાર્થનાની સફળતાનો સાક્ષાત્કાર કરવા ઇચ્છતા હોઇએ તો આપણામાં અખૂટ ધીરજ હોવી જોઇએ. આપણા રસ્તામાં કાદવ, કીચડ, જંગલ, ઘોર અંધારું, ઝાંખરાં, પહાડો, ખાઇઓ, વાઘ, વરુ અનેક જાતના ભયો અને ત્રાસો આવવાના જ છે. તેમ છતાં નામર્દ ન થઇને એ બધી મુસીબતોની સામે થવાની હિમત આપણે કેળવવી રહેલી છે. પ્રાર્થનામય પુરુષના શબ્દકોષમાં પાછા હઠવું, હાર ખાવી, પલાયન કરવું, એવી વસ્તુ જ નથી.

મેં આ લખ્યું છે એ કાંઇ કાલ્પનિક ચિત્ર નથી. મેં તો આધ્યાત્મિક ક્ષેત્રમાં પ્રવીણ થયેલા ઋષિઓ, મુનિઓ, અવતારો અને પેગંબરોના અનુભવોનો શુદ્ધ સાર આપ્યો છે, તેમાં મેં મારો પોતાનો અલ્પ અનુભવ પણ મેળવ્યો છે. જેમ જેમ વર્ષો વીતતાં જાય છે, તેમ તેમ હું દીવા જેવું સ્પષ્ટ જોઇ શકું છું કે આ જગતમાં મેળવવા જેવું કે કાંઇ મેળવ્યું છે તે શ્રદ્ધા અને પ્રાર્થનાને આધારે મળેલું છે. આ અનુબવ એક ક્ષણની વસ્તુ નથી, થોડા દહાડા કે એક હપતાની વાત નથી પણ લગભગ ૪૦ વર્ષોનો એકધારાએ ચાલતો આવેલો અનુભવ છે. મારે ભાગે નિરાશાઓ આવેલી છે. ઘોર અંધકાર મેં અનુભવ્યો છે. ચોમેરથી ‘પાછા હઠો’ એવા ભણકારા મેં કાને સાંભળેલા છે. ‘જોજો પસ્તાશો’ એવી સાવચેતીના અવાજો આજે પણ સાંભળી રહ્યો છું. બધાથી પણ ચડી જાય એવા સૂક્ષ્મ અને લલચાવે એવા અભિમાનના હુમલાઓનાં પણ મને તાજાં સ્મરણ છે. એમ છતાં હું કહી શકું છું કે મારી શ્રદ્ધા એ બધા શત્રુઓને રામની મદદથી હાંકી શકી છે. અને મારે કબૂલ કરવુૂં જોઇએ કે મારી શ્રદ્ધા હું જે પ્રમાણમાં તે માગું છું તે પ્રમાણમાં હજું તો નહીં જેવી છે. જો આપણામાં એવી ખરી શ્રદ્ધા હોય, પછી ભલે અંશમાત્ર હોય, આપણી પ્રાર્થના એ અંતરના જ ઉદ્‌ગાર હોય, પછી ભલે તે ગમે તેવા મંદ હોય, તો આપણે ઇશ્વરની પરિક્ષા કોઇ દિવસે નહીં કરીએ. તેની સાથે સાટું ન કરાય. આપણે જ્યાંલગી તેની પાસે ખાલી હાથે ન જઇએ, આપણી અશક્તિનો નમ્રતાપૂર્વક તેની પાસે સ્વીકાર ન કરીએ, ત્યાં સુધી આપણને મલિન વૃત્તિઓરૂપી અસંખ્ય રાક્ષસોની સામે વિજય મેળવવાને શક્તિ મળતી નતી. તેથી જ ભક્ત કવિએ ગાયું છેઃ

ભક્તિ શીશતણું સાટું

આગળ વસમી છે વાટું.

નવજીવન, ૨૩-૧૨-’૨૮