Hindu Dharmnu Hard - 19 in Gujarati Fiction Stories by Mahatma Gandhi books and stories PDF | હિંદુ ધર્મનું હાર્દ - 19

Featured Books
Categories
Share

હિંદુ ધર્મનું હાર્દ - 19

(19)

૯૦. ગીતાશિક્ષણ

ઇંગ્લંડમાં કૅનન શેપર્ડની આગેવાની નીચે ચાલતી શાંતિની હિલચાલ વિશેના મારા હમણાંના લેખોને વિશે એક મિત્ર લખે છે :

“મારો મતે એવો છે કે ગીતાના સંજોગો અને એની શરૂઆતમાં અર્જુન અને શ્રીકૃષ્ણ વચ્ચે જે સંવાદ આપેલો છે તેને બાજુએ રાખીને વિચાર કરીએ તો હિંદુ ધર્મ વ્યવસ્થિત સેનાની ચડાઇ થાય ત્યારે અહિંસા જ પાળવી એવો સ્પષ્ટ ઉપદેશ કરતો નથી. આપણાં બધાં સારાંમાં સારાં ધર્મશાસ્ત્રોનો એવો અર્થ કરવો એ એને મચડવા જેવું છે, દયા અને પ્રેમ એ મનુષ્યનો પરમ ધર્મ છે એમ હિંદુ ધર્મ અવશ્ય માને છે. પણ આપ અથવા આ યુદ્ધ વિરોધી શાંતિવાદીઓ જેવો ઉપદેશ આપે છે તેવો હિંદુ ધર્મનો ઉપદેશ નથી, અને એ હેતુને સારુ દરેક વસ્તુને મારીમચડીને રૂપક તરીકે બતાવવી એ યોગ્ય નથી.”

અનાસક્તિયોગ નામે પ્રસિદ્ધ થયેલા ગીતાના મારા અનુવાદની પ્રસ્તાવનામાં મેં કબૂલ કર્યું છે કે ગીતા એ અહિંસાનું પ્રતિપાદન કરવા માટે કે યુદ્ધનો નિષેધ કરવા માટે લખાયેલો ગ્રંથ નથી. હિંદુ ધર્ન જેવો આજે પળાય છે, અથવા ક્યારેય પળાયેલો જાણ્યો છે, તેમાં યુદ્ધનો જેવો વિરોધ હું કરું છું એવો વિરોધ કરેલો નથી. પણ મેં તો એટલું જ કર્યું છે કે ગીતાના આખા ઉપદેશનો તેમ જ હિંદુ ધર્મના હાર્દનો નવો પણ સ્વાભાવિક અને તર્કશુદ્ધ અર્થ કર્યો છે. બીજા ધર્મોને બાદ કરીને હિંદુ ધર્મ વિશે બોલીએ તો હિંદુ ધર્મ એ નિરંતર વિકાસ પામતો ધર્મ છે. કુરાન કે બાઇબલની પેઠે હિંદુ ધર્મનું કોઇ એક ધર્મપુસ્તક નથી. તેનાં ધર્મપુસ્તકોમાં પણ વિકાસ થતો જાય છે ને ઉમેરા થતા જાય છે. ગીતા જ એનું એક દૃષ્ટાંત છે. ગીતાએ કર્મ, સંન્યાસ, યજ્ઞ વગેરેને નવા અર્થો આપ્યા છે. ગીતાએ હિંદુ ધર્મમાં નવો પ્રાણ રેડયો છે. તેણે આચારનો એક મૌલિક નિયમ બતાવ્યો છે. ગીતાએ જે શીખવ્યું છે તે આગલાં લખાણોમાં ગર્ભિત રીતે નહોતું એમ નહીં, પણ જે વસ્તુઓ ગર્ભિત હતી તેને ગીતાએ સ્પષ્ટ શબ્દો મૂર્તરૂપે મૂકી. જગતના અન્ય ધર્મોના પ્રાર્થનાપૂર્વક કરેલા અભ્યાસથી, મળેલા જ્ઞાનથી, ને એથી વધારે તો ગીતાએ બતાવેલા હિંદુ ધર્મના શિક્ષણને આચરણમાં ઉતારવાનો પ્રયાસ કરતાં મળેલા અનુભવથી,મેં હિંદુ ધર્મનો વિશાળ - પણ મારીમચડીને કરેલો નહીં - અર્થ આપવાનો પ્રયત્ન કર્યો છે.

અને એ હિંદુ ધર્મ તે એના અનેક ગ્રંથોના ઢગલામાં દટાઇ ગયેલો નહીં, પણ પીડાતા બાળકની સાથે માતા બોલે એવી રીતે બોલતો જીવતોજાગતો ધર્મ છે.

મેં જે કર્યું છે તે ઐતિહાસિક પ્રણાલિકાને અનુસરીને કર્યું છે. હું આપણા પૂર્વજોને પગલે જ ચાલ્યો છું. એ લોકો એક કાળે કોપેલા દેવોને પ્રસન્ન કરવાને યજ્ઞમાં પશુંઓનો ભોગ આપતા. એમના વારસો પણ આપણા કંઇક ઓછા દૂરના પૂર્વજોએ ‘યજ્ઞ’નો જુદો અર્થ કર્યો, ને તેમણે શીખવ્યું કે એ યજ્ઞમાં આપણા કામક્રોધાદિ વિકારોને હોમવાના છે, અને તે કોપેલા અનેક દેવોને નહીં પણ એક અંતર્યામી ઇશ્વરને પ્રસન્ન કરવાને. હું માનું છું કે જીવ જતો કરીને પણ અહિંસાનું પાલન કરવું એ જ વસ્તુ ગીતાના ઉપદેશમાંથી ફલિત થાય છે. એ જ માનવજાતિની ઊંચામાં ઊંચી આકાંક્ષા છે.

મહાભારત અને રામાયણ એ બે ગ્રંથો એવા છે જેને કરોડો હિંદુઓ જાણેે છે ને પોતાના માર્ગદર્શક માને છે. એ ગ્રંથોના અંતરંગ પરીક્ષણ પરથી દેખાઇ આવે છે કે એ રૂપકો જ છે. એમાં ઘણું કરીને ઐતિહાસિક વ્યક્તિઓનું

ચરિત્ર આલેખાયેલું હશે એ વસ્તુથી મેં કહેલી વાતમાં કશો ફરક પડતો નથી.

બંને મહાકાવ્યો દૈવી અને આસુરી સંપદ વચ્ચે ચાલી રહેલા સનાતન સંગ્રામનું વર્ણન કરે છે. ગમે તેમ હો, મારા અગાઉથી કરી રાખેલા કંઇક વિચારોને અનુકૂળ આવે એવી રીતે ગીતાનો કે હિંદુ ધર્મનો મારીમચડીને અર્થ કરવાનો

મારો ઇરાદો છે એ આક્ષેપનો હું ઇનકાર કરું છું. મારા વિચારો ગીતા, રામાયણ, મહાભારત, ઉપનિષદ આદિના અભ્યાસમાંથી જ ઉદ્‌બવેલા છે.

હરિજનબંધુ, ૪-૧૦-૧૯૩૬, પા. ૨૩૩-૪

(ગાંધીજી અને બે પ્રશ્નાર્થીઓ વચ્ચે જુદા જુદા પ્રસંગે થયેલા વાર્તાલાપમાંથી નીચેના અંશો ભેગા કરીને સંવાદરૂપે મૂક્યા છે.) સ. : તમે રોજ ગીતાપાઠ કરો છો એ સાચું ?

જ. : અઠવાડિયે અમે આખી ગીતાનો પાઠ પૂરો કરીએ છીએ.

સ. : પણ ગીતાને અંતે કૃષ્ણે હિંસા જ કરવા કહ્યું છે ને ?

જ. : ના. હુંચે લડી રહ્યો છું હિંસા વાટે લડું તો આટલો સંગીનપણે ન લડી શકું. બીજા અધ્યાયના છેલ્લા ૧૯ શ્લોકમાં જે સ્થિતપ્રજ્ઞનું વર્ણ છે તેમાં ગીતાનો સંદેશ સમાઇ જાય છે. મનોવિકારો જીતવાથી જ એવા થવાય. વિકારને

માર્યા પછી ભાઇને મારવાનું તમારાથી ન બને. જેને વિકાર નથી, સુખદુઃખ

પ્રત્યે ઉદાસીન છે, માણસ જાતને પીડનારા મનોવિકારોનાં તોફાનોથી જે અસ્થિર થતો નથી, એવા માણસને સંહાર કરતો જોવા હું ઇચ્છું ખરો. આખું વર્ણન અજોડ સૌંદર્યભરી ભાષામાં છે. આ શ્લોકો પરથી ચોખ્ખું સમજાય છે કે કૃષ્ણ આધ્યાત્મિક યુદ્ધની વાત કરે છે.

સ. : પણ યુદ્ધ તો સાચે જ થયેલું. તમારો અર્થ તો તમારો પોતાનો કાઢેલો છે ને ?

જ. : હશે. પણ માત્ર મારા અર્થ તરીકે તો એની કશી કિંમત ન હોવી જોઇએ.

સ. : સામાન્ય માણસને તો એમ જ લાગે કે સાચા યુદ્ધની જ વાત કરી છે.

જ. : નિષ્પક્ષ ચિત્તે આખી ગીતા તેની ભૂમિકા વચ્ચે વાંચીને સમજવા

પ્રયત્ન કરવો જોઇએ. એમ કરશો તો તમે જોશો કે આરંભમાં લડાઇનું વર્ણન આવે છે, પછી ક્યાંયે મુદ્દલ એનો ઉલ્લેખ નથી.

સ. : બીજા કોઇએ આપના જેવો અર્થ કર્યો છે ?

જ. : ઘણાએ. યુદ્ધ એ આંતરયુદ્ધ છે, જે માણસના અંતરમાં સદાકાળ

ચાલ્યા કરે છે. પાંડવ - કૌરવ ભલાઇ અને બૂરાઇનાં તત્ત્વો છે. દૈવી અને આસુરી સંપત્ત છે.

સ. : ગીતાનો મુખ્ય ઉપદેશ કયો - અનાશક્તિ કે અહિંસા ?

જ. : ‘અનાસક્તિ જ છે. ગીતાના મારા નાનકડા ગુજરાતી ભાષાંતરનું નામ અનાસક્તિયોગ રાખ્યું છે એ જાણતા હશો. અનાશક્તિ અહિંસાથી આગળ

જાય છે. જેને અનાસક્ત બનવું છે તેણે અહિંસા શીખવી અને આચરવી રહી.

એટલે અહિંસા અનાસક્તિના પેટમાં આવી જાય છે, આગળ નથી જતી.’

સ. : ‘ત્યારે ગીતા હિંસા અહિંસા બંને શીખવે છે ?’

જ. : ‘ગીતામાં હું એ ધ્વનિ નથી જોતો. એ અહિંસા શીખવવાને

માટે ન લખાઇ હોય એ સંભવે, પણ કોઇ કાવ્યની મલ્લિનાથી કરનાર તેમાંથી અનેક અર્થો કાઢે તેમ હું એનો એ અર્થ કાઢું છું કે એનો મુખ્ય ઉપદેશ અનાસક્તિ છે, છતાં એ અહિંસા તો શીખવે છે જ. અહિંસા એ લૌકિક વસ્તુ છે. પરલોકમાં હિંસા અહિંસાનો સવાલ નથી આવતો.’

સ. : ‘પણ,’ અર્જુને તો અહિંસા હિંસાનો પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો ના ?

()

અને શ્રીકૃષ્ણે એનો નકારમાં જવાબ આપી હિંસા કરવાનું કહ્યું.

જ. : ‘એ તો પ્રજ્ઞાવાદ હતો. શ્રીકૃષ્ણ અર્જુનનો સંશય મટાડી કહે છે કે “કાલ સુધી તો તે શત્રુઓને શસ્ત્રોથી હણ્યા, તેમાં તને કાંઇ અડચણ ન આવી. આજે પણ એ શત્રુ કોઇ અજાણ્યા કે ત્રાહિત હોય તેની સામે તું યુદ્ધે

ચડે એંમ છે પણ તારી પાસે તો પ્રશ્ન આજે એ છે કે સગાવહાલાને હણાય

?” આમ એની પાસે હિંસા અહિંસાનો પ્રશ્ન જ ન હતો.’

હરિજનબંધુ, ૨૨-૧-૧૯૩૯, પા. ૩૬૭-૮ અને ૩૧-૮-૧૯૪૦, પા.

૧૯૪

૯૧. ગીતા શીખવા માટે અધિકાર !

(‘સત્યનો અનર્થ’ માંથી)

એક ભાઇ એક શાળાના આચાર્યની મદદથી વિદ્યાર્થીઓમાં ગીતાનો અભ્યાસ દાખલ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પણ ગીતાનો વર્ગ ગોઠવવાને થોડા વખત પર મળેલી સભામાં એક બૅન્કના વ્યવસ્થાપક ઊભા થયા, અને સભાના કામમાં દખલ નાખીને બોલ્યા : “વિદ્યાર્થીઓને ગીતા ભણવાનો અધિકાર નથી, ગીતા કાંઇ વિદ્યાર્થીઓના હાથમાં મૂકવાનું રમકડું નથી.” હવે પેલા ભાઇએ મને આ બનાવ વિશે લાંબો અને દલીલોથી ભરેલો કાગળ લખ્યો છે. અને પોતાની દલીલના ટેકામાં રામકૃષ્ણ પરમહંસનાં કેટલાંક વયનો ટાંક્યાં છે, તેમાંથી નીચેનાં અહીં ઉતારું છું :

“છોકરાઓને તેમ જુવાનોને ઇશ્વરપ્રાપ્તિની સાધના કરવાનું ઉત્તેજન આપવું જોઇએ. તેઓ વગર બગાડેલાં ફળ જેવા હોય છે, અને સંસારની વાસનાઓની દૂષિત સ્પર્શ તેમને જરાયે લાગ્યો હોતો નથી. એવી વાસનાઓ એમના મનમાં એક વાર પેઠી એટલે પછી એમને મોક્ષને માર્ગે વાળવા બહુ મુશ્કેલ છે.”

“હું જુવાનોને આટલા બધા શા માટે ચાહું છું ? કારણ તેઓ પોતાના મનના સોળેસોળ આની માલિક છે. તેઓ મોટા થતા જાય તેમ એમાં નાના નાના ભાગ પડી જવાના. વિવાહિત માણસનું અડધું મન સ્ત્રીમાં પરોવાય છે.

બાળક જન્મે ત્યારે ચાર આની મન ખેંચી લે છે, અને બાકીની ચાર આની

માબાપ, દુનિયાનાં માનપાન, કપડાંલત્તાંની મોજમજા વગેરેમાં વેરાઇ જાય છે.

તેથી બાળકનું મન ઇશ્વરને સહેલાઇથી ઓળખી શકે છે. ઘરડા માણસને સારુ એ બહુ કઠણ વાત છે.”

“પોપટનો કંઠ મોટી ઉંમર પાકટ થયા પછી એને ગાતાં ન શીખવી શકાય. એ બચ્ચું હોય ત્યારે જ શીખવવું જોઇએ. તે જ પ્રમાણે ઘડપણમાં મન ઇશ્વર ઉપર પરોવાવું કઠણ છે. બચપણમાં એ સહેલાઇથી પરોવી શકાય છે.”

“એક શેર ભેગવાળા દૂધમાં નવટાંક પાણી હોય તો પાણી બાળવાને બહુ થોડો શ્રમ અને થોડું બળતણ જોઇએ. પણ શેર દૂધમાં પોણો શેર પાણી હોય તો તે બાળવાને સારુ કેટલી મહેનત પડે ને કેટલું બળતણ જોઇએ !

બાળકના મનને વાસનાઓનો પાસ થોડો જ લાગ્યો હોય, તેથી તે ઇશ્વર તરફ

વળી શકે. વાસનાઓથી પૂરેપૂરા રંગાયેલા ઘરડા લોકોના મનને શી રીતે વાળી શકાય ?”

‘લઘુ વૃક્ષ વાળ્યું વળે જેમ વાળો’ પણ પાકા વાંસને વાળવા જઇએ તો એ તૂટી જવાનો. બાળકના હ્ય્દયને ઇશ્વર તરફ વાળવું સહેલું, પણ ઘરડા માણસનું હ્ય્દય ખેંચવા જઇએ તો તે છટકી જાય છે.

મનુષ્યનું મન રાઇના પડીકા જેવું છે. પડીકું ફાટી જતાં વેરાઇ ગયેલા દાણા વીણી ભેગા કરવા જેમ કઠણ છે, તેમ જ્યારે મનુષ્યનું મન અનેક દિશાઓમાં દોડે અને સંસારની જાળમાં ગૂંથાઇ ગયું હોય ત્યારે એને વાળીને એકાગ્ર કરવું મહાકઠણ છે. બાળકનું મન અનેક દિશાઓમાં નથી દોડતું તેથી તે કોઇ પણ વસ્તુ પર સહેલાઇથી એકાગ્ર કરી શકાય છે. પણ ઘરડા માણસનું મન સંસારમાં જ રમી રહેલું હોવાથી તેને એમાંથી ખેંચીને ઇશ્વર પ્રત્યે વાળવું અતિ કઠણ છે.”

વ્યવસ્થાપકે અધિકાર વિશે મેં સાંભળ્યું હતું, પણ પેલા બૅન્કના વ્યવસ્થાપકે કલ્પેલા અધિકારની જરૂર ગીતાના અભ્યાસને સારુ હશે એવો ખ્યાલ મને કદી નહોતો. એ અધિકારને સારુ ક્યા ગુણ જોઇએ એમ તેમણે કહ્યું હોત તો સારું થાત. ગીતા નિદક સિવાયના સૌને માટે છે એ ગીતાએ પોતે જ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે. ખરું જોતાં હિંદુ ધર્મની મૂળ કલ્પના જ એ છે કે વિદ્યાર્થીનું જીવન બ્રહ્મચારીનું છે, અને તેણે એ જીવનની શરૂઆત ધર્મના જ્ઞાનથી તેમ જ તેના આચરણથી કરવી જોઇએ, જેથી પોતે જે શીખે છે તેને પચાવી શકે અને પોતાના જીવનમાં ધર્માચરણને ઓતપ્રોત કરી મૂકે. પ્રાચીન કાળનો વિદ્યાર્થી પોતાનો ધર્મ શું છે એ જાણ્યા પહેલાં જ એનું આચરણ કરવા માંડતો, અને આ આચરણ પછી તેને જે જ્ઞાન મળતું તેનાથી પોતાને માટે નિયત કરેલા આચરણ પછી તેને જે જ્ઞાન મળતું તેનાથી પોતાને માટે નિયત કરેલા આચરણનું રહસ્ય તે સમજી શકતો.

એટલે અધિકાર તો તે વખતે પણ હતો. પણ એ અધિકાર પાંચ યમ

- અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય - રૂપી સદાચારનો હતો.

ધર્મનું અધ્યયન કરવા ઇચ્છનાર દરેક જણને આ નિયમોનું પાલન કરવું પડતું, ધર્મના પાયારૂપ આ તત્ત્વોની આવશ્યકતા સિદ્ધ કરવાને ધર્મગ્રંથો જરૂર રહેતી નહીં.

પણ આજે આ જાતના ઘણા અર્થવાહી શબ્દોની જેમ ‘અધિકાર’ શબ્દની પણ વિકૃતિ થઇ છે. એક ધર્મભ્રષ્ટ માણસને, તે બ્રાહ્મણ કહેવાય છે તેટલા જ કારણે, શાસ્ત્રો વાંચવાનો અને આપણને સમજાવવાનો અધિકાર ગણાય છે.

જ્યારે બીજો એક માણસ જે અમુક સ્થિતિમાં જન્મ્યાથી ‘અસ્પૃશ્ય’ પદને પામ્યો તે પછી ગમે તેટલો ધર્મનિષ્ઠ હોય તોપણ તેને શાસ્ત્રો વાંચવાનો નિષેધ છે !

પણ જે મહાભારતનોગીતા એ એક ભાગ છે તેના લેખકે આ ગાંડા નિષેધનો વિરોધ કરવાને સારુ જ એ મહાકાવ્ય લખ્યું છે, અને વર્ણ કે જાતિનો જરા પણ ભેદ રાખ્યા વિના સૌને એ વાંચવાની છૂટ મૂકી દીધી. માત્ર હું ધારું છું કે એમાં મેં ગણાવ્યા એ યમના પાલનની શરત રાખી હશે. ‘હું ધારું છું’

એ શબ્દો મેં તેટલા માટે ઉમેર્યા છે કે મહાભારતના અભ્યાસને માટે યમના પાલનની શરત મૂકેલી હોય એવું આ લખતી વખતે મને યાદ નથી આવતું.

પણ અનુભવ કહે છે કે હ્ય્દયની શુદ્ધિ અને ભક્તિભાવ એ બે વસ્તુઓ શાસ્ત્રગ્રંથો બરાબર સમજવાને સારુ આવશ્યક છે.

આજના છાપખાનાના જમાનાએ તમામ બંધનો તોડી નાખ્યાં છે.

આજે ધર્મનિષ્ઠ લોકો જેટલી છૂટથી શાસ્ત્રો વાંચે છે તેટલી જ છૂટથી નાસ્તિકો પણ વાંચે છે. પણ આપણે આ જગાએ તો વિદ્યાર્થીઓ ધર્મશિક્ષણના અને ઉપાસનાના એક અંગ તરીકે ગીતા વાંચે એ યોગ્ય છે કે નહીં એની ચર્ચા કરીએ છીએ. એમાં હું એટલું કહું કે યમનિયમના પાલનની શક્તિ અને તેથી ગીતાભ્યાસની લાયકાત જેનામાં વિદ્યાર્થીઓ કરતાં વધુ હોય એવો એકે વર્ગ

મારી કલ્પનામાં આવતો નથી. દુર્ભાગ્યે એટલું કબૂલ કરવું પડે છે કે મોટે ભાગે વિદ્યાર્થીઓ તેમ જ શિક્ષકો પાંચ યમના ખરા અધિકાર વિશે જરાયે વિચાર કરતા નથી.

નવજીવન, ૧૧-૧૨-૧૯૨૭, પા. ૧૩૨

૯૨. હિંદુ વિદ્યાર્થીઓ અને ગીતા

થોડા જ દિવસો ઉપર, વાતચીત કરતાં એક પાદરી મિત્રે મને એક પ્રશ્ન કર્યો હતો કે, હિંદુસ્તાન જો ખરેખર આધ્યાત્મિક રીતે આગળ વધેલો દેશ છે તો પોતાના જ ધર્મનું, શ્રીમદ્‌ ભગવદ્‌ગીતાનું પણ માત્ર થોડા વિદ્યાર્થીઓને જ જ્ઞાન છે એવું મને કેમ જણાય છે ? આ કથનના ટેકામાં એ મિત્ર, જે એક કેળવણીકાર પણ છે, તેણે મને એમ પણ કહ્યું હતું કે, મને જે જે વિદ્યાર્થીઓ મળ્યા છે એમને મેં ખાસ કરીને પૂછી જોયું છે કે, ‘બોલો તમને તમારા ધર્મનું અથવા શ્રીમદ્‌ ભગવદ્‌ગીતાનું શું જ્ઞાન છેે ?’ અને મને જણાયું છે કે એમાંના ઘણા મોટા ભાગને એ વિશે કશું જ જ્ઞાન નથી.

અમુક વિદ્યાર્થીઓને પોતાના ધર્મનું મુદ્દલ જ્ઞાન નથી એથી કરીને હિંદુસ્તાન આધ્યાત્મિક દૃષ્ટિએ આગળ વધેલો દેશ નથી એ અનુમાન વિશે અત્યારે હું એટલું જ કહીશ કે વિદ્યાર્થીઓને પોતાના ધર્મગ્રંથોનું જ્ઞાન ન હોય એટલે લોકોમાં ધાર્મિક જીવનનું યા આધ્યાત્મિકતાનું પણ મીંડું જ છે એવું ન કહેવાય. એમ છતાં, સરકારી શિક્ષણ સંસ્થાઓમાંથી પસાર થઇને પસાર થતા વિદ્યાર્થીઓનો ઘણો મોટો ભાગ કોઇ પણ ધાર્મિક શિક્ષણથી વંચિત હોય છે એ વિશે શંકા નથી. ઉપર્યુકત ટીકા એ પાદરીએ મૈસૂરના વિદ્યાર્થીઓ સંબંધી બોલતાં કરી હતી અને મૈસૂરના વિદ્યાર્થીઓને પણે તે રાજ્યની શાળાઓમાં કાંઇ પણ ધાર્મિક શિક્ષણ નથી અપાતું એ જોઇને મને કેટલેક અંશે દુઃખ થયું.

હું જાણું છું કે જાહેર શાળાઓમાં તો માત્ર ઐહિક શિક્ષણ જ આપવું જોઇએ એવું માનનારો એક સંપ્રદાય છે. હું એ પણ જાણું છું કે હિંદુસ્તાન જેવા દેશમાં, કે જ્યાં દુનિયાના ઘણાખરા ધર્મો પ્રચલિત છે અને જ્યાં એક જ ધર્મમાં પણ સંખ્યાબંધ સંપ્રદાયો છે, ત્યાં ધાર્મિક શિક્ષણનો પ્રબંધ કરવો મુશ્કેલ છે. પરંતુ જો ભારતવર્ષ આધ્યાત્મિક દેવાળુંં ફૂંકવાનું ન હોય તો પોતાના યુવકવર્ગને ધાર્મિક શિક્ષણ આપવાનું કામ કાંઇ નહીં તો ઐહિક શિક્ષણના જેટલું તો આવશ્યક માનવું જ જોઇએ. ધર્મગ્રંથનું જ્ઞાન થયું એટલે ધર્મનું જ્ઞાન થઇ ગયું એમ નથી એ સાચું છે. પરંતુ આપણે જો ધર્મનું જ્ઞાન ન આપી શકીએ તો ધર્મગ્રંથોનું જ્ઞાન આપીને પણ આપણે સંતોષ માનવો રહ્યો.

પરંતુ શાળાઓમાં આવું શિક્ષણ અપાતું હોય કે ન હોય, પાકી ઉમરના વિદ્યાર્થીઓએ તો બીજી બાબતોની જેમ ધાર્મિક બાબતોમાં પણ સ્વાશ્રયની કળા કેળવવી જોઇએ. ચર્ચા - પરિષદો અને કાંતણ - મંડળો જેમ તેમ સ્વતંત્ર રીતે ચલાવે છે તેમ આ વિષયનાં અભ્યાસી મંડળો પણ એમણે કાઠવાં જોઇએ.

શિમોગાના કૉલેજિયેટ હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ સમક્ષ બોલતાં એ સભામાં જ કરેલી પૂછપરછથી મને જણાયું કે એમાંના સૌ અથવા વધારે હિંદુ વિદ્યાર્થીઓમાં શ્રીમદ્‌ ભગવદ્‌ગીતા વાંચી હોય એવા વિદ્યાર્થીઓની સંખ્યા ભાગ્યે આઠ જેટલી હતી. જે થોડાઓએ ભગવદ્‌ગીતા વાંચી છે એમાંના જે એને સમજ્યા હોય તે હાથ ઊંચો કરે એમ કહેવાતાં એક પણ હાથ ઊંચો થયો નહોતો. સભામાં જે પાંચ કે છ મુસલમાન વિદ્યાર્થીઓ હતા એમણે બધાએ કુરાન વાંચ્યું છે એમ જણાવ્યું હતું, પરંતુ એને સમજ્યો તે હાથ ઊંચો કરે એમ કહેતા માત્ર એક જ જણે હાથ ઊંચો કર્યો હતો. મારા અભિપ્રાય પ્રમાણે, ગીતા એ સમજવા માટે ઘણું સરળ પુસ્તક છે. કેટલાક મૂળભૂત કોયડા એ રજૂ કરે છે કેજેના ઉકેલ બેશક અઘરા છે. પરંતું ગીતાનું સામાન્ય વલન, મારા મત પ્રમાણે, દીવા જેવું સ્પષ્ટ છે. બધા હિંદુ સંપ્રદાયોએ ગીતાને પ્રમાણભૂત પુસ્તક તરીકે સ્વીકારેલ છે. કોઇ પણ પ્રકારના સ્થાપિત મતવાદથી એ મુકત છે.

કારણો સાથે સમજાવેલું એવું એક સંપૂર્ણ નીતિશાસ્ત્ર એ પૂરું પાડે છે. બુદ્ધિ અને હ્યદય બંનેને એ સંતોષ ંઆપે છે. એમાં ફિલસૂકી અને ભક્તિ બંને ભરેલા છે.

એની ચોટ સાર્વત્રિક છે, અને ભાષા ન માની શકાય એટલા સરળ છે. એમ છતાં દરેક દેશી ભાષામાં એનું પ્રમાણભૂત ભાષાંતર હોવું જોઇએ એમ હું માનું છું. એ પરિભાષાથી મુકત હોય અને સામાન્ય માણસ એની હું એમ નથી કહેવા માગતો કે મૂળની જગા લે એવું એ હોય. કારણ, મારો તો એવો અભિપ્રાય છે કે દરેક હિંદુ બાળકે અને બાળાએ સંસ્કૃત જાણવું જ જોઇએ.

પરંતુ ભવિષ્યમાં લાંબા કાળ સુધી લાખો હિંદુઓ સંસ્કૃતના મુદ્દલ જ્ઞાન વિનાના હશે. એટલા માટે એમને શ્રીમદ્‌ ભગવદ્‌ગીતાના ઉપદેશામૃતથી વંચિત રાખવા એ તો આત્મઘાતક થઇ પડે.

ખરી કેળવણી, પા. ૨૦૧-૩

(‘મન્નારગુડીની ફ્રિન્ડલે કૉલેજના ભાષણ’ માંથી) તમારા માનપત્રમાં તમે લખ્યું છે કે તમે મારી માફક જે ભાઇબલમાંના ઉપદેશનો નિત્ય પાઠ કરો છો. હું એમ નથી કહી શકતો કે હું બાઇબલનો નિત્ય પાઠ કરું છું, પણ એમ કહી શકું છું કે મેં બાઇબલ નમ્ર અને શ્રદ્ધાળુ ભાવે વાંચેલું છે. એટલે જો તમે પણ અને એવી ભાવનાથી વાંચતા હો તો તમારે માટે એ સારી વાત છે. પણ હું તો એમ માનું છું કે તમારામાંના ઘણા

મોટા ભાગના છોકરાઓ હિંદુ છો. તમે મને કેવું કહી શક્યા હોત કે બીજા નહીં તો છેવટે તમારા હિંદુ છોકરાઓ પ્રેરણા મેળવવા માટે રોજ ભગવદ્‌ગીતા વાંચે છે, તો મને સારું લાગત. કેમ કે હું માનું છું કે દુનિયાના બધા મોટા ધર્મો વત્તેઓછે અંશે સાચા છે. હું ‘વત્તેઓછે અંશે’ એટલા માટે કહું છું કે હું

માનું છું કે મનુષ્ય જે કોઇ ચીજને હાથ અડાડે છે તે દરેક ચીજ, તેની અપૂર્ણતાને કારણે જ, અપૂર્ણ બની જાય છે. પૂર્ણાતા ઇશ્વરનો વિરલ ગુણ છે.

એનું વર્ણન થઇ શકતું નથી. એ ગુણ વાણીથી વ્યક્ત થઇ શકતો નથી. હું અવશ્ય માનું છું કે જેમ ઇશ્વર પૂર્ણ છે તેવી જ રીતે માનવામાત્ર માટે પૂર્ણ બનવું શક્ય છે. પૂર્ણતાની અભીપ્સા રાખવી એ આપણા સૌ માટે આવશ્યક છે, પણ એ ધન્ય દશા પ્રાપ્ત થાય છે ત્યારે એનુંય વર્ણન થઇ શકાતું નથી, એની વ્યાખ્યા થઇ શકતી નથી. અને તેથી પૂરેપૂરી નમ્રતા સાથે હું કબૂલ કરું છું કે વેદ, કુરાન, બાઇબલ સુધ્ધાં પ્રભુની અપૂર્ણ વાણી છે, અને આપણે પોતે અસંખ્ય વિકારોને લીધે આમતેમ ઝોલાં ખાઇ રહેલાં અપૂર્ણ પ્રાણીઓ હોઇ

પ્રભુની આ વાણીને પૂર્ણ રીતે સમજવાનું પણ આપણે માટે અશક્ય છે. અને તેથી જેમ હું મુસલમાન કે ખ્રિસ્તી છોકરાઓને એની પરંપરા નહીં ભૂંસી નાખવાની સલાહ આપું છું તેવી જ રીતે હિંદુ છોકરાને પણ કહું છું કે જે પરંપરામાં તું ઊછર્યો છે તેને તારે ઉખેડી ન નાખવી જોઇએ. અને તેથી તમે બાઇબલ શીખો અને કુરાન શીખો એ જેમ મને ગમે તેમ મને જો ફરજ પાડવાની સત્તા હોય તો તમને બધા હિંદુ છોકરાઓને હું ગીતા શીખવાની અવશ્ય ફરજ પાડું. હું માનું છું કે શાળાઓમાં ભણતા છોકરાઓમાં આપણે જે

ચારિત્ર્યભ્રષ્ટતા જોઇએ છીએ, જીવનમાં મહત્ત્વની કહેવાય એવી બાબતો વિશે જે બેદરકારી જોઇએ છીએ, જીવનના મોટામાં મોટા અને સૌથી પાયાના પ્રશ્નો

પ્રત્યે વિદ્યાર્થીઆલમ જે નાદાનીથી વર્તે છે તેનું કારણ તેઓએ અત્યાર સુધી જે પરંપરામાંથી પોષણ મેળવ્યું છે તેનો ઉચ્છેેદ થઇ ગયો છે તે છે.

પણ મારી વાતમાંથી ગેરસમજ ન થવી જોઇએ. દરેક પ્રાચીન વસ્તુ

પ્રાચીન હોવાને કારણે જ સારી છે એવું હું માનતો નથી. પ્રાચીન પરંપરાને નામે, ઇશ્વરે આપણને આપેલી વિચાર કરવાની શક્તિનો ઉપયોગ જ ન કરવો એવું હું કહેતો નથી. કોઇ પણ પરંપરા ગમે એટલી પ્રાચીન હોય, પણ જો નૈતિક ભાવના સાથે અસંગત હોય તો તે દેશમાંથી બરતરફ થવાને પાત્ર છે.

અસ્પૃશ્યતા પ્રાચીન પરંપરા ગણી શકાય. બાળવૈધવ્ય અને બાળલગ્નની પ્રથા

પ્રાચીન પરંપરા ગણી શકાય. અને કેટલીયે ભયંકર માન્યતાઓ અને વહેમી રૂઢિઓ આ કોટિમાં આવે. પણ જો મારું ચાલે તો હું એમનું નામનિશાન પણ ન રહેવા દઉં. એટલે જ્યારે હું પ્રાચીન પરંપરાને માન આપવાની વાત કરું છું ત્યારે હું શું કહેવા માગું છું તે હવે તમને સમજાશે. અને જે ઇશ્વર મને બાઇબલમાં અને કુરાનમાં દેખાય છે તે જ ઇશ્વર મને ભગવદ્‌ગીતામાં દેખાતો હોવાથી, હું હિંદુ છોકરાઓને કહું છું કે એમને પારકાં ધર્મપુસ્તકો કરતાં ભગવદ્‌ગીતામાંથી વધારે કીમતી પ્રેરણા મળશે, કેમ કે બીજા કોઇ ધર્મગ્રંથ કરતાં ગીતા સાથે એમના મનના મેળ વધારે સધાશે.

યંગ ઇન્ડિયા, ૨૨-૯-૧૯૨૭, પા. ૩૧૭-૩૧૯