Bhootno Bhay - 8 in Gujarati Horror Stories by Rakesh Thakkar books and stories PDF | ભૂતનો ભય - 8

Featured Books
Share

ભૂતનો ભય - 8

ભૂતનો ભય ૮

- રાકેશ ઠક્કર

બંગલામાં સંગીત

અગમ અને એની પત્ની નાર્યા એકના એક પુત્ર કાલન સાથે બિગર બંગલો ના બંગલા નંબર તેરમાં રહેવા આવ્યા ત્યારે એ ઘણા વર્ષોથી ખાલી હતો. કોઈને ખબર ન હતી કે એમાં કોઈ રહેવા કેમ જતું ન હતું. એના માલિકનું કહેવું હતું કે તે વિદેશ જતો રહ્યો હોવાથી ઘણા વર્ષો સુધી એને વેચવો કે રાખવો એનો નિર્ણય લઈ શક્યો ન હતો. વિદેશથી આવીને આખરે વેચવાનો નિર્ણય લઈ લીધો હતો. કેમકે તે હવે વિદેશ ગયા પછી પાછો આવવાનો ન હતો. દલાલની મદદથી અગમે સસ્તામાં બંગલો ખરીદી લીધો હતો.

બે મહિના બંગલાના રિનોવેશનમાં લાગ્યા હતા. જ્યારે રહેવા ગયા ત્યારે આધુનિક બંગલો જોઈ કાલન તો બહુ ખુશ થઈ ગયો હતો. બાર વર્ષનો કાલન પોતાનો અલગ રૂમ મેળવી વધારે ખુશ હતો.

થોડા દિવસ એમ જ નીકળી ગયા. અચાનક એક રાત્રે કાલન સૂતો હતો ત્યારે ઝાંઝરનો અવાજ સંભળાયો. પછી તો વારંવાર સંભળાવા લાગ્યો હતો. સાથે બીજું સંગીત પણ વાગતું હતું. એને પહેલી વખત થયું કે ઊંઘમાં ભ્રમ થયો હશે. બીજી વખત થયું કે આજુબાજુમાં કોઈ જગ્યાએ સંગીતનો કાર્યક્રમ ચાલતો હશે. પણ પછી એ ગભરાયો. એને એ અવાજ રહસ્યમય લાગવા લાગ્યો હતો.

કાલને માતા- પિતાને એની વાત કરી ત્યારે પહેલાં એમણે વાતને હળવાશથી લીધી અને એને ઇયરફોન પહેરીને રાત્રે યુટ્યુબ પર ફિલ્મો કે ગીતો જોવા-સાંભળવાને બદલે શાંતિથી ભગવાનનું નામ લઈ સૂઈ જવા સમજાવ્યું. કાલને પ્રયત્ન કર્યો પણ સંગીત સાથે ઝાંઝરનો અવાજ પીછો છોડતો ન હતો. એને ભૂતનો ભય સતાવવા લાગ્યો. એણે એ રૂમમાં સૂઈ જવાની ના પાડી દીધી. એક દિવસ અગમ અને નાર્યા એની સાથે સૂઈ ગયા. એમને કોઈ અવાજ ના આવ્યો. ત્યારે કાલનને પણ અવાજ ના આવ્યો.

માતા- પિતાના આગ્રહથી કાલન પણ એ અવાજને સામાન્ય માનીને સ્વીકારવા લાગ્યો.

એક દિવસ રાત્રે એણે અવાજને ધ્યાનથી સાંભળ્યો. એને લાગ્યું કે એના બેડ નીચેથી અવાજ આવી રહ્યો છે. આજે એણે એનો ફેંસલો લાવવાનો નિર્ણય કરી લીધો અને બેડ પરથી ગાદલું હટાવી બેડને બાજુ પર ખસેડી લીધો. નીચે જમીન જ હતી. અચાનક ટાઇલ્સ હલવા લાગી અને લાઇટો જતી રહી. તે બૂમ પાડે એ પહેલાં જ એક હાથ નીકળ્યો અને એનું ગળું પકડી અંદર ખેંચી ગયો.

સવારે અગમ અને નાર્યાએ વારાફરતી જોયું કે કાલન એની રૂમમાં નથી. ધીમે ધીમે આખો બંગલો ખૂંદી વળ્યા તો પણ પત્તો ના લાગ્યો. પોલીસમાં ફરિયાદ નોંધાવી તોય ક્યાંયથી મળ્યો નહીં. કાલન કેવી રીતે ગૂમ થયો એનો જ ખ્યાલ આવતો ન હતો.

અચાનક વિચાર આવતા બંનેએ બંગલા બહારના સીસીટીવી ફૂટેજ જોયા. કાલન બહાર જ આવ્યો ન હતો. એમને એ દિવસની કાલન સાથેની મુલાકાત યાદ હતી. એમને મળીને એના રૂમમાં ગયા પછી એ બહાર આવ્યો જ નથી.

નાર્યાને એની રૂમમાં સંગીત સંભળાતું હોવાની કાલનની વાત યાદ આવી અને શંકા પડી. અગમ અને નાર્યાએ દિવસે કાલનની રૂમમાં સીસીટીવી કેમેરા ગોઠવ્યા અને એ રાત્રે એમના પાળેલા શ્વાનને કાલનના બેડની બાજુમાં ચટ્ટાઇ પાથરી સૂવડાવી પોતાની રૂમમાં આવી ગયા અને એ રૂમનું ટીવી પર પ્રસારણ જોવા લાગ્યા. અડધી રાત્રે શ્વાન હલવા લાગ્યો અને આમતેમ જોવા લાગ્યો. એને કોઈ અવાજ આવતો હોવાનું લાગતું હતું. એણે અચાનક ચટ્ટાઇને હટાવીને જોવાનો પ્રયત્ન કર્યો. ત્યારે જ લાઇટો ગઈ. દસ મિનિટ પછી લાઇટો આવી અને સીસીટીવી ચાલુ થયા ત્યારે ચટ્ટાઇ ખાલી હતી. રૂમ જેવો હતો એવો જ હતો. પણ શ્વાન ન હતો.

અગમ અને નાર્યાને ખ્યાલ આવી ગયો કે શ્વાનની જેમ એમના પુત્રને એ રૂમની જમીનમાં રહેતું ભૂત ગળી ગયું છે. બીજા જ દિવસે એમણે બંગલો ખાલી કરી દીધો અને બીજી જગ્યાએ રહેવા જતા રહ્યા. બંનેને પુત્ર ગુમાવ્યાનો અફસોસ થયો. એ પછી શ્વાનને પણ ગુમાવી દીધો હતો. નાર્યાએ કહ્યું કે એમણે પુત્રની વાતને ગંભીરતાથી લેવાની જરૂર હતી. અગમ કહે કે સારું છે કે આપણે કૂતરાને એમાં રાખીને તપાસ કરી. મને લાગે છે કે એકલી વ્યક્તિને એ ભૂત ઊંચકી જાય છે. શ્વાન પણ ગાયબ થઈ ગયો હતો. આપણે સાથે હતા ત્યારે કાલનને કંઇ થયું નહીં. એકલી વ્યક્તિ હોય ત્યારે જ સંગીત પણ સંભળાતું હશે. હું કે તું એકલા સૂઈ ગયા હોત તો...?’

***