Bhootno Bhay - 10 in Gujarati Horror Stories by Rakesh Thakkar books and stories PDF | ભૂતનો ભય - 10

Featured Books
Categories
Share

ભૂતનો ભય - 10

ભૂતનો ભય ૧૦

- રાકેશ ઠક્કર

સાથે જીવશું સાથે મરશું

અલિત અને મહિના એકબીજાને દિલોજાનથી ચાહવા લાગ્યા હતા. કોલેજમાં સાથે ભણતા હતા અને એકબીજા સાથે દિલ એવું હળીભળી ગયું હતું કે સાથે હરશું સાથે ફરશું સાથે જીવશું સાથે મરશું ના ગીત ગાવા લાગ્યા હતા. જન્મોજન્મના બંધનમાં બંધાવાની વાત કરવા લાગ્યા હતા.

કોલેજમાં ભણતા હતા એ સમય તો શાંતિથી પસાર થઈ ગયો. બંનેનો કોલેજનો અભ્યાસ પૂરો થયા પછી પ્રેમમાં અંતરાયો આવવા લાગ્યા હતા. હવે હળવું મળવું સરળ ન હતું. મહિના માટે હવે ઘરમાંથી કામ વગર બહાર નીકળવાનું મુશ્કેલ હતું. અલિત નોકરીએ લાગી ગયો હતો. ફોન પર લાંબો સમય વાત કરવાથી બંનેનું દિલ ધરાતું ન હતું. બંનેએ લગ્ન કરી લેવાનું નક્કી કરી લીધું હતું પરંતુ એમને ખબર હતી કે વચ્ચે ઘણી બધી દિવાલો છે. મહિના એક માલેતુજાર પિતાની પુત્રી હતી. અલિત એક ગરીબ ઘરનો છોકરો હતો. જોકે, મુસીબત આ એકલી ન હતી. ધર્મ અને જાતિની દિવાલ એનાથી મોટી હતી.

અલિત અને મહિનાએ પોતાના પરિવારમાં એકબીજા સાથે લગ્ન કરવાની વાત કરી ત્યારે તોફાન ઊભું થયું હતું. બંનેએ પોતાનો પ્રેમ સાચો હોવાની દુહાઈ આપી અને પ્રેમ બધાંથી ઉપર હોવાની વાત કરી. પણ બન્નેના પરિવારોએ એમના લગ્ન નામંજૂર કરી દીધા અને એમ સમજ્યા કે હવે એમના પ્રેમ પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે. પરંતુ અલિત અને મહિનાએ તો એકબીજા સાથે જીવવા અને મરવાની કસમો ખાધી હતી. સાથે જીવી શકે એમ ન હતા એટલે મરવાનું નક્કી કરી લીધું હતું.

અનેક ઉપાય વિચાર્યા પછી ટ્રેન સામે આવીને જીવ આપી દેવાનું નક્કી કર્યું. થોડા દિવસોમાં એ તક મળી ગઈ. શહેરથી થોડે દૂર રેલવેના પાટા પાસે ઊભા રહ્યા. જેવી ટ્રેન નજીક આવી કે સામે જઈ ઊભા રહ્યા. બન્યું એવું કે છેલ્લી ઘડીએ અલિત ડરી ગયો અને એણે ટ્રેનના એન્જિનના આગળના ભાગનો સળિયો પકડી લીધો. એ બચી ગયો અને મહિના મરી ગઈ. પોલીસ કેસ અને સમાજમાં બદનામીથી મહિનાના પરિવારે વાતને અકસ્માતમાં ખપાવી દીધી.

અલિતને પોતાની જાત પર ગુસ્સો આવ્યો. મહિના મૃત્યુ પામી અને એનો આત્મા ભટકવા લાગ્યો. એનો આત્મા અલિતને મળીને એને આત્મહત્યા કરી લેવા ઉકસાવવા લાગ્યો. મહિનાના આત્માનું કહેવું હતું કે એ આત્મહત્યા કરશે તો જ એની જેમ આત્મા બનીને રહી શકશે. કુદરતી મોત મળશે તો એના આત્માનો મોક્ષ થઈ જશે અને બંને અલગ થઈ જશે.

અલિતે ગળે ફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો પણ મોતના ડરથી એ બચી ગયો. એણે જુદી જુદી રીતો અપનાવી પણ સફળ ના રહ્યો. પરિવારે હવે એની માનસિક સ્થિતિ સારી ન હોવાથી ઘરમાં પૂરી દીધો. બહાર જવા પર મનાઈ ફરમાવી દીધી. મહિનાનો આત્મા એને મળવા આવતો હતો. અલિતનું મન મહિનાની સાથે જવા મચલતું હતું.

એક દિવસ રાત્રે મહિનાનો આત્મા આવ્યો અને એને એક ધારદાર ચાકુ આપીને હાથની નસ કાપી નાખવા કહ્યું. જેથી કોઈને ખબર ના પડે. અલિતને એ વિચાર ગમ્યો. અલિત ચાકુ લઈ હાથની નસ કાપવા ગયો અને અટકી ગયો. એની હિંમત સાથ આપતી ન હતી. અગાઉની જેમ જ હિંમત દગો આપવા લાગી. મહિનાના આત્માએ એને ઘણું પ્રોત્સાહન આપ્યું. સાથે જીવ્યા હતા અને હવે સાથે મારવાનો કોલ આપ્યો હતો એ પૂરો કરવા આગ્રહ કર્યો.

અલિત ઘણું મથ્યો પણ હાથ પર ચાકુ ચલાવી શકતો ન હતો. મહિનાએ એના પર ડરથી દબાણ લાવવા પોતાનું રૂપ બદલ્યું. એ આત્મા તરીકે મહિના જેવા રૂપમાં જ મળતી હતી. પણ અલિતને ડરાવીને આત્મહત્યા કરવા મજબૂર કરવા ભૂતનીના ભયાનક રૂપમાં આવી ગઈ અને એને ગભરાવ્યો કે જેથી ચાકુ હાથ પર ચલાવી દે. પણ મહિનાને ડરામણી ભૂતનીના રૂપમાં જોઈ ડરપોક અલિત એવો ડરી ગયો કે એનું હ્રદય કામ કરતું બંધ થઈ ગયું અને મૃત્યુ પામ્યો. એના આત્માને મોક્ષ મળી ગયો.

મહિના અફસોસ કરતી રહી કે એણે આવો ઉપાય કરીને ભૂલ કરી. હવે ન જાણે ક્યાં સુધી પોતે એકલા જ ભટકવું પડશે. સાથે જીવવાનું કે મરવાનું તો ઠીક આત્મા તરીકે સાથે ભટકવાનું પણ નસીબમાં ન હતું.

***