Bhootno Bhay - 11 books and stories free download online pdf in Gujarati

ભૂતનો ભય - 11

ભૂતનો ભય ૧૧

- રાકેશ ઠક્કર

ભૂતનો બદલો

અંબુ... અંબુ...

અડધી રાત્રે પોતાના નામની બૂમ સાંભળી અંબિકા પથારીમાં બેઠી થઈ ગઈ અને બોલી:આ તો માનો અવાજ છે... પછી યાદ આવ્યું કે મા બકુલાના મોતને તો એક અઠવાડિયું થઈ ગયું છે. એ ક્યાંથી બૂમ પાડી શકે? મારો મનનો ભ્રમ છે. પણ મા સિવાય મને અંબુ કોઈ કહેતું ન હતું. એણે આત્મહત્યા કરી લીધી હતી. પતિ- પત્ની વચ્ચે ઝઘડા તો થતાં જ રહેતા હોય છે. મા મને શિખામણ આપતી હતી કે લગ્ન કરે પછી થોડું જતું કરવાની ભાવના રાખવાની.

અંબિકા મા વિશે વિચારતી હતી ત્યારે ફરી નજીકથી અંબુ... અંબુ... ની બૂમ આવી. એણે આખા રૂમમાં નજર ફેરવી. અચાનક ડિમલાઈટના અજવાળામાં એક પડછાયો દેખાયો અને તરત જ બકુલા સાક્ષાત દેખાઈ. એ ચમકીને ગભરાઈને એક ખૂણામાં બેસી ગઈ.

બેટા, ગભરાઈશ નહીં. હું બકુલાનું ભૂત છું. તને કંઇ જ કરીશ નહીં. તારી આ માની આત્મા ભટકી રહી છે...

મા... તું ભૂત બની છે? તારા આત્માને મોક્ષ મળ્યો નથી? અમે તો બધી વિધિ કરાવી છે.

બેટા, મારી આત્માને ત્યારે જ શાંતિ મળશે જ્યારે તારા બાપ નરવીરનું મોત થશે....

મા, આ તું શું કહે છે?’

હા, કેમકે મેં આત્મહત્યા કરી ન હતી. તારા બાપે મારી હત્યા કરી છે. તારે મને એના અંત માટે મદદ કરવી પડશે...

મા, હું સાચું માનતી નથી. એ તો બહુ સારા છે.

એ તારો ભ્રમ છે. એ દિવસે એમણે મારું ગળું ઓશિકાથી દબાવી દીધું હતું અને દોરડાથી પંખા પર લટકાવી દીધી હતી.

અંબિકાએ માની વાત માનવાનો ઇન્કાર કર્યો ત્યારે બકુલાએ પોતાની શક્તિથી એને દિવાલ પર એ રાતનું આખું દ્રશ્ય કોઈ ફિલ્મની જેમ બતાવ્યું. અંબિકાને પિતા પર ક્રોધ આવ્યો અને માની હત્યા માટે એમને કોસવા લાગી.

બકુલાએ કહ્યું:એ માણસને જીવવાનો અધિકાર નથી. એ માણસ નથી હેવાન છે. હું કહું એમ કરીશ તો આપણે એને મોતની સજા આપીશું. અને સમજાવ્યું કે આવતીકાલે રાત્રે એમના રૂમમાં જઈને એમના ગળામાં જે રુદ્રાક્ષની માળા છે એને બદલજે. બસ એટલી જ વારમાં હું એનું ગળું દબાવી દઇશ. જો એના ગળાની રુદ્રાક્ષની માળા કારણ વગર કઢાવીશ તો એને શંકા જશે. પહેલાં તારે એ માળા કઢાવવાની અને પછી નવી પહેરાવવામાં વાર લગાડવાની. એ માળા એના ગળામાં છે ત્યાં સુધી હું એનું કંઇ બગાડી શકું એમ નથી. એ ખાસ રુદ્રાક્ષમાં બહુ શક્તિ છે. એટલે એ માળા ક્યારેય કાઢતો નથી.

બકુલાના કહ્યા પ્રમાણે અંબિકા બીજા દિવસે રુદ્રાક્ષની નવી માળા લઈ આવી. રાત્રે પરવારીને પિતા એમની રૂમમાં બેઠા હતા ત્યારે એમને કહ્યું:પપ્પા, આ જુઓ, તમારા માટે નવી રુદ્રાક્ષની માળા લાવી છું. જૂની કાઢી નાખો. હું તમને નવી પહેરાવું છું.

અંબિકા એમની જૂની માળા કાઢવા જતી હતી ત્યારે જ લાઇટો ગઈ અને અંધારું છવાઈ ગયું. ત્યારે બકુલાનું ભૂત ત્યાં નજીકમાં હાજર થઈ ગયું હતું. એણે આ બધી યોજનાની અંબિકાને જાણ કરી દીધી હતી. આખો ખેલ થોડી ક્ષણોનો જ હતો. લાઈટ ગઈ એટલે અંબિકાએ અંધારામાં જ પિતાને કહ્યું:ભલે લાઇટ ગઈ. હવે તમે જ જૂની માળા કાઢી નવી પહેરી લો.

હા.’ કહી નરવીરે જૂની રુદ્રાક્ષની માળા કાઢવા બંને હાથ ગળા પર લઈ જવાનું શરૂ કર્યું.

બકુલાનું ભૂત એ મોકાની રાહ જ જોઈ રહ્યું હતું. પણ આંખના પલકારામાં બાજી પલટાઈ ગઈ.

નરવીરે બંને હાથ ગળા પરની માળા સુધી લઈ ગયા પછી વીજળીવેગે પાછા લાવી નજીકમાં સંતાડેલું મંત્રેલુ જળ ઘડીના છઠ્ઠા ભાગમાં જ્યાં બકુલાનું ભૂત હતું ત્યાં નાખી દીધું અને એનો આત્મા ભડભડ અવાજ સાથે બળવા લાગ્યો.

બકુલાનું ભૂત દર્દથી ચીસો પાડતા બોલ્યું:દગો... મારી સાથે દગો થયો છે..

દગો તો તેં કર્યો છે. કહી અંબિકા એના પર ખીજવાઈ.

બકુલાનું ભૂત ક્ષણવારમાં બળીને અદ્રશ્ય થઈ ગયું. એના ભૂતનું અસ્તિત્વ મટી ગયું અને લાઇટો આવી ગઈ.

અંબિકાએ પિતાને પગે લાગી કહ્યું:તમે મારી આંખો ખોલી ના હોત તો મેં મા સાથે પિતા પણ ગુમાવી દીધા હોત. એના મૃત્યુ પછી મને તમે બધી વાત કરી દીધી હતી. મારી મા જ બદમાશ હતી એની મને ખબર પડી ગઈ હતી. એણે તમને ફસાવવા આત્મહત્યા કરી હતી અને તમારું નામ લખી ગઈ હતી. પણ આપણે એ ચિઠ્ઠી બાળી દીધી હતી. તમે ત્યારે જ શંકા વ્યક્ત કરી હતી કે એ બદલો લેવા ભૂત બનીને આવી શકે છે. મેં અજાણી થઈને જ એની સાથે વાત કરી હતી.

નરવીરે ગળગળા સાદે કહ્યું:બેટા, તેં મારા પર વિશ્વાસ કર્યો એ બદલ તારો આભારી છું. તારી માનું ચરિત્ર પણ સારું ન હતું. એ કજિયાળી હતી. એ દિવસે મને આત્મહત્યાની ધમકી આપી બધી સંપત્તિ એના નામે લખવા કહેતી હતી. મેં દાદ આપી ન હતી. એ આત્મહત્યાનું નાટક કરતી હતી પણ ભૂલથી ખરેખર એને ગળે ફાંસો લાગી ગયો હતો. હું એને માનવતા બતાવી બચાવવા ગયો પણ એનો જીવ નીકળી ગયો હતો.

***