Bhootno Bhay - 9 books and stories free download online pdf in Gujarati

ભૂતનો ભય - 9

ભૂતનો ભય ૯

- રાકેશ ઠક્કર

હિન્દુ – મુસ્લિમ

શહેરમાં છેલ્લા દસ દિવસથી હુલ્લડ ફાટી નીકળ્યા હતા. કોમી રમખાણોને લીધે કેટલીય વખત કરફ્યુ લગાવવામાં આવ્યો હતો. આજે અગિયારમાં દિવસે શહેરમાં શાંતિ પ્રવર્તતી હોવાથી કરફ્યુમાં છૂટ આપવામાં આવી હતી.

નગીનદાસ દસ દિવસથી બંગલામાં કેદ થઈ ગયા હોય એવી લાગણી અનુભવતા હતા. આજે એમણે પોતાની ઓફિસે જવાનું નક્કી કરી લીધું હતું. એમના બંને પુત્રોએ સમજાવ્યા પણ માન્યા નહીં. બંને પુત્રો પણ પોતાની નોકરી પર જવાનું હોવાથી મજબૂર હતા. એ સવારે નીકળ્યા ત્યારે આમ તો ચોખ્ખી મનાઈ ફરમાવીને ગયા હતા પણ જો જવું હોય તો પોતાની કારમાં નહીં પણ ભાડાની કારમાં જવાની વિનંતી કરતા ગયા હતા. એની પાછળ કારણ હતું.

નગીનદાસનું મન હવે ઘરમાં લાગતું ન હતું. એમણે અગિયાર વાગ્યા સુધી પોતાના મન પર કાબૂ રાખ્યો પણ પછી પરિવારની ના છતાં ડ્રાઈવર ગુલામ રસૂલને લઈને ઓફિસ જવા નીકળી જ ગયા.

એમની કાર ઓફિસની બિલ્ડિંગ પાસે પહોંચવામાં હતી અને એક સૂમસામ ગલીમાંથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક હાથમાં લાકડીઓ અને હથિયાર સાથે એક ટોળકી આવી પહોંચી અને કારને અટકાવી. એ લોકોએ કારમાં બેઠેલા ડ્રાઇવરને જોઈ નજીક આવી એને બહાર નીકળવા કહ્યું. ગુલામ રસૂલ ગભરાઈ ગયો. નગીનદાસે એને બહાર નીકળવાની ચોખ્ખી ના પાડી દીધી.

એક જણે કારના બોનેટ પર લાકડી મારીને એને બહાર નીકળવા કહ્યું. ગુલામ બહાર ના નીકળ્યો એટલે એના દરવાજા પર લાકડીઓ મારવા લાગ્યા ત્યારે નગીનદાસ પાછળનો દરવાજો ખોલી બહાર નીકળ્યા અને એમને અટકાવવા લાગ્યા.

એક માણસે કહ્યું:તમે વચ્ચે ના આવશો. આ લોકોને છોડવાના નથી. પણ નગીનદાસ વચ્ચે પડ્યા. એમાં એમને લાકડીઓ વાગી ગઈ. એ ઇજાને કારણે રોડ પર ગબડી પડ્યા. એ જોઈ ટોળકી રફુચક્કર થઈ ગઈ.

ગુલામે તરત જ બહાર આવી નગીનદાસને ઊંચક્યા અને કારમાં સુવડાવી એમના પુત્રોને ફોન કરી જાણકારી આપી. બહુ ઇજા થઈ ન હતી એટલે પુત્રોએ એમને ઘરે લઈ જવા કહ્યું અને ડોક્ટરને લઈને આવી રહ્યા હોવાનું જણાવ્યું.

રસ્તામાં ગુલામે કહ્યું:સાહેબ, તમે ખોટા વચ્ચે પડ્યા. એમને મારો શિકાર કરવો હતો. મારા લીધે તમારે માર ખાવો પડ્યો.

નગીનદાસ હવે સ્વસ્થ થયા હતા એટલે બોલ્યા:તું પણ એક માનવી છે અને હું પણ એક માનવી જ છું. આપણાં બંનેનું લોહી લાલ છે. શરીર હાડમાંસનું જ બનેલું છે. માત્ર ધર્મ જુદો છે. પણ બધાં ધર્મો માનવતાની જ વાત કહે છે ને? તો આ બધું વેર અને વૈમનસ્ય શા માટે ફેલાયું છે?’

સાહેબ, બધા પાસે તમારા જેવી સમજ હોવી જોઈએ ને? આ શહેરમાં છાસવારે કોમી તોફાનો થાય છે પણ તમે મને આઠ વર્ષથી નોકરીએ રાખ્યો છે. આજે તમે ના હોત અને હું એકલો હોત તો જીવતો રહ્યો ના હોત. તમે તમારો જીવ જોખમમાં મૂકીને મને બચાવ્યો છે. હું તમારું અહેસાન ક્યારેય નહીં ભૂલું. આ વખતે જ હિંસા વધારે થઈ રહી છે. આપણું શહેર પહેલાં આવું ન હતું. ગુલામ નવાઈ વ્યક્ત કરતાં બોલ્યો.

ગુલામ, દિવસે દિવસે માનવી બદલાઈ રહ્યો છે. કહી ઘર આવતા નગીનદાસ જાતે જ ઉતરી ગયા.

બંને પુત્રોએ આવીને પિતાને સમજાવ્યા કે તમારે જવું હતું પણ ગુલામને લઈ જવાનો ન હતો. શહેરમાં હજુ લાવા ઉકળી રહ્યો છે. પછી બંને પુત્રોએ જીદ કરીને ગુલામને થોડા દિવસો માટે એના શહેરમાં મોકલી આપવાનું નક્કી કર્યું. નગીનદાસે કહ્યું કે ગુલામ ચાકર હતો. એણે બેગ તૈયાર કરી લીધી અને નીકળી ગયો.

ચારેક મહિના પછી બધું સામાન્ય થઈ ગયું. વચ્ચે નગીનદાસે ગુલામને બોલાવી લેવાની વાત કરી પણ પુત્રોએ સખ્તાઈથી ના પાડી દીધી હતી. એમણે નવો ડ્રાઈવર મહેશ રાખી લીધો હતો. નગીનદાસ ક્યારેક ફોન પર ગુલામ સાથે વાત કરી લેતા હતા. પણ છેલ્લા બાર દિવસથી એને ફોન લાગતો ન હતો. નંબર ડાયલ કરતાં એવો મેસેજ સંભળાતો હતો કે આ નંબર અસ્તિત્વમાં નથી. વચ્ચે એક વખત ગુલામે તબિયત સારી ન હોવાની વાત કરી હતી. એ બીમાર તો નહીં હોય ને? એવી શંકા પડી હતી.

નગીનદાસે ઘરમાં ગુલામ માટે ચિંતા વ્યક્ત કરી ત્યારે એક પુત્રએ અનુમાન બાંધ્યું કે એણે નંબર બદલી નાખ્યો હશે. એ હવે અહીં નોકરી કરવા માગતો નહીં હોય. નગીનદાસનું મન આ વાત માનવા તૈયાર ન હતું. એમની પાસે ગુલામના ઘરનું સરનામું હતું. એમણે એક મિત્રને મળવા જવાના બહાને મહેશને લઈ ગુલામને ત્યાં કાર હંકારાવી મૂકી.

નગીનદાસની કાર શહેરમાં પ્રવેશી અને ગુલામના ઘરનું સરનામું રસ્તા પર કોઈને પૂછ્યું ત્યારે હવે અહીં કોમી રમખાણ થતાં હોવાનું જાણવા મળ્યું. અને એમને એ મુસ્લિમ બહુલ વિસ્તારમાં ન જવા સલાહ મળી. નગીનદાસ કોઈપણ સંજોગોમાં ગુલામને મળવા જવા માગતા હતા. મહેશ પણ ના પાડવા લાગ્યો હતો. જ્યારે નગીનદાસે જાતે કાર ચલાવીને જશે એવી જીદ કરી ત્યારે એણે કાર આગળ વધારી.

સાંજ પડી ગઈ હતી. ગુલામ રહેતો હતો એ મહોલ્લામાં કાર પ્રવેશ કરી રહી હતી ત્યારે સામે એક ટોળું હાથમાં હથિયારો સાથે રસ્તો રોકીને ઊભું હતું. નગીનદાસે કારનો કાચ ઉતારી ગુલામભાઇને ત્યાં જવું છે કહ્યું પણ એમની કોઈ વાત સાંભળવા માગતા ના હોય એમ બે માણસો હથિયાર સાથે આગળ વધ્યા અને કાર પર હથિયાર માર્યું.

નગીનદાસે બહાર નીકળવાનો પ્રયત્ન કર્યો ત્યારે મહેશે એમને વાર્યા પણ એ માન્યા નહીં. ત્રણ- ચાર જણ એમના પર તૂટી પડવા માગતા હોય એમ હથિયાર ઊંચા કરી ધસ્યા. અચાનક એમના હથિયાર સાથે એક લાંબો પાઇપ અથડાયો. અંધારામાં કોઈને ખ્યાલ ના આવ્યો કે ગુલામે એક મોટા પાઈપથી બધાને અટકાવ્યા હતા. એણે નગીનદાસને કારમાં બેસી જવા કહ્યું. ગુલામ એકલો હતો અને સામે પાંચ માણસો હતા છતાં એ એમને પહોંચી વળ્યો. પાંચ જ મિનિટમાં બધાં ગુલામનું રોદ્ર સ્વરૂપ જોઈ માર ખાઈને ડરીને ભાગી ગયા.

નગીનદાસ ખુશ થઈને કાર બહાર નીકળવા જતાં હતા ત્યારે એ નજીક આવ્યો. નગીનદાસને દરવાજો ખોલવા ના દીધો અને બોલ્યો:સાહેબ, તમે ઘરે પાછા વળી જાવ. અને મારી કસમ છે કે આજ પછી ક્યારેય અહીં આવશો નહીં. હું પાછો આવવાનો નથી. લેણદેણ હશે તો આવતા જનમમાં જરૂર મળીશું.

નગીનદાસે મજબૂર થઈ મહેશને કારને વાળી લેવા કહ્યું.

રસ્તામાં મહેશે કહ્યું કે ગુલામે બચાવી લીધા ના હોત તો આજે જીવતા ઘરે પહોંચી શક્યા ન હોત. નગીનદાસના મનમાં ગુલામના શબ્દો પડઘાયા:હું તમારું અહેસાન ક્યારેય નહીં ભૂલું...

ઘરે નિરાશ થઈ પાછા ફરતા નગીનદાસને ખબર ન હતી કે ગુલામ રસૂલના ઘરમાં માતમ છવાયેલો હતો. ચાર દિવસ પહેલાં જ બીમારીમાં ગુલામ રસૂલ અલ્લાહને પ્યારો થઈ ગયો હતો.

***