Guhilot dynasty and Maharana Pratap in Indian history - 9 books and stories free download online pdf in Gujarati

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 9

રાણા રતનસિંહ

            તક્ષકસ્ય વિષં હંતે, મક્ષિકાસ્ય વિષં શિર:

            વૃશ્ચિકસ્ય વિષં પુચ્છે, સર્વાંગ દુર્જનો વિષં.

            સાપના દાંતમાં ઝેર હોય છે. માખીના મસ્તકમાં ઝેર હોય છે. વીંછીની પૂંછડીમાં ઝેર હોય છે પરંતુ દુર્જનના તો બધાં અંગો માં ઝેર હોય છે. માટે દુર્જન થી સાવધાન રહેવું. દુર્જન દુર્જનના વેશમાં જ સામે આવે એવું બનતું નથી. મોટેભાગે શેતાન સાધુના સ્વાંગમાં જ આવે.

દિલ્હીથી પ્રયાણ કરતી વેળા ખીલજી વંશના સ્થાપક બાદશાહ જલાલુદ્દીનને ક્યાં ખબર હતી કે, પોતાનો પ્રાણપ્રિય ભત્રીજો સ્વાગત માટે અલ્હાબાદ બોલાવી પોતાનું કાસળ કાઢી નાખશે. એના એક વફાદાર સરદારે સલાહ આપી. “બાદશાહ સલામત, આપ કુટીલ અલાઉદ્દીનને મળવા ન જશો. આપ જીવતા પાછા આવો તો મારી ગરદન વાઢી નાખજો. પરંતુ બાદશાહ ગયા અને મર્યા.

 પેલો સરદાર દુઃખી સ્વરે બોલ્યો, “દુર્જન બાદશાહ થયો.”

અલાઉદ્દીન બાદશાહ થયો. એને જલાલુદ્દીનના શાહજાદાઓને આંધળા કરીકેદમાં નાંખી દીધા. આ ઘટના બની ઇ.સ.1296 માં.

 દેવગિરિના યાદવ રાજાનો લુંટેલો ખજાનો સરદારોમાં વહેંચી દીધો. એ કહેતો, “સામ્રાજ્ય એ તો મદમસ્ત યૌવના જેવું છે. જે એને સાચવી શકે એ જ એનો સ્વામી.” એની મુરાદ તો બીજો સિકંદર થવાની હતી.

 દિલ્હી પર સુલતાનીને એક સદી થઈ ગઈ હતી છતાં ગુજરાત, માળવા, મેવાડ, રણથંભોર, જેસલમેર અને આખું દક્ષિણ ભારત સ્વતંત્ર હતું. પરંતુ એને મલિક કાફુર જેવો ઘાતકી સેનાપતિ મળ્યો એટલે મુરાદ પૂરી થવા વિષે શંકા ન રહી. એના શબ્દકોશમાં અસંભવ જેવો શબ્દ જ ન હતો. એ ખંભાતનો ગુજરાતી હતો.

 માધવની મતિ બગડી. કારણ કરણઘેલાએ તેની પત્નીનું અપહરણ કર્યું. ગુજરાત ખોયું. પીર મોહમ્મદ નામના વીર સરદારને હમ્મીરદેવ ચૌહાણે શરણ આપ્યું. એ રણથંભોરના અજેય કિલ્લાનો સ્વામી હતો. પૃથ્વીરાજ ચૌહાણ નો વંશજ હતો. અલ્લાઉદ્દીને પીર મોહંમદને માંગ્યો. રણથંભોરના રાજવીએ હુંકાર કર્યો. યુદ્ધ થયું. હજારો વીરાંગના સતી થઈ. હજારો વીરોએ કેસરિયાં કર્યા. પીર મોહંમદ પકડાયો. “બોલ પીર મોહંમદ, તને માફી બક્ષું તો તું શું કરે? પીર મોહમ્મદે કહ્યું, “તમને મારી નાખી હમ્મીરદેવના વંશજને રણથંભોરની ગાદીએ બેસાડું.” બાદશાહે તરત જ એને હાથીના પગ તળે કચડાવીને મારી નંખાવ્યો. માનવદેહમાં  દેવ અંશ પણ છે અને દાનવ અંશ પણ હોય છે. માનવાત્મા ચાહે તો દેવને જગાડી શકે છે, ચાહે તો દાનવને વિકસવા દે છે. જો માનવ પોતાની અંદર રહેલા દાનવને જગાડે તો એના કુકર્મો માનવતાનું ગળું દબાવી દે છે.

 સિંહ, સાપ, વીંછી અને ગીધ ની પ્રવૃત્તિ જ હિંસક હોય છે. તેઓ જાનવરોને મારી નાખે છે. અથવા મર્માંતક ઘાયલ કરે છે. પશુ-પંખીઓમાં માતા, પુત્રી, બહેન જેવો ભેદભાવ રાખ્યા વગર યૌન સંબંધ ચાલે છે. કેટલીકવાર માનવ પણ નરપિશાચ કે નરપશુ બની જાય છે. અલાઉદ્દીન ખીલજી જે ટોળીમાંથી આવતો હતો તે તુર્ક અને તાતાર સરદારોની અંતિમક્રિયા પણ એક જમાનામાં ભયંકર હતી. શબયાત્રા દરમિયાન જે કોઈ સામું મળતું તેનું માથું એમ કહીને કાપી નાખવામાં આવતું કે, “જાઓ સ્વર્ગમાં તમારા માલિકની સાથે રહીને તેમની સેવાચાકરી કરજો.” મનુષ્ય પોતાના કર્મોથી ભલે પ્રસિદ્ધ થાય પરંતુ મહાન થઇ શકતો નથી. માનવીની મહાનતા તો એના દેવત્વ માં છે. દાનવ લૂંટારામાંથી બાદશાહ બને તો પણ લૂંટવાનું છોડતો નથી. એ દેશો લૂંટે છે એવા નિર્દય બાદશાહો ઇતિહાસમાં નોંધાયા છે કે જેમણે પોતાના જ ધર્મના બાદશાહની, એક દિવસમાં દોઢ લાખ ની પ્રજા રહેંસી નંખાવી હોય. કિલ્લાના પાયામાં હજારો પ્રજાજનોને જીવતા ચણી લેવામાં આવ્યા હોય.

 ભારત વર્ષમાં રાજપૂત રાજ્યોની પ્રજા શાંતિથી જીવતી હતી. પરંતુ જ્યાં જ્યાં બાદશાહ અલાઉદ્દીનની આણ હતી ત્યાં ત્યાં જુલ્મની આંધી વરસતી હતી. જુલ્મો ગુજારવા માટે ખીલજી જાતિની ટોળીઓએ ઇતિહાસમાં નામના મેળવી હતી. સુલતાનના રાજ્યમાં પ્રજા ગુલામથી બદતર દશામાં જીવતી હતી. પરાજિત હિન્દુઓની અસ્મિતા ખતમ કરવા માટે કેટલાંક રાજકીય નિયમો ઘડાયા હતા.

(1)   તેઓ ઘોડા રાખી શકે નહીં. (2)સારાં વસ્ત્રો પહેરી શકે નહીં. (3)કોઇપણ પ્રકારના વિલાસ અને શુંગારની વસ્તુઓનો ઉપયોગ કરી શકતા નહીં. (4)એમના ઘરોમાં સોનાચાંદીના ઘરેણાં નામમાત્ર ન હતાં. (5)માથું ઉચકવાની હિંમત તો શું વિચાર સુદ્ધા થઈ શકતો ન હતો. મુસલમાન સરદારોના ઘરમાં એમની સ્ત્રીઓને કામ કરવા જવું પડતું.

         બાદશાહનું હરમખાનું વિશાળ હતું. દુનિયાભરમાંથી સુંદર સ્ત્રીઓ તેમાં રાખવામાં આવતી. હરમખાનાની સમૃદ્ધિ બાદશાહની શાન સમજવામાં આવતી. બે લાખ જેટલા તો સલ્તનત પાસે માત્ર ગુલામો હતા. બાદશાહની એક ખાસિયત હતી. એ ખૂબસૂરત સ્ત્રીઓનો દીવાનો હતો. જ્યારે જ્યારે કોઈ સુંદર સ્ત્રીની વાત સાંભળતો ત્યારે ત્યારે તે પાગલ થઈ જતો. અને ગમે તે ભોગે તેને પ્રાપ્ત કરવા કોશિશ કરતો. એ અસ્થિર મગજનો હતો. ઐયાશીમાંએ અજોડ હતો. એશ, આરામ અને વાસનામાં સદાય તરબોળ રહેતો. એની આ આદતને કારણે ઘણીવાર તે મુસીબતોમાં ઘેરાઈ ચૂક્યો હતો. પરંતુ એ મુસીબતમાંથી બહાર નીકળતા જ, જેમ કોઈ યોગી સ્મશાન-વૈરાગ્ય ત્યાગી અપ્સરાના યૌવને તપોભંગ કરી બેઠ્તો તેવી રીતે આ બાદશાહ ફરી પાછો વાસનામાં ગરક થઇ જતો.

 ઇન્દ્ર અને ઈન્દ્રાણી સમાન ચિત્તોડગઢમાં રાણા રતનસિંહ અને રાણી પદ્મિની શાસન કરતા હતા. ચર્ચાસભામાં વિવાદના વંટોળે ચઢી પંડિત ચૈતન્ય જડસુ વલણ દાખવી બેઅદબી આચરી બેઠો. પરિણામે તેને મેવાડ છોડવું પડ્યું. ચૈતન્ય દિલ્હી બાદશાહના દરબારમાં પહોંચ્યો એની પંડિતાઈથી ત્યાં પોતાનું સ્થાન જમાવી દીધું. એની સુંદર વાણી દિલ્હી દરબારમાં ગુંજવા લાગી.

 “હે મનરૂપી પથિક! સુંદરીના તનરુપી વન અને વક્ષરૂપી દુર્ગમ પર્વત તરફ જતો નહીં કારણકે ત્યાં કામદેવરૂપી લૂંટારો રહે છે. જે તારું શૌર્ય હણી લેશે.”

“મૂર્ખ પુરુષ લીલાવતી લલનાઓના સાહજિક હાવભાવને પોતાના તરફ કરેલા માનીને વ્યર્થ જ મોહાંધ બની જાય છે. કમળની લાલિમા સ્વાભાવિક હોય છે પરંતુ મધુકર એને પોતાના માટે જ માનીને આસક્ત થઈને વ્યર્થ જ આંટાફેરા કર્યા કરે છે.”

“જ્યાં સુધી એ નેત્રો સમક્ષ છે ત્યાં સુધી એ અમૃતા લાગે છે પરંતુ જ્યારે એ ચક્ષુથી દૂર હોય છે ત્યારે અત્યંત વિષાદ આપનારી લાગે છે.” આવા વાતાવરણમાં સૌંદર્ય અને સ્ત્રીની ચર્ચા ચાલી. ચાલાક કારીગર ધાતુ તપે ત્યારે જ ઘા કરીને તેને મનમાન્યો ઘાટ આપે છે. ચૈતન્ય પણ ચાલાક હતો. તેણે આબાદ સોગઠી મારી.

“જહાંપનાહ, દુનિયામાં કોઈપણ સ્ત્રી મેવાડની મહારાણી પદ્માવતીની તુલનામાં ઉભી જ ન રહી શકે. પહેલીવાર એના દર્શનમાત્રથી રાણા બેહોશ થઈ ગયા હતા.” બાદશાહ આ સાંભળી ચમક્યો. ગુસ્સે થયો. “અરે પંડિત, મારા હરમમાં દુનિયાભરની સુંદર સ્ત્રીઓનું નજાકત ભર્યું હુસ્ન ઝૂમી રહ્યું છે ત્યારે તારી આ કહેવાની હિંમત કેવી રીતે થઇ?”

“બાદશાહ, હું યથાર્થ કહું છું. મને એકાંતમાં વાત કરવા દેજો.”

જિગ્નાસુ બાદશાહ એને એકાંતમાં મળ્યા. પંડિતે એની આગળ પદ્મિનીનું વર્ણન કર્યું. “પદ્મિની પૂર્ણ પ્રફુલ્લિત સુમન છે. શબનમથી ભીંજાયેલું કમળ છે. સ્વર્ગની ભૂલી પડેલી અપ્સરા છે. શિલ્પીની મનોમૂર્તિ છે. સૂર્યનો પ્રકાશ એને સ્પર્શે તો એના નખ ઓગળી જાય. પાનનો રસ જ્યારે એ ગળા નીચે ઉતારે ત્યારે તેની લાલાશ સ્પષ્ટ જોઈ શકાય. એ મૃગનયની છે.” બાદશાહ અલાઉદ્દીન ખીલજીએ એ જ ક્ષણે નિર્ણય કર્યો. મેવાડપર ચઢાઈ કરી, પદ્મિનીને મેળવીશ ત્યારે જ જંપીશ.

 રાણી પદ્માવતી રૂપની રાશિ હતી. યૌવનગંધા હતી. અક્ષત યૌવના હતી. એનાં સૌંદર્યની સુષ્મા કવિઓના કાવ્યોમાં વહીને હિમાલયથી રામેશ્વર અને દેશની સીમા વટાવીને વિદેશોમાં પણ ફેલાઈ હતી.   “એક જ નાઝનીન ને ખુદા આટલું બધું હુસ્ન બક્ષે ખરાં?” બાદશાહના ચિત્તમાં સવાલ ઘૂમરાતો હતો.

“પદ્મિનીને મારી મારે નિહાળવી છે પરંતુ રાજપૂત રાણીના તો પગની પાની પણ જોવા ના મળે. કામ તો અશક્ય છે પરંતુ હું એને શક્ય કરી બતાવીશ.”

 એણે એના વિશ્વાસુ, વફાદાર અને ઘાતકી સેનાપતિ મલિક કાફુરને મેવાડ પર આક્રમણ કરવાની વાત કરી. આવો જિગરી સિપેહ્સાલાર પણ રાજપૂતો સાથે ટકરાવાની વાતથી ચોંકી ગયો. એને રાજપુતાનાના રાજપૂતો અને મેવાડના ગુહિલોત વીરોની શૂરવીરતાનો અંદાજ હતો.

“જહાંપનાહ, મેવાડી વીરો તલવારના ધની છે. પદ્મિનીને પ્રાપ્ત કરતા પહેલાં મેવાડીઓની શમશેરનું અરણ્ય પાર કરવું પડશે. ચિત્તોડગઢ કાળમીંઢ પથ્થરોનો બનેલો અજેય ગઢ છે. આ ગઢમાં જ પુષ્કળ જળભંડાર અને અન્નભંડાર છે. દીર્ઘ સમય સુધી રાણો મચક આપશે નહીં.”

“મલિક, લાગે છે કે, તું ગભરાઈ ગયો. તું ગુજરાત તરફ જા, પછી આબુના માર્ગે મને ચિત્તોડગઢ આવીને મળજે. આ આક્રમણ તો હું જ કરીશ.”

ચિત્તોડના ગુપ્તચરો આક્રમણની તૈયારીના સમાચાર લઈને આવ્યા. અલાઉદ્દીન ખીલજી મહાપાપી છે. કામી છે. ક્રૂર છે પરંતુ એના દુર્ગુણોના ભંડાર સાથે એ પણ યાદ રાખવા જેવું છે કે, એ સમરપંડિત છે. રાજનીતિમાં પણ દક્ષ છે.” ગોરાજીએ સાવધાનીનો સૂર છેડ્યો. એ ગમે તેટલો શક્તિશાળી હોય પરંતુ નીચતા અને કામીપણું એને નડશે જ. ધર્મ અને નારીના શીલની રક્ષા એતો અમારા પૂર્વજો નો મૂળ સિદ્ધાંત છે.” રાણા રતનસિંહે કહ્યું.

 લાખ અફઘાન સૈનિકો સાથે અલાઉદ્દીન ખીલજી મેવાડ પર ચડી આવ્યો. એણે ચારે બાજુથી ચિત્તોડગઢને ઘેરી લીધું.” બહારવાળા અંદર ન જાય અને અંદરવાળા બહાર ના જાય એવો સખત ઘેરો ઘાલો.” બાદશાહી આદેશ હતો. છુટા છવાયા ઘર્ષણો રોજ થવા લાગ્યા. એમાં તો અફઘાન સેના માર ખાતી. ગુજરાતમાંથી સંદેશો આવ્યો, “મલિક ગુજરાતની રાજકીય ઊથલપાથલમાં રોકાઈ ગયો છે. હાલ તો સેના લઈને ગુજરાત છોડી આવવું જોખમી છે.” દસ હજારની અશ્વારોહી સેના હવે નહીં આવે તેથી બાદશાહ થોડો નારાજ થયો.

યુદ્ધ લંબાતું ગયું. ગઢ તૂટતો ન હતો. મેવાડીઓ  રજમાત્ર મચક આપતા ન હતા. બંને પક્ષ થાકી ગયા. રાણા રતનસિંહ તો સંધિની કલ્પના કરવા માટે પણ તૈયાર ન હતા. એ જાણતા હતા કે અલાઉદ્દીનને જીત સાથે પદ્મિની જોઈએ છે. પરંતુ રાજપૂતો તો જાન જાય પણ શાન ના જાય એ માટે મક્કમ હતા. મેવાડના રાજપુરોહિત મહા વિદ્વાન હતા. તેઓ તો શઠ અલ્લાઉદ્દીનનો વિશ્વાસ કરવાની જ ના પાડતા હતા. તેઓ હંમેશા કહેતા, “અજ્ઞાની પુરુષને સહેલાઈથી પ્રસન્ન કરી શકાય છે. જ્ઞાની પુરુષને પ્રસન્ન કરવો એ પણ સરળ છે. પરંતુ જે જ્ઞાની નથી કે નથી અજ્ઞાની એને તો સ્વયં બ્રહ્મા પણ સંતુષ્ટ કરી શક્તા નથી.”

 “ગમે તેવું સંકટ કેમ ન આવે? ધીરજવાન પુરુષ કદી ધૈર્ય ત્યાગતો નથી. અગ્નિની જવાળાને ગમે તેટલી નીચી કરવાની કોશિશ કરો પણ તે ઉપર જ ઉઠવાની.”

“મગરની દાઢમાં દબાયેલ મણિ કદાચ કાઢી લેવાય. હિલોળા મારતા સમુદ્રને તરીને પાર કરી શકાય, ફૂંફાડા મારતા સાપને પકડીને મસ્તકે ધારણ કરી શકાય પરંતુ એક મુર્ખની કોઇ વસ્તુ પર પડેલી નજરને હટાવી ન શકાય.”

પ્રયત્ન કરવાથી કદાચ રેતીમાંથી તેલ કાઢી શકાય, તરસ્યો માનવ કદાચ મ્રુગત્રુષ્ણાથી પોતાની તરસ છીપાવી શકે પરંતુ એક મુર્ખની, કોઇ વસ્તુ પર પડેલી નજરને હટાવી ન શકાય.”

 “જળથી અગ્નિનું શમન થાય છે. અંકુશ વડે હાથીનું દમન થાય છે. ડંડાવડે ગધેડો અને બળદ તાબે થાય છે. રોગ ઔષધિઓથી મટે અને ઝેર મંત્રથી ઉતારાય. પરંતુ મૂર્ખતા દૂર કરવાનો તો કોઈ ઉપાય જ નથી.” નિર્જન પર્વત પર જંગલી પશુ સાથે રહેવું સલામત હોઈ શકે પરંતુ મૂર્ખ સાથે ઇન્દ્રપુરી માં પણ રહેવું હિતાવહ નથી.”

 અલાઉદ્દીન ખીલજી થાક્યો, કંટાળ્યો, દિલ્હીનું એનું હરમ એને યાદ આવ્યું. એકથી એક ચઢિયાતી નાઝનીનો એને ઈશ્ક કરવા તલપાપડ રહેતી, પોતે આ શુષ્ક ધરતીએ પદ્મિનીના મૃગજળમાં ફસાયો છે. બાદશાહનો એક કુટિલ સલાહકાર હતો. એની સાથે વિચાર-વિમર્શ કરીને એણે મેવાડના રાણા રતનસિંહને એક સંદેશો મોકલાવ્યો, “આપની સતી, સાધ્વી અને પવિત્ર રાણીની માત્ર એક ઝાંખી કરાવશો તોપણ હું મારી સેના લઈને ચાલ્યો જઈશ.”

કાસદ ગઢમાં આવ્યો. એવી વાત સાંભળીને હાહાકાર મચી ગયો.

બાદશાહનો કાસદ સંદેશો લાવ્યો છે. શો સંદેશો લાવ્યો હશે. જાણવાની સૌને ઉત્કંઠા હતી. દરબાર ભરાયો, સામંતો, જાગીરદારો, ઠાકોરો, સેનાપતિ, રાવ, રાણા બધાં જ હાજર થઈ ગયા, સંદેશો પૂરો થતાં તો દરબારમાં વીરોની ગર્જનાઓ થઈ.

“આ અસંભવ છે. રાજપુતાણીના મુખને જોવું તો ચંદ્ર, સૂર્ય માટે પણ કઠિન છે. તો યવન બાદશાહ શી વિસાતમાં?”  “ગોરાજી ગર્જયા. એ રાણાના કાકા હતા. “અમારી સમશેર ચમકે છે, કાટ નથી ચડ્યો.” સેનાપતિ બોલ્યા. “બાદશાહને ભાન નથી કે, મુખ તો શું પગની પાની પણ તમને જોવા નહીં મળે.” “અમે ફના થઈ જઈશું પરંતુ તમારી ઈચ્છા બર નહીં આવે.” વાતાવરણમાં ઉશ્કેરાટ એની ચરમસીમાએ પહોંચ્યો. “બાદશાહે આવી માંગણી કરીને મર્યાદાનો ભંગ કર્યો છે.”

“સ્વધર્મે નિધનં શ્રેયં.” કોઇક બોલ્યું. આવા ઉશ્કેરાટમાં પણ મેડતાના રાવ પોતાની જગ્યાએથી ઉભી થઇ રાજસી ગૌરવથી સૌને શાંત પાડી કહેવા લાગ્યા.” તમે જે ઉભરો ઠાલવ્યો એ તો ખરેખર ભારતીય સંસ્કૃતિનો આદર્શ છે, પરંતુ સવાલ આપણાં મરી ફીટવાનો નથી. સવાલ ચિતોડને ભસ્માગારમાં  ફેરવવાનો પણ નથી. સવાલ છે આપણી સામે આવેલા મહાન પ્રશ્નના ઉકેલથી મેવાડને બચાવવાનો. મારી વખતથી રખે કોઈ એમ સમજતા કે, આપણે કાયર થઈ ગયા છીએ. તમે સમજો. આવો ખુંખાર બાદશાહ માત્ર રાણીના મુખની ઝાંખી કરવાથી જ જતો રહેતો હોય તો થોડુંક ઝુકવામાં હું કરશો બાધ નથી જોતો.” “ગોળ ગોળ વાત કરવાને બદલે સીધે સીધું એમ કહોને કે, આપણે કરવું શું? ગોરાજી નમવાની વાત આવી એટલે અકળાયા. “મહારાણી મેવાડનું ગૌરવ છે. એમના ભોગે કોઈ વાત ન જોઈએ.” સરદાર બોલ્યા. મારી વાત સમજો. હું મહારાણીના ગૌરવને હણાય એવું પગલું ભરવાની હિમાયત કરતો નથી. પરંતુ મેવાડની વાસ્તવિક સ્થિતિ પણ ભૂલી શકાય એમ નથી. ઘણા વર્ષોથી આ મહાસંગ્રામ મેવાડની ભૂમિ પર ગાજે છે. બાદશાહનું લશ્કર મેવાડના ખેતરો ઉજાડી રહ્યું છે. ચિત્તોડગઢ ની બહારની પ્રજા જાલીમોના જુલ્મથી મુક્ત નથી. પ્રજાની બહેનો, દીકરીઓ પર ભયંકર અત્યાચાર ગુજારાઇ રહ્યો છે. યુદ્ધને વધુ લંબાવવામાં સાર નથી. પ્રજા એમ ન કહે કે, ચિત્તોડગઢથી રક્ષાયેલા રાજા અને સામંતોએ અમારી વેદના જાણવાની કે સમજવાની પરવા જ કરી નહીં.

 આવું કડવું સત્ય સાંભળીને સૌ ઠરી ગયા. યુદ્ધની વિભીષિકા માત્ર શહીદ થવાથી જ પૂર્ણ થતી નથી. એ તો પ્રજા અને સંસ્કૃતિની પાયમાલીને નિમંત્રણ છે. રાણા રતનસિંહે જ મૌન તોડ્યું. “રાવ, તમારું કથન યથાર્થ છે. હું પ્રજાની વેદના પણ સમજું છું. પણ મારી દ્વિધા એ છે કે, મારે શાન પણ જાળવવાની છે. અને યુદ્ધ પણ ટાળવાનું છે. જો કેસરિયા કરવાના હોય તો આવતીકાલે જ આપણે કૂદી પડીએ પરંતુ આજની પળે એ ઉકેલ નથી. છે તમારી પાસે કોઈ ઉકેલ?” બધા સમજ્યા, મેવાતના રાવ હવે ફસાયા, કોઈપણ સમસ્યા ઉભી કરતાં પહેલાં એના ઉકેલ માટેના પુરુષાર્થની તત્પરતા હોય તો જ મૌન તોડવું. નહીં તો નાહક ફસાઈ જવાય.

 “રાણાજી, દેવી પદ્મિની તો મેવાડી અંબા છે. રાજપુતાણીનું મુખ એના પતિ સિવાય પરપુરુષ જોઈ ન શકે એ મર્યાદા હું જાણું છું. પરંતુ દેવીના પ્રતિબિંબના યે પ્રતિબિંબ અને એનાયે પ્રતિબિંબને ભલે એ ખીલજી બાદશાહ જોઈને ચાલતો થાય.”

 સૌ ફરી સ્તબ્ધ થઈ ગયા. મેવાડના રાવે સાચે જ સુંદર ઉકેલ સુચવ્યો હતો. એથી તો રાજપૂતી ખમીર, રાજપુતાણીની ટેક, ખીલજીની ઈચ્છા તથા યુદ્ધની બિભીષિકા માંથી પ્રજાની મુક્તિ. આ ચારેય બાબતો સચવાતી હતી. છાવણીમાં આવી ને કાસદે બાદશાહને પયગામ આપ્યો.

“રાજપુતાણીના તનની ઝાંખી તો દેવ પણ કરી શકતા નથી. દેવી પદ્મિનીનું પ્રતિબિંબ તમને દર્પણમાં જોવા મળશે. પછી તમારી સેના ઉપાડી દિલ્હી રવાના થવું પડશે.” બાદશાહ રાતોપીળો થયો. કેવળ દર્પણમાં પ્રતિબિંબ. પરંતુ પાસે જ એનો કુટિલ સલાહકાર હતો.

“જહાંપનાહ, આટલું પણ ઘણું છે. આપ હા પાડો.”

“ભલે, રાણાજીને કહેવડાવો દર્પણમાં ઝાંખી કરી લઈશ.” ચિત્તોડગઢના જળમહેલમાં, જળમહેલ માં કારીગરો દર્પણની માયાવી સૃષ્ટિ ઊભી કરવામાં લાગી ગયા. મહારાણી પદ્મિનીનું પ્રતિબિંબ એક આયનામાં પડે, તે પ્રતિબિંબ બીજો આયનો ઝીલે એમ બાર બાર પ્રતિબિંબોના અંતે ખીલજીના ચક્ષુ મેવાડની રાણીના દિદાર કરી શકે. બીજે દિવસે સવારે દબદબા સાથે દિલ્હીપતિ પધાર્યા. ચિત્તોડગઢના કિલ્લા આગળ આવીને અલ્લાઉદ્દીને પોતાના અંગરક્ષકોને ત્યાં જ રોકાવા આદેશ કર્યો. “મને મેવાડીઓ પર યકીન છે. રાજપૂતો હત્યારા નથી, વીર છે. કોઈ રાજપુત મને જરા જેટલી ઇજા નહીં કરે. એમના અતિથિભાવની તો હું પ્રસંશા કરું છું.” કિલ્લામાં પ્રવેશતા જ શાહને રાણા રતનસિંહે આવકાર્યા. “પધારો, દિલ્હીનરેશ, આજે તો તમે મેવાડના અતિથિ છો.”

“રાણાજી, ભૂલી જાવ આપણી વચ્ચેના યુદ્ધની એ વાતોને, આજે તો હું મેવાડના મહારાણાને મિત્ર બનાવી ધન્ય બની ગયો છું. અમારા દરબારના કવિઓ આપની મહારાણીની સુંદરતાના બેહદ વખાણ પોતાની રચનામાં કરતા હતા ત્યારથી મને દિદાર કરવાની તમન્ના છે.”

“સુલતાન, આપની બેગમો પરપુરૂષોને બુરખો ઓઢી મુખ બતાવતી નથી. તેવી જ રીતે રાજપૂતાણીઓ પણ પરપુરુષને મુખ દેખાડતી નથી. તેથી અમે પ્રતિબિંબમાં તેના દિદાર કરાવીશું.” ગોરાજી બોલ્યા.

 રાણા અને બાદશાહ દર્પણમહેલના એક ઓરડામાં ગોઠવાઈ ગયા. મેવાડની મહારાણી તે વખતે જળમહેલના પગથિયે આવીને ઊભી રહી. વચ્ચે આયનાઓના બાર બાર પડળ હતા. પોતાની સામેના દર્પણમાં પદ્મિનીનું બારમું પ્રતિબિંબ જોયું.

 બાદશાહનું મન પોકારી ઉઠ્યું. “ખરેખર પદ્મિનીને જોઇને પ્રથમ મુલાકાતે મેવાડી રાણો બેભાન થઈ ગયો હશે. એના વર્ણન કરતાંયે ચડિયાતું હુસ્ન છે. તરત જ બાદશાહના માનમાં વિશાળ ભોજન સમારંભ ગોઠવાયો. “રાણાજી, હવે આપણે દુશ્મન મટી ગયા. ખ્વાહીશ રાખું છું કે, તમે અવશ્ય દિલ્હી પધારો. હું આપનું મન ભરીને સ્વાગત કરીશ.

સાંજનો સમય હતો. બાદશાહને વાળાવવા રાણા કિલ્લાની બહાર નીકળ્યા. “રાણાજી, અમે અફઘાનો પણ મેવાડીઓ જેવાં જ ખાનદાન છીએ. હવે છાવણીમાં પહોંચી દિલ્હી પ્રસ્થાનની તૈયારી જ કરવી છે. ઇતબાર રાખજો અમારા વચન પર..”

 રાણાજી વાતોના ફંદામાં ફસાઈ ગયા. પ્રવેશદ્વારથી પાછા ફરવાને બદલે બાદશાહ સાથે આગળ વધ્યા. અંગરક્ષકો સાવધ બન્યા. રખેને કંઈક દગો ખેલાય તો, બુરજ પર બેઠેલા મેવાતના રાવ ચમક્યા. એમના ભવાં ઊંચા થયા. મનમાં વિચાર આવ્યો કે, રાણાજી મોટી ભૂલ કરે છે.

 ત્યાં તો બાદશાહ ની ગર્જના સંભળાઈ, “કેદ કરી લો રાણાજીને. ત્યાં તો દૂરથી છુપાયેલું અફઘાન સૈન્ય પણ દોડી આવ્યું.

“ગઢમાં પેસી જાવ અને કત્લે આમ ચલાવો.”

પરંતુ સાવધ અંગરક્ષકો મોતની દીવાલ બનીને સામનો કરવા લાગ્યા અને પરિસ્થિતિ પામી ગયેલા મેવાતના રાવે ક્ષણનોય વિલંબ કર્યા વગર “દગો, દરવાજો બંધ કરો” નો નાદ કર્યો. રાણાજીના સો અંગરક્ષકો ભીમ પરાક્રમ દાખવીને ધરાશાહી બની ગયા.

સમસ્ત ચિત્તોડગઢમાં હાહાકાર મચી ગયો. મહેલમાં પોતાને પ્રતિબિંબ સ્વરૂપે રજૂ થવું પડ્યું એ આઘાતથી મહારાણી પદ્મિનીદેવી બેહોશ થઈ ગયા હતા.

 બાદશાહ હસતા હતા. “હમ તુમ્હારે જૈસે બેવકૂફ તો નહીં હૈ, અબ તો શિકાર ફંસ હી ગયા, હમારી જાલ મેં.

to be continued ........