Guhilot dynasty and Maharana Pratap in Indian history - 13 in Gujarati Short Stories by Sisodiya Ranjitsinh S. books and stories PDF | ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 13

Featured Books
Share

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 13

મહારણા લક્ષસિંહ્જી

          હમ્મીરદેવના પુત્ર ક્ષેત્રસિંહ મેવાડના રાજવી બન્યા. તેઓ પોતાના પિતા જેવા જ ધૈર્યવાન, મહાવીર અને ધર્મવીર હતા. શાસકમાં જે તેજસ્વિતા હોવી જોઇએ એ તેઓમાં હતી. તેમણે અજમેર, માંડલગઢ પર વિજય મેળવ્યો.

 ઇડરના રાજકુમાર રણમલને બંદી બનાવ્યો. છપ્પનગઢ, જહાજપુર અને પાટણના જિલ્લા મેવાડ રાજ્યમાં વિલિન કરી દીધા. માળવાના પ્રથમ સુલતાન અમીશાહ સાથે ભીષણ યુદ્ધ થયું. એમાં વિજય મેળવ્યો. દિલ્હીના સુલતાનની સેનાને બાકરોલ આગળ હરાવી.

 વિજયયાત્રા ચિત્તોડના રાજમાર્ગે આગળ વધતી હતી. ત્યાં મહારાણાની નજર એક સુંદર કન્યા પર પડી. સોળ વર્ષની એક અપૂર્વ સુંદર કન્યા જોઈ મહારાણા એના રૂપ પર મોહાંધ થયા.

“કરણ, જો સામે ઊભેલી કન્યા વિષે તપાસ કરીને મને જણાવ.”

 વફાદાર સરદારે બીજે દિવસે માહિતી આપી, “મહારાણાજી, એ એક સુથારની કન્યા છે.”

 થોડા દિવસમાં જ મહારાણા ક્ષેત્રસિંહે એની સાથે ગંધર્વવિવાહ કર્યા. રાજપ્રસાદમાં આ રાણી સાથે બીજી રાણીઓનો વ્યવહાર રુક્ષ હતો.

“આપનો પ્રેમ તો મને મળ્યો પરંતુ અભિજાત વર્ગની ખુમારીવાળા આપના સમાજની ઉપેક્ષા મને દર્દ કરે છે, મારું હૈયું ચિરાઈ જાય છે.”

મહારાણાએ નવી રાણી માટે એક અલગ મહેલ બંધાવ્યો. ત્યાં સુથારણ રાણી રહેવા લાગી, રાણા ક્ષેત્રસિંહ ત્યાં જ રહેવા લાગ્યા. હાડાવંશીય મહારાણીને આ ઉપેક્ષા અસહ્ય લાગવા માંડી. પ્રજાના કાર્યો અને રાજના કાર્યોપર દુર્લક્ષ આપતા મહારાણા પર સૌ ખફા હતા. મેવાડની ગાદી જવાળામુખી પર ચાલતા માનવીના અગ્નિપથ જેવી ધગધગતી હતી. મોત તો ગમે ત્યારે ભેટી જાય.

“લગભગ દશ વર્ષથી, જયારથી મહારાણાજીએ સુથારણને રાણી બનાવી છે ત્યારથી મારી તો ઘોર ઉપેક્ષા થઈ રહી છે. રણમાં મીઠી વીરડી સમાન લક્ષસિંહ જ મારા જીવનનો આધાર અને આનંદ છે.” “દૂરના એક ભાઈ હાડા સરદાર દિગ્વિજયને પોતાની વ્યથા મહારાણીએ વ્યક્ત કરી. એના પરિણામે, દિગ્વિજયે ચિત્તોડગઢમાં સરદારી મેળવી. વિશ્વાસ સંપાદન કર્યો અને બે વર્ષ પછી, એક દિવસે તક સાધી મહારાણા ક્ષેત્રસિંહની ક્રૂર હત્યા કરી. પોતાનું ધ્યેય સિદ્ધ થતાં જ દિગ્વિજયે પોતે કટાર પેટમાં ખોસી પ્રાણ ત્યાગ કર્યો.

 યુવરાજ લક્ષસિંહનું રાજતિલક કરવામાં આવ્યું. ઈ.સ.૧3૮૨માં.

“બેટા, તારા પિતાના પ્રાણ લેવા માટે મેં મારા મામા દિગ્વિજયને મારું દર્દ કહ્યું ન હતું. હવે તું રાજા બન્યો છે. તારે દરિયાવ દિલ રાખવાનું છે. તારી માતા હોવાને નાતે તું સુથારણ રાણીમાતાને અભય બક્ષવા જા. એના હૈયાપર પડેલા કારી ઘાને ઉપેક્ષાથી નહીં, હમદર્દ થી હળવો કર.

 વૈધવ્ય-દશાને પ્રાપ્ત કરી પોતાને સાવ નિરાધાર માનતી સુથારણ રાણી દુ:ખના સાગરમાં ડૂબી ગઈ હતી. એના બાળપુત્રો ચોથાજી અને મેરાજીના કોમળ ચહેરાને જોતી, આંસુની ધારા વહાવતી હતી. ત્યાં તો દાસીએ સમાચાર આપ્યા, “મહારાણા લક્ષસિંહ આપને પ્રણામ કરવા આવી રહ્યા છે.” થોડી જ વારમાં માં-દિકરાની ભાવસભર મુલાકાત થઇ. મહારાણાએ પ્રણામ કર્યા.

 માં, ચિત્તોડગઢમાં આપ નિર્ભયતાથી રહો, આપના પુત્રો પણ રાજકુમારના પૂરા માન સાથે રહેશે. મારા શાસનમાં આપને કોઈ ફરિયાદનું કારણ નહીં રહે.

ગદ્દગદ થયેલી સુથારણમાં એ મહારાણાને આશીર્વાદ આપ્યા.

તમે ધર્મના રક્ષક બનો. મેવાડના યશ્વી મહારાણા બનો.

મારવાડનો અધિકાંશ ભાગ મેવાડપતિએ જીતી લીધો. “મહારાણાજી, જાવર પાસે સીસાની ખાણો  છે. ત્યાં ખોદકામ કરાવીએ તો રાજ્યને પુષ્કળધન પ્રાપ્ત થાય તેમ છે.” મંત્રી કશ્યપદેવે અનુરોધ કર્યો. “આપ જેવા રાજહિતૈષીના સૂચનને  હું અમાન્ય કેમ કરી શકું?”  મહારાણા લક્ષસિંહે સંમતિ આપતાં કહ્યું. જાવરની સીસાની ખાણ શરૂ થઈ. થોડા વર્ષોમાં તેનાથી રાજકોષમાં પુષ્કળ ધન જમા થયું. સેનાપતિ ભદ્રદેવે એક વખત મંત્રણા દરમિયાન વાત છેડી, “મહારાણાજી, ભગવાન એકલિંગજીની યાત્રાએ જતાં રસ્તામાં પાણીની મુશ્કેલી પડે છે. હલ્દીઘાટી આગળ કોક સ્થળે એક સરોવર બાંધવામાં આવે તો ઘણી રાહત થાય. મહારાણાએ વાત ધ્યાનમાં રાખી. રાજ્યમાં દુકાળ પડ્યો. તે વખતે મહારાણાએ સેનાપતિ ભદ્રદેવની વાત યાદ કરી. ભગવાન એકલિંગજીના મંદિર અને હલ્દીઘાટીના રસ્તા પર એક સરોવર બંધાવ્યું.

 એ વખતે દિલ્હીમાં મહંમદશાહ લોદી રાજ્ય કરતા હતા. જ્યાં જ્યાં સુલતાન શાસન હતું ત્યાં ત્યાં હિન્દુઓની સ્થિતિ ગુલામ કરતાં બદતર હતી. સામ્રાજ્યમાં ગુપ્તચરોની જાળબિછાવેલી હતી. રાજ્યમાં સારું કે નરસું કાર્ય બનતું હોય એનાથી સુલતાન વાકેફ રહેતા. સરદારો, અમીરો અને સલ્તનતના નોકરોના ઘરમાં જે કોઈ પ્રવૃત્તિ થતી તેની ખબર સુલતાનને તેના ગુપ્તચરો આપી દેતા. સુલતાનની એટલી બધી ધાક હતી કે, એના અમીરો સુદ્ધાં પોતાના નિવાસસ્થાને મોટેથી બોલતા ન હતા. ઇશારાથી વાતો કરતા હતા. ગુપ્તચરોની બીકથી  આઠે પહોર ધ્રૂજતા રહેતા હતા. સુલતાન મહંમદશાહ લોદીએ મેવાડ પર ચઢાઈ કરી. પોતાની ભૂમિની રક્ષા કરવા મહારાણા લક્ષસિંહ કટિબદ્ધ બન્યા. તેમણે રણક્ષેત્રે કૂચ કરી. કૂચ કરતાં પહેલા સેનાને સંબોધન કર્યું. “સિપાહીઓ, જગંમાં કુદી પડો. માતૃભૂમિની રક્ષા કરતાં પ્રાણ જશે તો સ્વર્ગમાં યશ અને ઉચ્ચગતિ પ્રાપ્ત થશે. અને જો વિજય મળશે તો ધરતી પર યશ મળશે. યાદ રાખો આપણે જુલ્મની સામે, અધર્મની સામે શસ્ત્ર ઉઠાવ્યા છે. આ દેશમાં મુસ્લિમ સુલતાનોએ હિન્દુઓ પર જુલ્મના કોરડા વિંઝયા છે. હિન્દુ માંથી મુસલમાન બનાવ્યા છે. હજારો મંદિરો જમીનદોસ્ત કર્યા છે. પરંતુ એથી કાંઇ રાજપુતાના ઓછો મુસ્લિમ બની ગયો.

“પતઝડ લાખ કોશિશ કરે,

 પર ઉપવન ઉજડ નહીં સકતા.”

 અને યુદ્ધમાં મહારાણાએ સુલતાનની સેનાને પરાજિત કરી. મેવાડના શાસકો એવું શાસન કરતા કે જાણે રામરાજ્ય. રામરાજ્યમાં સિંહ અને બકરી એક જ ધારે પાણી પીતા હતા. જ્યાં બળ નહીં, ન્યાયની હાક વાગતી હોય.

મહારાણી કૈલાસ કુંવરબાના બંને પુત્રો રામ લક્ષ્મણ સમાન સૌની આંખ ઠારે એવા સુયોગ્ય હતા. બંને શસ્ત્ર અને શાસ્ત્રના જ્ઞાતા હતા. યૌવનને ઉંબરે આવી ચૂકેલા કુમાર ચંડ્ને યુવરાજ પદે સ્થાપવામાં આવ્યા. યુવરાજ ચંડની કીર્તિ સમગ્ર રાજપુતાનામાં ફેલાઈ ગઈ. સાંજના સમયે યુવરાજ ચંડ ઘણીવાર ફરવા નીકળી પડતો. એ દૂર અલાઉદ્દીન ખીલજીના સમયમાં નષ્ટ થયેલા ખંડેર અવસ્થામાં પડેલા જુના રાજમહાલયો જોતો ત્યારે તે ખિન્ન થઇ જતો. તે વિચારતો. હું સમય આવે દેવી પદ્મિનીના મહેલ તથા બીજા ખંડિયેરોનું સમારકામ કરાવીશ. મેવાડની પ્રજાના આ શ્રદ્ધા કેન્દ્રોનો જીર્ણોદ્ધાર થવો જ જોઈએ. હું અવશ્ય પિતાજી સમક્ષ આનો અનુરોધ કરીશ.

રાજકોષની સમૃદ્ધિની વાતો ચાલતી હતી ત્યાં યુવરાજ ચંડે પોતાની વાત રજૂ કરી. “ચિત્તોડગઢ ખંડિયેરોનું સમારકામ કરાવી એ તો?”

સેનાપતિ ભદ્રદેવે કહ્યું, “મહારાણાજી,  યુવરાજનો પ્રસ્તાવ યથોચિત સમયસરનો અને સુંદર છે. જે પ્રજા પોતાના ઇતિહાસને જાળવે છે એની ગૌરવગાથાને યાદ કરે છે. ભવ્ય બલિદાનોની સંસ્કૃતિ જાળવે છે એ કદી પતનોન્મુખ થતો નથી. માનવી એની સંસ્કૃતિ અને ઇતિહાસથી જ શોભે છે નહીં તો એ છે શું? કેવળ માસનો દેહ જ. રાજ્યમાં વર્ષોથી શાંતિ છે સુપ્રબંધ છે. રાજકોષમાં પર્યાપ્ત ધન છે. ત્યારે બાદશાહ અલાઉદ્દીને ધરાશાયી કરેલા એ મહેલોને નવું સ્વરૂપ આપવું આવશ્યક અને યોગ્ય છે. સૌએ કશ્યપદેવની વાતની પુષ્ટિ કરી. “યુવરાજ ની વાત યોગ્ય છે. રાજકોષમાંથી પર્યાપ્ત ધન લઈ, યુવરાજની દેખરેખમાં જ એ કાર્ય ભલે સંપન્ન થાય.” મહારાણાએ કહ્યું.

 મહારાણા લક્ષસિંહ મંત્રીગણ અને બન્ને કુમારોનો મત જાણી પ્રજા કલ્યાણાર્થે મેવાડનું શાસન સંભાળતા હતા. પ્રજા સુખ,શાંતિ ભોગવતી હતી. સરોવરના શાંત જળમાં પથ્થર નાખો તો પાણીના વમળ પેદા થાય જ. ધીરે ધીરે એ વમળો ખૂબ મોટા થાય. શાંત લાગતા શસ્ત્રાગારમાં ભયંકર વિસ્ફોટ કરાવવો હોય તો માત્ર એક જ ચિનગારીની જરૂર છે. વર્ષાનું પહેલું ટીપુ જ મેઘની ધરતી પર થનારી મહેરની ચોક્કસ એંધાણી હોય છે. એક જ માનવીના મનમાં જાગેલી અસંતોષની આગ કે મહત્વકાંક્ષા હજારો માનવોની હત્યા કરતા કાંડ માટે પૂરતી છે. મેવાડપતિએ મોકલેલા શૂરસિંહને બદનોરના સ્વતંત્ર રાજવી બનવું હતું. એણે તૈયારી શરૂ કરી દીધી પરંતુ મેવાડના ગુપ્તચરો ચિત્તોડગઢ પહોંચી ગયા. “મહારાણાજી, બદનોરના શાસક શૂરસિંહ બગાવતની તૈયારી કરી રહ્યાં છે. તેઓ આ માટે મેંદાજાતિના માથાભારે સરદારો જોધાજી, ચાંદાજી અને બલરાજને મોટી લાલચ આપી પોતાના પક્ષે કરી ચુક્યા છે. તેઓ લૂંટફાટ કરી પહાડોમાં ચાલ્યા જાય છે. જંગલમાં વસતી મેંદા જાતિમાં બળવાની આગ પ્રસરી ચૂકી છે. વેપારીઓ લૂંટાય છે. નિર્દોષ પ્રજાની કતલ થઇ રહી છે.” આ સાંભળી મહારાણા ચોંકય. બળવાખોરોને પાઠ ભણાવવા મારે જાતે જ જવું પડશે. રાજ્યના સીમાડે થતી લૂંટફાટ ચલાવી લેવાય નહીં. મંડોવરમાં પણ કંઈક આંતરિક ખટપટ થઇ રહ્યાના સમાચાર છે પરંતુ પહેલા બદનોરના મામલાને જ હાથ પર લેવો પડશે.”

 કુમાર રાઘવદેવ પરમવીર હતો. તેનું નિશાન અચૂક હતું. તલવારની પટ્ટાબાજીમાં એ નિષ્ણાંત હતો. યુવરાજ ચંડ્ની કાયા પ્રચંડ હતી. એણે વ્યાયામ વડે શરીર મજબૂત બનાવ્યું હતું. નાનપણમાં માં કૈલાશકુંવરે રામ, ભીષ્મ અને કૃષ્ણ, અર્જુનની વીરત્વભરી વાણી સંભળાવી એને સંસ્કાર સંપન્ન કર્યો હતો. એ મેવાડનો મહારથી હતો. એની ગદા જ એટલી ભારે હતી કે એના સિવાય બીજું કોઈ એને ઊંચકી શકતું જ ન હતું.

 મહારાણા લક્ષસિંહે યુવરાજ ચંડ, કુમાર રાઘવદેવ, સેનાપતિ ભદ્રદેવ અને મેવાડની સેના વડે બદનૌરના શાસકને રણમાં રોળી નાંખ્યો. માથાભારે મેંદાજાતિ પર વિજય મેળવ્યો. એ જાતિના ખૂનખાર સરદારો જોધાજી, ચાંદાજી અને બલરાજને પકડી ને કેદ કર્યા.

 ચિત્તોડગઢ માં ભારે ધૂમધામથી વિજયોત્સવ મનાવવાનો નિર્ણય થયો. એકબાજુ બદનૌરના માર્ગે મેવાડી સેના મહારાણા, યુવરાજ અને કુમાર સાથે પ્રફુલ્લિત મને આવી રહી હતી ત્યારે મંડોવરમાં રાજખટપટનો ભોગ બનેલો એનો પદભ્રષ્ટ યુવરાજ રણમલ દેશનિકાલ પામી પોતાના ચાલીસ જેટલા સાથીઓ સાથે ચિત્તોડગઢ આવી રહ્યો હતો.

મંડોવર મેવાડનું પાડોશી, નાનું અને રાઠોડોનું રાજ્ય હતું. કનોજમાં જયચંદ રાઠોડના પતન પછી રાઠોડોએ આ નાનું રાજ્ય વસાવ્યું હતું. તે મેવાડનું ખંડિયું રાજ્ય હતું. ચૂડાવતજી મંડોવરના રાજવી હતા. તેમણે મોટી ઉંમરે સિતારાદેવી સાથે લગ્ન કર્યા. સિતારાદેવીના આગમનથી મહારાણી સુમનદેવી નાખુશ થયા. સિતારાદેવીએ એક બાળકીને જન્મ આપ્યો. એનું નામ હંસાકુમારી પાડવામાં આવ્યું. એ હંસાકુમારી હવે યુવાન થઈ હતી. યુવરાજ રણમલ પોતાની સાવકી બહેન તરફ અણગમો વ્યક્ત કરવાનો કોઈ અવસર ચૂકતો નહીં. રાજવી ચૂડાવતજી આથી માનસિક વ્યથામાં જીવન વિતાવી રહ્યા હતા. ત્યાં નવી રાણીએ પુત્રને જન્મ આપ્યો. એનું નામ કાન્હ પાડવામાં આવ્યું. એક રાત્રે ગુપ્તચરોએ આવીને સમાચાર આપ્યા, “મહારાજ, યુવરાજે હદ વટાવી દીધી છે. વાત તો દાબી દીધી છે નહીં તો પ્રજામાં વિદ્રોહ ફેલાઈ જાત.” પણ પ્રજા છાનેછપને વાતો ચર્ચતી હતી. મહારાજે બીજે જ દિવસે દરબાર ભરીને જાહેર કર્યું કે, રણમલને યુવરાજપદેથી હું બરતરફ કરું છું. બાળકુંવર કાન્હને યુવરાજ જાહેર કરું છું. રણમલને રાજ્યની સીમા છોડવાનો આદેશ આપું છું.

 સૌ દરબારીઓ સ્તબ્ધ થઈ ગયા.

 મહારાણી સુમનદેવીએ રાજાને મળીને રણમલને દેશ નિકાલ કરવાનું કારણ પૂછયું. “સુમન, તારા દીકરાને માત્ર દેશનિકાલ કર્યો છે. એક કૂળકલંકી છે. તારા કારણે જ મેં એને પ્રાણ દંડ નથી આપ્યો.”

 હવે મહારાણી શું બોલે? પાછા પોતાના મહેલે આવી ગયા. તેઓ હતાશ થયા. “પ્રિય પુત્ર રણમલની આ દશા? એનું યુવરાજપદ છીનવી લીધું. એને રાજ્યની બહાર કાઢી મૂક્યો. મારા હૈયા પર શી વિતશે?  “મહારાણીબા, રણમલજી રાજપૂત છે. તેઓ જ્યાં જશે ત્યાં રાજ્ય ઉભું કરશે. રાજપૂતની શમશેર ચાલતી હશે ત્યાં સુધી વસુંધરા એની પર કૃપા વરસાવતી જ રહેશે. રણમલજી માટે શી ફિકર? પરાક્રમતો એમના રોમ રોમ માંથી ઝળકે છે.” દાસી સુનંદા બોલી.

 મહારાણી સુમનદેવીએ પુત્ર રણમલને વીર ક્ષત્રિયાણીને છાજે એ રીતે વિદાય આપી. રણમલે ચિત્તોડગઢ પ્રતિ પ્રયાણ કર્યું. મેવાડના મહારાણા એને અવશ્ય આશરો આપશે એવી એને શ્રદ્ધા હતી.  

ચિત્તોડગઢ માં વિજયોત્સવ ઉજવાયો. પ્રજાજનોએ પોતાના આવાસો શણગાર્યા. કલાકારોએ પોતાની કળા પ્રદર્શિત કરવાની તક ઝડપી લીધી. યુવાની હિલોળે ચઢી. રાજદરબાર માં અકરામ અને ઈનામો એનાયત થયા, છેલ્લે બળવાખોરો સરદારોને દરબારમાં પેશ કરવામાં આવ્યા. મેંદાજાતિના સરદારોએ મહારાણાને વિનંતી કરી, “મહારાણાજી, અમને માફી આપો. હવેથી અમે આપને વફાદાર રહીશું. અમારી ઉદ્ધતાઈ બદલ અમે અમારી પાસે જે સુવર્ણમહોરોનો ભંડાર છે તે આપવા તૈયાર છીએ. આપ એ સ્વીકારી અમને મુક્ત કરો. શૂરસિંહે અમને ગુમરાહ કર્યા હતા.”

 “તમે તો પ્રકૃતિ દેવીના પ્યારા સંતાનો છો .જાઓ મુક્ત છો.” મહારાણા બોલ્યા. મહારાણાજી આપને જ્યારે પણ જરૂર પડે ત્યારે અમને યાદ ફરમાવશો. પ્રાણની પણ પરવા કર્યા વિના અમે મેવાડની ગાદીના કલ્યાણ માટે લડીશું.” ત્રણે સરદારો મુક્ત થયા. સાથે પાંચ મેવાડી સરદારોને લઈને ચાલ્યા ગયા. “મહારાણાજી, કેવળ પાંચ સૈનિકો? શું સુવર્ણ મુદ્રાઓ મળશે?”

 “સેનાપતિ, આ સરદારો વચનના પાક્કા છે. તેઓએ ખજાનો આપવાનો કહ્યો છે એટલે તે આવી જ ગયો માનો. સૈનિકો તો માત્ર સંતોષ ખાતર મોકલ્યા છે.” અનેરા આનંદ વચ્ચે દરબાર વિસર્જન પામ્યો.

 સૂર્યાસ્ત થઈ ગયો હતો. ચંદ્રનો ઉદય થયો ન હતો. એ સંધ્યાનો સમય હતો. નગરના રાજપ્રાસાદો દીપમાલાઓથી ઝળહળી ઉઠ્યા. પ્રત્યેક ગૃહ તોરણોથી શણગાર્યા હતા. માર્ગો પર જ્યાં-ત્યાં ગુલાલ વિખરાયો હતો. નગરના મુખ્ય ઉદ્યાનની શોભા અનોખી હતી. એમાં આવેલ રંગશાળાને પૂર્ણ રીતે શણગારી હતી. નગરના યુવક-યુવતીઓ, રસિકજનો, મહાજનો આજે બનીઠનીને રંગશાળામાં પહોંચી ગયા હતા. રાજપ્રાસાદની મહિલાઓ પણ સોળે શણગાર સજીને પોતાના આસને બિરાજી હતી.

મેવાડની પ્રસિદ્ધ નૃત્યાંગના સુવર્ણલતા આજે સંગીતમય નૃત્ય રજૂ કરવાની હતી. રૂપ અને કળાનો અપૂર્વ સંગમ ધરાવતી આ નૃત્યાંગના યૌવનના પ્રાંગણમાં વિહરતી હતી. નગરના નર-નારીઓ એ ત્રણ વર્ષથી એની કળા નિહાળી ન હતી. ત્રણ વર્ષથી એ નૃત્ય અને સંગીતની સાધના અર્થે દક્ષિણ ભારત ગઈ હતી. એના નુપુરના ઝંકાર હવે વધુ તીવ્ર બન્યા હશે એવી સૌને શ્રદ્ધા હતી.

મહારાણી કૈલાશ કુંવરબાના ચરણે મસ્તક નમાવીને સુવર્ણલતાએ નૃત્ય શરૂ કર્યું. પગના તાલ, નુપુરના ઝંકાર, આંખોની પકડ, નમણી કાયાના વળાંક અને ઝડપથી થતા નૃત્ય સૌના હૈયાને જકડી લીધાં. સૌ સુવર્ણલતાની કળા સાધનાને મનોમન વંદન કરતા હત. રૂપ અને સૂરના સંગમે સ્વર્ગીય વાતાવરણ સર્જાયું હતું.

કુમાર રાઘવદેવ નગરની શોભા નિહાળતો નિહાળતો રંગશાળામાં પહોંચ્યો, એને સમયની મર્યાદા ખટકી, એને મંત્રણાગૃહમાં પણ જવાનું હતું. મંડોવરના નિર્વાસિત યુવરાજ રણમલે ચિત્તોડ્માં શરણ માંગી હતી. તેનો નિર્ણય આજે લેવાનો હતો. પોતાની ઉપસ્થિતિ ત્યાં જરૂરી હતી. રાજકુમારને સામાન્ય મનુષ્યની સ્વતંત્રતા જેટલી પણ સ્વતંત્રતા નહીં.

 રંગશાળામાં રણમલ પણ આવ્યો હતો. નૃત્યાંગનાની સુંદર કાયા જોઈ તેનું મન એને પ્રાપ્ત કરવાના વિચારોમાં અટવાઇ ગયું. તે વખતે નૃત્યાંગના સુવર્ણલતાના નયનો વીરમૂર્તિ રાઘવદેવને જોઈને પ્રસન્ન થઈ ગયા. એણે રાઘવદેવ તરફ પ્રેમભરી નજર નાખી. સ્મિત વેર્યું. તે તો મેવાડની મેનકા હતી. એની કૃપાદ્રષ્ટિથી રાજકુમાર મોહિત થઈ ગયો. મંદ મુસ્કાન વડે રાઘવદેવે એને પ્રત્યુત્તર વાળ્યો. પળ બે પળ માટે તારા-મૈત્રક રચાયું, સહસા સ્મરણ થયું કે, પોતાને મંત્રણાગૃહમાં શીઘ્ર જવું જોઇએ. તે ઉતાવળે રંગશાળામાંથી નીકળી ગયો, પરંતુ જીવનમાં પહેલીવાર તે રંગશાળાના નૃત્યને કારણે મંત્રણા ગૃહમાં મોડો પહોંચ્યો.

 રાજપ્રાસાદના મધ્યખંડમાં મંત્રણા થવાની હતી. આખુંયે શહેર વિજયના આનંદમાં ચૂર હતું ત્યારે યુવરાજ ચંડ સૌપ્રથમ મંત્રણાગૃહમાં આવી પહોંચ્યા. પછી સેનાપતિ ભદ્રદેવ અને મંત્રી કશ્યપદેવ આવ્યા. પંડિતભટ્ટજી અને મહારાણા પણ આવી પહોંચ્યા. ધીરે-ધીરે દરબારીઓ પણ આવી પહોંચ્યા. મહાજનો સાથે ગોવિંદશાહે પણ પોતાનું સ્થાન ગ્રહણ કર્યું.

 મેવાડના મહારાણા રાજ્યના અગત્યના પ્રશ્નો પર હંમેશા મહાજનો, સરદારો, પ્રધાન, સેનાપતિ અને પોતાના બંને કુંવરો સાથે ચર્ચા કરીને જ નિર્ણય લેતા.

“સૌ આવી ગયા છે ફક્ત રાઘવ નથી. તે ક્યાં હશે?” મહારાણા બોલ્યા, “કુમાર રાઘવદેવ શહેરની રોશની જોઈ રંગશાળામાં ગયા ત્યાં સુધી મારી સાથે હતા. કદાચ રંગશાળામાં રોકાઇ ગયા હશે.” મંત્રી કશ્યપદેવ બોલ્યા. રંગશાળા માંથી તેઓ સમયસર બહાર નીકળી શક્યા નહીં હોય. કુમાર રાઘવદેવ જેવા રસિકજનો રંગશાળામાં નહીં જાય તો શું અમારા જેવા ખરતાં પાન જશે?” એક વૃદ્ધ મહાજન ખંધુ હસતા બોલ્યા.

“મેવાડના રાજકુમારે સંયમી હોવું પૂરતું નથી. દેખાવું પણ જોઈએ.” યુવરાજ ચંડ બોલ્યા. તેમના સ્વરમાં કડવાશભરી ફરિયાદ હતી. પોતાના બંધુ પ્રત્યે, એટલામાં કુમાર રાઘવદેવ આવી પહોંચ્યા. “રાઘવદેવ, તમે આ મંત્રણાગૃહના સૌથી નાની ઉંમરના પરંતુ જવાબદાર સભ્ય છો. આજે રાજ્યના મહત્વના પ્રશ્નપર વિચારણા થવાની છે ત્યારે તો સમયસર આવો. સમયની ઉપેક્ષા કરો એ શોભાસ્પદ નથી. “ક્ષમા, મારી આ પ્રથમ શિથિલતા છે. હવે પછી હું ક્ષમા નહીં દંડ માંગીશ.” વાતને હદ કરતા વધારે ગંભીર બનતી જોઈ મંત્રી કશ્યપદેવ બોલ્યા.

“હવે આપણે મુખ્ય વાતપર આવીએ આજે આપણે એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ પર વિચાર કરવા ભેગા થયા છીએ. આપણા પડોશી રાજ્ય મંડોવરના રણમલ મેવાડમાં આશરો ખોળવા આવ્યા છે. મંડોવરની આંતરિક રાજનીતિના કારણે રણમલજીએ યુવરાજપદ ગુમાવ્યું છે. રાજા ચૂડાવતજીએ દેશનિકાલ આપ્યો છે. મેવાડ રાજા કે રાજકુમાર બેમાંથી કોઈ નો પક્ષ લેવા માંગતું નથી. પરંતુ શરણાગતનું શું કરવું એ સવાલ અહીં મુખ્ય છે.

“મારો વિચાર છે કે, રણમલને ચિત્તોડમાં શરણ આપવી.” યુવરાજ ચંડે કહ્યું. સેનાપતિ ભદ્રદેવે અનુમોદન આપતા કહ્યું, “યુવરાજ ચંડનો પ્રસ્તાવ યોગ્ય છે.” કશ્યપદેવે કહ્યું. “હું આપની બીજી વાત પર ધ્યાન દોરવા માંગું છું, રણમલ મંડોવરના રાજકુમાર છે. મંડોવર આપણું પાડોશી રાજ્ય છે. આપ સર્વે જાણો છો કે, મહારાણા સમરસિંહજીએ દિલ્હીનરેશ સમ્રાટ પૃથ્વીરાજને બનેવી હોવાના નાતે સંપૂર્ણ સાથ આપેલો. કનોજપતિ જયચંદ રાઠોડે એ કારણે ચિત્તોડગઢ પર એકવાર આક્રમણ પણ કરેલું. એમાં રાઠોડ સેનાનો ભૂંડો પરાજય થયો. રાઠોડો નિકટના ભૂતકાળની એ ઘટનાઓ સહેલાઇથી વિસરી જાય એમ હું માનતો નથી. મંડોવર ભલે આપણું ખંડિયું રાજ્ય હોય પરંતુ એના નરેશ હ્રદયપૂર્વક આપણી સાથે મિત્રતાપૂર્વક વર્તે એ આશા જરા વધુ પડતી છે. વળી મેં સાંભળ્યું છે કે, રણમલ પ્રકૃતિનો દુષ્ટ છે, રાજા જેટલો સજ્જન છે. યુવરાજ એટલો જ દુર્જન છે. એના વિષે પ્રજામાં ઘણી વાતો પ્રચલિત છે. સત્તાલાલસા અને સુંદર સ્ત્રી એની મોટામાં મોટી કમજોરી છે. આવા દુષ્ટ અને અવિચારી યુવાનને આશરો આપવો એ દૂધ પાઈને ભોરિંગ પાડવા જેવું છે. કાંટાની વાડમાં ઉઘાડા પગે ચાલવા જેવું છે. પંડિત ભટજી ઉભા થયા. તેઓ મહાન વિદ્વાન હતા. એમના પાંડિત્યની ધાક કાશીના પંડિતોમાં પણ હતી. મેવાડની પ્રજાને તેમના માટે ભારે આદર, મહારાણા તેમને પોતાના દરબારનું ગૌરવ સમજતા હતા. “મહારાણાજી, રાજનીતિ એ અનુભવસિદ્ધ હકીકત છે. મહારાજા ભરથરીએ નીતિ-શતકમાં આ પ્રમાણે કહ્યું છે. દિવસની ધૂળથી ઘેરાયેલો સૂર્ય, બુદ્ધિહીન સુંદર પુરુષ, કંજૂસ સ્વામી, અવદશાથી ઘેરાયેલો સજ્જન અને રાજભવનમાં રહેતા દુષ્ટ મનુષ્ય. આ સાતે કાંટા સમાન છે. મને પણ ડર છે કે, કદાચ રણમલ મેવાડ માટે કાંટો બની જશે. એવો ત્રાંસો કાંટો કે, શરીરમાં ઘૂસેતો સરળતાથી નીકળે પણ નહીં.

 હું પણ એવું જ નિહાળી રહ્યો છું. રણમલની ટોળકીના કારણે મંડોવરમાં બહેન દિકરીઓની આબરૂ સલામત નથી. મારા સંબંધીએ થોડા દિવસ પર જ આ માહિતી મને આપી હતી. ચુડાવતજી એ એકાએક રણમલનું યુવરાજ પદ કેમ છીનવી લીધું? નિર્વાસિત કેમ કર્યો? આ સવાલો વિચારણીય છે. રણમલનું આગમન મેવાડની ચાંદનીને અમાસમાં પરિવર્તિત કરવા માટે જ થયું છે. મેવાડના અપૂર્વ વિજયોત્સવને ઝાંખપ લગાડવા માટે જ, વિધાતાએ તને મોકલ્યો છે, અયોધ્યામાં યુવરાજ રામ, રાજા દશરથ, ત્રણે રાજકુમારો, ત્રણે રાજમાતાઓ તથા સમસ્ત પ્રજા બીજા દિવસના રાજ્યારોહણની ભવ્ય તૈયારીઓ કરી રહ્યા હતા ત્યારે જ મંથરા કુચક્રમાં લીન હતી. એના મનમાં ઉદભવેલો સ્વાર્થનો કીડો કેટલું મોટું કાંડ સર્જી ગયો? આપત્તિના વાદળો ઘેરાવાની આ નિશાની છે. એને આશરો ન આપવો એ જ આજના સમયની સાચી રાજનીતિ છે.” મેવાડી મહાજનના અગ્રણી ગોવિંદ શાહે કહ્યું.

 “સામસામા સંગ્રામના મંડાણ થઈ ગયા હતા તે જ વખતે રાવણના સગા ભાઈને રામે શરણ આપ્યું હતું. ક્ષત્રિયોએ શરણાગત ધર્મ પાળવો જ જોઈએ. રણમલ ભલે સ્વચ્છંદી હોય, મેવાડ કમજોર તો નથી જ. મેવાડી મહિલાઓના ક્રોધાગ્નિભર્યા નેત્રો જ કટાર સમાન છે. રાઘવદેવને એની રક્ષા ને બહાને ચોકી પર મૂકી દઈશું. વખત આવે મંડોવરને દબાવવામાં મ્હોરાં તરીકે આ રણમલ કામ આવશે. એની મેવાડમાં ઉપસ્થિતિ મંડોવરને વિદ્રોહ કરતાં વિચાર કરાવશે.”મહારાણા બોલ્યા.

“વિભીષણ સજ્જન હતો. એ ધર્મ માટે રામના શરણે આવ્યો હતો. પણ રણમલનું વિપરીત છે. આપણે વિચારીએ છીએ એટલી જ આસાનીથી રણમલ પણ આપણામાં ભેદનીતિ પડાવીને આપણને કમજોર બનાવી શકશે.” કશ્યપદેવે કહ્યું.

“હું પણ માનું છું કે, વખત આવે આજ રણમલ મેવાડનું અહિત કરવામાં પાછું વળીને નહીં જુએ.” કુમાર રાઘવદેવ બોલ્યો. મહારાણાજીએ જોયું કે, પોતાના વિચાર સાથે કશ્યપદેવ, મહાજન, પંડિતભટજી, રાઘવદેવ સંમત નથી.

“યુવરાજ ચંડ, તારો શો વિચાર છે? ક્ષત્રિય ધર્મ શું કહે છે? શરણાગત ની રક્ષા માટે શું?” વેધક નજરે મહારાણા જોઈ રહ્યા.

“જી, આપણે સતર્ક રહીને રણમલને આશરો આપીએ.”

 હવે મહારાણાએ આખરી નિર્ણય સંભળાવ્યો. આ ગ્રુહમાં મોટાભાગના સભ્યો રણમલને આશરો આપીને મેવાડને આફતમાં મુકવા માંગતા નથી. સાધારણ માનવી તરીકે હું પણ એ જ વિચારું. માણસ હંમેશા નિકટને નિહાળે, પરંતુ રાજાએ તો દૂરનો વિચાર કરવો પડે. રણમલએ આપણાં પ્રચ્છન શત્રુનો પુત્ર છે. દુશ્મનનો દુશ્મનએ આપણો મિત્ર છે. એ ન્યાયે દુભાયેલો રણમલ મેવાડની ભાવિ રાજનીતિમાં અગત્યનું મ્હોરું છે. મેવાડના મહારાણા તરીકે હું ક્ષત્રિયધર્મનું પાલન કરવા બંધાયેલો છું. રણમલ કોઈ મુસ્લિમ શાસકને મળે અને ગુજરાતના રાજવી કરણઘેલાને રોળવા જેમ અલાઉદ્દીન ખીલજીની ફોજ ગઈ હતી તેમ રાજપુતાના તરફ કૂચ કરે તો મંડોવર તો યુદ્ધની જ્વાળા માં ફસાય સાથે સાથે આપણી શાંતિ પણ જોખમાય. મારા પૂર્વજોની ભવ્ય પરંપરા તોડીને હું બદનામ થવા માંગતો નથી. રણમલ આપણે આશરે આવ્યો છે તો આપણે આશરો આપીશું. હું એને જ યોગ્ય માનું છું. સામાન્ય રીતે મેવાડના પ્રશ્નોમાં મહારાણા મંત્રી, સેનાપતિ અને રાજકુમારોની સલાહને મહત્વ આપતા. પોતાના આગ્રહને પણ જતો કરતા પરંતુ આજે મહારાણાજી એ મેવાડપતિ તરીકે સ્વતંત્ર નિર્ણય લઇ લીધો.

 યુવરાજ ચંડને પણ લાગ્યું કે, આ ઠીક નથી થયું. સૌ સમજતા હતા કે, ખોટો નિર્ણય લેવાયો છે. પરંતુ તેઓ લાચાર હતા. સૌને પોતાની વિવશતા ખૂંચતી હતી.  સૌ મૌન રહ્યાં પરંતુ પંડિત ભટજી બોલી ઉઠ્યા. મહારાણાજી આપણે નિર્ણય કરવાનો અબાધિત અધિકાર છે. આપના આદેશનું પાલન કરવા અમે બંધાયેલા છીએ. મંત્રણાગૃહની બહાર આજનો નિર્ણય સર્વસંમતિનો નિર્ણય હશે છતાં મને લાગે છે કે, મેવાડને આ નિર્ણયની ભારે કિંમત ચૂકવવી પડશે.”

 મંડોવરના રાજકુમાર રણમલને આશરો આપી મહારાણા લક્ષસિંહે પોતાને હાથે મેવાડના ભાવિ પર કુઠારાઘાત કર્યો.

“રાઘવ, તારે રણમલ પર નજર રાખવાની છે. એના કારસ્તાનોએ, એણે મંડોવરનું યુવરાજ પદ ગુમાવ્યું છે. અહીં એ કાવતરાં ન કરે એની તકેદારી રાખવી પડશે.” યુવરાજ ચંડે કહ્યું.

“જી, મોટાભાઈ.” આમ કહી રાઘવ ઉદ્યાન તરફ ચાલી નીકળ્યો.

મહારાણી કૈલાસકુંવરબાના રાજપ્રસાદમાં નૃત્યાંગના સુવર્ણલતાનો નિવાસ હતો. પ્રાસાદની ચારેકોર વિશાળ ઉધાન હતું. વૃક્ષોની ઘટામાં પ્રાસાદ ઢંકાઈ જતો હતો. પ્રાસાદની પાછળ એક રમણીય તળાવ હતું. એ તળાવને કિનારે ભવ્ય વૃક્ષની તળે પથ્થરની એક શિલા હતી. તે શિલા પર બેસીને સંધ્યાકાળે સુવર્ણલતા તળાવના પાણીમાં કાંકરો ફેંકતી અને તેના પરિણામે થતાં તરંગો ને જોતી હતી. ત્યાં અચાનક રાઘવ દેવ આવી પહોંચ્યો.

પાણીમાં રાજકુમારનું પ્રતિબિંબ જોઈને સુવર્ણલતા બોલી, “પ્રણામ રાજકુમાર.”

“લતાજી, આપનું નૃત્ય સુંદર અને ભાવવાહી હતું. આપ ઉચ્ચકોટિના કલાકાર છો.” પરંતુ મારી કળાથી તમે અકળાયા હશો એટલેજ તમે અધવચ્ચે ચાલ્યા ગયા તેથી મને થયું કે, કદાચ રાજકુમારને મારી સાધના માં ખામી લાગે છે.” રાઘવદેવ ખડખડાટ હસી પડ્યો, “આપની બીક અસ્થાને છે. મને તો આપની સિદ્ધિ જ લાગી હતી. પરંતુ મારે મંત્રણાગૃહમાં તાકીદે જવાનું હતું તે યાદ આવતાં મારે જવું પડ્યું.

“સારું થયું. નહીં તો આપ મારા નૃત્યથી અંજાઈને મંત્રણાગ્રુહમાં ગયા ન હોત તો નાહક હું બદનામ થઈ જાત,” મઝાક કરતાં સુવર્ણલતા બોલી. એની દુગ્ધ ફેન ‌‌‌‌‌‌---- દંતાવળી જોઈને રાજકુમાર ખુશ થયો. “મહેમાનને બદનામ કરે એવું આ શહેર નથી.”

“રાજકુમાર, હું મહેમાન નથી. મેવાડની ધરતીની  ઉપજ છું. મારી કળા-સાધના ભલે દક્ષિણમાં થઇ હોય, મને આ વીરતાની ખાણ જેવી વસુંધરા પ્રત્યે સ્નેહ છે. “માત્ર આ ધરતી સાથે જ.” રાઘવદેવ માર્મિક હસતાં બોલ્યો.

 સુવર્ણલતાના હોઠ હાલ્યા પરંતુ શબ્દસ્વરૂપ ધારણ કરે તે પહેલા એકાએક રણમલનો પ્રવેશ થયો. “શું ચાલે છે? આપનું નૃત્ય મેં રંગશાળામાં જોયું. ખરેખર આપ બેહદ સુંદર છો. બીજું બધું ભૂલીને હું તો ત્યાંજ……….”

“સરસ, આપ બંને મને રજા આપશો? મહારાણીબા પૂજામાં બેસવાના છે. મારે પણ એમની સેવામાં હાજર થવાનું છે.” ઝડપથી સુવર્ણલતા સરી ગઈ.

“રણમલજી, સુવર્ણલતા મેવાડનું ગૌરવ છે. એની નૃત્ય અને સંગીતની કળાને સમસ્ત ભારતમાં કોઈ આંબી શકે એમ નથી. એના રૂપની આભા પવિત્રતાના કવચથી રક્ષાયેલી છે. આપણાં મનને બહેકાવતી નથી, પૂજા કરવાનું મન થાય એવી રૂપની મૂર્તિ છે.”

“વાહ રાજકુમાર, શમશેરધારી પુરુષ કવિનું હૃદય પણ ધરાવે છે. દર્દ અને કવિનો સંબંધ ગાઢ હોય છે.” હસતા હસતા રણમલ ચાલ્યો ગયો. માર્ગમાં વિચારો વાગોળવા લાગ્યો. “આ સુવર્ણલતા, અમે બંને મેવાડમાં એક જ સમયે આવ્યા. મારા નયનોમાં એ સમાઇ ગઈ છે. એને હું જ મેળવીશ. એવું લાગે છે કે, રાઘવ એના પ્રેમપ્રવાહમાં તણાયો છે. પરંતુ હું એને ડુબાડીશ. એ મારા માર્ગનો કાંટો બનશે તો હટાવીને પણ હું આ નૃત્યાંગનાના હૈયામાં સ્થાન મેળવીશ.”

મંડોવરના રાજવી ચુડાવતજી પર નવી રાણી સિતારાદેવીનો જાદુ કામ કરી ગયો. ભ્રમરવ્રુત્તિના રાજાએ તેને ખુશ કરવા કાન્હને યુવરાજ પદે સ્થાપી દીધો.

 હંસા કુમારીને યૌવનની પાંખો ફૂટી હતી. મંડોવરનો રાજપ્રાસાદ અને ઉદ્યાન એના હાસ્યથી ગૂંજી ઊઠતો હતો. આ ગુંજનથી માંના મનમાં ચિંતાએ પ્રવેશ કર્યો. એ વખતે સમસ્ત રાજપુતાનામાં વીરતા, શૌર્ય, શાણપણના ભંડાર યુવરાજ ચંડની ચર્ચા ચાલતી હતી. સૌ કોઈ સમજતા હતા કે, ચંડએ મેવાડનો ભાવિ નરેશ છે. એને સૌ રાજપુતાનાનો આત્મા કહેતા. બદનોરના વિજયે રાજકુમારી હંસાના હૈયાને પણ ડોલાવી દીધું. મનોમન એ યુવરાજ ચંડની મૂર્તિ બનાવીને ચાહવા લાગી હતી. એની અંતરંગ સખી ચંપાએ આનો અણસાર આવતાં જ મહારાણી સિતારાદેવીને આ વાત જણાવી.

“યુવરાજ ચંડ સાથે હંસાનું વેવિશાળ થાય તો રણમલ પણ ત્યાંથી ખસે કારણ કે પોતાની સાવકી બહેનના ચાકર બનવું એને ન જ ગમે, અને રણમલ દૂર થાય તો કાંન્હની એટલી સલામતી વધારે. આ વિવાહથી એક કાંકરે બે પક્ષી મારી શકાશે.

 સંધ્યા સમયે રાજપ્રાસાદમાં હીંચકા પર બેઠેલા મંડોવરપતિને પાનનું બીડું આપતા સિતારાદેવી એ મનની વાત છેડી.

“મહારાજ, મેવાડને મિત્ર બનાવવું હોય તો હંસાકુમારીનો સંબંધ ત્યાં ગોઠવવો જોઈએ.”

“મેવાડ મિત્ર હોય તો કાન્હને મોટી ઓથ રહે, પરંતુ ત્યાં બે કુંવર છે. યુવરાજ ચંડ અને રાજકુમાર રાઘવ. યુવરાજ ચંડ પૂર્ણ રાજપૂત છે. એનામાં વીરતા છે. નિર્ભયતા છે. સાહસ છે. પરંતુ એ પથ્થરની માફક અચળ છે. હંમેશા કર્તવ્ય માટે પ્રસ્તુત એ રસિક હોય એ મને સમજાતું નથી. કુમાર રાઘવ સુંદર છે, કળાકર છે, એ વીર છે, દાન પણ કરે છે. મેં આ બધું સાંભળ્યું છે. જો હંસાને સુખી બનાવવી હોય તો હું માનું છું કે, કુમાર રાઘવદેવ માટે….”

“મહારાજ હંસાકુમારીનું નાળિયેર મોકલવું હોય તો યુવરાજ ચંડ માટે જ મોકલાય. હંસાકુમારી પણ ચંડની વીરગાથાઓથી પરિચિત છે. એના મનમાં પણ પ્રેમના અંકુર યુવરાજ માટે જ છે. ચંડતો રાજપુતાના નો આત્મા છે. યુદ્ધ અને ધર્મમાં પથ્થરની માફક અચલ છે. ભાવિ મેવાડપતિ છે. કુમાર રાઘવ એક નૃત્યાંગના સાથે આજકાલ વધુ સમય ગાળે છે. સંભવ છે, આ કારણે હંસાનું ભાવિ અંધકારમય બની જાય. રાઘવ સાથે હંસાનો વિવાહ થાય તો રણમલ ત્યાં જ રહે. પણ જો હંસાનો વિવાહ ચંડ સાથે થાય તો ત્યાં રણમલ રહી શકે નહીં. અને કાન્હને માટે સરળતા થઈ જાય. આપણે માટે એક પંથ બે કાજ જેવું છે. અભિમાની રણમલ પોતાની અપરમાંની દીકરી જયાં મહારાણી બનવાની હોય ત્યાં નોકરી કરશે જ નહીં. સિતારાદેવી બોલી.

“અરે વાહ! તું તો ભારે ચાલાક છે. આટલા બધાં વિચારો ક્યાંથી ગોઠવ્યા? મહા મઝાક કરતાં મંડોવરનરેશ બોલ્યા. સિતારાદેવી મહારાણી સુમનદેવીના પુત્રના દર્પના ચૂરેચૂરા કરવા માંગતી હતી. આમ કરી તે પોતાના લાડકા દીકરા યુવરાજ કાન્હનો માર્ગ નિષ્કંટક બનાવી રહી હતી.

 હવે ચુડાવતજીને લાગ્યું કે, મેવાડની ગાદી પર ચંડ હોય અને મંડોવરની ગાદી પર કાન્હ હોય તો આ સગપણથી રાજકીય લાભ જરૂર થાય. એમણે પુરોહિતને રાજકુંવરી હંસાનું નારિયેળ લઈને મેવાડ રવાના કર્યો. રાજકુમારી હંસા પણ પ્રફૂલ્લિત હતી ચંડ જેવો મહાપુરુષ પોતાનો સ્વામી બને એ વિચારે તેનું હૈયું ઊછળતું હતું. એ ગણગણી.

“આજ સખી, હું તો બડભાગી……..”

ચિત્તોડગઢમાં પ્રવેશ્યા પછી, નગરને નિરખતા નિરખતા મંડોવરના પુરોહિત રાજદરબારમાં પહોંચી ગયા. દરબારમાં ખુશીનો ફૂવારો ઊડતો હતો. ત્યાં તો દ્વારપાળે આવીને ખબર આપ્યા. “મંડોવરથી પુરોહિત આવ્યા છે. દરબારમાં પધારી નિવેદન કરવા ઈચ્છે છે.” “ભલે, આવવા દો.” મહારાણા બોલ્યા. પુરોહિતે દરબારમાં આવીને આશીર્વચન ઉચ્ચાર્યા. કહો, ભૂદેવ, શાથી પધારવું થયું? મહારાણાએ પ્રશ્ન કર્યો. “મહારાણાજી, મંડોવરના રાજવીએ સંબંધના સૂત્રમાં બાંધવા માટે રાજકુમારી હંસાબાનું નાળિયેર મોકલ્યું છે.”

 કોના માટે? ભારે ઉત્સુકતાથી દરબારમાં એક સામટો ઘણાએ પ્રશ્ન કર્યો. મહારાણા મઝાકના મૂડમાં હતા. ખડખડાટ હસતા હસતા બોલ્યા. “ભાઈઓ, મારા જેવા વૃદ્ધે તો નાળિયેરની આશા સેવવી જ વ્યર્થ છે. હવે તો અમારી ગણતરી જ ક્યાં થાય?”

 પુરોહિત સિવાય સમગ્ર દરબારનો એકેએક માનવી હસી પડ્યો.

 બરાબર એ જ સમયે યુવરાજ ચંડે પ્રવેશ કર્યો. પિતાના વાક્યો એણે સાંભળ્યા. અવાજના પડઘા શમાયા એટલે તરત કાંઇક કાચું ન કપાય એ હેતુથી પુરોહિત બોલી ઉઠ્યા. “મહારાણાજી, રાજકુમારી હંસાબાનું વેવિશાળ આપના યુવરાજ ચંડ સાથે થાય એ હેતુ થી નાળિયેર લાવ્યો છું.”

ફરી એકવાર સભામાં આનંદ છવાઈ ગયો ત્યાં તો યુવરાજ ચંડ બોલી ઉઠ્યા. “હું આ નાળિયેર સ્વીકારી કરી શકું તેમ નથી.”

 યુવરાજના શબ્દોથી સૌને નવાઈ લાગી. મહારાણાને મહાઅનર્થ ની આશંકા જાગી. “યુવરાજ, તમે આમ કેમ બોલો છો? તમારા ઇન્કારનું કોઈ કારણ? જે કન્યા માટે પૂજ્ય પિતાશ્રીએ જાણે-અજાણે આશા રાખી હોય, એ મારે માટે માતૃસ્થાન છે. મારોધર્મ એ જ કહે છે. એના સિવાય બીજું કંઈ જ નહીં. દરબારમાં સન્નાટો છવાઈ ગયો. હસવામાંથી ખસવું થઇ ગયું. યુવરાજ તો હિમાલયની માફક અચલ હતો. એના નિર્ણયને ડગાવવાની ક્ષમતા કોઇનામાં ન હતી. મહારાણા વિચારમાં પડ્યા, નાળિયેરનો અસ્વીકાર એટલે યુદ્ધ. મેવાડે હજી હમણાં તો શાંતિ મેળવી છે હવે તો સતત સંઘર્ષની સ્થિતિમાં જીવતી મેવાડી પ્રજા પણ ત્રાસી ગઈ હતી. યુદ્ધના નામથી કોઇ  સૌ કોઈ ધ્રુજતા હતા. “પુરોહિતજી, આજે રાજ્યના અતિથિગૃહમાં પધારો. અમે આવતી કાલે તમને ઉત્તર આપીશું.” રાત્રિના બીજા પ્રહરે મહારાણાના ખંડમાં યુવરાજ ચંડને બોલાવવામાં આવ્યા. “યુવરાજ, તે નાની-શી વાતને મોટું સ્વરૃપ આપી દીધું. મેં તો માત્ર મજાકમાં જે વાત કહી હતી તેને આટલું બધું મહત્વ કેમ આપી દીધું?”  “પિતાજી, બુંદ સે બિગડી કભી નહીં સુધરતી. આપ મારા પ્રાણ માંગો તો આપી દઉં. પરંતુ હવે મંડોવરના નાળિયેરને સ્વીકારવાની ક્ષમતા મારામાં નથી.

“પુત્ર, તારી હઠે બંને રાજ્યો માટે સમસ્યા ઊભી કરી છે. હું શું કરું? મેવાડ હજું હમણાં જ યુદ્ધના દાવાનળમાંથી બહાર નીકળીને શાંતિનો શ્વાસ લઈ રહ્યું છે. નાની નાની બાબતોને વટનો સવાલ બનાવીને યુદ્ધે ચડીશું તો પ્રજા ક્યાં સુધી સાથ આપશે?”

“પિતાજી, હું ક્યાં યુદ્ધની ભાષા બોલું છું? ધર્મ જેનો ઇનકાર કરે તેને હું કેવી રીતે સ્વીકાર કરું?” “પુત્ર, નારિયેળ પાછું જાય તો મંડોવર એને પોતાનું અપમાન સમજીને યુદ્ધે ચડે. યુદ્ધના હેતુ સમષ્ટિનો હોય તો જ લડાય. માત્ર સ્વાર્થ માટે સંગ્રામ શા માટે?”

“પરંતુ પિતાજી, નાળિયેર પાછું શા માટે જાય? રાઘવદેવ માટે વિચારો.” “કેવી વાત કરે છે? એ પણ તારો ભાઈ છે, જે કારણે તેં આપ્યું એ કારણ તે આપશે.” થોડી ક્ષણો માટે મૌન પ્રસરી ગયું. એકાએક મહારાણા બોલ્યા. “તો પછીએ નાળિયેર ક્ષાત્ર ધર્મનું પાલન કરવા મારે જ સ્વીકારવું રહ્યું. ચિત્તોડગઢ ના રાજપ્રાસાદમાં નવી રાણીના આગમને ઘાત-પ્રતિઘાતના વમળો પેદા થશે એનું ઉત્તરદાયિત્વ યુવરાજ તારે શિર રહેશે, કેવળ તારે શીર.” વેદનાસભર મહારાણાને ત્યાં એકલા મૂકીને યુવરાજ ચંડે પ્રસ્થાન કર્યું. “રણમલજી, સાંભળ્યું? આપના પિતાજી કરવા ગયા કંસાર અને થઈ ગયું થુલું. અજીતસિંહે સમગ્ર ઘટના કહી સંભળાવી.

 “હંસાકુમારીનું લગ્ન મેવાડના વૃદ્ધ મહારાણા સાથે. જેમનુ જિસ્મ શ્મશાનનો અગ્નિદાહ મેળવવા તલપાપડ થઈ રહ્યો છે. આ તો હળાહળ અન્યાય છે.” રણમલ ક્રોધમાં આવી બબડ્યો.

“રણમલજી, આપની અપરમાંએ સોગઠી મારી હતી. હંસાકુમારીના લગ્ન યુવરાજ ચંડ સાથે થાત તો આપને માટે મુશ્કેલી સર્જાત પરંતુ વિધિએ આપને માટે મોટો લાભ કરી આપ્યો છે. હંસાકુમારી આપના બહેન ખરાં પરંતુ સાવકા. યુવરાજ કાન્હના કલ્યાણ માટે આપ એમની આંખોમાં કાંટા સમાન છો.” “અજીતસિંહ, રાજનીતિના દાવ મને પણ ખેલતા આવડે છે. હવે ચિત્તોડના પ્રાસાદો કુચક્રથી ઘેરાશે. મારું નિશાન તો મોટું છે.” મહારાણી કૈલાસકુંવરને મહારાણાના નિર્ણયથી આઘાત થયો. પરંતુ તે ક્ષત્રિય નારી હતી. તેણે પોતાના કુંવરોને બોલાવી પિતાની વિરુદ્ધ કોઈપણ હિલચાલ ન કરવાની તાકીદ કરી.

“માં, અમે પિતાજીને પહેલાં જેવો જ સહકાર આપીશું. અમે તો મેવાડના વફાદાર સૈનિકો છીએ. પદની લાલસા કદી સેવી જ નથી.” ચંડ અને રાઘવે જવાબ આપ્યો.

“યુવરાજ, મારી બહેનનું ભાવિ રોળાઈ ગયું. સિદ્ધાંતોની લડાઈ તમે લડો અને બલિદાન કુમળી કળી જેવી હંસાનું લેવાય એ ક્યાંનો ન્યાય? તમારા જેવા મહાવીર હોવા છતાં એને અન્યાય થઇ ગયો.” રણમલે ફરિયાદ કરી. “રણમલ, મેં અન્યાય નથી કર્યો? હું આમાં શું કરી શકું?”

“તમે જ ઘણું કરી શકવાની ક્ષમતા ધરાવો છો. મેવાડની ગાદીનો ત્યાગ કરી હંસાના ભાવિ બાળકને મેવાડપતિ બનાવવાનું પ્રણ લઈને તમે એ આશ્વાસનનું, પ્રતિષ્ઠાનું અમૃત આપી શકો છો. બોલો, છે તાકાત તમારામા એ ત્યાગ કરવાની?” યુવરાજ ચંડને પણ લાગ્યું કે જો આ વાતથી બાજી સુધરતી હોય તો પોતે મેવાડની ગાદીનો પોતાનો હક્ક ખુશીથી છોડી શકે.

“કબુલ, રણમલ, હું આજે જ મારો નિર્ણય જાહેર કરીશ.”

 અને જ્યારે રાજસભામાં યુવરાજે નિર્ણય જાહેર કર્યો કે તરત જ સન્નાટો છવાઈ ગયો. ભૂતકાળમાં કુરુવંશના યુવરાજ દેવદત્તે આવી જ ભીષણ પ્રતિજ્ઞા કરી અજોડ ત્યાગ કર્યો હતો. આજે જાણે ભીષ્મનો નૂતન અવતાર પ્રકટ્યો ન હોય એવી ખુમારી યુવરાજ ચંડના ચહેરા પર ચમકતી હતી. મહારાણાને લાગતું હતું કે, પોતે શાંતનુ જેવા કામી તો ન હતાં છતાં વિધાતાએ પોતાને કલિયુગના શાંતનુ બનાવી દીધા. માત્ર એક ક્ષણની કામનાએ કેટલું મોટું કાંડ સર્જી દીધું?

મંડોવરમાં જઈને પુરોહિતે સમગ્ર હકીકત જણાવી. રાજા ચિંતાતુર બની ગયા. ચંદ્રિકાદેવી વલો પાત કરવા લાગ્યા. હંસાકુમારી બેભાન થઈ ગઈ. મંડવર નરેશે મક્કમતાથી કહ્યું, “જે કાંઈ ઘટના ઘટી છે એ ઈશ્વરધીન બંને રાજ્યોની શાંતિ માટે હંસાએ બલિદાન આપવું જ પડશે. કર્તવ્યને ઉપર વિષપાન કરનાર રાજકુમારીઓના નામ ઈતિહાસમાં સાંભળ્યા છે. પરંતુ બે રાજ્યોના ભવિષ્ય માટે ક્ષણે ક્ષણે ઝેરનાં ઘુંટડા પીતી રાજકન્યા તો હંસા જ હશે. એનું એ જ ભાવિ છે. “મહારાજ, હંસા એ આપણી પુત્રી છે. કોઈ રમકડું નથી. જીવંત ધબકાર ધરાવતી નારી છે. એના પણ સપનાં છે. એણે પણ મનોમન પોતાના મન સાથે આદર્શ પુરુષ પતિ સ્વરૂપે જોડી દીધો છે. આપ આવો કઠોર નિર્ણય સંભળાવી શકો છો એની મને નવાઈ લાગે છે. મહારાણા લક્ષસિંહ સાથે હંસાનું લગ્ન કરાવવા કરતા તમારી અસિ વડે એનું શિર ધડથી જૂદું કરી નાખે એ ઉમદા છે. પિતા થઇને પુત્રીની વેદના, દર્દનો ખ્યાલ તો કરો.” ચંદ્રિકાદેવી બોલી ઉઠ્યા. તે સાથે જ આંસુની ધારા વહેવા લાગી. રાણીએ હંસાકુમારીની વેદનાને વાચા આપી પરંતુ રાજા આગળ એ વ્યર્થ સાબિત થઈ. શાસક સામે સ્ત્રીનું કોઈ મુલ્ય જ નથી હોતું. સ્વાર્થ સાધવા તેઓ સ્ત્રીઓને રમકડા તરીકે ઉપયોગ કરે છે. પછી તે નારી પત્ની હોય, પુત્રી હોય, બહેન હોય કે માં હોય વિષાદના વાદળો વચ્ચે હંસાકુમારીના લગ્ન મહારાણા લક્ષસિંહ સાથે થઈ ગયા.

આથમણી દિશાએ સૂર્ય અસ્ત તરફ ધસી રહ્યો હતો. રાજપ્રાસાદના ઉદ્યાનમાં તળાવના કિનારે, વૃક્ષની નીચે, શીલા પર પ્રિયતમાની પતીક્ષા કરતો રાઘવદેવ ચિંતામગ્ન બેઠો હતો. એકાએક આકાશમાંથી વાદળ હટી જાય અને ચંદ્ર દેખાય તેમ વૃક્ષોની ઘટામાંથી સુવર્ણા લતા પ્રગટી.

 “આવો, સુવર્ણ, બહુ પ્રતીક્ષા કરાવી? મને તો ચિંતા થતી હતી કે કદાચ તમે નહીં આવો.” હું આપની ચિંતા અસ્થાને છે. મહારાણીબા પાસેથી છટકવું પડ્યું એટલે વાર થઈ પરંતુ હું જોઈ રહી છું કે, આપ હવે ચિંતા ખંખેરીને આનંદમગ્ન થઈ ગયા છો.”

“સુવર્ણ, આનંદ એ તો મનની વસ્તુ છે. એ જોવાની અને માણવાની કળા સૌને સાધ્ય નથી.” આમ રોજ મુલાકાતો થવા લાગી. પ્રેમના બંધન મજબૂત થવા લાગ્યા, પરંતુ રણમલ રાહુની માફક આ પ્રેમીપંખીડાના માર્ગમાં કંટક બનવાની પેરવી કરવા લાગ્યો. એક દિવસે રણમલનો જાસૂસ સમાચાર લાવ્યો. “મંત્રણાગૃહમાં મંત્રણા માટે સૌ ભેગા થયા છે.”

 ક્ષણનોયે વિલંબ કર્યા વગર રણમલ રાજપ્રાસાદના ઉદ્યાનમાં તળાવના કિનારે, વૃક્ષની નીચે, શીલા ઉપર આવીને ગોઠવાઈ ગયો. વૃક્ષોની ઘટામાંથી પ્રગટેલી સુવર્ણલતાએ શીલા પર રાઘવદેવને  બદલે રણમલને જોયો. ત્યાંતો તેનો અવાજ પણ અથડાયો.

“પધારો, સુવર્ણલતા, આપના આગમને મને ઘણો હર્ષ થયો.” રણમલજી, મેવાડમાં અને તેમાંયે એના હાર્દ સમા ચિત્તોડમાં સર્વત્ર હર્ષજ છે. એક્વાર મને એના અપહરણની પણ આશંકા થાય છે.” “તમારી આશંકા નબળા મનની નીપજ છે. તમે ચાહો તો તમારો આનંદ બમણો પણ થઈ શકે.”

“કેવી રીતે? સુવર્ણલતાએ ભારે ઉત્સુકતા બતાવી પૂછયું.

“સ્વર્ણલતા, હું તમને ચાહું છું. હવે બહુ થોડા સમયમાં મારું ભાગ્ય ફરી જશે. તમે જો મારા બનશો તો એક મહારાણીની જેમ વૈભવ ભોગવશો.” આમ કહી પ્રતિભાવની દરકાર કર્યા સિવાય તેણે સુવર્ણલતાનો હાથ પકડ્યો.

 સુવર્ણલતાના મુખપર સખત નારાજી તરી આવી. ગોરા મુખપર ધસી આવેલો ક્રોધ મુખને લાલ ઘુમ કરી ગયો. “રણમલજી, તમે ચિત્તોડમાં મહેમાન છો, માલિક નહીં. અફાટ સાગરને પણ કિનારો હોય છે. આપે મર્યાદા સ્વીકારવી જોઈએ.” આમ કહી એક આંચકો મારી હાથ છોડાવી દીધો.

રણમલ ન્રુત્યાંગના નારીનો અહંકાર સહન કરી શક્યો નહીં. “સુવર્ણલતા આટલો બધો અહંકાર? તું કોણ? તારી જાતને ગમે તેટલી મહાન માનતી હોય પરંતુ માત્ર એક નર્તકી સિવાય વિશેષ કંઈ નથી. અમે રાજઘરાનાના લોકો નર્તકી અનેવારાંગનામાં કોઈ ભેદ જોતા નથી. હું તને રાજપથ પર લાવવા માગતો હતો પરંતુ તારા ઘમંડે હવે તને અગ્નિપથ પર ચાલવા મજબૂર કરી છે. અમે રાજકુમારો નર્તકીઓને રમકડાંની માફક નચાવવા ટેવાયેલા છે. પત્નીના ગૌરવથી તો તું વંચિત જ રહેવાની. કુમાર રાઘવદેવ પણ એમાં અપવાદ નથી.” “રણમલ, તમે રાજકુમાર નથી લાગતા, વાંસનાએ તમને અંધ બનાવી દીધા છે. રાજપથ પર મને ચલાવનાર તમે કોણ? કાચના મહેલમાં રહેનાર બીજા પર પથ્થર ફેંકતા નથી. ખુદ તો બે સહારા છો. બીજાને આશરે જીવન વિતાવનારા આ સ્વમાનનો યે દાવો કરી શકતા નથી. તમે ઇતિહાસથી સાવ અજાણ છો. નર્તકીઓ જ્યારે રાજકારણમાં માથુ મારે છે ત્યારે ઇતિહાસ સર્જાય છે. ગુજરાતની ચૌલાદેવીનું નામ કોઈને પૂછી જોજો. કુમાર રાઘવદેવ માટે તમારા મનમાં ઈર્ષાનો અગ્નિ પ્રગટયો છે. સોનુ એ સોનું જ રહેવાનું, કથીર કદી સોનું બની શકતું નથી.”

રણમલના ક્રોધનો પાર રહ્યો નહીં. એણે સુવર્ણલતાનું ગળું પકડ્યું. હાથ ઝાલી ઝાડીમાં ધકેલી ત્યાં સુધી દૂરથી રણ્મલના બે સાથીઓ દોડી આવ્યા. સ્વર્ણલતાને પકડી લીધી. મોંઢે ડૂચો બાંધી દીધો સાથીઓ જતા રહ્યાં.

“બોલ, સ્વર્ણલતા, હવે હું તને સુવર્ણમાંથી કથીર બનાવી દઈશ.” સ્વર્ણલતા શું બોલે? વિવશ નારીની આંખોમાંથી બિંદુઓ ઝર્યા. ત્યાં તો “સાવધાન, રણમલ, તારી કુચેષ્ય રાઘવના જીવતા બર નહીં આવે.” કહી તલવાર કાઢી અગ્નિ ઝરતી આંખે સુવર્ણલતાના બંધનો તોડી નાંખ્યા. મહાવીર રાઘવદેવને જોતાં જ તેના હાંજા ગગડી ગયા હતા.

“જા, રણમલ,તું પિતાજીનો શરણાગત છે એટલે આજે જવા દઉં છું. નહીં તો તારા ટુકડેટુકડા કરી નાખત.”

 રણમલ ચૂપચાપ ચાલ્યો ગયો. પણ એણે નિર્ણય કર્યો કે, આ કાંટાને મારા માર્ગમાંથી હટાવીને જ જંપીશ. રાઘવ મરશે તો જ લતા મને મળશે. મારે કોઈપણ ભોગે સુવર્ણલતા જોઈએ.

“કુમાર, દુષ્ટ રણમલના પંજામાંથી, અણીની પળે તમે બચાવી. હું તમારી ઋણી છું. આ મન અને તન હવે આપનું. આપના પ્રેમ વચ્ચે કોઈપણ બાબત દિવાલ તો નહીં બને ને?” કહેતા તે ધ્રુસકે ધ્રુસકે રડી પડી. “સુવર્ણ, હું જાણું છું મારો પ્રેમ એ તારું સર્વસ્વ છે. રાઘવે પ્રેમ કરી જાણ્યો છે. મારા કાંડામાં આપણા પ્રેમની આડે આવનાર કંટકોને દૂર કરવાની ક્ષમતા છે.

પછી પ્રેમી હૈયા શીલાપર બેસીને ક્યાંય સુધી પ્રેમાલાપ કરતા રહ્યા. ચિત્તોડગઢના રાજપ્રાસાદમાં હંસા પોતાના નિષ્ફળ પ્રેમને વાગોળી રહી હતી. ચિત્તોડગઢના રાજપ્રાસાદમાં નવવધુ તરીકે આવેલી હંસાએ જ્યારે યુવરાજ ચંડને પ્રથમ જોયો ત્યારે તે હોશ ગુમાવી બેઠી. બીજી મુલાકાતે તેણે સ્વસ્થતા તો જાળવી રાખી પરંતુ મુગ્ધા યુવરાજને ઠપકો આપવા લાગી.” તમે નિર્દોષને સજા કરી. પિતા-પુત્રનાં સંઘર્ષમાં મારું જીવન રોળાઈ ગયું.”

 યુવરાજ ચંડ તો સ્વસ્થ હતા. “આપણે વિધાતાના હાથના રમકડાં છીએ. જે સ્થિતિમાં હોઈએ તે સ્થિતિને ઈમાનદારીથી જીવવાનું માણસ નું કર્તવ્ય છે.” વિહવળ હંસાકુમારીએ આગળ વધી યુવરાજનો હાથ પકડવા પ્રયત્ન કર્યો. પરંતુ યુવરાજ ચંડે કહ્યું, “મન પર કાબૂ રાખો. મારી દ્રષ્ટિએ આપ માત્રુસ્થાને છો. એ સિવાયની ચેષ્ટા કરશો તો સ્ત્રી-હત્યા પણ હું કરી શકું છું.”

તરત જ હંસાકુમારી હોશમાં આવી, “ યુવરાજ, તમે આદર્શના શિખર પર ભલે બિરજો. વાસ્ત્વિકતાનું દર્દ તમને નહીં સમજાય. ગભરાશો નહીં હવે કદી તમારે મારી બીક નહીં રાખવી પડે.”  “આપના આદેશનું પાલન એ મારો ધર્મ હશે. વિધિએ જે પરિસ્થિતિમાં મૂક્યા છે એની મર્યાદાનું પાલન કરતાં કરતાં હું આપને જેટલા સુખી કરી શકું એટલો પ્રયત્ન અવશ્ય કરીશ.” ગંભીરાનદીના પુલ પર યુવરાજ ચંડ અને રણમલના ઘોડા લગોલગ આવી ગયા. “યુવરાજ, કુમાર રાઘવદેવ રાજવંશી મર્યાદા ભૂલીને એક નર્તકીના પ્રેમમાં ફસાયા છે. વારાંગના અને નર્તકીઓ જાસૂસી કામ કરતી હોય છે.” “રણમલ, કુમાર રાઘવદેવ માટે આવી વાત ન કરો. એ વીર છે. મોહાંધ નથી, કામાસક્ત નથી.” “હું આપને ખોટી વાત નથી કહેતો. પ્રત્યક્ષ પ્રમાણ જોઈતું હોય તો આજે સાંજે હું બતાવી શકું એમ છું.” “સારુ, આજે સાંજે હું આવીશ.” તળાવના કિનારે, વૃક્ષની છાયામાં સંધ્યાકાળે સુવર્ણલતા આવતી. પથ્થર પર બેસીને ગીત ગાતી. રાઘવદેવ એની સમીપ બેસતો. ગીત સાંભળતા સાંભળતા પોતાની પ્રેમિકાને નિહાળતો.

આજે પણ સંધ્યાકાળે સુવર્ણલતા આવી. રાઘવદેવ આવ્યો, ગીત ગવાયું. વાર્તાલાપ અને હાસ્ય જામ્યું. કુમાર બોલ્યો, “આજે મન બેચેન છે. માથું દુખે છે,” સુવર્ણલતાએ પ્રેમપૂર્વક કુમાર રાઘવના મસ્તકે હાથ ફેરવ્યો અને સ્નેહથી દબાવા લાગી. એ જ પળે વૃક્ષોની ઘટામાં છુપાયેલા યુવરાજ ચંડના હૈયામાં ગુસ્સો ઉછ્ળ્યો. રણમલનું હૈયું ટાઢું પડ્યું. એના પાસા સવળા પડ્યા હતા. “પિતાજી, રાઘવદેવને કેરવાડાની જાગીર પર મોકલો. અહીં નર્તકી સુવર્ણલતાને કારણે એ પ્રજામાં ચર્ચાપાત્ર બન્યો છે.” “યુવરાજ, તું એના કલ્યાણનો પ્રસ્તાવ લાવ્યો છે. મને મંજુર છે.” અડધી રાતે યુવરાજના શયનખંડમાં કુમાર રાઘવદેવ હાજર થયો. “ભાઈ, તું વીર છે. ગુહિલોતવંશનો તારો છે. પણ આજકાલ તે સંયમ ગુમાવ્યો છે. આપણે રાજવંશીઓ સામાન્ય પ્રજાજન જેટલા પોતાના જીવનના માલિક નથી હોતા. ધર્મ, મર્યાદા અને સંયમના કવચની આપણા જીવનમાં વારંવાર જરૂર પડે છે. આપણું જીવન પ્રજાની અમાનત છે. તારે સુવર્ણલતાના પ્રેમમાં પડતા પહેલા આ બાબત વિચારવી જોઈતી હતી. મારૂ માને તો તું કેરવાડાની જાગીર પર સૂર્યોદય પહેલાં રવાના થઈ જા.

“મોટાભાઈ, હું અત્યારે જ રવાના થઇ જઇશ. મેં પહેલાં એકવાર ક્ષમા માંગી છે. હવે શિક્ષા ભોગવીશ. આપનો આદેશ શિરોધાર્ય છે. તે જ રાત્રે, કુમાર રાઘવદેવ કેરવડા જવા રવાના થઇ ગયો. રણમલે એક છૂપો સંદેશ મંડોવર મોકલાવ્યો. “પિતાજી, રાઠોડોના છુટક છુટક દળ થોડા થોડા દિવસના અંતરે મોકલતા રહો. મેવાડની સેનામાં રાઠોડો હશે તો તે આપણા હિતમાં જ સમજજો.” આમ ધીરે ધીરે મેવાડી સેનામાં રાઠોડે ઘૂસણખોરી કરવા માંડી. રાઘવદેવ કેરવાડા ચાલ્યો ગયો તેથી સુવર્ણલતાને મેળવવા હું સફળ થઈશ. ગંભીરા નદી આગળ સંધ્યાકાળે સ્વર્ણલતાને ફરી એકવાર રોકી. “સુવર્ણ, હઠ છોડી દે, માની જા, હું તને ચાહું છું, તું મારી બની જા.” “રણમલ,  એવા સપના જોવાનું છોડી દો. મારા દિલમાં તમારું સ્થાન નથી જ. રણમલ ઉશ્કેરાયો પરંતુ સામેથી ઘોડેસવારોને આવતા જોઈ મૌન રહ્યો. એણે પોતાના અંગત સાથી અજીતસિંહને બોલાવીને સ્વર્ણલતાને ઉપાડી લેવાનો આદેશ આપ્યો. પરંતુ ષડયંત્રની આશંકા થવાથી સુવર્ણલતા ચિત્તોડગઢ છોડી કેરવાડા પહોંચી. કેરવાડામાં પણ રણમલના માણસો સુવર્ણલતાને હેરાન કરવા લાગ્યા. છેવટે સુવર્ણલતાએ કુમાર રાઘવદેવના પ્રાસાદમાંજ આશરો લીધો. સમય તો પાણીના પ્રવાહની માફક સરકતો હતો. ચિત્તોડના મહારાણાને ત્યાં પુત્રજન્મની વધાઈ પણ આવી. મુકુલ મોટો થવા લાગ્યો. ચિત્તોડગઢના દરબારમાં કેટલાક હિન્દુ યાત્રીઓ દાદ માંગવા આવી પહોંચ્યા.

“મહારાણાજી, ગયા અને પ્રયાગના તીર્થસ્થાનો પર યવનો ત્રાસ ગુજારે છે. કરમાં બેહદ વધારો કર્યો છે હવે તો જુલ્મે માઝા મૂકી છે. આ સાંભળી મહારાણા લક્ષસિંહજીનું લોહી ઉકળી ઉઠ્યું.

“બબ્બે વખત યુદ્ધ કર્યા છતાં આ જ પરિસ્થિતિ હોય તો ધર્મની રક્ષા માટે ત્રીજીવાર પણ શમશેર ઉઠાવતાં હું અચકાઉં નહીં.”

 મંત્રણાગૃહમાં સ્વયમ મહારાણાના દુરાગ્રહથી નિર્ણય લેવામાં આવ્યો. મહારાણા ખુદ નાનકડી સેના લઈને યવનોથી હિંદુ-મંદિરોની રક્ષા માટે જાય.

આ સમાચાર બદનોર પહોંચ્યા એટલે મેંદા જાતિના ત્રણે સરદારો જોધાજી, ચાંદાજી અને બલરાજ પોતાના રણશૂરા સાથીઓ લઈને આવી પહોંચ્યા. “મહારાણાજી, અમને પણ આપની સાથે લઈ જાઓ. અમારી વફાદારીના ઋણને અદા કરવાનો મોકો આપો. અમે ધર્મની રક્ષા કરતાં કરતાં દેહ છોડવા માંગીએ છીએ.”

 સમગ્ર વાતાવરણ ભાવના-સભર બન્યું. સૌ બોલી ઉઠ્યા, ‘જય ચિત્તોડ’ થોડા દિવસ પછી દશેરાના શુભ દિને પ્રસ્થાન કરવાનો નિર્ણય હતો. .”યુવરાજ, હું આ યુદ્ધમાં જઈ રહ્યો છું. આ મારું અંતિમ પ્રસ્થાન હશે. હવે હું પાછો ફરું એવી શક્યતા જ નથી. તીર્થક્ષેત્રમાંજ તીર્થોની રક્ષા કરતાં કરતાં પ્રાણ જાય એ જ મારી અંતિમ અભિલાષા છે. પરંતુ રાણી હંસા અને કુમાર મુકુલની ચિંતા મને સતાવે છે. એના માટે તું કોઈ જાગીરની વ્યવસ્થા કરી આપે તો હું શાંતિથી મરીશ.” અહોભાવથી યુવરાજે મહારાણા ના ચરણ સ્પર્શ કર્યા. “પિતાજી, આપ આ શું કહી રહ્યા છો? મેવાડની ગાદી મારે માટે તો શિવનિર્માલ્ય છે. આ ગાદી તો મુકુલની જ છે અને રહેશે. એ જ મેવાડનો ભાવિ મહારાણો છે. ગાદીની રક્ષા એ જ મારું કર્તવ્ય રહેશે. એ સિવાય મારે કાંઇજ જોઇતું નથી. હું કે રાઘવ મુકુલના હિતૈષી છીએ. દુશ્મન નહીં. મેં જે પ્રતિજ્ઞા લીધી છે એ હું પ્રાણાંતે પણ પાળીશ જ. આપ મુકુલને ગાદીપર બેસાડીને જ, રાજતિલક કરાવીને જ પ્રસ્થાન કરો.” “ચંડ, તે મહાન ત્યાગ કર્યો છે. તારું નામ મેવાડના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાશે. પુત્ર તેં કુળને ઉજાલ્યું છે. પરંતુ મેં એક જ ભૂલના લીધે મારી જીવનભરની યશપતાકા નષ્ટ કરી છે. મારી એ ભૂલનું કોઈ જ પ્રાયશ્ચિત નથી. એની સજા તો મારે અવશ્ય ભોગવવી જ પડશે. મેવાડના રાજ-સંરક્ષકનું પદ કંટકાકીર્ણ છે. એ ધારણ કરનારને દુઃખ વધારે અને સુખ કિંચિત્ મળે છે. યશ તો મળતો જ નથી. અપજશના ભાર તળે દબાઈ જવું પડે છે. યુવરાજ મેં તને મહા અન્યાય કર્યો છે.

યુવરાજે જોયું કે, પિતાજી પસ્તાવાની આગમાં શેકાઇને, દુઃખી થઈને એક ઉત્તમ માર્ગે જઈ રહ્યાં છે ત્યારે એમના મનને હળવું કરવું જોઈએ.

“પિતાજી, આપ જ્યારે ધર્મની રક્ષા કાજે પ્રાણની બાજી લગાવવા જેવું ઉત્તમ કાર્ય કરવા માટે પ્રસ્થાન કરી રહ્યા છો ત્યારે હું આપની જવાબદારી ઉઠાવી ને માત્ર પુત્રઋણ ચૂકવવાનો કિંચિત્ પ્રયાસ કરી રહ્યો છું. એમાં મને સફળતા મળશે તો હું માનીશ કે, મારો જન્મ સાર્થક થયો છે.” વિજયાદશમીના દિવસે મહારાણા લક્ષસિંહ સેના સાથે ચિત્તોડગઢમાંથી પ્રસ્થાન કરી ગયા. પ્રયાગ અને ગયાના સ્થળોએ જઈ એમણે લડત આપી. જય-પરાજયની હારમાળા ચાલી. સમય જતાં સમાચાર આવ્યા કે, ગયામાં એક મંદીરની રક્ષા કરવા માટે ખેલાયેલા સંગ્રામમાં મહારાણાજી વીરગતિ પામ્યાં છે.

આમ એક યશસ્વી મહારાણાના જીવનનું પૂર્ણવિરામ મૂકાઈ ગયું.