Guhilot dynasty and Maharana Pratap in Indian history - 17 books and stories free download online pdf in Gujarati

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 17

રાણા કુંભાજી

                 મેવાડની ગાદીપર એક એવો મહાન રાજવી ઈ.સ.1433માં બિરાજમાન થયો કે જેણે મેવાડને સુવર્ણયુગ આપ્યો.

રાણા કા ગર્જન  ગુંજ રહા, કુંભા કી ભૈરવ લલકારેં,

મારુત કી સાંય સાંય મેં હૈ, અરિદલ કી કાતિર ચિત્કારે,

એ હતા રાણા કુંભાજી ઉર્ફે કુંભકર્ણજી. તેઓ અદ્વિતીય વીર હતા. પ્રતાપી હતા. એ અલગ તરી આવતા પોતાના અપાર સંગીતશાસ્ત્રના જ્ઞાનને કારણે. સ્થાપત્ય કલાના તો વિશારદ હતા.

તેઓના સમયમાં ખેડૂતો સુખી હતા. વ્યાપારીઓ નિર્ભય હતા. વ્યાપારની ધોરીનસ જેવા વણઝારાઓને મેવાડ પ્રદેશમાં ક્યાંય કનડવા કોઈ હિંમત કરતું નહીં. કારીગરોને તો નિત નવાં સ્થાપત્ય બંધાવાથી ગુજરાતની ચિંતા જ રહી ન હતી.

 આશરે ૩૫ વર્ષ સુધી એક સફળ રાજવી તરીકે એમણે શાસન કર્યું. ઘણા વિજયો હાંસલ કર્યા. શિરોહીના રાવને હરાવી આબુ મેળવ્યું. શામખાં પાસેથી નાગૌર જીતી લીધું. રાવ જોધાજીને પરાજય સ્વીકારી મંડોવર આપી દેવું પડ્યું. ઘાઘરોન, નરાણા, અજમેર, મંદસૌર, બુંદી, ખાટ, ચાટ્સૂં, રણથંભોર, છેક ગુજરાતમાં આવેલું આણંદ વગેરે પ્રદેશોને તેમણે જીતી લીધા હતા. રાણા કુંભાજીએ ગુજરાત, માળવા અને નાગૌરના સુલતાનોને હરાવ્યા એ કંઈ જેવી તેવી સિદ્ધિ ન હતી. તેમણે માંડલગઢ, સારંગપુર, આમેર, હમીરપુરને પણ પોતાની સત્તા હેઠળ આણ્યા હતા.

 દિલ્હીનો અફઘાન શાસક પણ મેવાડપતિની ઉભરતી તાકાતથી શેહ ખાઈ ગયો. ગુજરાત અને માળવાના સુલતાનોએ રાણા કુંભાજીને હરાવવા સંયુક્ત સેના બનાવી સંગ્રામ આપ્યો પરંતુ તેમાં પણ રાણા કુંભાજી વિજય પામ્યા. માળવાના સુલતાન મહંમદ ખીલજીને ચિત્તોડગઢ લાવીને છ વર્ષ સુધી કેદમાં બંદીવાન બનાવીને પૂર્યા.

“અબ તો મોત કા ઈંતજાર કર રહા હું, યે રાણા મેરે સાથ સલૂક તો ભાઈ જૈસા રખતા હૈ લેકિન કેદ તો આખિર કેદ હી હૈ.” મહમદ શાહ નિરાશ થઈ ગયા.

એક દિવસે મહારાણા કુંભાજી હસતા હસતા કેદખાનામાં આવ્યા. “શાહ, હમ તુમ કો રિહા કરતે હૈ, કોઈ શર્ત લાદના નહીં ચાહતે.” માંડવાનરેશ મહંમદશાહે નવાઈ પામી કહ્યું, “રાણા કુંભા, યહ ખ્વાબ તો નહીં હૈ, અગર યે સચ હૈ તો મેં તુમ્હારા જીગરી દોસ્ત હું, મેરા યે વાદા હૈ કિ, મેવાડ કે રાણા કો જબ કભી મેરી દોસ્તી કી જરૂરત પડેગી મેં અપની જાન કી બાજી લગા દુંગા.” માળવાની યાદમાં જયસ્તંભ ચિત્તોડમાં બની ગયો હતો. એ જોઈને શાહ પણ ખુશ થયો. “રાણા, તુમ્હારી કીર્તિ આસમાન કો છૂ લે.” તેઓ કદરદાન પણ હતા. દુર્ગપતિ હાડા સરદારની અદ્વિતીય વીરતાથી ખુશ થઈને તેમણે એક રત્ન- જડિત તલવાર આપી. આ એજ તલવાર હતી જે માળવાના સુલતાન પાસેથી યુદ્ધના મેદાનમાં, યુદ્ધ ખેલતાં ખેલતાં આંચકી લીધી હતી.

દુર્ગપતિ હાડા સરદારતો ગળગળો થઈ ગયો. એણે તેજ ક્ષણે પ્રતિજ્ઞા કરી.” હું અને મારી આવતી પેઢી આ શમશેરનું પ્રાણના ભોગે રક્ષણ કરીશું.

સીસોદીયા રાણા તો ભગવાન એકલિંગજી ના પરમ ભક્ત હતા. પરંતુ રાણા કુંભા તો કૃષ્ણને પણ આરાધ્ય દેવ માનતા હતા. તેમણે જ ગોવિંદ શ્યામ નું પ્રખ્યાત મંદિર બંધાવ્યું.

 તેઓ માનતા. “રાજા ગમે તે ધર્મ પાળે, બધા ધર્મોને માં આપવાની તેની ફરજ છે. બધા ધર્મને માન આપવાની તેની ફરજ છે. રાજાએ સર્વધર્મ અને સર્વેજાતિ પ્રત્યે સમાન ભાવ રાખવો જોઈએ. અને એમની આ નીતિથી માળવાનો મહંમદશાહ તેમનો સાચો મિત્ર બની ગયો. માળવામાં તેરમી સદીમાં પરમારોની સત્તા અસ્ત પામ્યા પછી માળવાના શાસક તરીકે કુંભાજીએ મોહમ્મદશાહને સ્વીકારી લીધા હતા. મહારાણા કુંભાજીને દિલ્હીના અફઘાન બાદશાહ વિરુદ્ધ જંગ ખેલવા પડ્યો. આ મહાસંગ્રામ વેળા માળવાથી સુલતાન મંહમ્મદશાહ પોતાની સેના સાથે કુમકે આવી પહોંચ્યા.

“રાણાજી, યહ યુદ્ધ અબ મેરી આબરૂ કા સવાલ હૈ,” ઈતિહાસ નોંધે છે કે, આ યુદ્ધમાં મેવાડ જીત્યું એનું શ્રેય કુંભાજી કરતા મહંમદ શાહ ને વિશેષ હતો. જીવ સટોસટની લડાઈ ખેલી સુલતાને મિત્ર ઋણ અદા કર્યું. એક વેળાના કટ્ટર દુશ્મનો, કડવાશ વિનાના મિત્રો બની ગયા. ચિત્તોડગઢમાં નાગૌર ફાટક છે. ગુજરાતના બાદશાહ મુબારક શાહને ગિરફતાર કર્યા હતા તેની એ યાદગીરી.

 તેઓ એક સારા નિર્માણકર્તા પણ હતા. તેમણે કોમલમેર જેવાં ઘણાં ઉત્તમ કિલ્લાઓ બંધાવ્યા. પ્રસિદ્ધ કુંભલગઢ અને આબુ ઉપર આવેલો અચલગઢ એમણે જ બંધાવ્યા. કુંભશ્યામના મંદિરો એમણે ચિત્તોડગઢ અને આબુ ઉપર બંધાવ્યા. એવી જ રીતે શિરોહીના  વસંતિગઢ અને બદનૌર વૈરાટગઢની રચના પણ કુંભાજીને આભારી છે. ગઢચિત્તોડ સાત પ્રવેશદ્વાર અને બુરજની રચનાનો તેમણે ઉમેરો કર્યો. તેઓ મહાયોગી હતા. તેઓ કવિ પણ હતા. તેઓ સંગીતકાર તરીકે પણ સિદ્ધહસ્ત હતા. સંગીત પર તેમણે એક નહીં ચાર ચાર ગ્રંથો લખ્યા. આ ગ્રંથોમાં જબરજસ્ત તાકાત છે. એનો જો કાળજીપૂર્વક અભ્યાસ કરવામાં આવે તો સંગીતવિદ્યામાં આમૂલ પરિવર્તન આવી જાય. સંગીતરાજ, સંગીત-પરિચય, સૂડ પ્રબંધ, સંગીત રત્નાકર-ટીકા આ તેમના નામ છે. તેમને ચાર નાટક રચ્યા. ત્રણ સમાલોચના લખી. વળી શિલ્પશાસ્ત્ર પર પણ એક ગ્રંથ લખ્યો છે. આ બધાં પાસાંનો વિચાર કરીએ તો મહારાણા કુંભાને મેવાડના મહાન શાસક તરીકે મૂકી શકાય.

 મેવાડી કવિઓ એમને ભવ્ય અંજલિ આપતા કહે છે. “મહારાણા કુંભાએ સર્વાંગીક વિકસિત વ્યક્તિત્વ હતું. કુંભામા હમ્મીરદેવની શક્તિ હતી. લાખાજીનો કળાપ્રેમ હતો. જ્ઞાન મેળવી, એને સમજી, એનું ઉદ્વગમન કરી, કંઇક નવસર્જન કરવાની વિરલ શક્તિ તેમને પ્રાપ્ત હતી. જીવનમાં તેમણે જે  જે ક્ષેત્રમાં પદાર્પણ કર્યું. હંમેશા સફળ બન્યા. મેવાડની ગરીમાં ભારતના ઘરે-ઘરે ગુંજતી કરી.

જીવનના અંતિમ દિવસોમાં એ પાગલ બની ગયા હતા. ઇ.સ. 1468માં એમની હત્યા કરવામાં આવી. મહારાણા કુંભાજીએ પોતાના સિક્કા પણ પડાવ્યા હતા. જેના પર કુંભ, કર્ણ,  કુંભલમેર જેવા શબ્દો અંકિત કરવામાં આવતા.