Geetabodh - 15 - Last Part in Gujarati Fiction Stories by Mahatma Gandhi books and stories PDF | ગીતાબોઘ - 15 - છેલ્લો ભાગ

Featured Books
Share

ગીતાબોઘ - 15 - છેલ્લો ભાગ

અધ્યાય પંદરમો

મંગળપ્રભાત

શ્રી ભગવાન બોલ્યા : આ સંસારને બે રીતે જોવાય. એક આ : જેનું મૂળ ઊંચે છે, જેની શાખા નીચે છે, ને જેને વેદરૂપી પાંદડાં છે એવા પીપળારૂપે જે સંસારને જુએ છે તે વેદનો જાણકાર જ્ઞાની છે. બીજી રીત આ ચે : સંસારરૂપી વૃક્ષની શાખા ઉપર નીચે ફેલાયેલી છે; તેને ત્રણ ગુણોથી વૃદ્ધિ પામેલા વિષયરૂપી અંકુર છે, અને તે વિષયો જીવને મનુષ્યલોકમાં કર્મના બંધનમાં સપડાવે છે. નથી આ વૃક્ષનું સ્વરૂપ જાણી શકાતું, નથી તેને આરંભ, નથી અંત, નથી તેનું ઠેકાણું.

આ બીજા પ્રકારનું સંસારવૃક્ષ છે, તેણે જોકે મૂળ તો બરાબર ઘાલ્યું છે, છતાં તેને અસહકારરૂપી શસ્ત્ર વડે છેદવું, કે જેથી આત્મા તે લોકમાં જાય, કે જ્યાંથી તેને પાછા ફેરા ફરવાપણું ન રહે, અને એમ કરવા સારુ તે નિરંતર તે આદિપુરુષને ભજે, કે જેની માયા વડે આ પુરાણી પ્રવૃત્તિ ફેલાયેલી છે. જેઓએ માનમોહ છોડી દીધા છે, જેણે સંગદોષને જીતી લીધા છે, જે આત્મામાં લીન છે, જે વિષયોથી પરવાર્યા છે, જેને સપખદુઃખ સરખાં છે. તે જ્ઞાની અવ્યયપદને પામે છે.

તે સ્થળમાં નથી સૂર્યને કે ચંદ્રને કે અગ્નિને તેજ આપાવપણું હોતું નથી. જ્યાં ગયા પછી પાછા ફરવાપણું નથી, તે મારું પરમ સ્થાન છે.

જીવલોકમાં મારો સનાતન અંશ જીવરૂપે પ્રકૃતિમાં રહેલી મન સુધ્ધાં છ ઈન્દ્રિયોને આકર્ષે છે. જ્યારે જીવ દેહ ધારણ કરે છે ને તજે છે, ત્યારે જેમ વાયુ પોતાને સ્થળેથી ગંધોને સાથે લેતો ફરે છે, તેમ આ જીવ પણ ઈન્દ્રિયોને સાથે લેતો વિચરે છે. કાન, આંખ, ત્વચા, જીભ અને નાક તથા મન આટલાનો આશ્રય લઈને જીવ વિષયોને સેવે છે. ગતિ કરતા, સ્થિર રહેતા કે ભોગ ભોગવતા ગુણોવાળા આ જીવને મોહમાં પડેલા અજ્ઞાની ઓળખતા નથી. જ્ઞાની ઓળખે છે. યત્ન કરતા યોગીઓ પોતાને વિશે રહેલા આ જીવને ઓળખે છે. પણ જેણે સમ-ભાવરૂપી યોદને નથી સાધ્યો એવા યત્ન કરતા છતાં પણ તેને ઓળખતા નથી

સૂર્યનું તેજ જગતને પ્રકાશે છે, જે ચંદ્રમાં છે, અગ્નિમાં છે, તે બધાં મારાં તેજ જાણ. મારી શક્તિ વડે શરીરમાં પ્રવેશ કરી હું જીવોને ધારણ કરું છું. રસ ઉત્પન્ન કરનાર સોમ થઈ ઔષધિમાત્રનું પોષણ કરું છું. પ્રાણીઓના દેહને વિશે રહી, જઠરાગ્નિ થઈ, પ્રાણઅપાનવાયુને સરખા કરી, ચાર પ્રકારનું અન્ન પચાવું છું. બધાનાં હૃદયને વિશે હું રહેલો છું. મારા વડે જે સ્મૃતિ છે, જ્ઞાન છે, તેનો અભાવ છે. બધા વેદો વડે જાણવા યોગ્ય તે હું છું. વેદાંત પણ હું, વેદ જાણનાર પણ હું.

આ લોકમાં બે પુરુષો છે એમ કહેવાય : ક્ષર અને અક્ષર, એટલે નાશવંત અને નાશરહિત. આમાં જીવો ક્ષર કહેવાય, તેમાં સ્થિર રહેલ હું અક્ષર અને તેથી પણ પર એવો ઉત્તમ પુરુષ છે તે પરમાત્મા કહેવાય છે. તે અવ્યય ઈશ્વર ત્રણે લોકમાં પ્રવેશ કરી તેનું પાલન કરે છે તે પણ હું, તેથી હું ક્ષર અને અક્ષરથી પણ ઉત્તમ છું, અને લોકમાં વેદમાં પુરુષોત્તમરૂપે પ્રસિદ્ધ છું. આમ જે જ્ઞાની મને પુરુષોત્તમરૂપે ઓળખે છે તે બધું જાણે છે, ને મને બધા ભાવો વડે ભજે છે.

હે નિષ્પાપ અર્જુન, આ અતિગુહ્ય શાસ્ત્ર મેં તને કહ્યું છે. એ જાણીને મનુષ્ય બુદ્ધિમાન થાય છે ને પોતાના ધ્યેયને પહોંચે છે.

અધ્યાય સોળમો

યરોડામંદિર

મંગળપ્રભાત

શ્રી ભગવાન કહે છે : હવે હું તને ધર્મવૃત્તિ અને અધર્મવૃત્તિનો ભેદ બતાવું છું. ધર્મવૃત્તિ વિશે તો હું આગળ બહુ કહી ગયો છું, તોયે તોનાં લક્ષણ કહી જાઉં. જેનામાં ધર્મવૃત્તિ હોય તેનામાં નિર્ભયતા, અંતૃકરણની શુદ્ધિ, જ્ઞાન, સમતા, ઈન્દ્રિયદમન, દાન, યજ્ઞ, શસ્ત્રોનો અભ્યાસ, તપ, સરળતા, અહિંસા, સત્‌., અક્રોધ, ત્યાગ, શાંતિ, કોઈની ચાડી નખાવી એટલે અપૈશુન, ભૂતમાત્રને વિશે દયા, એલોલુપતા, કોમળતા, મર્યાદા, અચંચલતા, તેજ, ક્ષમા, ધીરજ, અંતરની ને બહારની ચોખ્ખાઈ, અદ્રોહ, અને નિરાભિમાનતા હોય.

જેનામાં અધર્મવૃત્તિ છે તેનામાં દંભ, દર્પ, અભિમાન, ક્રોધ, કઠોરતા અને અ૫ાન જોવામાં આવશે.

ધર્મવૃત્તિ મનુષ્યને મોક્ષ તરફ લઈ જાય છે. અધર્મવૃત્તિ તેને બંધનમાં નાખે છે.

હે અર્જુન, તું તો ધર્મવૃત્તિ લઈને જ જન્મ્યો છે. અધર્મવૃત્તિનો થોડો વિસ્તાર કરું, જેથી તેનો ત્યાગ સહેજે લોકો કરે.

અધર્મવૃત્તિવાળા પ્રવત્તિ અને નિવૃત્તિનો ભેદ જાણતા નથી. તેને શુદ્ધઅશુદ્ધનું કે સત્યાસત્યનું ભાન નથી હોતું, તેના વર્તનનું તો પછી ઠેકાણું જ ક્યાંથી હોય ? તેને મન જગત જૂઠું પાયા વિનાનું છે, જગતનો કોઈ નિયંતા નથી, સ્ત્રીપુરુષનો સંબંધ એ એનું જગત, એટલે એમાં વિષયભોગ સિવાય બીજો વિચાર જ ન મળે.

આવી વૃત્તિવાળાંનાં કામ ભયાનક હોય, તેની મતિ મંદ હોય, આવા લોકો પોતાના દુષ્ટ વિચારોને પકડી રાખે છે, ને જગતના નાશને સારુ જ તેની બધી પ્રવૃત્તિઓ હોય છે. એની કામનાઓનો અંત જ ન આવે, તેઓ દંભ, માન, મદમાં તણાયા રહે છે.

આમ હોઈને તેઓની ચિંતાનો પણ પાર નથી હોતો, તેને નિત્ય નવા ભોગ જોઈએ, સેંકડો આશાના ગઢ ચણે, અને પોતાની કામના પોષવા ,ારુ દ્રવ્ય એકઠું કરવામાં ન્યાયઅન્યાયનો બેદ રાખે જ નહીં.

‘આજે આ મેળવ્યું, કાલે આ બીજું મેળવીશ, આ શત્રુને આજે માર્યો, વળી બીજાને મારીશ, હું બળવાન છું, મારી પાસે રિદ્ધિસિદ્ધિ છે, મારા જેવો બીજો કોણ, કીર્તિ મેળવવા યજ્ઞો કરીશ, દાન દઈશ, ને મોજ માણીશ.’ આમ મનમાં ને મનમાં તેઓ મલકાયા કરે છે, અને છેવટે મોહજાળમાં ફસાઈને નરકવાસ કરે છે.

આવા આસુરી લોકો પોતાના ઘમંડમાં રહી પરનિંદા કરતા થકી સર્વવ્યાપક ઈશ્વરનો દ્વેષ કરે છે, અને તેથી તે વારંવાર આસુરી યોનિમાં જન્મ્યા કરે છે.

નરકના અને આત્માનો નાશ કરનારા આ ત્રણ દરવાજા છે : કામ, ક્રોધ ને લાભ. આ ત્રણેનો બધાએ ત્યાગ કરવો જોઈએ. તેનો ત્યાગ કરનારા કલ્યાણમાર્ગો જનારા હોય છે, ને તેઓ પરમગતિ પામે છે.

જેઓ અનાદિ સિદ્ધાંતોરૂપી શાસ્ત્રનો ત્યાગ કરી સ્વેચ્છાએ ભોગમાં પડ્યા રહે છે. તેઓ નથી સુખ મેળવતા, ને નથી કલ્યાણમાર્ગમાં રહેલી શાંતિ મેળવતા. તેથી કાર્યઅકાર્યનો નિર્ણય કરવામાં તારે અનુભવીઓ પાસેથી અચલ સિદ્ધાંતો જાણી લેવા, ને તેને અનુસરીને આચારવિચાર બાંધવા.

 

અધ્યાય સત્તરમો

યરોડામંદિર

અર્જુન પૂછે છે : જેઓ શિષ્ટાચાર છોડીને પણ શ્રદ્ધાપૂર્વક સેવા કરે છે, તેની ગતિ કેવી થાય છે ?

ભગવાન ઉત્તર આપે છે : શ્રદ્ધા ત્રણ પ્રકારની હોય. સાત્ત્વિક, રાજસી કે તામસી. જેવી જેની શ્રદ્ધા તેવો મનુષ્ય થાય છે.

સાત્ત્વિક મનુષ્ય દેવને, રાજસ યક્ષરાક્ષસને અને તામસ ભૂતપ્રેતને ભજે છે.

પણ કોઈની શ્રદ્ધા કેવી છે એ એકાએક જાણી શકાતું નથી. તેનો આહાર કેવો, તેનું તપ કેવું, યજ્ઞ કેવ, દાન કેવું એ જાણવું જોઈએ, અને તે બધાના પણ ત્રમ પ્રકાર છે એ તને કહી જાઉં.

જે આહારથી આયુ, નિર્મળતા, બળ, આરોગ્ય, સુખ અને રુચિ વધે તે આહાર સાત્ત્વિક કહેવાય. જે તીખો, ખાટો તમતમો, ગરમ હોય તે રાજસ છે, તે તેથી દુઃખ ને રોગ પેદા થાય છે. જે રાંધેલો આહાર વાસી હોય, ગંધાતો હોય, એઠો હોય, બીજી રીતે અપવિત્ર હોય તે તામસ જાણવો.

જે યજ્ઞ કરવામાં ફળની ઈચ્છા નથી, જે કર્તવ્યરૂપે તન્મયતાથી થાય તે સાત્ત્વિક ગણાય. જેમાં ફળની આશા છે, વળી દેભ પણ છે એ રાજસ યજ્ઞ જાણવો. જેને વિશે કશો વિધિ નથી, કંઈ ઉત્પન્ન નથી, કશા મંત્ર નથી, કશો ત્યાગ નથી એ યજ્ઞ તામસ છે.

જેમાં સંતોની પૂજા છે, પવિત્રતા છે, બ્રહ્મચર્ય, અહિંસા છે, તે શારીરિક તપ છે. સત્ય, પ્રિય, હિતકર વચન અને ધર્મગ્રંથનો અભ્યાસ એ વાચિક તપ છે. મનની પ્રસન્નતા, સામ્યતા, માન, સંયમ, શુદ્ધ ભાવના એ માનસિક તપ કહેવાય. આવું શારીરિક, વાચિક ને માનસિક તપ જે સમભાવથી ફલેચ્છાનો ત્યાગ કરીને કરે તે સાત્ત્વિક તપ કહેવાય. જે તપ માનની આશાએ દંભપૂર્વક કરવામાં આવે તે રાજસ જાણવું, અને જે તપ પીડાઈને દુરાગ્રહથી કે પારકાના નાશ અર્થે કરવામાં આવે, જેમાં શરીરમાં રહેલા આત્માને નિરર્થક ક્લેશ થાય તે તપ તામસ છે. દેવું જોઈે તેથી દીધેલું, ફલેચ્છા વિનાનું, દેશકાળપાત્ર જોઈને દીધેલું દાન સાત્ત્વિક છે. જેમાં બદલાની આશા છે, ને જે દેતાં સંકોચ છે તે દાન રાજસ છે. દેશકાળાદિનો વિચાર કર્યા વિના તુચ્છકારીને કે માન વિના આપેલું દાન તે તામસ છે.

વેદોએ બ્રહ્મનું વર્ણન ઓમ્‌તત્સત્‌રૂપે કર્યું છે, અને તેથી શ્રદ્ધાળુ યજ્ઞદાનતપ આદિ ક્રિયા એનું ઉચ્ચારણ કરીને કરે. ઓમ્‌ એટલે એકાક્ષરી બ્રહ્મ. તત્‌ એટલે તે. સત્‌ એટલે સત્ય કલ્યાણરૂપ. એટલે કે ઈશ્વર એક છે, એ જ છે, એ જ સત્ય છે, એ જ કલ્યાણ કરનાર છે, એવી ભાવના રાખીને અને ઈશ્વરાર્પણ બુદ્ધિથી જે યજ્ઞાદિ કરે છે તેની શ્રદ્ધા સાત્ત્વિકી છે, ને તે શિષ્ટાચારને ન જાણવાને કારણે કે જાણતા છતાં ઈશ્વરાર્પણબુદ્ધિથી તેથી કંઈ ભિન્ન કરે છે છતાં તે દોષરહિત છે.

પણ જે ક્રિયા ઈશ્વરાર્પણબુદ્ધિ વિના થાય છે તે શ્રદ્ધા વિનાની ગણાય, તે અસત્‌ છે.

અધ્યાય અઢારમો

યરોડામંદિર

આગલા સોળ અધ્યાયનું મનન કર્યા બાદ અર્જુનના મનમાં હજુ શંકા રહે છે; કેમ કે ગીતાનો સંન્યાસ તેને પ્રચલિત સંન્યાસથી નોખો લાગે છે. ત્યાગ અને સંન્યાસ એ બે નોખી વસ્તુ છે શું ?

આશંકાનું નિવારણ કરતાં ભગવાન આ છેલ્લા અધ્યાયમાં ગીતાસિક્ષણનું દોહન આપી દે છે.

કેટલાંક કર્મમાં કામના ભરી હોય; અનેક પ્રકારની ઈચ્છા પૂરવા સારુ અને ક ઉદ્યમો માણસ રચે છે : આ કામ્ય કર્મ. બીજાં આવશ્યક અને સ્વાભાવિક કર્મ છે, જેવાં કે શ્વાસોચ્છ્‌વાસ લેવા, દેહની રક્ષા પૂરતું ખાવું, પીવું, પહેરવું, બેસવું ઈ. અને ત્રીજું કર્મ તે પરમાર્થિક. આમાંથી કામ્ય કર્મનો ત્યાગ તે ગીતાનો સંન્યાસ, અને કર્મમાત્રના ફળનો ત્યાગ તે ગીતામાન્ય ત્યાગ.

કર્મમાત્રમાં થોડો દોષ તો રહ્યો જ છે એમ ભલે કહેવાય. તોયે યજ્ઞાર્થે એટલે પરોપકારાર્થે કરવાનાં કર્મોનો ત્યાગ ન હોય. યજ્ઞમાં દાન અને તપ આવી જાય છે. પણ પરમાર્થને વિશે પણ આસક્તિ, મોહ ન હોવાં જોઈએ, નહીં તો તેમાં ખોટું ભળવાનો સંભવ છે.

મોહને વશ થઈ નિય કર્મનો ત્યાગ તે તામસ છે. દેહને કષ્ટ થાય એવું સમજી કરેલો ત્યાગ રાજસ છે. પણ સેવાકાર્ય કરવું જોઈએ એવી ભાવનાથી ફળેચ્છા વિના થાય તે જ ખરો સાત્ત્વિક ત્યાગ છે. એટલે આ ત્યાગમાં કર્મમાત્રનો ત્યાગ નથી. પણ કર્તવ્ય કર્મના ફળનો ત્યાગ છે, એટલે બીજાં એટલે કામ્ય કર્મનો તો ત્યાગ છે જ. આવા ત્યાગીને શંકાઓ ઊઠે નહીં. તેની ભાવના શુદ્ધ હોય, ને તે સગવડ-અગવડનો વિચાર કરે નહીં.

કર્મફળત્યાગ જે નથી કરતા તેને તો સારાં માઠાં ફળ ભોગવવાં જ પડે છે, ને તેથી તે બંધનમાં રહ્યા કરે છે. જેણે ફળત્યાગ કર્યો છે તે બંધનમુક્ત થાય છે.

અને કર્મને વિશે મોહ શો ? પોતે જ કર્તા છે એવું અભિમાન મિથ્યા છે. કર્મમાત્રની સિધ્ધિમાં પાંચ કારણો હોય છે : સ્થાન, કર્તા, સાધનો, ક્રિયાઓ, અને તે બધું થયા છતાં છેવટે દેવ.

આમ જાણીને મનુષ્યે અભિમાન છોડવું ઘટે, ને જે હુંપણું છોડીને કંઈ પણ કરે છે તે કરતો છતાં નથી કરતો એમ કહી શકાય; કેમ કે તેને તે કર્મ બાંધતું નથી. આવા નિરાભમાન શૂન્યવત્‌ થયેલ મનુષ્યને વિશે એમ કહી શકાય કે, તે હણતો છતાં હણતો નથી. એનો અર્થ એવો ન તાય છે, કોઈ પણ મનુષ્ય શૂન્યવત્‌ હોવા છતાં હિંસા કરે ને અલિપ્ત રહે; કેમ કે નિરાભિમાનને હિંસા કરવાનું પ્રયોજન જ ન હોય.

કર્મની પ્રેરણામાં ત્રણ વસ્તુ હોય છે : જ્ઞાન, ધ્યેય અને પરિજ્ઞાતા. અને તેનાં અંગ ત્રણ હોય છે : ઈન્દ્રિયો, ક્રિયા ને કર્તા. કરવાનું શું તે જ્ઞેય,તેની રીત તે જ્ઞાન અને જાણનાર તે પરિજ્ઞાતા. આમ પ્રેરણા થયા પછી કર્મ થાય છે તેમાં ઈન્દ્રિયો કરણ હોય છે, કરવાનું તે ક્રિયા, ને તેનો કરનારો તે કર્તા. આમ વિચારમાંથી આચાર થાય છે. જેથી આપણે પ્રાણીમાત્રમાં એક જ ભાવ જોઈએ, એટલે કે બધું જુદું જુદું લાગતાં છતાં ઊંડે ઊતરીએ તો એક જ ભાસે તે સાત્વિક જ્ઞાન.

તેથી ઊલટું, જે જુદું દેખાય છે તે જુદું જ લાગે છે તે રાજસ જ્ઞાન.

અને જ્યાં કંઈ ખબર જ નથી પડતી ને બધું કારણ વિના ભેળસેળ લાગે તે તામસ જ્ઞાન.

જેમ જ્ઞાનના વિભાગ પડી શકે છે તેમ જ કર્મને વિશે જ્યાં ફલેચ્છા નથી, રાગદ્વેષ નથી તે કર્મ સાત્વિક. જ્યાં ભોગની ઈચ્છા છે, જ્યાં હું કરું છું એવું અભિમાન છે ને તેથી ધાંધલ છે તે રાજસ કર્મ. જ્યાં નથી પરિણામનો, નથી

આમ વસ્તુમાત્રના ત્રણ ભાગ પાડી શકાય. બ્રાહ્મણાદિ ચાર વર્ણ પણ આ ત્રણ ગુણોના ઓછાવત્તાપણાને લીધે પડ્યા છે. બ્રાહ્મણના કર્મમાં શમ, દમ, તપ, શૌચ, તેજ ધૃતિ, દક્ષતા, યુદ્ધમાં આસ્તિકતા હોવાં જોઈએ. ક્ષત્રિયમાં શૌર્ય, તેજ, ધૃતિ, દક્ષતા, યુદ્ધમાં પાછા ન હઠવું, દાન, રાજ્યલાવવાની શક્તિ હોવાં જોઈએ. ખેતી, ગોરક્ષા ને વેપાર તે વૈશ્યનું કર્મ છે. શૂદ્રનું સેવા. આનો અર્થ એવો નથી કે, એકબીજાના ગુણ એકબીજામાં ન જ હોય. અથવા એ ગુણો કેળવવાનો અધિકાર નથી. પણ ઉપર પ્રમાણે ગુણથી કે કર્મથી તે તે વર્ણની ઓળખ પડી શકે છે. જો પ્રત્યેક વર્ણના ગુણકર્મ ઓળખાય તો એકબીજા વચ્ચે દ્વેષભાવ ન થાય ન હાનિકારક હરીફાઈઓ ન થાય. અહીં ઊંચનીચની ભાવનાને સ્થાન જ નથી. પણ સહુ પોતાના સ્વભાવ પ્રમાણે નિષ્કામપણે પોતાનાં કર્મો કર્યા તો તે કર્મ કરતાં મોક્ષના અધિકારી થાય છે. તેથી જ કહ્યું છે કે, પરધર્મ ભલે સહેલો લાગતો હોય, ને સ્વધર્મ માલ વિનાનો લાગતો હોય, તોપણ સ્વધર્મ સારો છે. સ્વભાવજન્ય કર્મમાં પાપ ન હોય એ સંભવે, કેમ કે તેમાં જ નિષ્કામતા સચવાય, બીજું કરવાની ઈચ્છા કરવામાં કરવામાં જ કામના આવી જાય છે. જાય છે. બાકી અગ્નિમાત્રમાં ધુમાડો છે તેમ કર્મમાત્રમાં દોષ તો છે જ. પણ સહજપ્રાપ્ત કર્મ ફલેચ્છા વિના થાય, એટલે કર્મનો દોષ ન લાગે.

અને આ પ્રમાણે જે સ્વધર્મ પાળતો શુદ્ધ થયેલ છે, જેણે મનને વશ રાખ્યું છે, જેણે પાંચ વિષયોને છોડ્‌ છે, જેણે રાગદ્વેષ જીત્યા છે, જે એકાંતસેવી અટલે કે અંતર્ધાન રહી શકે છે, જે અલ્પાહાર કરી મનવચનકાયાને અંકુશમાં રાખે છે, ઈશ્વરધ્યાન જેને નિરંતર રહ્યા કરે છે, જેણે અહંકાર, કામ, ક્રોધ, પરિગ્રહ ઈત્યાદિ ત્યજ્યાં છે, તે શાંત યોગી બ્રહ્મભાવને પામવા યોગ્ય છે. આવો મનુષ્ય બધા પ્રત્યે સમભાવથી રહે છે ને હર્ષશોક નથી કરતો. આવો ભક્ત ઈશ્વરતત્ત્વ યથાર્થ જાણે છે. અને ઈશ્વરમાં લીન થાય છે. આમ જે ભગવાનનો આશ્રય લે છે તે અમૃતપદ પામે છે. તેથી ભગવાન કહે છે : બધું મને અર્પણ કર, મારામાં પરાયણ થી, અને વિવેકબુદ્ધિનો આશ્રય લઈ મારામાં ચિત્ત પરોવી દે. એમ કરીશ તો બધી વિટેબણાઓ વટી જશે, પણ જો હુંપદ રાખી મારું સાંભળશે નહીં તો વિનાશ પામશે. સો વાતની એક વાત તો એ છે કે, બધી ભાંજગડનો ત્યાગ કરી મારું જ શરણ લે, એટલે તું પાપમુક્ત થઈશ. જે તપસ્વી નથી, જે ભક્ત નથી, જેને સાંભળવાની ઈચ્છા નથી અને જે મારો દ્વેષ કરે છે તેને આ જ્ઞાન ન કહેતો. પણ આ પરમગુહ્ય જે મારા ભક્તોને આપશે, તે મારી ભક્તિ કરવાથી અવશ્ય મને પામશે.

અંતમાં સંજય ધૃતરાષ્ટ્રને કહે છે છ ‘જ્યાં યોગેશ્વર કૃષ્ણ છે, જ્યાં ધુનર્ધારી પાર્થ છે, ત્યાં શ્રી છે, વિજય છે, વૈભવ છે, અને અવિચળ નીતિ છે.’

અહીં કૃષ્ણને યોગેશ્વર વિશેષણ લગાડ્યું છે, તેથી તેનો શાશ્વત અર્થ શુદ્ધ અનુભવ જ્ઞાન, અને ધનુર્ધારી પાર્થ કહીને એમ સૂચવ્યું કે, જ્યાં એવા અનુભવસિદ્ધ જ્ઞાનને અનુસરનારી ક્રિયા છે, ત્યાં પરમ નીતિની અવરોધી એવી મનકામના સિદ્ધ થાય છે.