DHULO TO HARKHPADUDO (DTH) - 14 in Gujarati Fiction Stories by ગિરીશ ભવાનજી મેઘાણી books and stories PDF | ધૂલો તો હરખપદૂડો (DTH) - 14

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

Categories
Share

ધૂલો તો હરખપદૂડો (DTH) - 14

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૧૪


આપણે જોયું કે પોતાના મિત્ર વર્તુળની માસિક શનિવારીય બેઠક જે ભાવલા ભૂસ્કાને ઘરે ગોઠવાઈ હતી. એમાં ભાવલાએ ગ્રુપ વિડિયો કોલ કર્યો જેમાં બૈજુ બાવરીના ફોન પર ઝઘડાના અવાજો સંભળાયા. મયુરીઓ કળાકાર અને બૈજુ બાવરી મુસીબતમાં હોવા છતાં મહિલાઓ મોજથી જમતી હોવાથી ભાવલાએ પ્રશ્નાર્થ ઠપકો આપ્યો. હવે આગળ...


લેડિઝ વિંગ મીજબાનીની જિયાફત માણતી હતી. સતત હસી મજાકની છોળ ઊડી રહી હતી. એટલે ભાવલાથી રહેવાયુ નહીં. એણે ભૂસ્કો લગાવ્યો, "આ તમને લોકોને શરમ જેવું કાંઈ છે કે નહીં? અહીં આપણાં મિત્રોની ખબર નથી મળી રહી. આપણે સૌએ મોટા ઝઘડાના અવાજ, મયુરીઆની ચીસ વગેરે સાંભળ્યું તો પણ તમારો પાર્ટી મૂડ બદલાયો નથી? શું આપણાં મિત્રોની ખેર ખબર, પૂછપરછ એકદમ ક્ષુલ્લક બાબત છે? શું આપણી દોસ્તી એટલે ફક્ત ખાણીપીણી માત્ર?"


એક ક્ષણ માટે સોપો પડી ગયો. પણ જવાબમાં હિરકી હણહણાટએ સામે ઘૂરકી, "એ ભાવલા બોલતા પહેલાં વિચાર કર. તું અમને સમજે શું છે? તારા ભાઈએ એમની ભાળ મેળવી લીધી છે. સમજ્યો?" જોકે હિરકીનો આ ઠપકો કમ ખુલાસો સાંભળી સૌ મૂકલા મુસળધાર તરફ ફર્યા.


ચૂપચાપ તમાશો જોઈ રહેલ મૂકલાએ મલકાટ કર્યો. કેતલો કીમિયાગાર ક્રોધાવિષ્ટ થઈ ગયો, "મૂકલા, આ શું નવુ નાટક છે? દરેક વાતમાં મજાક સારી નહીં. ફટાફટ ફાટ હવે..."


મૂકલાએ પ્રસ્થાપિત ધરપત આપતી મુદ્રા બતાવી સૌને શાંત રહેવા આદેશ આપ્યો. એની વાત બધાં સંપૂર્ણ નિષ્ઠાથી માનતા પણ ખરાં. એના પ્રત્યેક બયાન માટે સૌ એની સાથે સહમત રહેતા. આ જ કારણ હતું કે આ મિત્ર વર્ગ એક યુનિટ તરીકે સતત જોડાયેલો રહેતો. ઝાઝા રસોઈયા ભોજન બગાડે એમ આ ગ્રુપમાં એકલા મૂકલાની ખિચડી સીઝતી.


એણે પિતલીને એણે રેકોર્ડ કરેલો કોલ સૌને સાંભળાવવા કહ્યુ. હવે સૌએ એકાગ્ર થઈ એક ચિત્તે એ રેકોર્ડેડ સંદેશ રિપીટ થયે સાંભળવા માટે કાન સરવા કર્યા. જેવી એ એક વાર વાગી ગઈ એણે હાથની આંગળીઓના ઇશારે એને પિતલી પલટવાર પાસે ફરી ફરી પ્લે કરાવી.


એણે બધાંને ઉદ્દેશીને મૂકલા મુસળધાર ઉકેલ બદ્દલ ફોડ પાડી. એ બોલ્યો, "જો તમે સૌએ આ રેકોર્ડેડ સંદેશ ધ્યાનથી સાંભળ્યો હોય તો એક રિંગ વાગ્યા બાદ આ પ્રિરેકોર્ડેડ મેસેજ વાગે છે." એણે આ જાહેરાત બાદ બધાંની આંખોમાં કુતુહલપૂર્વક જોયુ.


એણે વાતનું અનુસંધાન સાંધ્યુ, "જો મયુરીઆ કળાકારનો ફોન ખરેખર આઉટ ઓફ રેન્જ હોય તો રિંગ કેમ વાગે! અને જો બૈજુ બાવરીનો ફોન સ્વીચ્ડ ઓફ હોય તો રિંગ કેવી રીતે રણકે! ટૂંકમાં આ મયુરીઆની કળા હોવી જોઈએ." એ થોભ્યો. એણે જોયુ તો સૌ એની વાતની દલીલ સાથે સહમત હતાં.


એ આગળ વધ્યો, "એટલે આ મયુરીઆ કળાકારે, આપણી ઊંઘ હરામ કરવા અને આપણી શનિવારીય બેઠક બગાડવા માટે રચેલો પેંતરો હોવો જોઈએ."


ધૂલાએ ટાપસી પૂરાવી, "તારી વાત તો સાચી લાગે છે પણ આ ફક્ત એક લોજિકલ તુક્કો છે કે કોઈ તથ્ય છે આની પાછળ?"


મૂકલા મુસળધાર થયો, "તથ્ય. મને સૌ પ્રથમ શંકા એ આવી કે આ સંતાલી ભાષા કોઈ રાજ્યની ભાષા નથી તો આ પ્રિરેકોર્ડેડ મેસેજ સંતાલી ભાષામાં કેમ! વળી સર્ચ એન્જિન પર તપાસ કરતા ખબર પડી કે ઝારખંડ રાજ્યના કોઈ મિમિક્રી કલાકારે જાહેરાત સંદેશ વિશે કોઈ પ્રોગ્રામ અંતર્ગત સ્ટેન્ડ અપ કોમેડી વિડિયો અપલોડ કર્યો હતો. આપણા મોરલાએ કળા કરવા આ ક્લિપના ઓડિયો સાઉન્ડ ટ્રેકની કોલર ટ્યૂન બનાવી લીધી. એટલે એની રિંગ વાગે તો આપણને આ કોલર ટ્યૂન સંભળાય. આ ઉપરાંત એને આછી પાતળી ખાતરી હશે કે આપણે સૌ ભેગા થઈએ એટલે એમને મીસ કરશું. અને એમને વિડિયો કોલ કરશું એટલે બૈજુ બાવરીનો ફોન અંધકારમાં રાખી આપણને અંધકારમાં રાખ્યાં. એણે બનાવટી ઝઘડાની ટેપ પણ તૈયાર રાખી જ હશે અને અંતમાં પોતે બનાવટી ચીસ પાડીને કોલ કાપી નાખ્યો. આ એની કળા, કારીગરી છે. માટે બધાં એન્જોય કરો."


જેવી મૂકલાની વાત સમાપ્ત થઈ ધૂલાએ સર્જીકલ સ્ટ્રાઇક કરી, "ઈશુ, માલપૂઆનું બાઉલ લાવજે અહીં." અને સૌ હસી પડ્યાં. પણ સોનકીએ સણસણાટ કર્યો, "આપણને અકારણ ટેન્શન આપીને આપણી શનિવારીય બેઠકની મજા બગાડી, એમને તો બરાબર સીધા કરવા પડશે."


આ સાંભળીને ભાવલાએ ભૂસ્કો લગાવ્યો, "અમને કારણ વગર આજની બેઠક કેન્સલ થઈ છે એવું ટેન્શન આપનાર નરાધમોને પણ સીધા કરવા પડશે. મને અકારણ વર્ધમાન ચોક સુધી ગાડી લઈને દોડાવવાવાળાને પણ સીધા કરવા પડશે. હા કે ના?" અને અચાનક અમિતભાઈનો અધુરો લગ્નોત્સ યાદ આવી જતાં સધકી સંધિવાત રડવા બેઠી.


આ સધકી સંધિવાતનો માસીયાઈ અમિતભાઈ એક અરસા પહેલાં જ કુંવારા પદમાંથી પદોન્નતિ કરી વાંઢા કલ્બનો સદસ્ય બન્યો હતો. જેમ એલઆઇસીના એજન્ટ કરોડપતિ કલબમાં દાખલ થયાં બાદ એ કલ્બની મેમ્બરશિપ જાળવી રાખવા મહેનત કરે એમ આ આમિત એક વાર વાંઢા કલ્બનો મેમ્બર બની ગયા બાદ હજી સુધી અડીખમ ઊભો, એટલે કે બેઠો હતો.


જોકે એની આશા નિરાશામાં પલટાઈ ગઈ હતી અને એની જિંદગી એક પૈડાની સાઇકલ તરીકે વટલાઈ ગઈ હતી. ટૂંકમાં એ પીપળાનું પાકટ પિતાંબર રંગી પાન બની ચૂક્યો હતો. એટલે એની લગ્ન નામનો લાડુ ખાવાની ઈચ્છા શ્રીજી શરણ થઈ ગઈ હતી. તો પણ એને ઘોડી પર ચડાવીને એના વરઘોડામાં આખી શેરીમાં રાસડા લેવાની એની માતાની અભિલાષા વધુ તીવ્ર બનતી જતી હતી.


જેમ જેમ એની ઉમર વધતી જતી એમ એને પરણાવવાની મહેચ્છા ઉકરડાની જેમ કદાવર અને બળવત્તર બનતી જતી હતી. જોકે શરૂઆતમાં ફક્ત એમની જ્ઞાતિની, ગોરી, રૂપાળી, ખાનદાની, સંસ્કારી, દોષમુક્ત કૂંડળીવાળી ગુણવાન કન્યા જોઈતી હતી. પણ પરિવર્તન સંસારનો નિયમ છે એ જ્ઞાન મુજબ એમણે એક એક શરતમાં સબસિડી જાહેર કરી, હવે ફક્ત કન્યા જોઈતી હતી. હવે એમણે જ્ઞાતિ, ઉમર, કદ, રૂપ-રંગ, ભાષા, પ્રાંત, ખાનદાન, જેવા રૂઢિચુસ્ત જૂના વિચારોમાંથી મુક્તિ પ્રાપ્ત કરી લીધી હતી.


અમિતની કુંડળી એ એટલો વિકાસ સાધી લીધો હતો હવે બધા વક્રી થયેલા ગ્રહો સીધા થઈ, શાંત ઘરોમાં ગોઠવાઈ ગયા હતા. એમની ઉદારતાની સીમા સીમાંકન પાર કરી નિર્દોષ છુટાછેડા લીધેલ સંસ્કારી વધૂ પણ ચાલે એ વિશાળતા સુધી પહોંચી ગઈ હતી.


વહુ પણ હિતાય ને વાંઢો સુખાય ।।।


એમણે આ વિક્ષેપ લક્ષ્યાંક સિધ્ધ કરવા લગ્નોત્સુક જાહેરાતોમાં 'કન્યા જોઈએ છે' ને બદલે 'વધૂ જોઈએ છે' એમ છપાવવા શરૂઆત કરી હતી. વધૂ લખવાથી શક્યતાઓ વધુ થઈ જાય એવી આશાથી. આવા આ માસીને સાથ આપવા, અમિતને ઠેકાણે પાડવાનું બીડું સધકીએ ઝડપભેર ઝડપ્યું હતું.


એણે 'કૌન બનેગા પતિ' નો પ્રથમ પડાવ કરીને અમિતને સ્પર્ધક બનાવી દીધો હતો. પણ એ રેખા રૂપી હોટ સીટને પામવા 'ફોરેન ફિંગર ફાસ્ટેસ્ટ' ની રમતમાં મૂકેશકુમાર નામના ડોલરીયા પ્રતિસ્પર્ધીએ એને માત આપી દીધી હતી. એટલે સધકીએ સૌને એના અમિતભાઈ માટે યોગ્ય ઠેકાણુ શોધવા વિનંતી કરી. એમાં પણ કેતલા કીમીયાગારને બિઝનેસ દેખાયો. એટલે એ આ ચેલેન્જ એક મહિનામાં પૂર્ણ કરવા કટિબદ્ધ થઈ ગયો. એણે જાહેરાત કરી દીધી કે આવતી શનિવારીય બેઠક પહેલાં આ અમિતભાઈના માથા પર તથા હાથમાં મહેંદી તથા ગાલ પર પીઠી ચોળાઈ ગઈ હશે અને ભાવલાએ ભાલ કૂટ્યુ.


શું આ કેતલા કીમિયાગારનો કોઈ કીમિયો કામ કરી જશે? મયુરીઆની કળા બદલ મૂકલાએ કરેલ પૃથક્કરણ સાચુ પડશે? સધકીએ લીધેલ પ્રણ પરાકાષ્ઠાએ પહોંચી શકશે? આપના દરેક સવાલનો જવાબ અચૂક મળશે, ફક્ત જોડે રહેજો. આભાર (ક્રમશ...).


લેખક: ગિરીશ ભવાનજી મેઘાણી (GBMSIR).