Guhilot Dynasty and Maharana Pratap in Indian History - 33 books and stories free download online pdf in Gujarati

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 33

 

દૂરંદેશી મહારાણા ઉદયસિંહ

                                            

         ઈ. સ. ૧૫૪૦ની સાલ હતી. કુંભલગઢ મેવાડનો સૌથી ઊંચો અને મજબૂત ગઢ એના કિલ્લેદાર હતા. આશાશાહ ઉર્ફે આશાદેપુરા.

તેઓના અધ્યક્ષપદે  કુંભલગઢમાં એક મંત્રણાસભા યોજાઈ. આજે સ્વામીભક્ત,રાષ્ટ્રભક્ત અને નીતિને વરેલા મેવાડના શાણા સરદારો ભેગા થવાના હતા. કારણકે આજે મેવાડનું ભાવિ નક્કી થવાનું હતું.

આજે મેવાડના જુલ્મી મહારાણા વનવીરનો સિતારો અસ્ત થવાની તૈયારી કરતો હતો. એના તકદીરનો ફેસલો થવાનો હતો.

   મહારાણા સંગ્રામસિંહના વડીલબંધુ પૃથ્વીરાજનો પુત્ર વનવીર જ્યારે મેવાડનો મહારાણો બન્યો ત્યારે સૌ એ વિક્રમાજીતના કાયર શાસનથી છૂટયાનો અનુભવ કર્યો. પરંતુ થોડા દિવસોમાં જ વનવીરનું પોત પ્રકાશ્યું. એ અહંકારી બન્યો, એ હત્યારો બન્યો, વફાદારોને હટાવી એણે ચાપલૂસ અને કાયર માણસોની, ટોળકી જમાવી. એ ગર્વીલા સાદે કહેતો, ભલભલાના તકદીરનો ફેસલો મારી ઈચ્છા પર નિર્ભર છે. એવા અમર્યાદ સત્તા ભોગવતા વનવીરના તકદીરનો ફેંસલો થવાનો હતો. આજે ઉદયસિંહને મેવાડપતિ બનાવવા માટેની આખરી યોજના ઘડાવાની હતી.

  મેવાડના જુદા જુદા વિભાગો માંથી રાજાઓ અને સરદારો ભેગા થવાના હતા. વનવીરે મેવાડના સ્વમાની સરદારોને માનહાનિ પહોંચડવામાં કસર રાખી ન હતી. ઉપરથી શાંત દેખાતા મેવાડમાં મહારાણા વનવીર સામે રોષાગ્નિ ભભૂકી ઉઠ્યો હતો.

મેવાડના મહારાણા વિરુધ્ધ બગાવત કોણ કરે ? હવે તો જવાબ સરળ હતો. મેવાડના મહાન મહારાણા સંગ્રામસિંહના આખરી ચિરાગ, ઉદયસિંહ જ એ માટે શમશેર ઉઠાવે.

 અક્ષયરાજ સોનગિરા ,મહારાજ વીરસિંહદેવ ચૌહાણ અને આશાદેપુરા આ સંગ્રામના મુખ્ય સેનાનાયક હતા.

આપણે સૌ ઉત્સાહમાં આવી ગયા છીએ નિર્ણય કરતાં પહેલાં બધાં પાસાંનો વિચાર કરવો પડશે. એક વાત ભૂલવી ન જોઈએ કે, ચિત્તોડગઢ અજેય છે. જ્યાં સુધી આપણને અંદરથી સહાયતા ન મળે ત્યાં સુધી જીત મેળવવી અસંભવ છે.” અક્ષયરાજે રજુઆત કરી.

“ચિત્તોડગઢનો કિલ્લેદાર ચીલ મહેતા ફૂટી જાય તો જ આ કામ બને. “ મહારાજ વીરસિંહદેવ બોલ્યા.

“એ બનવું અસંભવ છે.ચીલ મહેતા ચિત્તોડગઢનો જૂનો અને વફાદાર સેવક છે. બહાદુર કિલ્લેદાર છે. નહીં તો આટલા બધાં રાજપૂતો વચ્ચે મહેતા મહારાણા સાંગાના સમયથી ટકી જ કેવી રીતે શકે ?  “વનવીર જ્યાં સુધી મહારાણા છે ત્યાં સુધી ચીલ મહેતા આપણને સાથ નહિ આપે.” કુંભલગઢના કિલ્લેદાર આશાદેપુરા બોલ્યા.

        મહારાજ મહેતાનું દિલ અને દિમાગ સાબૂત છે એ જ આપણા માટે મોટામાં મોટું આશાનું કિરણ છે. વફાદારી કોની ? પ્રજાની કે જુલ્મગારની ? રાજા જ્યાં સુધી રાજા તરીકે લાયક હોય ત્યાં સુધી એ વફાદારીની અપેક્ષા રાખી શકે. વનવીરની વફાદારી હવે તો પ્રજા સાથેની ગદારી બની ગઈ છે. મને લાગે છે કે, ચીલ મહેતાને આજની પરિસ્થિતિ અને સાચી વફાદારીનો ખ્યાલ આશાદેપુરાજી સમજાવે તો આ કાર્ય શક્ય બને. તો પછી યુક્તિથી, ચિત્તોડગઢ કબજે કરી ઓછામાં ઓછું લોહી રેડીને , ઉદયસિંહને મહારાણા બનાવી શકાય.” એક હાથે ઠૂંઠા પરંતુ જુસ્સાદાર યોધ્ધા વીરભદ્રસિંહે કહ્યું.

પછી મોડી રાત સુધી મંત્રણાનો દોર ચાલ્યો.
          સંધ્યાકાળનો સમય હતો. કુંભલગઢથી બે અશ્વારોહી નીકળ્યા, તેઓ પવનવેગે ચિત્તોડગઢ તરફ જઈ રહયા હતા. મોડી રાતે તેઓ ચિત્તોડગઢ પહોંચ્યા. સંકેત મુજબ દરવાજા પર પાંચ ટકોરા મારી તેઓ ઊભા રહ્યા.

 થોડીવારમાં ડોકાબારી ખુલી, આ બે સવારો ઝડપથી, તે મારફતે અંદર પ્રવેશ્યા.  “વીરભદ્ર, તું જ આ કિલ્લાની બહાર, થોડે દૂર અમારા અશ્વો-ને સાચવજે.”

“ જી , મહારાજ ” કહી વીરભદ્ર ડોકબારીમાંથી બહાર નીકળ્યો. અશ્વોને દોરી દૂર લઈ ગયો.

    “ બુકાની બાંધી લો, ચિત્તોડગઢમાં જો કોઈ, આપણને ઓળખી જશે તો ગજબ થઈ જશે. “ ધીમે રહીને સાથે આવેલા સિપાહીએ કહ્યું,  અંધારી રાત હતી. ચારે બાજુ સન્નાટો છવાયો હતો. થોડું ચાલ્યા બાદ કિલ્લેદાર ચીલ મહેતાનું નિવાસસ્થાન આવ્યું. મહેતાના નિવાસસ્થાને ચોકીદાર પહેરો ભરતા હતા.

    “ જય એકલિગજી” સિપાહી પાંચવાર બોલ્યો ચોકીદારોએ ત્રણેને મારગ કરી આપ્યો.

અક્ષયરાજ સોનગિરા સમજી ગયા. પાંચવાર જય એકલિગજી આજ નો સંકેતશબ્દ  હતો, ચીલ મહેતા જબરો સાવધ કિલ્લેદાર હતો. જો એ ન માને તો ? ચિત્તોડગઢ જીતવો કપરો થઈ પડે.

સિપાહી આગંતુકોને ચીલ મહેતાના નિવાસસ્થાનની નીચે આવેલા ભોંયરામાં લઈ ગયો. બંનેએ આસન ગ્રહણ કર્યું. સિપાહી ચાલ્યો ગયો. ચીલ મહેતાને આવતા થોડીવાર થઈ.

 તેથી જ થોડીવાર તો બને આગંતુકો ગભરાયા. જો ચીલ મહેતા આપણ ને કેદ કરી લે તો? પરંતુ બને થોડીવાર પછી નિર્ભય બની ગયા. તેઓને ચીલ મહેતાની સજ્જનતા અને વીરભદ્રસિંહની વ્યવસ્થા પર ભરોસો હતો. વીરભદ્ર દગો ન કરે. એ તો ઉદયસિંહની ધાય માં પન્નાનો પતિ હતો.

     જાણે સઘળી વિચારમાળાનો છેદ ઉડાવવા જ ન આવ્યા હોય તેમ ચીલ મહેતાએ પ્રવેશ કર્યો.  

    “ પધારો, કુંભલગઢના કિલ્લેદાર, પધારો પધારો પાલીનરેશ અક્ષયરાજજી “

“મહેતા, મારો સંદેશો આપને  મળ્યો હતો ને ?”

“ હા, એટલે જ આ બધી વ્યવસ્થા ગોઠવાઈ છે, હવે હું આપની વાત સાંભળવા ખૂબ ઉત્સુક છું.”

“જુઓ ચીલ મહેતા, તમે ચિત્તોડગઢના કિલ્લેદાર છો. અમારી બીજી રીતે કહીએ તો મેવાડની પ્રજાની આશાનો દારોમદાર તમારી હા પર છે. એટલે તો તમારી દહલીજ પર અમો અડધી રાત્રે આવ્યા છીએ.’

     “આપ બંને જાણો છો ને ? હું મેવાડ માટે છું. દોરી લોટો લઈને મારવાડથી આવેલા આ બ્રામણને મેવાડે જીવનભર જે કાંઈ આપ્યું છે. એનું ઋણ મારા શિર સાટે પણ ન ચૂકવાય. માટે જ મેં મેવાડના મહારાણા માટે આ જીવન અર્પી દીધું છે. મહારાણા સંગ્રામસિંહજી, મહારાણા રતનસિંહજી , મહારાણા વિક્રમાદિત્યજી  અને મહારાણા વનવીર મારી શમશેર તળે અભય છે. .”ચીલ મહેતાએ ગર્વભેર કહ્યું. ચાર ચાર મહારાણાઓ પોતપોતાનાં સમયે મારી કિલ્લેદારીના ભરોસે,આરામથી તકિએ માથું નાંખી  સૂતા હતા. મારી વફાદારી એ જ મારો પ્રાણ છે. તમારી વાત જો મેવાડ માટે હશે તો હું અવશ્ય સાથ આપીશ,’

“ચીલ મહેતા, મહારાણા સંગ્રામસિંહે તમને કિલ્લેદાર બનાવ્યા એ વાત તો સાચી ને ? “

“અવશ્ય, તેઓએ એક સામાન્ય ચીલ મહેતામાં વફાદારી અને મુત્સદીપણું  જોઈને ચિત્તોડગઢનો કિલ્લેદાર મને બનાવ્યો, માટે જ એમનું ઋણ તો મારા જીવનમા વણાયેલું છે. એટલે જ ચિત્તોડની રક્ષા માટે આ ઉંમરે, આવો મહારાણો હોવા છતાં હું કપરી કામગીરી બજાવી રહયો છું.

  “આપને વર્તમાન મહારાણા નું વર્તન ડંખે છે એ તો કબૂલ કરશો ને?

“હા, પરંતુ કિલ્લેદારી છોડવાથી તો પરિસ્થિતિમાં ઓર વધારો થાય.”

“તમે કિલ્લેદારી છોડો એ કરતાં વનવીર મેવાડની ગાદી છોડે એ વધુ જરૂરી છે.” અક્ષયરાજ સોનગિરા બોલ્યા.

“એટલે ? આપ કહેવા શું માંગો છો ? મહારાણાની વિરુદ્ધ  કોઈ બળવો કરવાની વાત લઈ આવ્યા  છો ? તો આ ચીલ મેહતાને મળવામાં થાપ ખાઈ ગયા છો. મેવાડની ગાદી પર ગુહિલોત વંશનો નબીરો જ શોભે. તમે કે હું તો એની રક્ષા કરવા જ નિર્માયા છીએ. “

   “ચીલ મહેતા, તમારી વાત અમને મંજૂર છે. અમે તો એવું ઈચ્છીએ છીએ કે, મેવાડની ગાદી એના અસલી વારસને મળવી જોઈએ, મેવાડની ગાદી પર મહારાણા સંગ્રામસિંહનો પુત્ર જીવતો હોય અને વનવીર જેવો જુલ્મી ગાદી પર ટકી રહે એ અજુગતું જ કહેવાય ને ?

   “આશાદેસરાજી , તમે વાતમાં મોણ નાખ્યા સિવાય, વાતને સ્પષ્ટ કરો. કોઈ વારસદાર ન હોવાને કારણે તો વનવીર નિશ્ચિંત થઈને જુલ્મ વરસાવી રહ્યો છે. પરંતુ હું સ્વચ્છ રાજનીતિમાં માનું છું. બનાવટી વારસદારને ઉભો કરીને વનવીરને હટાવવામાં માનતો નથી.

 “ચીલ મહેતા, પ્રથમ અમારી વાત ધ્યાનપૂર્વક સાંભળો.”

અક્ષયરાજ  સોનગિરા એ તમામ હકીકત કહી સંભળાવી. હવે મહેતાને અફવાઓ અને હકીકતો વચ્ચેનું અંતર સમજાયું. તેથી વિચારમાં પડી ગયા. વળી ચીલ મહેતા બોલી ઉઠયા.

  ‘પરંતુ ચિત્તોડગઢના કિલ્લેદારે તો જ્યાં સુધી વનવીર મહારાણા હોય ત્યાં સુધી ચિત્તોડગઢની અને મહારાણાની પ્રાણના ભોગે પણ રક્ષા કરવી જ જોઈએ, હાં ઉદયસિંહ મહારાણા બને પછી મારી વફાદારી એના તરફ અવશ્ય ઢળે.”

   “કિલ્લેદારજી , મૂળથી વિચારો, વનવીરને ગાદીએ આપણે જ  બેસાડયો હતો. ત્યારે એ આવો જુલ્મી નીવડશે એવું કલ્પ્યું પણ ન  હતું. એણે મેવાડના વૃદ્ધ સેનાપતિને , અડધી રાતે , હત્યારાની અદાથી, રસ્તા વચ્ચે રહેંસી નાખ્યા, ખતમ કરી દીધા. મેવાડના વફાદાર સરદારોને અપમાનિત કર્યા. મેવાડના કેટલાયે વીર સરદારો રાજપૂતાનાના બીજા રાજ્યોમાં ચાલ્યા ગયા. રાજ્યમાં ખેતીની બરબાદી થતી જાય છે. જ્યાં દરબારગઢમાં વીરોની ગર્જના સંભળાતી હતી ત્યાં પાયલની ઝંકારોએ સામ્રાજ્ય જમાવી દીધું છે. વૈભવ અને વિલાસમાં વનવીર પણ ડૂબી ગયો છે. પદભ્રષ્ટ મહારાણા વિક્રમાદિત્યનું પૂજામાં ધ્યાનસ્થ અવસ્થામાં ડોકું ઉડાવી દીધું. મેવાડના રાજવંશના ઈતિહાસમાં ભાઈના હાથે ભાઈનું ખૂન થાય, એવો બનાવ એના આઠસો વર્ષના ઈતિહાસમાં આ પહેલો જ બન્યો. મેવાડના વૃધ્ધ સેનાપતિનો વીર પુત્ર પિતાના શોકમાં પાગલ થઈને આજ પર્યંત, મેવાડના ગામડાઓમાં રખડે છે. આ જુલ્મો કરનાર જુલ્મી વનવીરને વફાદાર રહીને આપ શું એના અપકૃત્યોના પરોક્ષ ભાગીદાર નથી થઈ રહ્યા ?

“ આશાદેશરાજી, આ બધું મારી જાણમાં છે. પરંતુ મે કહ્યું તેમ કિલ્લેદાર તરીકે મારો થોડો ઘણો અંકુશ છે. તે પણ, છોડી દઉ તો માઝા મૂકી ડે. એના સલાહકારો તો મારો કાંટો કાઢવા ઈચ્છે છે. પરંતુ મેવાડી પ્રજામાં પ્રસરેલી મારી લોકપ્રિયતથી તેઓ ડરે છે. “

  

   “ જુઓ , સ્વર્ગસ્થ મહારાણા સંગ્રામસિંહના પુત્ર ઉદયસિંહને મહારાણા તરીકે પ્રસ્થાપિત કરવાની અમારી નેંમ છે, એને કુંભલગઢમાં પૂરતી તાલીમ મળેલી છે, પાલીનરેશ અક્ષયરાજ સોનગિરાજી  વીરસિંહજી ચૌહાણ જેવા નરેશોએ  લગ્નસંબંધ બાંધી ઉદયસિંહના હાથ મજબૂત કર્યા છે. મેવાડના ગામડાઓમાં , જેની વનવીરે કરપીણ હત્યા કરી હતી એના જ પુત્રે , જાગૃતિ આની છે. હવે તો પ્રજા પણ વનવીર જાય એમ ઈચ્છે છે, ઉદયસિંહ પ્રજાના હ્રદય સિંહાસને પ્રસ્થાપિત થઈ ચૂક્યા છે. અમને આપના સહકારની જરૂર છે.”

  હું શું ચિત્તોડગઢ આપને હવાલે કરી દઉ. ?” ચીલ મહેતા અકળાયા.

   તમે શાંત ચિત્તેવિચારો, ચિત્તોડગઢમાં, જે મહારાણાના સૈનિકો છે તે પણ મેવાડી  છે. અમે ઉદયસિંહ ને સ્થાપિત કરવા લડવાના છીએ તે પણ મેવાડી  છે. ચિત્તોડગઢના કિલ્લામાં જો અમને પ્રવેશ ન મળે તો યુદ્ધ લાંબુ ચાલે, ભીષણ બને. ખુવારી થઈ જાય. તો પછી હું અને તમે એને બેઠું શી રીતે કરીશું ? આ વાતથી અમો ચિંતિત છીએ.”

  “તો શું મારે રાજને બેવફા  બનવું ? કિલ્લેદાર થઈ ને મહારાણા વનવીરને ખતમ કરાવું ? એ મારા વિશ્વાસે , પોતાના મહેલમાં નિરાંતે સૂતો હોય અને હું એની હત્યા કરાવું ? રોષે ભરાયેલો ઉદય વનવીરને ખતમ કર્યા વગર ઝંપે ખરો ? તુર્કોને મોગલ રાજવંશોમાં ભાઈ-ભાઈની હત્યા, પિતા-પુત્રની હત્યા, રાજગાદી માટે થાય છે. એ રાજનીતિ શું તમે મેવાડમાં લાવવા માંગો છો ? ઓછામાં ઓછું આવું માનવતાહીન પગલું હું તો ધિકકરું છું, “   

   જુઓ ચીલ મહેતા ,તમે અમને સહકાર આપશો તો વનવીર તથા તેના પરિવારના જીવનનું અભય અમે તમને આપીએ છીએ. અક્ષયરાજ સોનગિરા જ્યાં સુધી જીવતા હશે વનવીરનો વાળ વાંકો નહિ થાય. બાકી તમે મહારાણા સંગ્રામસિંહના સેવક, એમના ઋણી , એમના જ આખરી ચિરાગને ન્યાય અપાવવા માટે પણ તમારી કોઈ ફરજ ખરી કે નહિ ?”

    “જો તમે મહારાણા વનવીર તથા તેના પરિવારનો રક્તપાત ન થવા દેવાની ખાત્રી આપતા હો તો સાથ તમનેમળશે. ઉદયસિંહ સદગત મહારાણા સંગ્રામસિંહના પુત્ર હશે અને એમના હાથમાં, મેવાડનું ગૌરવ વધશે તો મને અપાર સંતોષ થશે. નહિ તો બગાવતનો ઝંડો લઈને હું સામે પડીશ.”

“ કબૂલ આપની દેશ દાઝને  ધન્ય છે. પરંતુ એ ઘડી નહિ આવે.”

સૌએ  સાથે મળીને શુભેચ્છાનું ભોજન લીધું

મહેતા હવે અમને વિદાય  આપો તમને ખબર છે ને  તમારે માટે હમણાં તો ખતરનાક મહેમાન છીએ. “હસતાં હસતાં આશાદેપુરા બોલ્યા.

    “ ચીલ મહેતાને જ્યાં સુધી ઈમાનની છાયા છે  ત્યાં સુધી કોઈ સત્તાનો ઓથાર ગભરાવી શકતો નથી. હું સત્તાની હથેળી પર નાચતો નથી. સત્તા મારી હથેળી પર નાચે છે.”

“વાહ આ કોઈ સામાન્ય માણસ બોલતો નથી. હિન્દુસ્તાનના મહાન ગઢ અજેય કિલ્લા ચિત્તોડગઢનો અભય કિલ્લેદાર બોલે છે. અમારી શુભેચ્છાઓ  આપની સાથે છે. ” અક્ષયરાજ સોનગીરા બોલ્યા.

“રાજપુતાનાનો ભીષ્મ પિતામહ મારી પર આટલી શ્રધ્ધા રાખે પછી બીજાના વખાણની શી જરૂર ? “ ચીલ મહેતા બોલ્યા.

“વાણીના વૈભવમાં ચીલ મહેતાની બરાબરી કરે એવો રાજપૂતાનામાં શોધ્યો નહિ જડે. છતાં તલવાર બાજીમાં તો આપણો સમોવડિયો જ છે.”

આમ ઉત્સાહના વાતાવરણમાં ત્રણે જુદા પડયા.

“જોરવરસિંહ, મહેમાનને સહીસલામત ગઢની બહાર મૂકી આવો , એમના આગમનની ગંધ  સુધ્ધાં કોઈને  ન આવે.”

     “જી , બધે જ આપણાં ખાસ માણસો જ આજે ગોઠવાયાં છે. મહારાણાના માણસો તો શરાબમાં ડૂબી  જેમને પોતાનું ભાન નથી એ બીજાની ભાળ શું રાખવાના હતા.  

“ હું જાણું છું , જોરાવર, પરંતુ સાવધાની રાખવી જરૂરી છે. મહેમાનોનું મૂલ ચીલ મહેતા કરતાં યે અધિક છે. મહેમાનોને કંઈ થાય તો આવતીકાલે સમસ્ત મેવાડ મારી પાસે જવાબ માંગશે. પેલો વીરભદ્ર જ સૌથી પહેલાં આખા મેવાડને ચિત્તોડગઢની ચારે બાજુ ખડુ કરી દે. એ માનવ મહેરામણમાં હું અને તું ડૂબી જ મરીએ. ચાલક આશાદેપુરા કોઈ થી ગાંજયા જાય એવા નથી, ચિંતા નહિ, હવે એ આપણાં મિત્રો છે. “

 
ચિત્તોડગઢના રાણા વનવીરને બેહદ ગુસ્સો ચડયો હતો. તે દરબારગઢમાં , ધુંવાપુવાં  થતો આમતેમ આંટા મારી રહ્યો હતો. મેવાડના અનેક સરદારોનો સાથ લઈને ઉદયસિંહ ગઢને ઘેરો ઘાલ્યો હતો.

વનવીરનો સઘળો ભ્રમ આજે ભાંગી ગયો હતો , મેવાડપતિ આજે ચિત્તોડગઢનો કેદી બની ગયો હતો , એની હાલત નજરકેદ મુજરીમ જેવી હતી. આજે તો એવી સ્થિતિ હતી કે, ચિત્તોડગઢની પ્રજા પણ એની ન હતી.

હાંફળી-ફાંફળી દોડતી પન્નાને તે દિવસે, દયા લાવી છોડી દીધી હતી તે જ પોતાની મોટી ભૂલ હતી એવી વનવીરને પ્રતીતિ થવા લાગી.

“ અનાજની પોઠો આવવાની હતી પરંતુ આ આક્રમણ થયું. એટલે હવે એ દૂરના ગામડાંઓમાં  અટકાવી દેવામાં આવી છે.” ચીલ મહેતાએ ખબર આપ્યા.

“મહારાણાજી , દુશ્મન ઉંઘતો હોય ત્યારે અડધી રાતે થોડા દિવસ પછી આ અનાજની પોઠો ગઢમાં લઈ લઈશું. “ એક સરદારે કહ્યું.

“એ કામ આસાન નથી.” ચીલ મહેતા બોલ્યા.

“ છતાંયે એ એટલું જ જરૂરી છે.” રાણા વનવીરે કહ્યું.

ચિત્તોડગઢને ઘેરો ઘાલ્યે , થોડો સમય વીતી ગયો , હવે ચીલ મહેતા અને અક્ષયરાજ સોનગીરાએ ચક્રો ગતિમાન કર્યા.

   “મહારાણાજી , આજે રાત્રે , અનાજની પોઠો આવવાની છે. “

“પૂરતી કાળજી સાથે અનાજ અંદર લઈ લેજો. “ વનવીરે કહ્યું. ચીલ મહેતાની વફાદારી પ્રત્યે વહેમ અણાવાનું કોઈ કારણ ન હતું.

મોડી રાત્રે , દરવાજો ખૂલ્યો. પોઠો આવવા લાગી. એક , બે  , ત્રણ ..   પંદર એમ ચીલ મહેતા જાતે ઉભા રહીને ગણતરી કરતાં હતા. અચાનક મહારાણા વનવીરે પ્રવેશ કર્યો. તેઓએ તલવાર કાઢી બે ચાર પોઠોમાં ખોસી. અનાજના દાણા નીકળ્યા.

ચીલ મહેતા હસ્યાં, વનવીર આવ્યો હતો તેવો ઝપાટાભેર ચાલ્યો ગયો. બધી પોઠો કિલ્લામાં આવી ગઈ. દરવાજો બંધ થઈ ગયો. સૈનિકો પોતપોતાની જગ્યાએ ચોંકી કરવા જતાં રહ્યા. એકાએક પોઠોમાંથી સૈનિકો બહાર નીકળ્યા. ચોકીદારોએ સામનો કરવાને બદલે એમને આવકાર્યા. દરવાજો પણ ખૂલી ગયો. એકાએક મશાલ સળગાવી. તેને કિલ્લાના બુરજ પર જઈ ઉચી કરી. બહારથી પણ મોટું ટોળું દોડી આવ્યું. ચિતોડગઢમાં મોડી રાત્રે ‘જય એકલિંગજી ‘ નો નાદ ગાજી ઉઠ્યો. ધ્વનિ અને પ્રતિધ્વનીના શોર વચ્ચે ઉદયસિંહ સેના સહિત રાજમહેલ તરફ આગળ વધી  રહ્યા હતા.

હજી થોડા સમય પહેલાં જ વનવીરે કિલ્લાનો ચક્કર લગાવ્યો હતો. એણે દારુ પીધો હતો એટલે તે પડ્યો તેવો જ ઘસઘસાટ ઉંધી ગયો.

કાન ફાડી નાખે તેવો શોર થતો હતો. રાજમહેલના અંગરક્ષકો  ચોંકયા. તેમનો વડો વિચારમાં પડ્યો. ઉંઘતા મહારાણાને કેવી રીતે ઉઠાડાય ? પરંતુ બીજી પળે, જોખમ ઉઠાવીને પણ પોતે ધસી ગયો. વનવીરે જાગ્રત થઈને જોયું તો બાજી પલટાઈ ગઈ હતી.

એ ઝરૂખે આવીને ઊભો. એના અંગરક્ષકોએ મોતની પર્વ કર્યા વગર સામનો કર્યો. જોતજોતામાં યુદ્ધ શરૂ થયું.

જાઓ, બધાં જ સૈનિકો દરવાજે જાઓ. આગળ ઉભા રહો. અંદર કોઈને આવવા ન દેશો. વનવીર ગર્જી ઉઠ્યો.

ઉદયસિંહનો સામનો કરવાની સૈનિકોમાં હિમત ન રહી. જએ સામે થયા, મોતને ઘાટ ઉતારી દેવાયા, જેઓ શરણે થયા તેમને કેદ કરવામાં આવ્યા.

પરંતુ રાણા વનવીરના અંગરક્ષકોએ તો સામનો જ કર્યો દુશ્મન ને શરણે જવા કરતાં મોતને પસંદ કર્યું. આખું દળ કપાઈ ગયું. અલબત્ત, ઉદયસિંહના સૈનિકો પણ આમાં કામ આવી ગયા. અંગરક્ષકો વીરતાથી લડ્યા પરંતુ માનવ-મહેરામણ આગળ એ બધું વ્યર્થ ગયું.

રાણા વનવીરે આ જોયું. હવે તેને લડાઈ વ્યર્થ લાગી. તેનો સમગ્ર પરિવાર તેની સામે આવીને ઊભો હતો. થર થર કાંપતો હતો. તેમનું ભાવિ નક્કી થઈ ચૂક્યું હતું. જેમ વનવીરે હત્યાની પરંપરા ચલાવી હતી તેમ ઉદયસિંહ પણ હત્યાની પરંપરા ચલાવશે જ.

“જુઓ મોતને વ્હાલું કરશો નહિ. હું વીરની માફક મરીશ. તમે પણ લાંછન લગાડશો નહિ. રણમાં મોટી મોટી ગર્જના કરનારાઓ મોતને પ્રત્યક્ષ નિહાળીને રડવા માંડે તો દુનિયામાં એની હાંસી થાય. વનવીરે બીજાને મોતને ઘાટ ઉતરતા પણ ગભરવાનો નથી.

એવામાં ખુલ્લી તલવારે ઉદયસિંહ આવી પહોંચ્યો.

“મેવાડનો ગાદીપતિ મહેલમાં ભરાઈ રહે અને એના માણસો કપાઈ મરે એ લાંછન કોનું ? આજે હિસાબ ચૂકતે કરવા આવી પહોંચ્યો છું. “ ઉદયસિંહે કહ્યું.

“ ઉદય, તું તે દિવસે બચી ગયો. મને કલ્પના પણ ન હતી કે, પન્ના પોતાના જ પુત્રને વધેરવી તને બચાવશે. આજે મારી શમશેરના ઘાથી તું બચી શકે નહિ. તારુ મોત તને અંહી ઘસડી લાવ્યું છે.  

એ તો હમણાં જ સમજાઈ જશે.

બન્ને સામ સામે ટકરાયા. તલવારોના દાવપેચ ખેલાયા. સામે જ પન્ના આવીને ઊભી રહી ગઈ.

     બેટા, ઉદય, પ્રતિશોધ લેવાનો મોકો ચૂકતો નહીં.”

           થોડીવારમાં જ વનવીરને પ્રતીતિ થઈ ગઈ કે ઉદયસિંહે પણ પહાડીઓમાં જુવાની ખૂબ કેળવી છે. બંને શમશેરબાજીમાં માહિર હતા.

           બાજી પળે પળે પલટાતી હતી. ઘડીમાં વનવીર સચોટ ઘા કરતો, ઘડીમાં ઉદયસિંહ, પરંતુ પલકવારમાં ઘા ચુકવીને ફરી તલવારો અથડાવા લાગતી. એ અથડામણના પરિણામે તેમાંથી તણખા ઝરતા. સૌના શ્વાસ અધ્ધર થઇ ગયા હતા.

      અચાનક વનવીરની આંખો સામે વિક્રમાદિત્યનો ચહેરો તરી આવ્યો. પ્રજામાં બેઠેલા દાઢીધારી વિક્રમાજીત જેવો જ ઉદયસિંહ લાગતો હતો. એને એવો અહેસાસ થયો કે, જાણે પ્રતિશોધ લેવા વિક્રમાજીત જ ન આવી પહોંચ્યો હોય. અને અત્યારે ઉદયસિંહ નો ચહેરો પુષ્કળ તેજસ્વી લાગતો હતો.

     આ જ ક્ષણે ઉદયસિંહે તમામ તાકાત લગાવીને વનવીરની તલવાર પર પોતાની તલવારનો ઘા કર્યો, વનવીરના હાથમાં,માત્ર તલવારની મૂઠ જ રહી ગઈ.

 

“ઉદય, તારો સિતારો બુલંદ છે, લે, તારા હાથે મારવામાં મને રંજ નથી”

 

    ઉદયસિંહે શમશેરનો એક ધારદાર ઘા કરવા હાથ ઊંચો કર્યો ત્યાં તો અક્ષયરાજ સોનગિરાનો અવાજ આવ્યો.

      “સબૂર,વનવીરનો વધ ન હોય. ઉદયસિંહ,વનવીરનો ઘાત કરશો તો મને વચનદ્રોહનું પાપ લાગશે.

 બેટા ઉદય,તારા રાજ્યાભિષેક વખતે ગુલાલ ઉડાડાય ,લોહી અને તે કુળનું તો નહીં જ.” પન્ના બોલી

       વનવીર દંગ થઈ ગયો. આ પન્ના બોલી! જેના દીકરાનું પોતે એની સામે તલવારથી ખૂન કર્યું હતું તે હત્યારાને બચાવવા માટે.

   આતો રાજ્યક્રાંતિ હતી. વનવીર અને તેના પરિવારને કેદ કરવામાં આવ્યો.       

 

           તાત્કાલિક ચીલ મહેતાને બોલાવવામાં આવ્યા. તુર્ત જ નિર્ણય લેવાઇ ગયો. વનવીરે ચીલ મેહતાને મેવાડની સરહદમાં ફરી કદી પ્રવેશ નહીં કરવાનું વચન આપ્યું. એને ચીલ મહેતાનો પોતાના અભયદાનની વાત સાંભળી ત્યારે આભાર માન્યો.

          વનવીર અને તેના પરિવારને લાખોટા બારીવાળા માર્ગે ચિત્તોડગઢની બહાર કાઢીને સહી સલામત મેવાડની સરહદ ઓળંગાવી દીધી. કારણ કે,ઉશ્કેરાયેલા  ચિત્તોડગઢમાં એની હાજરી, એના માટે ખતરનાક હતી.

         અને, વનવીર હવે ભૂતકાળ બની ગયો. ચિત્તોડગઢમાં અનેરો આનંદ છવાઈ ગયો હતો. જુલ્મગાર રાણો વનવીર પરાસ્ત થયો હતો. પ્રાણ બચાવીને પરિવાર સમયે મેવાડ તો શું રાજપુતાના માંથી બહાર ચાલ્યા જવાનું તેણે મુનાસીબ માન્યું હતું.

 

        મેવાડની પ્રજાને સદ્ગત મહારાણા સંગ્રામસિહજીના સૌથી નાના પુત્ર ઉદયસિંહને મેવાડપતિ બન્યાના સમાચારે હર્ષમાં પાગલ બનાવી દીધી. વીર ધાય માં પન્નાના મોલ રાજમાતા જેટલા વધી ગયા. મેવાડના માથે  સુખનો સૂરજ ઉગ્યો હોય તો તેનો સઘળો જશ આ વીર રાજપુતાણીને હતો.

     સર્વોચ્ચ બલિદાન આપીને, આ રમણીએ  બાળક ઉદયને કોમલમેરના આશાશાહને ત્યાં સહીસલામત પહોંચાડ્યો. યુવાન ઉદયનું પ્રાણના ભોગે ઘડતર થયું

               ઈ. સ. ૧૫૪૦ની સાલ હતી. ઉદયસિંહ મેવાડપતિ બન્યા. પ્રસિદ્ધ રાજવંશ, ગુહિલોતવંશની પવિત્ર રાજગાદી પર બેસવાના ગૌરવની સાથોસાથ પોતાની મહાન જવાબદારી નો પણ અહેસાસ અનુભવવા લાગ્યા.

           માં અંબાભવાનીના મંદિરમાં જઈ વંદન કરતા તેઓ બોલ્યા.

“હે માતા, જગતજનની, કુળદેવી, પ્રાતઃસ્મરણીય હિંદુ  કૂળભૂષણ મહારાણા બાપા રાવળ, સાંગાજી જીવા પૂર્વજો, જે ગાદી પર વિરાજમાન થયા હતા એ ગાદી પર બેસીને એને યોગ્ય બનવાની મુઝને શક્તિ આપો.”

         થોડી ક્ષણો નયનો મીંચી, મૌન ધારણ,કર્યા પછી મહારાણાને પોતામાં શક્તિનો સંચાર થયો હોય એવો ભાસ થયો

           તેઓ રાજમહેલમાં પાછા ફર્યા. મધ્યાહ્નન વેળા રાજદરબાર ભરાયો. સૌના  અભિનંદન સ્વીકારી . મહારાણા ઉદયસિંહે કહ્યું

     “મારા વડીલ સરદારો, મારી વહાલી પ્રજા, મેવાડની ગાદી પર આપ સર્વે ની કૃપા અને આશીર્વાદથી હું બેઠો છું.મારે  મન પ્રજા સર્વોપરી છે અને સદાયે  રહેશે.સરદારો અને મહાજન એ મારા બે બળવાન ભૂજ છે દેશભક્તિભર્યા સૈનિકોએ મારા નેત્રો છે.  છેલ્લા ચૌદ વર્ષથી મેવાડ બાહ્ય અને આંતરિક યુદ્ધોથી ખોખલું થઈ ગયું છે ધન અને માનવની અપાર હાનિ થઈ છે. મારા જીવનની નેમ મેવાડને સક્ષમ અને ગૌરવશાળી બનાવવાની રહેશે, આજથી મેવાડના ગૌરવને પુનઃસ્થાપિત કરવાના કપરા કામ લાગી જઈએ.”

  મહારાણાની વાણી સાંભળી સૌના હૈયામાં વર્ષની લહેરખી ફરી વળી વિક્રમાદિત્ય જેવા વિલાસી અને વનવીર જેવા અત્યાચારી રાણાથી મેવાડને મુક્તિ મળી તેનો આનંદ થયો.

_________________________________________________________

 

            સાંજનો સમય હતો ક્ષિતિજમાં સૂર્ય અસ્ત થયો હતો.  પરંતુ ચંદ્રનું આગમન થયું ન હતું. પોતાના ઓરડામાં ટહેલતા ટહેલતા મહારાણા ઉદયસિંહને જયવંતી દેવીની યાદ આવી.

    અક્ષયરાજ સોનગિરાની કન્યા જયવંતીદેવી પોતાની પ્રિય પત્ની જબરી તેજસ્વી હતી. ચાર વર્ષના પ્રસન્ન દામ્પત્યની સોડમથી ઉદયસિંહ તૃપ્ત હતો. ચિત્તોડ  અભિયાનના થોડા દિવસો વિરહમાં ગયા હતા હવે નિરાંતની પળો હતી.

     રાજગૌરવથી ભરેલી માનિની પટરાણીને ચિઢવવા માટે મહારાણા એ નિર્ધાર કર્યો.

એક દાસી સાથે સમાચાર મોકલ્યા “મહારાણી જયવંતિદેવીને સમાચાર આપ, કે મહારાણા તમને યાદ કરે છે.”

    થોડીવારમાં એ જ દાસી હાંફળી ફાંફળી દોડી આવી ચહેરાપર ગભરાટ ના ચિન્હો હતા.

     મહારાજ, મહારાણી કહાવે છે કે, મેવાડની મહારાણી કોઈ દાસી નથી કે નથી આપને રમવાનું રમકડું. એ તો મેવાડની મહારાણી છે એને મળવું હોય તો એના અંત:પુરમાં પધારવું પડશે.”

        મહારાણા ઉદયસિંહ ચોંકયા, પોતાને આવો સંદેશો કહેવડાવો જવાની હિંમત કરનાર આ યુવતી જબરી હતી આવો રુઆબ ! અક્ષયરાજ સોનગિરાની પુત્રી હોવાનો ઘમંડ લાગે છે.

           એકાએક યાદ આવ્યું, થોડા જ દિવસોમાં જયવંતિદેવી માતૃત્વ મેળવનાર છે. આ વિચારે એનો ગુસ્સો ઓગળી ગયો.

જા ,તારી મહારાણી ને કહેજે મહારાણા સ્વયં તમારા અંત:પુરમાં પધારશે.”  

     દાસી નિરાંત અનુભવતી ચાલી ગઈ.

    “પધારો મહારાણાજી,

જયવંતિ તમારા મોલ તો ખૂબ વધી ગયા છે”

મહારાણાજી, મોલ તો આપે વધારવાના હોય કે ઘટાડવાના હોય.”

    પછી તો બંને યુવાન હૈયા પ્રણયમસ્તીમાં ડૂબી ગયા.  સંધ્યાકાળનો રોષ રાત્રિએ અપાર સ્નેહમાં પરિણમ્યો .      થોડો સમય પસાર થઈ ગયો.

     જેઠ માસ ચાલતો હતો રવિવાર હતો. સુદ ૩ હતી. સૂર્યોદયે ચિત્તોડગઢમાં મંગળ શરણાઈ વાગી. સર્વત્ર આનંદ આનંદ પ્રસરી ગયો.

      શુભ સમાચાર  હતા.

 મહારાણી જયવંતિદેવીએ ભાવિ મેવાડપતિને જન્મ આપ્યો.  જ્યોતિષીઓએ કહ્યું,” સૂર્યોદય પછીની ૪૭ની ઘડીએ ને ૧૩મી પળે, મિથુનરાશી અને આદ્રા નક્ષત્રમાં રાજકુમારનો જન્મ થયો છે. આ એવી શુભ ઘડી છે કે , આ ઘડીએ જન્મેલ રાજકુમાર વિશ્વમાં પોતાની મહાગાથા  ફેલાવશે.”

    મહારાણા ઉદયસિંહ હર્ષોન્માદમાં આવી ગયા હતા.  એક વર્ષ પહેલાં તો પોતે કુંભલગઢ માં સામાન્ય માનવી હતો જોકે ગુપ્તપણે ઘણા રાજ્યોએ ઉદયસિંહ ની અસલિયત જાણ્યા પછી પોતાની કુંવરીઓ પરણાવી હતી. પોતે મેવાડપતિ બન્યો. હવે તો એક સુંદર પુત્ર નો પિતા બન્યો હતો માત્ર વીસ વર્ષની નાની વયમાં આ સિદ્ધિઓ જેવી-તેવી ન કહેવાય.

    એ લગભગ પાગલ જેવી દશામાં દોડ્યો. રાજમહેલના એક સામાન્ય ઓરડામાં ભગવાન વિશ્વનાથની પૂજામાં લીન પન્નાના ચરણોમાં પડી ગયો.

  “માં, મહારાણો બધાની આગળ માત્ર હસી તી શકે છે પરંતુ રડશે તો તારી આગળ.” હર્ષના આંસુનો સાગર કોણ ખાળી શકે?

“ ઉદય, તું અત્યારે મહારાણો નથી અત્યારે તો તું મારો ચંદન અને ઉદય બંને છે”

 આમ, પ્રેમના આંસુથી માંએ પુત્રને વધાવી લીધો.

 “ઉદય, ચડતી અને પડતી જીવનમાં આવ્યા કરે છે પરંતુ જે ગરીબીને ભૂલતો નથી એ દુનિયામાં ક્યારેય દુઃખી થતો નથી.  તારો પુત્ર પણ તારા નામને ઉજાળશે.  હું જાણું છું કે, મહારાણા સંગ્રામસિંહની કેવળ કીર્તિ જ તને વારસામાં મળી છે બાકી બધું મેળવવા તારે જબરદસ્ત પુરુષાર્થ અને પુષ્કળ સંઘર્ષ કરવો પડશે.

        “ મારે મેવાડને નવું સ્વરૂપ પ્રદાન કરવું છે.  મેવાડે છેલ્લા બે મહારાણા વિક્રમાદિત્ય અને વનવીરના અમલ દરમિયાન દરબારમાં વારાંગનાઓ જ નચાવી છે.  દરબારીઓના ખૂન કરાવ્યા છે.  કારમી હત્યાઓ કરી છે. આ બદનામીને દૂર કરીને  પ્રતિષ્ઠાને શિખરે મૂકવું છે.”

         પાલીનરેશ અક્ષયરાજ સોનગિરાનું ઋણ તે કેવી રીતે ફેડી શકે?

ચાર વર્ષ પહેલા, પોતાની મૂળ ઓળખાણ થતાં જ તેઓએ પોતાની પુત્રી જયવંતિ દેવીને પરણાવી.  એ લગ્ન ધામધૂમથી થયું. રાજપુતાના ઘણાં પરિવારોને સૌપ્રથમ આ પ્રસંગે જાણ થઈ કે, પન્નાએ એને મેવાડપતિ બનાવવાના શપથ લીધા છે.  

 

      મેવાડની પ્રજામાં યુવાન મહારાણા ઉદયસિંહ ઘણા લોકપ્રિય છે. જે સાહસથી ચિત્તોડગઢનો કિલ્લો તેઓએ મેળવ્યો એની વાતો દૂર દૂર  રાજપુતાનામાં ફેલાઈ ગઈ.  કુંભલગઢના લોકો તો એના શિકારી જીવનની અદભુત વાતો કહેતા થાકતા નથી.

           જે ચિતોડગઢમાંથી બાળ ઉદયને, ચોરીછૂપીથી પન્ના લઈ ગઈ હતી એ ચિત્તોડગઢમાં એના વિજેતા તરીકે, મહારાણા તરીકે પ્રવેશતા બહાદુર ઉદયસિંહની વીરમૂર્તિ નિહાળીને પ્રજા ગદગદ થઈ ગઈ.

           “ ઉદયસિંહની પાછળ તો આખું મેવાડ ઘેલું છે.” ચિત્તોડવાસીઓને પોતે પાછળ રહી ગયાનો ડંખ સતાવવા લાગ્યો.

_____________________________________________________

           કિલ્લાઓનું સમારકામ કરાવવામાં આવ્યું. સૈન્યમાં આવેલી શિથીલતા દૂર કરવા ખૂબ કડક દેખરેખ શરૂ કરી દીધી. મહારાણા જાતે કવાયતના સ્થળે પહોંચી જતા અંગત પરિચય સાધતા.

 

     “મહારાણાજી, મેવાડ યુદ્ધોમાં બલિદાનો આપી આપીને લગભગ નામશેષ થઈ ગયું છે.  આજે સેનામાં આવવા મેવાડી ઓછા પડે છે. રાજકોષ તો પ્રથમ મહારાણા વિક્રમાદિત્ય અને પછી મહારાણા વનવીરે  તળિયાઝાટક કરી દીધો છે.  ચિત્તોડગઢ ની રક્ષા કરી શકાય એટલું પૂરતું લશ્કર પણ આપણી પાસે નથી.” સેનાપતિએ કહ્યું.

   “ કાંઈ વાંધો નહીં, આપણે શૂન્યમાંથી સર્જન કરીશું.  પરંપરાઓ માનવી માટે છે. માનવી પરંપરાઓ માટે નથી. કુંભલગઢમાં મુક્ત હવામાં રહીને હું જે કાંઈ શીખ્યો છું  એનો પ્રયોગ કરી હું મેવાડમાં ગતિ લાવવા માંગુ છું મારે નવીચેતના, નવું જીવન નવી રણનીતિ અને નવા મૂલ્યો સ્થાપિત કરવા છે સદા જૌહર અને કેસરિયાં કરતા રહીશું તો આપણે ખતમ થઈ જઈશું, દુશ્મન નહીં. ૧૫૩૫માં જવાહરબાઈ જે ક્ષત્રિયાણીઓને તલવાર પકડાવી અને એક નવો અભિગમ રાજપુતાનામાં શરૂ કર્યો એ મને ખૂબ ગમ્યું.”

મેવાડી વીરોની એમાં માનહાનિ ન થઈ ?

 “સેનાપતિ , દશહજાર સ્ત્રીઓ અગ્નિચિતામાં કુદીને શરીરને રાખ બનાવી દે એના બદલે દુશ્મનો સામે લડે તો ઘણા દુશ્મનો ઓછા થાય.”

સેનાપતિને લાગ્યું જો શુદ્ધ તાર્કિક દૃષ્ટિએ વિચારીએ તો મહારાણા એક નવી દ્રષ્ટિથી રણનીતિને મૂલવે છે

 એ સમયે અંધાધૂધી નો યુગ હતો દિલ્હીમાં મોગલ સામ્રાજ્ય સ્થપાયું હુમાયુના હાથે ફરી વિખેરાયું. હવે ભારતમાં  શેરશાહની હાક વાગવા માંડી હતી.

 

   પરાજય પામીને પીછેહઠ કરતા હુમાયુને રાજપુતાનામાં ઉમરકોટના કિલ્લામાં આશરો મળ્યો હુમાયુના ત્રણ કટ્ટર દુશ્મનો હતા. બિહારનો શેરખાં, ગુજરાતનો બહાદૂરશાહ  અને કાબુલનો બાદશાહ કામરાન. જે તેનો સગો ભાઈ હતો 

 

 ઈ.સ ૧૫૪૨ના નવેમ્બરની ૨૩મી તારીખે ઉમરકોટમાં અકબરનો જન્મ થયો. ગુજરાતનો બહાદુરશાહ ,બંગાળનો શેરશાહ અને હુમાયુ આપસમાં સત્તા માટે લડતા હતા. ઉદયસિંહે પોતાના રાજ્યની સુસંગઠિત કરવા પાછળ ધ્યાન આપ્યું.

 

 મેવાડની અવદશા માટે કોણ દોષિત ?

     મેવાડના મહારાણાઓએ મહાન કૃષ્ણભક્ત મીરાંબાઈને પુષ્કળ દુ:ખી કર્યા હતા.  અપમાન, જુલ્મ અને સત્તાની સતામણી પામ્યા પછી એ સંત આત્માએ મેવાડ છોડી દીધું હતું.

   જનવાણી એવી હતી કે, સંતને દુભવ્યાથી મેવાડના રાજકૂળ પર આફત આવતી રહી છે. ” જયમલજી, મીરાબાઈને મેવાડમાં ફરીથી બોલાવી અમારા અપરાધ બદલ ક્ષમા માંગીએ તો જ મેવાડમાં રાજવંશની ચડતી થાય.”

 

     મેવાડી મહાજનના પાંચ પ્રતિનિધિઓ અને રાઠોડ જયમલજી, જેઓ મીરાંબાઈના નાનપણના મિત્ર અને દૂરના ભાઈ હતા દ્વારકા ઉપડ્યા. પાછા ફર્યા ત્યારે મીરાંબાઈ તો ન આવ્યા. પરંતુ મહારાણાને ક્ષમા આપી આશીર્વાદ આપ્યા હતા.

      મેવાડના ત્રણ-ત્રણ મહારાણાઓ રતનસિંહ, વિક્રમાદિત્ય અને વનવીરથી ઉપેક્ષિત થયેલાં સંત મીરાબાઈના હૃદયને ઉદયસિંહે આદર આપી,આશિર્વાદ મેળવ્યા હતા આ ને એનો પ્રત્યાઘાત પ્રજામાં પણ સારો પડ્યો આ ઘટના પછી રાણા ઉદયસિંહ માટે પ્રજાની માં માન્યતા બદલાઈ ગઈ.

       “મહારાણાજી, સિંધમાં આરબો અને પંજાબમાં પઠાણો સાડા ત્રણસો વર્ષથી પગડંડો જમાવીને બેઠા છે. આને પૂરેપૂરો લાભ શેરશાહ લઈ રહ્યો છે.”

 

           બીજે દિવસે સમાચાર આવ્યા હતા. ચિત્તોડગઢ પર આક્રમણ લઈ આવે છે.  એની પાસે વિશાળ સેના હતી.

         મહારાણા ઉદયસિંહ માટે તો પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવું હતું. મેવાડ આ યુદ્ધ માટે જરાયે  તૈયાર ન હતું. એની પાસે માણસોની કમી હતી. ધનભંડાર તળિયાઝાટક હતો. આવા કપરા સમયે જો યુદ્ધ ખેલવામાં આવે તો હાર તો નિશ્ચિત હતી જ. સાથે યુદ્ધનો ઘા મર્માંતક નીવડે અને કદાચ ચિત્તોડગઢ કાયમને માટે પોતાની હસ્તી ગુમાવી દે તેવો ભય ઉભો થયો હતો.  

        આથી મહારાણા ઉદયસિંહે સમાધાનની ભૂમિકા રચવા માંડી. મહારાણા તરફથી  સમાધાનની વાત આવતા શેરશાહ પણ ખુશ થયો. એને તો આગળ વધવા માર્ગ  જોઈતો હતો. કારણકે ચિત્તોડ સાથે લડવાના મૂળમાં જ ન હતો. સામે ચોમાસુ આવી રહ્યું હતું. તે આ પ્રદેશની બહાર સેના ને લઈ જવા માંગતો હતો.

 

     પછીથી ચિત્તોડગઢને જોઈ લઈશું. હાલ તો પોતાના બે અધિકારી અને થોડા સૈનિકો ચિત્તોડગઢમાં રહે અને તેમની સર્વ વ્યવસ્થા મેવાડ તરફથી થાય એવું ગોઠવીને શેરશાહ આગળ વધ્યો.

           છેલ્લા ચાર વર્ષ દરમિયાન મહારાણા ઉદયસિંહે ચિત્તોડગઢ ની પરિસ્થિતિનો અભ્યાસ કરી લીધો હતો.  તેઓ જાતે વધુ વખત ચિત્તોડગઢની બહાર જ રહેતા હતા,  એમના વફાદાર કિલ્લેદાર દ્વારા જ ચિત્તોડગઢની વ્યવસ્થા થતી હતી.

            મહારાણા ચિત્તોડગઢની અસલામતી જોઈ રહ્યા હતા ચિત્તોડની ચારેબાજુ મેદાન આવેલું હતું.  દિલ્હીથી, આગ્રાથી આ સ્થળ ઘણું પાસે ગણાય. શાસન ચિત્તોડગઢ પર વારંવાર આક્રમણ કરતું હતું. બાબરે પાણીપતના મેદાનમાં તોપોનો ઉપયોગ કર્યો એટલે કિલ્લાઓની વજતા સ્વચ્છતા ઘટવા માંડી હતી. આટલી ભૂમિકા પછી તેઓ મેવાડની રાજધાની કોઈક સલામત સ્થળે બનાવવા વિચારતા હતા.

 

                 મહારાણાના મનથી તો ચિત્તોડગઢને રાજધાની તરીકેનીં મહત્તા ક્યારની એ ગુમાવી દીધી હતી. મહારાણા કુંભલગઢને વિશેષ મહત્વ આપતા હતા. આથી જ તેમણે ચિત્તોડગઢના કિલ્લેદારને  શેરશાહની શરતો માન્ય કરવાનો આદેશ આપ્યો હતો. તેઓ દીર્ઘદ્રષ્ટિવાળા હતા. રાજકીય હિલચાલો ચિત્તોડગઢની બહાર થવા માંડી. જગત આખું જ્યારે ચિત્તોડગઢને ગોહિલોતવંશની રાજધાની તરીકે મહત્વ આવતું હતું ત્યારે સ્વયં મહારાણાએ તેનું મહત્વ ઘટાડી, ધીરે ધીરે નવો મોરચો ખેલવાની દીર્ઘદ્રષ્ટિ બતાવી એ ખરેખર નવો જ અભિગમ હતો.

 

      માત્ર એક જ વર્ષમાં પરિસ્થિતિએ  અચાનક પલટો ખાધો.

ઈ.સ ૧૫૪૫ની સાલ હતી. શેરશાહ દિલ્હીનો શહેનશાહ હતો.  માળવા,પંજાબ ,બિહાર અને રાજપુતાના એની આણ હેઠળ હતા.

     તે કલિંજરનો કિલ્લો જીતવા રોકાયો હતો.

કલિંજર જીતાય એટલે તેની વિજયમાળામાં એક મણકો વધુ ઉમેરાય.

 

રણથંભોર જીતવાથી શેરશાહ પોરસાઈ ગયો હતો.

***

કલિંજરનો કિલ્લો ઘણો મજબૂત છે. “એને જીતવો મુશ્કેલ છે. શેરશાહ ના સેનાપતિ ઈનાયતખાને કહ્યું.

 “ શેરશાહ નો જાદુ જ આ છે. એ મુશ્કિલ કામને સરળ કરવા જાણે છે. હું કલિંગર કોઈ પણ ભોગે જીતવા માગું છું. મારી પાસે અનેક યુક્તિ પ્રયુક્તિઓ છે. હું સ્વયં યુધ્ધના મેદાનમાં તે અજમાવીશ.

    “ જી આપ શા માટે તકલોફ લો છો. અમે આપના આદેશ પર જાણ કુરબાન કરવા માટે હાજર છીએ.”

“સેનાપતિ , તમારો બાદશાહ જંગે મેદાન મા સ્વયં લડવામાં પોતાનું ગૌરવ સમજે છે.”

યુધ્ધ જુસ્સા ભેર ચાલ્યું. શેરશાહ યુધ્ધમાં આવી ગયો એટલે સેના બમણા ઉત્સાહ થી લડતી હતી.

કલિંગર ના બન્ને તોપચી અકળાયા. તોપચી એ સાથીદારને કહ્યું. ભાઈ, શેરશાહ આ ઝડપ થી લડતો રહ્યો  તો કલિંગર ખતમ થઈ જશે.

  ના , કલિંગર નો કમાલ બતાવવો પડશે.

 

‘ તું એમ કર પહેલાં તોપ ના ગોળા અંધાધૂંધ દક્ષિણ દિશા તરફ ફેક. પછી શેરશાહ તરફ  , સમજ્યો.

એવામાં એક સિપાહી આવીને તોપચીના કાન કાંઈ કહી ગયો. તોપચી હસ્યો., અબ બચકર કહાં જાએગા

           એણે હોઠ કરડ્યા આંખો લાલ કરી  

પૂરતા જુસ્સાથી નિશાન લીધું. ગોળો વછૂટયો અને ધડામ અવાજ થઈ ગોળો બરાબર શેરશાહનો દારૂગોળો હતો તે તંબુ ઉપર પડ્યો. શેરશાહ અને ઘણા સૈનિકો એ દારૂખાનમાં લાગે લી આગમાં સપડાયા।  

 

           રાત્રિના ઠંડા પહોરે, અચાનક દારૂગોળો ફૂટ્યો. સાહસિક બાદશાહ આગળ ધસી ગયો. કમનસીબે તે ખૂબ દાઝ્યો,

           થોડા દિવસો દર્દ સહન કરીને તેણે આ નશ્વર જગત છોડ્યું.

           મેવાડ અને મારવાડના સરદારોએ શેરશાહના અધિકારીઓ કટકને તગેડી મૂક્યું. હવે બન્ને આઝાદ થઈ ગયા.

           મહારાણા ઉદયસિંહની દૂરંદેશીથી એક યુદ્ધ આપણે ટાળી શક્યા છીએ.” રાજપુરોહિતે  કહ્યું.

    હું માનું છું કે, યુદ્ધમાં નિર્ણયો ભાવનાવશ લેવામાં ન આવે. હવે એક સ્થાન માટે આખા પરિણામની બાજી લગાવી દેવામાં શાણપણ નથી. કોઈ એક મોરચે થયેલી હાર એ સમગ્ર યુદ્ધ હારી જવા જેવી નથી. સંગ્રામ શરૂ થયા પછી પરિસ્થિતિ જ રાજનીતિ નક્કી કરે છે, તે જ સર્વોપરી રહે છે.  હાર સ્વીકારવી એ મેવાડી પરંપરા વિરુદ્ધ હોવા છતાંય આને હું અને મારા સાથીઓ એ આવશ્યક માની. અમારે મેવાડને બચાવવું હતું ભલે બદલામાં અમને ભવિષ્ય કાયર કહે, તિરસ્કાર કરે, લાંછન ભલે મળે પરંતુ મેવાડ અને ચિત્તોડ બચી ગયાં એ મારે મન મોટો લાભ છે.”

           મહારાણાના વિચારોને તાળીઓથી વધાવી લેવામાં આવ્યા. શેરશાહના વંશધરોએ ચિત્તોડગઢ તરફ આંખ સુધા ફેરવી નહીં. આ દરમિયાન મહારાણા ઉદયસિંહે સૈન્ય વધારવા, સંગઠન સાધવા અને મેવાડની આર્થિક સમૃદ્ધિ વધારવાના ઉપાયો યોજવા માંડયા.

     પુરાણી પરંપરાઓને નવા સંદર્ભમાં તપાસવા માંડી. નિડર મહારાણા બીનજરૂરી પરંપરાઓને  હટાવવામાં સહેજ પણ અચકાતા નહીં.

 

 

           જો રાજધાની જીતી લેવામાં આવે તો રાજ્ય હાર્યું ગણાય. આ પ્રથાના સંદર્ભમાં તેમણે ચિત્તોડગઢની ચકાસણી કરી. ચિત્તોડ હવે તેની કમજોરીને કારણે હારતું હતું.  ચિતોડની ચારેબાજુ આવેલ મેદાનને ઘેરો ઘાલવામાં આવે તો ચિત્તોડગઢ ક્યાં સુધી ટકી શકે? આ વિચાર મેવાડની નવી રાજનીતિનો આધાર બની ગયો, રાજપુતોની રણનીતિમાં આ નવી પરિસ્થિતિ હતી. નવો અભિગમ હતો.  

           આથી જ મહારાણા ઉદયસિંહે મેવાડનું, સંગઠન ખુબ જ કરકસર અને ક્રાંતિકારી નવીન સિદ્ધાંતો પર કર્યું. દેશ અને ધર્મ પ્રત્યેના ખ્યાલો ધ્યાનમાં રાખી જનતા સાથે વર્તાવ કરવા માંડ્યો. પ્રજાકલ્યાણના કામોમાં પ્રજાની ઈચ્છા અને આકાંક્ષાને સર્વોપરિ સ્થાન આપ્યું. સેનામાં બધા વર્ગના યુવાનોને ભરતી થવાનું ઇજન તેમણે આપ્યું.  આમ સૈનિકસેવા દેશસેવાનું જાગૃત પ્રતીક બની ગઈ. સુવ્યવસ્થિત શાસન અને મજબૂત સંગઠન વાળી સેના તૈયાર કરી.

       ”શૂન્ય માંથી સર્જન કરવાનું કપરું કાર્ય મહારાણા ઉદયસિંહે ઉપાડયું છે એ જ મોટું સાહસ છે. તેઓ સાહસિક જીવન જીવવામાં માને છે.”

     બદનૌરના સ્વામી જયમલ રાઠોડ બોલ્યા.

”આદર્શ અને વાસ્તવમાં ઘણો ફર્ક છે. પરિસ્થિતિનો તકાદો સ્વીકારીને ઓછામાં ઓછી હાનિ થાય એવા નિર્ણયો હવેના યુદ્ધનિષ્ણાતો લેતા હોય છે. મેવાડના મહારાણા આ ગહન સત્ય સમજી ગયા લાગે છે.” રાજપુરોહિત બોલ્યા.

           ”ઉદયસિંહ મેવાડની રાજનીતિને નવો વળાંક આપશે.  તે મેવાડની ભલાઈ ચાહે છે. શત્રુઓથી સાવધ પણ છે. આંધળું સાહસ કરી સર્વનાશનો માર્ગ લેવાની ભૂલ તેઓ નહીં કરે. મને એની દૂરંદેશી પર પૂરો ભરોસો છે. ત્યારે તો સમગ્ર હિન્દુસ્તાન અંધાધૂંધીની આગમાં સપડાયેલું છે. સૌ શક્તિશાળી રાજ્યો દિલ્હીની ગાદી પર બેસવા લાલાયિત છે. ત્યારે મહારાણા ઉદયસિંહ મેવાડને મજબૂત બનાવવા જે કાર્ય કરી રહ્યા છે તે ખરેખર પ્રશંસનીય છે.” કોમલમેરના સ્વામી આશાશાહ બોલી ઉઠ્યા,