Prem - Nafrat - 84 books and stories free download online pdf in Gujarati

પ્રેમ - નફરત - ૮૪

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૮૪

આરવને નવાઈ લાગી રહી હતી અને એ વાતનો આંચકો અનુભવી રહ્યો હતો કે આ એ જ લખમલભાઈ છે જે પોતાના ધંધા માટે એકદમ જાગૃત હતા. હવે ધંધાથી એકદમ અલિપ્ત થઈ ગયા છે. વર્ષોની મહેનતથી ઊભા કરેલા સામ્રાજ્યના એક ભાગને બીજાના હાથમાં ગીરવે મૂકતાં એમનું કાળજું કંપી રહ્યું નથી. એમનું વર્તન નવાઈ પમાડે એવું જ નહીં વિચિત્ર લાગી રહ્યું છે. એમણે સલાહ આપવાનો જ ઇન્કાર કરી દીધો છે. એક જમાનામાં મોબાઇલના ધંધામાં એમણે જે શાખ ઊભી કરી હતી એની અત્યારે શું સ્થિતિ છે એની ચિંતા કરી રહ્યા નથી. કેટલી સ્વાભાવિક્તાથી એમણે કહી દીધું કે,કંપની તારી છે. તું ગીરવે મૂકી શકે છે...મતલબ હવે એમને કંપની સાથે કોઈ લેવાદેવા જ નથી?

આરવ ફરી અભિપ્રાય લેવા બોલ્યો:પપ્પા, કંપની ભલે મારી હોય પણ એ તમારી ધરોહર છે. એને મારે સાચવવાની છે. તમારા માર્ગદર્શનમાં હું એને વધુ ઊંચાઈ પર લાઇ જવા માગું છું. તમે વડીલ છો. તમારા અભિપ્રાયની મારે મન મોટી કિંમત છે.

લખમલભાઈ મંદ મંદ મુસ્કુરાઈને બોલ્યા:બેટા, હવે તું ધંધાને સંભાળવાને લાયક થઈ ગયો છે. તને સારો અનુભવ છે. તું ખોટો નિર્ણય લઇશ નહીં. તું કંપનીના હિતમાં જ નિર્ણય લઇશ. કોઈ પોતાના પગ પર થોડું કુહાડી મારવાનું હતું? હું હવે નિવૃત્ત થઈ ગયો છે. મને આ ધંધાની માયા રહી નથી.

આરવને થયું કે લખમલભાઈ એમની જગ્યાએ સાચા હશે પણ એમના શબ્દોમાં ક્યાંક વ્યંગ તો નથી ને? પોતે પહેલાં કંપનીને બે ભાગમાં વહેંચાતી જોઈ અને હવે ગીરવે મૂકવા પર આવી ગયો છે. આવતીકાલે રસ્તા પર આવી ગયો તો? પિતાની આટલા વર્ષોની મહેનત પાણીમાં નહીં જાય ને?

બહુ વિચાર ના કરીશ. જે નિર્ણય ઠીક લાગે તે લઈ લેવાનો. ગીરવે મૂકવા મારી કોઈ મદદની જરૂર હોય તો કહેજે... ઘણા ઓળખીતા છે.લખમલભાઈ ઠંડા કલેજે બોલ્યા અને ગીરવે મૂકવા એક ઓળખીતાનું નામ સરનામું પણ આપ્યું.

આરવને એમ લાગ્યું કે એણે જે નિર્ણયો લીધા એ બહુ વિચાર કર્યા વગર લીધા નથી એવો એમના શબ્દોનો અર્થ થઈ શકે છે. એમણે મારા વિચારોનો ક્યારેય વિરોધ કર્યો નથી. મને મદદ કરવાની ભાવના જ રાખી છે. એ બોલ્યો:સારું પપ્પા, હું રચના જોડે ચર્ચા કરીને છેલ્લો નિર્ણય લઈ લઇશ.

રાત્રે જમીને પોતાના બેડરૂમમાં આરવે દબાતા સૂરે કહ્યું:રચના, આપણે કંપનીને ગીરવે મૂકીએ તો એમાં ભવિષ્યમાં કોઈ વાંધો નહીં આવશે ને?’

મને તો લાગે છે કે આ સિવાય આપણી પાસે બીજો કોઈ માર્ગ નથી. અને પહેલો મોબાઈલ લોન્ચ કર્યો એમાં સફળતા મળી જ છે. બીજામાં આપણે વધારે સફળ થઈશું.રચના બાજી ગોઠવતા બોલી.

મેં એક વડીલ મિત્રને મળીને એમની સલાહ લીધી ત્યારે એમણે કહ્યું કે તું ધંધામાં પુખ્ત થઈ ગયો છે. તું યોગ્ય જ નિર્ણય લઇશ. અને એમણે કંપની ગીરવે મૂકવા પોતાના ઓળખીતા વિશે માહિતી આપી છે. આપણે એમને આવતીકાલે મળી લઈએ.આરવે પિતાનું નામ આપ્યા વગર કહ્યું.

રચના મનોમન એ વાત પર હસીણે બોલી કે હું એટલી ગાંડી નથી કે આ સલાહ લખમલભાઈએ આપી હશે એનો ખ્યાલ ના આવે. એ વડીલ મિત્ર તારા પપ્પા જ હોય શકે. મને ખબર છે કે તું પિતાનો લાડકો છોકરો રહ્યો છે. પણ મને એ સમજાતું નથી કે હું એમની ઘોર ખોદી રહી છું અને એ જ મને આડકતરી રીતે સહકાર આપી રહ્યા છે. આ ઈશ્વરનો જ ન્યાય છે કે શું? હું બદલો લેવા આવી છું. મારે તો આ કંપની સાથે નહાવા નીચોવવાનું કંઇ જ નથી. બધું એમનું જ છે અને સ્વાહા કરી રહી છું! અને એ મને સહકાર જ આપી રહ્યા છે. કહે છે ને કે ઘણી વખત માણસની મતિ મારી જાય છે! આ એવો જ કિસ્સો છે! દીકરો જ નહીં બાપ પણ કહી રહ્યો છે કે આવ પહાણા પગ પર પડ!

ક્રમશ: