Reshmi Dankh - 15 in Gujarati Thriller by H N Golibar books and stories PDF | રેશમી ડંખ - 15

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

Categories
Share

રેશમી ડંખ - 15

15

મુંબઈ-પંચગીની વચ્ચે આવેલા કૈલાસકપૂરના ફાર્મહાઉસ પર, વનરાજ વેનમાંથી ઊતર્યો એ પછી રાજવીરે વેનના દરવાજાને લૉક લગાવી દીધા હતા. ચાલીસ કરોડ રૂપિયાના હીરા અને દસ કરોડ રૂપિયા રોકડા તેણે વેનમાં જ રહેવા દીધા હતા અને વેનની ચાવી પોતાની પાસે રાખી લીધી હતી.

અત્યારે વનરાજ બે હાથ અદ્ધર કરીને ફાર્મહાઉસ તરફ તો ઊભો હતો, ને રાજવીર વનરાજની પીઠ પાછળ-વનરાજ તરફ રિવૉલ્વરની અણી તાકેલી રાખીને ઊભો હતો. રાજવીર ફાર્મહાઉસ તરફ જોઈ રહ્યો હતો. થોડાક કલાક પહેલાં રાજવીર આ ફાર્મહાઉસનું નિરિક્ષણ કરવા આવ્યો, ત્યારે પણ ફાર્મહાઉસ સૂમસામ દેખાતું હતું ને અત્યારે પણ આ ફાર્મહાઉસ સૂનું જ ભાસતું હતું.

અત્યારે અંદર કૈલાસકપૂરના બે આદમીઓ, ભુવન અને બલ્લુ તેની મા સુમિત્રા અને નતાશાને કેદ કરીને બેઠા છે, એ વાતથી રાજવીર બિલકુલ અજાણ હતો.

‘ચાલ ! દરવાજા પાસે પહોંચ.' રાજવીરે વનરાજને હુકમ આપ્યો, એટલે વનરાજ ફાર્મહાઉસના મેઈન દરવાજા પાસે પહોંચ્યો.

‘હવે દરવાજો ખોલ !' રાજવીરે કહ્યું.

‘પણ...’

‘...પણ શું ? !' રાજવીર તાડૂકો : ‘તારી પાસે ચાવી નથી એમ કહેવા માગે છે ? ! મને મૂરખ બનાવવાનો પ્રયત્ન ન કર. કૈલાસકપૂરે તને આ ફાર્મહાઉસની એક ચાવી આપી રાખી છે, એ હું જાણું છું. દરવાજો ખોલ...,' અને આ કહેવાની સાથે જ રાજવીરે વનરાજને લાત મારી.

વનરાજનું માથું દરવાજા સાથે ટકરાયું. જિંદગીની આ પહેલી લાત ખાતાં જ વનરાજ છંછેડાયો. એણે રાજવીર તરફ જોયું, પણ રાજવીરના હાથમાં પકડાયેલી રિવૉલ્વર પર નજર પડતાં જ એની નજર ઝૂકી ગઈ. એણે પોતાના કોટના ખિસ્સામાંથી ચાવી કાઢીને, દરવાજાના લૅચ-કીવાળા લૉકમાં ભેરવી અને ચાવી ફેરવીને લૉક ખોલ્યું. ચાવી પાછી કાઢીને એણે દરવાજાને ધકેલીને ખોલ્યો.

‘અંદર જા.’ રાજવીરે હુકમ આપ્યો. વનરાજ ફાર્મહાઉસની અંદર દાખલ થયો.

‘રૂમની બરાબર વચ્ચે જઈને ઊભો રહે.' રાજવીરે હુકમ આપ્યો, એટલે વનરાજ રૂમની વચમાં પહોંચીને-રાજવીર તરફ પીઠ કરેલી રાખીને જ ઊભો રહ્યો.

રાજવીર હાથમાં રિવૉલ્વર સાથે, સાવચેતીપૂર્વક અંદર દાખલ થયો. આ સાથે જ તેના નાકમાં કૉફીની સુગંધ પ્રવેશી. ‘...આનો મતલબ શું ? ! શું અંદર કોઈ હાજર હતું ? !' વિચારતાં રાજવીરે આસપાસમાં ઝડપી નજર દોડાવી. કોઈ દેખાયું નહિ અને કોઈ હાજર હોવાનો અણસાર પણ વર્તાયો નહિ.

આ વિશે અત્યારે ઝીણવટથી તપાસ કરવાનો સમય નહોતો, એટલે આની તપાસ કરવાનો વિચાર પડતો મૂકીને રાજવીરે વનરાજ તરફ જોતાં પૂછ્યું : ‘ૉપટોપની બેગ કયાં છે ?'

‘હું તને કયારનો કહી રહ્યો છું કે, અહીં નથી.' વનરાજે કહ્યું, એટલે ‘ઠીક છે !' કહેતાં રાજવીર બિલ્લી પગલે વનરાજની નજીક પહોંચ્યો અને એની કમરે જોરદાર લાત ઝીંકી દીધી.

વનરાજ વળ ખાઈને જમીન પર પડયો.

‘ચાલ !' રાજવીરે ઢોરને મારતો હોય એવા તિરસ્કાર

સાથે વનરાજને લાત મારતાં ફરી હુકમ કર્યો : ‘લૅપટોપની બેગ બતાવ.' ‘ઉપર.., ' વનરાજ પરાણે બોલી શકયો : '...

કૈલાસકપૂરના બેડરૂમની તિજોરીમાં છે.’

‘સમય બગાડવાના પેંતરા ન કરીશ, વનરાજ, નહિતર...' રાજવીરે બાકીના શબ્દો રિવૉલ્વરની અણી બતાવતાં પૂરા કર્યા : ‘...આની એક જ ગોળીથી તારી જિંદગીનો સમય સમેટાઈ જશે.’

‘હું સાચું જ કહું છું.’ વનરાજે એ જ રીતના જમીન પર પડયા-પડયા કહ્યું : ‘લૅપટોપની બેગ કૈલાસકપૂરના બેડરૂમની તિજોરીમાં જ છે.’

‘તો ઊઠ ચાલ.’ અને રાજવીરે વનરાજને બૂટની નોક મારી.

વનરાજ ઊભો થયો અને સીડી તરફ આગળ વધ્યો. ‘ઝડપથી ચાલ, બદમાશ !' રાજવીરે કહ્યું, એટલે સ્વિચ દબાવતાં જ મશીનની ઝડપ વધે, એમ વનરાજની ચાલવાની ઝડપ વધી ગઈ.

રાજવીર એની પાછળ ચાલ્યો. રાજવીર રસોડા પાસેથી પસાર થયો, ત્યારે તેના નાકમાં ફરી કૉફીની સુગંધ ભરાઈ. ‘આનો મતલબ કે જરૂર અહીં કોઈ હાજર હતું.’ તેણે બેચેની અનુભવી. આ વખતની તેની બેચેની થોડી વધારે હતી. પણ ‘ખરેખર જ અહીં કોઈ હાજર હતું,' એવી તેની આ શંકાનું સમાધાન કરવા જેટલો સમય તેની પાસે નહોતો. તે વનરાજની પાછળ-પાછળ સીડી ચઢીને ઉપરના માળે પહોંચ્યો.

વનરાજ સામેના રૂમ તરફ આગળ વધ્યો, એટલે રાજવીર પણ વનરાજની પાછળ ચાલ્યો, અને ત્યારે રાજવીરને એ ખબર નહોતી કે, ડાબી બાજુના છેલ્લા રૂમમાં અત્યારે તેની મા સુમિત્રા અને નતાશા, બલ્લુની રિવૉલ્વરની અણીએ ચુપચાપ બેઠી હતી.

રાવી વનરાજની પાછળ-પાછળ કૈલાસકપૂરના બેડરૂમમાં દાખલ થયો. તેણે બેડરૂમનો દરવાજો જાણી જોઈને ખુલ્લો રહેવા દીધો. તેણે રૂમમાં નજર ફેરવી. રૂમમાં તિજોરી દેખાઈ નહિ. શું વનરાજ જુઠું બોલીને સમય વેડફી રહ્યો હતો ?!

‘કયાં છે, તિજોરી, વનરાજ !' રાજવીરે દાંત કચકચાવતાં પૂછ્યું.

‘કેમ ? તને ખબર નથી ?’ વનરાજે કહ્યું : ‘હું તો માનતો હતો કે, તું બધાં ભેદ જાણતો હોઈશ.' ‘ખોટું ડહાપણ કર્યા વિના તિજોરી કયાં છે ? એ જલદી

ભસી મર !'

‘તિજોરી આ બુકશેલ્ફ પાછળ છે !' વનરાજે જમણી બાજુ આવેલા બુકશેલ્ફ તરફ આંગળી ચીંધતાં કહ્યું.

રાજવીરે જોયું, એ બુકશેલ્ફમાં પુસ્તકો ગોઠવાયેલા હતા. ‘બુકશેલ્ફ હટાવ.’ રાજવીરે કહ્યું.

વનરાજ બુકશેલ્ફ પાસે પહોંચ્યો. એણે બુકશેલ્ફમાં ગોઠવાયેલા પુસ્તકોમાંથી ‘લાઈફ લાઈન' ટાઈટલવાળું પુસ્તક ખેંચી કાઢયું અને એ સાથે જ શેલ્ફ સ્લાઈડરની જેમ એક તરફ સરકી ગયું, અને પાછળ દીવાલમાં જડાયેલી મોટી-લોખંડી તિજોરી દેખાઈ.

તિજોરી જોતાં જ રાજવીરને વનરાજ પર વિશ્વાસ બેસવા લાગ્યો. રાજવીરને થયું કે, થોડોક માર પડવાથી વનરાજની શાન ઠેકાણે આવવા લાગી હતી.

‘વનરાજ !’ રાજવીરે કહ્યું : ‘તિજોરી ખોલ !’

‘આ તિજોરીનું તાળું નંબરવાળું છે.' વનરાજ બોલ્યો : ‘મને કયા નંબરથી તિજોરી ખૂલે છે એની ખબર નથી.’

‘વનરાજ ! આટલી લાતો તો તે ખાધી, પછી શા માટે તું વધુ માર ખાવાની ઈચ્છા રાખે છે ?! તું તિજોરી ખોલવાનો નંબર નહોતો જાણતો તો પછી તે લૅપટોપની બેગ અંદર મૂકી કેવી રીતે ? !'

‘...પણ રાજવીર ! લૅપટોપની બેગ અંદર છે જ નહિ...’

‘હવે તું તિજોરી ખોલ છે કે, હું રિવૉલ્વરનો ઘોડો દબાવી દઉં.’ અને રાજવીરે વનરાજના કપાળનું નિશાન લીધું : “તને મારીને પછી હું મારી રીતના તિજોરી ખોલી...'

‘ના-ના, ખોલું છું..,’ વનરાજ ગભરાટભેર બોલી ઊઠયો : ‘...હું તિજોરી ખોલું છું. તું મને મારીશ નહિ.' અને વનરાજ તિજોરીના લૉકના નંબરો મિલાવવા લાગ્યો.

એક-બે-ત્રણ-ચાર પળ અને ખટ્ કરતાં તિજોરીનું લૉક ખૂલ્યું.

રાજવીર જોઈ રહ્યો. વનરાજે તિજોરી ખોલી.

તિજોરીના ઉપરના ખાનામાં લૅપટોપની બેગ પડી હતી. એની પાછળ તેમ જ બીજા ખાનાઓમાં નોટોના બંડલો, સોના- ચાંદીની પાટો અને હીરાની કીમતી જ્વેલરી પડી હતી.

‘ચાલ !' રાજવીરે કહ્યું : “લૅપટોપની બેગ કાઢીને ટેબલ પર મૂક અને પછી થોડેક દૂર જઈને ઊભો રહે.'

વનરાજે રાજવીરના હુકમનો અમલ કર્યો. એણે તિજોરીમાંથી લૅપટોપની બેગ કાઢી અને ટેબલ પર મૂકીને એક બાજુ ઊભો રહ્યો.

રાજવીરે વનરાજ કોઈ ચાલાકી ન કરે એની તકેદારી સાથે ન્ લૅપટોપની બેગ ખોલી. એમાંથી લૅપટોપ કાઢયું અને ટેબલ પર મૂકીને લૅપટોપ ચાલુ કર્યું. તેણે એક હાથે રિવૉલ્વરની અણી વનરાજ તરફ તાકેલી રાખતાં, બીજા હાથે લૅપટોપમાંની ફાઈલો ખોલી-ખોલીને એમાં જોવા માંડયું.

આ કૈલાસકપૂરનું જ લૅપટોપ હતું. આમાં કૈલાસકપૂર તેમજ એના સાથીઓ બાદશા, ડેની અને કાબરાના બે નંબરના હિસાબ-કિતાબ હતા. એ બધાં હિસાબ-કિતાબ ઈન્કમટેક્ષવાળાના હાથમાં પડે તો કૈલાસકપૂર, બાદશા, ડેની અને કાબરા સામે કેસ થાય અને દેશદ્રોહીઓમાં એમની ગણતરી થવા માંડે એમ હતી. તેમ જ આમાં એ ચારેયના એવા કાળા કામોની માહિતી હતી, જે પોલીસના હાથમા પડે તો એ ચારેયની બાકીની જિંદગી જેલમાં જ વિતી જાય એમ હતી.

‘વનરાજ ! આમાં તારું તો કયાંય નામ-નિશાન નથી. તે આમાંથી તારા નામની ફાઈલો મિટાવી દીધી છે, ને ?’ રાજવીરે વનરાજને કહેતો હોય એવી રીતના પૂછ્યું : ‘વેનમાં પડેલા હીરા અને રોકડા રૂપિયા તેમજ તિજોરીમાં રહેલો કૈલાસકપૂરનો આ બધો જ માલ લઈને સિમરન સાથે ભાગી છૂટતાં પહેલાં કૈલાસકપૂરનું આ લૅપટોપ પોલીસને પહોંચાડવાની તારી યોજના હતી ને ? ! જેથી કરીને કૈલાસકપૂર તેમજ એના બાકીના ત્રણેય પાર્ટનર બાદશા, ડેની અને કાબરા જિંદગીભર જેલમાં સડતા રહે અને તું આ ચારેય તારી પાછળ પડશે એના ભય વિના બાકીની જિંદગી સિમરન સાથે જલસા કરી શકે.’

વનરાજે માથું નીચું કરી નાખ્યું. તેનાથી મનોમન રાજવીરને દાદ અપાઈ ગઈ. રાજવીરનું અનુમાન બિલકુલ સાચું હતું. જો કે, હવે એણે આ ભાડૂતી હત્યારા રાજવીરના હાથમાંથી જીવતા બચવાનું હતું !

‘રાજવીર !’ વનરાજે કહ્યું : ‘હવે તને સંતોષ થયો ને ? !’

‘હા.’ રાજવીરે વિજેતાની અદાથી કહ્યું ને પછી ઉમેર્યું : ‘વનરાજ ! તેં અહીં લેપટોપની બેગ છુપાવી હશે, એવી મને કોઈએ વાત કરી નહોતી. મેં મારું મગજ દોડાવીને અંદાજ બાંધ્યો હતો. મને લૅપટોપની બેગ મળ્યાનો તો સંતોષ થયો જ છે, પણ મારું અનુમાન સાચું પડયાનો પણ સંતોષ થયો છે.’

‘...તો હવે તું વાટ કોની જુએ છે ? !' વનરાજે કહ્યું : ‘તું ચાલીસ કરોડના હીરા, દસ કરોડ રોકડા અને આ લૅપટોપની બેગ.., તેમજ ઈચ્છે તો તિજોરીમાં રહેલો બધો જ માલ સમેટીને, તું વેનમાં અહીંથી નીકળી જઈ શકે છે.' વનરાજે આગળ કહ્યું : ‘તું મને અહીં-આ રૂમમાં પૂરીને નીકળી જા. હવે તારે અહીં થોભવાની બિલકુલ જરૂર નથી.'

‘છે, જરૂર છે.’ રાજવીરે કહ્યું : “મારું એક અનુમાન સાચું પડયું, પણ બીજું અનુમાન સાચું પડે છે કે, નહિ ? એ જોવા માટે મારે અહીં રોકાવું પડે એમ છે.’

‘બીજું અનુમાન...? !’ વનરાજે મૂંઝવણ સાથે પૂછ્યું.

હા, તું નિરાંતે બેસ, વનરાજ !' રાજવીરે રિવૉલ્વર હલાવતાં કહ્યું : ‘થોડીક વારમાં તને મારા બીજા અનુમાનનો પણ ખ્યાલ આવી જશે.’

વનરાજના ચહેરા પર બેચેની આવી ગઈ. ‘તું મને કહે, તું શા માટે રોકાયો છે ? !' વનરાજે ફરીથી એનો એ જ સવાલ દોહરાવ્યો. હવે વનરાજ પરસેવે રેબઝેબ થઈ ગયો હતો. રાજવીરના રૂપમાં એને યમદૂત દેખાતો હોય એમ એની આંખો પહોળી થઈ ગઈ હતી.

રાજવીરને એની દયા આવતી હતી. ‘હું...!' રાજવીરે ધડાકો કર્યો : ‘હું સિમરનની વાટ જોઈ રહ્યો છું.’

‘સિમરનની ! ? !’ વનરાજે આશ્ચર્ય ને આંચકો વ્યક્ત

કર્યો : ‘હું સમજ્યો નહિ, રાજવીર ! શું સિમરને તને અહીં

આવવાનું વચન આપ્યું છે ? !'

વનરાજ ! હવે આ નાટક કરવાનો કોઈ અર્થ નથી.' રાજવીર બોલ્યો : ‘હું બધું જ જાણું છું. તે સિમરન મારફત મને તારા આ કાવતરામાં સંડોવવાનો પ્રયત્ન કર્યો. તું મને કઠપૂતળીની જેમ નચાવવા માગતો હતો, પણ હું મૂરખ નથી. સિમરનના વર્તન પરથી મને શંકા જતી જ હતી. અલબત્ત, સિમરન પાછળ તું હોવાની મને ખાતરી થઈ ત્યાર સુધીમાં અંધારી આલમના જાસૂસ અને મારા પિતાના દોસ્ત જગ્ગી અને એની પત્ની માયાનો તારા હાથે જીવ ગયો, એનો મને બેહદ અફસોસ છે.'

‘... મને... મને પણ મેં જે કંઈ કર્યું એનો ખૂબ જ અફસોસ થઈ રહ્યો છે.’ વનરાજે ગળા નીચે થૂંક ઊતારતાં કહ્યું : ‘મને લાગે છે કે, મેં આ બધું કરીને ખૂબ જ મોટી ભૂલ કરી છે. શું... શું હવે તું મને મારી નાંખીશ ? ! શું તું સિમરનને પણ મારી...'

...મારે કોઈનું ખૂન કરવું નથી.' રાજવીર સચ્ચાઈના રણકા સાથે બોલ્યો : ‘પણ હા, જો તમે લોકો મને ફરજ પાડશો, તો પછી મારે તમારામાંથી કોઈકને મારી નાખવા પડશે અને તો એનો દોષ તમે મને ન આપતા.' રાજવીરે વનરાજને તાકી રહેતાં કહ્યું : ‘ચાલ, હવે, એ કહે.., સિમરન અહીં કયારે આવવાની છે ? !'

‘...અત્યારે કેટલા વાગ્યા ?’

રાજવીરે વનરાજની પીઠ પાછળની દીવાલ પર લાગેલી ઘડિયાળમાં ઊડતી નજર નાખીને કહ્યું, ‘સાંજના સવા છ વાગ્યા છે.'

..તો-તો હવે સિમરન ગમે ત્યારે આવી પહોંચશે.' વનરાજે કહ્યું, અને આ વખતે એની આંખોમાં રાહતની ચમક આવી. વનરાજે રાજવીરની પીઠ પાછળ કંઈક જોવાનો પ્રયાસ કર્યો.

અને રાજવીરને સમજતાં વાર લાગી નહિ કે, “તેની પીઠ પાછળ-બેડરૂમના દરવાજા પાસે કોઈક છે ! ' અને એટલે તે સહેજ ઝૂકી જતાં વીજળીની ઝડપે, હાથમાંની રિવૉલ્વર સાથે દરવાજા તરફ વળ્યો....

……અને બરાબર એ જ પળે દરવાજા પાસે ઊભેલા ભુવને રાજવીર તરફ પોતાના હાથમાંની રિવૉલ્વરની ગોળી છોડી દીધી....

 

(ક્રમશઃ)