Reshmi Dankh - 16 books and stories free download online pdf in Gujarati

રેશમી ડંખ - 16

16

રાજવીર વનરાજ સામે રિવૉલ્વર તાકીને એની સાથે વાત કરી રહ્યો હતો, ત્યાં જ તેને વનરાજની આંખોમાંની રાહતની ચમક પરથી અંદાજ આવ્યો હતો કે, તેની પીઠ પાછળ-બેડરૂમના દરવાજા પાસે કોઈક છે. અને એટલે રાજવીર સહેજ ઝૂકી જતાં વીજળીની ઝડપે, હાથમાંની રિવૉલ્વર સાથે દરવાજા તરફ વળ્યો હતો, અને બરાબર એ જ પળે દરવાજા પાસે ઊભેલા ભુવને રાજવીર તરફ પોતાના હાથમાંની રિવૉલ્વરની ગોળી છોડી દીધી હતી...

….એ ગોળી રાજવીરના ખભા પરથી પસાર થઈ ગઈ.

રાજવીર બચી ગયો છે, એ જોઈને ભુવન ફરી બીજી ગોળી છોડવા ગયો, પણ રાજવીર તો આવા ખેલનો ઉસ્તાદ ખેલાડી હતો. રાજવીરે ભુવનની બીજી ગોળીથી બચવા માટે ડાબી બાજુ છલાંગ લગાવી દેતાં ભુવન તરફ પોતાની રિવૉલ્વરની ગોળી છોડી દીધી. એ ગોળી ભુવનના હાથમાં વાગી અને ભુવનના મોઢેથી એક ચીસ નીકળવાની સાથે જ એના હાથમાંથી રિવૉલ્વર છટકીને દૂર જઈ પડી.

‘હેન્ડ્ઝ અપ.., નહિતર ગોળી છોડી દઈશ !' રાજવીરે ધમકી આપી, એટલે ભુવન પૂતળું બની ગયો. ને બરાબર આ પળે જ રાજવીરને જમણી બાજુથી સળવળાટ સંભળાયો. ભુવનના આગમને તેને વનરાજથી બેધ્યાન કર્યો હતો, પણ બેખબર કર્યો નહોતો. તેણે જમણી બાજુ જોયું તો વનરાજ તેની પર ત્રાટકતો દેખાયો. તે ડ્રમની જેમ ડાબી બાજુ રગડીને પોતાની જગ્યાએથી સહેજ દૂર હટી ગયો, એટલે વનરાજ ધર્ કરતાં પેટભેર જમીન પર પટકાયો. રાજવીરને ઝડપમાં વનરાજ પહોચી વળે એમ નહોતો. તેણે આંખના પલકારામાં જમીન પર પટકાયેલા વનરાજના માથા પર પોતાના હાથમાંની રિવૉલ્વર ફટકારી દીધી. કોઈ પણ જાતના ઊંહકારા..' વિના વનરાજને બેહોશીમાં સરી જતો જોઈને રાજવીરે ફરી ભુવન તરફ જોયું.

રાજવીર વનરાજ તરફ વળ્યો હતો એ તકનો લાભ લઈને ભુવન અહીંથી ભાગી છૂટવા માટે દરવાજાની બહાર નીકળી ચૂકયો હતો.

‘ભાગીશ નહિ, ભુવન..,' રાજવીર ભુવનની પીઠ તરફ રિવૉલ્વરની અણી તાકતાં-ઉછળીને ઊભો થતાં ચિલ્લાયો : ‘

નહિતર ગોળી છોડી દઈશ.' ગયો. અને આ સાંભળતાં જ ભુવન પોતાની જગ્યા પર થીજી

‘ભુવન..,’ રાજવીરે બેહોશીમાં સરી ચૂકેલા વનરાજ તરફ એક નજર નાખીને, ફરી ભુવનની પીઠ તરફ જોયું, ને આગળ કહ્યું : ‘...તું મને ઓળખે જ છે, મારું કામ જ માણસોને મોતને ઘાટ ઉતારવાનું છે. હું ધારત તો ગોળી તારા હૃદયમાં ઉતારી દેત, પણ મારે એ જાણવું છે કે, તને આ રીતે અહીં કોણે મોકલ્યો છે ? કૈલાસકપૂરે, આ વનરાજે કે પછી કૈલાસકપૂરની પત્ની સિમરને ? !'

પણ તેને જવાબ આપવા રોકાયા વિના ભુવન ડાબી બાજુ વળીને ભાગ્યો ને દેખાતો બંધ થઈ ગયો. રાજવીર લાંબી ફૉંગો ભરતો બેડરૂમના દરવાજા પાસે પહોંચ્યો અને દરવાજાની બહાર નીકળતાં તેણે ડાબી બાજુ જોયું તો ભુવન સીડીના પગથિયાં નજીક પહોંચી ચૂકયો હતો.

હવે રાજવીરે ભુવનના પગ તરફ રિવૉલ્વર તાકીને ગોળી છોડી. ભુવનના જમણા પગમાં ગોળી વાગી, છતાં એ રોકાયો નહિ ને ઝડપભેર સીડી ઊતરવા ગયો, પણ એમાં એ સીડી પરથી નીચેની તરફ ગબડવા માંડયો.

રાજવીરે કૈલાસકપૂરના બેડરૂમના દરવાજાને બંધ કરીને સ્ટોપર લગાવી અને પછી સીડી તરફ દોડયો. તેણે સીડી નજીક પહોંચીને નીચે નજર નાખી તો સીડીના છેલ્લા પગથિયા પાસે ભુવન ઊંધા માથે પડેલો દેખાયો.

રાજવીર સડસડાટ સીડી ઉતરીને ભુવન પાસે પહોંચ્યો. તેણે ભુવનને તપાસ્યો. ભુવન માથું ફૂટવાને કારણે મરણ ને શરણ થઈ ચૂકયો હતો.

રાજવીરે આસપાસમાં નજર દોડાવી. કોઈ દેખાયું નહિ. જોકે, તેનું માનવું હતું કે, આ બંગલામાં ભુવન એકલો નહોતો. ભુવન આ રીતના મોતને ભેટયો ન હોત તો તે ભુવન પાસેથી ભુવન અહીં શા માટે હતો અને અહીં એના બીજા કેટલાં સાથી હતા ? એ વાત ઓકાવી શકયો હોત.

રાજવીરે ભુવનના શર્ટના ખિસ્સામાં હાથ નાંખ્યો. એના હાથમાં કારની ચાવી આવી. એ ચાવી તેણે ખિસ્સામાં મૂકી અને પછી ભુવનની લાશ ઉઠાવીને તેણે બાજુના રૂમમાં મૂકી. પછી એ રૂમનો દરવાજો બંધ કર્યો.

તે પાછો સીડી તરફ આગળ વધ્યો. બંગલામાં સન્નાટો છવાયેલો હતો, છતાં તેનું મન કહેતું હતું કે, બંગલામાં હજુય કોઈક હતું.

તે સીડીના પગથિયા ચઢીને કૈલાસકપૂરના બેડરૂમ પાસે પહોંચ્યો. તે બેડરૂમનો દરવાજો ખોલવા ગયો, ત્યાં જ તેને લાગ્યું કે, ડાબી બાજુના છેલ્લા રૂમ પાસેથી કંઈ સળવળાટ સંભળાયો. તેણે એકદમથી જ એ તરફ રિવૉલ્વરની અણી તાકતાં જોયું. એ તરફ કોઈ દેખાયું નહિ.

જોકે, હવે તેને સમજાઈ ચૂકયું હતું. છેવાડાને એ રૂમમાં ચોકકસ ભુવનના સાથીઓ હતા. પણ તેને આ હકીકતની ખબર પડી ચૂકી છે, એ વાત તે એમને કળવા દેવા માંગતો નહોતો, અને એટલે તેણે અત્યારે એ રૂમ તરફ આગળ વધવાને બદલે કૈલાસકપૂરના બેડરૂમના દરવાજાની સ્ટોપર ખોલી ને બેડરૂમમાં દાખલ થયો.

તેણે જોયું તો હજુ પણ વનરાજ એ રીતના જ બેહોશ પડયો હતો. તેની ગણતરી હતી કે, વનરાજ અડધો-પોણો કલાક પહેલાં હોશમાં આવવાનો નહોતો.

તે બારી તરફ ધસ્યો. તે ડાબી બાજુના છેવાડેના રૂમમાં રહેલા ભુવનના સાથીઓને ઊંઘતા ઝડપવા માંગતો હતો. બારી પાસે પહોંચીને તેણે નીચે નજર નાખી. બારીની ત્રણેક ફૂટ નીચે સળંગ પાળી હતી. એ પાળી ડાબી બાજુના એ રૂમની બારી સુધી પહોંચતી હતી.

રાજવીર રિવૉલ્વર હાથમાં જ રહેવા દઈને બારી બહાર નીકળીને એ પાળી પર આવ્યો. તે બંગલાની દીવાલને દબાઈને- એ પાળી પર ચાલતો ડાબી બાજુના છેલ્લા રૂમની બારી તરફ સરકયો. કોઈ અંગ્રેજી ફિલ્મના એકશન હીરોની જેમ જ એ છેલ્લા રૂમની બારી નજીક પહોંચ્યો, ત્યાં જ તેના કાને અંદરથી સુમિત્રાનો અવાજ સંભળાયો : ‘બલ્લુ ! તારે બહાર જઈને જોવું હોય તો જોઈ આવ કે, તારો સાથી ભુવન કેમ પાછો ફર્યો નહિ ? ! અમે અહીં જ બેઠા છીએ.’

‘ચુપ મર, ડોશી !’ બલ્લુનો ગુસ્સાભર્યો અવાજ આવ્યો. રાજવીરના ચહેરા પર રાહત આવી ગઈ. ‘તો કૈલાસકપૂરે તેની મા સુમિત્રા અને નતાશાને અહીં જ કેદ કરી રાખી છે !' મન સાથે વાત કરતાં તેણે ચહેરો આગળ વધારીને અંદર નજર નાખી.

અંદર પલંગ પર તેની મા સુમિત્રા અને એની બાજુમાં નતાશા બેઠી હતી. જ્યારે બેડરૂમના દરવાજા પાસે બલ્લુ ઊભો હતો અને હાથમાં રિવૉલ્વર સાથે બહાર, કૈલાસકપૂરના રૂમના દરવાજા તરફ જોઈ રહ્યો હતો.

અને બલ્લુ ‘હં, તો આનો મતલબ એ કે, અહીં ભુવન બે જ જણાં છે.’ રાજવીરે વિચાર્યું, ત્યાં જ સુમિત્રા ઊભી થઈ.

‘મા શું કરવા જઈ રહી છે ?’ રાજવીરના મનમાં સવાલ જાગવાની સાથે જ તેને જવાબ પણ જડી ગયો : ‘અરે ! મા તો બલ્લુનો સામનો કરવા જઈ રહી છે.’ અને તેને બૂમ પાડવાનું મન થયું : ‘મા, તું બેસી રહે, હું આવી ગયો છું.' પણ તે બોલે તો બલ્લુ ચેતી જાય એમ હતો.

અને આટલી વારમાં તો સુમિત્રા બિલ્લી પગલે નજીકમાં પડેલા ટેબલ નજીક પહોંચી ચૂકી હતી. અને જાણે આનો અણસાર આવી ગયો હોય એમ બલ્લુ સુમિત્રા તરફ ફર્યો.

સુમિત્રાને આટલી નજીક આવી ગયેલી જોતાં જ બલ્લુનો પિત્તો ગયો ને, એણે સુમિત્રા તરફ રિવૉલ્વરની અણી તાકી, ત્યાં જ રાજવીરે પોતાની રિવૉલ્વરમાંથી ગોળી છોડી દીધી. ગોળી બલ્લુના હાથમાં વાગી અને એના મોઢેથી ચીસ નીકળવાની સાથે જ, એના હાથમાંથી રિવૉલ્વર છટકી ગઈ.

રાજવીર આંખના પલકારામાં જ બારી કૂદીને અંદર રૂમમાં આવી ગયો અને જમીન પરથી પોતાની રિવૉલ્વર પાછી ઉઠાવવા જઈ રહેલા બલ્લુને તેણે ધમકી આપી : ખબરદાર ! નહિતર ખોપરી ઉડાવી દઈશ.’

અને બલ્લુ પોતાની જગ્યા પર થીજી ગયો.

‘મારો રાજુ આવી ગયો ! ?' રાજવીરને આવેલો જોતાં જ સુમિત્રા આનંદભેર બોલી ઊઠી : ‘મને ખબર જ હતી કે, તું અમને આ બદમાશોથી બચાવવા માટે આવી જ પહોંચીશ.'

પણ નતાશા કંઈ બોલવાની સ્થિતિમાં નહોતી. કોઈ ફિલ્મના રોમાંચક સીન જેવું અસલમાં એની સામે જે કંઈ બન્યું હતું એનાથી એ સ્તબ્ધ બની ગઈ હતી. રાજવીર એકાદ પળ જ મોડો પડયો હોત અને આ બલ્લુએ પોતાની રિવૉલ્વરમાંથી ગોળી છોડી દીધી હોત તો મા ની છાતી વીંધાઈ જાત ! ખરેખર મોત જાણે સુમિત્રા મા ને હાથતાળી આપીને ચાલી ગયું હતું !

‘બલ્લુ !’ નતાશાને કાને રાજવીરનો અવાજ પડયો, એટલે એણે રાજવીર સામે જોયું. રાજવીર બલ્લુને કહી રહ્યો હતો, ‘તું મને ઓળખે જ છે, એટલે મારે તને વધારાની ધાક-ધમકી આપવાની જરૂર નથી. બન્ને હાથ અદ્ધર કર અને દીવાલ તરફ મોઢું કરીને ઊભો રહી જા.’

‘હા, પણ રાજવીર..,’ બલ્લુએ અચકાતા અવાજે પૂછ્યું : ‘...ભુવન કયાં છે ? !'

‘નીચે એની લાશ પડી છે.’

‘શું..? !’ બલ્લુ બોલી ઊઠયો.

‘મારે એને ખતમ કરવાનો વિચાર નહોતો, પણ એના નસીબમાં મોત લખાયેલું હતું.' અને રાજવીરે ફરી બલ્લુને કહ્યું : ‘હવે તારે મરવું ન હોય તો જલદી હું કહું એમ કર.’

‘હા-હા.’ હવે બલ્લુના ચહેરા પર મોતનો ભય આવી ગયો. તે ડાબો હાથ અદ્ધર કરતો દીવાલ તરફ મોઢું કરીને ઊભો રહ્યો. તેના જમણા હાથમાંની ગોળીની ઈજામાંથી લોહી નીકળી રહ્યું હતું.

રાજવીર દબાતા પગલે બલ્લુની નજીક પહોંચ્યો અને એના માથા પર રિવૉલ્વરનો ફટકો લગાવી દીધો. ‘ઉફ...!' એવો શબ્દ બલ્લુના મોઢેથી નીકળ્યો અને એ બેહોશીમાં સરી ગયો. બલ્લુ ઢળી પડવા ગયો, પણ રાજવીરે એને પકડી લીધો અને પછી જમીન પર લેટાવી દીધો.

‘મા !’ હવે રાજવીરે સુમિત્રા તરફ ફરતાં પૂછ્યું : ‘ભુવન અને બલ્લુ બે જ જણાં હતા ને, કે બીજા પણ...'

ના. આ બે જ જણાં હતાં. ‘અપના ગેસ્ટ હાઉસ' પરથી આ બન્ને જ અમને અહીં લઈ આવ્યા હતા અને અહીં આવ્યા પછી અમને ત્રીજું કોઈ દેખાયું નથી.’ કહેતાં સુમિત્રા રાજવીરની નજીક આવી અને વહાલથી તેના માથા પર હાથ ફેરવ્યો.

રાજવીરે નતાશા સામે જોયું.

નતાશાના ચહેરા પર હજુ પણ ભય છવાયેલો હતો.

‘નતાશા !' રાજવીરે કહ્યું : “હવે તારે ડરવાની જરૂર નથી.’ અને તેણે સુમિત્રા સામે જોયું : ‘મા, તું નતાશાને લઈને અહીંથી નીકળી જા.'

‘અને તું ? !’ સુમિત્રા કંઈ બોલે એ પહેલાં જ નતાશા બોલી ઊઠી : ‘રાજુ તું અહીં રહીશ ?’

‘હા.’ રાજવીરથી મલકી જવાયું. નતાશાએ તેના માટે ચિંતા દાખવી હતી, એ બદલ રાજવીરને ખુશી થઈ.

‘રાજુ !’ સુમિત્રાએ રાજવીરને પૂછ્યું : ‘શું સિમરને શરૂ કરેલો ખેલ હજુ પૂરો થયો નથી ? !'

‘ના, નથી થયો, મા !’ રાજવીરે કહ્યું : ‘અને હવે આ ખેલ અધૂરો છોડીને હું નીકળી શકું એમ નથી. મારે જો જીવવું હશે તો મોત સામે ઝઝૂમીને આ ખેલ પૂરો કરવો જ પડશે.’

‘ભલે !’ સુમિત્રાએ કહ્યું : ‘મારા આશીર્વાદ તારી સાથે ‘તો હજુ પણ મારી બહેન સિમરન...’ છે.’

તું એ બધી વાતો છોડ.' રાજવીરે નતાશાને બોલતી રોકતાં કહ્યું : ‘અત્યારે આપણી પાસે સમય નથી. ચાલો.’ અને તે રૂમની બહારની તરફ ચાલ્યો.

સુમિત્રા નતાશાનો હાથ પકડીને રાજવીરની પાછળ ચાલી. રાજવીર પાછો કૈલાસકપૂરના બેડરૂમમાં પહોંચ્યો.

વનરાજ હજુ પણ બેહોશ હતો. તેણે કૈલાસકપૂરનું લેપટોપ નતાશાને આપ્યું અને લેપટોપની ખાલી બેગ તેણે ત્યાં જ રહેવા દીધી.

તેણે ઝડપ રાખવાની હતી. તે સુમિત્રા અને નતાશાને લઈને ગેરેજ પાસે પહોંચ્યો. ગેરેજમાં ભુવન અને બલ્લુ જે કાર લઈને અહીં આવ્યા હતા, એ કાર પડી હતી. રાજવીર કારમાં બેઠો અને કારને તે જે વેનમાં વનરાજ સાથે અહીં આવ્યો હતો, એ વેન નજીક લાવીને ઊભી રાખી.

તેણે વેનમાંથી દસ કરોડ રૂપિયાથી ભરાયેલી ચાર બેગ કાઢી અને બે કારની ડીકીમાં અને બે કારની પાછલી સીટ પર મૂકી. ચાલીસ કરોડના હીરાવાળી બ્રીફકેસ પણ તેણે કારની પાછળની સીટ નીચે મૂકી અને પછી સુમિત્રા તરફ જોતાં કહ્યું : ‘ચાર બેગમાં કૈલાસકપૂરના રૂપિયા છે, બ્રીફકેસમાં એના હીરા છે અને આ લેપટોપમાં કૈલાસકપૂરના કાળા કામોનો હિસાબ- કિતાબ છે. આ બધી જ વસ્તુઓ લઈને તમે બન્ને અહીંથી નીકળી જાવ અને નતાશા મુંબઈ-પૂના હાઈવે પર આવેલી, જે ‘હોટલ મનોહર’માં નોકરી કરે છે, ત્યાં પહોંચી જાવ.' અને રાજવીરે નતાશા સામે જોયું : “તને તારી હોટલમાં મા ને રાખવામાં કોઈ તકલીફ નહિ પડે ને.'

‘ના, હિ પડે. હું બધું સંભાળી લઈશ.' નતાશા બોલી.

હવે મારો મોબાઈલ ન આવે ત્યાં સુધી તમારે એ હોટલમાંથી નીકળવાનું નથી.’

‘ભલે.’ સુમિત્રા અને નતાશાએ એકસાથે જ કહ્યું. ‘હવે તમે ઊપડો.’ રાજવીરે કહ્યું, એટલે નતાશા કારની ડ્રાઈવિંગ સીટ પર બેઠી ને સુમિત્રા એની બાજુની સીટ પર ગોઠવાઈ.

‘ચાલ જલદી, કાર જવા દે.' રાજવીરે કહ્યું, એટલે સુમિત્રાએ ‘સાચવજે, રાજુ !' કહેવાની સાથે જ કાર આગળ વધારી. નતાશાએ આંખોથી જ તેને સાચવવા માટે જણાવ્યું.

નતાશા અને સુમિત્રાની કાર ફાર્મહાઉસના કમ્પાઉન્ડના ઝાંપાની બહાર નીકળી ગઈ અને દેખાતી બંધ થઈ, એટલે રાજવીર ફાર્મહાઉસમાં દાખલ થયો. તે ઝડપથી સીડી ચઢીને કૈલાસકપૂરના બેડરૂમના દરવાજા પાસે પહોંચ્યો. તેણે દરવાજો ખોલ્યો અને અંદર દાખલ થયો.

અંદર વનરાજ એ જ રીતના બેહોશ પડયો હતો.

રાજવીરે બુક શેલ્ફમાંથી બે પુસ્તકો લીધા અને એને લેપટોપની બેગમાં એવી રીતના મૂકયા કે લેપટોપની બેગ જોઈને કોઈનેય એવું જ લાગે કે, અંદર લેપટોપ જ છે.

તેણે લેપટોપની બેગ બંધ કરી ને ઘડિયાળમાં જોયું. સાંજના સવા છ વાગ્યા હતા. તે સોફા પર બેઠો અને સિમરનનો મોબાઈલ ફોન આવે એની વાટ જોવા લાગ્યો.

અને ત્યારે તેને એ વાતની ખબર નહોતી કે, થોડીક વારમાં તેની સામે અહીં કંઈક એવું જબરજસ્ત બનવાનું હતું કે, જેનાથી તે અવાચક બની જવાનો હતો ! તે હેબતાઈ જવાનો હતો- ચકરાઈ જવાનો હતો ! ! !

 

(ક્રમશઃ)

Share

NEW REALESED