Guhilot Dynasty and Maharana Pratap in Indian History - 51 in Gujarati Short Stories by Sisodiya Ranjitsinh S. books and stories PDF | ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 51

Featured Books
Categories
Share

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 51

 રાજા ભગવાનદાસ મેવાડમાં

         આમેરના રાજા ભારમલ ઉર્કે બિહારીમલના પુત્રનું નામ ભગવાનદાસ. મોગલ સામ્રાજ્યના શહેનશાહ અકબરની મુખ્ય બેગમ જોધાબાઇ આમેરની રાજકુમારી અને રાજા બિહારીમલની પુત્રી હતી. ઇ.સ. ૧૫૬૨માં તેના લગ્ન થયા.

         ભગવાનદાસ વીર, ધીર અને સુયોગ્ય યુવાન હતો. બાદશાહે એને પોતાના લશ્કરમાં મોટો ‘મનસબદાર’ બનાવ્યો અને ‘રાજા’ની પદવી આપી. રાજા ભગવાનદાસે પણ તન, મનથી બાદશાહની સેવા કરી. એની આગેવાની હેઠળ જ ચિત્તોડગઢ, રણથંભોર, જોધપુર, મેડતા વગેરે રાજપુતાના રાજ્યો મોગલ સામ્રાજ્યમાં વિલીન થયા હતા. રાજા ભગવાનદાસ મોગલ સામ્રાજ્યના એક મજબૂત અને અભિન્ન અંગ ગણાતા હતા.

         તેમનો પુત્ર જે પણ એક ‘મનસબદાર’ હતો અને ‘રાજા’ ની પદવી ધરાવતો હતો. જે માત્ર ૨૩ વર્ષનો એક યુવાન હતો તેણે પણ ગુજરાતના આક્રમણ વેળા પોતાની પ્રતિભાથી નામના કાઢી હતી. આવા યુવાનનું મેવાડપતિ મહારાણા પ્રતાપે હડહડતું અપમાન કર્યુ. એણે આ ફરિયાદ પોતાના ફુઆ દિલ્હીપતિ અકબરશાહને કરી.

          અકબરશાહ મુત્સદી હતો. તે અરવલ્લી પર્વતમાળાની ગહનતાની શક્તિ જાણતો હતો. તે ગુહિલોત વંશના રાણા પ્રતાપની શક્તિ અને તેના તરફની પ્રજાની ભક્તિ જાણતો હતો આથી બને તો આક્રમણ ન કરવું અને આક્રમણ કરવું પડે તો પુરતી તૈયારી સાથે કરવું એવો નિર્ધાર કરીને બેઠો હતો.

         ગુજરાતનો  બળવો દબાવીને પાછા ફરેલા અકબરશાહને ફતેહપુર સીકરી આવતાં મેવાડ યાદ આવ્યુ. મહારાણા પ્રતાપની યાદ તાજી થઈ. એણે રાજા ભગવાનદાસને બોલાવ્યા, “રાજાજી. પ્રતાપને સમજાવવાનો એક વધુ પ્રયત્ન કરી જુઓ, કદાચ માની જાય તો રાજપુતાના એક મહાયુદ્ધના ખતરામાંથી ઉગરી જાય.”

         રાજા ભગવાનદાસ મેવાડ પ્રત્યે થોડા ખિન્ન હતા, કારણ કે, થોડા સમય પહેલાં જ ગુજરાત તરફથી પાછા ફરતા પોતાના પુત્ર ‘રાજા’ માનસિંહનું, મહારાણા પ્રતાપના હાથે અપમાન થયું હતું. વેદના તો હતી છતાં તેઓ મેવાડ જવા તૈયાર થયા.

         પહેલાં તો તેઓએ બાદશાહને જણાવ્યું, “બાદશાહ સલામત, આપ બીજા કોઇ કુશળ મુત્સદીને મોકલો. મહારાણા પ્રતાપ, એમ લાગે છે કે, કછવાહાને યોગ્ય ઉત્તર નહીં આપે.”

         “રાજા ભગવાનદાસ, મારી સલ્તનતમાં સંધિ માટે આજના તબક્કે તેમજ એક યોગ્ય વ્યક્તિ છો. માનસિંહના અપમાનના પ્રત્યાઘાત આપણે જાણવા દેવા નથી. સંધિ માટે આપણે આતુર છીએ. આપ પણ પુત્રનું અપમાન ગળી જઈને સંધિનો પ્રસ્તાવ લઈને જાઓ તો સંધિનું મુલ્ય વધી જશે. સાથે સાથે મેવાડીઓની દાનત પરખાઈ જશે.”

         હવે રાજા ભગવાનદાસ મેવાડમાં સંધિવિગ્રાહક તરીકે આવ્યા. મહારાણા ગોગુન્દા હતા. તેથી તેઓ ગોગુન્દા આવ્યા. મહારાણાએ સ્વયં તેમનું સ્વાગત કર્યુ તે વખતે સપ્ટેમ્બર માસનું અંતિમ સપ્તાહ ચાલતું હતું.

         “મહારાણાજી, આપ મારી સાથે ફતેહપુર સિક્રી ચાલો. શહેનશાહ અકબર આપની સાથે સંધિ ચાહે છે. આપની મિત્રતા ઝંખે છે. એમણે ખાસ અનુરોધ કરીને મને મોકલ્યો છે.”

            “તમે ગોગુન્દા પધાર્યા એ અમારૂં મોટું ભાગ્ય. કછવાહા અને ગુહિલોત બંને સૂર્યવંશી એક જ ડાળના બે પંખી. એક જમાનામાં આપના અને મારા પૂર્વજ એક ઉદ્દેશ્ય માટે વિદેશીઓ સામે ખભે ખભા મિલાવીને લડતા હતા.” મહારાણા બોલ્યા.

         “મહારાણાજી, હું માત્ર દેખાવ પૂરતો સંધિનો પ્રસ્તાવ લઈને નથી આવ્યો. હું ખરા દિલથી ચાહું છું કે, સંધિ થાય અને રાજપૂતાના યુદ્ધક્ષેત્ર થતું અટકે.”

         “રાજાજી, આપનો શહેનશાહ સામ્રાજ્ય પિપાસુ છે. દુનિયાના લોકમતને દેખાડવા ખાતર ઘણીવાર સામ્રાજ્ય પિપાસુઓને સંધિના નાટકો કરવાની જરૂર પડે છે. મેવાડી મહારાણો સિકરી આવે કે કેદી બની જાય.”

         “ના, હરગિઝ એ ન બને. આપ જો મોગલ સલ્તનતમાં પધારો તો હું પ્રાણના ભોગે આપનું રક્ષણ કરું.”

         “રાજાજી, આપની શુભેચ્છા બદલ શુક્રિયા પરંતુ સિકરી આવતાં પહેલા મારે મેવાડના સામંતોની અનુમતિ મેળવવી પડે. આપને તો યાદ હશે કે, ચિત્તોડગઢના ઘેરા વખતે પણ સંધિ ન થઈ એનું કારણ હું જ હતો. સદ્ ગત મહારાણા મને મોગલ દરબારમાં મોકલવા હરગિઝ તૈયાર ન હતા.”

         “અરે રાણાજી! તમને કોણ ના પાડવાનું છે? ભગવાન સિંહ હસતા હસતા બોલ્યા.

         “રાજાજી” પ્રતાપ જાણે ખાનગી વાત કરતા હોય એમ બોલ્યા “મારે બડાઈ નથી જોઈતી. હું મારી શક્તિની સીમા જાણું છું. બીજાની અસીમિત શક્તિનો પણ મને અંદાઝ છે. યુદ્ધ તો મારે પણ જોઇતું નથી. શાંતીની ઝંખના કોને ન હોય? હું મારા સાંમતોને સમજાવવા કોશિશ કરી રહ્યો છું. આ માટે મારે થોડો સમય જોઇએ. આપની માંગણીનો પ્રત્યુત્તર આપતાં મને થોડો સમય લાગશે.”

         આવો વિવેક, આવી નમ્રતા, આવી શાંતીની ઝંખના. ભગવાનદાસ રાજી રાજી થઈ ગયા. તેઓને લાગ્યું કે, એણે પોતાના હેતુમાં સફળતા મળી છે. ફતેહપુર સિકરી પહોંચી બાદશાહને તેઓએ વિગત જણાવી.

         આ બધી વાતો સાંભળી શહેનશાહ અકબર હસી પડ્યા. કહેવા લાગ્યા, “રાજા ભગવાનદાસ, તમારો મેવાડી મહારાણો મહાચતુર છે. એ આપણી સાથે જંગ જ ખેલવા માંગે છે. એને પણ સમય કાઢવો છે. યુદ્ધ માટે તૈયારી કરવા એને સમય જોઇએ છે. એ એના નિર્ધારિત સમયે, નિર્ધારિત સ્થળે યુદ્ધ ખેલવા માંગે છે. પ્રતાપ એક બાહોશ સેનાપતિ લાગે છે. તમે એને સમજી શક્યા નહી. એની બધી વાતો બનાવટી છે.”

         રાજા ભગવાનદાસને સુખદ આશ્ચર્ય થયું.