DHULO TO HARKHPADUDO (DTH) - 28 in Gujarati Fiction Stories by ગિરીશ ભવાનજી મેઘાણી books and stories PDF | ધૂલો તો હરખપદૂડો (DTH) - 28

Featured Books
Share

ધૂલો તો હરખપદૂડો (DTH) - 28

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૨૮

આપણે જોયું કે પિતલીની મમ્મીએ સુષમા નામની ઇન્ટિરિયર ડિઝાઇનર સાથે બિઝનેસના કામના બહાના હેઠળ બોલાવી અમિત સાથે લગ્નોત્સુક મિટીંગ ગોઠવી આપી હતી. પણ ગેરસમજ અને ગડબડ ગોટાળાની ધમાલ વચ્ચે આ લગ્નોત્સુક મિટીંગ પણ બૂમરેંગ સાબિત થઈ. એ મનના માણીગર બનવા થનગનતા ઉમેદવારને અમિતભાઈ કહીને જતી રહી. હવે આગળ...

સુષમાના ગયા બાદ મીનામાસી નિર્દોષ રીતે કેતલા કીમિયાગાર તરફ જોઈને બોલ્યાં, "ફરી એક વખત, અમિતભાઈ!" અને બધાં ખડખડાટ હસી પડ્યાં. આ વખતે બધાં સાથે અમિત પણ જોડાયો.

એના ગયા બાદ સધકી સંધિવાતે મહેમાન માટે મંગાવેલ ભોજનની સૌએ સાથે મળીને જિયાફત ઊડાવી. આ ફક્ત કહેવા ખાતર લાઈટ ડિનર કહેવાય પણ એ સૌ પેટ ભરી ભરીને જમ્યાં. ઓનલાઈન મંગાવેલ હોટ સ્પાઈસી વેજીટેબલ કોલ્હાપુરી, સ્વિટ વેજીટેબલ નવરતન કુર્મા, નોર્મલ તીખી મીક્ષ વેજીટેબલ કડાઈ અને ટેસ્ટી પનીર મખ્ખનવાલા સાથે બટર રોટી, બટર નાન, ચટાકેદાર વેજીટેબલ લખનવી બિરયાની સાથે મસાલા પાપડ, સલાડ અને અથાણા જોઈ સૌ સુષમાને ભૂલી ભોજનમાંની સેવામાં લાગી ગયાં.

ભરપેટ ભોજન ભોગી લીધાં બાદ સૌ છૂટા પડ્યા ત્યારે સૌને અમિતના લગ્ન સુખ સાથે એક રૂંધાયેલ ગતિ વિધિનો, કમનસીબીના ફેંસલાનો અનુભવ થઈ ગયો હતો. કદાચ એટલે જ આજનું પરિણામ કોઈને વસમું લાગ્યું નહોતું. ધીરે ધીરે સૌ સમજી રહ્યાં હતાં કે આના ભાગ્યમાં જ સૌભાગ્ય લખાયેલ નથી.

જોકે સધકી સંધિવાત આ મામલે અપવાદ હતી. એણે કેતલાને પાનો ચડાવ્યો, "કેતનભાઈ, તમે અમારા માટે જે કરો છે એ કોઈ કોઈ માટે કરતું નથી. હવે આગલો પ્રયાસ ચોક્કસ સફળ થશે જ." જોકે હવે અમિત અને મીનામાસી સુદ્ધાં નકારાત્મક વલણ તરફ જઈ રહ્યાં હતાં પણ એમણે સધકીને રોકવાની હિંમત પણ નહીં કરી. રખેને થઈ પણ જાય.

આ તરફ એ મિત્ર વર્તુળના વોટ્સએપ ગ્રુપમાં થોડી આતુરતા અને વધુ અધીરાઈથી એવા પરિણામની રાહ જોવાઈ રહી હતી જે સૌને પહેલાંથી ખબર જ હતી.

જેવા કેતલો કીમિયાગાર અને પિતલી પલટવાર તથા અમિત અને મીનામાસી ભાવલા ભૂસકાના ઘરેથી નીકળ્યાં. તેમને વિદાય આપી સધકી સંધિવાત તરત વોટ્સએપ પર ઓનલાઈન થઈ.

જેવી એ ઓનલાઈન થઈ એવો હિરકી હણહણાટનો મેસેજ રૂપી પ્રશ્ન આવ્યો, 'ટુડે વોટ ડન?'

સધકીએ ઝડપભેર જવાબ ટાઈપ કર્યો, 'ઇફ લક ઇઝ અનઇવન, અ સ્પીયર વીલ હીટ કમિંગ આઉટ ફ્ર્રોમ અંડર ગ્રાઉન્ડ.'

વળી બધાં ભેરવાયાં. પરિણામ તો સૌને અપેક્ષિત હતું પણ આ જટીલ ઉત્તર એક પ્રશ્ન બની ગયો હતો.

ત્યાં સુધી ભાવલો ઓનલાઈન નહોતો. એટલે સોનકીએ સણસણાટ કર્યો, 'એ અંગ્રેજો, ભારતીય બનો હવે.'

ધૂલો હરખપદૂડાએ મમરો મૂક્યો, 'આ અંગ્રેજી તો અંગ્રેજો પણ નહીં જાણતા હોય.'

મયુરીઆ કળાકારે ધૂલાને સાથ આપ્યો, 'આ અંગ્રેજી, મેડ ઇન ઇંડિયા છે.'

ઈશા હરણીએ ટાપસી પૂરાવી, 'આત્મનિર્ભર બનો એટલે સમજ પડે.'

થોડીવાર બાદ તો અમિત ગયો ખાડામાં અને અંગ્રેજી જ્ઞાન ઉપર નોલેજ પ્રદાન કાર્યક્રમ ચાલ્યો. છેવટે હીરકીએ હથિયાર હેઠાં મૂકી હણહણાટ કર્યો, 'નાવ ટેલ ધ સેમ ઇન ગુજરાતી માધ્યમ.'

એટલે અંતમાં સધકીએ એનું ભારતીય વર્ઝન રિલીઝ કર્યું, 'નસીબ અવળા હોય તો ભોંયમાંથી ભાલા વાગે.'

બધાએ તાળીઓની સ્માઈલીથી એને વધાવી લીધી. બૈજુ બાવરી બની, 'આ ફેરા પણ ઈની ઈ જ કહાની રિપીટ થઈ?"

ત્યાં પિતલીએ ઓનલાઈન થઈ પલટવાર કર્યો, 'આ વખતે ગેરસમજે ગોસમોટાળો કરી, જગાવેલી આશા ભોસલેને નાઉમેદી હાસન બનાવી સૂવરાવી દીધી.'

વિનીયાએ વિસ્તારપૂર્વક વાત વિસ્તારવા વિનય કર્યો, 'એટલે?'

હવે ભાવલાએ ભૂસ્કો લગાવ્યો, 'આશા ભોસલેના રૅપ સોન્ગે લગભગ અશક્ય બાજી જીત પાસે લાવી દીધી હતી. પણ નાઉમેદી હાસને બૂમરેંગ દુઃખદ ગઝલ ગાઈ બધાંને કારણ વગર દુઃખના દરિયામાં ડૂબાડી દીધાં.'

સધકીએ ઝડપભેર સાથ આપ્યો, 'યેસ, થર્ટિન ઈક્વિપમેંટ નીડેડ ઓફ કોપર.'

આ વખતે મૂકલો મુસળધાર વરસ્યો, 'એ અનએમ્પલોય્ડ માર્કેટ, એટલે કે નવરી બજાર, હવે ફાટો કે શું થયું!'

જોકે સધકીએ એની શૈલીમાં જ્ઞાન પ્રદાન કર્યું, 'તાંબાની તોલડી તેર વાના માંગે.'

કેતલા કીમિયાગારે ખરેખર ખૂબ ચાલાકીથી કીમિયો કારગત કરી જણાવ્યું, 'ખૂબ નજીક હતાં, પણ મને ખાત્રી છે કે આવતા પ્રયાસે સફળતા ચોક્કસ મળશે જ.'

મયુરીઓ કળાકાર એની કળાના દર્શન કરાવવા થનગની રહ્યો હતો, 'કેતલા કીમિયાગાર, તારા બધા કીમિયા નિષ્ફળ થાય, અને તારી હિંમતનો છેડો આવી જાય તો આ 'અમિત ઠેકાણે પાડો' મિશન મને ટ્રાન્સફર કરી આપજે. મારી પાસે એકથી એક ચડિયાતી ઉમેદવાર છે. શર્ત એ છે કે @સંધ્યા_ભાવેશ મને પણ પૈસા આપશે?'

સધકી સંધિવાત એની વાતનો જવાબ ટાઈપ કરી રહી હતી ત્યાં સુધી કેતલા કીમિયાગારે તાત્કાલિક અસરથી રાજીનામુ જાહેર કરી દીધું, 'મારા કીમિયા સો ટકા ફેઈલ છે. માટે હવે કળા કરનાર મોરલો આ મોરચો સંભાળી લઈ આ 'અમિત ઠેકાણે પાડો' મિશનને અંજામ આપી દે.'

ત્યાં સુધી સધકી સંધિવાત પોતાનું ટાઈપિંગ સમાપ્ત કરી જવાબ પોસ્ટ કર્યો, 'ટચ વુડ, આ કેતનભાઈએ અમિતભાઈ માટે જે કાંઈ કર્યુ છે. એ સગો ભાઈ પણ પોતના ભાઈ માટે ના કરે. એમણે ફક્ત પિતલી પલટવારને જ નહીં પણ એના મમ્મી, રસિલાબેન અને કોણ જાણે કોની કોની મદદ લીધી હશે! આમ છતાં પણ આપણાંમાંથી કોઈ પણ આ મિશન આગળ વધારી શકે એમ હોય તો બધાં ઘરનાં જ સદસ્યો છીએ. આગોતરા આભાર.'

પિતલીએ પલટવાર કર્યો, 'મયૂરભાઈ તો કળાકાર છે. બસ એ મેટર હાથમાં લે એટલી જ વાર છે. કદાચ બે દિવસમાં જ સારા સમાચાર આવી જાય.'

બૈજુ બાવરીએ ક્રોધિત સ્માઈલી મૂકી, 'હવે મયુરીઓ આંટાંમાં આવી ગયો. બળતું ઘર, કૃષ્ણાર્પણ.'

હીરકીએ હણહણાટ કર્યો, 'યા યા, ફાયરિંગ હાઉસ પઝેશન ગીવન ટુ કૃષ્ણ.' આમ હસી મજાક સાથે આ 'અમિત ઠેકાણે પાડો' મિશનને પાર ઊતારવાની જવાબદારી મયુરીયા કળાકાર અને બૈજુ બાવરી પર આવી ગઈ.

જોકે આ બનાવથી કોઈ સૌથી વધુ ખુશ હોય તો એ પિતલી પલટવાર હતી અને સૌથી વધુ નાસીપાસ થનાર હોય તો એ કેતલો કીમિયાગાર હતો. પિતલી આ જવાબદારીને કાંટા જેવી માનતી હતી તો કેતલાને એ એસ એસ સીની પરિક્ષામાં ફેઇલ થયો હોય એમ લાગતુ હતુ.

સૌથી વધુ ત્રસ્ત હોય તો ભાવલો ભૂસ્કો હતો અને સૌથી વધુ સકારાત્મક ભવિષ્ય તરફી વલણ ધરાવતું હોય તો એ હતી સધકી સંધિવાત હતી. ભાવલો ભાવનાત્મક રીતે તદ્દન નકારાત્મક વલણ ધરાવતો હતો. એને ખબર હતી કે આ અમિતીયાનું કાંઈ ઉપજે તેમ નથી છતાં પણ એ ફક્ત સધકીને ખુશ રાખવા એનો ઉમંગભેર સાથ આપતો હતો. જયારે સધકી એના અમિતભાઈ કરતાં નાની હોવા છતાં એની માતાનો રોલ ભજવતી હતી. એને ખાત્રી હતી કે મીનામાસીથી એ નહીં થાય એટલે એણે સ્વેચ્છાએ આ જવાબદારી પોતાના શિરે લીધી હતી.

એક તરફ મીનામાસીની ચિંતામાં ઊંઘ વેરણ થઈ ગઈ હતી પણ અમિત માટે કોઈ યોગ્ય કન્યા મળવી એ સમસ્યા વિકરાળ બની ચૂકી હતી. એમના માટે આખા સમાજ રૂપી રણમાં એમની ભાણેજ સંધ્યા જ એકમાત્ર મીઠી વીરડી સમાન હતી.

તો બીજી તરફ અમિત પોતાની માતા માટે ખૂબ ભાવુક તથા ચિંતિત હતો. એને ખબર હતી કે મીનામાસી એના લગ્ન ના થવા માટે પોતાને દોષી માનતાં હતાં. સાથે સાથે એ આ વાત પણ બખૂબી જાણતો હતો કે જો એના લગ્ન થઈ જાય તો પણ એની મમ્મી અને એની પત્ની વચ્ચે ખટરાગ અને નાના મોટા ટંટા થતાં જ રહેશે. એટલે એના લગ્ન એક વાર ના થાય તો પણ એ મનોમન સજ્જ થઈ ચૂક્યો હતો.

જોકે બૈજુ બાવરીએ મયુરીઆ કળાકારને ખખડાવી નાખ્યો. એ કેતલા કીમિયાગારની મશ્કરી કરવા જતા અનાયાસે આ 'અમિત ઠેકાણે પાડો' મિશનનો કમાન્ડર બની ગયો હતો સામે એને અનુભવ કમ્પાઉન્ડર બનવા જેટલો પણ નહોતો. પણ પડશે એવા દેવાશે એ ધોરણે એ કળા કરવા ઉત્સુક હતો.

એવામાં ધૂલા હરખપદૂડાએ ભાવલા ભૂસકાને એક મેસેજ કર્યો. જે જોઈ ભાવલો ભાવનાત્મક ભૂસકા લગાવવા માંડ્યો.

શું આ 'અમિત ઠેકાણે પાડો' મિશન ફરી આગળ વધશે? શું અમિતના નસીબમાં દાંપત્ય જીવનનું સુખ લખાયેલુ હશે? હશે તો નિમિત્ત મયુરીઓ કળાકાર બની શકશે? ધૂલાના મેસેજમાં શું હોઈ શકે? આપના દરેક પ્રશ્નનો મજેદાર જવાબ મળશે ફક્ત જોડે રહેજો. અને હા, 'ધૂલો તો હરખપદૂડો (DTH) : પ્રકરણ ૨૯ તથા આગળના દરેક પ્રકરણ વાંચવાનું ચૂકશો નહીં. આભાર (ક્રમશ...).

લેખક: ગિરીશ ભવાનજી મેઘાણી (GBMSIR).