DHULO TO HARKHPADUDO (DTH) - 27 in Gujarati Fiction Stories by ગિરીશ ભવાનજી મેઘાણી books and stories PDF | ધૂલો તો હરખપદૂડો (DTH) - 27

Featured Books
Categories
Share

ધૂલો તો હરખપદૂડો (DTH) - 27

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૨૭


આપણે જોયું કે પિતલીની મમ્મીએ સુષમા નામની ઇન્ટિરિયર ડિઝાઇનર સાથે બિઝનેસના કામના બહાના હેઠળ અમિત સાથે લગ્નોત્સુક મિટીંગ ગોઠવી આપી હતી. સુષમાએ વાત આગળ વધારવા પચીસ હજાર રૂપિયાની માંગણી કરી લીધી હતી અને એમાં કોઈ પણ પ્રકારની તડજોડ કરવા તૈયાર નહોતી. દુલ્હનને આમ છડેચોક દહેજ માંગતી જોઈ સૌ ચોંકી ઊઠ્યાં. હવે આગળ...


સુષમાના વસ્ત્ર પરિધાન, એની અકડ, એની અકારણ દહેજની માંગણીની જીદથી લગ્નોત્સુક ટીમ અસમંજસમાં પડી ગઈ હતી. એણે વાત આગળ વધારવા અમિતનો ફ્લેટ જોવા તથા રૂપિયા પચીસ હજારની સ્પષ્ટ માંગણી કરી હતી અને એના અમલ સિવાય આગળ વધવા તૈયાર નહોતી.


આને કારણે કે અન્યથા બરાબર પણ એ જ સમયે મીનામાસીની તબિયત જરા લથડી. એ વખતે સુષમાએ તાત્કાલિક સમયસૂચકતા દાખવી એમની સારવાર સાથે સેવા કરી.


એનાથી પ્રભાવિત મીનામાસીએ પોતાના લાંબી બાંયના બ્લાઉઝની અંદર બનાવેલા ચોર પોકેટમાંથી એક નાનકડી પર્સ બહાર કાઢી, એમાંથી પોતાની ઉભરાતી લાગણીઓ વ્યક્ત કરતી ફૂલ ગુલાબી રંગી એક બે હજાર રૂપિયાની નોટ કાઢી સુષમાના હાથમાં આપી, "આ લે બેટા, શુકન."


અમિત નવોઢા શરમાઈ જાય એમ શરમાઈ ગયો અને હાજર બધાં એને અભિનંદન આપવા લાગ્યાં. પણ...


પણ સુષમાએ મીનામાસીનો હાથ પાછો ઠેલ્યો, "હું બે હજારમાં બંધાઈ નહીં શકું. હું પૂરા પચીસ હજાર જ લઈશ. ભલે હમણાં ના હોય તો આવતીકાલે આપજો."


મીનામાસીએ પ્રેમ પૂર્વક એનો હાથ પકડી એ બે હજારની ફરી એના હાથમાં, આનાકાની કરી રહેલ અધિકારીના હાથમાં ભૂલ કરનાર વ્યકિત જે રીતે લાંચના પૈસા પકડાવે, એ રીતે થમાવી બોલ્યાં, "પચીસ નહીં પણ પચાસ હજાર આપશું. આમ પણ લગ્ન બાદ તો બધું તારુંં જ છે ને!."


આત્મવિશ્વાસથી છલોછલ એવી સુષમા પ્રથમ વખત ચમકી, "મારું? લગ્ન? કોના લગ્ન?"


ક્ષણેકમાં બધાં સેલિબ્રેશન કરતાં સેલિબ્રિટીઓ શાંત થઈ ગયાં. સંપૂર્ણ સેલિબ્રેશન સ્થગિત થઈ ગયાં. ગામડાં ગામમાં ડાકુઓ આવે ત્યારે જેમ ગામની શેરીઓ સૂની થઈ જાય, સર્વત્ર સૂનકાર સક્રિય થઈ જાય, એમ વાતાવરણ ભેંંકાર થઈ સંપૂર્ણ નીરવતા છવાઈ જાય. બિલકુલ એમ જ અહીં શાંતિ ભયંકર, ભયાનક, ભયજનક, ભેંંકાર શોરબકોર કરે એવી શૂન્યતા પર સવાર થઈ ગઈ હતી.


પિતલીએ પલટવાર કરવા શરૂઆત કરી, "સુષમાબેન, તમારા લગ્ન!"


"વોટ રબીશ!" એ ભડકી, "આર યુ પિપલ મેડ!"


બધાં સ્તબ્ધ તથા અવાક થઈ ગયાં. કોઈને કાંઈ સમજ પડી નહીં. અચાનક સૌના મગજ હડતાલ પર ઊતરી ગયાં. સુષમાએ એક વધુ બોમ્બ બ્લાસ્ટ કરી દીધો હતો.


છેવટે એ અસહ્ય મૌન પણ એણે જ તોડ્યું, "હું આવી હતી ત્યારથી અહીં કાંઈક વિચિત્ર અને અમુક અંશે ભયાનક લાગે એવો ખેલ ચાલી રહ્યો છે. મને અહીં કોઈ અમિતના ઘરના ઇન્ટિરિયર ડિઝાઇનીંગ કોન્ટ્રાકટ માટે બોલાવવામાં આવી છે. અહીં મારી ઓણખાણ પણ કોઈ સાથે નથી કરાવવામાં આવી, બસ બધાં મંડી પડ્યા છે. કોઈ મને સમજાવશે આ લગ્નનું ચક્કર શું છે?"


બધાંની નજર કેતલા કીમિયાગાર તરફ ફરી. એ પણ દિગ્મૂઢ થઈ ગયો હતો. એ નિરપેક્ષ નિ:સહાય દ્રષ્ટિએ પિતલી તરફ તાકી રહ્યો. પિતલીએ તરત એની મમ્મી, રસિલાબેનને કોલ લગાડ્યો. વળી એણે સાવચેતી પૂર્વક ફોનનો સ્પીકર ઓન રાખી દીધો.


રસિલાબેને ફોન રિસીવ કર્યો, "બોલ પિતુ બેટા, પેલા લગ્ન ગોઠવાઈ ગયાં?"


પિતલીએ મગજ પર સંપૂર્ણ કાબુ રાખી સામે સવાલ કર્યો, "મમ્મી, તારી સુષમાબેન સાથે શું વાત થઈ હતી?"


રસિલાબેન રીતસર મૂંઝવણમાં મૂકાઈ ગયાં, "કેમ? શું થયું?"


પિતલીએ ફરી એ જ સવાલ કર્યો, "મમ્મી, તારી સુષમાબેન સાથે શું વાત થઈ હતી?"


એ ગમ ખાઈ ગયાં, "એ કેવી છોકરી છે એ જાણવા મેં એને એના કામકાજ વિશે વાતચીત કરવા બોલાવી. મને એ છોકરી એકદમ વ્યવસ્થિત લાગી એટલે મેં એની મિટીંગ તમારી સાથે વાત કરી હતી એ પ્રમાણે ગોઠવી આપી. થયું શું છે એ કહીશ?"


"મમ્મી, સવાલ ના કર." પિતલીએ પલટવાર કર્યો, "તેં સુષમાબેનને જણાવ્યું હતું કે આ મિટીંગ કયા હેતુથી બોલાવવામાં આવી હતી? સાચો જવાબ આપજે."


"હા." રસિલાબેન એમની વાત પર અડગ હતાં, "મેં એને સ્પષ્ટ વાત કરી હતી."


પિતલીએ આ વખતે સુષમાબેન સામે જોયું તો એણે મોઢું નકારાત્મક રીતે હલાવી સ્પષ્ટ રીતે ના પાડી.


"મમ્મી, અહીં ડખો થઈ ગયો છે." પિતલીએ પરત પરત પલટવાર કર્યો, "તેં સુષમાબેનને ખરેખર જણાવ્યું હતું કે આ મિટીંગ કયા હેતુથી બોલાવવામાં આવી હતી? એકદમ ખરો જવાબ આપજે."


રસિલાબેન મામલાની ગંભીરતા સમજી ગયાં, "જો પિતુ બેટા, એ આવીને મને એની ચોપડીઓ બતાવવા લાગી ત્યારે જ મેં એને સ્પષ્ટ વાત કરી હતી.


મેં એને ડાયરેક્ટ વાત કરી હતી કે તારે મારા જમાઈના એક મિત્રનું ઘર વસાવવાનું છે. એમણે તારી સાથે એટલે જ વાતચીત કરવા માટે મળવા બોલાવી છે.


એણે પણ હસીને જવાબ આપ્યો કે 'ભલે રસિલાબેન, તમે કહો એનું ઘર સજાવી આપીશ.'


એ પછી પણ મેં લગ્ન, જન્માક્ષર, કુંડળી, મંગળ, શનિ અને દરેક બાબત પર એની સાથે વાત કરી જ હતી.


મારે તો કહેવું પણ ના પડ્યુ, એણે મને સામેથી નિમંત્રણ આપ્યું કે રસિલાબેન, તમે મારી મુલાકાત તમારા જમાઈના એ મિત્ર સાથે કરાવી આપજો એટલે એમની સાથે, એમના પરિવાર સાથે ડાયરેક્ટ વાત કરી શકાય.


ત્યારબાદ મેં તારી સાથે વાત કરી અને એ મિટીંગ ગોઠવાઈ ગઈ. પણ હવે ફોડ પાડ, થયું શું છે!"


"કાંઈ નહીં મમ્મી." પિતલીએ સુષમાબેન સામે જોતાં કોલ સમાપ્ત કર્યો, "હું તને પછી વાત કરીશ."


હવે બધી તોપના નાળચાં અલગ્નોત્સુક સુષમા તરફ ફરી ગયાં. પણ એ ડર્યા વગર હસી પડી, "હા, રસિલાબેનની વાત સાચી છે. એમણે મને કામ આપવાના બહાને બોલાવી એટલે હું વ્યવસાયીક ધોરણે જ એમને મળવા ગઈ હતી. જોકે મને ખ્યાલ આવી ગયો કે એ ટાઈમ પાસ કરી રહ્યાં છે. આ 'ઘર વસાવવાનું' શબ્દપ્રયોગ પણ મને એમની બોલવામાં ભૂલ લાગી. એટલે મેં તરત ખુલાસો કરી દીધો કે તમે કહો એનું ઘર 'સજાવી' આપીશ. અહીં મારી વાત એ સમજ્યાં નહીં એટલે લોચો થયો. મારા મગજમાં તો ફક્ત વ્યવસાયીક મિટીંગ જ હતી એટલે મેં ડાયરેક્ટ પાર્ટી સાથે મિટીંગ ગોઠવવા એમને વિનતી કરી હતી." એણે એક શ્વાસે વાત પૂરી કરી.


ફરી શાંતિએ પોતાનું સામ્રાજ્ય સ્થાપીત કરી દીધું. બરાબર એ ક્ષણે એક ડૂસકું સંભળાયું. એ મીનામાસી હતાં, "અહીં અમારી શું હાલત થશે એનો વિચાર કર્યો?"


સુષમાએ જવાબ આપ્યો, "તમને એટલી તો સમજ હોવી જોઈએ કે કોઈ છોકરી લગ્ન બાબતની મિટીંગમાં એકલી આવે! એ પણ આવાં કપડાંમાં! હું તમને ક્યારની ફ્લેટ બાબત, ફ્લેટ બતાવવા બાબત પર વાત કરી રહી હતી ત્યારે તમારું ધ્યાન ક્યાં હતું?"


ભાવલાએ ભૂસ્કો લગાવ્યો, "અમને પણ નવાઈ લાગતી હતી પણ..."


એ ભડકી ઊઠી, "શું પણ? હું કામ શરૂ કરવા બે મહિનાનો સમય માંગુ છું. અરે, પચીસ હજાર એડવાન્સ માંગુ છું. તમે એ આપવાની સતત હા પાડો છે, એ શું મજાક હતી?"


એના તિખાં તેવર અને ધારદાર દલીલ તથા સણસણાતા સવાલ સામે મીનામાસીએ ભારે અવાજે જવાબ આપવાની કોશિશ કરી, "અમને એમ કે તમે દહેજ માંગો છો..."


સુષમા હસી પડી. દિલથી હસી પડી, "દહેજ! આ શબ્દપ્રયોગ કરશો તો પણ જેલ થશે. ચાલો, તમને ફેશન ઇન્ટિરિયર ડિઝાઇનરની જરૂરિયાત હોય તો બેધડક મને જ ફોન કરજો, સૌથી વ્યાજબી ભાવે કરી આપીશ. અને હા, અમિતભાઈ, આપને સરસ સુશિલ કન્યા મળી જાય એ માટે ઓલ ધ બેસ્ટ." એ આટલું બોલી, પાછળ જોયાં વગર સડસડાટ બહાર નીકળી ગઈ.


રસિલાબેન જ્યારે સુષમા વિશે તપાસ કરતાં હતાં ત્યારે જે માહિતી એકત્ર કરી હતી એ આપસમાં મેળ ખાતી નહોતી. કોઈએ કીધું કે એ અતડી રહે છે તો કોઈએ એને ઝડપની ભળી જાય એવી જણાવી. કોઈએ કહ્યું હતું કે એ તદ્દન ઉછાંછળી છે તો કોઈએ એને ધીર ગંભીર ગણાવી. કોઈએ એને કોઈ વળગાળ લાગેલ હશે એવો મત પણ વ્યકત કર્યો તો કોઈએ એને સ્પષ્ટ વક્તા કહી. કોઈએ એને અંતૃમુખી ગણાવી તો કોઈએ એને મોંફાટ તરીકે સર્ટિફિકેટ આપ્યું. એકંદરે એ વખતે રસિલાબેન એની રહસ્યમય રસકેલિ રમતમાં રઘવાઇ ગયાં હતાં પણ એ મીનામાસીને થોડું ઘણું મોડુ સમજાયું હતું.


મીનામાસી નિર્દોષ રીતે કેતલા કીમિયાગાર તરફ જોઈને બોલ્યાં, "ફરી એક વખત, અમિતભાઈ!" અને બધાં ખડખડાટ હસી પડ્યાં.


શું આ 'અમિત ઠેકાણે પાડો' મિશન ફરી આગળ વધશે? શું અમિતના નસીબમાં દાંપત્ય જીવનનું સુખ લખાયેલુ હશે? આ બે મોટા ફિયાસ્કા બાદ, સધકી સંધિવાત અને કેતલો કીમિયાગાર આ મિશન આગળ વધારશે કે પડતું મૂકશે? આપના દરેક પ્રશ્નનો મજેદાર જવાબ મળશે ફક્ત જોડે રહેજો. અને હા, 'ધૂલો તો હરખપદૂડો (DTH) : પ્રકરણ ૨૮ તથા આગળના દરેક પ્રકરણ વાંચવાનું ચૂકશો નહીં. આભાર (ક્રમશ...).


લેખક: ગિરીશ ભવાનજી મેઘાણી (GBMSIR).