Guhilot Dynasty and Maharana Pratap in Indian History - 68 books and stories free download online pdf in Gujarati

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 68

(૬૮) કોમલમેરથી મહારાણાનો આદેશ

 

           કોલ્યારી ગામમાં થોડો સમય વિતાવી ભીલોની સહાયતા વડે મેવાડીઓ વિખરાઈ ગયા. હવે જંગ લાંબો ચાલવાનો હતો. નવી શક્તિ મેળવવા સૌ સ્વગૃહે ચાલ્યા ગયા હતા. પોતાના સાથીઓ સાથે મહારાણા કુંભલમેરના કિલ્લામાં આવી ગયા હતા. મહારાણા વિચારવા લાગ્યા. મેવાડના લોકોને મારે સંદેશો આપવો જોઇએ નહીં તો નિરાશામાં ડૂબેલા મેવાડીઓ, મોગલસેનાને તાબે થઈ જશે. એમણે એક નિવેદન બહાર પાડ્યું. ભીલોએ એને હર મેવાડી સુધી પહોંચાડી દીધું.

“મારા વ્હાલા મેવાડીઓ, તમે જમીનદાર હો, તમે કૃષિકાર હો, તમે કોઇપણ ધંધો કરતા હો, મારા આદેશને, જે ભગવાન એકલિંગજીની પ્રેરણાથી, મેવાડની સ્વતંત્રતાના યજ્ઞ માટે હું આપી રહ્યો છું તેનું તન અને મનથી પાલન કરજો. જે એનો દ્રોહ કરશે, જીવન એનો દ્રોહ કરશે. વનમાં વિચરનાર વનવાસી અને પર્વતપુત્રોને કોઇપણ સત્તા ક્યારેય ગુલામ બનાવી ન શકે. આપણે જંગ જારી રાખીશું. લડત ખૂબ લાંબી હશે પરંતુ આપણા પગ, આપણાં બાવડાં અને આપણું મન સાબૂત છે.”

“મેવાડના કોઇપણ ભાગમાં ખેતી ન કરશો. જે કોઇ હળપતિ કે ખેડૂત ખેતર ખેડશે એને પ્રાણદંડની શિક્ષા થશે. યુધ્ધની સામગ્રીને લગતો કોઇપણ ધંધો જો ચાલુ રહેશે તો એવા કારીગરનો તત્કાળ વધ થશે. જે કોઇ સોદાગરો કે વણઝારા અન્નની પોઠો મોગલસેનાને વેચશે એનું શિર સલામત નહિ રહે. યાદ રાખજો, વતનની સ્વતંત્રતાનો જંગ ખેલવામાં કોઇ પાપ નથી.”

મહારાણા પ્રતાપના આ આદેશનો અમલ ચૂસ્તપણે થવા લાગ્યો. પરિણામે મેવાડ વેરાન બનવા લાગ્યો.

મોગલ સિપેહસાલાર આ જોઇ કહેતો, “તુમ્હારે મહારાણાને ઇસ ધરતીકો ઉજાડ દી.”

ખેતરો ઉજ્જડ બની રણમાં ફેરવાઈ જવા લાગ્યા. મેવાડની કૃષિ નામશેષ બની ગઈ. આ સમાચારથી ફત્તેહપુર સિક્રીમાં પણ ગભરામણ ફેલાઈ ગઈ. શાહી સેનામાં યુવકોની ભરતી ઓછી થઈ. મેવાડ આવવા કોઇ ટુકડી તત્પરતા બતાવતી ન હતી. બીજી બાજુ, મહારાણાએ પોતાનો મુદ્દાલેખ એવો રાખ્યો કે, મોગલ સેનાને અન્નનો દાણો પણ ન મળે.

વળી પ્રતાપે માનસિંહના ગોગુન્દાથી રવાના થયા પછી આદેશ આપ્યો. “મોગલોને જમીન મહેસુલ ન આપશો. મોગલ આધીન મેવાડમાં પણ ખેતી ન થવી જોઇએ.”

મહારાણા પ્રતાપે આદેશ આપ્યો એટલું જ નહિં એમની આજ્ઞાનું ઉલ્લંઘન કરી જે ખેડૂતોએ ખેતર ખેડ્યાં એમનો શિરોચ્છેદ પણ સ્વયં મહારાણાને હસ્તે થઈ ગયો.

એક ગામનો મુખી માથાભારે હતો. ગામમાં એ દુર્ગુણોની ખાણ હતો. ગામલોકો એની ધાકથી હંમેશાં ફફડતા રહેતા. મુખીએ મહારાણાના હુકમની અવગણના કરી.

અને થયું કે, મેવાડના મહારાણાની સત્તા તો અસ્ત થઈ ગઈ. ગુજરાત, બંગાળા અને માળવાની માફક મેવાડ પણ મુસ્લીમ રાજ્ય જ બની જવાનું છે. રાજ ગમે તેનું આવે. પોતાના રંગરાગ ચાલુ રહેવા જોઇએ. હવે તો મોગલોની પાંખમાં ભરાઈ જવું સમયોચિત ગણાશે પરંતુ ખુલ્લી રીતે આમ કરી શકાય તેમ ન હતું. કોઇ તક તે શોધતો હતો.

મહારાણાના આદેશથી એણે આ અક ઝડપી લીધી.

“હું તો ખેતી કરાવીશ. મને રોકનાર કોણ છે?”

એના આ નિર્ણયથી આસપાસના ગામના લોકો ચોંકી ઉઠ્યા.

“મુખી નિર્ણય બદલો. ખેતી કરીને જે અન્ન થશે તે મોગલસેના જ લઈ જશે.”

“અન્ન લઈ જશે તો સોનામહોરો તો આપશેને?” એટલે મુખી મક્કમ રહ્યા.

વિદ્રોહની એક ચિનગારી પણ પ્રચંડ આગ બની જાય છે. મેવાડની સમગ્ર જનતાએ આ મુખીપર ફિટકાર વરસાવવા માંડ્યો.

આસપાસના ગામના કેટલાયે મુખીઓએ અનુરોધ કર્યો.

“ભાઈ, તારે જે જોઇએ તે અમારી પાસેથી લઈ જા. પરંતુ તારો નિર્ણય બદલ. જો તું નિર્ણય નહીં બદલે તો અમે તારો બહિષ્કાર કરીશું.”

મુખી હઠે ચડ્યો. “જોયા મોટા બહિષ્કાર કરવાવાળા.”

પછી તો એણે મોગલ સિપેહસાલાર શાહબાઝખાનને મળી સમગ્ર વાત જણાવી.

શાહબાઝખાને એની રક્ષા માટે સિપાહીઓ મોકલી આપ્યા.

“તુમ ફસલ લે લો. હમારી ફૌજ દેખતી હૈ કિ, ફસલ કો કૌન નુક્સાન કરેગા?”

         મુખી પોરસાયા.

તેણે મોગલ સામ્રાજ્યના વખાણ કરવા માંડ્યા. એટલું જ નહિ મેવાડના મહારાણા વિષે અઘટિત બોલવા માંડ્યો.

“હું ખેતી કરીશ. કોઇની તાકાત નથી કે, મારી ખેતી ઉઝાડી શકે. સ્વયં મહારાણાને મારો પડકાર છે.”

અકળાયેલા મેવાડીઓ મહારાણા પાસે ગયા.

“મહારાણાજી, આ મુખી હવે હદ વટાવે છે. જો એ મેવાડી ન હોત તો ક્યારનોયે, આટલું ઝેર ઓકતા ભોંમાં ભંડારાઈ ગયો હોત.”

એમાંયે મુખીએ પોતાની ખેતીની શુભ શરૂઆત કરવા મોટો સમારંભ ગોઠવ્યો ત્યારે તો બળતામાં ઘી હોમાયું.

જે સવારે સમારંભ યોજાયો તે જ સવારે મહારાણા ચેતક પર સવાર થઈને નીકળી પડ્યા.

મુખી જેવો નારિયેલ વઘેરવા જાય છે તેવાજ વિધુન્ગતિથી મહારાણા મોગલ સૈનિકોની રક્ષા પંકિત વીંધીને, ખુલ્લી શમશેર વડે મુખીનું મસ્તક ઉડાવીને નીકળી ગયા.

ઘડીના છઠ્ઠા ભાગમાં આ બની ગયું. મોગલ સિપાહીઓ કંઈપણ સમજે તે પહેલાં આ બની ગયું. ઘોડેસવાર પહાડીની પેલે પાર અદ્રશ્ય થઈ ગયો.

ગોગુન્દામાં આ સમાચાર શાહબાઝખાને સાંભળ્યા ત્યારે તેણે હોઠ પીસ્યા.

“અબ મેવાડ કા સર્વનાશ મેરે હી હાથોં સે હોગા મૈં આતંક મચા દૂંગા, મુખી કો મારકર મહારાણાને મુઝે ચુનૌતી દી હૈ.”

આખા યે રાજપૂતાનામાં સન્નાટો છવાઈ ગયો.