DHULO TO HARKHPADUDO (DTH) - 30 in Gujarati Fiction Stories by ગિરીશ ભવાનજી મેઘાણી books and stories PDF | ધૂલો તો હરખપદૂડો (DTH) - 30

Featured Books
Categories
Share

ધૂલો તો હરખપદૂડો (DTH) - 30

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૩૦


આપણે જોયું કે આ 'અમિત ઠેકાણે પાડો' મિશન હેઠળ ધૂલાએ એની સોસાયટી નજીક રહેતી હેમા નામની છોકરી પસંદ કરી હતી. એ બિંદુ નામની મહિલા સાથે શેરિંગ બેઝીઝ પર રહેતી હતી. ધૂલો ઈશા સાથે એને મળવા ગયો પણ બિંદુએ એમને અપમાનિત કરી ઘરમાં આવવા દીધાં નહીં. છેવટે ધૂલાએ નાખેલા એના વિઝિટિંગ કાર્ડ પ્રમાણે બીજા દિવસે હેમાનો ફોન આવ્યો અને એ લગ્નોત્સુક મિટીંગ માટે તૈયાર થઈ ગઈ હતી. હવે આગળ…


એક તરફ હેમાનો સામેથી ફોન આવ્યો અને ધૂલાની સમજાવટ બાદ, થોડી ઘણી આનાકાની બાદ એ લગ્નોત્સુક મિટીંગ માટે તૈયાર થઈ ગઈ હતી. જોકે બીજી તરફ ધૂલાને એમ લાગ્યુ કે આ હેમા, બિંદુથી અકારણ ડરતી હતી. એ જ કારણસર છેવટે એણે બિંદુને હમણાં આ વાતથી દૂર રાખીને બીજા દિવસે સાંજે અમિત સાથે મિટીંગ કરવા તૈયારી બતાવી. પણ એ સાંજે ચાર વાગ્યે મિટીંગ રાખવા વિનંતી કરતી હતી જેથી એ છ વાગ્યા સુધી મિટીંગ પતાવીને નીકળી જાય અને એના રોજના નોકરીયાત સમય મુજબ ઘરે પહોંચી જાય તો બિંદુને શંકા જાય નહીં. વોટ્સએપ ઉપર લગ્નોત્સુક મુરતિયા તથા સૌભાગ્ય કાંક્ષીણીના ફોટાની આપ-લે થઈ ગઈ.


ફરી એક વખત નવી ઘોડી નવો દાવ એ ધોરણે અમિત વધુ એક વાર ઓફિસેથી અડધી રજા લઈ બે વાગે નીકળી એ જ યુનિસેક્સ પાર્લરમાં જઈ, દાઢી સાથે ફેશિયલ અને બ્લીચ વગેરે કરાવી આવ્યો. એ ફરી શર્ટ પેન્ટ જેવા ચીલાચાલુ વસ્ત્રોનો મોહ ત્યાગીને જેટ નેવી બ્લૂ લેંઘો (આમ તો ચૂડીદાર પણ કહેવાય પણ આ વસ્ત્ર નીચે સુધી પેરેલલ પહોળાઈ ઘરાવતુ હોય છે.) અને ઉપર સોનેરી રંગની, ગ્રીન ભરતકામ કરેલી કફની પહેરીને પ્રસંગોપાત વરરાજા ગેટઅપમાં તૈયાર થઈને આવ્યો હતો. સામે એકલી હેમા સફેદ રંગના ચુડીદાર સૂટ પર કચ્છી ભરતના લીલા બુટ્ટા ભરેલ સફેદ ઓઢણી સાથે શોભતી હતી. એ એનો ઓફિસ પહેરવેશ હોઈ એ સામાન્ય દેખાતી હતી. પણ એની વર્તણૂક તદ્દન અનપેક્ષિત અને અસામાન્ય હતી.


એ આવીને બેઠી, પણ ઊભડક બેઠી. એણે એક પણ વખત અમિત સામે જોવાની કોશિશ પણ નહીં કરી એટલે વાતચીત કરવાનો પ્રશ્ન ઉપસ્થિત નહોતો થતો. એ મીનામાસી, ઈશા હરણી અને સધકી સંધિવાત સામે જ જોઈ રહી હતી અને એમના સવાલોનો જ જવાબ આપી રહી હતી.


પણ એ દિલની સાફ હતી. એ દરેક વાત રજેરજ સાચી જણાવી રહી હતી. થોડીવાર બાદ, થોડી સહજ થયા છતાં પણ પુરુષોમાં એ ફક્ત ધૂલા હરખપદૂડા સાથે જ વાત કરતી હતી. એ એના ઘનેશભાઈ કહીને સંબોધન કરતી હતી.


ગમે તે હોય, પણ એની વર્તણૂક

રહસ્યમય અને અજબ પ્રકારની હતી. આ વાત ભવિષ્યના વરરાજાને અકળાવતી હતી. ભાવલો ભૂસકો અને સધકી સંધિવાત પણ બાકાત નહોતા. સધકી સંધિવાતે સૌના દેખતા અને હેમાની હાજરીમાં ફરી એક વખત કનફર્મ કરવા પૂછી લીધું, "ધૂલાભાઈ, હેમાબેન સાથે અમિતભાઈના લગ્ન વિશે એકદમ ચોખવટ ભરી વાત થઈ ગઈ છે ને?"


ધૂલાએ હળી કરી, "સધકી, મને કેતલો કીમિયાગાર સમજે છે! દીવા જેવી સ્પષ્ટ વાત થઈ ગઈ છે. આ મારી હેમાબેન સામે બેઠી છે. તું પોતે પૂછી લે." સધકી સંધિવાતને ધરપત થવાથી એ ખુશ થઈ ગઈ હતી.


મીનામાસીએ તરત એને પૂછી લીધું, "હેમા, તારે અમિતને કાંઈ પૂછવુ હોય તો પૂછી લે." પણ એણે નકાર આપ્યો, "ના. કાંઈ નથી પૂછવું."


મીનામાસીએ એનો ઉત્સાહ વધારવા એને ફરી ઓફર આપી, "તમારે આપસમાં કોઈ વાતચીત કરવી હોય તો કરી લો." પણ એણે ઇશારાથી નકાર આપી દીધો.


હવે સધકીએ ઝડપભેર, ઉમળકાભેર એને એની હિંમત વધારવા પ્રયત્ન કર્યો, "હેમાભાભી, તમારે આપસમાં કોઈ વાતચીત કરવી હોય, પણ બધા સામે ના કરવી હોય તો તમે બંને જરા બહાર ફરી આવો એટલે જરૂરી મોકળાશ પણ મળી રહેશે અને તમારી વચ્ચે તાલમેલ વ્યવસ્થિત રીતે બેસી જશે."


પણ હેમાએ ચોખ્ખી ના પાડી દીધો. હવે સૌ મૂંઝવણમાં મૂકાઈ ગયાં. છેવટે ઈશા હરણીએ એને પોતાની સાથે આવવા ઇશારત કરી તો એણે તૈયારી બતાવી. આમ ઈશા એને લઈને સધકીના બેડરૂમમાં જતી રહી.


એ બંને અંદર વાતો કરતી હતી ત્યારે બહાર સૌ કોઈ વિચિત્ર પ્રકારની માનસિક અવસ્થા અનુભવી રહ્યા હતાં. એમને આ છોકરીની વર્તવાની રીતભાત કાંઈક અલગ જ પ્રકારની લાગતી હતી. એણે સામેથી ધૂલાને ફોન કોલ કરી આ લગ્નોત્સુક મિટીંગ માટે તૈયારી બતાવી. પછી ચાર વાગ્યાથી છ સુધીનો અલગારી સમય પસંદ કર્યો. અહીં પણ એ સાવ એકલી જ આવી એ પણ ઓફિસમાં પહેરાય એવા પહેરવેશમાં. એ બધું ગૌણ ગણીએ તો પણ મિટિંગ માટે પહોંચ્યા બાદ એ અમિત સાથે સીધી કે આડકતરી રીતે વાત કરવા તૈયાર નહોતી. આ સંજોગોમાં હવે એની, એટલે લગ્ન વાંછુક કન્યા અને ઈશા હરણી વચ્ચેની ચાલી રહેલી મિટીંગ ખૂબ મહત્વપૂર્ણ હતી. જોકે ધૂલો હરખપદૂડો અને ઈશા હરણી વચ્ચે હોવાથી તેઓ સૌ નિશ્ચિંત હતાં કે અહીં ચોક્કસ કામ ફતેહ થઈ જશે.


અંદર હેમા અને ઈશા મીઠી મૂંઝવણ અનુભવી રહી હતી. ઈશા હરણીએ ગોળ ગોળ વાત કરવાને બદલે એ લાગણીશૂન્ય હેમાને સીધેસીધો પ્રશ્ન કર્યો, "હેમાબેન, તમને અમિતભાઈ સાથે કોઈ વાતચીત કરવી છે કે નહીં?"


એણે ટૂંકો જવાબ આપ્યો, "ના."


ચોંકી ઊઠેલી ઈશા હરણીએ તરત નવો સવાલ કર્યો, "હેમાબેન, તો પછી તમારે અમિતભાઈ સાથે લગ્ન કરવા છે કે નહીં?"


એણે ફરી ટૂંકો જવાબ આપ્યો, "હા."


ઈશા હરણીએ વાતને ડબલ કનફર્મ કરવા એ જ સવાલ શબ્દો ફેરવી ફરીથી પૂછ્યો, "હેમાબેન, હું તમારા અને અમિતભાઈ સાથે લગ્ન કરવા માટે પૂછી રહી છું, તમારે લગ્ન કરવા તો છે ને?"


એણે ફરી એક વખત ટૂંકો જવાબ આપ્યો, "હા."


ઈશા હરણી ખુશ થઈ ગઈ, "તો ચાલો બહાર જઈને આ ખુશ ખબર આપી સૌને ખુશખુશાલ કરી દઈએ." આ સાંભળી હેમા હરખાઈને ઊભી થઈ ગઈ હતી. હેમાનો હાથ પકડીને ઈશા હસતાં હસતાં બહાર આવી અને ઉમંગ, ઉલ્લાસ અને ઉત્સાહપૂર્વક બોલી, "અમિતભાઈ, પાર્ટી આપો. તમારી દુલ્હન તમારા હ્રદય પર રાજ કરવા તૈયાર છે. સૌને ખૂબ ખૂબ અભિનંદન."


સૌના આશ્ચર્ય વચ્ચે આ છોકરીએ છોકરા સાથે કોઈ પણ જાતની વાતચીત વગર ઈશા પાસે લગ્ન કરવા માટે હા પાડી દીધી હતી. ઈશા હરણી, સધકીના બેડરૂમમાંથી હસતી હસતી, હેમાનો હાથ ઝાલીને બહાર આવી જતાં બોલી, "મીનામાસી, શુકનનું કવર કાઢો, હેમાએ હા પાડી છે."


મીનામાસીએ પર્સમાં હાથ નાખ્યો અને ફૂલ ગુલાબી બે હજારની પાંચ નોટ અને રાખોડી પાંચસોની બે નોટ કાઢી, પૂરા અગિયાર હજાર રૂપિયા હેમાનાં હાથમાં મૂકી દીધાં. જે થોડા સંકોચ સાથે હેમાએ સ્વીકારી લીધાં એટલે સૌ અમિતને અભિનંદન આપવા લાગ્યાં. આ શહેરમાં પરિવાર વગર એકલી રહેતી આ યુવતીને મીનામાસીએ શુકન આપી દેતાં એનું અમિત સાથે ગોઠવાઈ ગયુ હતું.


હજી એ બધાં અમિતને અભિનંદન આપી અને હેમા તરફ ફરે એ પહેલાં એનો મોબાઈલ રણક્યો. હેમા એના મોબાઈલ પર ફ્લેશ થતો નંબર જોઈને ડરી ગઈ હોય એમ એ ઊભી હતી ત્યાંથી બે ડગલાં પાછળ હટી ગઈ હતી. એની આંખોમાં ગભરાટની લહેરખી ફરી વળી હતી.


શું આ 'અમિત ઠેકાણે પાડો' મિશનનું સમાપન થઈ જશે? શું અમિતના નસીબમાં હેમાનું નસીબ લખાયેલુ હશે? ધૂલાની મહેનત સફળ થશે? એ ફોન કોનો હતો? આપના દરેક પ્રશ્નનો મજેદાર જવાબ મળશે ફક્ત જોડે રહેજો. અને હા, 'ધૂલો તો હરખપદૂડો (DTH) : પ્રકરણ ૩૧ તથા આગળના દરેક પ્રકરણ વાંચવાનું ચૂકશો નહીં. આભાર (ક્રમશ...).


લેખક: ગિરીશ ભવાનજી મેઘાણી (GBMSIR).