DHULO TO HARKHPADUDO (DTH) - 29 in Gujarati Fiction Stories by ગિરીશ ભવાનજી મેઘાણી books and stories PDF | ધૂલો તો હરખપદૂડો (DTH) - 29

Featured Books
Categories
Share

ધૂલો તો હરખપદૂડો (DTH) - 29

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૨૯


આપણે જોયું કે પિતલીની મમ્મીએ સુષમા નામની ઇન્ટિરિયર ડિઝાઇનરને બિઝનેસના કામના બહાના હેઠળ પોતાના ઘરે બોલાવી, અમિત સાથે લગ્નોત્સુક મિટીંગ ગોઠવી આપી હતી. પણ ગેરસમજ અને ગડબડ ગોટાળાની ધમાલ વચ્ચે આ લગ્નોત્સુક મિટીંગ પણ બૂમરેંગ સાબિત થઈ. આમ આ એક પછી એક એમ બંને પ્રપોઝલના નિષ્ફળ સૂત્રધાર એવા કેતલા કીમિયાગારની મશ્કરી કરવા જતા આ મિશન, મયુરીઆ કળાકારના ગળામાં આવી ગયું હતું. જોકે ધૂલા હરખપદૂડાએ ભાવલા ભૂસકાને એક એવો મેસેજ કર્યો જે જોઈ ભાવલો ભાવનાત્મક ભૂસકા લગાવવા માંડ્યો. હવે આગળ...


ધૂલા હરખપદૂડાએ ભાવલા ભૂસકાને એક અનોખો, મનભાવક મેસેજ કર્યો. જે જોઈ ભાવલો ભાવનાત્મક ભૂસકા લગાવવા માંડ્યો.


ધૂલાએ એ મેસેજ દ્વારા અમિત માટે એક વૈવાહિક પ્રપોઝલ મોકલ્યુ હતુ. ઉપરાંત એણે ખાત્રી આપી હતી કે કન્યા એની આસપાસની સોસાયટીમાં જ રહેતી હતી. એણે ધૂલાને તરત કોલ વગાડ્યો.


તેણે પોતાના મિત્રને સ્પષ્ટ રીતે પૂછ્યુ, "મુંબઈ શહેરમાં એકલી રહેતી યુવતી વધુ ભયજનક ના હોઈ શકે?"


જવાબમાં ધૂલાએ એની પાસે હતી એટલી બધી માહિતી આપી દીધી જેમકે એ યુવતી સહભાડૂત તરીકે એકલી રહેતી હતી એટલે એક અન્ય વર્કિંગ વુમન સાથે શેરિંગ બેઝીઝ પર ભાડે રહેતી હતી. એની જે રૂમ પાર્ટનર હતી એ કાનપુર નિવાસી પરણિત મહિલા હતી. એના પતિનો તૈયાર જેન્ટસ કપડાંનો શો-રૂમ હતો. એ પોતે જે કંપનીમાં નોકરી કરતી હતી એણે એને મુંબઈ ખાતે ટ્રાન્સફર કરી હતી. શરૂઆતમાં તો એણે પાછા કાનપુર ટ્રાન્સફર લેવા ખૂબ ધમપછાડા કર્યા. પછી ધીરે ધીરે એ અહીં સેટ થઈ ગઈ. એને કાનપુર કરતાં મુંબઈની લાઈફ સ્ટાઈલ ફાવી ગઈ હતી.


એણે આ કન્યા, હેમા, જેની વાત ધૂલાએ ચલાવી હતી, એની સાથે શેરિંગ બેઝીઝ પર એક સિંગલ બેડરૂમનો ફ્લેટ ભાડા પર લઈ લીધો હતો. બંને સખીઓ સાથે સાથે આરામથી રહેતી હતી. આ કુંવારી કન્યા એટલે હેમા એની રૂમ પાર્ટનર બિંદુ કરતાં ઉમરમાં મોટી હતી. પણ બંને આપસમાં સેટ થઈ ગઈ હતી. એમને કોઈ પાડોશીનો ત્રાસ નહોતો તો તેઓ પણ કોઈને તકલીફ આપતી નહોતી. એકંદરે એમની છાપ સારી હતી.


તેઓ સોસાયટીમાં પણ કોઈ સાથે લપ્પન છપ્પન કરતી નહીં. સોસાયટીના છોકરાઓ કે બહારના મવાલીઓથી દસ ગાવ દૂર રહે એવી સીધી અને સરળ પ્રકૃતિની હતી. એણે ભાવલા ભૂસકાની ઇચ્છા હોય તો ઈશા હરણી દ્વારા મુલાકાત ગોઠવી આપવા માટે પૂછપરછ કરી. વળી એણે આ મુલાકાત ગુપ્ત રીતે ગોઠવી આપવા ઓફર કરી.


ભાવલાએ હકારાત્મક જવાબ આપ્યો પણ ગુપ્તતાનો ક્લોઝ યાદ અપાવી દીધો. આ મુલાકાત વિશે એમના મિત્રવર્ગમાં પણ વાત જણાવવી નહીં એમ નક્કી થયું. હરખપદૂડો ધૂલો, ઈશા હરણીને લઈને એ સાંજે પહોંચી ગયો એ કોડીલી કન્યા હેમા પાસે.


દરવાજો એની રૂમ પાર્ટનરે ખોલ્યો. બહાર સેફ્ટી ગ્રીલ હોવાથી એ આશ્વસ્ત હતી. આગંતુકને એ જાણતી નહોતી. એણે અંદાજ લગાવ્યો કે હેમાના મહેમાન હશે. એણે બૂમ પાડી, 'દીદી.' અંદરથી નાઇટ ગાઉન પહેરીને હેમા દરવાજા પાસે આવી. એ પણ આ વગર નોતરે આવેલાં અતિથિઓને જાણતી નહોતી.


તેઓ એમને આવકાર આપવાને બદલે શંકાશીલ બની અંદરથી જ તાકી રહી. ઈશા હરણીએ એમને સહજ બનાવવા સ્માઈલ આપી.


હેમા એમને માનભેર વળાવવા કહેવા લાગી, "નો સેલ્સ મેન અલાઉડ ઇન ધીસ સોસાયટી." આટલું બોલી અને એણે દરવાજો બંધ કરી દીધો.


છોભીલા પડેલાં ધૂલા હરખપદૂડા તથા ઈશા હરણીએ એકમેક સામે જોઈને લાચારી ભર્યુ સ્માઈલ આપી નીકળી જવા ફર્યા કે દરવાજો ફરી ખૂલ્યો. હકીકતમાં એ હેમા દરવાજો બંધ કરી એમની હરકત દરવાજામાં લાગેલ આઈ હોલમાંથી નિરખી રહી હતી. એમને નિરાશ થઈ પાછાં જતાં જોઈ એણે ફરી દરવાજો ખોલ્યો અને એમને ઓણખાણ આપી આવવાનો આશય જણાવવા કહ્યું.


ઈશા હરણીએ લીડ લીધી, "અમે અહીં બાજુની સોસાયટીમાં રહીએ છીએ. અને ભલે આપણો કોઈ અંગત પરિચય નથી પણ અમે તમારી સાથે ઓળખાણ કરવા જ આવ્યાં છીએ."


પાછળથી એની રૂમ પાર્ટનર અંદરથી, કદાચ બેડરૂમમાંથી, ફરી બહાર આવી અને હિન્દીમાં બોલી,"અમને તમારી સાથે ઓળખાણ કરવામાં કોઈ રસ નથી. આવજો." એણે દરવાજો બંધ કરી દીધો.


આ વખતે ધૂલા હરખપદૂડાનું ધ્યાન દરવાજાના આઈ હોલ તરફ હતુ. એને ત્યાં અંધકાર દેખાયો. એના અનુમાન અનુસાર એ છોકરી હજી ત્યાંથી એમની હિલચાલ જોઈ રહી છે. એણે ઈશા હરણીને ઇશારાથી આંગળી નિર્દેશ કરી એ બતાવ્યુ. પછી એણે એ ડોર આઈ હોલ સામે પોતાનું વિઝિટિંગ કાર્ડ ઘરી ગ્રીલમાંથી અંદર નાખી દીધું. તરત દરવાજો ફરી ખૂલ્યો. એ હેમા જ હતી. એણે વિઝિટિંગ કાર્ડ લઈ લીધું.


ત્યાં અંદરથી અવાજ આવ્યો,"વો નિઠલ્લે, ગયે ક્યા?"


જોકે હજી દરવાજો પૂરો બંધ નહોતો. એણે દરવાજો અર્ધ ઉપાડો રાખીને જ જવાબ આપ્યો, "હાં, ગયે." ઓલી પોતે જોવા આવી. એણે ખાત્રી કરી ત્યારે એને ખબર નહોતી કે ધૂલો હરખપદૂડો અને ઈશા હરણી દાદરા પાસે લપાઈને ઊભાં હતાં.


એ ચીડચીડી ફરી બોલી, "પતા નહીં કહાં કહાં સે આ જાતે હૈં! ઐસે ટાઈમ પાસ લોગ." અને એ દરવાજો ધડામ એવા ધબાકા સાથે બંધ થઈ ગયો.


*


બીજા દિવસે અપેક્ષા પ્રમાણે ધૂલાના મોબાઈલ ફોન પર કોલ આવ્યો. "સોરી ધનેશભાઈ, હું હેમા બોલું છું. ગઈકાલે તમે ભાભી સાથે મારા ઘરે અમને મળવા આવ્યા હતા. પણ બિંદુએ તમને અંદર આવવા દીધા નહીં." એના અવાજમાં સચ્ચાઈનો રણકો હતો.


ધૂલાએ પણ સામે વિવેક બતાવ્યો, "નહીં નહીં, હેમાબેન, ભૂલ અમારી છે. એમ કોઈના ઘરે ઓળખ પાળખ વગર પહોંચી જવાય નહીં. સોરી મારે તમને કહેવાનું હોય. તમને અમારા લીધે અગવડ પડી હશે. સોરી." એને ધૂલાના અવાજમાં આત્મીયતા જણાઈ.


હેમા સ્વસ્થતાથી, નમ્રતાથી, સામેથી ફોન કરી ડાયરેક્ટ વાત કરી રહી હતી એટલે એમનો ધક્કો સફળ થઈ ગયો હતો. એને એ છોકરીની નિખાલસતા સ્પર્શી ગઈ. એણે એને એના પરિવાર જનો વિશે પૂછપરછ કરી. તો એના દૂરના કાકા સિવાય નહોતુ.


હવે ધૂલાએ એને પોતાની બહેન બનાવી, એની ભાભી ઈશા હરણી વિશે જાણ કરી. એણે સામે જણાવ્યું કે ઈશાભાભીને જાણતી હતી. આમ થોડી ઔપચારિક વાતચીત પત્યા પછી અંતમાં ધૂલાએ એને અમિત વિશે વાત કરી.


એણે હવે પોતાનું આ દુનિયામાં કોઈ હોય તો એ આ બિંદુને જ ગણાવી. એના એ દૂરના કાકા પણ ગુજરી ગયા બાદ એમના શહેરમાં રહેવું અશક્ય હતું. એટલે એણે મુંબઈની વાટ પકડી હત. આમ જોવા જઈએ તો એકલી કુંવારી છોકરીના રહેવા તથા નોકરી કરવા માટે આખા ભારતમાં મુંબઈથી સલામત કોઈ સ્થળ નથી.


ધૂલાએ એને અમિત સાથે ઘર વસાવી સુખી જિંદગી જીવી લેવા સલાહ આપી. હેમા શરૂઆતની થોડી આનાકાની બાદ અમિત સાથે મિટીંગ માટે રાજી થઈ ગઈ હતી. પણ ધૂલાને એમ લાગ્યુ કે આ હેમા, બિંદુથી અકારણ ડરતી હતી.


છેવટે બિંદુને હમણાં આ વાતથી દૂર રાખીને બીજા દિવસે સાંજે અમિત સાથે મિટીંગ કરવા તૈયારી બતાવી. પણ એ સાંજે ચાર વાગ્યે મિટીંગ રાખવા વિનંતી કરતી હતી તો એ છ વાગ્યા સુધી નીકળી જાય તો નોકરીયાત સમય મુજબ ઘરે પહોંચી જાય તો બિંદુને શંકા જાય નહીં. વોટ્સએપ ઉપર લગ્નોત્સુક મુરતિયા તથા સૌભાગ્ય કાંક્ષીણીના ફોટાની આપ-લે થઈ ગઈ.


એની આ બિંદુવાળી વાત કબૂલ રાખીને ધૂલા હરખપદૂડાએ ભાવલા ભૂસકાને ઘરે પોતાના મિત્ર વર્ગથી ખાનગીમાં મિટીંગ ગોઠવી લીધી. થોડીવારમાં સધકી સંધિવાતનો કોલ આવી ગયો, "ધૂલાભાઈ, સામે પાર્ટી સાથે અમિતભાઈના લગ્ન વિશે એકદમ ચોખવટ ભરી વાત થઈ ગઈ છે ને?"


ધૂલાએ હરખાઈ કરી, "સધકી, મને કેતલો કીમિયાગાર સમજે છે! દીવા જેવી સ્પષ્ટ વાત થઈ ગઈ છે." સધકી સંધિવાત ખુશ થઈ ગઈ.


અહીં આંખોમાં રંગીન ભવિષ્યના સપના આંજી, હેમા હરખાઈ રહી હતી, 'તૂને ઓ રંગીલે કૈસા જાદુ કીયા, પીયા પીયા બોલે મતવાલા જીયા.'


તો અમિત ભાવુક થઈ ગયો હતો, 'પલભર કે લીએ કોઈ હમેં પ્યાર કર લે, ઝૂઠા હી સહી. દો દીન કે લીયે કોઈ એકરાર કર લે, ઝૂઠા હી સહી.'


મીનામાસી અલગ થીમ પર તાલ મેળવી રહ્યાં હતાં, 'મેરે નસીબ મેં તૂ હૈ કે નહીં, તેરે નસીબ મેં મૈ હું કે નહીં.' એમના નસીબમાં વહુના હાથની રોટલી ખાવાના વિધિના લેખ છે કે નહીં, એ અઢવઢ હતી.


ભાવલો ભૂસ્કો ભાવનાત્મક પણ સકારાત્મક બની ગયો હતો, 'જિંદગી એક સફર હૈ સુહાના, યહાં કલ ક્યા હો કિસને જાના.'


સધકી સંધિવાત એમ ખુશ હતી કે બધું નક્કી થઈ ગયું જ છે, 'દુનિયા જબ જલતી હૈ, હાય રે બડા મજા આતા હે.' હવે કેતનભાઈ અને મયૂરભાઈ ભલે ઈર્ષાથી બળીને ભસ્મ થઈ જાય.


ધૂલો હરખપદૂડો (DTH) અસમંજસ ભરી મનોસ્થિતિમાં હતો, 'દુઃખ સુખ કી હરેક માલા, કુદરત હી પિરોતી હૈ.'


તો ઈશા હરણી પણ ગણગણતી હતી, 'ઘર જાયેગી, તર જાયેગી, હાં ડોલીયાં ચઢ જાયેગી, મહેંદી લગાયેગી રે, કાજલ સજાયેગી રે, દુલ્હનિયા મર જાયેગી...'


શું આ 'અમિત ઠેકાણે પાડો' મિશન ફરી આગળ વધશે? શું અમિતના નસીબમાં હેમાનું નસીબ લખાયેલુ હશે? ધૂલાની મહેનત સફળ થશે? શું બિંદુ વેમ્પ સાબિત થશે? આપના દરેક પ્રશ્નનો મજેદાર જવાબ મળશે ફક્ત જોડે રહેજો. અને હા, 'ધૂલો તો હરખપદૂડો (DTH) : પ્રકરણ ૩૦ તથા આગળના દરેક પ્રકરણ વાંચવાનું ચૂકશો નહીં. આભાર (ક્રમશ...).


લેખક: ગિરીશ ભવાનજી મેઘાણી (GBMSIR).