Guhilot Dynasty and Maharana Pratap in Indian History - 79 in Gujarati Short Stories by Sisodiya Ranjitsinh S. books and stories PDF | ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 79

Featured Books
Share

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 79

 (૭૯) વીર ગુલાબસિંહ

 

આકાશમાં મેઘની ગર્જના થાય છે. ત્યારે વનનો રાજા સિંહ છંછેડાય છે અને પ્રતિ ગર્જના કરે છે, આ હુંકારમાં ફળની અપેક્ષા હોતી નથી. વીર પુરૂષો બીજાની ગર્જનામાં પોતાને મળેલી ચુનૌતી સમજી લે છે.

રાજપૂતાનાનો કવિ ઇસરદાન કહે છે.

ઇકઈ વન્નિ વસંતડા, એવઈ અંતર કાંઇ

સિંહ કવડ્ડી નહ લઈઈ, ગઈવર લખ બિકાઇ.

ગઈવર-ઠાંકઈ ગલત્થિયહ, જહં ખંચઈ તહં જાઇ

સિંહ ગલત્થણ જઈ સહઈ, તઉ દઈ લખ્ખિ બિકાઇ.

અર્થાત “કવિ પોતાના મનને પ્રશ્ન કરે છે, એક જ વનમાં રહેનાર સિંહ અને હાથીમાં કેમ આટલું અંતર છે? હાથી તો લાખ રૂપિયામાં વેચાય છે અને સિંહની તો કોડી પણ ઉપજાવી નથી.

હાથીના ગળામાં ગલબંધન હોય છે. તેથી એને જ્યાં ખેંચીએ ત્યાં એ જાય છે. જો સિંહ પણ એ પ્રકારે બંધન સ્વીકાર કરે, તો દશ લાખમાં વેંચાય.”

વીરો સિંહ જેવા આઝાદીની આબોહવામાં વિરહનારા હોય છે.

મહારાણા પ્રતાપનો અંગરક્ષક ગુલાબસિંહ પણ એવો વીર હતો. તે વિખ્યાત સૂર્યવંશી ચૂડાવત શાખાનો સરદાર હતો. એના દાદા મહારાણા સંગ્રામસિંહની સાથે લડતા લડતા વીરગતિ પામ્યા હતા.

માહારાણા ગાદીપર બેઠા પછી વીર ગુલાબસિંહ તેમની સેવામાં ઉપસ્થિત થયો. તેણે મહારાણા માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરવાનો નિર્ણય કર્યો હતો.

કૂતરા, બિલાડા, પશુ-પંખીઓ કરતાં માનવ અવતાર શ્રેષ્ઠ છે. માનવના જીવનમાં કાંઇક ધ્યેય હોવું જોઇએ, વીર ગુલાબસિંહે પણ વિદેશીઓથી માતૃભૂમિની રક્ષા કરવાનું ધ્યેય નક્કી કર્યું. માં ભવાનીને વંદન કરી, ભગવાન એકલિંગજીના દર્શન કરી એણે મેવાડપતિના ચરણોમાં પોતાના સપનાની વિગત કહી.

“વીર ગુલાબસિંહ, તમારા પૂર્વજોએ પેઢી દર પેઢી મેવાડની અમુલ્ય સેવા બજાવી છે. મોર પોતાના પીંછાથી જ રળિયામણો હોય છે. પીંછા વગરનાં મોરની કલ્પના સુંદરતાને આઘાત આપનારી છે. તમારી વીરતા મેવાડના દરબારને ક્યારનીયે આંબી ગઈ છે, તમને હું મારા અંગરક્ષક તરીકે નિયુક્ત કરું છું.”

અને વીરભદ્ર-શો ગુલાબસિંહ મહારાણાનો પડછાયો બની ગયો.

જગતમાં જેટલા મહાન પુરૂષો થઈ ગયા તેમની મહાનતા પ્રગટાવવામાં એમના સાથીઓનો અમૂલ્ય ફાળો હતો. મહારાણા પ્રાતાપને મહાન બાનાવવામાં માતા જયવંતીદેવી, દાદા અક્ષયરાજ સોનગિરા, સાથ આપનારા બંધુઓ, મન્નાસિંહ ઝાલા જેવા સરદારોનો અમૂલ્ય ફાળો હતો હવે એ યશ કલગીમાં વીર ગુલાબસિંહનો ઉમરો થયો.

હલદીઘાટીનું યુદ્ધ પૂરું થઈ ગયું હતું. બધું વેરવિખેર થઈ ગયું હતું. આજે અરવલ્લીની પહાડીઓમાં થોડાં સાથીદારો અને બે  અંગરક્ષક કાલુસિંહ અને ગુલાબસિંહ સાથે પોતાના દિવસો મહારાણા પ્રતાપ પસાર કરી રહ્યા હતા.

મેવાડના પ્રદેશમાં ચારે બાજુ મોગલો છવાઇ ગયા હતા. અરવલ્લીની ખીણોએ, તેની ગીચ હરિયાલીએ, એમાં વસતા ભીલોએ મહારાણા અને તેમના સમસ્ત પરિવારને, જાણે ધરતીમાં અલોપ કરી દીધા હોય તેમ શાહબાઝખાનના અતક પ્રયત્નો છતાં હાથ આવતાં ન હતા.

મહારાણાની નિકટમાં એક હજાર રણબંકા, મરણિયા મેવાડીઓ સતત ચોકી કરી રહ્યા હતા. ડાબા- જમણા હાથ તરીકે સરદાર કાલુસિંહ અને સરદાર ગુલાબસિંહ હતા.

મહારાણા અને તેમના સાથીઓ, માહકાષ્ટમય દિવસો પસાર કરી રહ્યા હતા. તેઓ એ વાતની સતત કાળજી રાખતા કે, પોતાના સિપાહીઓ કરતાં પોતાના ભાગે વધારે કષ્ટ આવે. એક હજાર માણસોના ખોરાક માટે વનના ફળ, કંદમૂળ તો છેવટે હતા જ, દૂર દૂર ખુલ્લા મેદાનમાં ધસી જઈ દુશ્મન દળની ટુકડીઓની અનાજની રસદ લુંટી લેવામાં આવતી. ઘણીવાર અચાનક અનાજની પોઠો મેવાડી સૈનિકોને મેવાડના અનામી દાનવીરો તરફથી મળતી.

મહારાણાના મુકામથી દૂર દૂર સુધી અસ્થાયી ચોકીઓ રચાઇ ગઈ હતી. મહારાણાના મુકામે પહોંચતા પહેલાં જ દુશ્મન ટુકડીઓનો ખાત્મો બોલાવી દેવામાં આવતો, દુશ્મનોનો હુમલો જોરદાર હોય તો એક બાજુ સામનો અને બીજી બાજુ મહારાણાના મુકામની બીજી વ્યવસ્થાની કાર્યવાહી ઝડપી બનાવી દેવામાં આવતી.

ગુલાબસિંહ આ બધી વ્યવસ્થા સાચવતા. બીજાના સુખ ચેન અને ભૂખની કાળજી રાખવામાં પોતાની ભોજન જેવી જરૂરિયાત પણ વિસરે જતા. આથી ગુલાબસિંહ સવર્ત્ર લોકપ્રિય બની ગયા હતા.

“પ્રાણ ભલે જાય પરંતુ મોગલોના તાબે તો થવું જ નથી.” વારંવાર તેઓ કહેતા.

આગ્રામાં બાદશાહ અકબર મેવાડનો પ્રશ્ન પતાવી દક્ષિણ ભારત કે લાહોર અને કાબુલ તરફ આપવા માંગતા હતા. તેમણે કાસદ મારફતે શાહબાઝખાનને સંદેશો કહેવડાવ્યો, “ખાન, રાણા પ્રતાપને કેદ પકડો કા’ તો તેની સાથે સંધિ કરો. મેવાડનો પ્રશ્ન હું શીઘ્રો તિશીઘ્ર પતાવી નાંખવા માંગું છું.”

આના પ્રત્યુત્તરમાં શાહબાઝખાને જણાવ્યું, “મેં મેવાડ પર ભીંસ વધારી દીધી છે. રાણાના રાણાના સહાયતા મેળવવાના તમામ માર્ગો બંદ કરી દીધા છે. જે ભીલો રાણાને સહાયતા કરે છે એવી શંકા આવતા વેંત હું તેમની કતલ કરી નાખું છું. રાણાના સહાયકોને વીણી વીણીને કાપી નાખ્યાં છે. પરંતુ મહારાણા કે તેમના પરિવારનું એક બાળક પણ મોગલસેનાના હાથમાં આવ્યું નથી.

સંધિ થવી અશક્ય છે. મહારાણા સંધિ માટે તૈયાર જ નથી. પરંતુ માની લો કે, કેટલીક ઢીલી શરતો મુકીને મહારાણાને તો લલચાવી શકાય પરંતુ તેમના જમણા હાથ સમો ગુલાબસિંહ આ બાબતમાં મક્કમ છે. તે સંધિના વાતાવરણની વિરૂદ્ધ લોખંડી દિવાલ બનીને ઉભો છે. તેની પાસે એક હજાર નર બંકા મેવાડીઓ એવા છે કે, જેઓ લોહીના છેલ્લા બુંદ સુધી આપણી સામે લડી લેવા મક્કમ છે. આથી મારું નિશાન હવે ગુલાબસિંહ છે. હું શામ, દામ, દંડ અને ભેદ નીતિ અપનાવીને ગુલાબસિંહને ખતમ કરીશ પછી આપણો માર્ગ સરળ બની જશે.

અને શાહબાઝખાને ગુલાબસિંહને આણસામાં લેવાનો વ્યૂહ ગોઠવવા માંડ્યો.

મહારાણા ક્યાં સંતાયા છે એની મોગલસેનાને ખબર ન હતી. આ ખબર મેળવવા શાહબાઝ ખાને પોતાની સેનાના ત્રણ શૂરા સેનાનીઓ અહમદખાન, અસલમખાન અને ગુલાબખાનને બોલાવ્યા.

“મારા બહાદુર સેનાનીઓ, મોગલસેના તમારી વીરતાથી ગૌરવ અનુભવે છે. આપણે ઘણાં સમયથી મેવાડમાં છીએ છતાં મહારાણાના પડછાયાને પણ આપણે નિહાળી શક્યા નથી. શું આ હકીકત આપણા માટે શોભાસ્પદ છે?

“જી હજૂર. આપ આદેશ ફરમાવો. અમે જાનની બાજી લગાવીને પણ આપની ખ્વાહીશ પૂર્ણ કરવા મંડી પડીશું.” ત્રણે સેનાનીઓ એકી અવાજે બોલી ઉઠ્યા.

“અરવલ્લીની ખીણમાં દુર્ગમ ઘાટીમાં ક્યાંક મહારાણા છૂપાયા છે. ખીણને અડીને આવેલું ગીચ જંગલ આપણે  ફેંદી નાંખવાનું છે. કોક દિવસ મહારાણાના માણસો નજરે પડશે જ અરવલ્લીની ખીણ આગળ ગીચ જંગલમાં તમે પાંચસો પાંચસોની ત્રણ ટુકડીઓમાં વહેંચાઇને તપાસ કરતા રહો કે મહારાણા ક્યાં છૂપાયા છે. હું જાણું છું કે, આ ગીચ જંગલમાં આવો પ્રયત્ન કરવો એ અંધારામાં બાચકા ભરવા જેવું છે. પરંતુ હવે તો એ એક જ આશાનું કિરણ છે. સમજી લેવાનું કે, મહારાણાને છુપાવવાનું સ્થળ તેની આસપાસ છે.

-૨-

મહારાણા જે ખીણની અંદરના ભાગમાં વસતાં હતા ત્યાંથી ખીણનું મુખ ઘણે દૂર હતું. ખીણના મુખ પાસે, ત્રણે બાજુ ઉંચા ઉંચા ડુંગરા હતા. ખીણનો રસ્તો અતિશય સાંકડો હતો. એક સમયમાં બે વ્યક્તિ કે એક ઘોડેસવાર જ તેમાંથી પસાર થઈ શક્તો. એવી સાંકડી કેડી હતી. ખીણના મુખથી દૂર દૂર સુધી ગીચ જંગલ હતું. જંગલમાં એવું તો ગીચ હતું કે, બપોરના સૂર્યના કિરણો પણ વૃક્ષોની ઘટાના છાયાને ભેદી શકતી ન હતી.

સાંજનો સમય હતો. મહારાણા અને સરદારો ચિતિંત ચહેરે બેઠા હતા.” અનાજ નથી. જો આમને આમ ચાલશે તો ભૂખે મરવાનો વારો આવશે.” મહારાણા બોલ્યા.

“ભલે ભૂખે મરી જવાય પરંતુ ગુલામી તો નથી જ સ્વીકારવી.” સૌ બોલી ઉઠ્યા.

એવામાં એક ભીલ ગુપ્તચર મહારાણા સમક્ષ હાજર થયો.

“મહારાણાજી, જંગલને પેલે પાર અનાજનો મોટો સંગ્રહ આવી પહોંચ્યો છે. કાલે સવારે જંગલની મધ્યમાં આપની ટુકડી આવીને એ અનાજ લઈ જાય એવી વ્યવસ્થા કરશો એવી અપેક્ષા અમારા સરદારે રાખી છે.”

ભીલોના સરદાર પૂંજાજીની ચપળતા માટે મહારાણાને ભારે માન હતું.

વહેલી સવારે ગુલાબસિંહે પાંચસો જવામર્દ મેવાડીઓને તૈયાર કર્યાં. આ મેવાડીઓ અશ્વ પર સજ્જ થઈને ભગવાન સૂર્યનારાયણના પ્રથમ કિરણો ધરતી પર પડે અને ધરતી પ્રફૂલ્લિત બને એ પહેલા ખીણના મુખ આગળ આવી પહોંચ્યા.

ગુલાબસિંહે પોતાના સાથીઓને સાવધ કર્યા, “મેવાડ વીરો, સાવધાન, દુશ્મનને આ ખીણનો માર્ગ કોઇપણ ભોગે માલૂમ પડવો જોઇએ નહિ.”

તેઓ આગળ ચાલવા માંડ્યા. માંડ પાંચ ફલાઁગ આગળ વધ્યા હશે ત્યાં તો જંગલમાં ખળભળાટ થવાની આશંકા લાગી. હવે તેઓ ધીરે ધીરે સાવધાનીથી આગલ વધવા માંડ્યા, અચાનક એક વળાંક આગળ અસલમખાનની આગેવાની હેઠળની એક ટુકડી મેવાડી ટુકડીની સામે આવી ગઈ.

આથી ગુલાબસિંહે પડકાર કર્યો,” બહાદુરો એક પણ દુશ્મન જીવતો ન જાય.”

પરંતુ મોગલ ટુકડીમાંથી બે સવારો ક્યારનાયે પાછળ હટીને છટકી ગયા હતા.

ખૂનખાર જંગ શરૂ થયો. રણબંકા મેવાડીઓ શાર્દુંલની જેમ દુશ્મનો પર ટુટી પડ્યા. મોગલ ટુકડીનો સફાયો થવા માંડ્યો. હતાશ થઈ મોગલ સિપાહીઓ ભાગવા માંડ્યા ત્યાં તો બીજી ટુકડી તેમની મદદે આવી. થોડા સમય પછી ત્રીજી ટુકડી આવી પહોંચી.

જ્યાં બાજી જીતની જણાતી હતી ત્યાં અચાનક નવી કુમક આવવાથી મોગલો ઉત્સાહિત થઈ લડવા લાગ્યા.

ગુલાબસિંહે જોયું કે, દુશ્મનો ત્રણ ગણા થઈ ગયા છે. જો આજે ખીણનું મુખ દુશ્મનો જોઇ જશે તો મહારાણા પકડાઇ જશે. માટે ગમે તે ભોગે દુશ્મનોને ખત્મ કરવા, ખીણનો માર્ગ તો બાતાવવો જ નહિ.

તેણે પોતાના મેવાડી સિપાહીઓને શૌર્યપૂર્વક લડવાની હાકલ કરી. સંકટની ભયાનકતાનો ખ્યાલ આપ્યો. દુશ્મનના ઘણા માણસો માર્યા ગયા છતાં થાકેલા, હતાશાને વરેલા રાજપૂતો પાછા હઠવા માંડ્યા. ખીણના દ્વાર સુધી પીછેહઠ થઈ.

દુશ્મન સિપાહી કાં તો ખીણનું મુખ ન જોઇ જવો જોઇએ કાં તો જોયા પછી જીવતો પાછો ન જવો જોઇએ.

મેવાડી અશ્વારોહી પાછા હટતા હતા એ જોઇ ગુલાબસિંહે તેમને સિંહનાદ કરી કહ્યું, “પાછા ન હટો, દુશ્મનને મારો. મરો પણ પાછા ન હટો. મેવાડને આજે આપણા બલિદાનની જ્રૂરૂર છે. છતાં સૈનિકો પાછા હટતા હતા.

અચાનક ગુલાબસિંહે ઘોડો દોડાવ્યો. ખીણના મુખ આગળ ઘોડાને અટકાવી તે કુદી પડ્યો.

“નામર્દ જવાનોના નાયક તરીકે જીવવા કરતા મૃત્યુ મને વધારે વહાલું છે. ખીણમાં પ્રવેશવા માટે તમારે મારી છાતી પર, તમારા ઘોડાની ખરીઓને ઘોંચવી પડશે.”

આમ કહી તે ખીણના મુખ આગળ સુઈ ગયા. સન્નાટો છવાઇ ગયો. બધા મેવાડીઓમાં અનોખુ બળ પ્રગટ્યું. પોતાના જવામર્દ નાયકની છાતીપર ઘોડાની ખરીઓ પડે તેવી કાયરતા માટે પોતાની જાતને દોષ દઈ અનેકગણા બળથી પાછા ફર્યા.

ફરી ખૂનખાર યુદ્ધ થયું.

જંગલને પેલેપાર અનાજની સામગ્રી સાથે આવેલા ભીલ ધનુષ્ય ધારીઓને કાંઇક ગરબડ થયાનો આભાસ આવી ગયો. તેઓ જંગલમાં આગળ વધ્યા.

ખરી અણીના સમયે, યુદ્ધ ચાલતું હતું ત્યાં ભીલ ધનુર્ધારીઓ આવી પહોંચ્યા.

મોગલો બંને બાજુથી ભિડાયા.

એ દિવસે મોતનું તાંડવ ખેલાયું. બને પક્ષના માણસો મોતને શરણે થયા.

જૂજ પ્રમાણમાં મેવાડીઓ બચ્યા હતા. ભીલ ધનુર્ધારીઓ પોતાનું કાર્ય પતાવી ખીણના ઉપલા ભાગે ઉભા હતા.

વીર ગુલાબસિંહે તેમનો ખૂબ આભાર માન્યો.

“સરદાર, શાહબાઝખાનની બીજી ટુકડીઓ આવે તે પહેલાં વિખરાઇ જાઓ. અનાજ હવે હમણા નહિ પહોંચાડાય.” ભીલ ગુપ્તચર બોલ્યો.

થોડી ક્ષણોમાં ખીણનું મુખ એવું તો બંધ થઈ ગયું કે, કોઇ કહી ન શકે અહીં રસ્તો છે.

જ્યારે આ હકીકત મહારાણાએ જાણી ત્યારે તેમણે ગુલાબસિંહને ગળે લગાવ્યો.

“તે આજે મેવાડની લાજ બચાવી.”

વીર ગુલબસિંહની કીર્તિ સમગ્ર રજપૂતાનામાં ફેલાઇ ગઈ.

આ ઘટનાઅ પછી શાહબાઝખાનને જંગલમાં જાતે આવીને શોધ કરી પરંતુ વ્યર્થ. મહારાણાનું ગુપ્ત  રહેઠાણ મળ્યું જ નહિ.