Hitopradeshni Vartao - 16 in Gujarati Children Stories by SUNIL ANJARIA books and stories PDF | હિતોપદેશની વાર્તાઓ - 16

Featured Books
Share

હિતોપદેશની વાર્તાઓ - 16

16.

દમનકે દોઢડાહ્યા ગધેડાની વાર્તા શરૂ કરી.

કાશીમાં એક ધોબી રહેતો હતો. એ આખો દિવસ લોકોના કપડાં ધોવે અને સાંજે પોતાના ગધેડા પર ધોયેલાં કપડાં લાદીને ઘેર લઈ આવે. કપડાં સૂકવે. બીજે દિવસે ધોયેલ કપડાં ગ્રાહકોને પહોંચાડે અને ધોવાના કપડાં લઈ આવે. આ એનો નિત્યક્રમ. પણ આખો દિવસ કામ કરીને તે એટલો બધો થાકી જાય કે પથારીમાં પડ્યા ભેગો ઊંઘી જાય. એને કાચી ઊંઘમાંથી ભૂલથી કોઈ ઉઠાડે તો સમજવું કે તેનું આવી બન્યું.

એનો ગધેડો એથી ઉલટા સ્વભાવનો. દિવસે કામ હોય ત્યારે ઊંઘ્યા કરે અને રાતે બધા ઊંઘી જાય ત્યારે જાગે. એને એકલા ચેન પડે નહીં એટલે કોઈને કોઈને પોતાના ડહાપણનો સ્વાદ ચખાડીને જ રહે. બધા જ એનાથી કંટાળી ગયેલા.

એક રાતે ધોબી પોતાના ઘરમાં હતો. ઘરની બહાર કૂતરો બેઠો બેઠો ઝોકાં ખાતો હતો અને દૂર ગધેડો પણ બેઠો હતો. ગધેડાને ઊંઘ આવતી નહોતી. એ ક્યારનો આમથી તેમ અટવાયા કરતો હતો. ધોબી ઘરનું બારણું અંદરથી બંધ કરવાનું ભૂલી ગયેલો એટલે પવનને લીધે ભટકાયા કરતું હતું. એવામાં એક બિલાડો ત્યાં આવી પહોંચ્યો. એણે ખુલ્લું બારણું જોયું એટલે ધક્કો મારી અંદર ગયો પણ બારણું ખુલ્લું રહી ગયું. અચાનક ખુલ્લા બારણા પર ગધેડાની નજર પડી. એને થયું કે ચોર આવ્યા અને બારણું ખોલી અંદર બેઠા એને તો બસ બહાનું જોઈતું હતું એ મળી ગયું. એણે કૂતરાને લાત મારી જગાડ્યો અને બોલ્યો "અલ્યા તું શું કરે છે? માલિકે તને ચોકી કરવા બેસાડ્યો છે. તું અહીં બેઠો બેઠો ઊંઘે છે? "

"ઓ ગધેડા, તું જા, પેલા ખૂણામાં શાંતિથી બેસ. મહેરબાની કરીને મને હેરાન નહીં કર."

"ઓ કુતરા, તને તો બધા વફાદાર કહે છે. આવી વફાદારી ? માલિક નું અનાજ ખાય છે તો કામ કેમ નથી કરતો? "

"કેમ, મેં કહ્યું કામ નથી કર્યું? ચોકીદારી. એ તો હું કરું છું. શું એમ લાગે છે કે હું બેઠો બેઠો ઉંઘું છું? "

"હાસ્તો. શું કરે છે? જ્યાં માલિકને જગાડ અને કહે કે ઘરમાં ચોર પેઠો છે." "જા જા હવે. કોઈ આવે એને મને ખબર ન પડે? મારી ઉંઘ એમ તો કાચી છે. સજાગ રહું છું. તું તો પીઠ પર બોજો લદાય ત્યાં સુધી ઊંઘ્યા જ કરે છે. દિવસના ઊંઘે છે અને રાતના જાગે છે. અને કોઈ અહીંથી જાય તો મારી નોકરી જાય."

" હવે રહેવા દે. હું ખરું કહું છું. મેં ચોરને મારી સગી આંખે બારણું ખોલી અંદર જતા જોયો છે. જો હજી બારણું ખુલ્લું છે. " "એ બારણું તો આજે ખુલ્લું રહી ગયું છે. માલિક બંધ કરવાનું ભૂલી ગયા છે. શાંતિ રાખ."

" અરે ભાઈ, સાચું કહું છું. મારું માન. નહીં તો ઘરમાં ચોરી થઇ જશે. માલિકને નુકસાન થશે અને તને માર પડશે એ વધારામાં. જા, માલિકને જગાડ."

" ભાઈ, તું હવે જા. તારું કામ કર. ઊંઘવાનું. મને પણ આરામ કરવા દે. ચાલ ભાગ." કહી કુતરાએ તો આંખો બંધ કરી દીધી. કૂતરાની બીકથી ગધેડો થોડો દૂર ચાલ્યો ગયો પણ એને ચેન પડ્યું નહીં. એનામાં બુદ્ધિ તો ઓછી જ હતી. લાંબો વિચાર કર્યા વગર એણે ભુંકવા માંડ્યું.

ધોબી બરાબર ધોરતો હતો. અચાનક ગધેડાના ભૂંકવાનો અવાજ સાંભળી તેની ઊંઘ ઊડી ગઈ. એનો પિત્તો ગયો. એ ઉભો થયો. થોડી દૂર પડેલો કપડાં ધોવાનો ધોકો ઉપાડી બહાર આવ્યો. ગધેડો વધારે જોરથી ભૂંકવા લાગ્યો. એને ખબર નહીં કે માલિક મારી પર ગુસ્સે થયો છે. ધોબી એ નજીક આવી ગધેડાને ઝીંકવા માંડ્યો. ધોકે ધોકે એટલો માર્યો કે ગધેડાને તમ્મર આવી ગયાં અને એ ત્યાં જ ઢગલો થઈ પડ્યો. આમ દોઢડાહ્યા ગધેડાને બીજાના કામમાં દખલગીરી કરવાનું આવું ફળ મળ્યું.

એટલા માટે કહું છું કે પોતાનું કામ હોય એમાં ધ્યાન આપવું. બીજાના કામમાં માથું મારવાથી આપણું કામ બગડે અને બીજાને પણ નુકસાન થાય. એના કરતાં પોતાના કામમાં સંપૂર્ણ ધ્યાન પર આપવું જોઈએ. આજુબાજુ ડાફોડીયાં મારવાની શી જરૂર?"

" તારી વાત સાચી. પોતાનું કામ બરાબર કરવું જોઈએ. પણ માલિકની સેવા કરવી એ પણ આપણી ફરજ છે. એમનું ધ્યાન રાખવું, એમને કોઈ તકલીફ પડી હોય તો એનું નિવારણ કરવા આપણે એમને મદદરૂપ થવું જોઈએ.

અને માલિક નો મન જીતવું જરૂરી નથી? અરે, હું તો કહું છું પોતાના જ્ઞાન અને બહાદુરીથી લોકોના મન જીતવાનો હંમેશ પ્રયત્ન કરવો જોઈએ. મૃત્યુ પછી પણ લોકો ઈજ્જતભેર આવી વ્યક્તિને યાદ કરે છે. મોટા માણસ થવું હોય તો લાંબી સાધના કરવી પડે. હા, માણસની પડતી થતાં વાર નથી લાગતી. જેમ પહાડની ટોચ પરથી શીલાને જરા ધક્કો મારીએ તો તે તરત જ ખીણમાં જઈ પડે પણ એ જ શીલા ને ટોચ પર લઈ જવી હોય તો ખૂબ જ મહેનત પડે. માટે જ કહું છું કે પ્રાણી પોતાના નસીબ અને પુરુષાર્થને બળે જ આગળ વધે છે. આગળ આવવા બુદ્ધિ પણ જરૂરી છે અને પરિશ્રમ પણ."

"તો તું એમ કહેવા માંગે છે કે મહારાજ ચૂપચાપ અંદર ભરાઈ ગયા એમાં કોઈ ભેદ હશે?"

"એમાં તને શંકા છે? બુદ્ધિમાનને ઇશારો જ પૂરતો છે. તકનો લાભ લેવો એ પણ બુદ્ધિમાન નું જ કામ છે. માલિકનું મન જીતવું હોય તો એ કંઈ કહે એ પહેલા ચિંધેલું કામ થઈ જવું જોઈએ. બીજાનું મન જીતવા માટે જીભની મીઠાશ જેવું બીજું કાંઈ નથી. માલિક બોલાવે અને જઈએ એના કરતાં પરિસ્થિતિ સમજીને પહેલેથી ફરજ નિભાવીએ તો માલિકને વધારે પ્રિય થઈ જાઇએ."

" તારી વાત સાચી છે." દમનકે કહ્યું. " પણ હું તો એમ કહેતો હતો કે વગર કહે દોઢડહાપણ કરવા જઈએ અને માલિક ગુસ્સે થઈ જાય તો? અને જે પ્રાણી ફળનો વિચાર કરી પહેલેથી જ ડરી જાય એ શું આગળ વધવાનો? "

"તો પછી પહેલાં એ કહે કે તું ત્યાં માલિક પાસે જઈને શું કહીશ?"

" પહેલાં તો એ જાણવાનો પ્રયત્ન કરીશ કે માલિક મારા પર પ્રસન્ન છે કે નહીં."

"એ તો કેવી રીતે જાણી શકીશ?"

" માલિક નોકરને દૂરથી આવતો જુએ અને ખુશ થાય તો સમજવું કે વાંધો નથી. નહીં તો આવતા નોકર પર નજર પડતા જ એ બીજે જોવા માંડે છે. નોકરને ટાળવાની કોશિશ કરે છે. આ બધી વાતો પરથી માલિકની મનની સ્થિતિનો ખ્યાલ આવી જાય છે. આ બધું જોઈને મારા મનમાં જે હશે એ હું કહીશ. પરિસ્થિતિનો ખ્યાલ તરત જ આવી જવો જોઈએ અને એ વખતે શું બોલવું, કેવી રીતે શરૂઆત કરવી એ બધું આપોઆપ સૂઝવું જોઈએ."

" ઠીક. તો તું આપણા મહારાજને ખુશ કરવામાં સફળ થાય તો આપણને ફાયદો થાય."

" તું ગભરાઈશ નહીં. બસ મારી પાછળ ચાલ્યો આવ."

બંને સીધા ગયા સિંહની ગુફામાં. સિંહ તો ગુમસૂમ બેઠો હતો. એણે બંનેને દૂરથી આવતા જોયા એટલે એ ટટ્ટાર થયો. આ ઉસ્તાદ જોડીને એ ઓળખતો હતો. એને ખાતરી હતી કે તેઓ કંઈ ને કંઈ રસ્તો કાઢશે. એણે તરત જ તેમને આવકાર આપ્યો. બંનેએ સિંહને પ્રણામ કર્યા.

"શા માટે આવ્યા છો?" સિંહે પૂછ્યું.

" મહારાજ, અમે તો નાના પ્રાણીઓ. હમણાં ખાસ કામ નહીં હોવાથી તમે અમને યાદ કરતા નથી એટલે અમે કેવી રીતે આવીએ? પણ આજે તમને પ્રણામ કરવા આવ્યા. અમારે લાયક સેવા હોય તો અમને લાભ આપો તો ઘણી મહેરબાની." કરટકે બને તેટલી મીઠાશ પોતાની વાણીમાં લાવી કહ્યું.

સિંહ તો ખુશ ખુશ થઈ ગયો." વાહ ભાઈ દમનક, કરટક, તમે બંને મારા ખાસ મંત્રી છો. તમને કેવી રીતે બોલાવું? હમણાં મારી તબિયત સારી નથી રહેતી એટલે હું બહાર નથી નીકળતો. "

"અમને તો ખબર જ નહીં કે તમારી તબિયત સારી નથી. કોઈએ અમને કહ્યું નથી પણ આજે અચાનક અમને એવું લાગ્યું કે તમારી તબિયત સારી લાગતી નથી. મેં કરટકને કહ્યું કે મહારાજ આજે નદીએ ગયા, આટલા જલ્દી પાછા આવી ગયા. અને એમના ચહેરા પરથી લાગ્યું કે તેમને કોઈ ચિંતા છે એટલે મેં કરટક ને કહ્યું કે આપણે મહારાજને ખબર અંતર પૂછવા જઈએ. એટલે આજે અમે અહીં આવ્યા છીએ. કટક તમારી સામે આવતા ડરતો હતો પણ મેં એને આવવા આગ્રહ કર્યો. દમનકે ઉસ્તાદી વાપરી અને કરટક મનમાં સમસમી ગયો.

સિંહને થયું, ખરી વાત તો બીજી છે. હવે આ લોકોને વાત કરવી કે નહીં? વાત કર્યા વગર છૂટકો નથી. વાત કહીશ તો રસ્તો નીકળશે. સિંહના મનમાં દ્વિધા હતી છતાં તેણે કહ્યું "ભાઈ, તમને કહું કે તબિયત તો ઠીક છે પણ એવું બન્યું કે કોઈને કહેવાય નહીં. તમારા પર મને પૂરો વિશ્વાસ છે."

"અરે મહારાજ, તમે અટક્યા વગર અમને કામ સોંપો. તમારે ખાતર જાનની બાજી લગાવી દઈશું."

" જુઓ ભાઈઓ, આજે હું નદીએ પાણી પીવા ગયો. ત્યાં મેં એક વિચિત્ર જાનવર જોયું. જાણે ધોળો ડુંગર. અને રાડ તો એવી પાડતો હતો કે જાણે મેઘ ગરજતો હોય. મેં દૂરથી એને જોઇ વિચાર કર્યો કે આપણા જંગલ પર આ તૂટી પડે તો શું કરવું? આમ તો હું તેની પર તુંટી પડું પણ મારી તબિયત સારી નથી. અને મારે મારી પ્રજાનો પણ વિચાર કરવો જોઈએ. એટલે મેં ઉતાવળ કરવાનું માંડી વાળ્યું અને પાછો આવી ગયો."

" અરે એમ વાત છે ?અમને પૂરી શ્રદ્ધા છે કે તમારાથી તો તે બળવાન નહીં જ હોય. છતાં તમે કોઈ જોખમ નહીં લો એ પ્રજાના હિતમાં છે. "

"તમારી તબિયત સારી નથી એટલે જ તમને આ વાત કરી છે." સિંહે ધીમે ધીમે કહ્યું. "તમે મારા ખાસ મંત્રી અને વિશ્વાસુ મંત્રીઓ છો. ચતુર પણ છો એટલે તમે કોઈ રસ્તો શોધી કાઢો. રાજ્યને આ આફતમાંથી ઉગારો.

"ભલે મહારાજ. તમે જરાય ચિંતા નહીં કરતા. અમે તમારો વાળ વાંકો નહીં થવા દઈએ.અમે અમારી બધી શક્તિઓ કામે લગાડી તમને છુટકારો અપાવશું."

આ સાંભળી સિંહને હિંમત આવી. એણે બંનેને મજેદાર ભોજન ખવડાવ્યું. કરટક અને દમનક લાગ જોઇને મધ મીઠી વાણી પીરસતા હતા અને સિંહ વધારે ને વધારે તેમના પ્રભાવમાં આવતો હતો. વાતમાંને વાતમાં એમણે સિંહ પાસેથી બધી વાત જાણી લીધી અને બહાર નીકળ્યા. કરટકે દમનક ને કહ્યું "ભાઈ, જો આપણે આવેલી આફતમાંથી સિંહને છોડાવી નહીં શકીએ તો આપણું શું થશે? એ આપણને જીવવા નહીં દે." "અરે દોસ્ત, તું તો ખરો છે. અક્કલ ચલાવવાની." "પણ મને સમજાતું નથી કે વગર વિચારી એ સિંહને વચન કેવી રીતે આપી દીધું? એ વિચિત્ર જાનવર થી તું અને હું એને કેવી રીતે બચાવીશું? તું તો એના વિશે કંઈ જાણતો નથી. આ તો રાજા છે. જે કંઈ નાટક કર્યું અને રાજા ગુસ્સે ભરાયો તો આપણું આવી બન્યું."

"અરે ભલા માણસ, તું શા માટે ગભરાય છે? હું એની બધી વાત જાણી ગયો છું. આ સિંહ મૂર્ખ છે. એનામાં તાકાત છે પણ અક્કલ નથી. પેલું વિચિત્ર જાનવર કોણ હશે તેની કલ્પના તેં કરી?"

" હું કેવી રીતે જાણી શકું? મેં એને જોયું નથી. એની વાત પરથી નિર્ણય પર આવ્યો કે એ બીજું કોઈ નહીં પણ બળદ છે. એ જ જંગલનો લીલો ચારો ચરી જરા અલમસ્ત બન્યો હશે એટલે એને જોઈ સિંહ ગભરાઈ ગયો. તો એને ખબર નથી કે બળદ તો આપણો ખોરાક છે. સિંહની સામે એનું શું ગજું?"

" વાહ. કહેવું પડે. મને એ વાતનો ખ્યાલ જ નહીં. પણ તને ખબર હતી તો પહેલેથી જ સિંહને કહી દેવું જોઈએ ને? એ ક્યારનો ચિંતામાં અડધો થઈ ગયો છે?"

" બહુ ભોળો. હું એને ત્યાં ને ત્યાં જ બધો ભેદ આપી દઉં તો આપણે શું કરીએ? આપણી બુદ્ધિની શું કિંમત થાય? તને ઉંદર, સિંહ અને બિલાડી ની વાત ખબર છે?" કહી દમનક કહેવા લાગ્યો.