Hitopradeshni Vartao - 22 books and stories free download online pdf in Gujarati

હિતોપદેશની વાર્તાઓ - 22

22.

એક જંગલમાં સિંહ, વરુ અને શિયાળ સાથે રહેતા હતા. ત્રણેય મિત્રો હતા. સિંહ શિકાર કરી લાવતો અને ભોજન કરી વધે તે શિયાળ અને વરુને આપી દેતો. બંનેને તૈયાર ભાણું મળતું એટલે સિંહની સેવા કરતા. સિંહને પણ બંનેનો સાથ ગમતો. એક દિવસ જંગલમાં ત્રણેય સાથે ફરવા નીકળ્યા. ત્યાં સિંહની નજર ઊંટ પર પડી. તરત તેણે તરાપ મારીને ઊંટડી ને મારી નાખી લીધી અને ત્રણે જણા ત્યાં ઉજાણી કરવા બેઠા.

ત્યાં ઉંટડીનું બચ્ચું તેની માને શોધતું આવી પહોંચ્યું. બચ્ચું ખૂબ નાનું હતું. તે ડરીને અને માતાના વિયોગમાં જોરજોરથી રડતું હતું.ત્રણેયના પેટ ભરાઈ ગયાં હતાં એટલે તૃપ્ત થયેલા સિંહને બચ્ચા પર દયા આવી. એણે બંને મિત્રોને કહયું " જુઓ દોસ્તો, આજે આપણે સારામાં સારી ઉજાણી કરી પણ સાથે આ બચ્ચાને અનાથ બનાવી મૂક્યું એટલે એને આશ્રય આપવો જોઈએ. આપણે એને ઘેર લઈ જશું." શિયાળ અને વરુએ સિંહના સુરમાં સુર પુરાવ્યો. તેની દયા ના વખાણ કર્યાં. ત્રણે જણ ઊંટના બચ્ચાને પોતાની ગુફામાં લઈ આવ્યા અને કાળજીથી ઉછેરવા લાગ્યા. ઊંટનું બચ્ચું બે ત્રણ દિવસ માને યાદ કરી રડતું રહ્યું પણ પછી ધીમે ધીમે ટેવાઈ ગયું.

સમય પસાર થયો તેમ ઊંટનું બચ્ચું મોટું થતું ગયું અને જુવાન બની ગયું. ત્રણેય મિત્રો પણ તેને સારી રીતે ઉછેરતા હતા. એવામાં એક દિવસ સિંહ શિકારે નીકળ્યો. સિંહ એક અલમસ્ત હાથી સાથે બાખડી પડ્યો. બંને વચ્ચે ભયંકર લડાઈ થઈ. સિંહે હાથીને મારી નાખ્યો પણ આ જીત સિંહને ભારે પડી. તે ગંભીર રીતે ઘવાયો અને ગુફામાં જેમ તેમ આવીને માંદગીને બીછાને પટકાયો.

હવે શિયાળ અને વરુની મુશ્કેલી શરૂ થઈ. આજ સુધી તો બેઠા બેઠા ખાધું હતું પણ હવે બીમાર સિંહને ખવડાવવા શિકાર કરવા જવાનો વારો આવ્યો. થોડા દિવસ તો જેમ તેમ નીકળી ગયા. સિંહ પણ હરતો ફરતો થઈ ગયો પણ શિકાર કરી શકે એટલે એનામાં તાકાત ન હતી. એણે પણ બેઠા બેઠા ખાવાનો આનંદ માણ્યો હતો એટલે એ જાણી જોઈને શિયાળ અને વરુને શિકાર માટે ધકેલતો રહ્યો. વરૂ તો સિંહ કે એમ કરતું પણ શિયાળ કંટાળી ગયો. એની નજર ઊંટનાં બચ્ચાં પર પડી. એનો ભક્ષ્ય કરવાનો વિચાર શિયાળના મનમાં પેઠો. એ સિંહ બેઠો ત્યાં આવ્યો અને કહે " મહારાજ, તમે બીમાર છો. શિકારે જઈ શકતા નથી. એમાં ઊંટની પણ ફરજ થઈ છે પડે છે કે એણે પોતાનું શરીર તમને અર્પણ કરી દેવું જોઈએ તમારા લીધે જ એ આજે જીવતો છે."

" તારી વાત સાચી પણ આશ્રિત નું મારે રક્ષણ કરવું જોઈએ. હું રાજા થઈને મારા હાથે જીવનારને મારી નાખી શકું નહીં."

" તમારી વાત સાચી પણ ઊંટની તમારા પ્રત્યે ફરજ છે. એ જાતે તમને પોતાને અર્પણ કરે તો તમને શું વાંધો હોય? તમે દેવનું યથા વિધિ પૂજન કરી તેનો સ્વીકાર કરો. એને પણ પુણ્ય મળશે."

શિયાળની વાત ખોટી હતી છતાં આળસુ સિંહની દાઢ પણ ડળકી. એટલે તરત જ એણે શિયાળને સંમતિ આપી અને શિયાળ ઊંટ પાસે જઈ એને ઊંઠા ભણાવવા માંડ્યું.

"જો બેટા, તું જુવાન થયું. આપણા સિંહ મહારાજને પ્રતાપે તારી માતા તો તને મૂકી મરી ગઈ હતી પણ સિંહ મહારાજે તને બચાવ્યું અને અહીં લાવી ઉછેર કર્યો. આજે એ માંદા છે એટલે હવે શિકાર કરવા જઈ શકતા નથી. અમારા શિકારથી એનું પેટ ભરાતું નથી અને ભૂખને કારણે એમની તબિયત સુધરતી નથી."

" તો હું એમના માટે શું લાવી શકું? મને તો શિકાર કરતા આવડતું નથી!"

"તારી વાત સાચી છે પણ તારી સામે મોટું પુણ્ય કરવાની એક તક છે. તું જાતે તારું શરીર સિંહ ને અર્પણ કરી દે. આમ તો તારા શરીરના તેઓ માલિક છે. તેમની મહેરબાનીથી તું જીવે છે. તેઓ ધારે તો તને મારીને ખાઈ જાય પણ તેઓ દયાળુ છે. તને પુત્રની જેમ જાળવે છે તો તું જાતે જ તારું શરીર ધાર્મિક વિધિ મુજબ અર્પણ કર અને સ્વર્ગની પ્રાપ્તિ કર.

આવતા જન્મમાં તું ઊંટના દેવ તરીકે જન્મીશ. આવી તક ભાગ્યશાળી હોય એને જ મળે છે." શિયાળની વાતમાં બચ્ચું ફસાઈ ગયું અને પોતાનું શરીર સિંહને અર્પણ કરવા તેની ગુફા તરફ જવા લાગ્યું ત્યારે સિંહને શિયાળે બધી વાત ફેરવીને કરી. ઊંટે પણ શરીર અર્પણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી. સિંહ તેના પર તુટી પડ્યો અને એક ક્ષણમાં એને ખતમ કરી નાખ્યું. શિકાર કરવાનું કામ પૂરું થયું અને પોતે નદીએ નહાવા ગયો.

સામે શિયાળે એને બધો શિકાર પચાવી પાડવાની યોજના ઘડીને વરુને કહ્યું "બસ મારાથી રહેવાતું નથી. કોણ જાણે સિંહ ક્યારે આવશે? મને કકડીને ભૂખ લાગી છે. હું ચાખવા પૂરતો થોડું માસ આરોગી લઉં. થોડું માસ આરોગવાથી ફેર નહીં પડે." એમ કરી એ ઊંટનું માસ આરોગી ચાલ્યું ગયું. ત્યાં સિંહ આવી પહોંચ્યો. એણે જોયું તો ઊંટ નું શરીર એક તરફથી ખવાઈ ગયું હતું. એણે કહયું "મારું ભોજન એઠું કરવાની હિંમત કોણે કરી? ગભરાઈ ગયેલા વરુને કંઈક પહેલા તો સમજાયું નહીં. શિયાળે તક ઝડપી કહ્યું કે યોગ્ય રીતે ધાર્મિક વિધિ કરી અને પછી મહારાજ ઊંટ નું ભોજન કરવાના છે એમ વરૂને મેં કહ્યું પણ વરૂએ મારું પણ માન્યું નહીં. "

શિયાળના શબ્દો સાંભળી સિંહ વરુ ઉપર તૂટી પડ્યો. એને પણ મારી નાખ્યું.

થોડીવારમાં સિંહનો ગુસ્સો ઉતર્યો એટલે બંનેને ખાવાની તૈયારી કરી ત્યાં ટન ટન અવાજ સંભળાવા લાગ્યો. અવાજ નજીક આવતો જતો હતો.

બહારથી જોયું તો મોટી વણઝાર આવતી હતી. એમાં ઘણા બધા ઊંટો હતાં. એ જોઈ શિયાળના મગજમાં કપટનો વિચાર આવ્યો. એ દોડતો સિંહ પાસે પહોંચ્યો. કહે કે "મહારાજ, ગજબ થઈ ગયો."

" કેમ શું થયું?"

" આ ઊંટો નો દેવતા લશ્કર લઈને આ તરફ આવે છે."

" શું આ તરફથી?"

સિંહ ગભરાયો.

" હા મહારાજ. તમે ઊંટના ભક્ષ્યનો સ્વીકાર કર્યો પણ ધાર્મિક વિધિ પૂરી થાય એ પહેલાં વરુ તેને થોડું ખાઈ ગયું છે. દેવતા નારાજ થઈ આપણને મારવા આવ્યા છે. એની સાથે તો ઘણા બધા ઊંટ છે."

" મારી નાખ્યા." કહી સિંહ  તરત જ ગુફાની બહાર દોડ્યો.

દૂર નજર કરી તો ખરેખર ઘણા બધા ઊંટ હાર બંધ આવતાં હતાં. આગલા ઊંટ પર વણઝારા નો સરદાર બેઠો હતો. એને જોઈ સિંહના છક્કા છૂટી ગયા. તે શિયાળ ને બોલાવવા પણ રોકાયો નહીં અને ઉભી પૂછડીએ ભાગી ગયો. શિયાળે સિંહને જતો જોયો અને પછી એ નિરાંતે ગુફામાં આવ્યો. તેણે તો બે શિકાર આખાના આખા ખાવા માટે રાખ્યા અને લાંબો વખત મઝા કરી.