Hitopradeshni Vartao - 25 in Gujarati Children Stories by SUNIL ANJARIA books and stories PDF | હિતોપદેશની વાર્તાઓ - 25

Featured Books
Share

હિતોપદેશની વાર્તાઓ - 25

25.

એક તળાવના કિનારે એક બંગલો રહેતો હતો. એ સરોવરમાં વસતા જળચર પ્રાણીઓ ખાઈને પોતાનું ગુજરાન ચલાવતો પણ સમય જતાં એ ઘરડો થયો. એની સ્ફૂર્તિ ઓછી થઈ ગઈ. શક્તિ પણ એટલી રહી નહીં એટલે એને શિકાર કરવામાં બહુ મુશ્કેલી પડતી. માંડ માંડ એ દિવસમાં એકાદ માછલું પકડી શકે. ક્યારેક તો એક પણ પકડી શકતો નહીં. કોઈવાર તો એમને એમ દિવસ નીકળી જતો. એણે વિચાર કર્યો કે હવે બુદ્ધિથી કામ કરવું પડશે. માછલીઓ એની મેળે પોતાના મોમાં આવી જાય એવી યુક્તિ કરવી પડશે. એણે સવારથી સાંજ સુધી મંદિરમાં જઈ તપ કરવા માંડ્યું. ભક્તિ તો ઠીક, એ ડોળ જ કરતો હતો પણ જોનારને એમ જ લાગે કે બહુ તપ કરે છે. બધાં જળચર એને તપ કરતો જોયા કરે. કોઈ પૂછે તો તે ધર્મધ્યાનની મોટી મોટી વાતો કરે. બે ચાર દિવસમાં બધાને થઈ ગયું કે આ બગલો ભગવાનનો મોટો ભક્ત થઈ ગયો છે. એક દિવસ સવારે ઊઠીને એણે સરોવરની પાળે આવી મોટેથી રડવા માંડ્યું. એનો અવાજ સાંભળી જળચર પ્રાણીઓ બહાર આવી ગયાં. કરચલાએ પૂછ્યું "કેમ બગલા ભગત, આટલું કેમ રડો છો?"

" શું કરું? આજે મને ભગવાને દર્શન આપ્યાં અને અચાનક ભવિષ્યવાણી કરી. ભયાનક ભવિષ્ય વાણી. એણે મને કહ્યું કે તું આ તળાવ છોડી બીજે ચાલ્યો જા. અહીંયા 12 વર્ષ સુધી વરસાદ નહીં પડે. ઘોર દુકાળ પડશે અને તળાવ સુકાઈ જશે." "પણ તળાવ સુકાઈ જાય એમાં તમે શા માટે આટલું રડો છો?"

"અરે ભાઈઓ, મને તમારી ચિંતા થાય છે. મેં આખી જિંદગી તમારી સાથે વિતાવી. હું તો ઘરડો થયો. મારે કેટલા દિવસ કાઢવાના? પણ તમે કેટલા બધા? તળાવ સુકાઈ જશે તો તમારું શું થશે? તમે ક્યાં જશો? હું તો ઉડીને બીજા સરોવર પાસે પહોંચી જઈશ પણ તમારું શું થશે એ ચિંતાને કારણે મને રડવું આવે છે." એની વાત સાંભળી બધાં ગભરાઈ ગયાં. આમ પણ બગલો થોડા દિવસથી તપ કરતો હતો એટલે એની વાત પણ બધાને વિશ્વાસ આવી ગયો. બધા અંદરોઅંદર શું કરવું એની ચર્ચા કરવા લાગ્યા. બધાએ બગલાને પૂછ્યું "ભગત, તમે આ મુસીબતની ખબર લાવ્યા છો તો તમે જ કોઈ રસ્તો પૂછો. અમને આ મુસીબતથી છુટકારો અપાવો."

" વાત એવી છે કે જેને બચવું હોય તેણે તળાવ વહેલી તકે જતા રહેવું જોઈએ. બધાએ તળાવ છોડી દેવું જોઈએ અને બીજી જગ્યાએ જતા રહેવું જોઈએ."

"પણ હવે બીજી જગ્યાએ કેવી રીતે જઈએ ? અમે તો પાણીની બહાર રહી શકીએ નહીં અને તમારી જેમ ઉડી પણ શકીએ નહીં. તમે જ કહો અમે શું કરીએ?"

" તમારી વાત સાચી. ચાલો ગભરાવ નહીં. હું ભક્તિમાં બેસું છું. ભગવાન મને કોઈ રસ્તો બતાવશે."કહી બગલા ભગત તો ધ્યાનમાં બેઠા. બધાં જળચર પ્રાણીઓ તેની રાહ જોવા લાગ્યાં અને નવી મુસીબત વિશે વિચારવા લાગ્યાં. થોડીવાર રહીને બગલો ધ્યાનમાંથી બહાર આવ્યો. બધાં તેની પાસે ભેગાં થઈ ગયાં. બગલાએ કહ્યું "જુઓ, ભગવાને મને એક રસ્તો બતાવ્યો છે. આ નાનું વાસણ છે એમાં હું પાણી ભરું છું. તમારામાંથી જેટલા સમાય એટલા બેસી જાવ. અહીંથી થોડે દૂર એક નદી છે તે દૂર જઈ દરિયાને મળે છે. એકવાર હું તમને નદીમાં પહોંચાડી દઉં પછી તમે છુટ્ટા. આખરે તો તેમાં પણ દરિયામાં ચાલ્યા જવાનું. પણ એવો સમય જ નહીં આવે. નદી ખૂબ મોટી છે અને શાંત તળાવ જેવી જ છે. તમને ત્યાં રહેવાનું પણ ફાવશે. હું તો ઘરડો થયો એટલે રોજ એક ફેરો મારી શકું. તમારી ઈચ્છા હોય તો આપણે આ ઉપાય અજમાવીએ."

બધાં બગલાની વાત સાંભળી અંદરોઅંદર વિચારવા લાગ્યાં. રસ્તો ઠીક લાગ્યો. પાણીમાં અને પાણીમાં જ રહેવાનું. નવી જગ્યાએ પહોંચવાનું. બધાં તૈયાર થઈ ગયાં. બગલાએ વાસણમાં પાણી ભર્યું. તેમાં બે ત્રણ નાની માછલીઓને બેસાડી વાસણ ગળામાં લટકાવી ચાલી નીકળ્યો. થોડે દૂર જઈ એક ઝાડની છાયામાં આરામ કરવાને બહાને તે બેઠો અને ચપોચપ વાસણમાં ની માછલી ખાઈ ગયો. પછી ત્યાં સાંજ સુધી આરામ કરી સાંજે પાછો તળાવ પાસે આવી પહોંચ્યો. બધાને સારા સમાચાર સંભળાવ્યા. મુસાફરીની વાત મીઠું મરચું ભભરાવીને સંભળાવી. જળચર પ્રાણીઓ તો બગલાનો આભાર માનવા લાગ્યાં અને પોતાનો વારો જલ્દી આવે એની રાહ જોવા લાગ્યાં.

ઘણા દિવસ સુધી આ ક્રમ ચાલ્યો. એક દિવસ એક કરચલાનો વારો આવ્યો. બગલો ખુશ થયો. એને વિચાર્યું 'માછલી ખાઈ ખાઈ કંટાળી ગયો. આજે કરચલાની મોજ માણીએ. પણ એ એક વાત ભૂલી ગયો કે કરચલો જમીન પર પણ રહી શકે. એણે કરચલાને પાણી ભરેલા વાસણમાં બેસાડ્યો અને વાસણ લઈ ચાલી નીકળ્યો. પેલું ઝાડ આવ્યું. વાસણ નીચે મૂક્યું અને થાક ખાવા બગલો ઝાડની નીચે બેઠો. કરચલાએ પૂછ્યું "કેમ બગલા ભગત, અટકી ગયા?"

" અરે ભાઈ, આપણી મંજિલ આવી ગઈ."

"મંઝિલ અહીં? અહીં તો કોઈ નદી દેખાતી નથી."

"અરે ભાઈ, કેવી નદી ને વાત કે? આ તારી મંઝીલ. હવે તારા ભગવાનને યાદ કરી લે. થોડીવારમાં તું મારા પેટમાં પહોંચી જશે. ઘણા સમયથી કરચલાનો સ્વાદ ચાખ્યો નહોતો. આજે મજા આવશે. હું જરા થાક ખાઈ લઉં. તું વાસણમાં અને પાણીમાં છેલ્લી વાર ત લે."

કરચલો સમજી ગયો. એણે આમતેમ નજર કરી તો થોડી દૂર માછલાઓના હાડકાં પડેલાં હતાં. બગલો આજ સુધી જેટલાં માછલાં ખાઈ ગયેલો એ બધાની ઉજાણી એણે અહીં કરી હશે.

કરચલો ધીમે રહી વાસણની બહાર નીકળ્યો. બગલો જરા આંખ મીંચીને  થાક ખાતો હતો ત્યાં કરચલો એ તકનો લાભ લઇ ઝડપથી બગલા પાસે આવ્યો. એક ક્ષણમાં બગલાની પાછળ જઈ તેની પાતળી ડોક પર બાઝી પડ્યો. બગલો ચમકી ગયો એટલે કરચલાએ કહ્યું "બગલા ભગત, એ બિચારાઓએ તમારી પર વિશ્વાસ મૂક્યો અને તમે તેને ખાઈ ગયા. હવે તમારો વારો. તમે પણ ભગવાનને યાદ કરી લો. તમારો સમય પાકી ગયો છે."

બગલો ચમક્યો અને પગનો પંજો ઉગામી ડોકથી કરચલાં

પર કરચલા ને પકડવા ગયો. પંજાથી મારવાની કોશિશ કરી પણ એ પહેલાં તો કરચલાએ એની ડોકને ભિડાવીને કરડી ખાધી. બગલાની પાતળી ડોક કપાઈ ગઈ. થોડીવારમાં બગલો મરી ગયો.

કરચલાએ બગલાની ડોક નો ટુકડો કાપ્યો અને એ લઈને પોતાના તળાવે પાછો ફર્યો. ત્યાં પહોંચીને ડોકનો ટુકડો બતાવીને બધી વાત કરી. બધાએ બગલાને ગાળો આપી અને કરચલાની બહાદુરી નાં વખાણ કર્યાં.