Guhilot Dynasty and Maharana Pratap in Indian History - 83 books and stories free download online pdf in Gujarati

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 83

(૮૩) જીવન-સંધ્યાને આરે.

       મારી જીવનયાત્રા અનોખી છે. અત્યારે તો હું એના અંતિમ તબક્કામાં છું. મેં ભારતના હિંદુ રાજ્ય અને મોગલ સામ્રાજ્યમાં મારી સંગીતકળાથી વર્ષો સુધી એક્ચક્રી ચાહના ભોગવી છે. માણસની સાધના જેટલી કષ્ટદાયી એટલી એની કીર્તિ પણ ગગનગામી જ હોય ને?   મોગલ-સામ્રાજ્યનાં જાહોજલાલીના કાળમાં, શહેનશાહ અકબરની કીર્તિ કરતાં વધુ કીર્તિ હિંદુસ્તાનના ચાર માનવીઓને, અને તે તેના યુગના ચાર માનવીઓને મળી તે કાંઇ જેવી તેવી વાત છે.? સંતકવિ તુલસીદાસજી, રાજા ટોડરમલજી, મહારાણા પ્રતાપ અને હું

હું એટલે કોણ? નાનપણમાં મને “રામતનું” કહેતા, કેટલાંક ત્રિલોચનના નામે ઓળખતા. કેટલાંક “તન્ના મિશ્ર” પણ કહેતા. તાનસેન કહીને ઉમળકાથી બોલાવનારા મારા લાખો પ્રશંસકો છે. હવે વાત સ્પષ્ટ થઈ ગઈ કે, હું મહાન ગાયનાચાર્ય તાનસેન છું.

મારા બાપદાદા લાહોરથી ગ્વાલિયર આવીને વસ્યા હતા. એ દિવસોમાં મારા પિતાશ્રી મકરંદ પાંડે ગ્વાલિયરથી સાત માઇલ દૂર આવેલા બેહટ ગામમાં રહેતા હતા. ઇ.સ. ૧૫૦૬માં મારો જન્મ થયો. હું અબોધ બાળક. મારું બાળપણ કેવી રીતે વીત્યું તેની આજે બહુ ઝાંખી યાદ પણ નથી.

હું જ્યારે સમજણો થયો ત્યારે, મારા ફુઆ બાબા રામદાસને ત્યામ રહેતો હતો. તેઓ પોતાના જમાનામાં મહાન ગાયક અને કવિ હતા. તેઓ વૃંદાવનમાં રહેતા સ્વામી હરિદાસના શિષ્ય હતા. આવા સિદ્ધહસ્ત પુરૂષના હાથે મેં ગાયનવિદ્યાનો પ્રારંભ કર્યો.

એ દિવસોમાં ગ્વાલિયર સંગીતનું મહાન ધામ હતું.

ગ્વાલિયરમાં તે વખતે પીર ગૌસ મહમંદ વસતા હતા. મારા ફુઆ રામદાસ અને તેમની વચ્ચે મિત્રતાની પાકી ગાંઠ હતી. તે જમાનામાં જ્યારે અફઘાન મુસ્લીમો રાજ્ય વધારવા હિંદુ રાજ્યો પર આક્રમણો કરતા. હિંદુ રાજ્યો પોતાની તાકાત વધારવા મુસ્લીમ રાજ્યો સામે જંગે ચઢતા ત્યારે એક મહાન હિંદુ અને એક મહાન મુસલમાન પ્રેમની ગાંઠે બંધાઈને સંગીતની સાધના કરતા. યુદ્ધની વિભિષિકા પણ એમની મિત્રતાને ઠેસ પહોંચાડવા અસમર્થ હતી.

એક દિવસે, પીર ગૌસ મહંમદે મારું ગાયન સાંભળ્યું. તેઓ સંગીતના મર્મજ્ઞ તો હતા જ.

“રામદાસ, તમારો ભાણેજ તો ચીંથરે વીટ્યું રત્ન છે. એના રોમેરોમમાં સંગીત છે. તમે એને વૃંદાવનમાં, સ્વામી હરિદાસજી પાસે મોકલી આપો. આગળ જતાં આ કિશોર સંગીતકળામાં સર્વોચ્ચ શિખર હાંસલ કરશે.”

મારા ફુઆ રામદાસને અપાર આનંદ થયો. પીર મહંમદજી  જેને માટે આવી ભવિષ્યવાણી ભાખે સત્યતામાં શંકા હોય કે?

“તનસુખ, યું ભાગ્યશાળી છે. જેમના કેવળ બે શબ્દોની પ્રશંસા માટે મહાન ગાયકો જીવનભર તરફડે છે. એવા પીર સાહેબની વાણીનો ધોધ તારી પ્રશંસામાં વપરાઇ ગયો. તું હવે વૃંદાવનમાં સ્વામી હરિદાસ પાસે જા.”

હું તો નાનો હતો. ફુઆના શબ્દોની કિંમત તે વખતે તો એટલી જ સમજાઇ કે, હું સારું ગાઉં છું. અને ફુઆ મને આગળ વધવાની તક ઝડપવાનું કહે છે.

મૂળ ભાવ તો આજે જીવનની સંધ્યાએ, બાળપણના સંસ્મરણોને વાગોળું છું. ત્યારે સમજાય છે એ બે આત્માઓના ચરણનું અમૃત લઈ શું મારી આંખો શીતળ કરું? પણ સમયની ગતિ સામે લાચાર છું.

“બેટા, સંગીતની આરાધના એટલે ઇશ્વરની આરાધના. કઠિન વ્રતો અને બાર વર્ષનો દીર્ઘ સમય તું આપી શકીશ?”

“ગુરુદેવ, સંગીત માટે, આપની સેવામાં જીવન સમર્પણ કરવા કટિબંધ છું”

હસતા હસતા ગુરૂદેવે મારા મસ્તકે હાથ મૂક્યો.

“તારી મનોકામના પૂર્ણ હો.”

      વૃન્દાવનમાં નાદ બ્રહ્મયોગી સ્વામી હરિદાસના સાનિધ્યમાં હું બાર વર્ષ રહ્યો. હું સંગીત શાસ્ત્રમાં પારંગત થયો. સાથે સાથે મેં સાહિત્ય અને વ્યાકરણનો પણ અભ્યાસ કર્યો.

પોતાના યુગના સર્વશ્રેષ્ઠ અને પ્રસિદ્ધ ગાયનાચાર્ય સ્વામી હરિદાસ હતા. વૃન્દાવનમાં તેમનો આશ્રમ હતો. અહીં તેઓ યોગ્ય શિષ્યોને શાસ્ત્રીય સંગીત શિખવાડતા, સંગીતમાં પૂર્ણ રીતે નિષ્ણાત થઈ ગયા પછી ગુરૂ સ્વામી હરિદાસે આદેશ આપ્યો.

“વત્સ, હવે દેશની યાત્રા કર. દેશના પ્રસિદ્ધ સંગીત કેન્દ્રોની મુલાકાત લે. વિદ્વાનો સાથે વાર્તાલાપ કર. વિદ્યાને હવે અનુભવની એરણ પર ઘસ, જીવનની કેડી આપોઆપ મળી આવશે.”

ગુરૂવાણીને હું અમૃત-પ્રસાદી માની દેશાટને નીકળી પડ્યો.

અનેક સ્થળોએ મર્મજ્ઞો સાથે ચર્ચા કરતા હું બુંદેલખંડ પહોંચી ગયો. રીવાઁ શહેર જેમ જેમ નિકટ આવતું ગયું. તેમ તેમ મારા હૈયામાં આનંદ ઉછળવા લાગ્યો. મારે હૈયે એ ધરપત હતી કે, અહીંના રાજા રામચંદ વાઘેલા મારા ગુરૂ સ્વામી હરિદાસના પરમ ભક્ત હતા. સંગીતકળાન મર્મજ્ઞ હતા. સાહિત્ય, સંગીત અને કળાના પોષક હતા. આશ્રમમાં મેં તેમની સાથે ઘણો સમય વિતાવ્યો હતો. મારા આ ગુરૂબંધુ અવશ્ય મારૂં સ્વાગત કરશે જ અને મારૂં સ્વાગત થયું. છતાં ત્યારે પણ મને ખબર ન હતી કે, મારા જીવનના એક અગત્યનાં વળાંક પર આવી પહોંચ્યો છું.

ૠતુરાજ વસંત ઉદારતાથી ચારે કોર ખુશ્બુ રેલાવી રહ્યો હતો. મારૂં મન ઉમંગથી નર્તન કરતું હતું.

રાજમહેલના વિશાળ પ્રાંગણમાં આવીને ઉભો રહ્યો ત્યારે હ્રદય ધડકવા લાગ્યું. રાજા રામચંદ્ર વૈભવલક્ષ્મીમાં મને ભૂલી ગયા તો નહિ હોય? શું આ મુલાકાત દ્રુપદ, દ્રોણ જેવી નીવડશે કે કૃષ્ણ-સુદામા જેવી? એ તો ભાવિ જ કહી શકે. તે વખતે તો અનુમાનની દ્વિધામાં અટવાયો.

“મારે મહારાજાને મળવું છે. હું વૃન્દાવનથી સ્વામી હરિદાસજીના આશ્રમોથી આવું છું.” મેં દ્વારપાળને કહ્યું. મારા કથનની એના પર અસર થઈ હોય એમ ન લાગ્યું.

“મહારાજા, આ વખતે પૂજાગૃહમાં છે. તમે મોડેથી આવો.”

મારા જેવા ઘણાં મુસાફર રોજના આવતા હોય ત્યાં દરેકની કાળજી આ દ્વારપાળ ક્યાંથી રાખે? સ્વામી હરિદાસના આશ્રમની મહત્તા કોઇ સંગીતના કળાકારને હોય, ચોકીદારને ન હોય.

હું ફરી પાછો મોડેથી ગયો. દ્વારપાળે ખબર ન આપી. “હજુ પૂજામાં છે.”

હું થોડીવાર બેઠો. કંટાળ્યો, રાજભવનમાં ઉદ્યાનમાં ફરવા લાગ્યો. ફરતા ફરતા રાજભવનની પાછળ જઈ પહોંચ્યો. ત્યાંની ફૂલવાડી જોઇને એવો તો ખુશ થઈ ગયો કે, ગુરૂ સ્વામી હરિદાસનું દ્રુપદ રાગમાં રચાયેલ.

“નાદગ્રઢ ગદ્ર, સુઘડ બાંકો હી કિલો.”

રાગ હિંડોલમાં ગવાવા લાગ્યું.

મારો અવાજ રાજભવનમાં પહોંચ્યો. કયો દરવાન એને રોકી શકવાનો હતો.

હીરાનો કદર તો જોહરીને જ હોય. મારો અવાજ રાજાએ ઓળ્ખ્યો. પૂજાગૃહમાં હતા ત્યાંથી તરસ્યા મૃગની ગતિએ વિશેષ પણે ઉઘાડા પગે તેઓ દોડ્તા આવ્યા. “પ્રિય બંધુ” કહીને મને ભેટી પડ્યા. રાજમહેલના દ્વારપાળો અને અન્ય લોકો સ્તબ્ધ બનીને જોઇ જ રહ્યા. રાજાના આનંદનો પાર ન હતો. અમારા બંનેની આંખોમાંથી હર્ષના અશ્રુ સરી પડ્યા. બંનેને આશ્રમનો ભૂતકાળ યાદ આવ્યો.

અમે બંને સ્વામી હરિદાસના આશ્રમમાં સહાઅધ્યાયી હતા. કેટલોક સમય સાથે વિતાવ્યો હતો.

“તનસુખ, તું આવ્યો? તારા સંગીતે તો મારા હૈયાના તાર ઝણઝણાવી નાખ્યા”

ઘણાં માન સન્માનથી રાજા મને રાજભવનમાં લઈ ગયા.

જે દરવાને મારી ઉપેક્ષા કરી હતી તે દરવાન તો ધ્રુજતો હતો. મેં આંખોના ઇશારે એને સાંત્વના આપી.

રાજભવન  હવે સંગીતભવન બની ગયું.

“તનસુખ, તારા પર ભગવાનની કૃપા છે. તારું સંગીત ઇશ્વરની દેન છે. મારા રાજ્યમાં તું રહી જા.”

મારે ઠરીઠામ તો થવું હતું. હું સંમત થયો.

રીવાઁનો દરબાર ભરાયો હતો. આજે ઉત્સવ હતો. સર્વત્ર આનંદ હતો. રાજા ઉભા થયા. મારી સામે હસીને જોયું. તેઓ બોલ્યા.

“તનસુખ હવે આપણો “રાજગાયક” બને છે. હવેથી તે  “તાનસેન” ના નામે પ્રસિદ્ધ થશે. એની સંગીત-સાધના દેશના નભોમંડલમાં ફેલાય એવે મારી અભિલાષા છે.”

આ હતું મારી યશકલગીનું પ્રથમ પીછું.

સમયની ગતિ અનોખી છે. સુખનો સમય પાણીની ધારા સમાન શીઘ્રગતિથી વહેવા માંડે છે. રીવાઁ રાજયમાં વર્ષો વીતી ગયા.

“તાનસેન, હું સંગીતનો એક મહાન જલસો ગોઠવવા માંગું છું.”

“મહારાજ, આપનો આદેશ મળે એટલી વાર.”

એક મોટો સમારોહ યોજાયો.

આ જલસામાં ભારતભરના સંગીતજ્ઞો પધાર્યા. કોઇને ખબર નથી કે, આ જલસો શાથી યોજાયો છે.

સંગીતની આ મહેફીલમાં તાનસેનના સંગીતે ધાક જમાવી દીધી. સૌ સંગીતકારોને પ્રતીતી થઈ કે, તાનસેન ખરેખર મહાન સંગીતકાર છે.

રીવાઁનરેશે સર્વે સંગીતકારોનું યોગ્ય સન્માન કર્યુઁ અને ખુશખુશાલ ચહેરે ઉભા થઈને, આ સમારંભ યોજવ પાછળના રહસ્યનો ઘટસ્ફોટ કર્યો.

“મારા મિત્ર તાનસેન પચાસ વર્ષ વટાવી ગયા એ બદલ આ સમારોહ યોજવામાં આવ્યો છે.”

સમારંભ તાળીઓના ગડગડાટથી ગાજી ઉઠ્યો.

મારા આશ્ચર્યની સીમા ન રહી. એક રાજા, પોતાના કળાકાર મિત્ર માટે કેટલી હદે પ્રેમ વરસાવી શકે છે એ અનુભવીને હું રોમાંચ અનુભવવા લાગ્યો.

સમારંભ પુરો થયો. રાજા મને ભેટી પડ્યા.

“આપનો અહોભાવ સદાય મને મળતો રહે એ જ પ્રભુને પ્રાર્થના.”

સંગીતની આરાધનામાં મારો સમય પસાર થઈ રહ્યો હતો.

એક દિવસે રીવાઁમાં કૃષ્ણભક્ત વિદુષી પધાર્યા. તેઓ ભગવાન શ્રી કૃષ્ણના પરમ ભક્ત હતા.

તેઓ રાજાના ખાસ અતિથિ હતા. તે સંપૂર્ણ એકાંત પાળતા, કોઇને પણ મળવાની મનાઇ હતી. મને નવાઈ તો લાગી પણ ખુદાના બંદા મસ્તમૌલા જ હોય છે. ભગવાનની ભક્તિમાં રાચનારા આ દુનિયાની પરવા કરતા જ નથી. મેં મારૂં કુતુહલ સમાવી દીધું.

એક દિવસે સ્વયં રાજા બોલ્યા, “તાનસેન, આપણે ત્યાં પધારેલા કૃષ્ણભક્ત વિદુષીના ભજનોમાં અને સંગીતનો સુભગ સમન્વય સધાયો છે. મેં ખાસ તારા માટે રજા માંગી છે. કાલે સવારે આપણે જઈશું.”

અમે બીજે દિવસે, સવારે વિદુષીના મુકામે પહોંચ્યા. કૃષ્ણના મંદિરમાં, ભગવાન શ્રીકૃષ્ણની નયનરમ્ય મૂર્તિ સામે આ વિદુષી ભગવાન શ્રીકૃષ્ણનું નામ સ્મરી રહ્યા હતા. એમના સ્વરચિત ગીતોમાં ભક્તિ તો હતી જ, સાથે સંગીતનો આત્મા ઝંકૃત થતો હતો, મને એવો આભાસ થવા માંડ્યો કે, મારું સંગીત ઝાંખું છે.”

ગીત પૂરૂં થયું. વિદ્દુષીએ મારા તરફ જોઇ કહ્યું, “તાનસેનજી, આપને મારા વંદન. આપે સંગીતમાં જે આરાધના કરી છે. તેની સુવાસ તો છેક દક્ષિણમાં ફેલાઇ છે. હું ઘણાં વર્ષોથી દક્ષિણ ભારતમાં તીર્થયાત્રા કરી રહી હતી. મહાન સંતોની એ ભૂમિમાં પણ મહાન સંગીતકાર તરીકે આપનું નામ આદરથી લેવાય છે. જગન્નાથપુરીમાં પણ આપના નામ માટે આદર છે.”

મને લાગ્યું કે, મારી સાધના સાર્થક છે. મેં પણ સામા વંદન કર્યા.

અમે પાછા ફર્યા. રસ્તામાં રાજા કહેવા લાગ્યા. “તામસેન, વિદુષી કોણ છે એ જાણીશ તો તને આશ્ચર્ય થશે.”

“કોણ હશે આ મહામના વિદુષી?”

“જો તાનસેન, આ રહસ્ય કોઇને પણ જણાવતો નહિ. આ જાણકારીનો સદ ઉપયોગ થવો જોઇએ તું કદાપિ મારો વિશ્વાસભંગ નહિ કરે એ અપેક્ષા. આ પરમભક્ત વિદુષી મીરાંબાઇ છે.”

કલ્પનાતીત વાત સાંભળીને હું નવાઇ પામ્યો.

“મીરાંબાઇ તો…..”

“એ બધી વાતો અનોખી છે. મીરાંબાઇ જાતે જ અજ્ઞાતવાસ સેવી રહ્યા છે. અને આપણે એ મર્યાદાને સાચવવાની છે.” રાજા કેટલી હદે મને ચાહે છે એની પ્રતીતી બીજી વાર થઈ.

સંત કવિ મીરાંબાઇના પ્રત્યક્ષ દર્શનથી હું કૃતાર્થ થયો. મને થયું હું તો કીર્તિની કામનાથી સંગીતની આરાધના કરું છું જ્યારે મીરાંબાઇ કીર્તિની ખેવના વગર ભક્તિ અને સંગીતની સાધના કરે છે.

હવે હું સંગીત સાથે ભક્તિમાં પણ પરોવાઈ ગયો. ભક્તિ વગરનું સંગીત સૂર્ય વગરના દિવસ જેવું છે એમ મને લાગ્યું. હું દેવમંદિરમાં જતો. સુંદર ગીતો સાંભળાવતો. પછી તો મે દેવોની પ્રશંસામાં પુષ્કળ ગીતો ધ્રુપદ રાગમાં લખ્યા.

મારા હૈયામાં ભક્તિનો પાયો સ્વામી હરિદાસે નાંખ્યો હતો. અને પ્રેરણા મળી સંત મીરાંબાઇની.

રીવાઁથી થોડે દૂર ચિત્રકૂટમાં તુલસીદાસ “રામચરિત માનસ” ના ગાનથી વાતાવરણ મહેકાવતા હતા.

ભારતમાં અફઘાનો અને રાજપૂતોની રાજકીય તાકાત મોગલ બાદશાહતના કારણે તૂટતી જતી હતી. લાગતું હતું કે, મોગલ પંજો દિલ્હી, આગ્રા પછી આગળ વધતો અટકી જશે. પરંતુ આગ્રામાં શહેનશાહ અકબર અને બહેરામખાનનું વર્ચસ્વ સ્થપાયા પછી બાજી પલટાઇ ગઈ. એક બાજુ હિંદુસ્તાનમાં મોગલોનું સામ્રાજ્ય વધી રહ્યું હતું. ત્યારે બીજી બાજુ, હિંદુસ્તાનમાં જનમાનસ પર સંતોની પકડ વધી રહી હતી.

હું સુખી હતો.

પરંતુ હું ભૂલી ગયો હતો કે, સુખ અને દુ:ખ જીવનમાં વારાફરતી આવ્યા જ કરે છે. મારી કીર્તિ ભારતભરમાં ફેલાઇ હતી તો પછી આગ્રામાં કેમ ન ફેલાય?

શહેનશાહ અકબરને જુદા જુદા ક્ષેત્રના પારંગત માણસોને પોતાના દરબારમાં બોલાવીને રાખવાનો અજબ શોખ હતો.

એક વેળા, અંબરના હાજર જવાબી રાજકવિ બિરબલને જોઇને રાજા ભગવાનદાસ પાસે બિરબલને પોતાના દરબારની શોભા વધારવા માંગી લીધો.

મારી કીર્તિ સાંભળી શહેનશાહ અકબરને થયુ.

“આ જમાનાનો મહાન ગાયનાચાર્ય તાનસેન તો મારા દરબારમાં જ હોવો જોઇએ.”

વિચાર આવતાં એનો અમલ પણ કરી દીધો.

“તાનસેન અદ્‍ભૂત ગાયક છે. આવી મહાન પ્રતિભા પોતાની પચાસ વર્ષની વય સુધી તમારા દરબારમાં બિરાજી. વર્ષો સુધી તમે એ કળાકારના સંગીતનું પાન કર્યું. હવે આવા મહન ગાયકનું સ્થાન તો મોગલ દરબારમાં દરબારી ગાયક તરીકે હોવું જોઇએ. એમાં જ એનું ગૌરવ છે. તાનસેનને જરૂર અમારા દરબારમાં મોકલી આપો.”

પત્ર વાંચીને રીવાઁ નરેશ પર જાણે વજ્રાઘાત થયો. હોંશ ઉડી ગયા.

મારી દશા તો સૂડી વચ્ચે સોપારી જેવી હતી. સ્વયં રાજા હોવા છતાં મારા જેવા કળાકારને “પ્રિય બન્ધુ” કહીને ગળે લગાડ્યો. આ વિભૂતિની છાયામાં જીવનન અમૂલ્ય ભાગને સુખે વિતાવો. આ રાજ્યની પ્રજાએ મને દેવતુલ્ય માન આપ્યું. મારી કળા પર શ્રદ્ધા-સુમન અર્પણ કર્યા હતા. એમનો વિયોગ સહન કરવાની વાત કેવળ પાષાણ જ સહી શકે, માનવી નહી. તેમાંયે ભાવુક માનવી તો નહીં જ રીવાઁની પ્રજા પણ આ વાત સાંભળી ઘોર નિરાશામાં ડુબી ગઈ. બુંદેલખંડની રાજધાનીનું સુંદર વાતાવરણ ડહોળાઇ ગયું. મારી તબિયત લથડી. આ સમાચારથી તો સૌનો આઘાત તીવ્ર બન્યો.

રાજા રામચંદે શહેનશાહના સંદેશવાહકને કહ્ય્યં, “તાનસેનને શએનશાહના આદેસ્શ મુજબ હું અવશ્ય મોકલી આપત. પરંતુ અમારા રાજવૈધ કહે છે કે, તાનસેનની તબિયત પ્રવાસનો શ્રમ સહન કરી શકે એમ નથી.”

સંદેશવાહક તાનસેનને મળ્યો. ખરેખર મારી તબિયતે નાજુક વળાંક લીધો હતો. રાજા રામચંદતો  બહાદુર ક્ષત્રિય હતા. તેમણે પોતાન સરદારો સાથે ખાનગી મંત્રણાગૃહમાં કહ્યું હતું,

“તાનસેનને મોગલ દરબારમાં સોંપવા કરતાં હું યુદ્ધ કરવા માંગું છું. કાલે હું મોગલ સિપેહસાલાદીને જવાબ આપી દઈશ કે, ક્ષત્રિયો પાસેથી એના કળાકારને છીનવી લેવો પડે, માંગે મળે નહિ.” પરંતુ મેં કહ્યુ, “મારા માટે રક્તપાત થાય એ યોગ્ય નથી.” આથી મારી તબિયતની વાત મુકવામાં આવી.

રાજવૈદ્યે સંદેશવાહકને કહ્યું, “રાજનીતિના ચક્રવ્યુહમાં મહાન કળાકારનો ભોગ લેવાવો જોઇએ નહિ. હું તાનસેનની ચિકિત્સા કરું છું. એનું સ્વાસ્થ્ય ઠીક થતાં તરત જ રીવાઁ નરેશ, તાનસેનને આગ્રા મોકલી આપશે.

સંદેશવાહક આગ્રા પહોંચ્યો. એણે રાજવૈદ્યની વાત, રાજાનો વિનય અને પ્રજાની નિરાશા સંબંધનાં વાત કરી.

અકબર શાહે પોતાન ચતુર મંત્રી બિરબલને પૂછ્યું, “ બિરબલ શું કરીશું?”

સમય પસાર થવા દો. તાનસેન સ્વસ્થ થાય પછી વાત.”

હઠ હંમેશા આફત નોતરે છે. પછી તે બાળહઠ હોય, યોગીહઠ હોય કે સ્ત્રીહઠ હોય કે રાજહઠ હોય.

અકબરશાહની રાજહઠ ફરી ભભૂકી ઉઠી. થોડા સમય પછી ફરી તાનસેનને પોતાના દરબારમાં લાવવાની વાત મનમાં બળવત્તર બનવા લાગી.

રીવાઁમાં તો વાત વિસારે પડી ગઇ હતી. સૌ સમજતા હતા કે, આફત ટળી ગઈ. પરંતુ એક દિવસે અચાનક ઘેડેસવારોની ટુકડી સાથે બાદાશાહનો સિપેહસાલાર રીવાઁ નરેશના દરબારમાં આવીને ઉભો રહ્યો.

સૌને એ યમદૂત-શો લાગ્યો. જો કે એણે વિનયપૂર્વક રાજાને એક ખત આપ્યો. જેમાં ભાષા હતી વિનયની પરંતુ ધારદાર આદેશ હતો.

“તાનસેનનું અદ્‍ભૂત સંગીત સાંભળવા માટે શહેનશાહ અને એમના દરબારીઓ ઘણાં ઉત્સુક છે. અમને પણ પૂરી ઉમ્મીદ છે કે, હવે તાનસેન સ્વસ્થ થઈ ગયા હશે. જો થોડી ઘણી કચાશ હશે તો આગ્રાના શાહી ઇમામ પોતાની કુશળતાથી જલ્દી તેઓને પૂર્ણ સ્વસ્થ બનાવી દેશે.

અમે સમજીએ છી કે, રીવાઁના રાજા અને પ્રજાની અપાર ચાહના તાનસેનને મેળવેલી છે. તેઓ પરસ્પર પ્રેમનાં તાંતણાથી જોડાયેલા છે. આથી તાનસેન જ્યારે ઇચ્છે ત્યારે રીવાઁ જવા આવવા પૂર્ણ સ્વતંત્ર રહેશે. એ તો ગૌરવની વાત હશે કે, તાનસેન હિન્દુસ્તાનના શહેનશાહનો દરબારી ગાયક કહેવાશે. હિંદના સમ્રાટની શોભા વધારવા તાનસેનને મોકલી આપી બાદશાહની કૃપા પ્રાપ્ત કરવી રીવાઁ નરેશ માટે યોગ્ય તક સમાન છે.”

પત્રની હકીકત સાંભળીને સૌ પાષાણવત બની ગયા.

રાજાએ મંત્રીઓની ખાસ બેઠક બોલાવી.

“તાનસેન મારોમિત્ર અને મહાન કળાકાર છો એની રક્ષા કરવી એ મારી અને આપણાં સૌની ફરજ છે.”

મેં નમ્રતાપૂર્વક કહ્યું, “ બાદશાહન આદેશને ઠુકરાવી યુદ્ધના દુદુંભી વગાડવાથી રક્તપાત થશે. આથી મારી કળાને સદા માટે લાંછન લાગશે.”

“મહારાજ, તાનસેનની વાત સાચી છે. તાનસેન અકબરશાહના દરબારમાં રહેશે તો તેમની પ્રગતિ થશે. હિંદુઓના અહિતને રોકવા માટે એક મજબૂત સમર્થક ત્યાં ગોઠવાશે. મોગલ સામ્રાજ્ય જ્યારે બળવાન થઈ ચૂક્યું છે ત્યારે બળથી નહિ, કળથી કામ લેવાની જરૂર છે.”

અંતે રાજા મને આગ્રા મોકલવા સંમત થયા.

મેં વિચાર કર્યો, સંકટ ટાળવું હોય તો હું મોગલ દરબારમાં જાઉં, મારા મિત્ર અને પ્રજા તો ઉગરી જાય.

તાનસેનને ભવ્ય વિદાયમાન આપવામાં આવ્યું. સૌના હૈયા કપાઈ જતા હતા, તાનસેન પોતે વિહ્‍વળ હતો.

રાજાની આંખો ભીની હતી. પ્રજા ચોધાર આંસુએ રડી રહી હતી. માં-બાપ પોતાની પ્રિય પુત્રીને પ્રથમ સાસરે વળાવે ત્યારે જેવી કરૂણા છવાઈ જાય તેવી કરૂણા છવાઇ ગઈ હતી. હું પાલખીમાં બેઠો બેઠો આ જોઇ રહ્યો હતો. જ્યારે મારાંથી જોવાયું નહિ ત્યારે મેં આંખો મીંચી દીધી. થોડ સમય પછી પાલખી ક્ષણવાર માટે રોકાઇ મેં આંખો ખોલી મેં જોયું કે, પોતાના જમણા ખભે રીવાઁ નરેશે પાલખી ઉંચકી હતી.

હું તરત જ પાલખીમાંથી કુદી પડ્યો. મેં રાજાને પાછા રાજમહેલમાં જવા કાલાવાલા કર્યા. વિનંતી કરી અને વચન આપ્યું, “ જમણા હાથે હું કોઇને સલામ નહિ કરું કારણ કે, આપે જમણા હાથે મારી પાલખીને ખભો આપ્યો છે.”

બાદશાહના સિપેહસાલારને આમાં તાનસેનની અવળચંડાઇ દેખાઇ. એણે આગ્રામાં આવતાં જ આ વાત કરી.

“જહાઁપનાહ, તાનસેને વાઘેલા રાજાને વચન આપ્યું છે કે, જમણા હાથે હું આપના સિવાય કોઇને સલામ નહિ કરું. આ તો આપની તૌહીન કહેવાય.”

શહેનશાહે પૂર્ણ ગંભીરતાથી વાત સાંભળી બિરબલને પૂછ્યું, “બિરબલ, તાનસેન ડાબા હાથે મને સલામ કરે એ તો મારી તૌહીન થઈ કહેવાયને?

બિરબલે કહ્યું, “કળાકારોની દુનિયા સમ્રાટોની દુનિયાથી નિરાળી છે. તાનસેને કળારસિક, કદરદાન રાજા રામચંદ્ર વાઘેલાને જમણા હાથે સલામ કરીને, બીજી કોઇને પણ એ હાથે સલામ ન કરવાની પ્રતિજ્ઞા કરીને સંગીતકળાનું ગૌરવ વધાર્યું છે. એમાં આપનું અપમાન કરવાનો રજમાત્ર ભાવ નથી. ઉલ્ટું આવો મહાન કળાકાર આપના દરબારમાં આવી રહ્યો છે એ આપણું ગૌરવ છે. જો, જો જહાઁપનાહ અહ્‍મની આંધિમાં હીરાને કાચનો ટુકડો ન સમજતા.”

શાહી દરબાર ભરાયો હતો. હું ત્યાં પ્રવેશ્યો. સૌના મનમાં ઉત્કંઠા હતી. સૌ મારા તરફ જોઇ રહ્યા હતા.

મેં જમણા હાથને બદલે ડાબો હાથ ઉપાડ્યો અને સલામ ભરી. હવે સૌ બાદશાહ તરફ જોવા લાગ્યા. પરંતુ આ શું? બાદશાહ તો ગુસ્સે થવાને બદલે હસતા હતા. તેમણે બિરબલ તરફ જોઇને કહ્યું,

“તાનસેન આ દરબારમાં નવા આવ્યા છે. પરંતુ પ્રખર બુદ્ધિ ધરાવે છે. ઘણાં અલ્પકાળમાં તેઓ દરબારી રીત શીખી લેશે.”

“સારૂં, તાનસેન હવે ગાયન શરૂ કરો.”

મોગલ દરબારના અધિકારીએ મને ફર્શ પર બેસી જવાનો આદેશાત્મક ઇશારો કર્યો. નવા માણસનું હંમેશા અપમાન થતું હોય છે. એની કસોટી કરવા એના માર્ગમાં પુષ્કળ કંટકો પાથરવામાં આવતા હોય છે. મને વિશ્વાસ હતો કે, મારી કળા જ મને આમાંથી માર્ગ બતાવશે.

ફર્શપર બેસીને ગાવું એટલે એમાં મને મારૂં અપમાન અમે સંગીતકળાનો અનાદર લાગ્યો. મનમાં થયું, એકાદ બે કડવા શબ્દો કહીને “દરબારે-અકબરી”માંથી ચાલ્યો જાઉં, પરંતુ કેમ જાણે મનને મારીને બેસી જવાનો વિચાર આવ્યો, હું અનિચ્છાએ ગાવા લાગ્યો. ધ્રુપદ રાગનું ગાયન શરૂ કર્યું. એની અંતિમ કડી હતી.

તાનસેન કહે સુનો, શાહ અકબર

પ્રથમ રાગ ભૈરવ મેં ગાયો.

દરબારીઓ ડોલવા લાગ્યા. સુરીલો ગંભીર અવાજ અને મનોહર ગીત હતું. ચારે તરફ “ક્યા ગાના હૈ? ક્યાં ખૂબસૂરત આવાજ પાયા હૈ, સુબ્‍હાન અલ્લા” સૌના મુખમાંથી પ્રશંસાના પુષ્પો વેરાવા લાગ્યા.

દરબાર વિખરાયો. બેચેન મને હું મારા ઉતારે આવ્યો. મન પર ભારે બોજો હતો. આવી અપમાન ભરી દશામાં શી રીતે રહેવાશે? ઘડી ભર માટે તો રીવાઁ પાછા ચાલ્યા જવાનો વિચાર આવ્યો. પરંતુ મારા કાર્યથી રીવાઁ નરેશ અને પ્રજા મુશ્કેલીમાં મુકાશે. એ ભયે એ વિચાર છોડી દીધો.

“મારી તબિયત સારી નથી. મને કોઇ જગાડસો નહિ.” આમ કહીને હું સૂઇ ગયો.

તાનસેન બીમાર થઈ ગયા. આ ખબર આગ્રામાં ફેલાઇ.

દિવસો સુધી હું બીમાર જ રહ્યો.

એક દિવસે-બિરબલ મારી પાસે આવ્યા.

“તાનસેન, બાદશાહને તમારી બિમારીથી ખેદ થયો છે. તમારી બિમારીથી ખેદ થયો. તમારી બિમારી શી છે? તમારા ઇલાજ માટે બાદશાહે આજે જ શાહી હકીમને આદેશ આપ્યો છે. પણ મારૂ મન કહે છે કે તમારી બિમારી તનની નથી, મનની છે. મને તમારો હિતેચ્છુ સમજીને કહો. શી વાત છે?

“બિરબલજી, મારૂં મન લાગતું નથી. તેથી તબિયત લથડી છે. રીવાઁમાં તો સ્વયં રાજા મને બધું કહીને ઉચ્ચ આસન આપતા હતા. અહીં મોગલ દરબારમાં મને ફર્શપર બેસાડી, ગાવા માટે આદેશ આપ્યો. આથી મારું તો અપમાન થયું જ થયું. પરંતુ સંગીત જેવી સર્વોત્તમ કળાનું પણ અપમાન થયું. આથી મને અહીંથી વિદાય અપાવો. હું અહીં રહેવા માંગતો નથી.”

બિરબલ તાનસેનની વેદના સમજી ગયા.

“તાનસેન, અકબરશાહ ગુણીજનોની કદર કરવા વાળા છે તમારા સંગીત પર ખરેખર તેઓ ફિદા છે. આપનું અદ્‍ભૂત ગાયન એ તો પ્રભુની મહાન કૃપા છે. પ્રભુની બીજી મહાન કૃપા એ છે કે, અકબરશાહ અને તાનસેનનું મિલન થયું છે. થોડી ધીરજ  રાખો. હું બાદશાહને વિનંતી કરીશ કે, તેઓ તમને દરબારમાં  “રત્ન”નો ઇક્બાલ આપે અને સ્થાન આપે. બાદશાહને સમજાવવાની જવાબદારી હું લઉં છું. તમે પાછા જવાની વાત ન કરશો.

“બિરબલ, તાનસેનના શા હાલ છે?” બાદશાહે પૃચ્છા કરી.

“જહાઁપનાહ, કોઇ રાજ્યના સેનાપતિને, એની વીરતા પર ખુશ થઈને આપણે આપણા દરબારમાં બોલાવીએ અને પછી એને મામુલી સિપાહી બનાવીએ તો શું એ યોગ્ય છે?”

અકબરશાહ હસ્યા. બિરબલની આ ટકોર કરવાની લાક્ષણિક અદા હતી.

“બિરબલ, તું તાનસેન માટે કાંઇક કહેવા માંગે છે.”

“હા, જહાઁપનાહ, તાનસેન મામુલી ગાયક તો નથી જ. મહાન કળાકાર છે. રીવાઁમાં એ રાજાનો પરમમિત્ર હતો. અહીં તેને ફર્શ પર બેસાડ્યો. આપણી ભૂલ થઈ.”

“તો એ ભૂલ કેવી રીતે સુધારીશું?”

“જો તાનસેનને મોગલ દરબારમાં રાખવો જ હોય તો એને “રત્ન” ની પદવી અને યોગ્ય સ્થાન અપો.”

“કબુલ છે બિરબલ, પરંતુ મારી એક શરત છે. મારી સાલગિરાહ આવી રહી છે. એ અવસર પર તાનસેને ગાવું પડશે. એવું બેજોડ સંગીત લહેરાવે કે, બધાં ડોલી ઉઠે. કોઇને એમ ન થાય કે, અકબરશાહ લાયકાત વગર પદવી એનાયત કરે છે.

“કબુલ છે. જહાઁપનાહ, તાનસેન ગાશે અને એવું ગાશે કે જે બેમિસાલ હશે.”

પુષ્પની સુગંધની માફક આ વાત સારાયે આગ્રામાં ફેલાઇ ગઈ.

મોગલ દરબારમાં તાનસેનના ગુરૂબંધુ સોમનાથ અને પંડિત દિવાકર પણ વસતા હતા. તેઓ ધર્મ-પરિવર્તન કરીને હવે ચાંદખા અને સૂરજખાઁને નામે રહેતા હતા. શહેનશાહના દરબારમાં ૩૬ કલાકારો ભારતીય, ઇરાની, તુરાની, અરબી વગેરે હતા. આ કલાવંતોને પોતાનું આસન ડોલતું જણાયું.

“નવા આવેલા તાનસેનને “રત્ન”ની ઉપાધિથી નવાજવામાં આવે એ તો આપણી કાબેલિયતને પડકાર છે.”

પરંતુ એ પડકારનો સામનો કરવા તૈયાર થયા પરંતુ અંતે નક્કી થયું કે, પડકારોનો સામનો ચાંદખાઁ અને સૂરજખાઁ જ કરશે. કારણ કે, એક જ ગુરૂના ત્રણે શિષ્યો છે.

શેખ અબુલફઝલ બાદશાહ સમક્ષ હાજર થયા.

“જહાઁપનાહ, તાનસેનને “રત્ન” નો  ઇલ્કાબ આપતાં પહેલાં ચકાસવાની જરૂર છે. એવું ન બને કે, આપણાં દરબારના કળાકારો કરતાં તાનસેન નિમ્નકોટિનો સિદ્ધ થાય. તો આપણે આપણાં જુના કળાકારોને ભારે આન્યાય કરીશું.

બાદશાહ અકબરે કહ્યું, “શેખ, તાનસેનનું સંગીત ઉત્કૃષ્ટ છે. છતાં તાનસેનની આપણે કસોટી કરીએ.

શેખ અબુલફઝલ બોલી ઉઠ્યા, “આપણા દરબારી ચાંદખાઁ અને સૂરજખાઁને જો તાનસેન સંગીત વિદ્યામાં હરાવે તો જ એને “રત્ન” નો ઇક્બાલ અપાવો જોઇએ.”

“મંજુર છે.” બાદશાહે કહ્યું.

બાદશાહ અકબરની વર્ષગાંઠ આવી. સંગીતનો જલસો ગોઠવાયો.

ચાંદખાઁ અને સૂરજખાઁ એ દરબારમાં ઘોષણા કરી.

“તાનસેન કોઇ એવો રાગ છેડે જે અમે બંને ભાઇઓ ગાઇ ન શકીએ.”

પડકારમાં ભારોભાર અભિમાન હતું.

હું વિનયી હતો. મોગલ દરબારની હજુ મારામાં છાંટ આવી ન હતી. પોતાન જ ગુરૂના આ બંને શિષ્યો હતા. અવાજમાં ગંભીરતા લાવી હું બોલ્યો, “ સ્વામી હરિદાસજીના અમે ત્રણે શિષ્યો છીએ. ગુરૂજીએ તો નિષ્કપટભાવે અમને સંગીત વિદ્યા પ્રદાન કરી છે. મારા ગુરૂ બંધુ મારા કરતાં વધારે જાણતા હશે. તેઓ કોઇ એવો રાગ આલાપે કે જે ગાવાની મારી ક્ષમતા ન હોય.

આ સાંભળતા જ ચાંદખાઁ અને સૂરજખાઁનો ચહેરો ઉતરી ગયો. બંને એ જે જે રાગો આલાપ્યા, તાનસેને તે ગાઇ બાતાવ્યા.

પછી મોકો જોઇને મેં બે ત્રણ રાગ એવા સંભળાવ્યા કે, એ રાગો કદાપિ કોઇએ સાંભળ્યા ન હતા. મનમાં દહેશત ખાઇ ગયા હતા. છતાં ચાંદખાઁએ ઉગ્રતાથી કહ્યું,

“આ રાગો રાગો જ નથી. તાનસેને પોતાની જાતે બેસાડેલા છે. સાવ મનગઢન્ત છે. એની શાસ્ત્રીયતા શી?”

મેં એ રાગોની શાસ્ત્રીયતા સિદ્ધ કરી આપી હવે સૌ ચૂપ થઈ ગયા.

બદશાહ આસન પરથી ઉભા થયા. હર્ષોન્માદથી કહ્યું,

“તાનસેનને હું રત્નની પદવી આપું છું. એક લાખ સોનામહોર પુરસ્કારમાં આપું છું. આજથી તાનસેન સંગીત સમ્રાટ છે.”

તાનસેને સંતોષનો શ્વાસ લીધો.

બીજે દિવસે, આગ્રાની ગરીબ જનતામાં તાનસેને એક લાખ સોનામહોરો વહેંચી દીધી.

બિરબલને આથી નવાઇ લાગી. એણે તાનસેન પાસે જઈને પ્રશ્ન કર્યો, “ તાનસેન, એક લાખ સોના મહોરો ગરીબોમં કેમ વહેંચી દીધી?”

હસતા હસતા તાનસેને કહ્યું, “ બાદશાહે પહેલાં કદી કોઇ કળાકાર માટે આવડું મોટું દાન કર્યું ન હતું. અને કોઇ કળાકારે આવડી મોટી રકમ ગરીબોમાં વહેંચી ન હતી. બિરબલજી, ભારત સમ્રાટ અને સંગીત સમ્રાટની વાત જ નિરાળી હોય છે.”

સર્વત્ર તાનસેનની વાહ વાહ થવા લાગી.

“દરબારે અકબરી”માં એક અજોડ બીન વગાડનાર કળાકાર હતા. ઠાકોર સન્મુખસિંહ મધુર વીણાવાદનથી પ્રભાવિત થઈ બધાંએ એમનું ઉપનામ “મિસરીસિંહ” પાડ્યું હતું.

તાનસેનના વિરોધીઓએ આ મિસરીસિંહને હોળીનું નળિયેર બનાવવાનો વિચાર કર્યો. તાનસેનના વિષયમાં ખરી ખોટી વાતો ઉપજાવી કાઢી ઠાકોર સન્મુખસિંહને ઉશ્કેર્યો.

એક દિવસે “ દિવાન-એ-ખાસ” માં જલસો ગોઠવ્યો હતો. ઠાકોરના મનમાં તાનસેન પ્રતિ ઠાંસી ઠાંસીને નફરત ભરવામાં આવી.

વીણા બજાવતા બજાવતા ઠાકોરે તાનસેનને મુકાબલા માટે લલકાર્યો. તાનસેને તરત જ એમની સ્વરલહરી ગાઈને જવાબ આપ્યો. આથી ઠાકોર સન્મુખસિંહના મિજાજનો પારો ઉંચો ગયો. એમના મુખમાંથી તાનસેન માટે અપશબ્દોનો ધોધ સરી પડ્યો.

આખો દરબાર સ્તબ્ધ થઈ ગયો. બધાંના મુખ પર દુ:ખ હતું. કારણ કે, દુર્જન અને સજ્જનની લડાઇ જોવામાં મઝા આવે પરંતુ અહીં તો સજ્જન સાથે સજ્જનની લડાઇ હતી.

વાત આગળ ન વધે એટલા માટે શહેનશાહે સ્વયં આદેશ આપ્યો.

“ઠાકુર સન્મુખસિંહ દિવાને-એ-ખાસ સે અભી ચલેં જાયે. ઉનકા હોંશ ઠિકાને નહીં હૈ.”

આ બનાવ પછી ઠાકોર સન્મુખસિંહ અને તાનસેન વચ્ચે દુશ્મનાવટ વધી. મહિનાઓ વીતી ગયા.

બિરબલ આ બંને કળાકરો વચ્ચે પડેલી તિરાડથી વ્યથા અનુભવતા હતા. તેઓ તાનસેન પાસે ગયા.

“તાનસેન, ઠાકોર મિસરીસિંહ તમારા વિરોધીઓથી ગુમરાહ થયેલા છે. ખરેખર તમારા પ્રત્યે કોઇ વેર ભાવના નથી.”

તાનસેન બિરબલને પોતાનો હિતેચ્છુ માનતો હતો. જેવો તે ઉચ્ચ કળાકાર હતો તેવો તે માનવતાવાદી પણ હતો.

“બિરબલજી, હું આપની વાતે સંમત છું. હું તો ઠાકોર માટે કોઇ પૂર્વગ્રહ રાખતો નથી. મારા હૈયામાં કોઇ ખોટ નથી.”

બિરબલે આ ઘટના બાદશાહને જણાવી.

“જહાઁપનાહ, આ બે મહાન કળાકારોનો મનમેળ આપ જ કરાવી શકશો.

“કારણ?”

“ આપે ઠાકોરને જે કડવો આદેસ્શ આપ્યો હતો તેનો ઘા આપના પ્રયત્ને જ રૂઝાશે. “આપને હી દર્દ દિયા, દવા ભી તુમ્હી દો.” ખડખડાટ હસતા બિરબલે કહ્યું.

બાદશાહે સ્વયં આ બાબતે રસ લીધો અમને બંનેને બોલાવી ગેરસમજૂતી દૂર કરી. બંને પરસ્પર ભેટ્યા. એટલું જ નહિ બંને સંબંધની ગાંઠે બંધાઇ, વેવાઈ બન્યા.

ખયાલ ગીતોની રચના કરનાર સદારંગજી ઠાકોર મિસરીસિંહના પૂર્વજ હતા. તેમની સંગીત ઘરાનાની પરંપરા ભવ્ય હતી.

એક વેળાઅ બાદશાહે અબુલફઝલને મારા વિષે પ્રશ્ન કર્યો,

“તાનસેન માટે તમારો શો અભિપ્રાય છે?”

અબુલફઝલે તરત ઉત્તર આયો, “તાનસેન વાકઈ સંગીત સમ્રાટ છે. દરબારના બધાં જ કલાવંતો મુકાબલામાં એની સાથે શિકસ્ત પામ્યા છે. છેલ્લા હજાર વર્ષમાં આવો મહાન કળાકાર આ દેશમાં તાનસેન પહેલાં જન્મ્યો જ નથી.”

આ વાત મારા કાને પણ આવી. મારા મનમાં અભિમાન જાગ્યું.

એક પ્રસંગે, જ્યારે બાદશાહે ગુજરાત પર શાનદાર વિજય મેળવી વિજયોત્સવ મનાવી રહ્યા હતા ત્યારે મને ખુશ થઈને વરદાન માંગવા કહ્યું.

મેં માંગ્યુ, “ મારા સિવાય આગ્રા શહેરમાં કોઇ સંગીતના સૂરો રેલાવે નહિ. જે ગાશે એને મારો મુકાબલો કરવો પડશે અને હારી જશે તો એને મૃત્યુદંડ આપવાનો મને અધિકાર રહેશે.”

બિરબલ બોલ્યા, “ તાનસેન, સંગીત સમ્રાટ સાચે જ સત્તાધારી સમ્રાટ જેવા સત્તાધારી બનવા માંગે છે. સત્તાનો નશો બહુ સારો નથી.”

અકબરશાહ બોલ્યા, “ તાનસેને પોતાનો દિગ્વિજય જાહેર કર્યો છે. પોતાની સર્વોપરિતા ટકાવી રાખવા માટે ભલે આ ચુનૌતીની ઘોષણા કરવામાં આવે.”

’પરંતુ કોઇ સંગીતકાર તાનસેનને હરાવે તો?

“તાનસેનને સંગીતમાં પરાજય આપવો અસંભવ છે. આ વાતનો વિચાર જ ન થાય.”

“ભાવિની શક્યતાનો વિચાર કરી ઘોષણા થાય તો ઠીક છે.” અને મારી મરજી મુજબની ઘોષણા કરવામાં આવી.

એક દિવસે બાદશાહે મને પ્રશ્ન કર્યો, “ તાનસેન, તારા કરતાં શ્રેષ્ઠ ગાયક કોણ છે?”

મેં જવાબ આપ્યો, “મારા ગુરૂ વૃન્દાવનવાસી સ્વામી હરિદાસજી.”

“તો પછી મારે તેમનું સંગીત માણવું છે.”

“પરંતુ જહાઁપનાહ, મારા ગુરૂ કોઇ રાજા અથવા બાદશાહના દરબારમાં ફરમાઇશથી ગાતા નથી. કેવળ ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ આગળ બેસીને જ ગાય છે.”

એક વખતે બાદશાહને દિલ્હી જવાનો અવસર આવ્યો. તેમણે મને સાથે લીધો.

મથુરા મુકામ કરી. તેઓ મને કહેવા લાગ્યા.

“તાનસેન, વૃન્દાવન જઈશુ?”

મેં હા પાડી. બાદશાહે મામુલી આદમીનો વેશ પહેર્યો.

અમે જ્યારે વૃન્દાવનમાં આશ્રમમાં પહોચ્યા ત્યારે સંધ્યા સમયની આરતી ચાલતી હતી.

સ્વામીજી મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ સમક્ષ રાગ કલ્યાણનું ધ્રુપદ

તુ હી ભજ ભજ રે મન કૃષ્ણ

વાસુદેવ, પરમનાભ, પરમ્પુરૂષ,

પરમેશ્વર નારાયણ,

ગાઇ રહ્યા હતા. હું અને બાદશાહ બહાર ઓટલા પર બેસીને જ સાંભળતા રહ્યા. જ્યારે સમાપ્ત થયું ત્યારે પણ બાદશાહ આંખો બંધ કરીને, તલ્લીન થઈને બેઠા હતા.

સ્વામીજી બહાર આવ્યા. જુએ છે તો તાનસેન, તેઓને આનંદ થયો.

“તાનસેન સમ્રાટને આશ્રમમાં લઈ આવ.”

અમે બંને હેબતાઈ ગયા. મારા અને બાદશાહના અનુગ્રહ પર સ્વામીજીએ ફરી ગાયન શરૂ કર્યું. તંબુરા પર મેં જાતે સંગત આપી.

આશ્રમમાંથી અમે વિદાય થયા. માર્ગમાં બાદશાહે મને સવલ પૂછ્યો. “ સ્વામીજીના સ્વરના મુકાબલે તારો અવાજ ફીકો કેમ?”

મેં જવાબ આપ્યો, “ હું માનવસમાજને રિઝવવા ગીત ગાઉં છું જ્યારે સ્વામીજી પરમાનંદને પ્રાપ્ત કરવા માટે ગીત ગાય છે.”

“તાનસેનના ગૌરવ, કીર્તિ અને માનની કોઇ સીમા નથી.” શાહી દરબારાના મિત્રો  માનતા હતા.

“દેશવિદેશમાં સર્વત્ર સંગીત સમ્રાટની કીર્તિ ફેલાઇ ગઈ છે.” સામાન્ય જનતા કહેતી.

જીવન સાફલ્યની તૃપ્તિઓ ઘૂંટ પીતા પીતા હું સહ ધર્મચારિણીને કહી રહ્યો હતો, “ હવે કોઇ તમન્ના બાકી નથી. છતાં એક વાતનો રંજ અનુભવુ છું.”

“કઈ વાતે રંજ અનુભવો છો. આટલી સફળતા પછી.”

મે કહ્યું, “પ્રિયે, ચાંદની રાત છે. ચંદ્ર પૂર્ણ પણે વિકસ્યો છે. મારી વાતમાં પૂર્ણ સચ્ચાઇ માનજે. મને જેટલી માનસિક શાંતિ રીવાઁમાં મળતી હતી એટલી શાંતિ આગ્રામાં નથી મળતી. ઘણું પ્રાપ્ત કર્યા છતાં એ આત્મીયતાની ઝંખના તો થયા જ કરે છે. પ્રિયાની પ્રથમ મુલાકાત જેવો કળાકારનો પ્રથમ કદરદાન તો સ્મરણપટ પર હંમેશા સુરક્ષિત જ રહે છે. એની બરાબરી ફરી જિદંગીમાં ક્યારેય કોઇ ન કરી શકે. અહીં ભલે સૂર્યની પ્રખરતા હોય પરંતુ ચંદ્રની શીતળતા ત્યાં જ હતી.

કૃષ્ણભક્તિમાં રાચતા સૂરદાસ મારા મિત્ર હતા. હૈયામાંથી નીકળેલું સૂરનું સંગીત માનવીનાં તન અને મનને સ્પર્શી જતું. એ સૂરદાસે મારા સંગીત વિષે કહ્યું.

વિધના અસ જિય જાનકે,

શેષ હુ દિયે ન મન,

આવું મહાન પારિતોષિક ક્યાંથી મળવાનું હતુ?

અને જેમ ગુલદસ્તાના ફૂલોમાં કાંટા પણ હોય છે તેમ મારા જીવનમાં પણ એક દુ:ખદ પ્રસંગ  બની ગયો. મારા અભિમાનનો. એની યાદથી આજે પણ હું કંપુ છું.

સફળતાનો નશો, શરાબના નશા કરતાં વધુ માદક હોય છે.

રિયાઝ કરીને હું ઉઠ્યો. મારા મહેલના ઝરૂખે ઉભો હતો. દૂર દૂર ક્ષિતિજમાં, સૂર્યના ઉદયની પ્રતીક્ષા કરતો, સુગંધિત સમીરની લહેરોથી મનને પ્રફુલ્લિત કરી રહ્યો હતો. આજુબાજુના વિહંગમ દ્રશ્યો જોતો હતો. મારી પ્રભુતા પર મને ગર્વ ઉપજ્યો.

નિત્યક્રમથી પરવારી હું દરબારે અકબરી પહોંચ્યો.

મારી સામે સાધુઓનું ઝૂંડ ઉભુ હતું. સિપાહીઓન વડાએ કહ્યું, “ આજે સવારે સાધુઓ સવારે શહેરમાં ગાતા, ચિપિયા વગાડતા પ્રવેશ્યા. આ સાધુઓ ભક્તિમાં લીન થઈ ગયા હતા. અચાનક અમે તેમને ચારે બાજુથી ઘેરીને કેદ કરી લીધા. તેઓએ બાદશાહી ફરમાનની અવગણના કરી છે.

“બાદશાહ, અમે ફરમાન જાણતા નથી. આથી અવગણનાનો પ્રશ્ન જ ઉઠ્તો નથી.” એક સાધુ બોલ્યો.

“બાદશાહી ફરમાન મુજબ, હવે તાનસેન તમને સંગીત-વિદ્યાના સંબંધમાં પ્રશ્નો પૂછશે. જો તમે હારશો તો તમારૂં જીવન સંગીત સમ્રાટના હાથમાં હશે.” અકબર બાદશાહ બોલ્યા.

સાધુઓએ બાદશાહી ફરમાનની અવજ્ઞા કરી તેથી મને હાડોહાડ લાગી આવ્યું. મેં સાધુઓને સંગીત વિદ્યાના સંબંધમાં કેટલાંક પ્રશ્નો કર્યા પરંતુ સાધુઓ તેમાંના એકપણ પ્રશ્નનો ઉત્તર આપી શક્યા નહિ. આવા મહામુર્ખાઓ સંગીત સમ્રાટની સ્પર્ધા કરવા નીકળ્યા હતા. મેં નિયમ પ્રમાણે મોતની રાજાનો આદેશ આપ્યો.

“જહાઁપનાહ આ બાળકનું શું કરીશું?”

“બાળકને શી સજા થાય?” બાદશાહ બોલ્યા.

મેં કહ્યું, આ તો નાનું બાળક છે. એનો શો વાંક? અને વાંક હોય તો તે ક્ષમાને પાત્ર છે.”

મારી નજર સામે, એ બાળક રડતો રડતો દરબારમાંથી સડસડાટ ચાલ્યો ગયો.

સાધુઓને રાજદંડ દ્વારા સંસારમાંથી વિદાય આપવામાં આવી.

તે રાત્રે હું બેચેન હતો. મારી પત્નીએ આ જાણ્યું ત્યારે માત્ર આટલું જ કહ્યું, “અભિમાને તમે અઘટિત કાર્ય કર્યું છે. આનો જવાબ કોક દિવસે આપવો પડશે અને એ દિવસ તમારે માટે દર્દદાયી હશે.”

હું મારી નિર્બળતા પર પછતાતો હતો. પરંતુ હવે શું? હત્યાઓ તો થઈ ગઈ હતી.

વર્ષો વીતવા લાગ્યા. મારી ધર્મપત્ની મને છોડીને સ્વર્ગે સિધાવી મને થયું, હવે હું વૃન્દાવનમાં જઈ ભક્તિમાં જીવન ગાળુ.”

મારા નિર્ણયની જાણ થતાં જ બાદશાહ બિરબલ મને સમજાવવા આવ્યા. પાછો હું ફસાયો.

“તાનસેન, મારી જિંદગીમાંથી મિત્રો ચાલ્યા જાય છે. તું પણ જઈશ તો હું એકલો પડી જઈશ.”બિરબલજી મારા પરમ મિત્ર હિતૈષી હતા.

કાશ્મીરની જીત માટે સ્યાત ખીણ જીતવી જરૂરી હતી. સિંપેહસાલાર જૈનખાઁએ જ્યારે હુકમ માંગી ત્યારે અકબર બાદશાહે પોતાન માનીતા મિત્ર બિરબલને ૧૬,૦૦૦ ની સેના લઈને મોકલ્યો. જૈનખાઁની વ્યવસ્થા શક્તિ નબળી હોવાને કારણે તે હાર્યો. બિરબલજી આ લડાઈમાં માર્યા ગયા.

“હસવું, બોલવું, ખાવું, પીવું બિરબલ સાથે ગયું.”  હું અને બાદશાહ આવી મનોદશામાં ગમગીન રહેતા.

બાદશાહની અને મારી મિત્રતા બળવત્તર બનતી જતી હતી. રાજખટપત, દિકરાઓની ઉદ્ધતાઇ અને મનની થકાવટને ભૂલવા તેઓ મારા સંગીતમાં જેમ કોઇ શરાબી શરાબમાં ડૂબે તેમ ડૂબી ગયા.

વર્ષો વીતવા લાગ્યા.

એક દિવસે હું મારા મહેલને ઝરોહે ઉભો હતો. અચાનક એક નવયુવક ગાતો ગાતો મારા મહેલ તરફ આવી રહ્યો હતો. એની પાછળ આગ્રાની પ્રજા, જેમ કોઇ મદારીની મુરલીના નાદે નાચ નાચે તેમ ખેંચાઇ આવી હતી.

મારી સામે, મહેલનાં આંગણમાં આવીને નવયુવકે પોતાનું ગીત બંધ કરી દીધું. મને લાગ્યું, બિચારો નવયુવક સાધુ અજ્ઞાત પણે મોતના દરવાજે આવીને ઉભો છે.

મેં કહ્યું, “જુવાન, મોતને આમંત્રણ આપવા આવ્યો છે?”

મારી વાત સાંભળીને ભય પામવાને બદલે નવયુવક સાધુ હસ્યો અને બોલ્યો,

“હું બૈજું છું. સંગીતવિદ્યામાં તમારી સાથે મારે ચર્ચા કરવી છે. શું તમે મારી આરઝુ પુરી કરી શકશો?”

મેં જવાબ આપ્યો, “અવશ્ય, તમારી તમન્ના પુરી થશે.”

મેં જોયું કે, પેલા નવયુવકના સંગીતમાં સિપાહીઓ પણ તલ્લીન થઈ ગયા હતા. મારો અવાજ સાંભળીને તેમને ભાન થયું, કે આ સાધુને હાથકડી પહેરાવી દરબારમાં લઈ જવાનો છે.

જેવી નવયુવક સાધુને હાથકડી પહેરવામાં આવી તેવા જ લોકો આમતેમ ભાગવા માંડ્યા.

દરબારે અકબરીમાં નવયુવકે માંગણી કરી.

“તાનસેન સાથે સંગીતવિદ્યામાં મારે મુકાબલો કરવો છે.”

“કાલે સવારે મુકાબલો થશે. જો તમે હારી જશો તો તાનસેન તમને મૃત્યુ-દંડ આપશે જીતશો તો તાનસેનનું જીવન તમારા હાથમાં હશે.”

“જહાઁપનાહ મને મંજુર છે. પરંતુ આ મુકાબલો જોવા આગ્રાની સમગ્ર જનતા આવે એવી મારી ઇચ્છા છે.”

“કબુલ, નવયુવક સાધુ, પરંતુ હાલ તો આખી રાત તારે અમારા કેદીખાનામાં ગુજારવી પડશે.”

રાત વીતી, પ્રભાત થયું. મારા હૈયામાં ગેબી ધાસ્તી લાગવા માંડી. શહેરની બહાર, ખુલ્લા મેદાનમાં શાહી તૈયારીઓ થઈ ગઈ. પ્રથમ પહોરથી જ ભારી મેદની જામી.

જે લોકો અકબર બાદશાહની સવારી જોવ કદી ઘરની બહાર પણ નિકળ્યા ન હતા તે લોકો પોતાની પાઘડીઓ બાંધીને, મેદાનમાં આવીને બેસી ગયા. સર્વત્ર આજના મુકાબલાની ચર્ચા હતી.

ઘણાં કહેતા, “ બિચારો નવયુવક સાધુ માર્યો  જશે.”

કોઇ કહેતુ, “ નવયુવક તાનસેનને હરાવવાના જુસ્સામાં છે.”

હું સ્પષ્ટ  જોઇ રહ્યો હતો કે, નવયુવક બૈજુનો જાદુ પ્રજા પર છવાઇ ગયો હતો. એક  ઉચ્ચાસને બાદશાહ બિરાજ્યા. તેમની સમીપે, આસન પર હું બેઠો.

સામે ફર્શપર નવયુવક સાધુ બેઠો.

મેં સંગીતવિદ્યાના વિષયમાં જેટલા પ્રશ્નો કર્યા એના બૈજુએ યથોચિત્ત જવાબ આપ્યા, આથી તાળીઓના ગડગડાટે જનમેદનીએ તેને વધાવી લીધો.

“સાધુ જાણકાર લાગે છે. બહુરત્ના વસુંધરા.”

“દેવીનું વરદાન પામીને ખાસ તાનસેનનું અભિમાન ઉતારવા આવ્યો છે.”

“ના, બાબા શંકરાનંદ પાસે બાર વર્ષથી અરાધના કરી સંગીતવિદ્યામાં પારંગત થયો છે.”

“હવે ખરાખરીનો જંગ જામશે.”

લોકચર્ચા થતી હતી. બૈજુ હાથમાં સિતાર લઈને વગાડવા માંડ્યો. વાતાવરણ સંગીતમય બની ગયું. સર્વેના મન-મયુરને નર્તન કરાવવા લાગ્યું.

મેં દૂરથી કેટલાંક હરણાં આવતા જોયા. મને નવાઇ લાગી. છલાંગ મારીને બૈજુ પાસે હરણાં આવ્યા એટલે એણે સિતાર વગાડવાનું બંધ કર્યુ. નવયુવકન ગળામાં ફૂલમાળાઓ હતી. તેણે હરણાંઓના ગળામાં પહેરાવી દીધી. ફૂલોના કોમળ સ્પર્શે હરણાં ચમક્યા. તેઓ જીવ લઈને ભાગ્યા.

હવે બૈજુ મારા તરફ ફર્યો. હસ્યો અને પડકાર આપી બેઠો.

“તાનસેનજી, ફૂલમાળાઓને હવે ફરીથી અહીં મંગાવો તો હું સમજીશ કે, આપ સંગીતવિદ્યામાં પૂર્ણ છો.”

મેં સિતાર હાથમાં લીધી. હું પૂર્ણ કૌશલથી વગાડવા માંડ્યો. સમય વીતતો ગયો. “હરણાં ન દેખાયા, મેં મારા જીવનમાં ક્યારેય કર્યો ન હોય એટલો શ્રમ કર્યો પરંતુ વ્યર્થ. હવે મને સમજાયું આ હરિફાઇ તો જીવન અને મૃત્યુ વચ્ચે હતી. મેં કચાશ ન રાખી પરંતુ હરણાં ન આવ્યા. મારાં આંગળાં દુખી ગયા. મને થયું, મોત નિશ્ચિત છે, મારા શરીરમાંથી પરસેવો વછૂટવા લાગ્યો..

મેં તર્ક કર્યો. “હરણાં તો સંયોગથી આ બાજુ આવી ગયા હશે. રાગનો પ્રભાવ કેવો? બીજી વાર હરણાંને તું જ બોલાવ.”

હવે નવયુવક હસ્યો. “ ઘણું સરસ.” કહી એણે સિતાર વગાડવા માંડી. ફરી પાછી વાયુમંડળમાં સંગીત-લહરી રેલાવા માંડી. હરણાં પાછા આવ્યા. આ એ જ હરણાંઓ હતા કારણ કે તેમની ગ્રીવાઓમાં ફૂલમાળા હતી. નવયુવક સાધુએ ફૂલમાળાઓ ઉતારી લીધી. હરણાં તો ચાલ્યા ગયા. સાથે સાથે મારા હોશ પણ લેતા ગયા. સૌને થયું, હવે તાનસેન માર્યો જશે. બાદશાહના ચેહરા પર ગમના વાદળ છવાઈ ગયા. ગળુ ભરાઈ આવ્યું. લાચારીથી બોલ્યા,

“આ સ્પર્ધામાં બૈજુનો વિજય અને તાનસેનનો પરાજય થાય છે.”

હું કંપી ઉઠ્યો. મેં મારા વિજયના મદમાં પરાજિતોના પ્રાણ લીધા હતા. પરંતુ હવે તો હું પરાજિત થયો હતો. મારામાં પ્રાણ આપવાની હિંમત ન હતી. પ્રાણની ભિક્ષા માંગવાની ચેષ્ટા કરવા લાગ્યો. મોત વસ્તુ જ એવી ભયાનક છે. મારો ભય સમજીને બૈજુ બોલ્યો.

“મને આપના પ્રાણ લેવાની ઇચ્છા નથી, મારા ગુરૂ શંકરાનંદે સંગીતવિદ્યાથી કોઇને હાનિ ન પહોંચાડવાની પ્રતિજ્ઞા લેવડાવી છે. હું તો એટલું જ ઇચ્છું છું કે, તમે આ ક્રુર નિયમને રદ કરો.”

બાદશાહ આ સાંભળી તરત બોલી ઉઠ્યા, “આજથી જ હું આ નિયમને રદ કરું છું.” હું મારા તારણહારના કદમોમાં પડી ગયો. “બૈજુ, તારો ઉપકાર જિદંગીમાં ક્યારેય નહિ ભૂલુ.” બજુ બાવરા હસ્યો, “ઉઠો, તાનસેનજી, મારો બદલો ચુકવાઈ ગયો. હું તો હવે ઇશ્વરની આરાધનમાં ખોવાઇ જવાનો છું. સંગીત-સમ્રાટ તો તમે જ રહેશો. આજ થી બાર વર્ષ પહેલાં મારા પિતાનો આપે વધ કરાવ્યો હતો. આજે મેં તમને પરાજીત કરીને બદલો લીધો છે.”

હું નવાઇ પામ્યો. આ એ જ બાળક હતો. જે દરબારે-અકબરીમાંથી રડતો રડતો બહાર ચાલ્યો ગયો હતો.

અને પછી જિદંગીના છેલ્લા દિવસો હું પણ રોતો રોતો પસાર કરી રહ્યો છું. જીવનયાત્રાનું આગલું હર કદમ અજાણ્યું હોય છે. કાલે શું થશે એની કોને ખબર? મેં તો મારા વારસદારોને જણાવી દીધું છે કે, મારી સમાધિ ગ્વાલિયરમાં પીર ગૌસ મહંમદ સાહેબના મકબરા પાસે બનાવવામાં આવે.

મારી મુરાદને મંઝીલ મળી ગઈ. હવે શું બાકી રહ્યું હોય કે જિંદગી સાથે પ્યાર કરૂં? હું જાણું છું કે, જિદંગી સાથે ઇન્સાન ગમે તેટલો પ્યાર કરે પરંતુ છેવટે તો એ ઇન્સાનને બેવફા બની જશે.