Tribhuvan Gand - 15 books and stories free download online pdf in Gujarati

ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 15

૧૫

જ્યારે એક નારી વૈર લેવા નીકળે છે

જ્યારે એક નારી વૈર લેવા નીકળે છે ત્યારે જેમ એના સાહસનો છેડો નથી, તેમ એના વિનિપાતનો પણ છેડો હોતો નથી. એ પોતાના વૈરને સંતોષવા માટે શું નહિ કરે એ કહી ન શકાય. લીલીબા વૈર લેવા નીકળી હતી. મુંજાલ એ વસ્તુસ્થિતિનો લાભ ઉઠાવવા માંગતો હતો. એ જ્યારે સોમનાથના મંદિરના પશ્ચિમ ભાગમાં દરિયાકિનારે પહોંચ્યો, ત્યારે ત્યાં એક નાળિયેરીને અઠંગીને ઊભેલા દેશળને દીઠો. એણે હવે બહુ સાવચેતીથી કામ લેવાનું હતું. કોઈ આવનાર-જનારની દ્રષ્ટિ ન પડે એટલા માટે તેઓ પાસેના એક જૂના ખંડિયેર તરફ ચાલ્યા ગયા. 

‘કેમ દેશુભા! લીલીબાનો પત્તો લાગ્યો?’ મુંજાલે અંદર જતાં જ પૂછ્યું.

‘પત્તો તો લાગ્યો. પણ ત્યાં ચોકીપહેરો બેઠો છે, તેનું શું?’

‘હેં! ચોકીપહેરો? કોનો ચોકીપહેરો?’ મુંજાલને આશ્ચર્ય થયું. એટલામાં દેશળે ધીમી તીખાશથી કહ્યું: ‘મહારાજ ન આવ્યા ત્યારથી હું ચેતી ગયો હતો. પણ તમે મારી આવી મશ્કરી કરશો એ મને ખબર નહિ. હવે તમને બતાવીશ – મહેતા! કે દેશુભા વિના તમે કિલ્લો કેમ કબજે કરો છો?’

‘તમે કહો છો તેમાંથી એક પણ શબ્દ હું સમજતો નથી!’

‘બધું સમજો છો, ભા! શું નથી સમજતા! પરશુરામને કહ્યું હશે ત્યાં ચોકીપહેરો બેસારી દે. ને મને કહ્યું; ત્યાં તપાસ કરો. ઘરધણીને કહ્યું, જાગતો રહે, ચોરને કહ્યું પહોંચી જા. આ ઈં માંયલી વાત થઇ. પણ કાંઈ ફિકર નહિ. હું મારું ફોડી લેશ. આટલું  કહેવા જ હું રોકાણો’ તો. લ્યો ત્યારે, જય સોમનાથ!’

‘અરે! પણ દેશુભા! આ શાની વાત છે? તમે શું કહો છો તે હજી હું સમજતો નથી!’

‘હા, ભા, હા! શેણે સમજો?’

‘તમને ક્યાં લીલીબા – આંહીં મળવાના હતાં?’

‘હા.’

‘પછી?’

‘આવ્યાં નથી.’

‘કેમ!’

‘તે તમે ક્યાં નથી જાણતાં તે મને પૂછો છો? ચોકીપહેરો તમે જ મુકાવ્યો હશે નાં? લ્યો ભા, મારે હવે ગડકબારીએથી કમોતે મરવું નથી. કોઈ ને કોઈ મને આંહીં દેખે!’

‘પણ આ બધું છે શું?’

‘જુઓ મહાઅમાત્યજી! હું તો તમે કહ્યું તેમ રાશિજી પાસે ગયો. રાશિજીને મળ્યો પણ ખરો. રાશિજીએ એક શિષ્યને મોકલ્યો લીલીબાને તેડી લાવવા. ભાઈ સાથે બહેનનું સમાધાન થાતું હોય તો બીજું એને જોઈએ શું? પણ ત્યાં લીલીબાના દ્વાર ઉપર ચોકીપહેરો દીઠો!’

‘કોનો?’

‘નહિતર જાણે તમને ખબર નહિ હોય? મહારાજ જયસિંહદેવ સિદ્ધરાજનો!’

‘હેં?’

‘ત્યાં કૃપાણ ઉભો હતો, મહેતા! ખુલ્લી તલવારે. કોઈ લીલીબાને મળી શકે નહિ – મહારાજની અનુજ્ઞા વિના – એવો બંદોબસ્ત હતો. તમે મને ઠીક બનાવ્યો – સારું છે કે મને કોઈએ જોયો નથી. પણ ભા! આ રમતું હવે આકરી પડશે હોં. લ્યો, જય સોમનાથ!’

મુંજાલ એને રોકે તે પહેલાં તો દેશળ સડેડાટ બહાર નીકળી ગયો. એને લાગ્યું કે એને બનાવ્યો છે. મુંજાલને તો પાછો આમાંથી રસ્તો કાઢવા એની જરૂર હતી, પણ એ તો એક ક્ષણમાં દરિયાકિનારેથી જાણે અદ્રશ્ય જ થઇ ગયો. વીજળીનો ઘા પડ્યો હોય તેમ મુંજાલ એક ઘડીભર દિગ્મૂઢ બની ગયો. જયસિંહદેવ મહારાજ અદ્રશ્ય થઈને ક્યાં ગયા તેની સમજણ હવે તેને પડી. તેમણે જ લીલીબાને જતાં રોકી દીધી હતી. મહારાજે શા માટે આમ કર્યું એ સમજતાં એને કાંઈ બહુ વાર લાગી નહિ. મહારાજને સામે મોંએ કિલ્લો લેવાનો ધૂન હતી. મુંજાલને પોતાની યોજના અફળ થઇ એનો મનમાં ડાઘ બેસી ગયો. તે એક પળભર માથું ખંજવાળતો ઊભો રહ્યો. પછી સ્વસ્થ થતો હોય તેમ સ્વગત બોલ્યો: ‘એ તો એમ જ, જરાક લક્ષ્મીરાણીને આંહીં લાવવા પડશે. ત્યારે આ વાત ઠેકાણે આવશે. કાંટાથી કાંટો નીકળે તેવી રીતે સાળું બૈરું કાઢવા બૈરું જ જોઈએ છે! ઠીક ચાલો, મુંજાલભા!’ તે સોરઠીઓના શબ્દોચ્ચારમાં પોતાની મશ્કરી કરતાં પોતે જ હસી પડ્યો : ‘ફરી એકડેએકથી ગણો! આજે સ્તંભતીર્થ પેલો જનારો છે ઉદયનનો સંદેશવાહક, એની સાથે ઝાંઝણને મોકલી દઈએ! લક્ષ્મીરાણીને આંહીં લાવે ને સાથે સાથે ઉદયન પણ આવે. સજ્જન મહેતો હોય, ઉદયન હોય – પછી મહારાજ સૌની વાત તો કાંઈ નહિ અવગણે?’

તે ખંડેરમાંથી બહાર નીકળી, પોતાને કોઈ જોઈ તો ગયું નથી નાં, એની ખાતરી કરવા લાંબે સુધી ચારેતરફ દ્રષ્ટિ ફેરવતો થોડી વાર સ્થિર ઉભો રહ્યો. ઝાંખા અજવાળામાં તેની નજર આ તરફ આવી રહેલ એક વ્યક્તિ ઉપર જરાક સ્થિર થઇ. તેણે તેને બારીકાઇથી જોવા માંડ્યો, જેને એ સંભારતો હતો તે ઝાંઝણ જ આંહીં આવી રહ્યો હતો. 

થોડી વારમાં ઝાંઝણ પાસે આવી પહોંચ્યો. ‘કેમ, ઝાંઝણ! શું છે?’

‘અરે, પ્રભુ! રાજમાતા મહારાજની શોધ કરે છે!’

‘અને મહારાજ?’

‘પ્રભુ! એ જ નવાઈની વાત છે. મહારાજ ક્યાં છે તેનો પત્તો નથી. સાંભળ્યું છે કે, ખેંગાર તો દ્રમ્મ રત્ન ને માણેક – હીરાનાં દાન દેવાનો છે. રાજમાતા એ ચિંતામાં છે, મહારાજ પાસે એમને પણ દાન દેવરાવવાં છે. વખત થઇ ગયો છે – હમણાં સમુદ્રસ્નાનનો શંખનાદ થશે ને મહારાજ ક્યાં છે તે કોઈને ખબર નથી! અત્યારે માનવમેળામાં કોણ ક્યાં છે, એ જણાતું નથી!’

‘કૃપાણ – કૃપાણને પૂછો ને!’ મુંજાલે કૃપાણનો ચોકીપહેરો ઊઠે તો લીલીબાને સાધવાની તક જોઈ.

‘એનો પણ પત્તો નથી!’

‘કોનો, કૃપાણનો? એનો પત્તો હું તને આપું. મંદિરના પાછળના ભાગમાં, જ્યાં અતિથિગૃહ છે ત્યાં, એ તને મળશે. પણ તું એમ કર, રાજમાતાને જ ત્યાં લઇ જા. એમની આજ્ઞા વિના એ ત્યાંથી ખસી શકવાનો નથી. એને મહારાજે પોતે ત્યાં ઊભો રાખ્યો લાગે છે!’

‘પણ મહારાજ ક્યાં છે?’

‘એ બધો પત્તો તને ત્યાંથી મળશે – એની પાસેથી! એને જ શોધવા મોકલજે ને.’

ઝાંઝણ જવાની તૈયારી કરતો હતો. ત્યાં મુંજાલે કહ્યું: ‘પેલો ઉદયનનો સંદેશવાહક ક્યારે જવાનો છે?’

‘એ તો કાલે જવાનો છે.’

‘મહારાજે શો પ્રત્યુત્તર વાળ્યો એ ખબર પડી?’

‘ગમે તે થાય, આંહીંનું યુદ્ધ પૂરું કર્યા વિના મહારાજ બીજે ક્યાંય ખસવા માગતા નથી, એટલે ત્યાં સૌએ સૌનું સંભાળી રાખવું. અને પ્રભુ! એક બીજું થયું છે, નાચકણામાં કૂદકણા જેવું!’

‘શું?’

‘મહારાજે કોઈક એક રાજવંશી નારી આંહીં જોઈ છે.’

‘શું કહે છે?’

‘હા, પ્રભુ!’

‘રાજમાતાને ખબર છે?’

‘હજી સુધી તો ખબર પડી નથી. પણ સૂરજની વાત કાંઈ છાબડે ઢાંકી રહેશે? આ કૃપાણનો ચોકીપહેરો કાં તો એને લગતો જ હશે.’

‘ત્યારે તો, ઝાંઝણ! તું ત્યાં કૃપાણ પાસે રાજમાતાને લઇ જા. રાજમાતાની આજ્ઞા થશે એટલે કૃપાણ પોતે જ મહારાજને શોધવા નીકળશે. કદાચ એની જગ્યાએ તારે ઊભા રહેવાનું પણ આવે, તો ઊભો રહેજે. ત્યાં હું આવું છું.’

ઝાંઝણ ગયો. એટલે મુંજાલ વિચારમાં પડ્યો. આ એક તક હતી. કૃપાણને ત્યાં મહારાજે જ ઊભો રાખ્યો હતો. તેમનો હેતુ સ્પષ્ટ હતો: દેશળ લીલાને જ ન મળી શકે.

મહારાજને આવી રીતે યુદ્ધનું ભયંકર સંચાલન કરવામાં જાણીજોઈને કોઈ દોરી રહ્યું હતું. ત્રિભુવન ને જગદેવના અભિપ્રાયનું એ બળ હતું કે મહારાજનું જ હ્રદય આમાં મુખ્ય ભાગ ભજવી રહ્યું હતું? – હજી એ વસ્તુનો તાગ મળી શકે તેમ ન હતો. પરંતુ ગમે તે હો – જે નારીની વાત ઝાંઝણે કરી, પૃથ્વીભટ્ટે કરી, એ નારીનો આમાં ચોક્કસ ભાગ છે. તે નારીની વાત હવે છાની તો ન જ રહી શકે. એમ થશે તો રાજમાતા પોતે જ આ વાતમાં વચ્ચે આવવા મથશે.

એવે સમયે આંહીં ઉદયન અને સજ્જન હોય તો ફેર પડે. લક્ષ્મીદેવી પણ આવ્યાં હોય – તો વાત થાળે પડે. એમાંથી ગાંડી રાજપૂતીના આ તમામ વિશારદો – ત્રિભુવન, જગદેવ અને પરશુરામ – એ સૌને વિદાય લેવી પડે. નવી જ રચના થાય. નવી રીતે યુદ્ધ ચાલે. એમાં વિજય મળે ને સૌ પાછા પાટણ ભેગા થાય તો જ પાટણની પ્રતિષ્ઠા પુનઃ સ્થપાય.

મહારાજે ગમે તે  યોજના ધારી હોય, પણ મુંજાલે તો પોતાના મનમાં આવી યોજનાનો દ્રઢ નિશ્ચય કરી લીધો. એણે થોડી વાર પછી મંદિરના અતિથિગૃહ તરફ પગલાં માંડ્યા. ત્યાં પહોંચ્યો ત્યારે એણે પોતે અનુમાન કરીને કલ્પ્યો હતો એ ફેરફાર દ્રષ્ટિએ પડતાં જ એને આનંદ થયો. એણે ધાર્યું હતું તેમ જ થયું હતું. રાજમાતા સિવાય બીજું કોઈ કૃપાણની ચોકીને ત્યાંથી ખેસવી શક્યું ન હોત. 

મુંજાલને આવતો જોઇને ઝાંઝણને પણ હૂંફ વળી. પોતે કૃપાણની જગ્યાએ રાજમાતાના કહેવાથી ઉભો તો રહી ગયો, પણ કોની ચોકી માટે પોતે ઉભો હતો એ એને ખબર ન હતી. કૃપાણને પણ એ ખબર હોય તેમ લાગ્યું નહિ. એણે અનુમાન કર્યું હતું કે જે રાજવંશી નર્તિકાની વાત હવામાં ઉડે છે તેને લાગતી જ આ ચોકી હતી.

‘ઝાંઝણ! કોઈને અંદર જવા દેવાનું નહિ હોય. મહારાજની આજ્ઞા એ પ્રમાણે હોવી જોઈએ. તને કૃપાણે કહ્યું છે ને?!’

‘હા પ્રભુ!’

‘મહારાજ ક્યાં છે – એ પત્તો મળ્યો?’

‘કૃપાણ ગયો છે રાજમાતાની પાલખી સાથે; ને એ પાછો આવે ત્યાં સુધી મારે આંહીં ઊભા રહેવાનું છે!’

‘એ આવે ત્યારે મને ખબર કરવા તું પણ અંદર દોડતો નહિ હોં! એક ધીમી તાલી દેજે ને. બસ છે. વાત આટલે સુધી આવી, આ જુદ્ધનો સમય ને મહારાજને પણ રાજવંશીનું ઘેલું. તું મને ખબર કરજે – મહારાજ આવે કે કૃપાણ આવે...’ મુંજાલે વાક્યને અધૂરું મુક્યું ને પોતે કાંઈ ન હોય તેમ અંદર પ્રવેશ કર્યો.

મહાઅમાત્ય આ વાતના જાણકાર હોય , એ વિશે શંકા કરવાનું ઝાંઝણને મન ન થાય, એ સ્વાભાવિક હતું. કૃપાણે એને આપેલી સૂચના, મહારાજ સિવાય બીજા કોઈના પણ પ્રવેશને અટકાવવાની હતી; એ એના ધ્યાનમાં હતું, પણ જેમ કૃપાણ રાજમાતાની અવજ્ઞા કરી ન શક્યો, તેમ જ એ મહાઅમાત્યની અવજ્ઞા પણ કરી ન શક્યો.

મુંજાલ અંદર ગયો. અંદર લાંબી પરસાળને છેડે એણે એક અંધારી કોટડી દીઠી. કોટડીના એક ખૂણામાં એક આધેડ વયની વિધવા બાઈ બેઠેલી એની નજરે ચડી. તે દર્ભાસન ઉપર બેઠીબેઠી માળા ફેરવી રહી હતી. તેણે એક આછું કાળું વસ્ત્ર માત્ર પહેર્યું હતું. 

મુંજાલ તેની તરફ જવા માટે દ્રઢ પગલે આગળ વધ્યો. તે એને આવતો જોઈ રહી. તેનાથી થોડે દૂર ઊભા રહીને તેણે તેને બે હાથ જોડીને નમસ્કાર કર્યા.

મુંજાલે પોતાની સામે રૂપાળી, પ્રૌઢ, તેજસ્વી પણ અત્યંત હઠીલી ને ભયંકર દગો રમી શકે તેવી અભિમાની નારીને જોઈ.

લીલીબા પણ આશ્ચર્યથી તેની સામે જોઈ રહી હતી. આંહીં એને કોઈ મળવા આવશે એમ એણે અત્યારે અપેક્ષા રાખી હોય, એમ મુંજાલને લાગ્યું. પણ કોઈને બદલે કોઈને જોઇને તે નવાઈ પામતી હોય તેમ એની પહોળી મોટી સ્થિર આંખોએ કહી દીધું. ભયંકર રીતે તીક્ષ્ણ અને વેધક, કાંઇક મેલી, દેખાવે મોટી, હઠાગ્રહ એવી એની આંખોએ મુંજાલને એના સ્વભાવનો થોડોક પરિચય તો એટલામાં જ આપી દીધો. રા’ને તુચ્છ માનનારી, સ્વભાવે ક્ષુલ્લક, અગ્નિ જેવી તેજીલી પણ ડંખીલી, જાતને અતિ માનનારી, સાહસિક, દગાખોર, ઠગ અને વહેમી સ્ત્રી સાથે પોતાને કામ લેવાનું હતું; એ તરત તે સમજી ગયો. ખેંગારની આ બહેન હોય એ એક ઘડીભર તો મુંજાલના મગજમાં ઊતરી શક્યું નહિ. ક્યાં ખેંગાર – જેનાથી એક હજાર જોજનવામાં ક્યાંય દગાનો પડછાયો પણ ન દેખાય – ને ક્યાં આ એની જ બહેન! પણ તેને તો પોતાનો વેશ બરાબર ભજવવાનો હતો. તે કાંઇક નમ્ર સ્વરે બોલ્યો:

‘લીલીબા! મને ભા દેશળજી મળ્યા હતાં. એમણે મને તમારી પાસે મોકલ્યો છે!’

‘તમે? તમે કોણ? રાશિજીને મળીને આવ્યા છો?’

‘હું તો, બા! મુંજાલ મહેતો – પાટણનો મહાઅમાત્ય. તમે આંહીં આવ્યાં અને અમને કહેવરાવ્યું નહિ, એનું દુઃખ અમને – એટલે મહારાજને – બહુ માઠું લાગ્યું છે. હું એ કહેવા આવ્યો છું મન:દુખ તો કુટુંબમાં થાય, પણ તમે તો બા! રા’ની ગાદીનો વૈભવ જોયો છે. આ સ્થાન તો બાવા, સાધુવૈરાગી માટે હોય. તમે કહેશો તો આંહીં, કહેશો તો અવંતીમાં, કહેશો તો પાટણમાં, પણ દેશળભાની માને છાજે એવા વૈભવથી રહેવાની વ્યવસ્થા મહારાજ કરી આપે! તમે પણ સોલંકીરાજનાં વિધવા છો; જૂનોગઢનાં દીકરી છો, મનદુઃખે દેશવટે નીસર્યાં એટલે શું થયું? લલાટમાં રાજવંશી વારસો લખ્યો છે એ કાંઈ ભૂંસાઈ જશે?’ છેલ્લું વાક્ય મુંજાલે દ્રઢતાથી, ધીમેથી, પણ સ્પષ્ટતાથી ઉચ્ચાર્યું.

‘અરે! ભાઈ! રાજવંશી –બાજવંશી તો ઠીક, આટલું નાક ને નોક રહી જાય તોય ઘણું! હું તો આંહીં સોમનાથને ખોળે બેઠી છું.’ લીલીબાએ નમ્રતાથી કહ્યું, એના એ નમ્ર અવાજમાં ભયંકર અભિમાન ફૂંફાડા મારતું મુંજાલ સામે જોઈ શક્યો. પણ અવાજ અને શબ્દ એ બંનેનો વિસંવાદ કળી ન શકનારો માણસ એમાં ખરેખર વિનમ્રતા જુએ અને મૂર્ખ બને. પણ મુંજાલ એની રગ ઓળખી ગયો. કોઈ વિનંતી કરતું આવે કે ‘બા! તમારા વિના આ કામ અટકી પડ્યું છે!’ એવી ઠગારી વિનંતી પણ કોઈ કરે, તો આ નારી તરત પ્રસન્ન પ્રસન્ન થઇ જાય – એટલું બધું એનું જાતઅભિમાન જાગ્રત હતું!

મુંજાલે હાથ જોડ્યા: ‘તમારું સોમનાથનું શરણું અમારા આંખમાથા ઉપર છે. પણ તમે ગિરનારની અજિત દુર્ગમાલાનો વિચાર કર્યો છે, બા? રા’નો મહિમા એને લીધે છે. ખેંગારજીએ એક તણખલા જેઈ સ્ત્રી માટે થઈને વેર બાંધ્યાં – પણ તમે તો વિચાર કર્યો હશે નાં કે રા’નો વંશવેલો અને ગિરનારનો દુર્ગ એ બંને અખંડિત રહે, એમાં સૌની શોભા છે! તમે પણ રા’ના પુત્રી છો, દીકરી ઓટીવાર નીકળે તો દીકરીને દ્વારેથી પણ દીપક પ્રકાશે! કેમ ન પ્રકાશે? મને તો દેશુભા મળ્યા ત્યારે આવી વાત કરી હતી. નિશ્ચય કરવાનો તમારા હાથમાં છે. તમે ધારો તે કરી શકો – ભગવાન સોમનાથને એવી શક્તિ તમને આપી છે. તમે વિચાર કરો, બા! હું તો તમે જે નિશ્ચય કરો તે પ્રમાણે વર્તુ!’

ભાગ્યે જ કળી શકાય એવી છાની પ્રસન્નતા લીલીના ચહેરા ઉપર પ્રકટતી મુંજાલે જોઈ. પણ તે વહેમીલી હતી.

‘જુઓ, અમાત્યજી! તમે જાણો, ખેંગાર જાણે, ને મહારાજ જાણે – હું એમાં કાંઈ ન જાણું!’

‘બા! ખેંગારજીની એકની વાત હોય તો હું કાંઈ બોલત નહિ. આ તો રા’ના દુર્ગની ને રા’ની ગાડીની વાત છે! ખેંગારજીની ગાંડી શૂરવીરતા ભલે ને જે થાય તે કરી લ્યે. પણ તમે બા! રા’નો દુર્ગ જાળવવાનું કાંઈક કરો. એમાં રા’ના વંશનું ગૌરવ છે! અને રા’ની ગાદી, અમસ્તી પણ, આ ખેંગારજી જે શોધી લાવ્યા છે નારી, તેના વંશવેલામાં જાશે તો બોંતેર પેઢીના રા’ કકળી ઊઠશે. અમે પણ ભલે શત્રુભાવે તો શત્રુભાવે, રા’ નવઘણ જેવા અટંકી નરના પડખાં સેવ્યાં છે.’

‘હું હવે શું કરી શકું મુંજાલજી? મને પહેલેથી પૂછ્યું હોત તો આ વખત આવત નહિ!’

‘એ મારાથી ક્યાં અજાણ્યું છે, બા? પણ તમે હજી દુર્ગને અને રા’ના વંશવેલાને – બંને સાચવી શકશો!’

‘હું? હું કોણ મુંજાલજી! હવે શું થાય?’ એની કૃત્રિમ નમ્રતામાં રહેલો ભયંકર હુંકાર મુંજાલને સ્પર્શી ગયો.

‘જુઓ, બા, ગમે તેમ પણ દેશુભા હજી બચ્ચું ગણાય. બહાદુરી એની ખરી એ તો અમે જોઈ છે, પણ તમારા વિના આ વાત સાંગોપાંગ પાર નથી ઉતરવાની. હા, તમારે પાછું દુર્ગમાં જવું પડે!’

‘કોણ? હવે હું પાછી દુર્ગમાં જાઉં? એ તો ત્યારે તમે મને હજી ઓળખી નથી. હું દીકરી રા’ નવઘણની. એક વખત થૂંક્યું ગળું – એ આશા ન રાખતા!’

‘થૂંક્યું ગળવાની વાત નથી, બા! દેશુભા ને મારે વાત થઇ ગઈ છે. તમે દુર્ગમાં હશો તો દુર્ગ અખંડિત રહેશે!’

લીલી વિચારમાં પડી ગઈ. એને લાંબો સમય આપવામાં મુંજાલે હાનિ દીઠી.

‘જુઓ, બા! જાણે મહારાજને ગાદી અને ગઢ દેશુભાને આપવાનું કબૂલે છે! એના બદલામાં તમારે અમને મદદ કરવી. આ મદદ અંદરથી થાય કે બહારથી એ તમે વિચારજો!’

‘થાય તો અંદરથી!’ 

‘હં, ત્યારે – દેશુભા આ સમજ્યા નહિ ને તમે સમજી ગયાં. એટલો ફેર! ગલઢાં ગાડાં વાળે તે આનું નામ. તમે અંદર હો તો હજાર રમતું થાય!’

‘પણ દેશુભા મહારાજને મળ્યો છે? મહારાજ આ જાણે છે?’

‘મને બીક લાગી બા! કે કોઈ ને કોઈ આ વાત ખેંગાર પાસે કરે તો કાચું કપાઈ જાય. પણ એ તો મહારાજ, તમને ને દેશુભાને બંનેને વેણ આપશે – અત્યારે તો હજી સંકેત ગોઠવવાની વાત ચાલે છે! દેશુભાએ તીર-સંદેશો આપીને અમને ચેતવ્યા, ત્યારે તો આ સોમનાથમાં તમે છો એ ખબર પડી! નહિતર અમને ખબર પડત ક્યાંથી! ને તમને મળત પણ ક્યાંથી?’

‘એમ?’ લીલીને હવે લાગ્યું કે મુંજાલ પાસે દેશુભાની વાત તો ચાલી રહી લાગે છે, એટલે તેણે વાતમાં વધારે રસ લેવા માંડ્યો. ‘સંકેત તો ગોઠવાઈ જાય –’ તે બોલી, ‘પણ મહારાજનું ગંભીર વેણ અમને મળવું જોઈએ!’

‘અમે ને દેશુભાએ તો તાંબાને પતરે લેખની વાત કરી હતી. પણ પછી લાગ્યું કે, એમાં વાત ચર્ચાશે, ને વાત કાચી કપાઈ જાશે. એ તો અમારે પોતાને પણ, આંહીં જૂનોગઢમાં, અમારા વળનો હોય એવો રા’ ક્યાં નથી જોઈતો?’

‘ત્યારે તમે શી રીતે વાત દોરવા માગો છો?’ લીલીબાએ હવે વધારે સ્પષ્ટતાથી કહ્યું.

‘હું તો શી રીતે દોરું, બા? પણ દેશુભાએ કહ્યું કે માને જે રસ્તાની જાણ છે એ રસ્તાની જાણ કોઈને નથી!’

લીલી ચમકી ગઈ. એને તરત જ કાંઇક સંકેત દ્વારા દુર્ગ પ્રવેશની વાત ચાલી રહી છે એ વસ્તુ એને હવે તદ્દન સાચી લાગી.

‘હા; એ છે. એનું શું?’

‘ખેંગારજીને એમ ભય રહેશે કે લીલીબા બહાર છે ને પોતાની સાથે મેળમાં નથી તો એ રસ્તો નકામો થઇ પડશે!’ લીલીબાની આંખો ચમકી ઉઠી. મુંજાલે એ જોયું. એને એનામાં રહેલ ભયંકર વૈરલાલસાનો પરિચય મળ્યો; તેને પોતાનો માર્ગ સ્પષ્ટ બનતો દીઠો.

‘એટલે તમે અંદર હશો, બા! અને પહેલાંનાં જેવાં જ મેળમાં હશો તો કામ વહેલું પતી જાશે. એ તમે સમજી શકશો; ને તમે જ કરી શકશો. દેશુભા આ વાતનું ઊંડાણ સમજી શક્ય નહિ. એ તમને આંહીં અત્યારે મળવાના હતાં – પણ મેં જ એ જાણી-જોઇને અફળ બનાવ્યું છે. વખત છે ને વાતની ગંધ બહાર જાય, તો આ સંકેત માર્યો જાય; દેશુભાનો જીવ જોખમમાં આવે, તમારે ભાગવું પડે, અમારે નવું નિહાળવું પડે. કૃપાણને આંહીં ચોકીપહેરા ઉપર જોઇને દેશુભાને પાછા ફરવું પડ્યું. એમને કદાચ લાગ્યું પણ હશે, કે અમે એમને બનાવ્યા, પણ એમ નથી. એમને તમે જઈને સમજાવશો ત્યારે, મહારાજની રાજમુદ્રા એમને આપવી – એ વાત અમારે થઇ ગઈ હતી, પણ દેશુભા જરાક ઉતાવળા છે, બા! ઘીના ઠામમાં ઘી પડી રહેશે; જરાક સમય લાગે એટલું જ – ’ મુંજાલે દેશુભા સાથેનાં પ્રસંગની પણ ભેગાભેગી સમજાવટ કરવા માંડી, ‘અમારે તો દેશુભાને સોંપાણ કરીને પાટણ તરફ ભાગી જવું છે; આંહીં ચોંટ્યાં રહેવું કામ લાગે તેવું નથી! અમારે હજાર કામ છે. આ જુક્તિ પાર પાડવી હોય તો તમારે ખેંગારજી સાથે પાછો મનમેળ કરવો પડે. ખેંગારજી સાથે તમારી જે સમાધાની કરવી છે તેને માટે વખત આ છે – અત્યારનો. ને એમાં રાશિજી દ્વારા તમે પોતે જ કામ સાધી શકશો, બા! બીજાને તો જાણે કાંઈ જાણ પણ નથી, એમ એ કરવું પડશે. હવે અમે તો આ તરફ ડોકાઈશું પણ નહિ; હમણાં જ ચાલ્યા જઈશું – હું અને કૃપાણ બંને!’

મુંજાલના કાને એક ધીમો તાળીનો અવાજ પકડી લીધો.

પણ કોણ આવી રહ્યું છે એ અનુમાનવું મુશ્કેલ હતું.

‘મહારાજ – કે રાશિજી – ગમે તે, બા! તમારી પાસે હમણાં આવે – પણ તમે આ સિદ્ધ કરો એટલે થયું!’

‘મુંજાલજી! હું હવે આજ સાંજે આંહીં નહિ હોઉં! બીજું શું?’

‘પણ અંદર ગયા પછી તમારો સંકેત અમને શી રીતે મળશે? તીરસંદેશ દ્વારા?’

‘એ તો દેશુભાને ખબર નહિ એટલે એ કરે. તીર તો ગમે તેને હાથે જાય! ધારાગઢ તરફ – પૂર્વદ્વારે – તમારે જંગલમાં છુપાઈને જોતા રહેવું! ગવાક્ષમાં બેસીને હું ચોટલો છુટ્ટો મુકીશ...! તમે કાષ્ઠમંડિપકા રચો છો – મોટા ઝાડ ઉપર –એમાંથી એ નજરે પડશે!’

‘આ હા હા હા! બા! તમે તો તદ્દન નવી જુક્તિ અજમાવી એનાંથી કોઈને કાંઈ ખબર નહિ પડે!’

‘ધારાગઢ દરવાજે – પૂર્વદ્વાર તરફ મુંજાલજી! આજે પૂનમ છે, આવતી પૂનમે પછીની ત્રીજી પૂનમે તમે દેખાજો. વખત થોડો વધુ જવા દેવો, એટલે શંકા ન પડે. ત્યાં ગઢના ગવાક્ષમાં હું બેઠી હોઈશ. ચોટલો છૂટો મૂકું તો તમારે જાણવું કે મધરાતે સંકેત લેવા ને દેવાં કોઈ ને કોઈ આવી ચડશે. દેશળ કરતાં વિશળ વધુ હુશિયાર છે!’

મુંજાલ તો આશ્ચર્યમાં સ્થિર જ થઇ ગયો. આ નારી જે આટલી વિલક્ષણતાથી સંકેત ગોઠવી શક્તિ હતી, તેણે જ્યારે દેશળ કરતાં વિશળને વધારે હોંશિયાર માન્યો ત્યારે શું સમજવું? પ્રેમને આંધળો ગણવો કે સ્વાર્થને અપંગ સમજવો?

પણ એને ફિલસૂફી કરવાનો અત્યારે સમય ન હતો. તેણે પ્રત્યુત્તર વાળ્યો: ‘હા, બા! વિશુભા તો વિશુભા છે. એમને જ મોકલજો. એમાં દેશુભાનું કામ નહિ,’ તેણે બીજી ધીમી તાળી સાંભળી. તે ઉતાવળે બહાર નીકળવા માટે એ સર્યો. પણ સામેથી રાશિજીને આવતા લીલીબાએ જોઈ લીધા હતા તેણે અત્યંત ધીમેથી મુંજાલ મહેતાને સંકેત આપી દીધો: ‘મહેતા! હવે તમે સામેનાં ખંડ તરફ વળી જાઓ. તેનું એક બારણું બહાર પડે છે. આ તો રાશિજી પોતે આવતા જણાય છે!’

‘આવતી ત્રીજી પૂનમે, બા! ધારાગઢ હું હોઈશ!’

લીલીબાએ બોલ્યા વિના આંખથી જ માત્ર હકાર આપ્યો. મુંજાલ ત્વરાથી પાસેના ખંડ તરફ વળી ગયો. 

મુંજાલ પાસેના ખંડમાં ગયો ન ગયો અને રાશિજીની ચાખડીનો અવાજ ખંડમાં આવતો સંભળાયો.

રાશિજી શું કહે છે તે સાંભળવા મુંજાલ એકકાન થઇ ગયો. એણે લીલીબાને ઉઠીને આ તરફ આવતી જોઈ. લીલીબાએ પોતે જ બારણાને ભોગળ લગાવી તે તેણે સાંભળી. પોતે સપડાયો કે શું એવી એક ઘડીભર એને શંકા પણ થઇ. એટલામાં ખૂણામાંથી આવતા અજવાળાએ એનો વહેમ દૂર કર્યો. એ તરફ બહાર એક નાની ગડકબારી દેખાતી હતી. મુંજાલ હવે સ્વસ્થતાથી ભીંતસરસો કાન રાખીને ઉભો રહ્યો.

લીલીબા!’ રાશિજીનો સ્વર આવ્યો: ‘મારે અનુષ્ઠાન હતું એટલે આવતાં મોડું થયું. ભગવાન સોમનાથની છત્રછાયાનો પ્રભાવ છે. આંહીં ગમે તે આવે, એ પવિત્ર બની જાય છે. મહારાજ જયદેવે પોતે આવીને મને વાત કરી કે ખેંગારની બહેન લીલીબા આંહીં આવેલ છે, એમને કાં તમે જૂનોગઢ મોકલી આપો કાં પાટણ આવવા દ્યો. એમનો માનમરતબો કોઈ સેનાપતિ ભંગ કરી બેસે તો અમારું નામ લજવાય. આનું નામ ભગવાન સોમનાથની ધજાના પ્રતાપ!’

મુંજાલ વાત પામી ગયો. જયસિંહદેવ મહારાજ સ્પષ્ટપણે અણિશુદ્ધ રાજપૂતીને માર્ગે ચાલવા મથી રહ્યા હતા. હજી સુધી તો રાશિના વેણથી એની પોતાની યોજનાને કાંઈ વાંધો આવતો ન હતો.

‘કોણ, હું પાછી ખેંગારજી પાસે જાઉં? એ તો કદી નહિ બને, પ્રભુ!’

‘કેમ લીલીબા! ક્યાંય ભાણાં ખળભળતાં નહિ હોય? તમે ત્યાં શોભો; આ તો જુદ્ધનો સમો છે. મહારાજે પોતે કહ્યું ન હોત, તો આ જુદ્ધ સમે તમને હવે જવા દેવામાં આ સ્થાનનું ગૌરવભંગ થાત. સંભારો પરશુરામને – ’

‘હા, એનું શું થયું?’

‘એને તો મહાઅમાત્યજીએ વંથલી મોરચે મોકલી દીધો!’

‘ખરેખર?’

‘ત્યારે નહિ? સોલંકીઓ પણ સોમનાથી આણમાં તો રા’ જેટલા છે!’

મુંજાલને લાગ્યું કે હવે વાતનો સૂર પકડાઈ ગયો છે. આંહીં ઉભા રહેવામાં હવે જોખમ છે. લીલી વિશેની હવે તો કોઈને કાંઈ ખબર જ ન પડવા દેવી. રાશિજી આવ્યા ત્યારે ઝાંઝણ ઉભો હતો તેનું શું થયું તે જાણવા માટે તે તુર્ત બહાર નીકળી પડ્યો. એણે જોયું તો ઝાંઝણ હજી ત્યાં જ ઊભો હતો. તેણે તેને સંકેત કરી બોલાવી લીધો: ‘ઝાંઝણ! આંહીં તો રાશિજી આવ્યા છે. કૃપાણ હવે પાછો ફરે તેમ લાગતું નથી. રાશિજીએ તને શું કહ્યું?’

‘રાશિજી પાસે તો મહારાજની મુદ્રા હતી. મહારાજ સિવાય બીજા કોઈને અંદર પ્રવેશ ન મળે એટલા માટે કૃપાણને આંહીં રાખ્યો હતો! આંહીં તો મહારાજની પોતાની આજ્ઞાથી જ પ્રવેશ કરવાનો હતો.’

‘પણ તને રાશિજીએ પૂછ્યું કાંઈ?’

‘ના, પ્રભુ!’

‘તે કહ્યું કાંઈ?’

‘ના, પ્રભુ!’

‘ત્યારે હવે તું આંહીંથી ઊપડી જા. કૃપાણને તો કહેજે કે મારે તરત સ્તંભતીર્થનું વહાણ ઊપડવાનું હતું એટલે ત્યાં જવું પડ્યું!’

ઝાંઝણ ઊપડ્યો.

‘પણ જો, તું તૈયાર રહેજે. તારે સ્તંભતીર્થ જવાનું છે! અને આંહીં તો તેં કાંઈ જોયું નથી, કે કાંઈ સાંભળ્યું પણ નથી, સમજ્યો?’

‘હા, પ્રભુ!’