Tribhuvan Gand - 31 books and stories free download online pdf in Gujarati

ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 31

૩૧

દુદો ને હમીર

સિદ્ધરાજ થંભી ગયો. દેશળની સાથે પહેલાં વાતચીત થયેલી એમાંથી ખબર તો એમ હતી કે દુદો ને હમીર બંને ધારાગઢના – ખાસ કરીને આ માર્ગના – વિશ્વાસુ ચોકીદારો હતા. કદાચ આ માર્ગના એ પણ હવે જાણકાર થયા હોય તો? મૂરખ દેશળે એ વાત છેક છેલ્લી ઘડીએ કરી હતી. અને મહારાજને ત્યારે જે શંકા થઇ હતી, તે આંહીં પ્રત્યક્ષ બની. પણ હવે શું થાય? એ બંને આંહીં ઊભા હતા. એ કેમ આવ્યા, શા માટે આવ્યા, એવા કોઈ જ પ્રશ્નને આંહીં અવકાશ ન હતો. શું પગલું ભરવું એ જ વાત હતી. એક પળનો વધુ વિલંબ થાય, અને વાતનો ઘટસ્ફોટ થઇ જાય, તો બાજી બગડી જતાં વાર ન લાગે એવી સ્થિતિ હતી. તો બીજી રીતે, પગલું ભરવાની જરાક જ ઉતાવળ થાય અને એ વખતે વાતનો ઘડોલાડવો થઇ જાય! એક જરાક જેટલો અવાજ થઇ જાય – અને સૌના રામ રમી જાય! 

પણ આ બધા વિચાર કરવાનો વખત ન હતો. પૂછવાનો સમય ન હતો. થોભવાનો અવકાશ ન હતો. તાત્કાલિક કરેલો નિર્ણય જ બચાવે તેમ હતો. જરૂર ત્વરિત પગલાંની હતી. 

મહારાજે એકદમ જ નિશ્ચય કર્યો – તેણે જોઈ લીધું કે તેઓ રસ્તાને લગભગ છેડે પહોંચી ગયા હશે – હોવા જોઈએ. એક દિશાએથી જરા જરા અવાજ ને પ્રકાશ પણ આવી રહ્યો હતો. 

મહારાજે પહેલ કરી. તે ચોર પગલે થઈને આગળ વધ્યા.

દેશળ વિચારમાં પડી ગયો. એના પગ વચ્ચે થઈને મહારાજ આગળ સરી ગયા હતાં. શું કરવા?

પણ એનું દેશળને ભાન થાય તે પહેલાં એના કાને એક ધુબાક અવાજ સંભળાયો. દુદો કે હમીર બે માંથી એક જણ ફસકાઈને ચત્તોપાટ ઊથલી પડ્યો હતો. તરત જ એની પાછળ જરાક જેટલો જ અવાજ થયો, ઊંહકારો સંભળાયો.

‘દેહુભાનો દગો! દુદા!’ એવા શબ્દો સંભળાયા ન સંભળાયા, અને એક ક્ષણમાં તો બધું શાંત થઇ ગયું! હમીરને વધારે અવાજ કરવાનો વખત જ ન હતો. કટારીએ એને ઢાળી જ દીધો હતો. પણ દુદો સમજી ગયો હતો. તે તરત સરી ગયો. હમીરને પછાડનાર કોણ એ જોવામાં તેણે વખત ન કાઢ્યો. તે એકદમ પાછો દોડ્યો, હમીર માર્યો ગયો હતો, પણ થોભવાનો વખત ન હતો. ભયંકર દગો થઇ ગયો છે, એટલું જ એને ભાન હતું. આનું, ધારાગઢ દરવાજામાં નીકળતું દ્વાર એકદમ બંધ કરી દઉં – એ એક જ નેમથી એ દોડી હતો. 

પણ એટલી જ ઝડપથી મહારાજ પોતે જ એની પાછળ પડ્યા; પહોંચતાં પહોંચતાંમાં એને પકડી પાડ્યો – એકદમ અવાજ આપીને સૌને ચેતવી દેવાની પ્રબળ ઈચ્છા દુદાને હતી. છેક ઓટલા લગોલગ તે પહોંચી ગયો. દોઢી ઉપર, કોઈ ને કોઈ  બે-ચાર જણા બેઠા જ હશે એની એને ખાતરી હતી; તેણે બૂમ પણ પાડી: ‘દગો! દોડો!’

પણ એટલામાં તો મહારાજે એને ગળાથી પકડીને એકદમ પાછો ખેંચ્યો, અને નીચે પટકી પાડીને પછાડ્યો: અવાજ કરે તે પહેલાં તેના મોંમાં તેની જ પાઘડીનો ડૂચો મારી દીધો, ત્યાં તો પૃથ્વીભટ્ટ આવી પહોંચ્યો. એની પાછળ જ દેશળ હતો. 

‘દેશુભા! હવે ઝડપ કરો. તમે ઝટ દોઢીમાં ઉપર ચડી જાઓ – મોટી ચોકી કેટલીક આઘી છે?’

‘થોડીક આઘી છે!’

‘ઠીક દોડો, પહેલાં દોઢીના માણસોને એ તરફ મોકલી દ્યો. હજી એમને ગતાગમ પડી નથી. ત્યાં એમ કહેવા મોકલો કે, માલ ઝાઝેરો આવ્યો છે. થોડાક મદદ માટે આવે! અને આપણે પૃથ્વીભટ્ટ! પરશુરામને કહો. એકદમ ઉતાવળે દરવાજાનો કબજો કરી, ઉદયનના માણસોને અંદર લઇ લે. પછી પાછી ભોગળ ઠસાવી દ્યો. આ કેમ બોલતો નથી?’

‘પ્રભુ! એને પછડાટ ભારે લાગ્યો છે – કાં તો રામશરણ થઇ ગયો!’

ત્વરાથી દેશળ ઉપર ગયો. દોઢી ઉપર વિહુભા પણ હતો. 

‘વિહુભા! તું આંઈ છે?’

વિહુભા તેની પાસે ગયો: ‘માએ મોકલ્યો છે –’

દેશુભાએ તેનો હાથ દાબીને બોલતો બંધ રાખ્યો. પણ એના શબ્દો સિદ્ધરાજે અંદર ઊભા ઊભા પકડી લીધા હતાં.

દોઢીમાંના માણસો દેશુભાના કહેવાથી મુખ્ય ચોકીએ ગયા કે તરત વિહુભા બોલ્યો: માએ કહ્યું છે, દેહુભા!’

‘લીલીબાએ શું કહેવરાવ્યું છે, દેવુભા? વિહુભા શું કેતા’તા?’

‘એ તો, મહારાજ! આપણે હવે ઉતાવળ કરવી પડશે. આપણે જે રસ્તે આવ્યા. એ જ રસ્તે પાછાં ફરતાં એક માર્ગ રા’ના મહેલ તરફ ફંટાય છે! આપણે એ માર્ગે એકદમ પહોંચી જવું પડશે. નહિતર રા’નો પત્તો નહિ ખાય!’

‘જય સોમનાથ’ની મોટી રણહાક સાથે મોટી ચોકીના માણસો આવતા લાગ્યા. સઘળે હલ્લાની વાત ફેલાઈ ગઈ હતી.

‘આ મોટી ચોકીના માણસો આવતા લાગે છે.’

‘પરશુરામ! ઉદયન આવી ગયો?’

‘હા પ્રભુ!’ ઉદયન પોતે આગળ આવ્યો.

‘આ મોટી ચોકીના માણસો હમણાં આંહીં હલ્લો લાવશે. અમે તો હવે રા’ના મહેલ ઉપર જ જઈએ છીએ. ઉદયન! તું આહીંથી નવરો થા, એટલે સોઢલની ઘડી ઉપર જાજે. અમે ત્યાં આવીશું. ચાલો દેશુભા. આપણે હવે – શું કહેવરાવ્યું છે લીલીબાએ?’

‘રા’ જો છટક્યો પ્રભુ! તો પછી થઇ રહ્યું!’

‘પૃથ્વીભટ્ટ! અત્યારે તું પરશુરામને કહેતો આવ, આપણી પછવાડે તરત પગલેપગલું દબાવે. દેહુભા! જે માર્ગે આવ્યા, એ જ માર્ગે પાછું જાવાનું છે  નાં?’

‘હા, પ્રભુ!’

રા’ના મહેલ તરફ જવા માટે ઝપાટાબંધ અંધારમાર્ગે એ ઊપડ્યા.

દેશુભા સૌથી આગળ હતો. એની પછવાડે તરત જયસિંહદેવ હતો. એને ડગલે ને પગલે હવે રા’ના કેશરિયાં પગલાંની ખાતરી મળતી ગઈ. હવે તો એમનો માર્ગ ડુંગરા વચ્ચેથી નહિ, પણ ધરતી નીચેથી ચાલતો હતો. એમાં ઠેર ઠેર હવા આવવા-જવાનાં બાકોરાં હતાં તેમાંથી ડુંગરેડુંગર દાઝી ગયાની નિશાની મળી રહી હતી; શંખનાદ સંભળાતા હતા; રણગીતો આવતાં હતાં; રણશિંગડાં ફૂંકાતા હતાં. રા’ પકડાશે કે નહિ – એ એક મહાન પ્રશ્ન હતો. એ ન પકડાય તો એ જીતી ચૂક્યો હતો. પછી તો એની સાંઢણી હતી, ગિરનારી ડુંગરમાળા હતી ને અણનમ રહેવાની એની પ્રતિજ્ઞા હતી. આજ દિવસ સુધી રા’ એ જ રીતે અણનમ રહ્યા હતા. સિદ્ધરાજ ઉતાવળે આગળ ધસ્યો જતો હતો. થોડી વારમાં જ ભોંયરામાર્ગે થઈને એણે રસ્તે બહાર પગ મૂક્યો. સામે અસંખ્ય દીવાઓથી શણગારેલી ટેકરી એને નજરે પડી. મીઠી રણરંગી સૂરાવલિએ ચડીને આવતું જયગીત એને કાને ચડ્યું, ને એ થંભી ગયો.

‘દેહુભા! આ સામે દેખાય –’

‘પ્રભુ! એ જ રા’ નો મહેલ છે – આપણે જ્યાં જવાનું છે તે!’  

‘પણ આ શું સંભળાય છે?’

દેશુભાએ કાન દીધા: ‘પ્રભુ! આ તો રા’મામાનું કેસરિયાં ગીત રાણીવાસની બાઈઓએ ઉપાડ્યું લાગે છે!

‘રા’ તૈયારી કરતો જણાય છે. આપણે એક વખત એને ત્યાં દાબી દેશું તો વાંધો નહિ આવે. ત્યાં દબાવવો સે’લો થઇ પડશે! પછી તો એ, એક વખત હાથમાં તલવાર હોય ત્યારે, જીવતો કબજે ન આવે; મડદું જ મળે!’

‘પણ આપણે તો એને જીવતો પકડવો છે, હોં! એ વિના દેશુભા! આ જુદ્ધનો અંત જ નહિ આવે!’

‘પરશુરામજી આવે એટલે ઉપડીએ –’

‘’હવે તૈયારીમાં –’

જયદેવ ત્યાં જરાક થોભ્યો.

રાણીવાસની બાઈઓએ ઉપડેલી રણગીતાવલિના પડઘા એના કાનમાં આવી રહ્યા હતા.

જીવનને આજ કર્યા, રા’એ જુહાર,

આનંદ આજ એનો, અપરંપાર!

રંગ રૂડો કેસરી, રુદરી ગરનાર,

રા’ના જીવનનો જય જયકાર!

આવજો ઓ દેહ મારી; આવજો ઓ પ્રાણ!

આપણે માણી’તી કેવી મોંઘેરી લ્હાણ!

ગાજે ડુંગર ગરનારી, વાગે ભેરવી છંદ,

માની ખળકે વીજળી ચૂડી, આવે પડછંદ!

જીવનને આજ કર્યા, રા’એ જુહાર!

આનંદ આજ એનો, અપરંપાર!