Tribhuvan Gand - 33 in Gujarati Fiction Stories by Dhumketu books and stories PDF | ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 33

Featured Books
Share

ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 33

૩૩

અભય ખેંગાર

લીલીબાએ પેલા સૈનિકને ઉતાવળે આવતો જોયો. દેવુભાની વાત એને કાને પડી ન પડી, ને તે ક્ષણમાં વસ્તુ સમજી ગઈ. સોલંકી સૈન્ય ગઢમાં પેસી ગયું હતું. હવે આ રા’ રાણકને અંત:પુરમહાલયે વિદાય લેવા જવાનો; એ વિદાયલઇ બહાર પડે કે તરત ત્યાં દરવાજે એને રોકી દે કોઈ – તો વિજય વહેલો થાય. આ વિચાર સાથે તે તરત વીજળીવેગે બહાર નીકળી ગઈ. રા’ને એની સામે જોવાની કે બોલવાની તક સાંપડે એ પહેલાં તો એ અદ્રશ્ય થઇ ગઈ!

પાછલે બારણેથી એ દોડતી નીકળી. તેણે દેશુભાને દીઠો. એની સાથે ઊભેલો જયસિંહદેવ હોવો જોઈએ. એક પણ શબ્દ બોલવાનો વખત ન હતો.

‘આ હા! નાગણ! નાગણ – કોને કે? ભાગી નાં! હવે શું એનું મોં બતાવે? જાવા દે એને’ – રા’ બોલતો સંભળાતો હતો. રા’ પોતાની પાછળ આવશે તો આ બે જણાં આંહીં ઊભા છે એમને જોશે. એટલે લીલીબા ઝડપથી ધીમા શબ્દ બોલતી સરી ગઈ – ‘રાણકને દરવાજેથી સોઢલની ગઢી સુધી માં – એટલામાં રોકી લ્યો! હાથ કરો એને – ભાગ્યો તો થૈ રહ્યું!’

અને એ એકદમ નીચે દોડી ગઈ.

‘કાંઈ ફિકર નહિ, થોભણ!’ રા’એ જવાબ દીધો, ‘અલ્યા! શંખનાદ કર, રણશિંગડું ફૂંક. ભલે સૌ આવ્યા. દે’ને દોડીને ખબર કરી દે. હવે આંહીં આવતાં નહિ – એમની ઝાંખી ત્યાંથી અમને કરાવે, એટલે જંગ તો અમારો જ છે. આ છે, જો મારી મા – મારે પડખે! આ કૂકડો બોલ્યો માનો – જો!’

રા’એ ભયંકર તલવાર હાથમાં લીધી. એનો ચહેરો ફરી ગયો; રૂપ બદલી ગયું. તેણે એક પગલું આગળ માંડ્યું: ‘થોભણ! મારો ઘોડો લાવો. હું પોતે જાઉં છું. ધારાગઢ. હાલો –’

‘કોણ આવ્યું છે ધારાગઢ બાજુ?’

‘ઉદયન મે’તો!’ આવનારે જવાબ દીધો.

‘ઓલ્યું મારવાડી વાણિયું! અરે! ત્યારે એમ બોલ ને! મોઢાં આગળ થા એલા! શંખનાદ દે સીને. સોઢલની ગઢીએ ભેગા થાવ, હાલો – ’

ખેંગાર બહાર જવા ઊપડ્યો.

‘ખેંગારજી! થોભી જાઓ. આમ જુઓ.’ પાછળથી એક દ્રઢ અવાજ આવ્યો, ખેંગારે ઝડપથી પાછળ જોયું. તલવારનો ટેકો લઈને એણે વીજળીદ્રષ્ટિ કરી. તે નવાઈ પામ્યો. આ શું? જયસિંહદેવ ત્યાં ઊભો હતો! એ આંહીં ક્યાંથી? એક ક્ષણ માટે ખેંગાર સ્તબ્ધ થયો લાગ્યો: બીજી જ ક્ષણે એણે હવા ભરી દેતું મોટું નિર્મુક્ત અટ્ટહાસ્ય કર્યું:

‘ઓ હો હો હો! જેસંગભા! તમે આંઈ છો? પેલું સાપનું બચોળિયું ભેગું છે ને શું? આવો, ભા આવો! અલ્યા થોભણ! શંખનાદ કરતો નૈ ભૈ! આ જેસંગભા માણસ જોઇને ભડકી જાશે. ને ઈ પાછા રીયા નાનકડા, શંખનાદે બચારા ધ્રૂજી ઊઠે! બાબરું છે ભેગું કે એકલા જેસંગભા? કે ડોશીમાનો પાલવ પકડીને આવ્યા છો?’

‘લ્યો ઉપાડો તંઈ, ભા! જે મારી મા, ચોસઠભુજાળી, જે બિરદાળી, તારી રખેવાળી! તારી ઓળેવાળી! જે મા! અય મારી મા!’ ખેંગારે વીજળીની ઝડપે તલવારનો એક પેંતરો લીધો. અને હવાને વીંઝી નાખતી ભયંકર કૃપાણ તેના હાથમાં ફરી રહી.

ખેંગારની ચપળતા અજબ હતી. એની દ્રષ્ટિમાં અડગ શ્રદ્ધા હતી. મોં ઉપર નિશ્ચય હતો. સિદ્ધરાજે એક ક્ષણમાં એનું પાણી માપી લીધું – દુશ્મન તરીકે એ ભયંકર યમદેવ સમાન હતો.

જયસિંહદેવના હાથમાં પણ મા કાલીની ભયંકર વેણી જેવી કૃપાણ શોભી રહી હતી. દ્વન્દ્વયુદ્ધ જ થાશે એમ એને લાગ્યું.

સડાક દેતી ને એણે તલવાર નાગી કરી. એક ક્ષણ ભયંકર અગ્નિની જ્વાળા સમી તલવારો સામાસામે અડકી – અને ખેંગારે વીજળી વેગે એક પગલું પાછું ભર્યું.

‘આવો! જેસંગભા! આવો! આ તો તમે ભલે આંઈ આવ્યા. આંહીં તો દેહ તો, દેવના દીકરા હોય એના પડે! તમેય દેવના દીકરા નાં? કરણદેવ! હેં પેલા – માલવાના ઘા ખાઈને બચારા મર્યા. તમારા નસીબ બે’ક મોટાં તે, આંઈ આવ્યા!’

જયસિંહદેવ સમજી ગયો: આ ખેંગારની જીભમાં પણ તલવાર હતી, પરંતુ એક શબ્દ બોલીને નજરને આમ કે તેમ કરવામાં અનિવાર્ય મૃત્યુ હતું, તેણે રા’ તરફ એક દ્રષ્ટિ કરી.

‘આ વખતે, રા’! તમને પાટણ લઇ જવા છે!’

‘ઓ હો હો હો! જેસંગભા એટલા સારું આ છોકરાને ભોળવ્યો? અરે! મને કહેવરાવ્યું હોત તો હું હાલ્યો નો આવત? છે કાંઈ પાટણમાં? કોક વળી ભડકાવતો હશે, ભા! ભડકાવે, ભા! ભડકાવે! તમે રહ્યા બે’ક નાના, ને મને પટોળે વળગીને હજી માંડ હાલતાં શીખ્યા છો! આવો ભા! બોલો – આંહીં લડવું છે કે બહાર જાવું છે?’

સિદ્ધરાજ એક ક્ષણભર સ્થિર થઇ ગયો. ખેંગાર હજી અજેય હતો. પોતે સપડાયો છે એવી લેશ પણ વિહવળતા એનામાં ન  હતી. એની નિર્ભયતાએ જયસિંહદેવને ડોલાવી દીધો. પણ એ તત્કાળ સાવધ થઇ ગયો. ખેંગારની વાણી – એનું એ પણ એક ભયંકર શસ્ત્ર હતું. દેશળ એ વાણીથી સ્તબ્ધ – મૂક જેવો. પાષાણની માફક ઊભો જ રહી ગયો. જયદેવની પણ એ ઈચ્છા લાગી, પણ એક સામે બે એમાં એને અધર્મ જણાવ્યો. તેણે જ આંખની ઈશારતે એને શાંત રહેવા કહી દીધું હતું!

સિદ્ધરાજે ચપળતાથી, બોલ્યા વિના જ બે પગલાં ખેંગાર તરફ આગળ માંડ્યા. ‘ખેંગારજી! આંહીંથી આપણે પાટણ જાવાનું છે – સીધું!’

રા’ સાવચેત હતો, તેણે પણ એકદમ બે પગલાં પાછળ ભર્યા. બંનેનું અંતર ઘટવા ન દીધું. જયદેવ તલવાર લઇ સીધો એના ઉપર આવ્યો, ખેંગાર પાછો હઠ્યો. જયદેવ હવે જરાક આગળ વધ્યો કે, તરત ખેંગારે એક ઝડપી પગલું ભરી દિશા ફેરવી નાખી, પાછલા બારણા તરફ એ પોતે જઈ શકે ને જયદેવ એની પાછળ પાછળ આવે, એવી પરિસ્થિતિ ઊભી કરી દીધી. જયસિંહદેવે એકદમ આગળ વધીને જનોઈવઢ ઘા કર્યો.

પણ ખેંગાર તૈયાર જ હતો. તેણે તલવારનો ઘા અફળ કરી નાખ્યો. એક વધુ ઠેકડો ને બે ક્ષણમાં તો એ પાછલે બારણે પહોંચી ગયો.

જયસિંહદેવ એની જુક્તિ કળી ગયો હતો. એ બહાર નીકળી જવા માગતો હતો. તેણે તરત એનો પીછો લીધો.

એ જ વખતે આગળના ભાગમાં બહાર ઓટલા ઉપર ઘમાસાણ થયું. ‘જય સોમનાથ’ની હાકથી આકાશ ગાજી ઉઠ્યું. શંખનાદ થવા માંડ્યા. રણશિંગડા ચારે તરફ ફૂંકાયા, પરશુરામ ને પૃથ્વીભટ્ટ આવ્યા કે શું – એ જોવા જયસિંહદેવે ત્યાં નજર કરી. એ આવ્યા હોય તો એમને રા’ તરફ દોરવા માગતો હતો. પણ ત્યાં રા’ના સૈનિકોને જુદ્ધમાં રોકી રહેલા આડેસર ને ધુબાકો દ્રષ્ટિએ પડ્યા. 

‘દેશુભા! દોડો – પરશુરામ આવ્યો હશે. એને આ બાજુ –’ જયદેવે હાથની નિશાની કરી દીધી. શબ્દ બોલવાનો પણ વખત ન હતો. એની નજર રા’ની પાછળ ગઈ. રા’ વીજળીના વેગે બારણા પાસે પહોંચી ગયો હતો. સિદ્ધરાજ એની પાછળ જ હતો.

‘આવો, ભા! આવો – બે ઘડી શરત તો કરીએ.’ રા’ બોલ્યો. પણ એ બોલ્યો ન બોલ્યો ને બારણાની બહાર નીકળી ગયો.

જયસિંહદેવે એની પાછળ દોટ મૂકી.

એણે રા’ને શસ્ત્રાગારની પાછળ દોડતો જતો જોયો. જયદેવે હાકલ મારી: ‘ખેંગારજી!’ પણ ખેંગાર ત્યાં થોભ્યો નહિ. જયદેવે આડેસર ને ધુબાકાને પોતાની પાછળ આવતા જોયા. રા’ના કોટકિલ્લાના ચોકીદારો હવે આ તરફ દોડતા આવી રહ્યા હતાં. પરશુરામના માણસો સામે તૈયાર હતા. તેણે બધી વસ્તુની એક ઊડતી નોંધ કરી, ન કરી – કોણ ક્યાં હશે એ અનુમાન કર્યું, ન કર્યું – ને તરત પાછો એ રા’ની પાછળ તઃયો. રા’ જરાક આઘે નીકળી ગયેલો લાગ્યો.

તે એની દિશા તરફ દોડ્યો. રા’ હજી શસ્ત્રાગારની પાછળના ભાગમાં જ હતો. પણ એણે તરત દિશા બદલી લાગી, જયસિંહદેવ એને સામે મોંએ ભિડવવા માટે તરત ત્યાંથી પાછો ફર્યો.

એને ભિડવવા માટે એણે ઝડપી ગતિની દોટ મૂકી હતી – આ રા’ આવ્યો, આ રહ્યો, એમ એને થઇ ગયું.

વીજળીવેગે એ શસ્ત્રાગારની બીજી દિશાની પાછળની બાજુએ દોડ્યો ગયો! 

પણ એ ત્યાં પહોંચ્યો, અને એના પગ ધરતી સાથે જ જડાઈ ગયા. એ આભો થઈને ત્યાં ઊભો રહી ગયો – ત્યાં કોઈ હતું જ નહિ.

સ્વપ્નની માફક રા’ ખેંગાર અદ્રશ્ય થઇ ગયો હતો!

મહારાજ જોતા જ રહ્યા!