Tribhuvan Gand - 36 in Gujarati Fiction Stories by Dhumketu books and stories PDF | ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 36

Featured Books
Share

ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 36

૩૬

લીલીબા

ખેંગાર પડ્યો છે, એ પહેલાં તો કોઈએ માન્યું નહિ, પણ ખેંગારજીની પાઘડી હતી; કેકાણ ત્યાં એકલો ઊભો હતો. ખેંગારજીનું શબ ક્યાં પડ્યું છે એ શોધવાની તાલાવેલીએ થોડી વાર જુદ્ધ બંધ રહ્યું. પણ બીજી જ પળે ભયંકર નિશ્ચલતાથી સોરઠીઓ આગળ ધસ્યા.

સિદ્ધરાજને હવે યુદ્ધ બંધ કરવું હતું. એનું મન ધારાગઢ દરવાજા બહાર વાડીમાં પહોંચી ગયું હતું. એને હજી રાણકને હાથ કરવાની બાકી હતી – ત્યાં સુધી આ જીત અરધી હતી – સોરઠનાં રાજારાણીને પાટણની સભામાં લઇ જવાં હતાં. તેણે જુદ્ધ બંધ રાખવાનો, રાજાનું શબ રખડે એ અધર્મ થાય છે, એવો સાદ કરાવ્યો. રા’ હણાયો છે, હવે જુદ્ધનો અર્થ નથી. ચંદ્રચૂડ પણ મરાયો હતો. રાયઘણ મજેવડી મોરચે હતો. ભા દેવુભાને એણે કહેવરાવ્યું. ભા દેવુભાને પગથી માથા સુધી ખાઈ ગઈ હતી. રા’ પડ્યો હોય એમ એ માનતો ન હતો; પણ આ નાના યુદ્ધની ભયંકરતાએ માઝા મૂકી હતી. આંહીં તો અનેકના શબ રખડતાં હતાં. કૈક ડુંગરા ઉપરથી નીચે જઈ પડ્યા હતા. રા’નું શબ તો ખોળી કાઢવું જોઈએ. એણે સિદ્ધરાજનું વેણ સ્વીકાર્યું. થોડી વાર વિશેમ થયો. યુદ્ધ બંધ રહ્યું.

લીલીબા બીજી જ ક્ષણે ત્યાં રણક્ષેત્રમાં દેખાણી. એના ઉપર સૌ ભયંકર ફિટકાર વરસાવશે એની એને ખબર હતી. પણ એ તો ભાઈના નામે મોટી પોક મૂકીને રડી પડી. પછી એના શબની સિદ્ધરાજ પાસે માંગણી કરી, દેવુભાને મળી: ‘જુઓ ભા! દેવુભા! તમે રા’ના વંશવેલાની અમરવેલને ઓળખો છો. રાણી મેરાણીને બે માસનું પેટમાં પોટું છે; વારસ રા’ની ગાદીનો એ છે, આજ તક સાચવશો તો અમરવેલ ફ્રી પાંગરશે. હું તમને એ કહેવા આવી છું.’

‘હવે લીલીબા! મને ગલઢાને કાં મૂરખ બનાવો?’ દેવુભાએ એનો વિશ્વાસ ન કર્યો.

 ‘તમે પણ, ભા! દુનિયાની હારે મને કજાત લેખશો  એમ? આ મારી ઉપર આ ભોઠકું, મારો ભાઈ લઇ આવ્યો. કુંભારનું, એનું પોટું આવે, તે દી હું રા’ની દીકરી, મારી સાત પેઢી લાજે. તમે કોઈ કાંઈ બોલ્યા નહિ. સૌ ચૂપ થઇ ગયા. ભાઈયું ડઘાઈ ગયા. મારે બહેનને ઊઠીને કામો આ કરવો પડ્યો. લ્યો, આ તમને પેટછૂટી વાત કરી દીધી. મને કાંઈ ઈ સારું ન લાગ્યું હોય! પણ, હું કરું શું? રા’નો વંશપરંપરાનો આખો વેલો બગડતો’તો, મારાથી એ જોવાણું નહિ, તમે જોઈ રહ્યાં, ભા! એટલે હું તો કહેવા આવી છું. તો દેવુભા! તમે છો, સોઢુભા છે, જેસંગભાને મનાવી ઈ રા’ના પોટાનો હક્ક રખાવો. દીના ક્યાં દુકાળ છે? આણી કોર મજેવડી છેડે કે કોણ કાકો એને ઓળખે છે? આપણે ક્યાં બેઠા નથી બાર વરસના? ને ગઢ ક્યાં નથી ગરવો ગરનાર?

દેવુભા જમાનાનો ખાધેલ હતો. એને રા’નું આ ઊલળપહાણા જુદ્ધ ગમ્યું તો નો’તું. મેરાણી રાણીને દી ચડ્યા હોય ને એનો કોઈ વારસ રા’ની ગાદી ઉપર આવે, તો રા’નો વંશવેલો ચાલે. જે  થવાનું હતું તે થયું. પણ આ પોતે કહેવા આવી છે – એમ થાય તો જેસંગભાને રંગ દેખાડવાનો દી કોક દી આવે. દીના ક્યાં દુકાળ છે? તે દી પોતે રા’ના છોકરાને પડખે ઘૂમતાં સાત સ્વર્ગનો આનંદ ભોગવે! એની વૃદ્ધ કાયામાં આશાનો સંચાર થયો.

‘લીલીબા! જેસંગભા આપણને બનાવે છે! ખેંગારજી મરાયા ન હોય! ખેંગારજી તો અમર છે!’

‘મારો ભાઈ એમ ગાંજ્યો તો નો જાય – પણ હવે તો એ બધુંય સરખું નાં? આપણે તો પાછું કોઈનો આધાર લઈને જ ઘૂમવાનું રે’શે નાં? આટલો આધાર! ખેંગારજી જેવું એક શરીર ખીણમાંથી હાથ પડ્યું છે – એમ વાત થાય છે!’

‘આપણે સિદ્ધરાજને કહીએ: રાજાનું શબ લાવો!’

‘પણ ત્યાં સુધી કાંઈ ગાદી સૂની રાખવી છે, દેવુભા? તો તો વાત મારી જાય નાં? ઈ તો જાહેર આપણે કરીએ – એ ન કરે તો – કે, રા’નો વંશવેલો ચાલે છે! હજારો સોરઠી એને આધારે તો ટકી રે’શે! આપણે ક્યાં આ નવું છે?’

દેવુભાને લીલીની વાતમાં સચ્ચાઈ લાગી. રા’ની ગાડીનો ઈતિહાસ એની સાક્ષી પૂરતો હતો. જરાક પણ આધાર હશે તો પાછું ઊભું થવાશે. ખેંગારજી હણાયા હોય કે હેડમાં હોય – પણ આ જેસંગભા એને હમણાં તો સોંપે એમ જ ન હતો. હવે જે પડ્યું છે તેમાંથી આ તક કાં ન પકડવી? કોઈ નામનો પણ હશે રા’, તો રાજ તો એક દી પાછું ઘેર આવશે. તેનું મુત્સદ્દી શરીર આશાના સંચારથી કાંઇક ઉત્સાહિત થયું. એને માથે એક દળકા જેટલું કામ પડ્યું હતું. એની રાજભક્તિ નવી કસોટીએ ચડતી હતી. આ લીલીબા બનાવવા આવી હોય તો એને પણ માપી ભરાશે. એટલે જયદેવનો ચોખો દાબી જોવાનો એણે સંકલ્પ કયો: ‘લીલીબા, જોઈએ હવે – શું થાય છે તે.’

લીલીબા ત્યાંથી તરત સિદ્ધરાજને મળી. ઘમસાણે એક ભયંકર સ્મશાન સરજી દીધું હતું. ભેળંભેળા એવી ભીષણતા થઇ હતી કે, સેંકડો માણસો ત્યાં ખપમાં આવી ગયા હતાં. પણ નાનેમોટે ડુંગરેથી દડીને નીચે જઈ પડનારો ઢગલો પણ જેવો તેવો ન હતો. બધે તપાસ થાતી હતી. પાલખીઓ ફરી રહી હતી. વૈદરાજો ઘૂમતા હતા. સેવકો ફરતા હતા. વિશેમકાલે દુશ્મનાવટ જાણે રહી જ ન હતી. હવે આજે ફરી યુદ્ધ થાય એ સંભવ ન હતો. સોઢલની ગઢી ઉપર કાલે સવારે વહેલા ત્રાટકવાનો નિર્ણય થયો હતો. દરમિયાન મજેવડી દરવાજો ભેળાયાના સમાચાર આવી ગયા હતા. લીલીબાએ એ સાંભળ્યા હતા. તે  હવે સોલંકીઓનો નિશ્ચિત વિજય જોઈ રહી હતી. 

એ મહારાજ પાસે આવી ત્યારે ત્યાં કોઈ હતું નહિ. એક કામચલાઉ વસ્ત્રકુટીમાં મહારાજ બેઠા હતા. એમનું ધ્યાન રણક્ષેત્ર તરફ હતું. હજી ઘાયલની ઝોળીઓ ને ખાટલા ને પાલખી આવી રહ્યાં હતાં.

લીલીએ પ્રવેશ કર્યો. સિદ્ધરાજે એને ઓળખી. ગઢ સોઢલની હજી અણનમ હતી. ત્યારે કેમ આવી એ એ સમજી ગયો. 

‘મહારાજ! અમે અમારું કર્યું. હવે મહારાજને મહારાજનું વેણ કરવું પડશે!’ લીલીબાએ કહ્યું.

‘દેશુભા, વિશુભા નથી આવ્યા, લીલીભાભી?’

‘દેશુભા તો મહારાજના કામમાં જ હશે. હજી લોકમાં કૈંક વાત હાલે છે. ખેંગારજી તો અમર છે એમ માનનારા ક્યાં નથી? જુદ્ધનું જ હજી ઠેકાણું નથી ને હજી સોઢલની ગઢી છે, એ ગઢી છે ત્યાં સુધી તો ખેંગારજી અમર છે!’

‘અમર? ખેંગારજી તો બિચારા – કામ આવી ગયા – ભારે થઇ. પણ થાય શું બીજું? આ એને મળી કોક એવા પગલાંની!’

‘વિધિના લેખ કોને કહે, મહારાજ? હવે શું કરવું છે એનું!’

‘કોનું?’

‘રાણકનું.’

‘એને પાટણ લઇ જવાની.’

‘મહારાજ! તે પહેલાં આંહીંનું નક્કી થવું જોઈએ. હવે અમારું શું?’

‘જુઓ લીલીભાભી! તમને હું સાચી વાત કરહુ. ખેંગારજી હવે જીવતા હેડમાં છે, હેડમાં રહેવાના છે, આંહીં દેશુભા બેસવાના. પણ તમારે વાત મનમાં જ રાખવી પડશે.’

લીલી વિચારમાં પડી ગઈ. ખેંગારજી  હેડમાં હોય તો વાત મારી જાય!

‘પણ તો તો મહારાજ! આ હેડની વાત જ જવા દેજો! એ તો હવે એમ ને એમ ચલાવો કે જુદ્ધમાં ખપ આવ્યા!’

સિદ્ધરાજે જોયું કે ખેંગાર હણાયો નથી એની આને ખબર હતી. એણે હેડની વાત કરી તો એને જરાય આશ્ચર્ય થયું ન હતું. હજી એનો ખપ પડવાનો હતો.

‘આ વાત તો તમારા માટે જ છે, ભાભી! બાકી ખેંગારજી હણાઈ જ ગયા છે. પણ આંહીં અત્યારે દેશુભાને બેસારશે, એટલે દેશ આખો તમારી પાછળ ધૂળ ઉડાડશે. આંહીં અમારો દંડનાયક બેઠો હશે, તે વખતે વર્ધમાનપુરથી દેશુભા ખડીચોકીએ રાજ લઈને પાછા ફરશે તો તારણહાર ગણાશે. તમે વિચાર કરો ભાભી! હું તો હમણાં શંખનાદ કરાવું છું! અરે, પરશુરામ!...’

પરશુરામ દોડતો આવ્યો, પોતે હમણાં જ વાત કરી નાખવા માગતો હોય તેમ જયદેવ લીલીબા સામે જોઈ રહ્યો. લીલીબાને મહારાજની વાત મનમાં બેસી ગઈ. દેશુભા એ રીતે આવે તો જ ફાવે, એ દેખીતી વાત હતી. તેણે તરત જુદી જ વાત ઉપાડી લીધી: ‘મહારાજની વાત તો બરાબર છે, સોઢલને માટે દેવુભાને મોકલશો ત્યારે થશે!’ લીલી બોલી.

‘દેવુભાને? –‘ સિદ્ધરાજે એનો મર્મ પકડી લીધો. પરશુરામની પાસે એની વાત ઉખેળવી ન હતી. મહારાજને તો એ જ જોઈતું હતું.

‘દેવુભા વિના સોઢલ નહિ માને. અને એ નહિ માને તો, મહારાજ! છ મહિના એ ગઢી એક એકલી ટકશે!’

‘પણ દેવુભા – એ કેમ માનશે?’

‘તે વાત મારી પાસે છે. ખેંગારની રાણી – મેરાણી એને બે માસ છે. મેં દેવુભાને એ કહ્યું છે. રા’નું નામ રહેતું હોય તો દેવુભાની રાજભક્તિ અચળ છે. એ એટલા માટે થઈને સોઢલને માનશે, ને સોઢલ માનશે. કાલે સોઢલને એ રીતે જીતાશે!’

જયદેવને લીલીની વાતમાં રસ પડ્યો: ‘તો તમે, ભાભી! દેવુભાને બરાબર તૈયાર કરો. અમે એને થાબડીશું!’

લીલીબા રજા લઈને ગઈ કે મહારાજે પરશુરામ સામે જોયું:

‘પરશુરામ! તારે આંહીં રહેવાનું છે. આંહીં હવે કોઈ રા’ નહિ હોય. તારે આંહીંનું દંડનાયકપણું સંભાળવાનું છે, મેં તને એટલા માટે બોલાવ્યો’તો. આ સોરઠીઓ નવો રા’ ને નવું જુદ્ધ ઊભું કરવાના! બસ, એ જ કહેવાનું હતું.’ 

પરશુરામ મહારાજને પ્રણમીને બહાર નીકળ્યો.

ત્યાં ઉદયન મહેતો આવતો હતો; દેશળ એની સાથે હતો; ‘છે, મહારાજ, પરશુરામ?’

‘કેમ કાકા?’ પરશુરામ ઉત્સાહમાં હતો.

‘રા’ જરાક મળવા માગતા હતા!’

‘રા’?’ પરશુરામે તીક્ષ્ણવાળી પ્રશ્ન કર્યો: ‘રા’? કોણ રા’?’

ઉદયને એનો હાથ દાબ્યો, ધીમેથી કહ્યું: ‘ગાંડાભાઈ! અધીરો શું કરવા થા’છ? જે પાણીએ મગ ચડતા હોય એ પાણીએ મગ ચડાવને – વાણીયાનો દીકરો થઈને. તું દંડનાયક છો, એ મારા બોલવાથી આળસી જાશ?’

‘તમને કોણે કહ્યું, કાકા?’ પરશુરામ ઉત્સાહમાં આવી ગયો.

‘કહે કોણ? તને કહેનારા!’

‘મહારાજ?’

‘હાસ્તો!’

‘કાકા! મને મહારાજે હમણાં વચન આપી દીધું!’

‘ગાંડાભાઈ! જે મળે તે જયજિનેન્દ્ર સમજ ને! લે, હવે હું જાઉં, રા’ ખોટી થાય છે.’ ઉદયન આંખ મારતો અંદર ચાલ્યો ગયો.