Tribhuvan Gand - 39 in Gujarati Fiction Stories by Dhumketu books and stories PDF | ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 39

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

Categories
Share

ત્રિભુવન ગંડ - જયસિંહ સિદ્ધરાજ - ભાગ 39

૩૯

જોગમાયા

દેશુભા, વિશુભા અને સિદ્ધરાજ રણવાસની ગઢીએ આવી પહોંચ્યા તે પહેલાં જ દેવુભા અને સોઢલ ત્યાં આવી ગયા હતા. હવે આ ગઢીની દોઢીએ એમણે મુકામ કરી દીધો. પરશુરામને સોઢલે પોતાની ગઢી સોંપી દીધી હતી. દેવુભા રણવાસની ગઢીને દરવાજે એક બાજુની ગઢીએ બેસી ગયો; સામે બીજી બાજુ સોઢલ પોતાના ધોળા નિમાળા ઉપર હાથ ફેરવતો. દેવુભા મનમાં કૈંક ઘોડા ઘડી રહ્યો હતો. એના હ્રદયમાં ઊંડો વિશોદ હતો. આંખમાં ઝેર હતું. મનમાં ભીષણ નિશ્ચયનું બળ હતું. આ સ્થિતિને પણ તરી પાર ઊતરવાની એને આશા હતી. સામી દોઢીએ બેઠેલો સોઢલ એ હજી જળવિહોણા મત્સ્યની અવસ્થામાંથી પૂરોપાધરો ઊભો થયો ન હતો. જેને બાળપણથી પોતે ગૌરવથી જોતો આવ્યો હતો, એ ગઢી સોંપી દેતાં આજે એનું કાળજું કપાઈ ગયું હતું. પણ એને દેવુભાની વાતમાં શ્રદ્ધા જાગી હતી. ભા દેવુભા એને કહી રહ્યો હતો: ‘સોઢલભા! વારાફેરા તો કોને નથી આવતા? એમાંથી મારો સોમનાથ ભગવાન પાર ઉતારવાવાળો છે! એનેય પોતાના ચોકીદારની પડી હશે નાં? રા’ સોરઠના ભગવાન સોમનાથના દ્વારપાલ કહેવાય છે, તે કાંઈ અમસ્તા? સોમેશ્વર ભગવાન ત્રિભુવનનો ધણી, અને રા’ જૂનોગઢના – એના ગંડ – દ્વારપાલ; સૈનિક, ત્રિભુવનગંડ. પોતાના ચોકીદારનો વંશવેલો ભગવાન કરમાવશે? તો તો થઇ રહ્યું નાં! આપણને ભગવાને મોકો આપી દીધો, સોલંકીને આંધળો કરી દીધો. દસ-બાર વરસ તો આ દોઢીએ આમ નીકળી જા –’ દેવુભાએ હાથની ચપટી વગાડી.

સોઢલે બહાર દ્રષ્ટિ કરી. ત્રણ જણા કોક પગપાળા આવી રહ્યા હતા. એમની પાછળ પાલખી લઈને ભોઈઓ આવતા હતા.

‘એ આવતો લાગે છે સધરો, દેવીને આંહીંથી ઉતારવા આવ્યો લાગે છે!’

‘એ તો એના મેળમાં હશે, ભા! આ ગઢીનો કબજો લેશે. કબજા વિનાનું કાંઈ નહિ રહેવા દે. એમ તો સધરો છે! જોગમાયા માની જાય તો સારું.’

‘મારા બેટા સાપના કણા – એ પણ ભેગા ને ભેગા ફરતા લાગે છે! આ પેલા દેહુભા ને વિહુભા?’

‘ફરી લેવા દ્યો, સોઢુભા! એમણે હળાહળ કાઢ્યું ન હોત, તો તો સધરો હજી સોનરેખમાં ગડગડિયા ભાંગતો હોત! પણ થાવા કાળ છે ને! મારું બેટું કોઈની જાણમાં નો રહ્યું રસ્તાનું. આ એનું નામ ભાવિ! સધરાની ભેગા બેય ફાંસુડિયા છે નાં! પણ એમનાં નસીબમાં ભેરવજપ છે.’

‘સધરો, આંઈ કબજો મજબૂત રાખશે – કાં તો એમાં એમનો ઉપયોગ કરવાનો!’

‘રામ રામ કરો ને સોઢુભા! એમને બેયને તો પહેલાં પરખાવશે! આપણે તો બળતા ઘરમાંથી આટલું ઉગારી લીધું એમ સમજો. ઈ તો ત્રિભુવનનાથની, એના ગંડ ઉપર બે’ક માયા એટલે; નકર સધરો આ માને? માલવાવાળો પણ ઠીક બરાબર ટાણે વાંહે પડ્યો!’

‘સધરો હવે તો પોતાને ત્રિભુવનગંડ ગણાવશે નાં?’

‘ઈ તો ગણાવે – ભલેને ગણાવતો! પણ સોમનાથ આપણું. ઈ કાંઈ આળસેં? ભગવાન કરે ને આ અર્ભક ગાદીએ આવે – પછી આપણે છીએ, ઈ આંઈ કબજો રાખવાવાળો છે, ને મારો નાથ, જી દશ-બાર-પંદર વરસ તાવે, ઈ તાવણી છે! સોઢુભા! હું તો જોતો આવ્યો છું. આપણે સાચક હશું તો ગરનાર પાછો રા’ને ઘેર આવ્યો જ સમજો ને!’ દોઢી બહાર નજીકની અવરજવર સાંભળતાં બંને શાંત થઇ ગયા. સિદ્ધરાજ પાસે આવી પહોંચ્યો હતો. દેવુભા ને સોઢલ – એક શબ્દ બોલ્યા વિના – શાંત નમન કરતા ત્યાં ઊભા થઇ રહ્યા.

‘દેવુભા! આ પાલખી આંઈ  ભલે રહી,’ દેશુભા બોલ્યો, ‘મામીને ખબર કરીને અમે હમણાં, આ આવ્યા!’

‘હા, બાપ! અમેં આંઈ જ બેઠાં છંઈ.’

‘ના, ના, એમ નહિ દેવુભા, અમે જઈએ છીએ; તમે પણ થોડી વાર પછી ત્યાં જ આવી પહોંચો. એટલામાં હમણાં પરશુરામ આવશે; કાં તો આ આવ્યો.’

પરશુરામ આવી રહ્યો હતો.

‘ભલે, પ્રભુ! અમે હમણાં આવીએ...’

સિદ્ધરાજ આગળ ચાલ્યો. દેવુભાએ સોઢલ સામે જોયું. એની આંખમાં ઊંડી શોકરેખા દીઠી, ‘સોઢુભા!’ તેણે બહુ જ ધીમેથી કહ્યું:  ‘આવા વખનાં તો કૂંડાને કૂંડા બાપ, મોઢે માંડવાનાં છે! ભગવાને પોતે પીધું છે ને? તંઈ આપણે માનવી કોણ? અમરવેલ કાંઈ અમથી પાંગરે, બાપ? તમે ઝેરનાં કૂંડા મોઢે માંડો તંઈ તમારે આંગણે અમરવેલ ઊગે!’

‘મા જોગમાયાને ઉતારવાવાળો આ – ને આપણે આંહીં –’

‘ઈનું નામ સમો – સમો જાળવે ઈ સમરથ, સોઢુભા! જોગમાયા લોકમરજાદનાં જાણકાર છે, એટલે પરચો બતાવે નહિ. બાકી, આ તમારું સધરું નપાણિયાં પાટણનું, ઈ બચારું – એને આહીંથી શું ઉતારતું’તું?’

‘પરચો બતાવે તો લોકમાં કેણી રહી જાય, દેવુભા! કે રા’ જૂનોગઢનો ટક્યો’તો – પોતાની સમશેર ઉપર નહિ, જોગમાયાના સત ઉપર! રા’ના જુદ્ધરંગને કેવી કેણી ઝાંખપ લગાડે, મા એવું ન કરે!’

‘આપણે તો આ ઝટ હીમખીમ પતી જાય, સોઢુભા, એટલે જંગ જીત્યા! નકર વળી કાંક બખડજંતર થાય ને સધરાનું મન ફરે, તો આ મોકો માંડ મેળવ્યો છે, ઈ ટળી જાય.’ એટલામાં દેશુભા પાછો ફરતો હતો. ‘આ સરપનો કણો. શું પાછો આવ્યો સોઢુભા?’

‘દેવુભા!’ દેશળ આવી પહોંચ્યો હતો. તેણે કહ્યું, ‘મહારાજે તમને જલદી બોલાવરાવ્યા છે હો – ત્યાં ગઢીએ! એટલે મહારાજ તમારા દેખતાં જ પરશુરામજીને કહી દેશે કે, રાણીવાસની ગઢીએ તમારા બેનો ચોકીપહેરો રહશે. ગઢી ભલે પરશુરામજી સંભાળી લ્યે!’

‘હા, બાપુ! તમે હાલતું કરો – ત્યાં હું આ આવ્યો.’ ‘ન્યાં તો જોગમાયાનાં કામ છે; બેટા!’ પાછલું વાક્ય એના મનમાં ઘૂંટાઈને મનમાં શમી ગયું.

સિદ્ધરાજ, દેશુભા ને વિશુભા રાણકદેવીની રણવાસી ગઢીએ પહોંચ્યા, અત્યારે ત્યાં  કોઈ દ્વારપાલ હતો નહિ, ગઢીનું દ્વાર અંદરથી બંધ હતું.

દેશુભા આગળ વધ્યો. તેણે હડસેલો માર્યો. અંદરની સ્મશાનવત્ શાંતિમાં કાંઈ ખલેલ પડી લાગી નહિ. દેશુભાએ સાદ પાડ્યો.

એટલામાં અચાનક એક બાજુથી લીલીબા દેખાણી: ‘દેશુભા! તું શું કરે છે?’

‘મહારાજ ત્યાં છે બા!’ દેશુભા તેની પાસે ગયો, ‘ધીમે બોલજો, મામીને હવે આહીંથી હેઠે ઉતારવાના છે! આ ગઢીનો પણ કબજો લેવાનો છે!’

થોડેક દૂર ખાખરાના એક ઝાડ પાસે સિદ્ધરાજ ઊભેલો લીલીની નજરે પડ્યો.

લીલીએ કહ્યું: ‘વિચાર તેં કાંઈ કર્યો છે? તું શું બોલીશ? શું કહેવા જાતો’તો? શી રીતે મામીને વાત કહીશ? આંહીં હજી કાંઈ વાત આવી નહિ હોય!’

‘ઉઘાડો, મામી! એમ – બીજું શું? મહારાજ પોતે આવ્યા છે! ગઢી આપણે સોંપવાની છે!’

‘અરે, ઓટીવાર! એમ તારી મામી બારણું ઉઘાડશે? તું જા. વિહુને આવવા દે, વિહુને. વિહુભા! તું આંઈ આવી જા, હું કહું એમ બોલ!’

 વિહુભા આગળ આવ્યો. તેણે લીલીની સામે જોયું: ‘મા શું બોલવું છે? કેમ બોલું?’

‘એમ બોલ કે સધરો તો ભાગ્યો છે, મામી! અને મામા આવી રહ્યા છે – બારણું ઉઘાડો! તો બારણું ઉઘાડશે! નકર તો પાછાં માણસ લાવવાં પડશે ને ગોકીરો થશે. મહારાજને એ નહિ ગમે, ને તમારી કિંમત થાશે!’

‘પણ મહારાજ ત્યાં ઊભા છે ને, બા! મહારાજ સાંભળશે એનું શું?’

‘ભલે સાંભળે! તું કે’કે માલવાનું કટક પાટણ ઉપર આવ્યું છે ને સધરો ઊભો પૂંછડીએ ભાગ્યો જાય છે. જો, સાંભળ, આ નગારું પણ સેન ઊપડવાનું જ વાગતું લાગે છે. ઝટ બોલી નાખ! એટલે મેળેમેળ મળી જાય!’

ઉદયનના સૈન્યપ્રયાણનો ઘોષ નીચેથી આવી રહ્યો હતો. એટલામાં કોઈક દાસી જેવીએ જરાક ડોકાબારીની તરડમાંથી બહાર દ્રષ્ટિ કરી. એણે વિહુભાને દીઠો.

‘વિહુભા! આ શું છે? કેમ સેન ઊપડવાનું નગારું? કોનું સેન ઊપડે છે?’ તેણે અંદરથી જ પૂછ્યું.

‘ખબર નથી, લખુડી! ભગવાને આપણી આબરૂ રાખી લીધી છે. આ તો સધરો ઊભી પૂંછડીએ ભાગ્યો છે,’ વિહુભા બોલ્યો. ‘માલવાનું કટક છૂટ્યું છે પાટણ ઉપર, એ સમાચાર આવ્યા, એટલે ભાગે છે! મામા પોતે આ આવ્યા. શું કરે બેટો, મામા સાથે સંધિ કરવી પડી. જો આવે! દરવાજો ઉઘાડી નાખ અલી –!’ લખુડી અંદર દોડતી ગઈ હોય તેમ લાગ્યું. ઉદયનના સેનનો વધારે ને વધારે મોટો ઘોષ આવી રહ્યો હતો. રણવાસની ગઢની આસપાસની ટેકરીઓ નીચા ચાલ્યા જતા મેદાની માર્ગમાંથી સોલંકી સૈન્યના પ્રયાણના પડઘા વધારે ને વધારે મોટા થતા જતા આવી રહ્યા હતા. સોલંકીઓનું સૈન્ય ઊપડી રહ્યું છે એની ખબર કરતો નગારાંનો અવાજ ગાજી રહ્યો હતો.

થોડી જ વારમાં અંદર હિલચાલ થતી હોય એમ દેશુભાને લાગ્યું. તે વધુ નજીક ગયો: ‘મામી! તમે છો? સધરો તો ભાગે છે. આ એનું સેનઉઘડામણ નગારું વાગે!’

‘કોણ, જેસલભા ભાગે છે?’ રાણકદેવીએ અંદરથી પ્રત્યુત્તર વળ્યો. ‘તમે ક્યાંથી, યુદ્ધભૂમિમાંથી આવો છો, દેહુભા? શા છે જુદ્ધના સમાચાર? જુદ્ધનું શું થયું?’

‘ઈ તો, મામી! અમે પે’લાં ભોળવ્યો સધરાને. ઈ કોઈનેય ખબર ન પડી. મામાનેય નો પડી. એ આંઈ પેઠો તો ખરો, આશાએ ને આશાએ, પણ પછી ઘાંઘો થયો. જાણ્યું કે, આ તો બેય ભાઈ જબરા નીકળ્યા! આપણે ફ્સ્યા!’ 

‘કેમ, ફ્સ્યા?’

‘ઈ તો ઈ લાગનો હતો, મામી! મામા તો હજી જુદ્ધ કરત. અમે તો આંઈ બોલાવીને એને આંઈ જ ફસાવ્યો. ગગો અંદર તો પેઠો, પણ બહાર શી રીતે નીકળે? ને અમને તો ખબર પડી ગઈ’તી કે માળવાવાળો ત્યાં આવ્યો છે. ગગો આવ્યો તો ખરો, લાલચે ને એટલામાં સમાચાર મળ્યા હશે કે માલવાનું કટક આવ્યું છે પાટણ ઉપર એટલે પછી ઘોઘો જ થાય નાં? આંઈ રહી જાય તળમાં તો? એટલે પછી જખ મારીને મામા હારે સમાધાન કર્યું. ને હવે આ ભાગે છે, જુઓ, સાંભળો આ નગારું એનું. આ મામા પોતે આવ્યા, લ્યો... બધી વાત કે’શે...’ ભોગળ ખસીને બારણું ઊઘડવાનો અવાજ થતો લાગ્યો. લીલી ઝડપથી એક તરફ થાતી નીચે સરકી ગઈ.

બારણું ઊઘડ્યું. રાણકદેવી પોતે જ ત્યાં ઊભી હતી. તેની દ્રષ્ટિ દેશળ ઉપર પડી. અને એટલામાં તો દેશળની પાછળ થોડે દૂર ઊભેલા સિદ્ધરાજને એણે જોયો. રા’ ત્યાં ન હતો. એ જરાક ચમકી ગઈ. પણ એમ પળમાં એ આખી વાત સમજી ગઈ. દેશળને લાગ્યું કે, હમણાં એ ગભરાટમાં ભાગશે. બૂમાબૂમ કરશે – પણ એ તો ગૌરવથી જેમ ઊભી હતી તેમ જ ઊભી રહી.

‘એ કોણ, જેસલભા આવેલ છે, દેશળ?’ તેણે અત્યંત શાંતિથી પૂછ્યું: ‘રા’ ક્યાં છે?’

‘હા... મામી... હા મા... જુઓ ને!’ દેશળ લોચા વાળવા લાગ્યો.

અડગ ખડકની માફક રાણકદેવી હવે ત્યાં જ ઊભી રહી ગઈ. તેણે માથા ઉપરની લોબડી જરાક સરખી કરી. સિદ્ધરાજને આગળ આવતો એણે જોયો. દ્રઢ નિશ્ચયતાથી એ એની સામે જોઈએ રહી હતી. સિદ્ધરાજ છેક પાસે આવ્યો. રાણકની તાત્કાલિક ઉપેક્ષા કરવામાં એણે વિજય દીઠો. જાણે કાંઈ બન્યું ન હોય તેમ એ બોલ્યો: ‘સોનલદે! આ ડુંગરગઢીએથી હવે તમારે નીચે ઊતરવાનું છે, સોંલકી સેન પાટણ જઈ રહ્યું છે. તમારે સૌને પણ પાટણ જવાનું છે. હમણાં જ દેશુભાએ વાત કરી નાં? ઉતાવળે તૈયારી કરી લ્યો! આંહીં તો હવે પાટણનો દંડનાયક રહેવાનો છે!’

રાણકદેવી હતી તેમ શાંત, અડગ, સ્વસ્થ ઊભી રહી. એની મુખમુદ્રામાં ક્યાંક પણ ગભરાટ ન હતો. તેણે સ્થિર દ્રષ્ટિથી એક ક્ષણવાર એની સામે જોયું.

‘પણ રા’ પોતે ક્યાં છે?’ – થોડી વાર પછી એણે દ્રઢ શાંત અવાજે પૂછ્યું. એની ગૌરવભરેલી શાંતિમાં લેશ પણ કૃત્રિમતા ન હતી. એની આંખમાંથી વજ્જર જેવી નિશ્ચલતા પ્રગટી રહી હતી. એના મોંની એક પણ રેખા ઉપર, એક જરા જેટલો પણ ભય આવ્યો હોય એમ લાગ્યું નહિ. ગિરનારી ખડકની જેમ એ અડગ હતી – જાણે એ જવાબ માગતી હોય ને આ સૌ જવાબ દેવા માટે હોય!

વિજયનો ને વિજયીનો ઉન્માદ ઓસરી જાય એવી ભીષણ વજ્જર નિશ્ચલતા એનામાંથી ઊઠી રહી થી.

‘રા’? રા’ છે ત્યાં – એ પછી... જણાશે. પરશુરામ!’ સિદ્ધરાજે પરશુરામને બોલાવ્યો.

‘એનું શું કામ છે, જેસલભા! રા’ ક્યાં છે?’ એની વાણીમાં હજી એ જ શાંતિ હતી, એ જ દ્રઢતા હતી, એ જ ગૌરવ હતું. સિદ્ધરાજ જરાક ખમચાયો. એટલામાં દેવુભા પાછળથી આવી પહોંચ્યો હતો, એ દ્રશ્ય જોઇને સ્તબ્ધ થઇ ગયો. ડુંગરાની કોઈ મહાન અધિષ્ઠાત્રી પાસે ઊભો હોય તેમ જયદેવ અત્યારે ઝાંખો લાગતો હતો. રાણકદેવી સૌને લઘુતાનું ભાન કરાવતી ત્યાં સીધી શાંત, ખડક સમી અડગ, એકલી, પ્રતાપી, વિજયી બનીને ઊભી હતી. દેવુભા આગળ વધ્યો.

‘રા’ખેંગારજી તો, મા!’ તેણે ભક્તિથી હાથ જોડ્યા. ‘જુદ્ધમાં કામ આવ્યા છે.’ તેણે ધીમેથી કહ્યું: ‘રા’ તો રણમાં પડ્યા!’

‘કોણ? રા’?’ રાણકદેવીએ પ્રશ્ન કર્યો ને દેવુભા સામે જોયું. સોઢલ આગળ આવ્યો: ‘દેવીમા! રા’ખેંગારજી તો રણમાં પડ્યા, એમ કહેવાય છે!’ એક ક્ષણ રાણકદેવીની આંખ જરાક મીંચાતી સૌએ અનુભવી, પણ બીજી જ ક્ષણે એની દ્રષ્ટિ સામેના ભૈરવી ડુંગરાની શિખરાવલિ ઉપર સ્થિર મંડાઈ ગઈ હતી.

દેવુભા ને સોઢલ એ જોઈ રહ્યાં. જયસિંહદેવને એ દ્રષ્ટિમાં અલૌકિક લાગ્યું. તે શાંત બની ગયો.

રાણક જાણે મનોગત બોલી રહી હતી: ‘કોણ કહે છે, રા’ પડ્યા?’ એની દ્રષ્ટિ હજી ત્યાં જ હતી: ‘કોણ એ બોલ્યું, રા’ પડ્યા!’ રાણકદેવીના ધીમા અવાજમાં જાણે કોઈની સાથે થતો હોય એવો વાર્તાલાપી રણકો હતો. પણ એમાં અગાધ શાંતિ હતી. અગાધ શક્તિ એમાંથી પ્રગટતી હતી. થોડી વારમાં એ બોલ્યા વિના એમ ને એમ સ્થિર દ્રષ્ટિથી જોઈ રહી; પછી અચાનક એનું માથું જરાક હાલ્યું: ‘રા’ નથી પડ્યા, રા’ એમ ન પડે. – રા’ પડે – તો આ ન પડે?’ રાણકદેવીનો જમણો હાથ ગિરનારી ડુંગરમાળાને દેખાડતો સહેજ  લાંબો થયો. સામર્થ્યની રેખા જેવી એની અંગૂઠા પાસેની આંગળી સામેની ઉત્તુંગ શિખરાવલિની ટોચ દેખાડતી શોભી રહી. પોતે જાણે કોઈ વાણી બોલતી ન હોય, માત્ર હોઠમાંથી વાણી આવી રહી હોય , તેમ એ ધીમે દ્રઢ અવાજે બોલી રહી હતી: ‘રા’ પડે તો આ પણ પડે!’ એની આંખ જરાક વાંકી દેખાતી હતી: ‘રા’ પડે ને આ ન પડે – એ કદાપિ ન બને!’ એનું નાનકડું માથું જરાક ધ્રૂજી ગયું: ‘એ ન બને!’

પણ એ સાંભળતાં તો જાણે રાણકદેવીની વાણીનો વીજળી ધ્રુજારો અનુભવતા હોય તેમ સૌ ચમકી ગયા.

એક ક્ષણમાં ડુંગરા બાજુથી કાંઇક મોટો ખળભળાટ આવતો સંભળાયો. સિદ્ધરાજ સ્તબ્ધ બનીને જોઈ રહ્યો. સામેની ઉત્તુંગ શિખરાવલિની કોઈ મોટી ભયંકર શિલાઓ, જાણે કોઈએ ધક્કો માર્યો હોય તેમ, એને નમતી દેખાણી! અને પડવા માટે તોળાઈ રહેલી દેખાણી! એક ક્ષણમાં એણે પોતાના તળેટીસૈન્યનો સર્વનાશ આવતો જોયો; એટલામાં એ ચમકી ગયો. રાણકદેવીની એક તીણી ભયંકર ચીસ સંભળાણી.

‘અરે... રા’!’ તેની આંખો મીંચાઈ ગઈ હતી. ‘ગયા! આ...હા! ગયા! મારા રા’! રા’ ગયા!’

દેવુભા આગળ આવ્યો: ‘મા! જોગમાયા મા! આ તો તીરથનું થાનક આમ ન હોય! જુગજુગ જૂનું છે, મા! જાત્રાનું ઠેકાણું જશે અને મલકમાં કેણી રહી જશે! રા’માં પાણી નો’તું એમ કે’વાશે!’

રાણકદેવીની આંખ ઊઘડી ગઈ હતી. તે પ્રશાંત, સ્થિર બની ગઈ; દેવુભા સામે જોઈ રહી: ‘શું છે, દેવુભા!’

‘મા! મલકમાં વાતું થાય. રા’માં પાણી નો’તું. રાણીને આધારે ટક્યો’તો એમ કે’વાશે મા! ગરનાર ખળભળે તો એમ કે’વાય મા!’

સિદ્ધરાજ જોઈ જ રહ્યો હતો. તેણે શું દીઠું – એની એને કાંઈ ખબર ન રહી. દેવુભા શું બોલી રહ્યો છે એ પણ કાંઈ ખબર ન રહી. એણે રાણકદેવીને કાંઈ ન હોય તેમ બહાર નીકળતી જોઈ. એ બે પગલાં આગળ ચાલી: ‘દેવુભા! એવી કોઈ કે’ણી નહિ રહે, ચાલો – આંઈ નંઈ – હવે ન્યાં ન્યાં – ચાલો... દેવુભા! ક્યાં જાવાનું છે?’

‘મા!... મહારાજ જયસિંહદેવ... માને પાટણમાં લઇ જવા આવ્યા છે!’

‘સોનલદે!’ સિદ્ધરાજ બોલ્યો, ‘રા’ હજી જીવે છે; પાટણમાં છે; આપણે ત્યાં જવું છે!’

એક સહેજ મીઠું, જરાક હોઠની રેખા વાંકી વળે તેવું સ્મિત રાણકદેવીના ચહેરા ઉપર દેખાયું ન દેખાયું ને તરત લુપ્ત થઇ ગ્યું. સિદ્ધરાજને જવાબ આપ્યા વિના તે પોતે પોતાને કહેતી હોય તેમ મંદ અવાજે બોલી રહી હતી: ‘આંઈ નહિ... આંઈ નહિ... હવે તો ન્યાં...’

તે આગળ ચાલી. સૌ એને મારગ આપી રહ્યા. જયસિંહદેવને આ એક નવો અનુભવ હતો. આંહીં વિજાતાને કોઈ સ્થાન જ ન હતું. પરાજિત રાજા-રાણીના ગૌરવ પાસે સૌ ઝાંખા પડ્યા હતાં. એની સામે નારીભાવે જોવાની જાણે શક્તિ જ સૌની નષ્ટ થઇ ગઈ હોય તેમ એ આગળ વધતી ગઈ અને સૌને એની પાછળ ચાલતા રહ્યા. ગઢીને દરવાજે પહોંચતાં જ પાલખી દેખાણી.

રાણકદેવી સૌથી આગળ વધી ગઈ હતી. દેવુભા ત્યાં લાંબો થઈને એના પગમાં પડી ગયો હતો: ‘માં! કાંક વેણ – કાંક દેતા જાવ – જેને આધારે સમંદર તરી જવાય!’

ધીમો, મીઠો, સ્વસ્થ શબ્દ સંભળાયો: ‘રા’ જ્યારે જીવે, ત્યારે રા’ મરે! ઊઠો દેવુભા! મારે છેટું પડે છે!’

એની પડખે ઊભેલા સોઢલે આ સાંભળ્યું, ને એ હાલી ગયો. તે બે હાથ જોડીને માથું નમાવતો, ભક્તિથી પ્રણામ કરતો ત્યાં ઊભો રહી ગયો.

‘ચાલો દેવુભા! હવે... ખોટી થાવ મા, ચાલો, ક્યાં જાવું છે?’

તે પાલખી તરફ આગળ વધી.