DHULO TO HARKHPADUDO (DTH) - 44 books and stories free download online pdf in Gujarati

ધૂલો તો હરખપદૂડો (DTH) - 44

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૪૪

આપણે જોયું કે મૂકલા મુસળધારના વિનીયા વિસ્તારીને ચકાસવા માટે ચલાવેલ ગપગોળા અકસ્માત વર્ણન જેવો જ સાચો અકસ્માત ચંપકકાકા સાથે હકીકતમાં થાય છે. થોડીવાર બાદમાં જ મૂકલા મુસળધારના કેતલા કીમીયાગારને ચકાસવા ચલાવેલ બીજા ગપગોળા પ્રમાણે જ ધૂલા હરખપદૂડાનો લંડનવાસી મિત્ર ભારત અચાનક આવી ત્રણ દિવસ માટે મુંબઈ દર્શન કરવા ધૂલા હરખપદૂડા પાસે મદદ માંગે છે. આમ એના આ કાલ્પનિક તુક્કા સાચાં પડતા એમના મિત્ર વર્ગની હાજર મહિલાઓ એને ચમત્કારિક બાબાનો દરજજો આપી એક આશ્રમ ખોલવા તૈયારીઓ કરી રહી છે. હવે આગળ...

એક તરફ મૂકલા મુસળધારના કાલ્પનિક તુક્કા પણ રજેરજ સાચાં પડે છે એવી જાણ ધૂલા હરખપદૂડાએ એમના મિત્ર વર્તુળના વોટ્સએપ ચેટ ગ્રુપ પર મેસેજ સ્વરૂપે પોસ્ટ કરી દીધી હતી. જેના ફળ સમાન એમના મિત્ર વર્ગની સહેલી વૃંદમાંથી હાજર મહિલાઓ એને ચમત્કારિક બાબાનો દરજજો આપી એક આશ્રમ ખોલવા તૈયારીઓ કરી રહી છે. તો બીજી તરફ મૂકલા મુસળધારને આ બધી બબાલ વિશે જરા પણ જાણ નથી.

જોકે આ સહેલી વૃંદમાંથી પિતલી પલટવાર અને સોનકી સણસણાટ કોઈ પણ પ્રકારના સબળા કારણ વગર સંદેહજનક રીતે અચાનક તથા અવ્યવ્હારીક પણે ગેરહાજર હતી. છતાં પણ બાકીની સહેલીઓ વોટ્સએપ ગ્રુપ પર કાલ્પનિક આશ્રમ ઉભો કરી અને એમના બધાનો રોલ નક્કી કરી, આ આશ્રમ સહાયકોના યુનિફોર્મનો રંગ સુધ્ધાં નક્કી કરવાની પેરવીમાં હતાં. એ સમયે ચૂપચાપ બધા મેસેજ વાંચી આનંદ લઈ રહેલા ભાવલા ભૂસકાએ એમના કાલ્પનિક આશ્રમ રથની દોડ પર બ્રેક લગાવી દીધી. એણે ભડાકો કર્યો, 'ઓ ઓલ માવડીઝ, પ્લીઝ સ્ટોપ. એલ્સ બાબા વિલ ગીવ શ્રાપ. બફેલો સ્ટિલ ઇન સ્ટેબલ, બટર મિલ્ક ઇઝ સ્ટિલ કર્ડ એન્ડ ફાઇટ ગોઈંગ ઓન ઇન હોમ.'

આ શ્રાપના ડરથી કે પછી કોઈ અન્ય કારણસર હિરકી હણહણાટએ વોટ્સએપ ચેટ સમય સમાપ્ત થઈ ગયો છે કરીને સભા વિખેરી નાખી. પણ એમની ચેટ આ મિત્ર વર્તુળના વોટ્સએપ ગ્રુપ પર નક્કર પુરાવા તરીકે હેમખેમ સાજીસમી સાબૂત હતી.

સમયાનુસાર બધા મિત્રો માટે આ બધી ગડમથલ ચર્ચાઓ વાંચી વાંચીને હસી હસીને બેવડ વળી જવું એ સ્વાભાવિક હતુ પણ મૂકલો મુસળધાર ક્રોધમાં આવી ગયો. એણે પ્રથમ વખત આ મિત્ર વર્ગના વોટ્સએપ ગ્રુપ પર હિરકી હણહણાટને ખખડાવી, 'આ તમે લોકો આનંદ માટે ગાંડા ઘેલા કાઢો એ અલગ વાત છે પણ સાવ આમ છાકટા થઈ જાવ, એ કેમ ચાલે! @હિના, તું વળી આ પગ માથા વગરની ચર્ચામાં લીડર બની ભાગ ભજવે એ દુઃખદાયક વાત પૂરવાર થાય છે. હસી મજાક ઠીક છે પણ દરેક પ્રકરણની એક હદ હોય. આજે તમે બધી હદ પાર કરી દીધી છે.'

આ સમગ્ર ઘટનાક્રમમાં મયુરીઓ કળાકાર, કળા કરીને એક તરફ હટી ગયો હતો. એ જ આ દિગ્મૂઢ ગ્રુપની મદદે આવ્યો, 'ચંપકકાકાને કેમ છે? કોઈ મેજર તકલીફ તો નથી ને?'

મૂકલો મુસળધારના ક્રોધનો જોશ થોડો નરમ પડ્યો. એણે અહેવાલ આપ્યો, 'વિનીયા વિસ્તારીની વગને લીધે એમનો સર્વ શ્રેષ્ઠ ઉપચાર ચાલે છે. સદભાગ્યે કોઈ ફ્રેક્ચર નથી પણ એક હાડકુ થોડું ખસી ગયું છે. એકાદ અઠવાડિયામાં રિકવરી અપેક્ષિત છે. બાકી એમની ઉંમરને કારણે એકાદ દિવસ આગળ પાછળ પણ થઈ શકે.'

ત્યારબાદ સાધારણ અહીં તહીંની વાતો સાથે એ દિવસની વોટ્સએપ ચેટ મિટીંગ તો સમાપ્ત થઈ ગઈ. પણ આ વિનીયો વિસ્તારી અને કેતલો કીમિયાગાર સપરિવાર કયા ગુપ્ત મિશન પર મંડી પડ્યા હતા એનું રહસ્ય કુતુહલપૂર્વક અકબંધ જ હતું.

આગામી મિત્ર વર્તુળ માસિક શનિવારીય બેઠક હિરકી હણહણાટના ઘરે હોવાની શક્યતાઓ હોવાથી એ ચિંતિત થઈ ગઈ હતી. એણે એની મૂંઝવણની પોતાના સહેલી વૃંદ પાસે પહેલાં રજૂઆત કરી હતી. એ વખતે હિરકી હણહણાટે પોસ્ટ મૂકી હતી, 'ઈશા હરણી ઓલ ડન ઈઝ ડન. બટ વોટ ડન નેક્સ્ટ ટાઈમ?'

સધકીએ સંધિવાત સાઈડ પર મૂકી એને એની ભાષામાં જવાબ આપ્યો હતો, 'નેક્સ્ટ ટાઈમ જે ડન તે ઈટ.' ફટાફટ હાસ્યની સ્માઈલીઓનો ઢગલો થઈ ગયો.

બૈજુ બાવરીએ મમરો મૂક્યો હતો, 'જે ડન તે ડન, બટ નો કોલ સુષમા ઇન્ટિરિયર ડિઝાઇનર ફોર એડવાઇસ વીથાઉટ એડવાન્સ.' અને વોટ્સએપ ગ્રુપનું વાતાવરણ હાસ્ય સભર અને મનોરંજન મોડ પર આવી ગયું હતું. આ જ તો ખાસિયત છે આ મિત્ર વર્ગ તથા આ સહેલી વૃંદની. તેઓ મજાક મસ્તી સાથે સાથે મોજ મજા પણ કરી જાણતાં. પણ હિંમતવાન હિરકી હણહણાટ હજી ફિકરમંદ હતી.

એણે આ માટે બૈજુ બાવરીની મદદ લેવાનું નક્કી કર્યું. બૈજુ બાવરીએ એને બહારથી ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવા સજેશન આપ્યુ અથવા કોઈ ઘરઘરાઉ નાસ્તા અથવા ભોજન બનાવી આપનાર હોય તો એમની મિત્ર વર્ગીય માસિક શનિવારીય બેઠક સમયે ડિલીવરી પહોંચાડી શકે એમ હોય તો એની પર પણ વિચાર જણાવ્યું. હીરકી હણહણાટ સમજી ગઈ કે બૈજુ બાવરીને આ બધી કડાકૂટમાં પડવામાં રસ નથી પણ એને એની એ વાત ગમી કે કોઈ ઘરઘરાઉ નાસ્તા કે ભોજન બનાવી આપનાર હોય તો એમની મિત્ર વર્ગની માસિક શનિવારીય બેઠક સમયે ડિલીવરી પહોંચાડી શકે તો બંને કામ થાય.

એને એક જયાબેન નામની યુવાન વિધવા મહિલા, જે ગ્રાહકોને ઘરઘરાઉ નાસ્તા તથા ભોજન બનાવી આપતી હતી અને રિક્ષા ભાડું લઈ ડિલીવરી પણ કરતી હતી, એ યાદ આવી. એણે સાંભળ્યું હતું કે એની રસોઈ અફલાતૂન સ્વાદિષ્ટ બનતી હોય છે જો એ માની જાય તો અને એ એમની મિત્ર વર્ગ માસિક શનિવારીય બેઠક સમયે ડિલીવરી પહોંચાડી શકે તો એ શ્રેષ્ઠ વિકલ્પ બની શકે એમ હતી.

આ જયાની જીયા નામની એક ત્રણેક વર્ષની પુત્રી હતી. એ એક ગોઝારા અકસ્માતમાં પોતાનો પતિ ગુમાવી ચૂકી હતી. છતાં પણ કોઈના પર પરાધીન થઈ ઓશિયાળું જીવન જીવવા કરતાં નાણાંકિય આત્મનિર્ભરતા માટે એ નાસ્તાઓ તથા ટિફિન સર્વિસનો ગૃહઉદ્યોગ ચલાવતી હતી. એના હાથમાં અન્ન રાંધવાંની મહારત હાંસલ હતી. એની રસોઈ અફલાતૂન સ્વાદિષ્ટ તથા સાત્વિક આહાર રહેતી. એટલે એના માટે આ વ્યવસાય જમાવવો સહેલી વાત હતી. વળી એણે ડિલીવરી માટે એક સાઈકલ ધરાવતી કોલેજીયન છોકરીને સાથે રાખી હતી. જે જરૂર પડ્યે ડિલીવરી કરી આવતી. આમ એની સ્વાદિષ્ટ રસોઈ તથા સમયસર ગરમાગરમ ડિલીવરીએ એના ગૃહઉદ્યોગને સફળતા અપાવી દીધી હતી. કોઈ પણ જાતની જાહેરાત વગર, સંતુષ્ટ ગ્રાહકોના એકમેકની માઉથ ટુ માઉથ પબ્લિસિટી દ્વારા એનો ધંધો ધમધોકાર ચાલતો હતો.

હિરકી હણહણાટને પણ માઉથ ટુ માઉથ પબ્લિસિટીના સહારે એનો નંબર કોઈએ આપ્યો હતો. એને એ નંબર શોધતા વાર નહીં લાગી.

એણે એને ફોન કોલ કર્યો, "હલો, જીયા સાત્વિક ભોજન તથા ટિફિન સર્વિસ?"

સામેથી મીઠો ટહુકો સંભળાયો, "જી. અમે આપને કઈ રીતે મદદરૂપ થઈ શકીએ?"

હિરકી હણહણાટ હરખાઈ, "મને આ નહીં અને એની પછીના શનિવારે બારેક લોકો માટે ઘરપહોંચ ટિફિન સર્વિસ તથા થોડો નાસ્તો જોઈએ છે."

"મળી જશે." એ ફરી ટહુકી, "ગરમાગરમ ડિલીવરી મળી જશે. ફક્ત આપને એ ડિલીવરી માટે રિક્ષા ભાડું ચાર્જ થશે."

હીરકીએ હકાર ભણ્યો, "ભલે. પણ જમવાનું એ વન ક્વૉલિટીનું હોવુ જોઈએ. મારે ખાસ એવી પંજાબી, પંજાબી મીઠાઈ સમેત, થાળી અને નાસ્તાઓ જોઈએ છે. એમ લાગવું જોઈએ કે જાણે કોઈ પંજાબણે રસોઈ બનાવી છે. જે ખાય એ આંગળા ચાટે એવી રસોઈ જોઈએ છે."

એણે ધરપત આપી, "તમે ફક્ત મેનુ ફાઇનલ કરજો. થોડા એડવાન્સ આપી દેજો એટલે તમે ફ્રી બાકી બધી જવાબદારી અમારી. હું તમને મારું મેનુ કાર્ડ તથા એડવાન્સ માટે બેન્ક એકાઉન્ટ ડિટેલ્સ મોકલાવી દઈશ. આભાર."

હીરકીએ આખરી જરૂરિયાત જણાવી દીધી, "જુઓ બહેન, મેં તમારું નામ અને તમારા કામના ભરપેટ વખાણ સાંભળ્યા છે. એટલે એ ઓર્ડર કે એડવાન્સની ચિંતા નથી પણ મારી ચિંતા અલગ જ છે."

હજી શું ચિંતા બાકી છે હિરકી હણહણાટની? શું રહસ્ય હશે વિનીયા વિસ્તારી તથા કેતલા કીમિયાગારના મિશનનું? આ રહસ્યનું શનિવારે પર્દાફાશ થઈ ભાંડો ફૂટી જશે કે અકબંધ રહેશે? આગળ શું થશે? આપના દરેક પ્રશ્નનો મજેદાર જવાબ મળશે ફક્ત જોડે રહેજો. અને હા, 'ધૂલો તો હરખપદૂડો (DTH) : પ્રકરણ ૪૫' તથા આગળના દરેક પ્રકરણ વાંચવાનું ચૂકશો નહીં. આભાર (ક્રમશ...).

લેખક: ગિરીશ ભવાનજી મેઘાણી (GBMSIR).