Premni Anukampa - 12 books and stories free download online pdf in Gujarati

પ્રેમની અનુકંપા - ભાગ ૧૨

પપ્પાના કહેવાથી વીર ને પ્રકૃતિ અમદાવાદના પ્રખ્યાત ફરવાલાયક સ્થળ પર ફરવા નીકળી પડ્યા. તેઓ પહેલા રિવરફ્રન્ટ પહોચ્યા. સાબરમતી નદીના કિનારે તેઓ સાથે ચાલતા ચાલતા વાતો કરતા રહ્યા અને પછી એક યાદગીરી બની રહે તે માટે બંનેએ સાથે ઘણી સેલ્ફી મોબાઈલમાં કેદ કરી. જે રીતે સાથે ફરી રહ્યા હતા તે જોતાં એવું લાગે કે બન્ને પ્રેમીઓ છે. અને રોમેન્ટિક પળો સાથે વિતાવી રહ્યા છે.

પ્રકૃતિ અને વીર બન્ને નજીક બેસીને વાતો કરી રહ્યા હતા તે સમયે કોઈ અજાણ્યો યુવક તેમની તરફ નજર રાખીને બેઠો હતો. પ્રકૃતિ વાતોમાં મશગુલ હતી જ્યારે વીર આજુ બાજુ નજર કરી રહ્યો હતો ત્યારે તેની નજર પેલા યુવાન પર પડી. તે યુવાન તેમની તરફ એકીટચે જોઈ રહ્યો હતો. એટલે વીર ઊભો થયો થોડે આગળ જઈને બેઠા. તે ઈચ્છતો ન હતો કે તે મારી અને પ્રકૃતિની વાતો સાંભળે.

વીર તે જગ્યાએ થી થોડે દૂર બેઠો કે તરત પેલો યુવાન છૂપી રીતે તેમની પાછળ આવીને ઊભો રહી ગયો. જાણે તે આ બંનેની વાતો સાંભળવા માંગતો હોય. વીર ફરી તે યુવાનને જોઈ ગયો. વીર હવે સમજી ગયો હતો કે આ યુવાન અમારી બન્નેની વાતો સાંભળવા અથવા અમારી સીઆઇડી કરવા આવ્યો છે. વીરે તેની અવગણના કરીને પ્રકૃતિ ને કહ્યું. ચાલ પ્રકૃતિ આપણે કોઈ બીજી જગ્યાએ જઈએ.

પ્રકૃતિ ત્યાંથી વીર ને કાકરીયા તળાવ લઈ ગઈ. અને તળાવના કિનારે કોઈ સારી જ્ગ્યાએ બેસીને વાતો કરવા લાગ્યા. જ્યાં ભીડ બહુ ઓછી હતી. વાતો કરતી વખતે વીર ની નજર આજુબાજુ હતી. તેને હજુ એમ હતું કે કોઈ અમારી વાતો સાંભળી રહ્યું છે.

બન્ને વાતો કરી રહ્યા હતા ત્યાં એક યુવાન છોકરી અને છોકરો પસાર થયા. બન્ને હાથમાં હાથ નાખીને ચાલી રહ્યા હતા. જોતા એવું લાગે કે બન્ને પ્રેમ પંખીડા હશે. તેઓ બંને ત્યાંથી પસાર થયા ત્યાં તેમણે પ્રકૃતિ ને જોઈને ઊભા રહી ગયા.

પ્રકૃતિ... તું અહી..? તે યુવતી બોલી. જાણે તે પ્રકૃતિને ઓળખતી હોય.

વીર સામેથી તેણે નજર હટાવી ને પ્રકૃતિ એ તેમની તરફ જોતા જ પ્રકૃતિ ઓળખી ગઈ કે આતો મારી કોલેજની ફ્રેન્ડ રાજવી છે.

રાજવી તું અહી...?
આ તારી સાથે કોણ છે.?

એ પછી પ્રકૃતિ.. પહેલા તું કે
તારી બાજુમાં બેઠેલ આ હેન્ડસમ કોણ છે.?

પ્રકૃતિ ની સગાઈની વાત રાજવીને ખબર હતી એટલે પ્રકૃતિ ખોટું બોલી શકી નહિ અને પ્રકૃતિએ કહ્યું.
આ વીર છે જેમની સાથે મારી સગાઈ થઈ છે.

"ખૂબ ખૂબ અભિનંદન...પ્રકૃતિ.."
છોકરો તો તે સરસ પસંદ કર્યો છે પણ... આટલું કહીને રાજવી અટકી ગઈ. જાણે તે કઈક કહેવા માંગતી હતી પણ બોલી શકી નહિ.

રાજવી આપણે કોલેજમાં મળીએ. તું પ્રિય પાત્ર સાથે સાથ સમય વિતાવ હું પણ...બેસ્ટઓફ લક કહીને આગળ ચાલવા લાગી.

વીર કઈ સમજી શક્યો નહિ તેને એમ લાગ્યું કે રાજવી તેમની ફ્રેન્ડ હશે એટલે અહી ઊભી રહી અને પ્રકૃતિ સાથે આવી રીતે વાત કરી પણ તેને ક્યાં ખબર હતી કે રાજવી જાણી જોઈને પ્રકૃતિ પાસે આવી હતી. તે પણ કઈક જાણવા માટે.

પ્રકૃતિ ને સાંજ સુધી વીર ને સાથે રહેવાનું હતું. તે ઘરે કહીને આવી હતી કે અમે સાંજે પાછા ફરીશું. એટલે ફરી બન્ને વાતો કરવા લાગ્યા. ફરી વીર ની આજુબાજુ નજર કરતો જોઈને પ્રકૃતિ બોલી.
ક્યાં નજર છે તારી વીર. તારી સામે સુંદર છોકરી બેઠી છે ને તારી નજર આમતેમ ફર્યા કરે છે .?

વીર સમજી શક્યો નહિ તેને લાગ્યું પ્રકૃતિ મારી સાથે મઝાક કરી રહી છે. પણ પ્રકૃતિ જે રીતે વીર સામે જોઈ રહી હતી એ જોતા એવું લાગે ક્યાક તો પ્રકૃતિ વીર ને પસંદ તો કરે જ છે. પણ ગૌરવ તેનો પહેલો પ્રેમ છે એટલે તે લાચાર છે.

હવે વીર ની નજર આજુબાજુ માંથી હટીને પ્રકૃતિ તરફ ઢળી. વીર પણ થોડી વાર ભાન ભૂલી ગયો કે પલ્લવી મારી લાઇફ છે. અને પ્રકૃતિ મારી દોસ્ત. પણ આટલું સુંદર સ્થળ અને ઢળતી સાંજ એટલે રોમાંટિક તો બની રહેવાની. તેમાં પણ તેની સામે બે કપલ રોમેન્ટિક મૂડમાં જોઈને બંનેને થોડી વાર તો થયું કે આપણે પણ એકબીજાની નજીક આવી જઈએ. પણ તેઓ દોસ્ત છે એટલે નજીક આવ્યા નહિ.

એકબીજાને જોવામાં અને વાતો કરવામાં તેમને ખ્યાલ પણ રહ્યો નહિ કે સાંજ પડી ગઈ છે. પણ જ્યારે ધીરે ધીરે લોકોની અવર જવર વધવા લાગી કે તેઓ ને ખ્યાલ આવ્યો કે આપણે હવે ઘરે જવું જોઈએ. એટલે તેઓ ઘર તરફ ચાલતા થયા.

બન્ને ઘરે પહોંચ્યા અને બન્નેનાં હસતા ચહેરા જોઈને પ્રકૃતિનાં મમ્મી પપ્પા સમજી ગયા કે હવે આ બન્ને એકબીજાને સારી રીતે જાણી ગયા છે અને બંને વચ્ચે પ્રેમ પણ થઈ ચૂક્યો છે એટલે જલ્દી બન્નેનાં લગ્ન કરી દેવા જોઈએ. પણ અત્યારે તેમની સામે કહેવું ઉચિત લાગ્યું નહિ કેમકે લગ્નની વાત તો વડીલો સાથે કરાય બાળકો સાથે નહિ.

બીજા દિવસે સવારમાં વીર ઉઠી રહ્યો હતો ત્યાં પલ્લવી નો મેસેજ આવ્યો. ક્યાં છે વીર તું..?

હું બહાર છું. તું ક્યાં છે.? મેસેજમાં વીરે જવાબ આપ્યો.

બહુ મિસ કરું છું યાર તને. પ્રેમની લાગણી વ્યક્ત કરતી પલ્લવીએ દિલ ના સ્ટીકર મેસેજમાં મોકલ્યા.

હું પણ તને મિસ કરું છું પલ્લવી.. આપણે જલ્દી મળીએ. સવારમાં જાણે પલ્લવી ની ખુબ યાદ આવતી હોય તેમ વીરે પણ મિસ યુ... મિસ યુ.. નાં ત્રણ ચાર મેસેજ કરી નાખ્યાં.

તું ફ્રી હો તો વડોદરા આવી જા. હું તમે વડોદરા દેખાડું. વડોદરા પર જોવાય જશે અને મળી પણ લઈશું. મળવાની આશા વ્યક્ત કરતી પલ્લવીએ કહ્યું.

ચાલ તો પછી હું થોડી વારમાં નીકળું છું. હું વડોદરા આવીને તને ફોન કરું. આટલું કહીને વીરે મેસેજ માં બાય કહી દીધું અને જલ્દી જલ્દી તૈયાર થવા લાગ્યો.

તૈયાર થઈને હાથમાં તેમની બેગ લઈને વીર રૂમમાંથી બહાર નીકળે છે. પ્રકૃતિ ના પપ્પા વિશ્ર્વાસભાઈ સવાર સવારમાં સોફા પર બેસીને ટીવી પર ન્યૂઝ જોઈ રહ્યા હતા. તેમની પાસે જઈને "જય શ્રી કૃષ્ણ" કહ્યું.

હાથમાં બેગ જોઈને વિશ્વાસભાઈએ કહ્યું.
વીર આ બેગ લઈને ક્યાં જવું છે.? બેગ મૂકી દો. હજુ તો તમારે બે દિવસ અહી રોકાવાનું છે.

મારે અચાનક એક કામ આવી ગયું છે એટલે મારે નીકળવું પડશે. મને રજા આપો. નમ્રતા થી વીરે કહ્યું.

વીર ના હાથ માંથી બેગ લઈને વિશ્વાસભાઈએ કહ્યું. એમ ક્યાંય જવાનું નથી. ધીરજલાલ સાથે હજુ મારે કાલે વાત થઈ ગઈ છે કે વીર ભલે ત્યાં બે દિવસ રોકાય. તે હમણાં ફ્રી છે. અને તમે કહો છો કામ છે મારે.! જે પણ કામ હોય તે.. પણ આજે તો તમારે જવાનું નથી. આજે તમારે અને પ્રકૃતિ ને અડાજણ ની વાવ જોવા જવાનું છે. આવ્યા છો એટલે બે દિવસ તો રોકાવવું જ પડશે.

વીરે ફરી કહ્યું અંકલ મારે કામ છે મારે જવુ જરૂરી છે.

ક્યાંય જવાનું નથી વીર. આજે તો તમારે રોકાવાનું જ છે.

આટલી બધી લાગણી જોઈને વીર ચૂપ થઈ ગયો. હવે શું કરીશ તે વિચારમાં પડી ગયો.

શું વીર હવે પલ્લવી ને મળવા વડોદરા જશે.? શું પ્રકૃતિ વીર ને અડાજણ ની વાવ જોવા લઈ જશે.? શું પ્રકૃતિ વીર વચ્ચે દોસ્તી મજબૂત થશે કે બન્ને વચ્ચે પ્રેમ થઈ જશે.? જોઇશું આપણે આગળના ભાગમાં..

ક્રમશ...