Guhilot Dynasty and Maharana Pratap in Indian History - 96 in Gujarati Short Stories by Sisodiya Ranjitsinh S. books and stories PDF | ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 96

Featured Books
Share

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 96

(૯૬) મહારાણા પ્રતાપ આબુની ઉત્તર-પશ્ચિમે

 

અત્યાચારી મોગલ-સેનાપતિ શાહબાઝખાનનું દમનચક્ર વિધુતવેગે મેવાડ પ્રદેશમાં ફરવા માંડ્યું. સર્વત્ર જુલ્મ, શોષણ અને ભયનું વાતાવરણ પ્રસરી ગયું. મૃત્યુનું ભયાનક તાંડવ મેવાડ-પ્રદેશને ડોલાવી ગયું. શાહબાઝખાન જાણે રાવણ કે કંસ ન હોય! કાતીલ ચંગીઝખાન ન હોય કે તૈમૂરલંગ ન હોય! તેમ જુલ્મોનો પર્યાય બની ગયો. જેણે મહારાણા કે મહારાણાના સાથીઓનો છાંયો પણ આભડી ગયો હોય એવી કેવળ આશંકા આવે તોપણ તે તેના સમગ્ર પરિવારને મોતને ઘાટ સુવાડી દેતો. પછી ભલે ને તે બાળક હોય, અંધ હોય, સ્ત્રી હોય કે વૃદ્ધ હોય. એણે મહારાણાને જીવતા પકડવાનો નિર્ધાર કરી લીધો હતો. એની સૈનિક કારકીર્દિનો સવાલ હતો.

મેવાડી પ્રજાની લોહીની નદી વહેતી જોઇ, મહારાણાનું દિલ કપાઈ જતું. અરવલ્લીની પહાડીઓમાં. એની કંદરાઓમાં, એની ઘાટીઓના સંતાવાનો, છુપાવાના પ્રત્યેક માર્ગોએ મોગલ સિપાહીઓ ખડકી દીધા.

“મહારાણાજી, મેવાડની પહાડીઓ હવે સલામતી બક્ષી શકે એમ નથી. લોહી-તરસ્યા વાઘ હોય એવો ઝનૂની બન્યો છે દુશ્મન. નાગને મારી નાખેલા હત્યારાને ડંખ દેવા ઝનૂની બનેલી નાગણની માફક, પોતાની ધોવાઈ ગયેલી પ્રતિષ્ઠાને પાછી મેળવવા શાહબાઝખાન ઝનૂનમાં અંધ બની ગયો છે. દોષી અને નિર્દોષ.........નો ભેદ સમજતો નથી. કારમી કત્લેઆમ ચલાવી રહ્યો છે. ગાંડા હાથીને માર્ગ આપવામાં જેમ શાણપણ હોય છે તેમ થોડા વખત મેવાડમાંથી ખસી જવામાં ડહ્યાપણ છે.” સરદાર ગુલાબસિંહ મહારાણાને વિનંતી કરી.

“કાળુસિંહ, તમારો શો અભિપ્રાય છે?”

“મહારાણાજી, ગુલાબસિંહની વાત સમયોચિત છે. આમાં નમવાની વાતતો નથીજ હું ધારૂં છું કે, થોડો પોરો ખાઈને ત્રાટકવાની ચાલ છે.”

“મારા પ્રિય સાથીઓ, હું મોતથી ડરતો નથી. પરંતુ નિર્દોષ પ્રજાના રક્તપાતથી કંપી ઉઠ્યો છું. મેવાડની ધરતી મારે છોડવી પડશેએ વિચારથી હૈયામાં ચીરો પડે છે. પરંતુ ભાવિ મજબુત બનાવવા સહિ. આસન પરથી ઉભા થઈ મહારાણા થોડે દૂર ગયા, નીચે નમ્યા. ધરતીને વંદન કર્યા. જમણા હાથે ધૂળ લીધી આંખોમાં આંસુ આવી ગયા.

“વતનની રજ, માતૃભૂમિ મારે મન સ્વર્ગ કરતાંયે ઉત્તમ છે. માઁ, તારા પુત્રને આ પ્રસંગે રજા આપ, તારા વિયોગને સહન કરવાની શક્તિ આપ. તારો ત્યાગ, હે માતૃભૂમિ, અલ્પ સમય માટે જ હું કરી રહ્યો છું. જો આ અભિયાનમાં હું જીવતો રહિશ અને નવી શક્તિ પ્રાપ્ત કરીશ. તો મેવાડની ધરતીને મેળવવા, ફરી એકવારમાં મારી ભવાની વિધુતગતિથી ફરશે. માદરેવતન સ્વતંત્ર થશે.”

થોડા સાથીઓ, જે પ્રાણના ભોગે મહારાણા અને તેમના પરિવારને સાચવતા હતા તેઓ સાથે જવા તૈયાર થયા. મહારાણા વધારે ગમનીન બની ગયા. “બહાદુર સાથીઓ, આપણાં ધ્યેયમાંથી, જ્યાં સુધી તમારા જેવા સાથીઓ હશે ત્યાંસુધી દુનિયાની કોઇપણ તાકત આપણને નમાવી શકશે નહિ.”

“મહારાણાજી, અમે આપની સાથે રહેવામાં પરમ ભાગ્ય માનીએ છીએ.” સૌનાં વતી ગુલાબસિંહ અને કાળુસિંહે જવાબ આપ્યો.

વતનની માટીને માથે લગાવીને, એ નરશાર્દુલ, વતનનો ત્યાગ કરવા તત્પર થયો. એ એવો લાગતો હતો કે, જાણે સ્વાતિ-બુંદનો તરસ્યો પપીહા નવા સહારાની શોધમાં પ્રસ્થાન કરી રહ્યો હોય. ચારે બાજુ છવાયેલા મોગલ સિપાહીઓથી સંરક્ષીને ભીલોએ આ દળને આબુની ઉત્તર-પશ્ચિમે સુંધાના ઉંચા ઉંચા પહાડોમાં પહોંચાડી દીધા. ભગવાન શંકરના પાર્ષદો જેવા, ભીલોએ મહારાણાના ચરણોમાં વંદન કરી વિદાય માંગી. ભીલોના આંસુ વડે, મહારાણાના ચરણો ધોવાયા.

“તમારા ઋણમાંથી મુક્ત કેમ થવાય?” ગળગળા સાદે મહારાણા બોલ્યા.

વીરોના હાકોટા પડછંદ હોય છે. વીરોની વેદના ધારદાર હોય છે. તો વીરોનું રૂદન પણ ચોમાસામાં બે કાંઠે વહેતી ગંગાના જેવું, માઝા મુકનારૂં હોય છે.

એક દળમાંથી બે દળ બન્યા. એક દળ આબુની પહાડીઓમાં ચાલ્યું. બીજું દળ મેવાડ પરત ફર્યું. બંને દળોની વેદનાનો પડઘો ઉંચા ઉંચા પહાડો પાડી રહ્યા હતા.

તે વેળા આ પ્રદેશમાં પરમારોનું રાજ્ય હતું. આબુના મહાન રાજવી પરમાર ધારાવર્ષાદેવની આ ભૂમિ. ઠાકોર “રાયધવલ” પરમારોની “દેવળ” શાખાનો રાજપૂત હતો. એ અટંકી વીર હતો. એની પરંપરા જવલંત હતી. પહાડી પ્રજા આઝાદીની આબોહવામાંજ જીવે અને મરે. એ મહારાણા પ્રતાપનો પરમ ચાહક હતો. એક વેળા, સરદાર ગુલાબસિંહ તેના ગામમાં ગયા હતા. વાતવાતમાં આ રાયધવલે કહ્યું હતું. મહારાણા પ્રતાપ તો ભગવાન રૂદ્રનો અવતાર છે. મેવાડના ફળદેવતા “ભગવાન એકલિંગજી” નો છાયાવતાર છે. એ યોગભ્રષ્ટ આત્મા મહાદેવ છે. અને આથી જ મહારાણા આ પ્રદેશમાં ઉતરી આવ્યા હતા.

“મેવાડના મહારાણાજી, પોતાના સાથીઓ સાથે, સરહદ ઓળંગી, આ બાજુ આવી રહ્યાં છે. “સીમારક્ષક દળના આગેવાન મોહનસિંહ દેવડાએ ઠાકોર રાયધવલને સમાચાર આપ્યા.

ઠાકોર રાયધવલના ચહેરાપર આંનંદનું, આશ્ચર્યનું મોજું ફરી વળ્યું. આજુબાજુ ઉભેલા સરદારોના મુખપર નવાઈના ભાવ વાંચાતા હતા.

“મોહનસિંહ, સૂર્યવંશદીપક મહારાણા પ્રતાપના પવિત્ર ચરણોથી આપણું રાજ પાવન થયું છે. હું જાતે, સામે જઈ સ્વાગત કરવા ઇચ્છું છું. સૌને ખબર આપો કે, વાજતે-ગાજતે મહારાણાજીના સ્વાગતમાં જોડાય.”

આ વાત જોતજોતામાં, ધૂપ સળીની સુગંધની માફક સર્વત્ર પ્રસરી ગઈ. દરબારગઢ આગળ માનવ-મેદની ઉમટી. ઠાકોર રાયધવલ પોતાના રસાલા સાથે પગપાળા, જે માર્ગે મહારાણાજી આવી રહ્યા હતા. તે માર્ગ તરફ ચાલી નીકળ્યા. આગળથી એમનો એક દૂત, મહારાણાજીને, આ સમાચાર આપવા નીકળી ચૂક્યો હતો.

સામસામે નજરો મળતાં ઠાકોર રાયધવલ અને મહારાણા પ્રતાપે પરસ્પર આંખોથી વાતો કરી લીધી. બંને દળ ભાવપૂર્વક ભેટ્યા. અપૂર્વ ઉત્સાહથી મહારાણાજીએ દરબારગઢમાં પ્રવેશ કર્યો.

“રાયધવલજી, તમે બુઝાતા-દીપકને પ્રજવલિત રાખવા, અણીની પળે, કોડિયામાં તેલ પૂરી રાજપૂતી શાન માટે મહત્વનું કામ કર્યું છે. ઇતિહાસ આ પળને નહિં ભૂલે.” ગળગળા થઈ, ભીના સાદે સરદાર ગુલાબસિંહે કહ્યું.

“હું નાની જાગીરનો ઠાકોર, મારે આંગણે ગુહિલોતવંશના મહારાણાજી એતો મારી સાતે પેઢીમાં પ્રથમ બનાવ છે. આજના દિનનું ગૌરવ તો મારી આવતી પેઢી હજારો વર્ષો સુધી માણતી રહેશે.”

મહારાણા પ્રતાપ ત્યાં રોકાઈ ગયા, આબુની ખીણમાં, ગાઢ અરણ્યમાં ભમતા ભમતા શિકાર ખેલતાં થોડા દિવસો ખૂબ મઝાથી પસાર થઈ ગયા.

આકાશમાં પૂર્ણિમાનો ચંદ્ર ખીલ્યો છે. પોતાના શયનખંડમાં રાયધવલ, રાણી પદ્‍માવતી સાથે વાર્તાલાપ કરી રહ્યાં છે.

“આપ મહારાણાજીની તહેનાતમાં અમને તો ભૂલી ગયા લાગો છો.”

“રાણી, કાંઈક એવું જ છે. અતિથિ એટલા મોટા ગજાના છે કે, એમની જેટલી આગતા-સ્વાગતા કરીએ એટલી ઓછી છે. તું જાણે છે કે, રાજપૂત-કૂળોની છત્રીસ શાખાઓમાં મેવાડી રાજાનું ગુહિલોત કૂળ સૌથી શ્રેષ્ઠ ગણાય છે. એ વંશના આદર્શ મહારાણા માટે જેટલું કરીએ એટલું ઓછું.”

“મને પણ એક વિચાર આવ્યો છે. એ વિચારની યોગ્યતા, અયોગ્યતા વિષે મને બહુ ભાન નથી. આપણી કુંવરીને મહારાણા સ્વીકારે તો ...” વાક્ય પૂરૂં થાય તે પહેલાંજ, ઠાકોર રાયધવલ બોલ્યા.

“શાબાશ, રાણી, તમે તો મારાં કરતાં ચતુર નીકળ્યા. હું કાલે જ પ્રયત્ન કરીશ.”

બંનેના હૈયામાં હરખની ભરતી ચઢી.

“ગુલાબસિંહજી, કાલુસિંહજી, તમો તો મહારાણાજીના ડાબા-જમણા હાથ છો. હું મારી એક માંગણી તમને જણાવવા માંગુ છું. સાથે સાથે નિર્ણય સંપૂર્ણ સ્વતંત્ર રીતે, હ્રદયથી જે આવશે. એ સ્વીકારવા પણ તૈયાર છું.”

“રાયધવલજી, એશું બોલ્યા? રામની સંકટ વેળા સુગ્રીવે જે સાથ આપ્યો હતો એવો સાથ તમે મહારાણાજીને આ વેળા આપ્યો છે. આપની વાતનો ઇન્કાર હોય જ નહિ. આપ તો મેવાડના હિતચિંતક છો.”

“મારી પુત્રી સરિતા મહારાણાજી સ્વીકારે તો?.... સંકોચવશ વીર રાયધવલ વાક્ય પૂરૂં કરી શક્યા નહિ.”

“તો સોનામાં સુગંધ ભળે. આબુ તો રાજપૂતાનાનું નાક છે.” ગુલાબસિંહ ગેલમાં આવી જઈ કહ્યું.

અલ્પ કાળમાંજ, એક સુંદર લગ્ન-સમારંભ ગોઠવાયો, પ્રજાના અપાર ઉત્સાહ વચ્ચે બે રાજઘરાનાના નાજુક તાંતણાથી જોડાઈ ગયા મિત્રતાનો સંબંધ હવે લોહીની સગાઈમાં પલટાઈ ગયો.

આજકવિ ચંદ્રભાણે વીરધવલને બિરદાવતા કહ્યું. “આપે ઘણું ઉત્તમ કાર્ય કર્યું છે. સંકટના સમયે તન, મન અને ધન થી મેવાડના મહારાણાશ્રીની પડખે ઉભા રહીને સંસ્કૃતિના રક્ષકની રક્ષાનું કાર્ય કર્યું છે. આપણો ઇતિહાસ ...... અર્જુનપુત્ર અભિમન્યુ શા માટે પૂજાય છે? નહિ કે, એ ભગવાન શ્રીકૃષ્ણની બહેનનો દીકરો હતો. નહિ કે એ અર્જુન પુત્ર હતો. એણે મહાભારતના યુદ્ધમાં જ્યારે પાંડવ સેનામાં ચક્રવ્યુહ ભેદવાના ખરા સમયે અર્જુન અને કૃષ્ણની ગેરહાજરીમાં પડકાર ઝીલી લીધો અને એ માટે પ્રાણ આપ્યા. કૃષ્ણને પાંડવો પ્રત્યે અર્જુનના મત્સ્યવેધથી અહોભાવ જાગ્યો અને પછી સુભદ્રા પરણાવી લોહીનો સંબંધ બાંધી પાંડવો ને ધર્મરક્ષકની ભૂમિકા ભજવવામાં મદદ કરી. ખરેખર તમે મેવાડના શરીરને નાક આપી શરીરને શોભાવ્યું છે.”

વીરધવલ આ બધું અહોભાવથી સાંભળી રહ્યા.

સમય પસાર થતો જાય છે. “કાલુસિંહજી, પાંચ માસ જેટલો લાંબો સમય અહીં વીતી ગયો. હવે ફરી મેવાડ તરફ ક્યારે પ્રયાણ કરીશું?”

“મહારાણાજી, આપણાં ગુપ્તચરો સતત ફતેહપુર સિક્રી, અજમેર અને મેવાડમાં પથરાયેલા છે. પૂંજાજી કંઈક એ બાબતમાં કહેવા માંગે છે.”

“માહારાણાજી, હમણાં એક સમાચાર આવ્યા છે કે, બાદશાહ અકબર ખૂબ ચિંતિત છે. બંગાળામાં કાંઈક ગરબડ છે.” ત્યાં સર્વ સેના મોક્લાશે. હસતાં હસતાં મહારાણા બોલ્યા. “શાહબાઝખાન રાજપૂતાનામાંથી એ કારણે જશે. તો પાછા આપણે મેવાડ જઈએ.”

પૂજાજી, તમારી જાસૂસીસેના અને તમારી ઝડપિ નિર્ણય શક્તિ માટે મારા મનમાં ઉંડી શ્રધ્ધા છે. જાસૂસ તો શાસક ની આંખ છે. એ આંખ જો સાબૂત હોય તો શાસક કદી પાછો પડતો નથી.”

એક શુભ ચોઘડિએ સરિતાને પ્રતાપસિંહ સાથે વિદાય કરી. પોતાના થોડા મહાવીર યોદ્ધા આપ્યા. પ્રતાપસિંહ પોતાના રસાલા સાથે આબુ પ્રદેશથી મેવાડ તરફ આવવા રવાના થઈ ગયા. શાહબાઝખાન હવે રાજપૂતાનામાં ન હતો. હવે રહી ગઈ હતી માત્ર જાલીમના અત્યાચારોની કથા.

મેવાડમાં સમસ્ત ભીલ પ્રજાને મહારાણા અને તેમના પરિવારની રક્ષા માટે સાવધ કરી દેવામાં આવી.

મોગલસેનાની સતત નિગરાની, કડક જાપ્તો હોવા છતાં પૂંજા ભીલની હોંશિયારીએ ફરી પાછા મહારાણા મેવાડના પ્રદેશમાં આવી પહોંચ્યા. “અરવલ્લીનો સિંહ” આવી ગયો એ ખબર મળતાંજ પ્રજામાં નવીન ઉત્સાહ જાગ્યો.