Bhootno Bhay - 14 books and stories free download online pdf in Gujarati

ભૂતનો ભય - 14

ભૂતનો ભય ૧૪

- રાકેશ ઠક્કર

મૂન ટુ સન

રોહલ રાત્રે પોતાની કારમાં જઈ રહ્યો હતો ત્યારે સામે એક સ્ત્રીએ હાથ ઊંચો કરી ઊભા રહેવા ઈશારો કર્યો. રોહલ એકલો જ હતો અને રોજ રાત્રે મોજમજા માટે નીકળી પડતો હતો. એકલી સ્ત્રીને જોઈ એની કામવાસના ભડકી ગઈ. એણે કારને બ્રેક મારી અને ઊભેલી સ્ત્રી તરફ એક નજર નાખી. એ ઇશારાથી એને લિફ્ટ આપવા કહી રહી હતી. એની બાજુમાં સ્કૂટર પડ્યું હતું.

રોહલે વિચાર્યું કે આ સ્ત્રીનો ચહેરો જાણીતો કેમ લાગી રહ્યો છે? રાત્રે શરાબના નશામાં કોઈ ભ્રમ થઈ રહ્યો હશે એમ માની કારના ડાબા દરવાજાનો કાચ ખોલી મોકો ઝડપી લેવા પૂછ્યું:ક્યાં જવું છે?’ પછી એકદમ એને યાદ આવી ગયું:રુત્વા...?’

હા, મને ઓળખી ગયો?’ રુત્વાએ દરવાજો ખોલતાં પૂછ્યું.

ના-ના, તું અંદર ના આવીશ... રોહલ ગભરાઈને દરવાજો અને કાચ બંધ કરવા લાગ્યો.

ડરીશ નહીં... હું ભૂતની નથી. હું એ દિવસે બચી ગઈ હતી... પણ તું ક્યાં ગાયબ થઈ ગયો હતો?’ રુત્વાએ એને દરવાજો બંધ કરતાં અટકાવ્યો અને સાબિતી આપતા કહ્યું:મારા હાથમાં ચીમટો ભરી જો...

હં... પણ તું અહીં? કેવી રીતે? કેમ?’ રોહલે એના હાથ પર ખરેખર ચીમટો ભરી ખાતરી કરીને અનેક સવાલ કરી પોતાનો ડર છતો કર્યો.

ચાલ... હોટલ મૂન ટુ સન લઈ લે... બધી વાત તને કરીશ... કહી રુત્વા પોતાના બગડેલા સ્કૂટરને નજીકમાં પાર્ક કરી અંદર બેસી ગઈ અને બોલી:તારી સાથે મુલાકાત થવાની હશે એટલે જ સ્કૂટર બગડી ગયું. હું હોટલમાં રાત્રિ પાળીમાં જ જઈ રહી હતી. તું એક રૂમ બુક કરાવી લેજે.

રાત્રે હોટલમાં મહેમાનગતિ માટે લઈ જવાની વાત કરી એટલે રોહલનો બધો ડર નીકળી ગયો. રુત્વાએ એને આંખ મારી કહ્યું:ઘણા મહિના પછી મળ્યાં નહીં ખરું?’

હા, પણ એ દિવસે તું પાણીમાંથી કેવી રીતે બહાર આવી હતી?’ રોહલને દારૂના નશામાં પણ એ રાત યાદ હતી.

એ દિવસે રાત્રે આપણે દીવના દરિયામાં નહાતા હતા ત્યારે અચાનક મોટી ભરતી આવી હતી ને?’ રુત્વાએ યાદ કરાવ્યું.

હા... અને તું ગાયબ થઈ ગઈ હતી... રોહલે હવે ચિંતાનો દેખાડો કરતાં કહ્યું:મેં ઘણી શોધ કરી પણ તું મળી જ નહીં...

રોહલની આંખ સામેથી એક જ ક્ષણમાં એ પ્રસંગ વીજળીના ચમકારાની જેમ પસાર થઈ ગયો. એ રુત્વાને પટાવીને દીવ ફરવા લઈ આવ્યો હતો. એની સાથે બે રાત વીતાવ્યા પછી રુત્વાએ જ્યારે દીવના જ કોઈ મંદિરમાં લગ્ન કરી લેવાની વાત કરી ત્યારે એણે એક દિવસમાં વિચારીને નિર્ણય લઈશું એમ કહ્યું હતું. એ રાત્રે એ રુત્વાને દરિયામાં નહાવા લઈ ગયો હતો. રુત્વાને તરતા આવડતું ન હોવાથી એ અંદર સુધી જવાની ના પાડતી હતી. રોહલે પહેલાં એમ કહ્યું કે એને તરતા આવડે છે. પણ જ્યારે એ લોકો ઊંડા પાણી તરફ જવા લાગ્યા અને એક મોટું મોજું આવ્યું ત્યારે રુત્વા ડૂબવા લાગી એટલે રોહલે ગભરાઈ ગયાનો અભિનય કરતાં કહ્યું કે એને તરતા આવડતું નથી. એણે દરિયામાં મજા કરવા ખોટું કહ્યું હતું. હવે બંને સાથે મરી જશે. એમના પ્રેમનું બલિદાન આપશે. એવી બધી વાતો કરી અને ડૂબવા લાગ્યા. પાણીનો પ્રવાહ એવો હતો કે રોહલે સિફતથી એનો હાથ છોડી દીધો અને અંધારામાં રુત્વા તણાઇ ગઈ. રોહલ તરીને બહાર આવી ગયો હતો અને રુત્વાથી છૂટકારો મેળવી લીધાનો આનંદ મનાવ્યો હતો.

રુત્વા બચી ગઈ હતી એની રોહલને નવાઈ લાગી રહી હતી. રુત્વાએ કહ્યું:હું ભગવાનની કૃપાથી બચી ગઈ હતી. તણાઈને એક જગ્યાએ પહોંચી હતી. ત્યાં સ્થાનિકોએ મને ભાનમાં લાવી જીવ બચાવ્યો હતો. પછી મેં તારો પત્તો મેળવવા ઘણા પ્રયત્ન કર્યા પણ તું શહેર છોડી ગયો હતો.

હા, હું તારી યાદોથી દૂર જતો રહ્યો હતો. રોહલે ખોટી વાત કરી.

જો... આપણું પુન:મિલન થઈ ગયું ને? આજે આપણી આ મુલાકાતની ઉજવણી કરીશું.... હું આ હોટલમાં જ નોકરી કરું છું... થોડીવારમાં તારી પાસે આવીશ. કહી રુત્વાએ ફરી આંખ મારી.

હોટલ પર પહોંચીને રોહલે રૂમ બુક કરાવી લીધી અને જેવી રુત્વા અંદર આવી કે પોતાની બાંહોમાં સમાઈ જવા કહ્યું.

*

વહેલી સવારે રોહલનું હોટલના સ્વીમિંગ પુલમાં દારૂના નશામાં ડૂબી જવાથી મોત થયું હોવાથી પોલીસ તપાસ કરી રહી હતી.

અસલમાં રુત્વા એ દિવસે ડૂબીને મૃત્યુ પામી હતી અને એની આત્મા રોહલને શોધી રહી હતી. રોહલને દારૂના નશામાં અને રુત્વાની શક્તિથી કોઈ વાતની ખબર પડી નહીં. એણે પોતે જ રૂમનું બુકિંગ કરાવ્યું હતું. એની સાથેની રુત્વાને કોઈ જોઈ શક્યું ન હતું. રૂમમાં ગયા પછી રુત્વાએ એના પર પોતાની શક્તિથી કબ્જો મેળવી લીધો હતો અને એને લઈને સ્વીમિંગ પુલમાં જઈ ડૂબાડી દઈ પોતાના મોતનો બદલો લીધો હતો. એને મૃત જોઈ રુત્વાની આત્માએ આકાશ તરફ પ્રયાણ કર્યું હતું.

સવારે સૂરજની પહેલી કિરણ સાથે કોઈ સ્વીમિંગ પુલમાં ગયું ત્યારે એણે રોહલની લાશ જોઈ મેનેજરને જાણ કરી હતી.

***