DHULO TO HARKHPADUDO (DTH) - 45 in Gujarati Fiction Stories by ગિરીશ ભવાનજી મેઘાણી books and stories PDF | ધૂલો તો હરખપદૂડો (DTH) - 45

Featured Books
Categories
Share

ધૂલો તો હરખપદૂડો (DTH) - 45

આપણે જોયું કે મૂકલા મુસળધારે ચલાવેલ કાલ્પનિક તુક્કા હકીકતમાં સો ટકા સાચાં પડતા એમના મિત્ર વર્ગની હાજર મહિલાઓ એને ચમત્કારિક બાબાનો દરજજો આપી એક આશ્રમ ખોલવા તૈયારીઓ કરી રહી છે. એ દરમ્યાન હિરકી હણહણાટ એમના મિત્ર વર્ગની માસિક શનિવારીય બેઠક, જે એના ઘરે ગોઠવાઈ છે, એના આહાર બંદોબસ્ત માટે એક જયાબેનને ફોન કોલ કરે છે. હવે આગળ...

હીરકીએ હણહણાટ સાથે એની આખરી જરૂરિયાત જયાબેનને જણાવી દીધી, "જુઓ બહેન, મેં તમારું નામ અને કામના ભરપેટ વખાણ સાંભળ્યા છે. એટલે એ ઓર્ડર કે એડવાન્સની ચિંતા નથી પણ મારી ચિંતા અલગ જ છે."

જયાબેન જરાય ઉત્સુકતા કે અચરજ બતાવ્યા વગર જવાબ આપી રહી હતી, "મેં તમને અગાઉ પણ જણાવ્યું છે કે તમે ફક્ત મેનુ ફાઇનલ કરજો. સાથે થોડા એડવાન્સ આપી દેજો એટલે બાકીની બધી, બધી એટલે બધી જ જવાબદારી અમારી. તમે બેફિકર થઈ જણાવો."

હિરકી હણહણાટએ એ મુખ્ય મુદ્દો જણાવ્યો, "મને આ ગરમાગરમ ભોજનની ડિલીવરી રાત્રે સાડા અગિયાર વાગ્યે જોઈશે. બીજું મને એ વ્યવસ્થિત રીતે મહેમાનોને પિરસી આપનાર સેવા પણ જોઈશે."

 

"હં." એનો આત્મવિશ્વાસ સભર સ્વર પ્રથમ વખત ચિંતિત જણાયો, "એ સમયે મારી ડિલીવરી મદદનીશ નહીં આવે. એટલે મુશ્કેલ છે."

 

હિરકી હણહણાટએ હાકલ કરી, "કેમ બધી જવાબદારીના બધા દાવા પોકળ હતાં? તમે પીરસવાના વધુ ચાર્જ અને રિક્ષા માટે મિડનાઈટ ભાડું લઈ લેજો."

 

જવાબ અવાજમાં કંપન આવ્યો, "વાત એ તો ચોક્કસ નથી જ. પણ એ સમયે હું નાની મારી દિકરીને એકલી મૂકીને આવી શકું એમ નથી."

 

હિંમતવાન હીરકીએ હણહણાટ કર્યો, "એમાં કઈ મોટી વાત છે. તમને મારા મિસ્ટર એમના મિત્રની કારમાં લેવા તથા મૂકવા આવશે. અને તમે તમારી દિકરીને સાથે લઈને આવજો. અમે એને રમાડશું."

 

એ ફરી ટહુકી, "બાકી બધું ઠીક છે. પણ તમારી એક વાત સાથે હું સહમત નથી. તમે મારી દિકરીને નહીં પણ મારી દિકરી આપસૌને રમાડશે." બંને હસી પડ્યાં.

 

પણ ફોન કોલ સમાપ્ત કરતાં પહેલાં જયાબેને એક ખુલાસો કરી લીધો, "તમે પૈસા ઓનલાઈન ટ્રાન્સફર નહીં કરતાં પણ હું તમારા ઘરે આવી લઈ જઈશ."

 

હિરકી હણહણાટ સમજી ગઈ કે એ પોતાના ઘર અને પરિવાર વિશે જાણકારી પ્રાપ્ત કરવા માંગે છે. એકલી વિધવાને પોતાની પુત્રી સાથે એ સમયે ઘર બહાર નીકળવામાં પ્રવર્તમાન જોખમ વિશે ચિંતા હોવી સ્વાભાવિક બાબત છે. એણે એને સહકાર આપવા નક્કી કર્યુ, "જયાબેન, તમે મને કોઈ વોટ્સએપ મેસેજ નહીં મોકલતા. તમે તમને અનુકૂળ હોય એ સમયે મારા ઘરે મેનુ લઈને આવજો. આપણે તરત આઇટમ ફાઈનલ કરીને તમે પાછાં વળતી વખતે એડવાન્સની રકમ પણ સાથે લઈ જજો."

 

એણે સહમતી દાખવ્યા બાદ ફોન કોલ સમાપ્ત થઈ ગયો. એ સાથે જ હીરકી હણહણાટએ હાશકારો અનુભવ્યો. એને લાગ્યું કે આવી ગુણવાન સાથે સાથે સંસ્કારી મહિલાઓની ચોક્કસ કદર થવી જ જોઈએ. એણે નક્કી કર્યુ કે એ મેનુમાં ભાવ નહીં જુએ પણ એને ચડિયાતું મહેનતાણું જ આપશે. એ બીલ સામે નહીં સ્વીકારે તો એની દિકરીને ગિફ્ટ આપીને પણ એની કદર ચોક્કસ કરશે.

 

આ તરફ વિનીયા વિસ્તારી તથા કેતલા કીમિયાગાર તરફથી મજબૂત કિલ્લેબંદી બધાંનું કુતુહલ વધારી રહી હતી. પણ એ બંને મગનું નામ મરી પાડવા તૈયાર નહોતા.

 

બીજા દિવસે બપોરના ત્રણ વાગ્યે જયાબેન એની દિકરીને સાથે લાવ્યા વગર એકલી જ આવી ગઈ. એણે એક સાવચેતી રાખી હતી કે એના આગમનની આગોતરી જાણ હિરકી હણહણાટને કર્યા વગર જ અચાનક આવી ગઈ હતી. હિરકીને એની સમજદારી માટે જે માન હતું એ સન્માનમાં પરાવર્તિત થઈ ગયું હતું.

 

એમણે મકાઈની રોટલી (મક્કી દી રોટી) અને સરગવાનું રસાદાર શાક (સરસોં દા શાગ) સાથે પંજાબી સમોસા સાથે પંજાબી મીઠાઈ તરીકે શક્કર પારા (પંજાબી સાટા), ઘાબા સ્ટાઇલ મસાલા રાઈસ અને પંજાબી દાલ તડકા. તથા નાસ્તા માટે છોલે ભતુરે. ભોજન બાદ દસ ઈંચ લાંબા તથા પહોળા ગ્લાસ ભરીને પંજાબી રબડી લસ્સી તો ખરી જ. આવું ટ્રેડિશનલ છતાં પંજાબી ટ્રેડમાર્ક સમું મેનુ તરત ફાઇનલ થઈ ગયું.

 

એણે બિલકુલ વ્યાજબી ભાવ રાખ્યો હતો. હિરકી હણહણાટના આગ્રહ છતાં એણે વધુ ચાર્જ માટે ઘસીને ના પાડી, "એક, મને મારી મહેનતની કમાઈમાં જ રસ છે. અને બીજી વાત, હીનાબેન, તમે ભલા છો પણ પછી બીજા ગ્રાહકો પાસે મારી અપેક્ષાઓ વધી જાય તો એમને સર્વિસ આપતી વખતે અજાણતાથી પણ મારા વલણમાં ફરક આવી શકે. આમ પણ અમે માં દિકરીની જરૂરિયાતો ખૂબ મર્યાદિત છે. પણ હવે આગલા શૈક્ષણિક સત્રથી એ સ્કુલમાં જશે એટલે આ વધારાની આવક તરફ ધ્યાન કેન્દ્રિત છે. બાકી ટિફિન સર્વિસ પણ ઉપરવાળાની મહેરબાનીથી સારી જ ચાલે છે."

 

આખી વાત પર ધ્યાન કેન્દ્રિત કરીને બરાબર રીતે સાંભળ્યા બાદ હીરકીએ હળવો હણહણાટ કર્યો, "ભલે, જેવી તમારી મરજી."

 

એ અંદર જઈ, બેડરૂમ કેબિનેટમાંથી પૈસા લઈ આવી, "જયાબેન, આ પાંચ હજાર છે, એડવાન્સ." જયાબેને એ રકમ સહર્ષ સ્વીકારી અને ગણ્યા વગર પર્સમાં મૂકી દીધાં.

 

હિરકી હણહણાટએ ટકોર કરી લીધી, "અરે અરે, ગણી લેવા હતાને!"

 

એણે સુંદર સ્મિત આપ્યું, "એક, મને તમારી પર સંપૂર્ણ વિશ્વાસ છે અને બીજી વાત, હીનાબેન, મને મોડું પણ થાય છે. હવે બધી જવાબદારી મારી, તમે છૂટા. હવે તમારી રજા હોય તો મને ખરેખર મોડું થાય છે. ત્રણ ટિફિન સાંજના ચૌવિહાર માટે તૈયાર કરવાના છે. આભાર."

 

હીરકી હણહણાટ હિજરાઈ, "અરે પણ મેં તમને ચા પાણી પણ પૂછ્યાં નથી."

 

જયાબેન ઊભાં ઊભાં જવાબ આપી રહી હતી, "તમે કોઈ પણ જાતની બાર્ગેનીંગ વગર મારા વ્યાજબી ભાવનું માન રાખ્યું એ ચા પાણીથી વધુ છે. નહીં તો મારે તમારું માન રાખવા ખાતર હજી થોડું ડિસ્કાઉન્ટ ઓફર કરવું જ પડત. આમાં આપણાં પરસ્પર માન સન્માન પણ જળવાયાં તથા સમય પણ બચ્યો. આપનો ફરી એક વાર આભાર." જોકે આટલું બોલી એ ચાલવા લાગી. એને ખ્યાલ આવી ગયો કે એની આ ગ્રાહક વાતચીત કરવા ઉત્સુક હોઈ એણે સમયસર વિદાય લઈ લીધી.

 

બીજી તરફ હિરકી હણહણાટની આંખો ભીની થઈ ગઈ, 'આવી સંસ્કારી, ખાનદાની તથા ગુણવંત છોકરીએ એવા કયા ભારે કર્મ બાંધ્યા હશે કે આ ભવમાં કે એને આવું વિયોગી જીવન નસીબમાં આવ્યું હશે! દાદા, આ છોકરીના અશુભ કર્મોનો ક્ષય કરી એના પુણ્ય કર્મોનો ત્વરિત ઉદય થાય એવી પ્રાર્થના.'

 

ત્યાં ત્રણ વાગતાં એ પોતાના મિત્ર વર્ગની વોટ્સએપ ચેટ ગ્રુપની વોલ પર એક્ટિવ થઈ ગઈ. એક પછી એક સહેલીઓ પણ આમાં જોડાઈ. જોકે સોનકી સણસણાટ અને પિતલી પલટવાર એ દિવસે પણ ગેરહાજર હતી. હિરકી હણહણાટએ નક્કી કર્યુ કે એ એમના મિત્ર વર્તુળની માસિક શનિવારીય આવતી બેઠકના મેનુ વિશે કોઈ હિન્ટ પણ એના સહેલી વૃંદને નહીં આવવા દે.

 

ઈશા હરણી આ બાબત માટે ચિંતિત હતી એટલે એણે શરૂઆત કરી, 'બા, આવતી માસિક શનિવારીય બેઠક માટે તૈયારીઓ કેમ ચાલે છે?'

 

હીરકીએ હણહણાટ કર્યો, 'એને હજી તો ઘણી વાર છે. હમણાંથી શું ચિંતા કરવી!'

 

ઈશા હરણીએ પીછેહઠ કરી, 'હા, વાર તો છે. માત્ર કુતુહલપૂર્વક વાત કાઢી.'

 

સઘકી સંધિવાતએ સનેપાત કાઢ્યો, 'ઈશા, યુ કેપ્ટ સિક્રેટ અબાઉટ સ્વાદિષ્ટ સિંધી ડિનર. નાવ આસ્કિંગ ઇન એડવાન્સ!'

 

ઈશા હરણીએ એને શાંતિપૂર્વક જવાબ આપ્યો, 'ફિમેલ સિન્ડરોમ.'

 

બૈજુ બાવરીએ વાત પકડી લીધી, 'ફિમેલ લાઈક વોટર રોટી.'

 

હીરકીએ હણહણાટ કર્યો, 'વોટર રોટી કે બટર રોટી?'

 

સધકીએ સંધિવાત સાઈડ પર મૂકી જણાવ્યું, 'વોટર રોટી એટલે પાણી પૂરી.'

 

ઈશા હરણીએ મમરો મૂક્યો, 'રોટી એટલે પૂરી? આ કઈ ભાષા છે?'

 

હિંમતવાન હીરકીએ હણહણાટ કર્યો, 'બૈજુ બાવરી ડોન્ટ નો અંગ્રેજી ઓફ પૂરી. સો...'

 

ત્યાં સધકી સંધિવાતનો મેસેજ આવ્યો, 'ચમત્કાર, પિતલી પલટવાર ઓનલાઈન થઈ છે.'

 

શું પિતલી પલટવાર ઓનલાઈન થઈ એટલે આ ચારે ભુગર્ભ શરણાર્થીઓનું ખુફિયા મિશન સમાપ્ત થઈ ગયું હશે? શું રહસ્ય ખુલશે વિનીયા વિસ્તારી તથા કેતલા કીમિયાગારના મિશનનું? આ રહસ્યનું આજે પર્દાફાશ થઈ ભાંડો ફૂટી જશે કે અકબંધ રહેશે? આગળ શું થશે? આપના દરેક પ્રશ્નનો મજેદાર જવાબ મળશે ફક્ત જોડે રહેજો. અને હા, 'ધૂલો તો હરખપદૂડો (DTH) : પ્રકરણ ૪૬' તથા આગળના દરેક પ્રકરણ વાંચવાનું ચૂકશો નહીં. આભાર (ક્રમશ...).

 

લેખક: ગિરીશ ભવાનજી મેઘાણી (GBMSIR).