Bhootno Bhay - 16 books and stories free download online pdf in Gujarati

ભૂતનો ભય - 16

ભૂતનો ભય ૧૬

- રાકેશ ઠક્કર

છોડીશ નહીં...

હા હા હા.... ત્રણેય બાજુથી નેપલીને રાક્ષસો જેવું હાસ્ય સંભળાઈ રહ્યું હતું. એ ત્રણ વાસનાગ્રસ્ત યુવાનો વચ્ચે ઝૂલી રહી હતી.

આજે રોજની જેમ એ ગાયમાતા માટે ચારો-પાંદડા લેવા ગામની સીમ પાસે આવી હતી. આજે એને થોડું મોડું થઈ ગયું હતું. સૂર્ય ઢળી ગયો હતો. એને ખબર ન હતી કે એના જીવનમાં પણ અંધારું ઘોર થઈ જવાનું છે.

એ ઘર તરફ ઉતાવળા પગલે જઈ રહી હતી ત્યારે બે બાઇક પર ગામના ત્રણ યુવાનો આવ્યા. એ ત્રણેયને ઓળખતી હતી. ગામના ઉતાર જ હતા. એક બાઇક પર જંગનની પાછળ બેઠેલા મુરાદે ઉતરીને એનું મોં દબાવી કમરથી પકડીને ઊંચકી લીધી. બંને એને બાઇક પર બેસાડી જંગલ તરફ હાંકી ગયા. પાછળ બીજી બાઇક પર ચેતસી પણ આવ્યો.

થોડે દૂર ગાઢ જંગલમાં જઈ નેપલીને ઉતારી ત્રણેય ફૂટબોલ રમવાના હોય એમ એની ફરતે ઊભા રહી હસવા લાગ્યા હતા.

નેપલી ચિલ્લાઈ રહી હતી:છોડી દોમને છોડી દો...

હા હા હા... આજે તો તને છોડવાના નથી. કેટલા દિવસથી રાહ જોતા હતા... ચેતસીએ એના શરીરને છેડતા કહ્યું.

મેં બરાબર કહ્યું હતું ને? હવે એ બરાબર જુવાન થઈ ગઈ છે. મજા આવશે... જંગન કોઈ કેફમાં બોલતો હોય એમ ઝૂમી રહ્યો હતો.

આજે તો એની જુવાનીની ઉજવણી કરી જ નાખવી છે... કહી મુરાદે એને પકડીને કપડાં ઉતારવાનું શરૂ કરી દીધું.

બહુ રાહ ના જોવડાવતો... જંગન ઉતાવળ કરતો હતો.

હું પણ લાઇનમાં છું...! ચેતસી રાક્ષસી હાસ્ય કરતો બોલ્યો.

છોડી દો... નહીંતર હું તમને છોડીશ નહીં... સજા આપવીશ... નેપલી બચવાનો પ્રયત્ન કરતી રહી પણ ત્રણ યુવાનોના આખલા જેવા જોર સામે એના જેવી પંદર વર્ષની છોકરીનું કોઈ ગજું ન હતું.

એક કલાક પછી ત્રણેય યુવાનો હાંફતા બેઠા હતા. નેપલીનું શરીર ચૂંથાઈને પોટલુંની જેમ પડ્યું હતું. એનામાં બોલવાની કે ચાલવાની તાકાત ન હતી. નરાધમોએ એની હાલત ખરાબ કરી નાખી હતી. એણે જોર કરીને ફરી કહ્યું:હું તમને છોડીશ નહીં...

હા હા હા... અમે તને છોડીશું તો તું કંઇ કરી શકશે ને?’ કહી મુરાદ બીજી બાઈકમાં બાંધેલો પાવડો લઈ આવ્યો અને આયોજન મુજબ ખાડો ખોદવા લાગ્યો. થોડી જ વારમાં ખાડો ખોદાઈ ગયો એટલે ત્રણેયે મળીને નેપલીનું ગળું દબાવી દીધું. એની છેલ્લી ચીસ હું તમને છોડીશ નહીં... જંગલમાં તરડાઇ ગઈ. એની ચીસથી પંખી તો ઠીક નાના જીવડાં પણ એક ક્ષણ માટે જંપી ગયા હોય એમ શાંતિ છવાઈ ગઈ.

નેપલીને ખાડામાં દાટીને ચેતસીએ કહ્યું:ના વાંસ રહ્યો ના વાંસળી વાગશે... હા હા હા...

મજા આવી ગઈ... ઘણા દિવસથી દાઢમાં હતી સાલી... કહી ત્રણેય ગંદી વાતો કરતાં ઘરે જતા રહ્યા.

અડધી રાત્રે ત્રણેય ઊંઘમાં હતા ત્યારે પોલીસ પકડીને મથકમાં લઈ આવી.

ત્રણેય એકબીજાને પોલીસ મથકમાં જોઈ પૂછતા હતા કે નેપલી સાથે એમને કોઈ જોઈ ગયું હતું કે શું? એકબીજાએ ઇશારાથી ના પાડી. તો પછી પોલીસ કેમ એમને અહીં ઊંચકી લાવી છે?

ચેતસીએ ડરતા પૂછ્યું:સાહેબ, હવે તો કહો કે અમને કયા ગુનામાં પકડી લાવ્યા છો?’

તમારા પર એક છોકરી પર સામૂહિક બળાત્કારનો ગુનો નોંધાયો છે... પોલીસ કોન્સ્ટેબલ લાજાલાલે માહિતી આપી.

ખોટી વાત છે... કોઈએ તમને ખોટી માહિતી આપી છે. મુરાદે વિશ્વાસથી કહ્યું.

હા, અમે તો આખો દિવસ ગામના ચોરે ગપ્પા મારતા હતા. ક્યાંય ગયા નથી... જંગને પણ પોતાનો બચાવ કરતા કહ્યું.

જુઓ... નેપલી નામની છોકરીએ તમારા ત્રણ વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે. અમે આરોગ્ય કેન્દ્રમાં એની શારિરીક તપાસ કરાવી છે અને બધા રિપોર્ટ પછી તમારી ધરપકડ કરી છે. પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરશો નહીં... લાજાલાલે કડક શબ્દોમાં માહિતી આપી.

સાહેબ, રાત્રે ઊંઘમાં કે શરાબના નશામાં કોઈ ગેરસમજ થઈ હશે... નેપલી તો જીવતી જ નથી. જંગને હોંશિયારી મારતા કહ્યું.

શું...?’ લાજાલાલનો અવાજ ફાટી ગયો અને એ પરસેવો લૂછવા લાગ્યો. એણે ગભરાઈને આગળ કહ્યું:હું અહીં ખુરશીમાં જ જરા ઝોકે ચઢ્યો હતો ત્યારે નેપલી નામની છોકરી આવી અને મને તમારા ત્રણ વિરુધ્ધ ફરિયાદ આપી. હું મહિલા કોન્સ્ટેબલ સાથે આરોગ્ય કેન્દ્ર પર ગયો અને ડોક્ટરને ઘરેથી બોલાવી શારિરીક તપાસ કરાવી એમાં પ્રાથમિક રીતે એની ફરિયાદ સાચી જણાઈ છે અને અમે ગુનો દાખલ કર્યો છે... એ કહેતી હતી કે ત્રણેયને છોડશો નહીં... એમને સજા મળવી જ જોઈએ... નહીંતર હું તમને છોડીશ નહીં...

ચેતસી, મુરાદ અને જંગન ધ્રૂજતા ધ્રૂજતા એકબીજા સામે ભય પામીને જોવા લાગ્યા.

સાહેબજંગલમાં અમે જ્યાં નેપલીને દાટી હતી ત્યાં જઈ આપણે જોઈ લઈએ તો...?’ ચેતસીએ પોતાની હરકતની કબૂલાત કર્યા પછી ડર સાથે કહ્યું.

લાજાલાલના મગજમાં હજુ નેપલીના ભૂતનો વિચાર ઘૂમરાતો હતો ત્યારે જ એક પોલીસ કર્મચારી દોડતો આવ્યો અને કહું:સાહેબ, નદી કિનારેથી એક છોકરીની લાશ મળી છે...

જલદી લઈ આવ... લાજાલાલે ડર સાથે ત્રણેય તરફ જોઈને આદેશ આપ્યો.

છોકરીની લાશ પોલીસ મથકે લાવવામાં આવી ત્યારે એનો ચહેરો જોઈ ત્રણેય યુવાનો સાથે લાજાલાલના હાંજા ગગડી ગયા. એ લાશ નેપલીની જ હતી. એની પાસેથી એક ચિઠ્ઠી મળી આવી હતી. એમાં એણે લખ્યું હતું કે ચેતસી, જંગન અને મુરાદે એના પર બળાત્કાર કર્યો હોવાથી જીવનનો અંત લાવવા મજબૂર બની હતી. સામૂહિક બળાત્કારને કારણે નેપલીએ આત્મહત્યા કરી હોવાનો પુરાવો પણ પોલીસને મળી ગયો હતો.

લાજાલાલે ત્રણેયને પૂછ્યું:જંગલમાં લાશ જોવા જવું છે?’

ત્રણેયના મોં સિવાઈ ગયા હતા. અને જંગલમાં નેપલીએ જે શબ્દો કહ્યા હતા એના પડઘા એમના કાનમાં પડી રહ્યા હતા:હું તમને છોડીશ નહીં...

લાજાલાલના કાનમાં પણ એના શબ્દો પડઘાઈ રહ્યા હતા:ત્રણેયને છોડશો નહીં... નહીંતર હું તમને છોડીશ નહીં...

*