Dhup-Chhanv - 113 books and stories free download online pdf in Gujarati

ધૂપ-છાઁવ - 113

અંધકાર છવાયેલો હતો, રસ્તો સૂમસામ હતો રાત્રિના અગિયાર વાગી ગયા હતા.. ધીમંત શેઠે પોતાની કારને રસ્તાના એક ખૂણામાં પાર્ક કરી અને પાછળની સીટ ઉપર બેસી ગયા અને અપેક્ષાને થોડી વાર શાંતિથી પોતાની બાજુમાં બેસવા માટે કહ્યું અપેક્ષા પાછળની સીટ ઉપર પોતાના ધીમંતના શરીરને અને મનને પણ મીઠો પ્રેમાળ હૂંફાળો સ્પર્શ થાય તેમ લગોલગ ચોંટીને બેસી ગઈ. ધીમંત શેઠે તેને પોતાના આલિંગનમાં લઈ લીધી અને તેનાં લાલ ચટ્ટાક કૂણાં હોઠ ઉપર પોતાના હોઠ ગોઠવી દીધાં... બંને એકબીજાનામાં ખોવાયેલા હતાં અને એકાએક અપેક્ષાનો ફોન રણકી ઉઠ્યો બંનેને એ વાતનો ખ્યાલ આવ્યો કે બંને રસ્તા વચ્ચે ઉભા રહી ગયા છે અને બંનેએ પોત પોતાના ઘરે જવાનું છે...! બંને એકબીજાથી છુટાં પડ્યાં..
અનિચ્છાએ બંનેએ એકબીજાને મીઠાં શબ્દોમાં બાય કહ્યું.
અપેક્ષાના ફોનમાં તેની બેસ્ટ ફ્રેન્ડ સુમનનો ફોન હતો.
અપેક્ષાએ તેનો ફોન કાપ્યો અને તે પોતાના ઘરમાં પ્રવેશી હાથ પગ મોં ધોઈને ફ્રેશ થઈ નાઈટ ડ્રેસ પહેરીને પોતાના બેડમાં આડી પડી અને પછીથી તેણે સુમનને ફોન લગાવ્યો અને પોતાના લગ્નમાં પધારવા માટે આમંત્રણ આપ્યું. સુમન સાથે તેને અવારનવાર વાતચીત થતી રહેતી એટલે સુમન અપેક્ષાની બધીજ વાતોથી વાકેફ હતી.
ધીમંત શેઠ પણ ઘરે પહોંચી ગયા હતા અને સૂઈ જવાની તૈયારી કરી રહ્યા હતા તેમના દિલોદિમાગ ઉપર બસ અપેક્ષા જ છવાયેલી હતી.
બસ હવે તો જલ્દીથી લગ્ન થઈ જાય અને હંમેશ માટે અપેક્ષા પોતાની પાસે આવી જાય તેની જ રાહ તે જોતાં હતાં.
ધીમંત શેઠના મગજમાં લગ્નનું બધું જ પ્લાનિંગ ગોઠવાઈ ગયું હતું. કોને શું કામ સોંપવું તે પણ નક્કી હતું. લગ્ન સાદાઈથી કરવાના હતા એટલે બહુ માણસોને આમંત્રણ આપવાનું રહેતું નહોતું.
લગ્નની કંકોત્રી ધીમંત શેઠે મોબાઈલમાં જ ઓનલાઈન બધાને મોકલી આપવાનું નક્કી કર્યું હતું અને પછીથી ફોન ઉપર આમંત્રણ આપી દેવાનું હતું.
બીજે દિવસે સવારે એઝયુઝ્વલ રૂટીન મુજબ અપેક્ષા તેમજ ધીમંત શેઠ બંને તૈયાર થઈ ગયા અને નિયમ પ્રમાણે શિવજી મંદિરે પહોંચી ગયા. દર્શન વિધિ પતાવીને ઓફિસે પહોંચી ગયા અને આજે ખરીદી કરવા માટે જવાનું હતું એટલે ઓફિસેથી થોડા વહેલા જ લગભગ ચારેક વાગ્યે બંને જણાં ખરીદી કરવા માટે નીકળી ગયા.
થોડા દિવસ સુધી બસ આ જ રૂટીન ચાલ્યુ. અપેક્ષા તેમજ ધીમંત શેઠ ઓફિસેથી વહેલા નીકળીને ખરીદી કરવા માટે ઉપડી જતા હતા.
સાડીઓ, ડ્રેસીઝ અને વેસ્ટર્ન કપડા અપેક્ષાનું બધું જ શોપીંગ ધીમંત શેઠે જોડે રહીને પોતાની પસંદગી પ્રમાણે કરાવ્યું હતું અને ધીમંત શેઠ માટે શેરવાની સૂટ તેમજ જીન્સ ટીશર્ટ વગેરેનું શોપીંગ અપેક્ષાએ જોડે રહીને પોતાની પસંદગી પ્રમાણે કરાવ્યું હતું.
લગ્નને હવે બે જ દિવસની વાર હતી અપેક્ષા હમણાં પંદરેક દિવસ ઓફિસે જવાની નહોતી તેથી તેનું કામ ઓફિસમાં કામ કરતી બીજી એક છોકરી રિધ્ધિને સોંપી દેવામાં આવ્યું હતું.
ધીમંત શેઠ દિવસમાં બે ત્રણ કલાક માટે ઓફિસે જઈ આવતા હતા અને પોતાનું અમુક કામ તેમણે પોતાના વિશ્વાસુ માણસ દેવેન્દ્રભાઈને સોંપી દીધું હતું.
બરાબર બે દિવસ પછી....
આશાપુરા માંના મંદિરે લગ્નની બધી જ તૈયારી થઈ ચૂકી હતી. મહારાજ શ્રી કૃષ્ણકાંત પણ હાજર થઈ ચૂક્યા હતા. આમંત્રિત મહેમાનો આવી ગયા હતા.
લગ્નના જોડામાં સજ્જ અપેક્ષા ખૂબજ સુંદર લાગી રહી હતી જાણે આજે તેને કોઈની નજર લાગી જાય તેટલી બધી સુંદર.
આજે ધીમંત શેઠની નજર તેની ઉપરથી હટતી નહોતી.
ધીમંત શેઠની પર્સનાલિટી પણ આજે ઉડીને આંખે વળગતી હતી સમજુ અને ઠાવકાઈભર્યું વ્યક્તિત્વ તેમના શાંત અને સ્થિર ગુણાતીત સ્વભાવનો પરિચય આપી જતું હતું.
નજીકના સગા સંબંધી મિત્ર વર્તુળ અને ઓફિસ સ્ટાફની હાજરીમાં આ લગ્ન સુખ શાંતિ રૂપ પરિપૂર્ણ થયા.
ધીમંત શેઠે તેમજ અપેક્ષાએ મહારાજ શ્રી કૃષ્ણકાંતજી, માં આશાપુરા અને લક્ષ્મીબાના તેમજ વડીલોના આશીર્વાદ લીધા બાદ આ વિધિ પૂર્ણ થઈ. અક્ષતે અને અર્ચનાએ ઓનલાઈન આ લગ્નની ઝાંખી લીધી અને ખુશ થયા ત્યારબાદ ફાઈવસ્ટાર હોટેલમાં જમવા માટે સૌને લઈ જવામાં આવ્યા અને ત્યારબાદ વિદાયની વસમી વેળા આવી પહોંચી હતી.
આમ તો અપેક્ષાના જીવનની દોર એક સમજુ અને પ્રેમાળ માણસના હાથમાં સોંપાઈ રહી હતી એટલે લક્ષ્મીબાના મનને થોડી નિરાંત હતી પરંતુ અપેક્ષાના તકદીર વિશેનો જે સંશય મનમાં ઊંડે ઊંડે સતાવતો હતો તે તેમને ડરાવી જતો હતો.
દીકરીની વિદાય એ માતા પિતા માટે ખૂબ જ કરૂણ ઘટના છે લક્ષ્મીબા છુટ્ટા મોંએ રડી પડ્યા હતા અને અપેક્ષાએ પણ તેમને બરાબર બાથ ભીડી દીધી હતી બંનેને પરાણે વિખૂટાં પાડવામાં આવ્યા અને અક્ષત અને અર્ચનાને પણ શાંત રહેવા માટે સમજાવવામાં આવ્યા.
લાલજીભાઈની ખુશી તો આજે ચરમસીમાએ પહોંચેલી હતી કદાચ ધીમંત શેઠ કરતાં પણ તે વધારે ખુશ હતા. જે ઘરમાં ઘરની લક્ષ્મી હોય તેને જ સાચા અર્થમાં ઘર કહેવાય તેવું તે માનતા હતા.
ધીમંત શેઠ અને પોતાના નવા સ્વરૂપવાન શેઠાણી નું સ્વાગત અને પાણીનો લોટો ભરીને નજર ઉતારવાનું કામ લાલજીભાઈએ ખુશી ખુશી પૂર્ણ કર્યું અને નવા શેઠાણીને કુમ કુમનાં પગલાં પાડીને પોતાના શેઠ સાહેબના ઘરમાં મીઠો પ્રેમાળ આવકાર આપ્યો.
શ્રી કૃષ્ણકાંત મહારાજ પણ સાથે જ આવ્યા હતા એટલે ઘરમાં એકીબેકી રમવાની વિધિ ચાલી જેમાં પણ અપેક્ષાની જ જીત થઈ હતી.

ધીમંત શેઠની ઈચ્છા પોતાની સુહાગરાત ફાઈવસ્ટાર હોટેલમાં મનાવવાની હતી પરંતુ અપેક્ષા પોતાના આ નવા આલિશાન સુંદર બંગલામાં જ પોતાની પહેલી રાતની શરૂઆત કરવા માંગતી હતી એટલે અપેક્ષાની ઈચ્છા પ્રમાણે ધીમંત શેઠના આલિશાન બેડરૂમને ગુલાબના ફૂલોથી મઘમઘતો કરવામાં આવ્યો હતો.
વધુ આગળના ભાગમાં....
~ જસ્મીના શાહ 'સુમન'
દહેગામ
25/9/23