Anokhi Raat - Review in Gujarati Film Reviews by Jyotindra Mehta books and stories PDF | અનોખી રાત (૧૯૬૮) – રીવ્યૂ

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

Categories
Share

અનોખી રાત (૧૯૬૮) – રીવ્યૂ

ફિલ્મનું નામ : અનોખી રાત   

ભાષા : હિન્દી

પ્રોડ્યુસર : એલ. બી. લછમન

ડાયરેકટર : આસિત સેન     

કલાકાર : સંજીવ કુમાર, ઝાહિદા હુસૈન. અજય સાહની, અનવર હુસૈન, અરુણા ઈરાની અને તરુણ બોસ     

રીલીઝ ડેટ : ૧૯૬૮

        ૧૯૬૮માં રીલીઝ થયેલી સાવ બી ગ્રેડ ફિલ્મ જેવું નામ ધરાવતી આ ફિલ્મ ઘણી રીતે અનોખી હતી. એક ઘરમાં એક જ રાતમાં ઘટતી ઘટનાઓ વિશેની આ ફિલ્મ છે, જેમાં દરેક પાત્રની પોતાની પણ વાર્તા છે.

        આ ફિલ્મના નિર્દેશક છે આસિત સેન અને નામને લીધે ઘણા લોકો તેને જાડિયો અને ધીમી ડાયલોગ ડીલેવરી ધરાવતો કોમેડિયન આસિત સેન સમજતા, પણ આ આસિત સેન જુદા છે. ૧૯૨૨ ના ઢાકામાં જન્મેલ આ બંગાળી બાબુ તેના કાકા રામાનંદ સેનગુપ્તાને લીધે ફિલ્મલાઈનમાં આવ્યા. રામાનંદ સેનગુપ્તા જાણીતા સીનેમેટોગ્રાફર હતા. આસિત સેન શરૂઆતમાં આસીસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે જોડાયા અને પછી એક આસામી ફિલ્મ બનાવી.  ત્યારબાદ બંગાળી ફિલ્મનું નિર્દેશન કર્યું, નામ હતું ચલાચલ. વર્ષો પછી પોતાની આ જ ફિલ્મને હિન્દીમાં બનાવી. તે હતી રાજેશ ખન્નાને ચમકાવતી ‘સફર’. રાજેશ ખન્નાને ચમકાવતી વધુ એક ફિલ્મ ૧૯૬૯માં તેમણે બનાવી. તેનું નામ હતું ‘ખામોશી’ જે તેમની ‘દીપ જ્વેલે જય’ નામની બંગાળી ફિલ્મની રીમેક હતી જેમાં સુચિત્રા સેન (આંધી ફિલ્મની હિરોઈન) હતી. તેમણે પોતાની વધુ એક બંગાળી ફિલ્મને હિન્દીમાં બનાવી હતી. ૧૯૬૬માં આવેલી ‘મમતા’ એ તેમની જ ‘ઉત્તર ફાલ્ગુની’ ની રીમેક હતી.

        જો કે અનોખી રાત એ રીમેક નહોતી. સંપૂર્ણ રીતે ઓરીજીનલ હતી. પોતાની કારકિર્દી દરમ્યાન તેમણે અનેક નામી હીરો હિરોઈનો સાથે કામ કર્યું અને સફળ ફિલ્મો પણ આપી. તેમણે શરાફત નામની ફિલ્મમાં ધર્મેન્દ્ર અને હેમા માલિનીને નિર્દેશિત કર્યાં હતાં. તે સાથે જ ત્રણ રોલમાં દિલીપકુમારને ચમકાવતી બૈરાગના નિર્દેશક પણ આસિત સેન જ હતા. તેમણે ૧૭ ફિલ્મોનું જ નિર્દેશન કર્યું, પણ મોટાભાગની સારી અને સફળ હતી.

        આ ફિલ્મના મોટાભાગના કલાકારો નવા હતા (જી હા તે સમયે સંજીવ કુમાર બહુ મોટું નામ નહોતું.) સાહજિક અભિનયના સરતાજ ગણાતા બલરાજ સહાનીનો દીકરો પરીક્ષિત સહાની (થ્રી ઇડીયટ ફેમ) પણ પહેલીવાર અજય સહાની નામથી ફિલ્મી પડદે અવતર્યો હતો. નરગીસની સાવકી ભત્રીજી ઝાહિદાની પણ આ પહેલી ફિલ્મ હતી. અરુણા ઈરાની એ હિસાબે આ બધાંથી સિનીયર હતી. તરુણ બોસ અને અનવર હુસૈન પણ જુના જોગી જ હતા. અનવર હુસૈન પણ ઝાહિદાનો સાવકા કાકા જ હતા. નરગીસની માતા જદ્દનબાઈએ પોતાના જીવનકાળ દરમ્યાન ત્રણ લગ્ન કર્યાં અને ત્રણેય પતિથી એક એક સંતાન જન્મ્યું. અખ્તર હુસૈન, નરગીસ અને અનવર હુસૈન. ઝાહિદા એટલે અખ્તર હુસૈનની દીકરી. નરગીસના ચહેરા સાથે થોડું સામ્ય ધરાવતી ઝાહિદા બહુ ચાલી નહિ તેનું કારણ સાચા સમયે સારી ફિલ્મ સ્વીકારી નહિ. દેવ આનંદની ‘હરે રામા હરે કૃષ્ણા’ નો ઝીનતવાળો રોલ તેને ઓફર થયેલો, પણ તેણે હીરોની બહેનને બદલે હીરોની પ્રેમિકા મુમતાઝવાળા રોલનો આગ્રહ કર્યો. તેણે ઝીનતવાળો રોલ ન કર્યો અને પાછળથી પછતાઈ. દેવ આનંદની ગેમ્બલર જેવી ફિલ્મો કરી, પણ સારા રોલ મળવાનું બંધ થઇ જતાં તેની કારકિર્દી અસ્ત પામી.

        ફિલ્મની શરૂઆત થાય છે ભલાભોળા બલદેવા (સંજીવ કુમાર)થી. સાવ અબુધ જેવો બલદેવા ચોકીદાર છે અને તેનું દિલ આવે છે ગામડાની ગોરી ગોપા (ઝાહિદા) ઉપર. બંનેના લગ્ન થવાનાં હોય છે અને એક ગીત આવે છે. ગીત પૂરું થતાં જ ટાઈટલ આવે છે અને ત્યારબાદ દ્રશ્ય બદલાઈ જાય છે. એક મકાન ઉપર જે નીલામ થવાનું છે. તેના માલિક દુર્ગા પ્રસાદ (બદ્રિપ્રસાદ) પોતાના દીકરાએ લીધેલા વીસ હજારના કર્જની રકમ જે વ્યાજ સાથે એક લાખ વીસ હજાર (સાલું કોર્પોરેટ લોન જેવું લાગે છે) થઇ ગઈ છે તે ચૂકવી ન શકતાં મદનલાલ (તરુણ બોસ) તેમના મકાનની નીલામી કરવાનો હોય છે.

        ઉંમરલાયક મદનલાલના દિલમાં દયા જાગી હોય તેમ તે નીલામી રોકવા માટે પોતાના વકીલ (બ્રહ્મ ભારદ્વાજ) દ્વારા એક શરત મુકે છે. જો દુર્ગા પ્રસાદ પોતાની પૌત્રી રમા (ફરી ઝાહિદા) નાં લગ્ન તેની સાથે કરાવે તો તે મકાનની નીલામી રોકી દેશે અને કર્જની રકમ માફ કરી દેશે.   દુર્ગા પ્રસાદ રાજી નથી, પણ મકાનની નીલામી રોકવા માટે રમા લગ્નની શરત માની લે છે. ઘરનો નોકર રામદાસ (અનવર હુસૈન) પણ આ લગ્નના વિરોધમાં છે, પણ તે લાચાર છે. નીલામી બંધ રહે છે અને ખરીદદારો નિરાશ થઈને પરત ફરે છે. તે સમયે મદનલાલના મિત્ર રાય સાહેબ (અમર) પોતાની યુવાન પત્ની પ્રેમા રાય (અરુણા ઈરાની) સાથે પ્રવેશે છે, જે આખાબોલી છે. પ્રેમા પરિસ્થિતિ તરત પામી જાય છે અને મદનલાલને તરત મહેણું પણ મારે છે. બહાર ભયંકર વરસાદ વરસવાનું શરૂ કરતાં રાય સાહેબ જવાનું મોકૂફ રાખે છે.

        થોડીવારમાં એક ચિત્રકાર (પરીક્ષિતે સહાની) તે મકાનમાં પ્રવેશે છે. એકદમ યુવાન અને હેન્ડસમ ચિત્રકાર મદનલાલને ગમતો નથી, પણ રમા બહાર અનરાધાર વરસાદ હોઈ તેને મકાનમાં રોકાવાનું કહે છે. તે ચિત્રકારની સાથે જ ગાયક પણ છે. હજી થોડો સમય વીતે છે ત્યાં જ ડાકુઓની ટોળીનો પ્રવેશ થાય છે, જેનો સરદાર છે બલદેવ સિંહ (સંજીવ કુમાર). નૌબત (મુકરી) , લખન સિંહ (વિશ્વ મેહરા) અને વધુ એક ડાકુ (વિજુ ખોટે) (શોલેના આ કાલિયાની આ પહેલી ફિલ્મ હતી. એક પણ ડાયલોગ વગર તેણે એક ખૂણામાં ઉભા રહેવાનું હતું.)  સાથે તે ત્યાં લુંટવા માટે આવ્યો છે. પોતાની ગોપા જેવી જ દેખાતી રમાને જોઇને તે વિચલિત થઇ જાય છે. ભલોભોળો ચોકીદાર ડાકુ કેવી રીતે બની ગયો એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે, પણ તેનો જવાબ પણ અંત સુધી મળી રહે છે.

        આગળ શું થાય છે એ જોવા માટે ફિલ્મ જોવી રહી. આ ફિલ્મમાં દરેક પાત્રની પોતાની વાર્તા છે. મજબૂરીમાં લગ્ન માટે તૈયાર થયેલી ગોપા, રાય સાહેબ સાથે પરણેલી પ્રેમા, ચિત્રકારની પણ અલગ વાર્તા છે. શ્રીમંતો કેવી રીતે ગરીબો અને સ્ત્રીઓની લાચારીની કથા દર્શાવતી ફિલ્મની વાર્તા ગરમાગરમ શીરાની જેમ ગળે ઉતરી જાય છે. આ ફિલ્મ તે સમયે બહુ ચાલી તો નહોતી, પણ સમય જતાં નામના મેળવી અને ફિલ્મફેરમાં મુખ્ય એવોર્ડ નહિ, પણ ટેકનિકલ કેટેગરીના ચાર એવોર્ડ જીતી. બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મના આર ડાયરેકશનનો એવોર્ડ અજીત બેનર્જીને મળ્યો. કમાલ બોસને બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મની શ્રેષ્ઠ સીનેમેટોગ્રાફીનો એવોર્ડ મળ્યો. (જમાનો બદલાવનો હતો તેથી તે સમયે બ્લેક એન્ડ વ્હાઈટ અને કલર ફિલ્મો માટે આ પ્રકારના એવોર્ડો અલાયદા અપાતા.) બેસ્ટ સ્ક્રીનપ્લેનો એવોર્ડ હૃષીકેશ મુખર્જીને મળ્યો હતો અને શ્રેષ્ઠ ડાયલોગનો એવોર્ડ પંડિત આનદ કુમારને મળ્યો હતો.

        આ ફિલ્મ સંગીતકાર રોશનના મૃત્યુ પછી થઇ, તેથી આ ફિલ્મ તેમને અર્પણ કરવામાં આવી છે  ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝીક સલીલ ચૌધરીએ આપ્યું છે અને તેમાં તેમણે ઉત્તમ કામ કર્યું છે. રોશને જતાં પહેલાં આ ફિલ્મમાં ઉત્તમ ગીતો આપ્યાં છે. મુકેશે ગાયેલું ‘ઓહ રે તાલ મિલે નદી કે જલ મેં’ આજે પણ સંગીત રસિકોના દિલમાં વસેલું છે. મુકેશે જ ગાયેલું વધુ એક ‘દુલ્હન સે તુમ્હારા મિલન હોગા’ બહુ જાણીતું નથી પણ કર્ણપ્રિય છે. લતા દીદીએ ગાયેલું ‘મેહલોં કા રાજા મિલા, તુમ્હારી બેટી રાજ કરેગી’ ઝાહિદા ઉપર ફિલ્માવવામાં આવ્યું છે અને તેમાં એલ સ્ત્રીની વેદના આબાદ છલકાય છે. પરીક્ષિત સહાની ઉપર ફિલ્માવેલું અને રફીસાબે ગાયેલું ‘મિલે ના ફુલ તો કાંટો સે દોસ્તી કર લી’ આજે પણ ગણગણવાની મજા આવે એવું છે. અને અરુણા ઈરાની ઉપર ચિત્રિત થયેલા અને આશા ભોસલેએ ગયેલા ‘મેરી બેરી કે બેર મત તોડો’ નાં અનેક રીમીક્સ વર્જન સાંભળવા મળે છે.

        આટલાં એકથી એક ચડિયાતાં ગીતો હોવા છતાં સંગીત માટે એવોર્ડ ન મળ્યો અને ન તો નોમીનેશન મળ્યું. આ સંગીતકાર રોશન એટલે રાકેશ અને રાજેશ રોશનના પિતા અને હૃતિક રોશનના દાદા. આમ તો અટક નાગરથ હતી, પણ રાકેશ અને રાજેશે પોતાના પિતાના નામને જ અટક બનાવી દીધી.

        જો મારધાડ વગરની (એક બે સીનને બાદ કરતાં) અને સારાં ગીતો ધરાવતી સંજીવ કુમાર તેમ જ પરીક્ષિત સહાનીના સાહજિક અભિનયથી ઓપતી ફિલ્મ જોવી હોય તો આ ફિલ્મ યુટ્યુબ ઉપર જોવા મળી જશે.

 

સમાપ્ત.