Dhup-Chhanv - 118 books and stories free download online pdf in Gujarati

ધૂપ-છાઁવ - 118

અપેક્ષાએ પોતાના ભાઈ અક્ષતને ફોન કરીને મહારાજ શ્રી ગણેશદાસજીના પ્રેમસભર આગ્રહ વિશે વાત કરી અને માટે પોતે અહીં મંદિરમાં બે દિવસ માટે રોકાઈ ગયા છે તે પણ જાણ કરી.
અપેક્ષાએ પોતાની માં લક્ષ્મીને પણ પ્રસન્નચિત્તે આ જ વાત જણાવી અને ત્યારબાદ અપેક્ષા અને ધીમંત શેઠ બંનેએ થોડીક વાર મંદિર વિશે ચર્ચા કરી અને મહારાજ વિશે ચર્ચા કરી અને આમ ચર્ચા કરતાં કરતાં બંનેની આંખ મળી ગઈ... સવાર પડજો વહેલી...
હવે આગળ....
બીજે દિવસે પરોઢિયે ચાર વાગ્યે અપેક્ષાની આંખ ખુલી ગઈ તેને થયું કે જો મંદિરના દ્વાર ખુલ્લાં હોય તો અત્યારે બ્રહ્મ મૂહુર્તમાં મારે ભગવાન શ્રી સ્વામિનારાયણના દર્શન કરવા છે.
અંધારું ખૂબ હતું વાતાવરણમાં શુધ્ધતા અને નિરવ શાંતિ છવાયેલી હતી. અપેક્ષા પણ બિલકુલ ફ્રેશ મૂડમાં હતી. આમ તો મંદિરના પરિસરમાં અને ધર્મશાળાના પટાંગણમાં તેમજ મંદિરને આકર્ષક દેખાવ આપનારી તેને ગોળ ફરતે રંગબેરંગી લાઈટો ચાલુ જ હતી પરંતુ જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં ત્યાં અપેક્ષા પોતાના હાથમાં રહેલા મોબાઈલની ટોર્ચ ચાલુ કરી દેતી હતી.
દર્શન કરવાના જુસ્સામાં તે એક ધાર્યું ચાલે જતી હતી અને ધર્મશાળાના પટાંગણમાંથી ચાલતી ચાલતી તે બહાર આવી અને મંદિરના એક નંબરના ગેટ પાસે તેણે પહોંચવાનું હતું ત્યાં રસ્તામાં તેને એવો ભાસ થયો કે, દર્દ સભર ધીમા દબાયેલા અવાજે તેને પોતાની પીઠ પાછળથી કોઈએ બૂમ પાડી.
થોડી સેકન્ડ માટે તે સ્તબ્ધ થઈ ગઈ. આ સમયે અહીં યુ એસ એ માં અને તે પણ શ્રી સ્વામિનારાયણના મંદિરના ગેટની બહાર પોતાને કોણે બૂમ પાડી હોય.
તેને લાગ્યું કે મને ભાસ થઈ રહ્યો છે. અંધારું એટલું હતું કે પાછળ ફરીને જોવાની તેનામાં હિંમત પણ નહોતી.
તેણે પોતાની સ્પીડ થોડી વધારી પરંતુ ત્યાં તો પોતાની સ્પીડ કરતાં પણ ડબલ સ્પીડમાં કોઈ તેની પાછળ આવી રહ્યું હતું જેનો અવાજ પહેલા કરતાં વધારે નજીક હતો તેવું તેને લાગ્યું.
એ રડમસ અવાજમાં પહેલા કરતાં વધારે દર્દ હતું અને તેની નજીક પહોંચી ગયાની વધારે મક્કમતા હતી.
આ વખતે અપેક્ષા સભાન થઈ કે, ચોક્કસ મારો કોઈ પીછો કરી રહ્યું છે અને મને કોઈ બોલાવી રહ્યું છે.
તેણે પાછું વળીને જોયું તો જૂનો ગરમ ધાબડો લપેટેલો કોઈ શખ્સ તેની પાછળ પાછળ આવી રહ્યો હતો અને હવે તે પોતાની બિલકુલ નજીક ઉભો હતો.
તેને જોઈને જ તે ડરી ગઈ. સાડા ચાર ફૂટનો કોઈ એક યુવાન જેણે કપડા પણ ગંદા પહેરેલા હતા અને તેના શરીર ઉપર અને ચહેરા ઉપર પણ જાણે મેલના થર જામી ગયેલા હતા.
હવે આ માણસને જોઈને અપેક્ષાને વધારે ડર લાગી રહ્યો હતો તે જાણે ધ્રુજી રહી હતી પોતાની જાતે જ પોતાને કોશી રહી હતી કે તે શું કામ આવા અંધારામાં અહીંયા આવી હશે?

એટલું ઓછું હોય તેમ પેલો અજાણ્યો માણસ અપેક્ષાની બિલકુલ નજીક પહોંચી ગયો અને તેનો હાથ પકડી લીધો. પગથી માથા સુધી જાણે કરંટ લાગ્યો હોય તેમ તે લાકડા જેવી કડક થઈ ગઈ અને સજ્જડ બની ઉભી રહી ગઈ.
એક સેકન્ડ માટે તેને થયું કે તે દોડીને પાછી ભાગી જાય પરંતુ આવું કંઈ પણ કરે તે પહેલાં તો પેલા માણસે ફરીથી પોતાના મોંમાંથી દર્દસભર અવાજે અપેક્ષાનું નામ ઉચ્ચાર્યું.
હ્રદયના ઉંડાણમાં એક એવો ભાવ જાગ્યો કે આ અવાજ કંઈક જાણીતો છે અને ઘણી બધી વખત સાંભળેલો છે..
અને આ સ્પર્શ..
હા, આ સ્પર્શ પણ..
મેં ઘણી બધી વખત અનુભવેલો છે...
હવે અપેક્ષાના મનમાં ઝંખના જાગી..
કે આ દર્દભર્યા અવાજવાળું કોણ છે ??
જેને કારણે મારા દિલમાં ઝણઝણાટી વ્યાપી ચૂકી છે..
મારા પગ જમીનને ચીપકી ગયા છે..
મારા શરીર પરના રૂંવાડા જાણે તેનાં સ્પર્શને પીછાની રહ્યા હોય તેમ ખડાં થઈ ગયા છે..
"અપેક્ષા હું તારો ઈશાન છું.. ઈશાન..
ના ઓળખ્યો મને..??"
અને અપેક્ષા બે ડગલા પાછળ ખસી ગઈ..
તેના મોંમાંથી જાણે ચીસ નીકળી ગઈ, "ઈશાન.."
તેને લાગ્યું કે આ ઈશાનનું ભૂત છે..
તેના શરીરમાંથી કંપારી છૂટી ગઈ..
પરોઢની ચાર વાગ્યાની ઠંડકે પણ..
તેને આખા શરીરે પરસેવો પરસેવો છૂટી ગયો..
શું કરવું? ક્યાં જવું?
તેને કંઈ જ સમજાયું નહીં..
પોતે કોઈ ખરાબ સ્વપ્ન જોઈ રહી હોય તેવું તેને લાગ્યું..
અથવા તો કોઈ હોરર મૂવી..
"હે ભગવાન, આ બધું શું થઈ રહ્યું છે મારી સાથે?"
પોતાના બંને હાથ વડે તેણે પોતાનું માથું દબાવી દીધું..
જાણે તેના દિલોદિમાગમાં અચાનક કોઈ છવાઈ ગયું હોય તેમ..
તેણે પોતાની આજુબાજુ નજર કરી કે,
કોઈ દેખાય તો હું હેલ્પ માંગુ અને આ ભૂતથી મારો પીછો છોડાવું પરંતુ આખો રસ્તો સૂમસામ હતો ત્યાં તેની મદદે આવી શકે તેવું કોઈ નહોતું... જો કંઈ હતું તે ફક્ત અને ફક્ત ડર જ હતો..
વધુ આગળના ભાગમાં....
શું આ ઈશાનનું ભૂત હશે??
કે ઈશાન પોતે??
કે પછી કોઈ બીજું જે અપેક્ષાને હેરાન કરવા માંગે છે??
કે તેને ડરાવીને બ્લેકમેઇલ કરવા માંગે છે??
જોઈએ આગળના ભાગમાં શું થાય છે તે..
~ જસ્મીના શાહ 'સુમન'
દહેગામ
7/11/23