Sandhya - 15 books and stories free download online pdf in Gujarati

સંધ્યા - 15

સંધ્યાએ જોયું કે, સૂરજની રિંગ વાગી રહી હતી. એ એટલી બધી ચોંકી ગઈ કે એને થયું કે, હું કેમ વાત કરીશ? હિમ્મત એકઠી કરી એણે વાત કરવા ફોન ઉપાડ્યો હતો. ફોન જેવો ઉપાડ્યો કે, એ કાંઈ જ બોલી ન શકી. થોડી વાર બંને એકબીજાની હાજરીને અનુભવી રહ્યા. થોડીવાર બાદ સૂરજે કહ્યું, "આઈ લવ યુ સંધ્યા."

"આઈ લવ યુ સૂરજ" અંતે સંધ્યાએ બોલી જ નાખ્યું હતું. બંન્ને વચ્ચેની વાતોનો પ્રારંભ થઈ ગયો હતો. એક પછી એક એટલી બધી વાતો થવા લાગી કે રાત્રીના કેટલા વાગ્યા હતા એ પણ બંન્ને માંથી કોઈને ખબર નહોતી. બંન્ને આજ પહેલી વખત વાત કરી રહ્યા હતા પરંતુ વર્ષોથી બંન્ને એકબીજાને જાણતા હોય એવી લાગણી મહેસુસ કરી રહ્યા હતા. એક આત્મીયતાના તાંતણે બંન્ને બંધાય ગયા હતા. બેટરી લો નું બીપ મેસેજ વાગ્યો ત્યારે સંધ્યાને ધ્યાન ગયું કે, ખુબ મોડું થઈ ગયું છે. બંને કેટલા બધા સમયથી વાતો કરી રહ્યા છીએ. સંધ્યાએ કહ્યું, "સૂરજ ખુબ મોડું થઈ ગયું છે. હવે આપણે કાલ વાત કરશું."

"ઓકે. તમને જેમ ઠીક લાગે. તમારી અનુકૂળતા મુજબ મેસેજ કરજો." સૂરજે તરત જ સંધ્યાની વાતને સહમતી આપી હતી. અને બંનેએ ફોન મુક્યો હતો.

સંધ્યાને હરખમાં ઊંઘ આવતી નહોતી. એ વારંવાર સૂરજના શબ્દોને જ વાગોળી રહી હતી. એક ગજબનો સંતોષ આજ એ અનુભવી રહી હતી. આખરે પોતાના આ અહેસાસને માણતી ગાઢ નિદ્રામાં પોઢી ગઈ હતી.

આ તરફ સૂરજ પણ સંધ્યાની વાતો થકી એ જાણીને ખુબ ખુશ થઈ રહ્યો હતો કે, સંધ્યાને એ કોલેજ જતી વખતે મળ્યો એ પહેલાથી જ સંધ્યા એને પસંદ કરતી હતી. આગલી સાંજે જ એણે પોતાને એના ઘર પાસે જોગિંગ કરતો જોયો હતો. સંધ્યા પહેલેથી જ સૂરજને પસંદ કરતી હતી એ વાત સૂરજને ખુબ રોમાંચિત કરી રહી હતી. એ આ અહેસાસ સાથ જ ક્યારે ઊંઘી ગયો એનો એને ખ્યાલ જ નહોતો.

સૂરજ અને સંધ્યાના દિવસો આમ જ એકમેકના સંગાથે આનંદથી વીતી રહ્યા હતા. સંધ્યા પરિવાર, મિત્રો અને સ્ટડીની સાથોસાથ સૂરજને સમય આપી જ દેતી હતી. જોતજોતામાં રવિવાર આવી જ ગયો હતો. સૂરજ આજ એમના માતાપિતાને લેવા માટે ગામડે ગયો હતો. સૂરજને એક વાતની શાંતિ હતી કે હવે જયારે પપ્પા પૂછશે ત્યારે હું એમને જવાબ આપી શકીશ. સૂરજ પોતાના રૂમ પર એના માતાપિતાને લઈને આવી જ ગયો હતો. આજ સૂરજ ખુબ જ ખુશ હતો, કારણકે એની સાથે આજ એના માતાપિતા પણ હતા.

સૂરજના મમ્મી પપ્પાને સૂરજનું નાનું પણ સુઘડ ઘર ખુબ ગમ્યું હતું. એના મમ્મી તો સૂરજે રાખેલ ચોખ્ખાઈ જોઈને ખુબ ખુશ થઈ ગયા હતા. પોતાના દીકરાના વખાણ કરતા થાકતા નહોતા. બસ, આજ ક્ષણ નો લાભ લઈને સૂરજના પપ્પા ચંદ્રકાન્તભાઈ એમના ધર્મ પત્ની એટલે કે, રશ્મિકાબેનને બોલ્યા, "રશ્મિકા! આપણા દીકરાને તું જ પૂછ કે, આમ ચોખ્ખા ઘરમાં એકલું જ રહેવાનું છે કે કોઈને આ ઘરનો ભાગીદારી બનાવવાનો છે?"

"હા સાચી વાત છે તમારી. દીકરા તું હવે શું વિચારે છે? તારા પપ્પાને અને મને ખુબ ચિંતા થાય છે." રશ્મિકાબેને સાથ પુરાવ્યો અને સૂરજને પણ પૂછ્યું હતું.

સૂરજ એના મમ્મી પાસે જઈ ને બેઠો હતો. રશ્મિકાબેન ખુરસી પર બેઠા હતા અને સૂરજ એમની પાસે જમીન પર નીચે બેઠો ને મમ્મીને બોલ્યો, "મમ્મી મને એક છોકરી ગમે છે."

"અરે વાહ! દીકરા તે અમારી અડધી ચિંતા દૂર કરી દીધી. મારે એને મળવું છે. એનું નામ શું છે?" આતુરતાપૂર્વક રશ્મિકાબેન બોલ્યા હતા.

"અરે મમ્મી તું પુરી વાત તો સાંભળ.. મને બોલવા તો દે!"

"હા, બેટા મને બધું જ કહે."

"એનું નામ સંધ્યા છે. મારાથી ઘણી નાની છે. એ કોલેજના પહેલા વર્ષમાં જ છે. એના પપ્પા હું જે કોલેજમાં કોચિંગ કરું છું ત્યાં જ પ્રોફેસર તરીકે જોબ કરે છે. હું અને સંધ્યા એકબીજાને પસંદ કરીયે છીએ."

"જોયું તારું નામ લીધું એટલે પોપટ બોલવા લાગ્યો... હું પૂછીને થાક્યો પણ મને ન જ કહ્યું." ચંદ્રકાન્તભાઈએ પણ મજાક કરી જ લીધી હતી.

"ના પપ્પા! એવું નથી." એમ કહીને સંધ્યાનો ફોટો બતાવ્યો હતો.

રશ્મિકાબેન અને ચંદ્રકાન્તભાઈ બંનેને સંધ્યા ગમી હતી. સૂરજે ખુલાસો પણ કર્યો કે, સંધ્યાનો ભાઈ બધી જ વાત જાણે છે પણ એમના માતાપિતાને તમારે જ રજૂઆત કરવી પડશે. આમ અચાનક વાત થઈ ગઈ એટલે સૂરજના મનનો ઘણો ભાર ઉતરી ગયો હતો.

સૂરજે એ વાત પણ કહી કે, હું ને સંધ્યા અમુક દિવસોથી જ એકબીજાને જાણીયે છીએ પણ એક અલગ જ આત્મીયતા અમારી વચ્ચે છે. એ જે લાગણી છે એ જ મને ખાતરી અપાવે છે કે એ મારા જીવન સાથી તરીકે યોગ્ય છે. તેમ છતાં જો આપને એ પસંદ ન હોય તો હું ધરારથી એની જોડે તમારી મરજી વિરુદ્ધ નહીં જ પરણું, પણ એક વાત એ પણ છે કે હું એના સિવાય પણ કોઈની સાથે પરણી શકીશ નહીં.

"અરે બેટા! અમને તારી ખુશીથી વધુ કાંઈ જ નથી. તું ખુશ એટલે અમે ખુશ. અમારા માટે તું જ અમારી દુનિયા છો. તારો ચહેરો જોઈને જ તો અમે જીવીએ છીએ." ચંદ્રકાન્તભાઈએ પોતાના દીકરાને આવું કહી સૂરજના પ્રેમને લીલી ઝંડી આપી જ દીધી હતી.

"મને તો હવે સંધ્યાને રૂબરૂ મળવું છે તું હવે જલ્દી મારી એ ઈચ્છા પુરી કર!" રશ્મિકાબેન થોડા ભાવુક થતા બોલી રહ્યા હતા.

"હા, મમ્મી તમારી આ ઈચ્છા કાલે જ પુરી કરીશ. હું કાલે જ તમને બંનેને સંધ્યા સાથે મળાવીશ."

સૂરજ હજુ તો વાત જ કરી રહ્યો હતો ત્યાં જ સંધ્યાનો મેસેજ આવ્યો, "એ પૂછતી હતી કે તમારા મમ્મી પપ્પાને ઘર ગમ્યું?"

"અરે મારી જાન! એને ઘર જ નહીં, તું પણ એટલી જ ગમી. તારી વાત એમને મેં હમણાં જ કરી. તારો ફોટો એમને દેખાડ્યો હતો. બંને ખુબ ખુશ છે. એમને કાલે તને મળવું છે તું ક્યારે મળવા આવીશ?" સૂરજે એક સાથે મનનો બધો જ હરખ સંધ્યા પર મેસેજ થકી ઠાલવી દીધો હતો.

"અરે તું શું વાત કરે છે? કેમ આટલી ઉતાવળ કરી? એમ કેમ હું આવું? મારા મમ્મી પપ્પા પણ હજુ કઈ જ જાણતા નથી. હું એમ ન આવી શકું. તું વિચારને આ યોગ્ય કહેવાય?" ચિંતા રજુ કરતો સંધ્યાએ રીપ્લાય કર્યો હતો.

"તું કેમ આમ વાત કરે છે. શું તું આપણા સબંધ માટે તૈયાર નથી? તું જે પણ વિચારતી હોય એ સ્પષ્ટ કહે." સહેજ ગુસ્સા સાથે સૂરજે પૂછી જ લીધું હતું.

"આજ તું કેમ આમ અચાનક આવી રીતે વાત કરે છે? તું થોડું તો સમજ. હું તને શું કહું છું એ સમજવાનો પ્રયત્ન કરવાને બદલે તું ગુસ્સે થાય છે?" સામે સંધ્યાએ પણ જે ઠીક લાગ્યું એ લખી જ નાખ્યું.

"હું એમ વાત કરું છું? મેં તને શાંતિથી જ કીધું. તું વાત ને લાંબી કરે છે. તું ચોખ્ખી વાત નથી કરતી. મેં સ્પષ્ટ જ તને કીધું." સૂરજે ચોખવટ કરતો રિપ્લાય કર્યો હતો.

"અરે સૂરજ! હું શું કહું તને?" સંધ્યાએ રીપ્લાય કર્યો હતો.

"જે પૂછ્યું એનો જવાબ દે! તું આપણા સબંધ માટે તૈયાર નથી? ફરી સૂરજે ગુસ્સામાં લખી જ નાખ્યું હતું.

શું અમથી વાત બંનેના મનમાં ખટાશ ઉત્પન્ન કરશે?
શું આવનાર સમય કોઈ મુસીબત નોતરશે?

મિત્રો આપના પ્રતિભાવ આપી પ્રોત્સાહિત કરતા રહેશો. "સંધ્યા" ની સફરમાં જોડાવા બદલ દરેક વાંચકમિત્રોનો આભાર. ચાલો ફરી મળીશું નવા પ્રકરણમાં તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻🙏🏻