Sandhya - 18 books and stories free download online pdf in Gujarati

સંધ્યા - 18

પંકજભાઈની વાત સાંભળીને દક્ષાબહેનને પણ રાહત થઈ હતી. એમને સૂરજ પસંદ હતો જ અને સંધ્યામાં આવેલ અમુક દિવસોનું પરિવર્તન એમના ધ્યાનમાં હતું. આ પરિવર્તનમાં એ ખુબ જ ખુશ જણાઈ હતી, આથી દીકરીની ખુશી સામે બીજી બધી જ વાતો ગૌણ હતી. આ સંવેદનશીલ વાત પત્યાબાદ સંધ્યાના મનનો ભાર ખુબ જ હળવો થઈ ગયો હતો. સંધ્યાએ સુનીલ તરફ નજર કરી હતી. સુનીલના ચહેરાની રાહત સંધ્યાએ અનુભવી હતી. એને મનોમન વિચાર્યું કે, સુનીલે કેટલી સરળતાથી આખી ગંભીર વાત રજુ કરી દીધી હતી. બંન્નેએ એકબીજા સામે હળવું સ્મિત વેર્યુ હતું. બધા ઊંઘવા માટે પોતપોતાના રૂમમાં ગયા હતા.

સંધ્યાએ મોઢું ધોયું અને એ સુનીલના રૂમમાં ગઈ હતી. સુનીલ એના ચોપડાઓ ખોલીને વિચારમાં ગુચવાયેલ હતો એ સંધ્યા સમજી જ ગઈ હતી. સંધ્યા બોલી,"તે મારા મનની બહુ જ મોટી મુંજવણ દૂર કરી દીધી છે. હું ખુબ જ ભાગ્યશાળી છું કે મને તારા જેવો ભાઈ મળ્યો છે." એમ કહી સંધ્યા સહેજ રડું રડું થઈ જ રહી હતી. સુનીલ એનું મન કળી જ ગયો હતો આથી મસ્તી ના સુરથી બોલ્યો, તને દુઃખ હોય તો સૂરજને ના કહી દઉં?

આ સાંભળીને સંધ્યા હસી પડી હતી. એને હસતા જોઈ સુનીલ ફરી બોલ્યો, આ સૂરજે તને નાટક કરતા શીખવ્યું છે કે શું?

હવે સંધ્યા જાણી ચુકી કે, સુનીલને એ નહીં જ પહોંચી શકે. આથી કઈ જ કહ્યા વગર સંધ્યા હસતી હસતી પોતાના રૂમ તરફ જવા લાગી, આ જોઈને સુનીલે ફરી સંધ્યાને ચીડવતા કહ્યું, "ઓછી વાત કરજે હો! મને સૂરજની ઈર્ષા થાય!"

"એ હા..હો!" એમ કહી પાછળ ફરીને સંધ્યાએ મોં મચકોડતા કહ્યું હતું.

સૂરજ એમના પેરેન્ટ્સ સાથે વાત કરી જ રહ્યો હતો ત્યારે જ એના મોબાઈલમાં એક નોટિફિકેશન આવી. એ વાંચીને એ ખુબ ખુશ થઈ ગયો. એ મેસેજ સંધ્યાનો હતો. એ એટલો હરખમાં આવી ગયો કે એણે સીધો ફોન જ સંધ્યાને કરી દીધો હતો. સંધ્યા રિંગ ઉપાડતા બોલી,
"હેલ્લો સૂરજ!"

"તે મેસેજમાં કીધું એ બધું જ સાચું છે? ખરેખર તારા પેરેન્ટ્સ રાજી છે? બોલ ને! હું ખુબ આતુર છું, કે ને યાર!" એકસાથે સૂરજ આતુરતાપૂર્વક પૂછવા લાગ્યો હતો.

"હા, સુનીલે એકદમ સરળતાથી વાતને રજુ કરી અને મારા પેરેન્ટ્સે એનો સ્વીકાર પણ કર્યો. મને પણ આ બધું આટલી ઝડપથી થશે એ કલ્પનામાં પણ વિચાર નહોતો. તું અંદાજો લગાવે એનાથી પણ વધુ હું ખુશ છું. હું તને મારા જીવનમાં પામીને પોતાને ખુબ ભાગ્યશાળી સમજુ છું. કુદરતે તને મારા જીવનમાં મોકલીને જીવનનું સૌથી મોટું સુખ મને આપી દીધું છે." આટલું બોલતા સંધ્યા પહેલી વખત સૂરજ સામે સહેજ ઢીલી પડી ગઈ હતી.

"અરે તું કેમ આમ ઢીલી પડે છે! હજુ તો આપણું જીવન શરૂ જ થયું છે. તું જોજે આપણું લગ્નજીવન દરેકને એક પ્રેરણા આપે એવું હશે! હું દુનિયાની દરેક ખુશી તારા ચરણોમાં મૂકી આપીશ."

"મને બીજું કઈ જ નથી જોઈતું, તું જ મારે માટે સર્વત્ર છે. લવ યુ સૂરજ!"

"લવ યુ ટૂ ડાર્લિંગ."

"ચાલ ફરી કાલ મળશું. બાય!"

"ના કાલ નહીં, હમણાં જ આવું છું તારા સપનામાં."

"સારું." એમ કહી સંધ્યા હસવા લાગી હતી.

સંધ્યાએ ફોન તો મૂકી દીધો પણ સૂરજના એક એક શબ્દ હજુ એના કાનમાં ગુંજી રહ્યા હતા. સંધ્યાની ખુશી ચરમસીમાએ પહોંચી ગઈ હતી. એ પોતાના ભાગ્યથી ખુશ થતી ઊંઘી ગઈ હતી.

સૂરજે ફોન મૂકીને એમના પેરેન્ટ્સને સંધ્યાએ જે વાત કરી એ રજુ કરી હતી. તેઓ બંન્ને સાંભળીને ખુબ જ ખુશ થઈ ગયા હતા.

સંધ્યા બીજે દિવસે સવારે કોલેજ જઈને પોતાના ગ્રુપને બધી જ વાત કરે છે. આખું ગ્રુપ આ જાણી ખુબ જ ખુશ થઈ ગયું હતું. બધા જ સંધ્યાની ખુશીમાં ખુશ હતા.

સૂરજ અને સંધ્યાના દિવસો આમ જ રાજી ખુશીથી વીતવા લાગ્યા હતા. પંકજભાઈ અને દક્ષાબહેન સૂરજના ઘરે એમને વહેવારીક વાત કરવા રૂબરૂ મળ્યા હતા. વડીલોએ ભેગા થઈને યોગ્ય મુરતમાં સૂરજ અને સંધ્યાની સગાઈની તારીખ નક્કી કરી હતી. દિવસો ખુશીના હતા આથી ખુબ ઝડપથી વીતવા લાગ્યા હતા.

સૂરજ અને સંધ્યાની સગાઈ ખુબ ધામધૂમથી કરવામાં આવી હતી સંધ્યાનું ગ્રુપ અને સૂરજના અમુક મિત્રો તેમજ બંનેના પરિવારના સંબંધીઓની હાજરીમાં આજે સૂરજ સાથે સંધ્યાના જીવનની નવી સફર શરૂ થઈ હતી. બંન્ને ખુબ જ ખુશ હતા. એ બંનેની જોડી એટલી સુંદર દેખાઈ રહી હતી કે દરેકના મોઢેથી એ વાત સરી જ પડે કે, એ બંને એકબીજા માટે જ બન્યા છે!

સૂરજ અને સંધ્યાના સાથે ફોટો પાડીને રાજ અને અનિમેષ અનેક ફની એડિટિંગ વિડિઓ બનાવીને ગ્રુપમાં શેર કરીને સંધ્યાને પજવવાની મોજ માણતા હતા.

સગાઇ પત્યા બાદ સંધ્યાને એના સાસરે બે દિવસમાટે તેડી ગયા હતા. સંધ્યાએ આ ઘુમા ગામના ઘરમાં પહેલીવાર પ્રવેશ કર્યો હતો. ઘર ખુબ મોટું હતું, પણ એકદમ જુનવાણી હતું. સંધ્યાને રાજકોટ વાળા જ ઘરે રહેવાનું હોવાથી આ ઘરમાટે કઈ વધુ વિચારવું એને જરૂરી લાગ્યું નહોતું. સંધ્યાના સાસરીમાં આ બે દિવસો ખુબ ઝડપથી પસાર થઈ ગયા હતા. એ સૂરજની પનાહમાં ખુબજ ખુશ હતી.

સૂરજ અને સંધ્યા એમનો સગાઇ પછીનો આ સમય ખુબ આનંદથી વિતાવી રહ્યા હતા. સંધ્યાની પ્રથમ વર્ષની પરીક્ષા પણ આવી ગઈ હતી. સંધ્યા જોઈએ એટલું ધ્યાન ભણવામાં આપી શકતી નહોતી પણ પાસ તો થઈ જ જશે એ વાતની એને ખાતરી હતી.

સંધ્યાની પરીક્ષા અને સૂરજની ટુર્નામેન્ટ બંને એજ સમય દરમિયાન હતું. બંને એમાં ખરા ઉતર્યા હતા. આમ સંધ્યાનું પ્રથમ વર્ષ અને સૂરજનું જોબનું પ્રથમ આનંદમાં પસાર થઈ ગયું હતું.

પંકજભાઈ અને દક્ષાબહેને હવે સંધ્યાના લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. સુનીલ પણ હવે જોબ શોધી રહ્યો હતો. સમય એની રફ્તારથી વીતી રહ્યો હતો.

સૂરજે પોતાને પરવડે એવો બે બેડરૂમનો ફ્લેટ લઈ લીધો હતો. સૂરજના પેરેન્ટ્સ પણ હવે સુરજ સાથે રહેવા આવી ગયા હતા. સંધ્યાને વાર તહેવારે સાસરી તરફથી ભેટ આવતી રહેતી હતી. આ સગાઈ બાદ પહેલી નવરાત્રી માટે સંધ્યાને ફરી સાસરે તેડાવી હતી.

સંધ્યા અને સૂરજ બંન્ને ગરબા રમવાના ખુબ જ શોખીન હતા. બંને ઘણી ખરી બાબતોમાં સમાનતા ધરાવતા હતા. એ બંનેને એકમેકની સંગાથે ગરબામાં ઝુમવાની ખુબ મજા પડી હતી. આ નવરાત્રીમાં બંનેએ મનભરીને ગરબા રમવાનો આનંદ ઉઠાવ્યો હતો.

નવમાં નોરતાની રાત્રે રમીને સૂરજ અને સંધ્યા પોતાના મિત્રોથી જુદા પડીને સૂરજના ઘરે પહોંચ્યા હતા. આજે આખરી રાત સંધ્યાની સાસરે હતી. દશેરાની બપોરે ફરી સંધ્યા એના પિયર આવી જવાની હતી. આ નવ દિવસ બંન્ને સાથે જ રહ્યા હોવાથી હવે આવનાર જુદાઈ બંનેથી સહેવી કઠિન હતી. સૂરજના પેરેન્ટ્સ થોડીવાર એ લોકો સાથે બેઠા પછી ઊંઘી ગયા હતા. સૂરજ અને સંધ્યા બંને હવે એકલા પડ્યા હતા.

સૂરજ સંધ્યાની સામે બેઠો હતો. એ સંધ્યાને એક નજરે જ જોઈ રહ્યો હતો. સૂરજ પ્રેમભરી નજરે સંધ્યાને જોઈ રહ્યો હોવાથી સંધ્યા રોમાંચ સાથે શરમાઈ રહી હતી. સૂરજે સંધ્યાની સ્થિતિને જાણીને એના ચહેરાને પોતાના બંન્ને હાથો વડે પકડ્યો અને નજરને સંધ્યાના આંખ પર કેન્દ્રિત કરી. સંધ્યાએ પોતાની આંખને મીંચીને સૂરજના બંને હાથના સ્પર્શને અનુભવવા લાગી હતી. સંધ્યાના હોઠ પર સૂરજે પોતાના હોઠને બીડીને એક પ્રગાઢ ચુંબન કર્યું હતું. આજે પહેલી વખત બંનેએ એકબીજાના સ્પર્શનો અહેસાસ કર્યો હતો.

કેવા હશે સંધ્યા અને સૂરજના લગ્ન?
સંધ્યાના લગ્નજીવનનો સફર કેવો હશે?

મિત્રો આપના પ્રતિભાવ આપી પ્રોત્સાહિત કરતા રહેશો. "સંધ્યા" ની સફરમાં જોડાવા બદલ દરેક વાંચકમિત્રોનો આભાર. ચાલો ફરી મળીશું નવા પ્રકરણમાં તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻🙏🏻